ત્રણ

ઉદયન સાથે આજે ચર્ચા કરતી અમૃતાને જોઈને અનિકેતને લાગ્યું કે અમૃતા વિશેની પોતાની ધારણા ભ્રામક હતી. અથવા એણે અમૃતા વિશે જે અમુક ધારી લીધું હતું તે જ બરોબર થયું ન હતું. પૂર્વનિશ્ચિત ધારણાથી કોઈને સમજવું બરોબર નથી. એના વર્તનથી જ સાચો પરિચય મળી શકે. પરંતુ વર્તન તો પ્રાસંગિક હોય છે. તેના પરથી વ્યક્તિત્વનાં સાતત્ય ધરાવતાં પાસાંનો પરિચય મળી શકે? એમ ન થઈ શકે તો વર્તન પણ ભ્રામક છે. ધારણા પણ ભ્રામક… અનુભવ પણ ભ્રામક… તો સાચું શું? પરંતુ સત્ય પણ ધારણા છે ને? ધારણા વિના હું ચલાવી નહીં શકું.

જે નીરસતાથી, જે ઉગ્ર લાપરવાહીથી, જે કટુ તર્કોથી એ ઉદયનને જવાબ આપી રહી હતી તે જોતાં અનિકેત સંવાદમાં નિષ્ક્રિય બની ગયો અને તટસ્થભાવે સાંભળી રહ્યો. એ તટસ્થતાને પણ એ જીરવી ન શક્યો એણે આગ્રહપૂર્વક ચર્ચા બંધ કરાવી.

ઉદયન ઉત્તરોત્તર ઉદાસ થતો ગયો. એના ચહેરા પર ગુનો કર્યાની ઝાંખપ પ્રગટ થવા લાગી.

અનિકેતના આગમન પછી જે માધુરી રૂમના વાતાવરણમાં સ્થાન ગ્રહણ કરવા લાગી હતી તે ઉદયનના અસ્તિત્વને પ્રતિકૂળ લાગી નથી. નાસ્તો પૂરો કર્યા વિના જ એ ઊભો થઈ ગયો હતો. આ બંનેથી વારંવાર દૂર ખસી જતો એ પોતાને જોઈ રહ્યો હતો.

સિગારેટ સળગાવીને એ હીંચકા પર બેઠો ત્યારે એને પ્રશ્ન થયો હતો કે અમૃતાને આમ પીડવાનો મને શો અધિકાર છે? અમૃતાએ તે દિવસ પોતાના સ્વતંત્ર્ય અંગે મને જે પ્રશ્ન પૂછ્યો છે તે પણ હજુ નિરુત્તર જ રહ્યો છે, ત્યાં મને આ શું સૂઝયું? કેમ સૂઝયું?

એની અશાંતિ વધી ગઈ હતી. ત્યાં તો એકાએક અમૃતાએ બંધ થયેલી ચર્ચા શરૂ કરી દીધી —

‘ધાર્યું ન થતાં ઘણા માણસો આત્મહત્યા કરે છે, ઘણા નહીં તો કેટલાક તો ખરા જ.’

આ વખતે ઉદયને જ ચર્ચા રોકવા ઇચ્છયું —

‘બસ અમૃતા, મહેરબાની કર. એ ચર્ચા હવે રહેવા દે. આજે હું તારાથી પરાભવ પામ્યો છું.’

‘પરાભવ પામ્યાનો એકરાર કરીને એનું પણ ગૌરવ ન લે તો પછી ઉદયન, ઉદયન નહીં.’

મુખવાસ સામે ધરતાં અનિકેત બોલ્યો. અમૃતા હસી પડી. એ જોઇને ઉદયન ખડખડાટ હસી પડ્યો. મહમદ બેગડાનો અભિનય કરતાં રંગભૂમિ પર એ હસતો હતો એ રીતે—વાદળની ગર્જના સમું એ હસી પડ્યો. ઉદયનના આ બુલંદ ખડખડાટ પર અનિકેત મલાકાયો. ઉદયન તો અમૃતાને ભોંઠી પાડવા હસ્યો હતો પણ એને તો વિપરીત ઉત્તર મળ્યો. અનિકેતના ઊંડા મલકાટથી એ વધુ અકળાયો.

શાંતિ. શાંતિ એટલે કે અવાજનો અભાવ તેથી વાસ્તવમાં તો અશાંત શાંતિ.

‘ઈન્ટરવ્યૂનો જવાબ મળી ગયો કે બાકી છે?’

‘મળી ગયો.’

‘શું?’

‘નોકરી.’

‘અભિનંદન.’

‘આભાર.’ એણે જોયું કે અમૃતા કંઈ બોલી નહીં.

‘તારા કામનો પ્રકાર કેવો રહેશે?’

‘છ માસ ભારતમાં, છ માસ જાપાન, ઈન્ડોનેશિયા, સિલોન, બ્રહ્મદેશ વગેરેમાં ગાળવાના. જ્યાં સળગતું હોય ત્યાં જોવા દોડી જવાનું અને તેના પર લખવાનું. ફોટા પણ પાડવાના.’

‘તેં જવાબ આપ્યો?’

‘મેં કહ્યું છે કે ઑકટોબરથી જોડાઈ શકીશ. વચ્ચે એકાદ મહિનો બેસી રહેવાની ઇચ્છા છે. જોઉં છું તે વખત ઇચ્છા થઈ તો જોડાઈ જઈશ.’

‘અત્યારથી નિર્ણય લેવામાં શો વાંધો છે?’

‘મને દેશપાર કરવામાં તને રસ લાગે છે.’

‘તારે મન તો ક્યાં દેશ અને વિદેશ ભિન્ન છે? હું તો માત્ર નિર્ણય લેવાનું કહું છું. હા કે ના, જે કહેવું હોય તે અત્યારે જ કહી દે, જેથી એ લોકોને તો અનુકૂળતા થાય.’

‘એમની અનુકૂળતાની ચિંતા તું શું કરવા કરે છે ભલા? અમૃતાને એકલી મૂકીને મુંબઈ છોડવું મને ગમે કે કેમ તે પ્રશ્ન છે.’

‘એને સાથે લઈ જજે.’

અમૃતા હાલી ઊઠી. માથું ઊંચું કરીને એ બોલી —

‘હું એની સાથે ન જાઉં. મને ક્યાં ખોઈને આવે એની એને ખબર ન રહે.’

‘એવું તે હોય અમૃતા! તારે ખાતર હું આખું પૂર્વ એશિયા ખોવા તૈયાર છું.’ ઉદયને એ રીતે કહ્યું કે અનિકેતને સાચું લાગે.

‘ચાલો, પાનાં રમીએ.’ ઉદયન ઊભો થતાં બોલ્યો.

‘ક્યાં છે પાનાં? હું તો રાખતો નથી.’

‘મેં આજે ગાડીમાં ખરીદ્યાં હતાં. ત્રણ છોકરીઓ ફાટેલાં પાનાંથી રમતી હતી. મને લાગ્યું કે આ બરોબર થતું નથી. એક સ્ટેશન પર ઊતરીને દોડતો પત્તાંની નવી જોડ ખરીદી લાવ્યો. એમને આપવા લાગ્યો. લોકો કેવાં હોય છે! એકે જણી અડી પણ નહીં. મને ગુસ્સો ચડ્યો. થયું કે હવે કોઈ સારું સ્ટેશન આવે કે તરત ત્રણેયને પ્લેટફોર્મ પર ઉતારી દઉં અને બારણું બંધ કરી દઉં. પછી કહું કે જગ્યા નથી, બીજા ડબ્બામાં જાઓ. અથવા જયાં જવું હોય ત્યાં જાઓ, મારે શું? એ પ્રમાણે વિચારતો હતો ત્યાં ઉપરના પાટિયે સૂતો એક જૈફ મને દેખાયો. એ ઊંઘતો હતો છતાં વચ્ચે વચ્ચે જાગીને છાનોમાનો એ છોકરીઓની ગણતરી કરી લેતો હતો.

મેં પાનાં ધર્યા તે પછી પેલીઓ જૂનાં પાનાથી પણ રમી શકતી ન હતી. એમને પાન ખાવાની એવી ટેવ હતી કે સ્ટેશને સ્ટેશને પાન મંગાવે. બીજી ટેવ પણ હતી. એવી કે હસતાં હસતાં હોઠ દાબીને એક બીજી સાથે ઘૂંટણ ભટકાવે અને કોઈક વાર તો કમર પાછળ હાથ લઈ જઈને ચૂંટલી ભરે… એમાંની એક જણીએ મને પાન આપ્યું. મેં ખાઈ લીધું. એ કંઈક શિક્ષિત લાગતી હતી. તે મારી પાર્ટનર થઈ અને અમે રમવાનું શરૂ કર્યું. અડધા કલાક સુધી હું એમની સાથે ધ્યાનથી રમ્યો અને જીતતો રહ્યો પણ પછી એ લોકોના પારસ્પરિક કેટલાક ચાળા જોઈને કંટાળ્યો. જોયા વિના પાનાં નાંખતો ગયો અને જીતતો ગયો. પાછળથી ખબર પડી કે સામા પક્ષવાળી પોતાનો હાથ થયો હોય તોપણ મારી ઢગલીમાં ગોઠવી દેતી હતી. હું એમની એ સ્વૈચ્છિક હારથી કંટાળ્યો. બીજા ડબ્બામાં જઈને બેઠો. મને થયું સ્ત્રીઓ કેવી હોય છે! મને એવો ક્રોધ ચડ્યો કે અહીં આવીને અમૃતાને સ્ત્રી જોઈને મેં એક તમાચો લગાવી દીધો.’

‘સાચી વાત છે, અમૃતા?’

‘એને આગળ બોલવા દો. બોલ, પછી શું થયું?’

‘પછી અનિકેત આવ્યો. ચાલો જવા દો એ વાત. મને પાનાં રમવાનો સંતોષ થયો નથી. તમારી ઈચ્છા ન હોય તોપણ રમીએ. એક બાજુ તમે બંને અને એક બાજુ હું. ડમી રમીએ. દર વખતે સર હું બોલીશ. તમે બંને મળીને મને હરાવી જુઓ.’

‘અને હારી ગયો તો?’ અમૃતાએ પૂછયું.

‘હું હારી શકું જ નહીં. પાનાં રમવાની બાબતમાં હું કૂટનીતિજ્ઞ છું. આ એક જ ચીજ એવી છે જેમાં સત્યાસત્યનો ભેદ બાજુ પર રાખીને હું આગળ વધી શકું છું તમારા લોકોની ભાષામાં કહું તો હું આ ક્ષેત્રમાં અનીતિ કરીને વિજેતા બની શકું છું. બાકી તમે લોકો જાણા છો કે જીવનમાં તો આપણે પરમ નીતિવાન પુરુષ રહ્યા. આધ્યાત્મિક વ્યક્તિ, વ્યકિત નહીં વિભૂતિ…’

‘શા માટે એ શબ્દોની મશ્કરી કરે છે?’

‘તને શબ્દો પર દયા આવી?’

‘ના, તારા પર.’

‘મારા પર દયા! હે મમતામયી દેવી! તમારો કૃપાપ્રસાદ મને ન ખપે. અને હું આ શબ્દોની મશ્કરી કરું છું તેનો અર્થ પણ મારે આપને સમજાવવો પડે છે એ જોતાં તો આપ જ દયાપાત્ર કહેવાઓ. એ અને બીજા એવા શબ્દોની હું મજાક ઉડાવતો રહીશ. કારણ કે હું જીવું છું તે સમાજમાં તો દંભ ઉપર છત્રછાયા ધરીને એ શબ્દો ઊભા છે. હું એમનો મૂલોચ્છેદ કરી દેવા માગું છું.’

‘હું વચ્ચે બોલું?’

‘આપણી ચર્ચામાં આને ભાગ લેવા દઈશું અમૃતા?’

અમૃતાએ નહોતું હસવું પણ એનું ચાલ્યું નહીં.

‘કહે છે કે સ્ત્રીઓનું મૌન સંમતિસૂચક હોય છે. તો તું બોલી શકે છે અનિકેત, તને વચ્ચે પડવાની છૂટ છે.’

‘આભાર. તો સાંભળ: આ સમાજ અને આ વિશ્વ તને નથી ગમતાં તેનું કારણ તું પોતે છે. પહેલાં પોતાને ઓળખવાની જરૂર છે કારણ કે આ તારું બર્હિવિશ્વ પણ તારા અંતર્ગત વિશ્વનો વિભાવ છે. તેથી સાચું વિશ્વ તો તારી ભીતર વસે છે. પોતાનાથી વિખૂટું પાડેલું એવું આ બહારનું તું જે જુએ છે તે તો માત્ર ભ્રમ છે.’

‘દાખલા તરીકે અનિકેત અને અમૃતા મારા માટે ભ્રમ છે. ખરું ને?’

‘હા, અમે તારા માટે ભ્રમ જ રહીશું જો તું પોતાને નહીં ઓળખે તો!’

‘હું પોતાને ઓળખું છું. હું ઉદયન છું પુરુષ છું. મારામાં પોતાનું એવું પ્રચંડ બળ છે. હું કોઈ પણ વંચકને માફ કરતો નથી. હા, હું ઉદાર પણ છું અને તેથી તો તમારા જગતમાં જીવું છું.’

‘પછી?’

‘સાંભળવું જ છે?’

‘હા.’

‘તો સાંભળો. કાન ખોલીને સાંભળો. મને અત્યાર સુધી બે માણસ પર વિશ્વાસ હતો: અમૃતા અને અનિકેત પર. પરંતુ એ પણ સહુના જેવાં નીકળ્યાં. ઊંડાં, ચતુર… વ્યભિચારી.’

અનિકેતની આંખમાં રકિતમ જ્વાળા પ્રગટી. એનું રુધિર પ્રજ્વલિત થઈ ઊઠયું. એના જમણા હાથની નસો ખેંચાઈ ચૂકી હતી. પણ એણે ખુરશીનો હાથો પકડી રાખ્યો હતો. હાથને છૂટવા ન દીધો. ખુરશીનો હાથો બાજુ પર નમવા જતાં તૂટી ગયો. એ અમૃતાએ જોયું. ઉદયને પણ જોયું. બંનેએ જુદું જુદું અનુભવ્યું.

કશુંક એવું છે જે અનિકેતને ઉતાવળ કરતાં રોકી શકે છે. હા, એવું છે જ. જે એને રોકી શકયું. અનિકેતને પ્રતીત થયું કે એવું કંઈક છે જ.

એ દાદર ઊતરીને નીચે પહોંચી ગયો. આંટા લગાવવા લાગ્યો. આગળ વધ્યો. પાનવાળાની નજર પડી.

‘સાહેબ, પાન નહીં લો?’

‘ભલે. ત્રણ પાન આપો.’

પાન લઈને અનિકેત પાછો વળ્યો. એ દાદર ચડી રહ્યો હતો ત્યારે એની કલ્પનાસૃષ્ટિમાં એક અનિકેત વૈતરણી પાર કરી રહ્યો હતો.

ઉદયન જોરથી હીંચકા ખાઈ રહ્યો હતો. એને પાન આપવા અનિકેત નજીક ગયો. એના પગને ભટકાઈને હીંચકો રોકાયો.

અમૃતા બારી બહાર નજર કરીને ઊભી હતી. અનિકેતના આવ્યા પછી પણ એ એમ જ ઊભી રહી. તેથી અનિકેત એની પાસે જઈને ઊભો રહ્યો. પાન આપ્યું. અને પાછો વળ્યો. ઉદયનની પાસે, અડીને એ હીંચકા પર બેઠો. બોલ્યો —

‘આજે મેં તને માફ કર્યો.’

‘આભાર.’

‘એવી કોઈ ભૂલનું પુનરાવર્તન ન થાય.’

‘જેવી આજ્ઞા.’

અનિકેતે સામે જોયું. એની ખેંચાયેલી કાળી સુદીર્ધ ભ્રમર જોઈને ઉદયન નીચું જોઈ ગયો.

‘માણસનો વ્યવહાર બે દિશામાં છે. એક પોતાના તરફનો અને બીજો અન્ય તરફનો. પહેલી દિશામાં વર્તન પરત્વે તું સ્વતંત્ર છે. બીજી દિશા ગ્રહણ કરી હોય ત્યારે અન્ય સકળના સ્વાતંત્ર્યને પણ સ્વીકારવાનું હોય છે. હું પોતાના માટે સ્વાતંત્ર્ય માગું છું તેની સાથેસાથે વિશ્વ સમગ્રનો સ્વાતંત્ર્યનો હક સ્વીકારી લઉં છું. તું મને અને અમૃતાને હમણાં જે ઈલકાબ આપી બેઠો તેનું કારણ આ બીજી દિશામાં તું ધ્યાન નથી રાખતો એ છે. હું જોઈ રહ્યો છું કે વિવેકના અભાવે તારી પ્રતિભાનો ક્ષય થવા લાગ્યો છે. તું સાવધ નહીં થાય તો… તો… પરિણામ વખતે તારો એકમાત્ર મિત્ર પણ કદાચ આંસુ નહીં સારે.’

‘પરિણામોની ચિંતા કરવાની મને આદત નથી મિત્ર!’

‘કારણ કે એ પોતાનાં પરિણામોનો નિયંતા પોતાને માને છે.’ આવતાં આવતાં અમૃતાએ કહ્યું.

‘હું પરિણામમાં નહીં, કર્મમાં માનું છું. Self-made destinyમાં માનું છું.’

‘ફકત માનવાથી ન ચાલે. પ્રતીત પણ થવું જોઈએ, અનુભવ દ્વારા.’

‘મારું અનુભવ-જગત તારા કરતાં ઘણું મોટું છે. મેં દુનિયા જોઈ છે, જાણી છે. હું અનુભવેલું બોલું છું. તારી જેમ ઉછીનાં મૂલ્યોને ઉચ્ચારવામાં જીભ ઘસતો નથી. મને આ જગતનો અનુભવ થઈ ચૂક્યો છે. મને એનો સારાંશ સમજાઈ ચૂક્યો છે.’

‘અત્યારથી તેં સારાંશ પણ તારવી લીધો? પોતાના માટેની આશા છોડી દીધી?’

‘એટલે, તું મને શું પૂછે છે? હું કંઈ સંન્યાસ લેવાનો નથી.’ સાંભળીને અનિકેત અને અમૃતા બંને હસી પડ્યાં.

‘એટલું જ નહીં, હું જીવવાનો પણ છું. મારી સામે પ્રલયનાં મોજાં ધસી આવતાં હશે તો એમનાથી ભયભીત થઈને બાજુ પર ખસી નહીં જાઉં, એમને જીવીશ. પ્રલયના છેલ્લા મોજાની છાલક સુધી જીવીશ અને ત્યાં સુધી તારા આ સાગરની ખારાશ પિવાશે એટલી પીતો રહીશ. હું ઉપર તરીશ, મને મોતીની કામના નથી તેથી એ સાગરમાં નીચે ઊતરવા પોતાનું સ્થાન છોડીશ નહીં. હા, એની ખારાશ પીતો રહીશ.’

અનિકેત ઊભો થયો. કબાટમાંથી પુસ્તક લઈને વાંચવા બેઠો. અમૃતા ઉદયનને સંબોધીને બોલી —

‘તને તો હળાહળ પી જનારા શંકરની કક્ષાના વિચારો આવે છે.’

‘પણ હું શંકરની જેમ પ્રતિષ્ઠિત થઈને કૅલેન્ડરોમાં મારા ફોટા છપાવવા ઇચ્છતો નથી.’

‘તું કંઈ ઓછો શંકરની જેમ સ્માર્ટ છે? તું તો જાણે કે કોઈક ગોરો યમરાજ! વેજીટેબલ ઘીવાળા પણ તારા ફોટા છાપીને કશું ખાટી ન જાય.’

‘મારો કૅમેરા ખોવાઈ ગયો અમૃતા. હવે તારો વાપરવો પડશે. મુંબઈથી આવતાં આખી સૂટકેસ જ કોઈક ઉપાડી ગયું, મારો ભાર હળવો કર્યો. પેલી વાર્તા પણ ગઈ. કેમ આ સમાચાર સાંભળીને તું દુ:ખી ન થઈ?’

‘તારો કૅમેરા હવે કોઈ તારાથી સારી દષ્ટિવાળા માણસના હાથમાં આવે તો આનંદની વાત છે. અને વાર્તા તો આમેય કોઈ છાપે તેવી ન હતી.’

‘શું હતું વાર્તામાં?’ અનિકેતે પૂછયું.

‘અરે ખાસ કંઈ નહીં, ફકત ભાષા. આખી વાર્તા નિચોવતાં એમાંથી આટલું નીકળે — એક પુરુષ અને એક સ્ત્રી. ચાલતાં ચાલતાં સાપ બની જાય છે. અને તળાવના કાદવમાં છુપાઈને અદશ્ય બને છે.’

‘તેં કરી આપેલો અર્થ સાંભળીને તો મને વાર્તા લખવાનું છોડી દેવાનું મન થાય છે. પણ ના હું તો લખીશ જ. પેલી વાર્તાને નવ અવતાર અપીશ, જેમાં એક સાપ અને એક ર્સપિણી મનુષ્યનો અવતાર ધારણ કરશે. શહેર સુધી આવી પહોંચશે. ત્યાં ડામરની સડકો પર નોળવેલની શોધ કરતા એક નોળિયાને પકડશે અને બંને જણ બે બાજુથી એને ગળવા લાગશે. તે પછી…’

‘અંતથી પણ તું તો વાર્તાને આગળ લઈ ગયો.’

અનિકેતની ટીકા ઉદયને સાંભળી નહીં. અમૃતા બોલી –

‘નોળિયો તો સાપ અને ર્સપિણી બંનેને પહોંચી વળે. તારી વાર્તાનો અંત પ્રતીતિજનક નથી.’

‘બોલી ઊઠી : પ્રતીતિજનક નથી! અરે મુગ્ધે! એ જ તો મારી વર્તાની ચમત્કૃતિ છે. જરા વિચાર તો કરવો હતો, ડામરની સડક પર નોળિયો નોળવેલ ક્યાંથી લાવે? હવે સાપનો જ વિજય છે, સમજી? કોઈ અકવિએ કહ્યું છે ને- સમય સમય બલવાન હૈ…’

‘ચાલો હવે આ ચર્ચાનું સમાપન કરીએ. આવા હાસ-પરિહાસને અંત પણ નથી. કારણ કે એમાં સામાને ન સમજવો એ જ એકમાત્ર લક્ષ્ય હોય છે. બોલો, બાલારામ જવા સવારે કેટલા વાગ્યે નીકળવું છે? ત્યાં સાંજ સુધી રોકાશું. બરોબર?

‘કાલની વાત કાલે. અત્યારે શું છે?’ — ઉદયન.

‘મારી ઈચ્છા નથી, તમે બંને જઈ આવો. હું અહીં જ રોકાઈશ.’

‘એવું ન ચાલે, નહીં તો હું તારું હરણ કરીશ. એવું ખોટું નહીં લગાડવાનું, નહીં તો મુંબઈમાં એકલી પડી જશે.’

‘મુંબઈ આવું જ નહીં તો?’

‘તો શું તું એમ માને છે કે મુંબઈ અહીં આવશે? કેવી મૂરખ છે! હું તને પ્રસન્ન કરવાની ચાવી જાણું છું. અનિકેત, તું ગીત ગા. તારા અતિથિવિશેષ તરીકે મારી માગણી છે કે ગીત ગા. ‘અતિથિ દેવો ભવ’ એ સૂત્ર તને યાદ હશે જ તેથી તું ના પાડી શકે તેમ નથી.’

‘તું સાંભળશે કે સમજશે?’

‘સાંભળીને ઊંઘ આવી જાય એટલું બધું એ મધુર હોવું ન જોઈએ અને સમજતાં વૈરાગ્ય આવી જાય એટલું બધું પ્રેરક હોવું ન જોઈએ. આ શરત તું પાળશે તો હું સાંભળીશ પણ ખરો, સમજીશ પણ ખરો. પણ હા, ફકત આજનો જ દિવસ, પછી નહીં. તું જાણે છે ગીત મને સદતાં નથી.’

‘તો સાંભળ, સાંભળો –

અપો મુજને અધિક વેદના

એ જ આપણી પ્રીતિ.’

ઉદયન સાંભળી રહ્યો હતો, અમૃતા સમજી રહી હતી. ઉદયનને સમજાતું ન હતું એમ નહીં, પણ એને આમાં સમજવા જેવું કંઈ લાગ્યું નહીં.

ત્રીજા પ્રહરની રાત વહી રહી હતી. ગીત પૂરું થયું ત્યાં સુધી ઉદયન શિસ્તબદ્ધ બેસી રહ્યો, પછી ઝડપથી બગાસાં ખાવા લાગ્યો. ગીત સાંભળતી વેળા એ સદા ઉદાસીન શ્રોતા બની રહે છે. એનું માનવું છે કે વર્તમાન વિશ્વમાં ગીતની રચના શક્ય નથી. તેથી ગીત લખવાં ન જોઈએ. જે લોકો ગીત લખે છે તેઓ લાગણીવશ માણસો છે. તેમને સુવર્ણયુગના પ્રતિનિધિ તરીકે જ જીવવાનો અધિકાર છે. વર્તમાન વાસ્તવિકતા સાથે એમને કંઈ લેવાદેવા નથી. ગીતમાં જો કંઈ પણ સાંભળવા જેવું હોય તો માત્ર એનો લય, જેથી ભૂતકાળની — જેનો વિનાશ થયો છે તેની યાદ આવે અને વર્તમાનથી પૂરતા હતાશ થઈ શકાય. થયા વિના આપણાથી હવે કશું થઈ શકે તેમ નથી. આજે આપણે સંશયાત્માઓ છીએ. પણ અર્જુન જેવા નહીં. એની પાસે તો પથપ્રદર્શક હતા, ગીતાકાર હતા. આપણે આપણા સંશયનો ઉકેલ સ્વયં મેળવી લેવાનો છે. ગીતાકારનું લાંબું વકતવ્ય સાંભળવાનો આપણી પાસે સમય પણ નથી. વળી, અહીં સામે ઊભેલાનો સંહાર કરવાની જરૂર પણ નથી, જરૂર છે પોતાનામાં પ્રવેશીને કાયમ થઈ ગયેલાં મુગ્ધતા અને વ્યામોહનાં તત્ત્વોને દૂર કરવાની; જરૂર છે આરોપિત શ્રદ્ધાઓ અને સંસ્કારોનાં કવચ ઉતારી નાંખવાની. એ કવચ આપણા શરીર સાથે એકરૂપ થઈ ગયાં હોય તો એમને ઊતરડી નાંખવાનાં છે. એમને ઊતરડી નાખતાં જરાય વેદના ન થાય એવો મક્કમ નિરધાર કરીને પોતાને નિર્ભ્રાંત કર્યા વિના ચાલે તેમ નથી. સામે છે તે સકળની સંવિત પામવાનો પુરુષાર્થ કરવાનો છે. વિરોધીઓ હવે સામો પક્ષ છોડીને આપણા કોઠામાં પ્રવેશી ચૂક્યા છે. અભિમન્યુ જેવા અનેક પુરુષાર્થો સાતમા કોઠે પડી ભાંગે તો તેથી નિરાશ થઈ જવાનું નથી. સંશયનો સચ્ચાઈથી ઉકેલ નહીં શોધીએ તો વિનાશ થવાનો છે. અર્થાત્ હવે તો સાચા સંશયાત્માઓ જ જીવશે. જેનામાં સંશય છે તે જ સમસ્યાને મૂલત: સમજી શકશે. પોતાની જિજ્ઞાસા તુષ્ટ ન થાય ત્યાં સુધી એ મથ્યા કરશે. જે સંશયાત્મા નથી, અબોધ શ્રદ્ધાળુ છે તે તો વ્યામોહ પામીને ગુરુ કને નતમસ્તક ઊભો રહેશે. આપણે ગુરુ પાસે જવાના નથી. આપણાથી મોટો એટલે કે ગુરુ હવે કોઈ બચ્યો નથી. આપણા રક્તમાં ભળી ગયેલી પરંપરાગત અશુદ્ધિઓ કોઈ પરંપરા કે સંસ્કૃતિની પ્રેરણાથી દૂર થવાની નથી. અનેક અનુભવો થયા છતાં હીરોશીમા અને નાગાસાકીની રમત હજી કેમ રમ્યા કરીએ છીએ એ તપાસવાનું છે. કારણ કે હીરોશીમા અને નાગાસાકી આપણા વર્તમાનની સિદ્ધિઓનાં પ્રતીક છે અને એ પ્રતીક એવાં છે. જે સ્વયં ઘટના પણ છે. વર્તમાનની સમગ્ર જવાબદારી આપણે માથે છે. આ જવાબદારી જે ન સમજે તે જ ગીત રચી શકે. તે જ સીમિત લીલાક્ષેત્રમાં રમમાણ રહી શકે. આખા ગીતમાં માત્ર એક ધ્રુવપંકિત જ આલાપાતી હોય છે. એ આલાપ પાછળ ખર્ચવાનો સમય હવે આપણી પાસે નથી. આપણે તો પ્રત્યેક શબ્દમાં આગળ વધવાનું છે. આવર્તનો સાંભળવાથી કશું વળવાનું નથી. ગીત લખવાથી કશું બચવાનું નથી… ગીત પોતે પણ નહીં બચે. કારણ કે એ કેવળ ઉદ્ગાર છે, મુગ્ધ ઉદ્ગાર. આપણે તો વિધાન કરવાનું છે…

આ વિચારો ઉદયન પહેલાં પણ પ્રગટ કરી ચૂક્યો છે. અનિકેત અને અમૃતા આ વિચારોથી વાકેફ છે. તેથી આજે મનમાં ફરી જાગી ઊઠેલા આ વિચારો એણે વ્યક્ત કર્યા નહીં. અને એમ ન કરવા એ બંધાયેલો પણ હતો. આખું ગીત સહન કરી લેવાની એણે પહેલાંથી તૈયારી બતાવી હતી.

… વેદના માગે છે! વેદના માગે છે કે અમૃતા? માગવાથી તો કશું નહીં મળે. એ માટે સંઘર્ષ કરવો ઘટે. ધૂળ. હવા, અને ઝાંખરાંનું નાનું તોફાન રોકવા — રણ રોકવા નીકળ્યા છે! એનું રણ માત્ર ભૌગોલિક છે. ભીડમાં પડછાયાઓ હોય તેવું અડાબીડ કાળું રણ માણસના હૃદયમાં ફૂંકાઈ રહ્યું છે. તેને રોકવામાં રસ નથી. જે એક અમૃતાને પૂર્ણપણે છોડી શકતો નથી તે વેદનાને શું સમજવાનો, શું પામવાનો?… ઉદયન ઊભો થયો અને પલંગ પર જઈ બેઠો. પછી સૂઈ ગયો. અમૃતા અત્યાર સુધી સાચવી રાખેલા મૌન સાથે બાજુના રૂમમાં ગઈ. અનિકેત વાંચી રહ્યો છે.

License

અમૃતા Copyright © by @રઘુવીર ચૌધરી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.