‘બેસો, સાહેબ!’ અર્વાચીનાએ બારી પાસેની પેલી બાવાળી ખુરશી ચીંધી.
ધૂર્જટિ તો ઊભો જ રહ્યો. ન બેઠો.
‘બા-બાપુજી બહાર — તમારે ત્યાં જ ગયાં છે.’
અર્વાચીનાએ વાતચીત કરવા પ્રયત્ન કર્યો.
અંતે ધૂર્જટિએ આસન સ્વીકાર્યું એટલે… ‘આજે આમ કેમ છે આ!’ એટલું મનમાં બબડી અર્વાચીનાએ એક પ્રોફેસરને પરાસ્ત કરવાનું પેલું અમોઘ શસ્ત્ર આદર્યું : ‘આ હાથમાં કોની ચોપડી છે? જોઉં?’
‘એ બતાવવા જ આવ્યો હતો.’ કળ દાબતાં ઢાંકણું ખૂલે તેમ ધૂર્જટિની જીભ ખૂલી ગઈ : ‘ઈશ્વર વિશે છે.’
‘ઈશ્વર વિશે?’ અર્વાચીનાની આંખો ઝીણી થઈ ગઈ. કોઈ સામાન્ય કાળી આંખો ઝીણી થાય તોપણ માણસ મૂંઝાય એવું હોય છે, તો આ તો અર્વાચીનાની આંખો!
‘ઈશ્વર…’ અર્વાચીના કાંઈક યાદ કરી રહી હતી.
‘ઈશ્વર!… ઈશ્વર!… ગોડ! તે છે એમ આ લેખકે સચોટ રીતે સાબિત કરી બતાવ્યું છે! તેનું એમ કહેવું છે કે જેમ માણસને લાગતી તરસ તે…’ અને ધૂર્જટિ બહુ જ આગળ નીકળી ગયો હોત, પણ અર્વાચીનાએ બહુ જ મીઠું હસીને કહ્યું, ‘લાવું છું, સાહેબ!’
‘શું?’ ધૂર્જટિએ પૂછ્યું.
‘પાણી…’ કહી અર્વાચીના અંદર જતી રહી.
‘…ફરી વળ્યું!’ ધૂર્જટિએ મનમાં પૂરું કર્યું.
‘આજે કોઈ આ દલીલ સાંભળવા તૈયાર નથી. મને એમ કે અર્વાચીના…’ આમ ધૂર્જટિ વિચારતો બેઠો હતો તે દરમ્યાન અર્વાચીના પાણી લઈને આવી. ‘મેં પાણી માગ્યું હતું?’ ધૂર્જટિએ અર્વાચીના પાણી લઈને આવી એટલે પૂછ્યું.
‘તરસની વાત કરતા હતાને એટલે.’ અર્વાચીનાએ યાદ કરાવ્યું.
‘એ તો આ ચોપડીમાંની ચર્ચાના અનુસંધાનમાં.’ ધૂર્જટિએ દોર હાથમાં લેતાં કહ્યું : ‘બાકી મને તરસ લાગી નહોતી.’
‘ત્યારે મારી પાસે શું માગ્યું?’
અર્વાચીનાએ માંડ બે ફૂટના અંતરેથી પૂછ્યું. તે બાપુજીના હીંચકે બેઠી હતી. કદાચ તેથી જ તેને આવો પ્રશ્ન સૂઝ્યો…
આ બાજુ ધૂર્જટિનું આખુંય અસ્તિત્વ હીંચકે ચઢ્યું હતું. શું બોલવું તે તેને સૂઝતું ન હતું. સામે અર્વાચીના માંજરી આંખે જોઈ રહી હતી, અને પૂછતી’તી : ‘તરસ નહોતી લાગી ત્યારે મારી પાસે શું…?’ ધૂર્જટિએ અર્વાચીના સામે ધારીને જોયું. નરી આંખે તો તેમને એક છોકરીથી વધુ શું દેખાય? સહેજ સોનેરી છાંટવાળા વાળ, લગભગ તેવા જ રંગની ભ્રમરો, માંજરી આંખો, નમણું નાક, સરળ મોં, સાડી, પગની મુલાયમ પાનીની ઝલક, આછેરી પીંછીથી આંકેલી કેટલીક છટાઓ… છોકરી. બીજી પળે ધૂર્જટિ પોતે પણ આ છોકરી જ હોય તેવું તેને થઈ આવ્યું. આ શું? આ છોકરીને ને મારે શું? હું કોણ? ધૂર્જટિ! મારો ઇતિહાસ જુદો, મારું અસ્તિત્વ, મારા વિચારો… હું જુદો… આ જુદી… ને… પાછું આમ કેમ? ન સમજાયું.
‘કેમ બોલતા નથી!’ અર્વાચીનાના પ્રશ્ને ધૂર્જટિને જગાડ્યો. આના અવાજમાં મેં… અર્વાચીનાના અવાજના તાણાવાણામાં એક ક્ષણભર રમી ગયેલા એક રેશમી સળવળાટને જકડી રહેવા ધૂર્જટિથી હાથ લંબાવવો બાકી રહી ગયો… હશે? ધૂર્જટિએ ઊચું જોયું. અર્વાચીના સામે… તેની આંખમાંથી નીકળતા પ્રકાશમાંનું એક કિરણ, તેમને અત્યંત નવું, તથા અત્યંત જૂનું લાગ્યું… બીજી પળે… ક્યાં ગયું? અર્વાચીનાના મોં પર સ્મિત હતું… હતું?… પોતાને શું જોઈએ છે તેની ધૂર્જટિને સ્પષ્ટ ખબર ન હતી… પણ આજે તે અર્વાચીનામાં કાંઈક શોધી રહ્યો હતો… અને તેને તે જડી જડીને ખોવાઈ જતું હતું… વરસાદના વાદળા પર પોતે જ મેઘધનુષ્ય ચીતરીને સૂર્ય એમ માની બેસે કે વાદળું પોતે મૂળથી જ કાળું નહિ પણ આવું સપ્તરંગી છે તેવું ધૂર્જટિ માની બેસતો અને બીજી પળે અર્વાચીના તો તેની તે જ હતી.
‘આજ કાંઈ જ બોલવું નથીને, સાહેબ?’ અર્વાચીનાએ ફરીથી પૂછ્યું.
‘બેસી રહ્યો, નહિ?’ છેવટે ધૂર્જટિએ ઔપચારિક દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું : ‘શું બોલું?’
‘ગમે તે… પેલી ઈશ્વરની સાબિતી…’ અર્વાચીનાએ સૂચન કર્યું.
‘ઈશ્વરની સાબિતી… ઈશ્વરની સાબિતી…’ પ્રોફેસરે હાથ મસળતાં કહ્યું : ‘શું સાબિતી, અર્વાચીના?’ તેના શબ્દોમાંની છાલક અર્વાચીનાને ભીંજવી રહી…
અર્વાચીના પ્રયત્નપૂર્વક તેમાંથી બહાર નીકળી, કોરી થઈ, વાત આગળ ચાલવા લાગી…
‘તમે કાંઈક કહેતા હતા ને કે જેમ માણસને તરસ લાગે છે તે…’
‘ઓહો! એ…’ ધૂર્જટિને પોતાની અંદર જાણે કોઈ સમૂળી ક્રાન્તિ થઈ ગઈ હોય તેવું અથ્યારે લાગતું હતું. ઈશ્વર… સાબિતી… શબ્દો… દાખલા… દલીલો… કવિતા… કહેવતો… વિચારો… અર્થો… અર્થ?… શાનો અર્થ?… શી ખબર…!
અને આ દુનિયામાં ડૂબકી મારી ફરી પાછો ઉપર આવ્યો, તો અર્વાચીના!… પેલું શોધતો હતો તે!… છે?… નથી?… ડૂબકી?… આ?… કે પેલી?
‘મૂકોને એ વાત.’ છેવટે ધૂર્જટિએ કહ્યું.
‘હું પણ એ જ કહું છું, ઈશ્વર હોય કે ન હોય, આપણે શું? કેમ?’
‘અને આપણે પણ હોઈએ કે ન હોઈએ, ઈશ્વરને શું? કેમ?’ ધૂર્જટિને આ શબ્દોની રમતથી સ્વસ્થતા મળી.
‘ઈશ્વર! અરે ઓ… ઈશ્વર? ક્યાં ગયો! ઈશ્વર!’ સામેની બારીમાંથી એક મા જેવી દેખાતી બાઈ બહાર ઝૂમી, સોર પાડી રહી હતી.
‘આવ્યો…’ નીચે સડક પરથી છોકરાનો છુટ્ટો, સહેજ છકેલો જવાબ ઊઠ્યો.
‘દીકરો હશે!’ ધૂર્જટિએ અર્વાચીનાને ઉદ્દેશી.
‘ના! નોકર છે.’ અર્વાચીનાએ જણાવ્યું.
‘ઈશ્વર! ઈશ્વર!’ ધૂર્જટિએ હસતાં હસતાં કહ્યું : ‘ઠીક ત્યારે. હું જાઉં.’ કહી તે ઊઠવા માંડ્યો.
‘બસ! ઉતાવળ છે?’ અર્વાચીનાએ કહ્યું.
‘ના… પણ જઉં.’ પોતાના કાંડાના ઘડિયાળના ચંદા સામે જોતાં ધૂર્જટિએ કહ્યું… જોયું તો ઘડિયાળના ચંદો આમ જાણીતો કેમ લાગે છે? આનો ચહેરો… આમાંય એની એ… અર્વાચીના… ‘ઈશ્વર! ઈશ્વર!’ કરતો ધૂર્જટિ ચાલતો થયો.
અર્વાચીના તેમને જતા જોવા બારીએ આવી. ધૂર્જટિ આમ તો જતો હતો, પણ અર્વાચીનાને તો તે અત્યારે આવતો લાગ્યો… પોતાના જીવનમાં.