૧૫

આ બનાવોને એકાદ અઠવાડિયું થઈ ગયું. એપ્રિલ-મેના પ્રખર તાપમાં અમદાવાદની સડકો પીગળતી ચાલી. કહે છે, આ તડકા વર્ષાવવા પાછળ કુદરતનો મૂળ હેતુ અમદાવાદી અમીરોનું દિલ પિગળાવવાનો હોય છે, પણ પીગળે છે માત્ર સડકો…

સમી સાંજનો સમય છે. ચંદ્રાબા એક ચોપડી વાંચતાં બેઠાં છે. ધૂર્જટિ આટલામાં લટાર લગાવવા જરા બહાર ગયો છે, એટલામાં વિનાયક આવી ચઢે છે.

‘કેમ, ચંદ્રાબા! શું ચાલે છે? જટિ ક્યાં?’

ચંદ્રાબાએ ચોપડીમાંથી ઊચું જોયું.

‘અરે, આ શું?’ કહી વિનાયક લગભગ સહસા કહેવાય તે રીતે ચંદ્રાબા પાસે બેસી ગયો. ચંદ્રાબાની આંખમાં ચોમાસું બેસી ગયું હતું. એમની આંખો સજળ બની ગઈ હતી…

‘કેમ આમ?’

‘વિનાયક!’

વિનાયકે જવાબમાં માથું હલાવ્યું.

‘સારું થયું તું આવ્યો તે, ભાઈ!’

— ચંદ્રાબાએ તેને અપૂર્વ હેતથી કહ્યું.

‘ચંદ્રાબા! તમને આવા લાગણીના ‘‘મૂડ’’માં પહેલી વાર જોયાં.’ વિનાયકે મમતાથી કહ્યું.

‘કાંઈ યાદ આવ્યું છે?’ વિનાયકે પૂછ્યું.

‘યાદ તો… શું આવે?’ કહી ચંદ્રાબા આછું હસ્યાં.

‘ત્યારે?’

‘નકામું, અમસ્તું.’ કહી ચંદ્રાબાએ પહેલાંનો હળવો મિજાજ મેળવવા પ્રયત્ન કર્યો; પણ આજે બાહ્યોપચારનો બુરખો તેમને બંધબેસતો થતો જ ન હતો.

‘જટિ ક્યાં ગયો?’ વિનાયક ચંદ્રાબાને સ્થિર કરવા માગતો હતો. ત્યાં તો…

જટિનું નામ પડતાં ચંદ્રાબાની આંખો ફરી પાછી છલકાઈ ગઈ અને વિનાયકને જરા સમજ પડવા માંડી.

‘એકલાંને અણગમો આવ્યો હશે, કેમ?’ વિનાયકે હળવેથી પૂછ્યું.

‘એકલાંને?… એકલી ક્યાં છું, વિનાયક?’

‘હા! એકલાં તો કેમ કહેવાય!’ ચંદ્રાબાના પ્રશ્નમાંના ધ્વનિને ફરી પાછો ઉપસાવતાં વિનાયકે કહ્યું.

‘જોને! અત્યારે જ જોને! તું છે, મારા ભાઈ છે, તેમનાં છોકરાં છે, ભાભી છે… મારે ઘણાં બધાં છે.’ ચંદ્રાબાના ચહેરા પરની ભંગીઓ આગળ ભાષા હારી જતી હતી.

વિનાયક પળભર ચંદ્રાબા સામે એકીટશે જોઈ રહ્યો.

‘જટિ રહી ગયો, ચંદ્રાબા!’

જવાબમાં ચંદ્રાબાએ પોતાના ખોળામાં પડેલી ચોપડીનું પૂઠું ઉકેલવા માંડ્યું. વિનાયક સાથે આંખ મેળવવા જેટલી તેમની તૈયારી ન હતી.

વિનાયક પણ જરા વિચારે ચઢ્યો. થોડી વાર બંને જણાં મૂંગાં જ રહ્યાં.

‘જટિ આવતો જ હોવો જોઈએ.’ છેવટે ચંદ્રાબાએ ઘડિયાળ તરફ ફરી કહ્યું.

‘એમ?’ વિનાયકે બેધ્યાન રીતે કહ્યું.

‘કોના વિચારો કરે છે, વિનાયક? શ્રીમતીના?’

‘તમારા!’ વિનાયકે ચંદ્રાબાને સીધું જ કહ્યું. તે ગંભીર થઈ ગયો હતો. અને વિનાયક ગંભીર થાય ત્યારે…

‘મારા વિચારો?’ ચંદ્રાબાએ પૂછ્યું. તેમને તે ગમ્યું હતું.

‘તમારા ભવિષ્યમાં મને રસ પડ્યો છે.’ વિનાયકે કૃત્રિમ વાચાળતાથી કહ્યું.

‘મારી ઉંમરે અને મારી પરિસ્થિતિએ પહોંચેલી સ્ત્રીને ભવિષ્ય ન હોવું જોઈએ.’

‘ભવિષ્ય હોવું ન હોવું એ આપણી પસંદગીની વાત નથી, ચંદ્રાબા! તમારે ભવિષ્ય છે એટલું જ નહિ, પણ મારી દૃષ્ટિએ તો મહત્ત્વપૂર્ણ છે.’

‘કેમ? કેવી રીતે?’

‘આપણે સાથે જ છીએ ને, ચંદ્રાબા! વખત આવ્યે બતાવીશ.’

‘પણ અત્યારથી જ જરા સૂચન તો કર. મને મદદ થાય, કદાચ!’ ચંદ્રાબાએ નિર્દોષતાના દેખાવ સાથે પૂછ્યું.

‘માનવવ્યક્તિત્વ મોટું કે કુદરતી નિયમ મોટા, તે તમારા દાખલા પરથી સમજાશે.’ વિનાયકે નાટકીય આડંબર સાથે કહ્યું, કેમ કે લાગણીની ગંભીરતાથી બંને જણાં બચવા માગતાં હતાં.

‘જોજે ત્યારે!’ ચંદ્રાબાએ વિનાયકનો પડકાર ઝીલતાં હોય તેમ કહ્યું, અને આવેશ સાથે તે બોલતાં ગયાં : ‘ચંદ્રાબાને તું હજુ ઓળખતો નથી, વિનાયક! જટિને જતો રહેતો જોઈ દુ:ખ જરૂર થાય છે, પણ…’ આંસુ સાડીના છેડાથી લૂછી નાખતાં તેમનાથી વધુ બોલાયું નહિ.

વિનાયક ચૂપ જ રહ્યો.

‘ચંદ્રાબા જટિની સુશિક્ષિત મા છે, અભણ નિરક્ષર મા નથી.’ સહેજ આકર્ષક એવા ગુમાનથી ચંદ્રાબાએ વિનાયકને કહ્યું. પણ આજે વિનાયક પણ ચડસ પર હતો.

‘શી ખબર!’ તેણે એટલું જ કહ્યું. ચંદ્રાબાએ તેના પર તોફાનને વાત્સલ્યથી આવરી લીધું.

‘બાકી મને એકાદ શીશી આપોને!’ વિનાયકે નવા જ અવાજે કહ્યું.

‘શીશી? શું કામ છે?’

‘તમારાં આંસુ ભરી લેવાં છે.’

‘શો ફાયદો?’

‘મારી પ્રયોગશાળામાં પૃથક્કરણ કરવું છે કે આમાં આનંદના કેટલા અંશ અને દુ:ખના કેટલા!’

ચંદ્રાબા હસી ઊઠ્યાં. વાતાવરણ હળવું થઈ ગયું.

‘એમ કરજેને, જટિનાં લગ્ન પછી ડોલ લઈને જ આવજેને!’ ચંદ્રાબાએ ખુલ્લા અવાજે કહ્યું.

‘એક ટુવાલ પણ લેતો આવજે.’ ધૂર્જટિએ બારણામાં દાખલ થતાં પૂરું કર્યું.

‘આપ કોણ?’ વિનાયકે ચંદ્રાબાને ધૂર્જટિની ઓળખ માગતાં પૂછ્યું.

‘એ મારો પુત્ર…’

‘સુપુત્ર…’ ધૂર્જટિએ સુધારો કર્યો.

‘એ મારો સુપુત્ર પ્રોફેસર ધૂર્જટિ.’ ચંદ્રાબાએ ઓળખ આપી.

‘અર્વાચીના મળી કે નહિ?’ વિનાયકે સીધો ઘા કર્યો.

ધૂર્જટિ તેને જવાબ આપ્યા વિના જ કપડાં બદલવા ચાલ્યો ગયો.

અને ધૂર્જટિ પાછો આવે તે દરમ્યાન ચંદ્રાબાએ અર્વાચીનાનાં બા-બાપુજી સાથે થયેલી પેલી વાતચીત પણ વિનાયકને કરી દીધી. પરિણામે પાછા ફરતાં તરત જ ધૂર્જટિને વિનાયકનો વિરોધ કરવો પડ્યો.

‘જો, વિનાયક! પ્રદર્શનમાં કોઈ ચીજ સામે તાકી રહ્યો હોય તેમ મારી સામે જ જો!’

છતાં વિનાયક તો…

*

License

આપણો ઘડીક સંગ Copyright © by દિગીશ મહેતા. All Rights Reserved.