આભાર

આ વાર્તામાંની રમૂજ કોઈને જરા પરદેશી લાગશે, એની શૈલી કોઈક જગ્યાએ લઢણવાળી, એનું અનુભવક્ષેત્ર વધુ પડતું વિશિષ્ટ.

…અને છતાં આપણા સાહિત્યના સંદર્ભમાં સાચવી રાખવા જેવું એકાદ તત્ત્વ એમાંથી મળી જ રહેશે, એ આશાએ એને આગળ કરી છે. જોઈએ.

કોઈ, ગામની શાળા-લાઇબ્રેરીના ખૂણે, તો કોઈ, કોલેજના કોમન રૂમની ખુરશીએ, તો કોઈ શહેરની એકાદ પોતાની કરી દીધેલી હોટેલની શીળી છાયામાં–એમ વિધવિધ રીતે, નવું સાહિત્ય આલેખતા મારા જેવા મારા અનેક મિત્રોને એટલું કહી શકું કે : ‘‘આપણા ઇંગ્લાંડ-અમેરિકામાં તેમ અહીં પણ લખી-વાંચીને પોતપોતાની જાતને શોધી શકાય ખરી. શરૂઆતમાં ધારતા હતા એટલું બધું નિરાશાજનક વાતાવરણ નથી?’’

સર્વશ્રી અનંતરાય રાવળ, ધીરુભાઈ ઠાકર, બાલાભાઈ, નટુભાઈ રાજપરા, વળી, યશવંતભાઈ શુક્લ–આ બધાની હૂંફે જ મને આવો આશાવાદી બનાવ્યો, આવી પ્રતીતિ કરાવી, એમનાં અનન્ય સમજ-સહકાર સિવાય આ પુસ્તક તો શું, આ દિશામાં કોઈ પણ પ્રગતિ અશક્ય જ બની હોત.

છેલ્લે, ‘સંસ્કૃતિ’માં મારાં પહેલાં જ લખાણોને સ્થાન આપી મને આ ક્ષેત્રે અનિવાર્ય એવો આત્મવિશ્વાસ અપાવનાર, સાથેસાથે આત્મીયતાથી વખતોવખત સર્જનની શિસ્ત સમજાવનાર મુ. ઉમાશંકરભાઈ પ્રત્યેની મારી ઊંડી માનભરી લાગણી અહીં વ્યક્ત કરું તો ઉચિત જ લેખાશે.

શ્રી શંભુભાઈ અને ‘ગૂર્જર’નો આભારી છું.

7, ગુજરાત સોસાયટી, અમદાવાદ-7

તા. 21-20-’62

દિગીશ મહેતા 

License

આપણો ઘડીક સંગ Copyright © by દિગીશ મહેતા. All Rights Reserved.