રેલવેસ્ટેશન શહેરનું હૃદય કહેવાય. તેમાંથી જ નવું લોહી આવે અને જૂનું લોહી જાય; નવા લોકો આવે, જૂના લોકો જાય… જોકે કેટલીક વાર એવું પણ બને કે જૂનું લોહી આવે અને નવું લોહી જાય. પણ આ આવ-જા તો રેલવેસ્ટેશન જ ચાલુ રાખે!

ઠીક ત્યારે…

સ્થળ : રેલવેસ્ટેશન

સમય : સાંજનાં પાંચ

પાત્રો : મુસાફરો અને બિન-મુસાફરો, જેમાં અર્વાચીના અને તેના બાપુજી એક બાંકડા ઉપર બેઠેલાં તરી આવે છે.

ટ્રેન પ્લૅટફોર્મ પર આવતાં જ પિતાપુત્રી ઊભાં થઈ જઈ સ્વજનની શોધમાં નીકળી પડે છે, અને એ શોધ દરમ્યાન–

‘બાપુજી! પ્રોફેસર!’ અર્વાચીનાનો સાદ ઊઘડી ગયો.

‘અરુ! હું હેડમાસ્તર છું, પ્રોફેસર નહિ!’ — બાપુજી.

‘…ના, તમે નહિ… પેલા!’ અર્વાચીનાએ ભીડમાં પણ આગળ ચલાવ્યું. ‘પેલા… ચોપડીઓની દુકાન પાસે!’

‘એ તો પોર્ટર છે!’ પિતાજીએ હવે ઝીણી નજરે જોતાં કહ્યું.

‘એ અમારા પ્રોફેસર છે.’

‘પણ… પોર્ટર જેવું કાંઈક પહેર્યું છે ને?’

‘એ તો એવું બુશ-શર્ટ પહેર્યું છે. એ જ… એ જ.’

‘પણ તારાં બાને આપણે તેડવા આવ્યાં છીએ, અને તે તો દેખાતાં નથી!’

‘એય એ બાજુ જ મળી જશે, બાપુજી! ચાલોને, હું અમારા પ્રોફેસર સાથે તમારી ઓળખાણ કરાવું.’ અને અર્વાચીના બાપુજીને ધૂર્જટિ પાસે ખેંચી જવા લાગી. બા નથી આવ્યાં એમ માની તેમની શોધ હવે બંને જણાંએ ઢીલી મૂકી.

‘કેમ, સર!’ અર્વાચીના પ્રોફેસરની નજીક આવતાં જ હવામાં શબ્દો ફોડવા મંડી.

‘ઓ હો હો…’ પ્રોફેસર ધૂર્જટિ બોલી ઊઠ્યા. ‘પ્રથમ વર્ષ વિનયન કે?’ તેમણે ચોકસાઈ કરતાં પૂછ્યું.

‘જી… અર્વાચીના…!’ અને આ મારા બાપુજી!’ ઓળખાણ આપતાં તેણે ઉમેર્યું.

‘જય! જય!’ ધૂર્જટિએ હાથ જોડતાં કહ્યું.

‘જય! જય!’ બાપુજીએ વળતો હુમલો કર્યો.

‘ક્યાંથી અત્યારે સ્ટેશન ઉપર, સાહેબ!’ અર્વાચીનાએ ઔપચારિક રીતે પૂછ્યું.

‘તમે ક્યાંથી?’ પ્રોફેસરે સામો પ્રશ્ન કર્યો. ‘બહારગામ જવાનાં?’

અર્વાચીનાએ ખુલાસો કરતાં કહેવા માંડ્યું, ‘અમારે તો બહારગામ નથી જવું, પણ એક સ્વજન આવવાનાં છે, તેમને તેડવા આવ્યાં છીએ. લ્યોને, કહી જ દઉં. મારાં બા આવવાનાં છે!’

‘એટલે કે મારાં પત્ની આવવાનાં છે!’ બાપુજીનું એ સૂત્ર હતું કે વચનેષુ કિં દરિદ્રતા?

‘ઓહો… એમ? આપનાં પત્ની… એટલે કે તમારાં બા… આવવાનાં છે?’ ધૂર્જટિએ બાપુજી તરફ અર્વાચીના તરફ ફરતાં ઉમેર્યું, ‘મારાં પણ માતુશ્રી આવવાનાં છે. એમને લેવા જ આવ્યો છું.’

…અને એટલામાં તો અર્વાચીના અને તેના બાપુજીની નજર સહેજ દૂરથી આવતાં આધેડ વયનાં એક સન્નારી પર સ્થિર થઈ ગઈ.

‘આવી ગઈ!’ અર્વાચીના આનંદથી નાચી ઊઠી.

‘આવ્યાં!’ બૂચસાહેબે પણ ડૂબતા અવાજે હકીકતને સ્વીકારી લીધી.

બંને જણાં સામેથી આવતાં ‘બા’ જેવાં જણાતાં બાનુ પર ધસી ગયાં, એટલું જ નહિ, પણ એક યા બીજી રીતે તેમને ભેટી રહ્યાં. ધૂર્જટિ અજાણતાં જ આ આનંદના પૂર સામે તણાયો. આમેય તે પણ ‘બા’ને જ તેડવા આવ્યો હતો ને? પોતાનાં નહિ તો…

‘બા!’ અર્વાચીનાએ સ્વાગતનો ઉદ્ગાર કર્યો, જેના જવાબમાં તેનાં રેલવે-શ્રમિત બાએ નવાઈ નીતરતા અવાજે તેની બાજુમં શોભતા, અને પોતાની ઉપર ઘેરાતા એવા ધૂર્જટિ તરફ ફરી પૂછ્યું,

‘અરુ! આ કોણ છે?’

ધૂર્જટિના હાથમં અર્વાચીનાનાં માતુશ્રીના હાથમાંથી હેતેથી લઈ લીધેલી પેલી થેલી હજુ તો હાલતી હતી. પહેલી નજરે તો તેને એમ જ લાગેલું કે આખીય ટ્રેન માતુશ્રીથી જ ભરેલી છે અને તેમાં તેનો વાંક પણ ન હતો. બધી માતુશ્રીઓ એવી તો એકસરખી હોય છે!

‘આ કોણ છે, અરુ!’ બાની આંખમાંથી હજુય આ પ્રશ્ન વરસતો હતો.

ધૂર્જટિ તેની ઝડી નીચે અકળાતો હતો. ‘આ છોકરી હવે ઓળખાણ આપે તો સારું…’ તેને થયું, ‘પણ છોકરી એટલે જ છેતરામણી. ખરે વખતે છૂટી પડે તો? સારું છે કે શેક્સપિયરે મને ચેતવ્યો છે…’

આવા ધૂર્જટિના વિચારો તેના મોં પર વર્તાતા હશે કે કેમ, પણ હવે તો કોઈ પણ પળે આ અર્વાચીનાનાં બા પોલીસ જ બોલાવશે તેવી ભીતિ તેને થઈ ગઈ અને અરુના બાપુજી ઘણો વખત, જિંદગીનો મોટો ભાગ, ‘શિસ્ત અને સંયમ’ના શોરબકોર વચ્ચે જ જીવ્યા હોવાથી તેમનો ચહેરો તો…

પણ તંગદિલી વધી જાય એ પહેલાં તો અર્વાચીના વચમાં પડી, અને બોલી :

‘હું ઓળખાણ કરાવું, બા?’ અર્વાચીનાએ ધૂર્જટિની મૂંઝવણ જોઈ, હસવાનું હોલવી નાખવા પ્રયત્ન કરતાં કહ્યું :

‘કોની?’

‘આમની!’

‘પણ એને… એમને તું ઓળખે છે?’

‘એ અમારા પ્રોફેસરસાહેબ છે!’

‘જી… એ મારું કમનસીબ છે.’ પ્રોફેસરે આછું હસી, હાથ જોડતાં કહ્યું.

‘એ પણ એમનાં બાને લેવા આવ્યા છે.’ અર્વાચીનાએ કહ્યું.

‘અરે ગાંડી! પહેલેથી કહેવું’તું ને, તો… મફ કરજો હો, પ્રોફેસરસાહેબ! ખ્યાલ નહિ.’ અર્વાચીનાનાં બાએ પરિસ્થિતિ પલટવા માંડી, ‘મને બા જ કહેશો-ગણશો તો પણ વાંધો નથી.’

‘એમ તો એ બહુ ઉદાર છે!’ બાપુજીએ પોર્ટર સાથે પ્રવેશ કરતાં, હસતાં હસતાં સ્પષ્ટ કર્યું.

‘તમે આગળ ટિકિટ લઈને જતા થાઓ!’ પત્નીએ તેમનો ‘ચાર્જ’ સંભાળી લેતાં તેમને જણાવ્યું.

ચારેય જણાં એક જ ટૅક્સી કરી સ્ટેશન છોડી જતાં હતાં. ધૂર્જટિસાહેબ પેઢીઓનાં પાટિયાં, સિનેમાનાં પોસ્ટરો વગેરે સાહિત્ય વાંચવામાં પરોવાયા, અને ટૅક્સી વહી જતી હતી…

‘પણ સર! તમારાં બાનું શું થયું?’ અર્વાચીનાએ એકદમ સવાલ કર્યો.

‘કેમ? શું થવાનું હતું?’ ધૂર્જટિએ ચમકી જઈને પૂછ્યું.

‘કેમ? તેમને લેવા તો આપ સ્ટેશને આવ્યા હતા ને?’ અર્વાચીનાએ યાદ કરાવ્યું.

‘અરે! હાં… મારાં બા!… તમારાં બાની ધમાલમાં મારાં બાને તો ભૂલી જ ગયો!’ ધૂર્જટિએ અફસોસ અને નિખાલસતાભર્યા ચહેરે અર્વાચીના તરફ ફરીને કહ્યું. અર્વાચીનાને એ ચહેરો ગમી ગયો. ‘હજુ પાછા તપાસ કરવા જવું હોય તો ટૅક્સી ઊભી…’ અર્વાચીનાએ કહ્યું.

‘ના… ના… રહેવા જ દોને… કદાચ આવવાની જ નહિ હોય.’ પ્રોફેસરે શંકા ઉઠાવી, ‘ઘેર જઈને ફરીથી કાગળ વાંચી જોઈશ.’

અને ટૅક્સી આગળ ચાલી…

*

અમદાવાદ અજબ નગરી છે. તેની રગેરગમાં ડામર વ્યાપી રહ્યો છે, જાણે આકાશને અકળાવી નાખતા મિલોના ધુમાડાનો પડઘો ન હોય! શહેરના આ ડામરવર્ણા રક્તનું પૃથક્કરણ કરતાં તેમાં બે પ્રકારના કણો નજરે પડે છે — શ્વેતકણ અને પ્રેતકણ. અલંકાર ઉતારી નાખીને જોઈએ તો — પૈસાદારો અને નાદારો.

પણ નિષ્ણાતો એક ત્રીજા તત્ત્વને શહેરના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય માને છે — તે છે એક શ્વેત-પ્રેત-તત્ત્વ જેને આપણે મધ્યમ વર્ગ કહીએ છીએ.

અર્વાચીનાના પિતાજીને આ વર્ગમાં મૂકી શકાય. સ્વભાવથી પણ બૂચસાહેબ એક નિવૃત્ત હેડમાસ્તર હતા. અર્વાચીના સિવાય તેમને બીજું કોઈ સંતાન ન હોવાથી સ્વાભાવિક હતું કે તેમને અર્વાચીના બહુ જ પ્રિય હોય; અને એ પણ એટલું જ સ્વાભાવિક ગણાય કે અર્વાચીનાનાં માતુશ્રી સિવાય…

પરંતુ અહીં આ સ્વાભાવિકતાની પરંપરાને બાજુ પર મૂકીએ, જોખમી બનતી જાય છે!

એક ગુલાબની પાંદડીઓની ગહેરાઈઓમાં ઊડા ઊતરીએ તો અંધારાં આવતાં હોય તેવું લાગે…

અમદાવાદ એ પણ એવું એક ગુલાબ છે. તેની એક એક શેરી તેની એક એક પાંદડી છે અને એ પ્રત્યેક શેરીમાં સમસમી રહેલા જીવનસૌંદર્યને જોતાં પણ અંધારાં આવે… આ ગહેરી શેરીઓમાંની એકમાં અર્વાચીનાનું ઘર હતું.

અમદાવાદની શેરીઓનાં આ ઘર જોવાનાં નથી હોતાં, અનુભવવાનાં હોય છે. એમ કહેવાય છે કે તેમાં રહેતા લોકોમાંના કેટલાક તો આકાશ જેવી કોઈ ચીજ છે — એ જાણ્યા વિના જ રહી જાય છે. રેડિયો, રિક્ષાઓ અને રમખાણો-એ તેમના જીવનના ચઢતા-ઊતરતા સૂરો છે. સિનેમા એ તેમની સમાધિ છે. તેમને મન સ્વર્ગ શહેરની સારી હોટેલોથી ફક્ત એક વેંચ જેટલું જ ઊચું છે, અને એક એક બસસ્ટૅન્ડ એક એક મંદિર જેટલું મોક્ષદાયક છે.

અર્વાચીનાનો ઉછેર આ વાતાવરણમાં થતો હતો. અહીં વસ્તી એટલી બધી ગીચ રહે છે કે માનવમનની ઊડી ભાવનાઓને સંતાડવા જેટલી પણ જગ્યા નથી રહેતી અને તેથી તે બહાર બહેકી રહેવા જ ટેવાયેલી હોય છે. આમેય અર્વાચીના પહેલેથી જ ભાષાનો ઉપયોગ પોતાના વિચારોને છુપાવવા નહિ, પણ પ્રદશિર્ત કરવામાં કરતી અને પરિણામે તેના પિતાશ્રીના આનંદ તેમજ તેમની અકળામણનો વિષય થઈ પડતી.

‘અર્વાચીના!’ પિતાજીએ તેને આજે સવારે સાદ પાડ્યો. તે આગળની મેડીના હીંચકા પર બેઠા હતા.

બારીની બહાર આકાશનો એક સોનેરી ભૂરો કટકો જાણે સૂકવવા મટે કોઈકે લટકાવ્યો હતો. સામેના છાપરા ઉપર થોડાંક કબૂતરો શહેરના વકીલોની મફક ખૂબ પ્રવૃત્તિમાં હોવાનો દેખાવ કરતાં આંટા માર્યા કરતાં હતાં. બાજુના એક ઘરની બારી ઉઘાડી હતી, તેમાંથી એક છોકરો બેઠેલો દેખાતો હતો. આ છોકરા આગળ તેના ટેબલ પર, તેનાં એટલે કે બીજાનાં, થોડાં હાડકાં પડેલાં દેખાતાં હતાં. છોકરો તેમને ચોપડીનાં ચિત્રો સાથે સરખાવતો હતો. અને સમજવા નીચો નમ્યો હતો. બૂચસાહેબે થોડા દિવસ સુધી તો આ છોકરાને કોઈ મેલી વિદ્યાનો ઉપાસક માન્યો હતો. ‘હોય!’ પણ… પાછળથી ખબર પડી કે આ છોકરો શહેરની મેડિકલ કોલેજનો વિદ્યાર્થી જ હતો.

‘અર્વાચીના!’ હીંચકાને એક લાક્ષણિક, લગભગ નાગરી ઠેસ મારી તેમણે ફરીથી સાદ પાડ્યો. બાજુમાં પડેલો ચાનો પ્યાલો પણ તેમને આવા આનંદમાં જોઈ ખખડી ઊઠ્યો.

‘આવી, પપ્પા!’ અંદરથી અવાજ આવ્યો.

અર્વાચીનાનો અવાજ બાપુજીના હીંચકાના અવાજ જેવો જ બેફિકર, લયબદ્ધ અને હૂંફાળો હતો.

‘આજે સાંજે પાંચેક વાગ્યે આપણે સ્ટેશન પર જવાનું છે!’ બાપુજીએ કહ્યું.

હીંચકા ઉપરથી, સામાન્ય રીતે, વહેલી સવારે, થતી આવી જાહેરાતોથી અર્વાચીના અત્યાર સુધીમાં ટેવાઈ ગઈ હતી.

‘સ્ટેશને?’ અર્વાચીનાએ ખાતરી કરવા પૂછ્યું, કેમ કે તેના પિતાજીને જ્યારથી થિયોસોફીનો શોખ થયો હતો ત્યારથી, કે કેમ, પણ તે ઘણી વાર એકને બદલે બીજું બોલી નાખતા.

‘સ્ટેશને જવાનું છે, બાપુજી?’ માટે જ આજે અર્વાચીનાએ ફરીથી પૂછી જોયું.

‘હા… સ્ટેશને! કેટલી વાર કહ્યું?’ બાપુજી છેડાઈ પડ્યા, ‘અને તે પણ સેન્ટ્રલ સ્ટેશને! બોલ, હવે છે કાંઈ?’

આ બાજુ અર્વાચીનાના હાથમાંનો ચાનો પ્યાલો પડતાં પડતાં રહી ગયો.

‘સેન્ટ્રલ સ્ટેશને, બાપુજી? એ તો મુંબઈમાં, આપણે તો અમદાવાદમાં છીએ.’

‘અરે!… ઓહો! ભૂલી ગયો… અરુ! સાવ ભૂલી ગયો! આપણા અમદાવાદી સ્ટેશને… બરાબર સાંજે પાંચ વાગ્યે!’

‘કોણ આવવાનું છે?’

‘તારાં બા!’

‘બા આવવાની છે?’ અર્વાચીના આનંદમાં આવી ગઈ, ‘એટલામાં? કહેતી’તીને કે આ વખતે તો મામાને ત્યાં ખૂબ રહેવાની છું! એટલામાં આવતી રહે છે? બહુ સારું થયું. હવે મને ગમશે!’

‘મને લાગે છે, તેમના ભાઈએ તેમને સારી રીતે રાખ્યાં નહિ હોય.’ બાપુજીએ નિદાન કર્યું.

‘મને લાગે છે, મારા મામાના છોકરાઓ ગઈ વખતની જેમ તેમની સાડી ક્રિકેટ રમવા મેટ તરીકે લઈ ગયા હશે.’ અર્વાચીનાએ બીજી શક્યતા સૂચવી.

‘અથવા તો ત્યાંનાં પેલાં સગાંની દીકરી આંતરરાષ્ટ્રીય લગ્ન…’

‘બાપુજી!’ અર્વાચીનાએ દયામણા અવાજે તેમને રોકવા પ્રયત્ન કર્યો.

‘પણ એવું કાંઈક બન્યું હશે. નહિ તો તારાં બા આટલી ઝડપથી પાછાં ન ફરે!’

‘હં…’ અર્વાચીનાના વિચારે ચડી.

‘ત્યારે આજે કોલેજથી વહેલી આવજે, હોં, અરુ! સાંજે સ્ટેશને જવાનું છે, ભૂલી ન જતી!’ આમ કહેતાં બાપુજીએ હીંચકા ઉપરની આ સવારની સભા બરખાસ્ત કરી, અને તે દિવસે સાંજે… એ લોકો પ્રોફેસર ધૂર્જટિને સ્ટેશન પર મળી ગયાં.

*

‘પરણેલો છે?’ બાએ ટૅક્સીમાંથી ઊતરી, સામાન સાથે, ઘરમાં પ્રવેશતાં જ અર્વાચીનાને પૂછ્યું.

‘કોણ? ટૅક્સીવાળો?’ અર્વાચીનાએ દેખીતા આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘એને ત્યાં મોટર-બોટર છે?’ બાએ મોટી આંખો કરી પૂછ્યું.

‘કોને ત્યાં?’

‘પેલા પ્રોફેસરને ત્યાં.’

‘ઓહો! એની વાત કરો છો… મને શી ખબર, બા!’

‘ન પરણ્યો હોય તો પરણી જવું જોઈએ.’ બાપુજીની રમૂજવૃત્તિએ મા-દીકરીની વાતમાં ટૅક્સીમાંથી તાજી જ ઉતારેલી ટ્રંક સાથે ઝંપલાવ્યું.

અર્વાચીનાએ અને બાએ બાપુજીની આ રમૂજ રસભેર ઝીલી લીધી. બાથી બાપુજી તરફ, અને બાપુજીથી બા તરફ આમતેમ ફર્યા કરતો અર્વાચીનાનો ચમકતો ચહેરો આમતેમ ફરતા રહેતા ટેબલફૅનના ચંદા જેવો તાપશામક લાગતો.

બાકી આગળ જોઈશું તેમ આવા સવાલો ઉઠાવવામાં તો બાજુના એક આનંદ નામના છોકરાએ બાને ક્યાંય પાછળ મૂકી દીધાં.

પપ્પા આ દરમ્યાન સામાનને ઓગાળી નાખવા ઘરના અગમ્ય ખૂણાઓમાં ખોવાઈ ગયા હતા. પોતાની રોજની બારી પાસેની ખુરશીમાં ગોઠવાતાં માતુશ્રીએ અર્વાચીનાને પ્રશ્ન કર્યો.

‘તારા બાપુજીએ શું ધાર્યું છે?’

‘કેમ?’

‘આવી છું ત્યારની જોઉં છું કે એ કાંઈક ખૂબ રંગમાં લાગે છે!’ અને હવે બાનો અવાજ વધુ ભારે બની રહ્યો, ‘અને આ તેમના ટેબલ ઉપર કઈ મડમનો ફોટો રાખ્યો છે?’

‘ઓ… હો!’ અર્વાચીના ખડખડાટ હસી પડી. ‘એ મડમ નથી, બા! એ તો એની બિસન્ટ છે!’

‘એમ? એની શી જરૂર?’ બાના અવાજમાં અમળાટ હતો.

‘એ તો એક ધામિર્ક પંથનાં બાનુ છે, બા!’ અર્વાચીનાના એની ઉમ્મરને છાજે તેવા રહસ્યમય અવાજે બોલી.

‘પણ કોઈ જુએ તો શું કહે?’ આ ઉમ્મરે આ તોફાન? તારા બાપુજી આ ઠીક કરે છે?’ બાને આ બધું ગળે નહોતું ઊતરતું.

‘આપણે એમને સમજાવશું કે આ ફોટો લઈ લે!’ અર્વાચીનાએ સાન્ત્વન આપ્યું.

‘તારી કોલેજનું કેમ ચાલે છે?’

‘બહુ મજાનું, બા!’

‘તે આ એની બિસન્ટનો ફોટો કેમ રાખ્યો હશે?’ ફરી પાછો બાને વિચાર આવ્યો.

‘મેં તમને કીધું ને, બા! કે એ એક ધામિર્ક પંથના ગુરુ જેવાં છે?’ અર્વાચીનાએ ફરી સમજાવવા માંડ્યું.

‘આ બધા અધ્યાત્મના અનુભવના પ્રદેશો છે, બા! આપણા દરેકના આત્મામાં તર્ક અને શ્રદ્ધા, વિજ્ઞાન અને વેદાંત વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, અને આથી, આવી અથડામણોથી, અકળાયેલું માનવમન શાન્તિને શોધે છે, જે શાન્તિ તેનાં આવાં કેન્દ્રોમાંથી મળી રહે છે…’

અર્વાચીના બહુ બોલત, પણ બાએ તેને રોકી.

‘ગુજરાતીમાં બોલ ને, અરુ! કોલેજમાં જઈ તારી ભાષા ભૂલી ગઈ તું તો. ટૂંકામાં, તારા બાપુજીને અમારા વિના અણગમો આવ્યો અને તેમણે આ એની બિસન્ટનો આશરો લીધો. હું તો એટલું સમજું!’

અને એમ કહેતાં કહેતાં એ ખુરશીમાંથી ઊભાં થયાં, અને ચર્ચા સમેટાઈ ગઈ.

રાત પડતી હતી. દિવસનું અંધારું રાતના વીજળીના અજવાળા આગળ ઓસરતું ગયું. મિલો, ઓફિસો, દુકાનો, દવાખાનાંઓ—બધેથી લોકો પાછા ફરી પોતપોતાના ‘ઘર’ની નાનકડી અને નિમિર્ત દુનિયામાં સમાઈ જતા હતા, અને એ ઘરોમાં ફરી પાછા પોતાનાં સ્વજનો સાથે ઉમળકા અથવા અણગમાના યંત્રવત્ સંબંધો શરૂ કરતા હતા.

ઊઘમાં ધીમે ધીમે સરી જતું મન જેમ એક પછી એક જાગ્રત જગગના સંબંધો ખોતું જાય, તેમ ધીમે ધીમે એક પછી એક વાહનો, હોટેલો, અને છેવટે વાતચીતના અવાજો પણ આછા થઈ ગયા, અને અમદાવાદ સૂઈ ગયું.

…સાથે અર્વાચીના અને તેનું કુટુંબ પણ…

License

આપણો ઘડીક સંગ Copyright © by દિગીશ મહેતા. All Rights Reserved.