ચંદ્રાબાના ગયા પછી ક્યાંય સુધી હેડમાસ્તર અને અર્વાચીનાનાં બા શાંત જ રહ્યાં.
‘ખોટું નહિ!’ આખરે બાએ નક્કી કર્યું, પહેલાં મનથી અને પછી મોટેથી.
‘ખોટું નહિ જ.’ બૂચસાહેબે પણ સાથે જ નક્કી કરી નાખ્યું, જોકે પહેલાં મોટેથી અને મનથી તો પાછળથી.
કોણ કોનો પડઘો પાડે છે તે કળવું મુશ્કેલ હતું. બંનેના એક જ વિચારો હોવા, એક જ — બંને એક જ વાદ્યના બે તાર હોવા, એવો જ આદર્શ, કવિઓ જુવાનીમાં સિદ્ધ કરવા જાય છે, એ સંસારીઓ પ્રૌઢાવસ્થામાં ઘણી વાર વણમાગ્યો મેળવી લે છે — પછી ભલે તેમાંનો એક તાર બીજા પર જરા જોર કરી જાય.
‘શું ખોટું નહિ?’ એટલું પણ બૂચસાહેબે પૂછ્યું નહિ. તે સમજી ગયા કે અર્વાચીનાનાં ધૂર્જટિ સાથેનાં સૂચિત લગ્નની વાત ચાલે છે.
‘જોકે ચંદ્રાબાએ માત્ર મજાક કરતાં જ કહ્યું હતું!’ બૂચસાહેબે શંકા સૂચવી.
‘અર્વાચીનાનું ધૂર્જટિ સાથે થાય તો તો તે ભાગ્યશાળી કહેવાય!’ બાનો અવાજ લાગણીવશ હતો.
‘કોણ?’ બૂચસાહેબે પૂછ્યું.
‘અર્વાચીના!’ બાએ કહ્યું.
‘ધૂર્જટિ!’ હેડમાસ્તરનું દૃઢ માનવું હતું : ‘ધૂર્જટિ ભાગ્યશાળી કહેવાય.’
‘હવે વાત નીકળશે તો ચંદ્રાબાને અર્વાચીનાની વિધિસર વાત કરીશ.’ બાએ ગાંઠ વાળી.
‘અર્વાચીનાને પૂછ્યું છે?’ બૂચસાહેબે પૂછ્યું.
‘અર્વાચીનાને? શું?’ બા ચમક્યાં.
‘તેને ધૂર્જટિ ગમશે?’
‘એને શું કામ ન ગમે?’ બાને આશ્ચર્ય થયું. બૂચસાહેબ બા સામે જોઈ રહ્યા. તેમને તેમનાં લગ્ન યાદ આવ્યાં.
‘આપણે સારું જીવ્યાં, નહિ?’ પોતાના જ વિચારોના અનુસંધાનમાં તેમણે બાને પૂછ્યું.
‘ચંદ્રાબાનું વલણ તો સારું લાગ્યું. પણ…’ બાને પોતાના કરતાં આ પાંગરતા જીવનમાં વધુ રસ હતો.
‘ચંદ્રાબાની નજરમાં બીજી કોઈ હશે તો નહિ માને!’ બૂચસાહેબ પાછા વર્તમાનમાં આવી ચઢ્યા.
‘મને એ જ બીક છે!’ બાએ કહ્યું.
‘પહેલાં અરુને તો પૂછી જોઈએ!’ બાપુજીએ કહ્યું.
‘પણ…’ બા આનાકાની કરતાં હતાં.
‘કેમ?’
‘એક વાર અરુને આશા થાય અને પછી ન બને તો?’ બા અર્વાચીનાનાં મા હતાં.
‘એવી બીક તો તમારાં બાને પણ લાગી જ હશે ને?’ બૂચસાહેબે સમાંતર દાખલો આપ્યો.
‘કેવી બીક?’ બાને કાંઈ ન સમજાયું.
‘કે મારી સાથે નહિ થાય તો તમે નિરાશ થઈ જશો!’ બૂચસાહેબે કફનીની કરચલી સરખી કરતાં કહ્યું.
‘ના રે ના! એ વખતે તો ઘણાય વરની છત હતી. તમે નહિ તો બીજા!’ બાએ ખૂબ જ સરળતાથી કહ્યું. કફનીની કરચલીઓ હતી એવી ને એવી થઈ રહી.
‘ત્યારે તમને મારા પર એવો ભાવ તો નહિ જ ને?’ બૂચસાહેબે બહુ મોડો મોડો પણ ઝઘડો ઉઠાવ્યો. તેમનું ચાલે તો હજુય તેમનાં લગ્ન રદ કરાવી, સગાઈ તોડાવી, બાને ખબર આપી દે કે…
પણ… લાચાર.
‘અત્યારની જ વાત કરો ને!’ બાએ તેમને ટોક્યા.
‘ચંદ્રાબા વાંધો ઉઠાવે અને ફક્ત તે કારણસર જ લગ્નની આનાકાની થાય તો તેમને સમજાવવાં શી રીતે?’
‘પણ ધૂર્જટિને અર્વાચીના ગમશે તેની શી ખાતરી?’ બૂચસાહેબે બીજી મહત્ત્વની મુશ્કેલી ઊભી કરી.
‘તેની તો મને ફિકર જ નથી.’ બા નિશ્ચંતિ હતાં.
‘શા ઉપરથી?’ બૂચસાહેબે પૂછ્યું.
‘તમે ન સમજો. મને વાર ન લાગે.’ બાએ ભેદી રીતે વાત વાળી મૂકી.
‘મને કેમ ન સમજ પડે?’ બૂચસાહેબે આ પ્રશ્ન અનેક વાર પૂછેલો.
‘તમે પુરુષ માણસ આ ક્ષેત્ર માટે નકામા.’ બાનો સૂત્રાત્મક જવાબ ફણ એટલો જ જૂનો હતો. ‘પ્રશ્ન માત્ર ચંદ્રાબાનો જ છે!’
વ્યૂહરચનાના વિચારમાં બા ક્યાંક સુધી ખોવાઈ રહ્યાં.
‘એક રસ્તો છે!’ છેવટે બાએ તોડ કાઢ્યો.
‘કયો?’ બૂચસાહેબે તટસ્થ ઉત્સુકતાથી પૂછ્યું.
‘વિમળાબહેન!’ બાએ કહ્યું.
‘મારી અરુનાં લગ્નમાં વિમળાબહેનનો જરા પણ હાથ ન હોવો જોઈએ! એમનો પગ નહિ.’ બૂચસાહેબ ઊકળી ઊઠ્યા. બાનું સૂચન આમ કૅરમના સ્ટ્રાઇકરની જેમ ભટકાઈને પાછું આવ્યું….
અને છતાં બીજી વાર એ તેમને મળવા આવ્યાં, અને સંજોગવશાત્ એ હમણાં હમણાં અહીં મળવા પણ ઘણી વાર આવતાં; જ્યારે બાએ તેમને ચંદ્રાબાની આ બાબતમાં નાડતપાસ કરવા કહી તો રાખ્યું જ.
‘છો કે?’
હમણાં જ ધૂર્જટિને ચોપડી લઈ ‘આટલામાં’ જવા ચાલતા થાયને માંડ પાંચ કે દશ મિનિટ થઈ હશે ત્યાં ચંદ્રાબાને કાને અર્વાચીનાનાં બાનો સુપરિચિત અવાજ આવ્યો. તેમની સાથે બાપુજી પણ હતા જ. ચંદ્રાબાએ ધૂર્જટિનું ખમીસ સાંધવાનું પૂરું કર્યું હતું. અત્યારે તો તે એકલાં બેઠાં ભૂતકાળના કેટલાક કટકા લઈ તેમને વર્તમાનમાં સાંધવા પ્રયત્ન કરી રહ્યાં હતાં, જેથી ધૂર્જટિના ચાલ્યા જવાથી કે પછી ન સમજાય તેવા કોઈ કારણથી, અસ્તવ્યસ્ત બની ગયેલા વર્તમાનમાંથી કોઈ સુરક્ષિત ભાત ઊપસી આવે.
અનુભવનું પોત અત્યારે બહુ દૂર સુધી ઉકેલાઈ ગયેલું પડ્યું હતું. ચંદ્રાબા તેના પર આંગળી ફેરવતાં, તેને કોઈ વાર સરસ મુલાયમ નોંધતાં તો કોઈ વાર કાંટાળું ખરબચડું પામતાં. અર્વાચીનાનાં બા-બાપુજી બારણામાં પ્રવેશ્યાં ત્યારે ચંદ્રાબાની આંગળી એક વિશિષ્ટ એવી અનુભવ-ભાત પર અટકી હતી… ધૂર્જટિનો અત્યારનો બંગલો, હોદ્દો, મોભો, બધું એક પડદાની માફક ઊચકાઈ ગયું હતું. અત્યારે તો ધૂર્જટિ એક સોળસત્તર વર્ષનો છોકરડો હતો. તેના હાથમાં મેટ્રિક પાસ થયાનો તાર હતો. ચંદ્રાબા તેની ઉપર સ્નેહ અને શ્રદ્ધાથી ઝૂમી રહ્યાં હતાં. તેમની બાજુમાં એક બીજી આકૃતિ હતી. તે હતી ધૂર્જટિના બાપુજીની. પણ તે ફક્ત એક આકૃતિ જ હતી, વ્યક્તિ નહિ. ધૂર્જટિના બાપુજી એક ઉચ્ચ સરકારી અમલદાર હતા. પણ ધૂર્જટિ જ્યારે ફિફ્થ અને સિક્સ્થમાં હતો ત્યારે સ્વર્ગવાસી થયેલા…
આ આંચકા પછી ચંદ્રાબામાં એક નવું જોમ રેડાયું. દુ:ખને હસતે મોંએ ભેટવા તે તૈયાર થયાં. પણ ચંદ્રાબાના મિજાજના માળખા પ્રમાણે જ ગોઠવાવું જિંદગીને રુચ્યું નહિ. ચંદ્રાબાએ દુ:ખને ભેટવા તૈયારી કરી ત્યારે તેમને ભેટવું પડ્યું સુખને. સમયના કી-બોર્ડની કળો પર આંખ પણ માંડ્યા વગર ઊડતી આંગળીઓએ ચંદ્રાબાએ પોતાના પુત્ર ધૂર્જટિની કારકિર્દી પલકવારમાં આંકી નાંખી. મૅટ્રિક થયેલો ધૂર્જટિ કોલેજમાં જોડાયો. બી.એ. થયો, એમ.એ. થયો… પ્રોફેસર થયો… અને હવે, ‘મારી આંગળીઓ આરામ માગે છે.’ એમ ચંદ્રાબાને લાગવા માંડ્યું હતું.
‘છો કે?’ અર્વાચીનાનાં બાના અવાજથી ચંદ્રાબા જાગી ઊઠ્યાં; આમતેમ જોવા લાગ્યાં. એક પળભર તો તેમને આ બંગલો, આ ફનિર્ચર, આ અમદાવાદ, આ બધું શું છે, તેમને આ બધાં સાથે શો સંબંધ છે તે પણ ન સમજાયું… અર્વાચીનાનાં બા અને બાપુજી હવે તો વધુ નજીક આવી પહોંચ્યાં હતાં. વીતી ગયેલી પળોનાં ગૂંચળાં ધીમે ધીમે આછાં થયાં…
‘આવો!’ કહી ચંદ્રાબા અર્વાચીનાનાં બાપુજીને અને બાને આવકારવા ઊભાં થયાં.
‘કેમ એકલાં? ધૂર્જટિસાહેબ ક્યાં?’ અર્વાચીનાનાં બાએ સોફા પર જગ્યા લેતાં પૂછ્યું.
‘આટલામાં ક્યાંક ગયો છે.’ ચંદ્રાબાએ કહ્યું.
‘ક્યારના ગયા છે? વાર થઈ?’
‘ના, ના! માંડ દશેક મિનિટ થઈ હશે. તમે સહેજ વહેલાં આવ્યાં હોત તો મળી જાત.’
‘હવેથી અમારે આવવું હોય તેનાથી રોજ સહેજ વહેલાં જ આવીશું.’ બૂચસાહેબે બા સાથે નક્કી કર્યું.
‘એમ કરજો.’ ચંદ્રાબાએ હસીને કહ્યું, અને ઉમેર્યું, ‘એટલે તમે ધૂર્જટિને જ મળવા માગો છો, મને નહિ ને?’
‘જોજો હોં! ચંદ્રાબા સાથે બોલતાં સાચવજો!’ બાએ બાપુજીને ચેતવણી આપી.
‘હેં ચંદ્રાબહેન?’ બૂચસાહેબે ચંદ્રાબાને પૂછ્યું.
‘ના રે ના! સાચવવાનું મારે છે, સાહેબ.’ અને બા તરફ ફરીને કહ્યું, ‘યાદ નથી, પહેલી જ મુલાકાત વખતે મને મહારાણી વિક્ટોરિયા તરીકે વર્ણવી’તી?’
‘અરે! એ તો કાંઈ નથી. મારાં એક બીજાં બહેનપણી…’
‘પેલાં વસુમતીબહેન…’ બાપુજીએ જ બાને મદદ કરી.
‘હા… એ વસુમતીબહેનને… કેવાં કીધાં’તાં? કોના જેવાં?’ બાએ બાપુજીને જ પૂછ્યું. બાપુજી ગંભીર થઈ જઈ યાદ કરવા લાગ્યા, જે દરમ્યાન ચંદ્રાબા, પેલો પ્રસન્નબહેન અને વિનાયકવાળો પ્રસંગ યાદ કરી રહ્યાં. ‘વિનસ જેવાં? મેરી આંત્વનેત? જોન ઓફ આર્ક?’ બાપુજી મનમાં બધાં શક્ય નામો યાદ કરતા હતા, ‘માતાહરી?…’
બાપુજીના ખુશખુશાલ ચહેરાને જોઈ ચંદ્રાબા તો વસુમતીબહેનના ગ્રહો કેવા હશે તેનો જ વિચાર કરતાં હતાં.
‘અર્વાચીનાને કેમ સાથે ન લાવ્યાં?’ જરા સ્વસ્થ થઈ ચંદ્રાબાએ પૂછ્યું.
‘એને કીધું કે ચાલ, પણ ન આવી!’ બાએ કહ્યું.
‘હવે તો સાવ છૂટી જ હશે, નહિ? પરીક્ષાઓ તો પતી ગઈને?’
‘હા! એ તો છૂટી જ છે, પણ…’
‘અમે બંધાતાં જઈએ છીએને!’ બૂચસાહેબે બાનું વક્તવ્ય પૂરું કર્યું.
‘કેમ? કેવી રીતે?’ ચંદ્રાબાને ન સમજાયું, કે સમજાયું એટલે જ આમ પૂછ્યું.
‘એને હવે ઠેકાણે પાડવી પડશેને!’
અર્વાચીનાનાં બાએ ચિંતા વ્યક્ત કરી.
‘શી ઉતાવળ છે?’ ચંદ્રાબાએ તટસ્થતાથી કહ્યું.
‘પણ મારે ઉતાવળ છે!’ બાપુજીએ સ્પષ્ટ અવાજે કહ્યું. એમના વિચારો માથું કોરાણે મૂકીને ફરી ગયા હતા.
‘કેમ?’
‘હું સ્ત્રીલગ્નમાં માનતો નથી!’
અર્વાચીનાનાં બા માટે પણ બાપુજીનું આ વિધાન નવું હતું. ચંદ્રાબાએ તો બાપુજીના વિચારોને પહેલા ઘાએ સમજી જવાનો પ્રયાસમાત્ર પણ મૂકી દીધો હતો. બંને જણાં અત્યારે એક સભામાં ફેરવાઈ ગયાં હતાં, અને એટલે તો બાપુજીએ મોકળે મને પોતાની છેલ્લી જાહેરાત પર વિસ્તારથી બોલવા માંડ્યું :
‘હું સ્ત્રીલગ્નમાં માનતો નથી! એટલે કે હું પુરુષલગ્નમાં પણ માનતો નથી!’ સભા જડવત્ બની ગઈ હતી. ‘એટલે કે હું સ્ત્રીપુરુષ-લગ્નમાં જ માનતો નથી!’ પ્રોફેસર ધૂર્જટિનો એક વિદ્યાર્થી બારણામાં જ સ્તબ્ધ બની ઊભો રહી ગયો હતો. તેણે ખિસ્સામાંથી કાગળ-પેન્સિલ કાઢી નોંધ લેવા માંડી હતી, તેની તો કોઈએ નોંધ પણ ન લીધી. બાપુજીએ આગળ બોલવા માંડ્યું :
‘હું સ્ત્રીપુરુષ-લગ્નમાં માનતો નથી એનો અર્થ એમ નહિ કે હું લગ્નસંસ્થામાં જ માનતો નથી.’
બાપુજીના આ શબ્દોથી બા અને ચંદ્રાબાની બનેલી સભામાં જરા રાહતની લાગણી ફેલાઈ.
‘હું લગ્નમાં માનું છું, પણ વરકન્યા-લગ્નમાં, સ્ત્રીપુરુષ-લગ્નમાં નહિ!’
ધૂર્જટિના પેલા બારણામાં થીજી ગયેલા વિદ્યાર્થીએ બાપુજીના આ વાક્ય નીચે લાલ લીટી કરી પ્રશ્નાર્થચિહ્ન કર્યું, પણ બીજી જ પળે બૂચસાહેબે ખુલાસો કર્યો :
‘હું અને અર્વાચીનાનાં બા — અમે બંને પુરુષ અને સ્ત્રી.’ અને અર્વાચીનાનાં બાની નજર કાંઈક આરામ શોધતી બારણા પર પડી પેલા વિદ્યાર્થી પર, જેથી તે નોંધ અધૂરી રાખી ચાલતો થયો. આ બાજુ અર્વાચીનાનાં બાને એ કોયડો જ રહ્યો કે એમણે જે જોયો એ ખરેખર છોકરો હતો કે માત્ર દૃષ્ટિભ્રમ?
‘જ્યારે…’ બૂચસાહેબ હવે સમેટાતા હતા : ‘ધૂર્જટિ અને અર્વાચીના વર અને કન્યા કહેવાય.’ અહીં તે એકાદ મિનિટ થોભ્યા અને છેવટે નવનીત કાઢતાં કહ્યું : ‘તેથી મારાં અને અર્વાચીનાનાં બાનાં લગ્ન જો અત્યારે થાય…’ અહીં અર્વાચીનાનાં બાએ હળવો નિસાસો મૂક્યો, અને બાપુજી : ‘તો તે સ્ત્રીપુરુષ-લગ્ન કહેવાય, જેનો હું વિરોધ કરું છું, જ્યારે ધૂર્જટિ અને અર્વાચીનાનાં લગ્ન અત્યારે થાય તો તે વરકન્યા-લગ્ન કહેવાય. બન્ને યોગ્ય ઉંમરનાં છે, જેની હું હિમાયત કરું છું.’
‘હું પણ!’ ચંદ્રાબા પણ રમૂજભરી ગંભીરતાથી જોડાઈ ગયાં.
ઘેર જઈને ફરી એક વાર બાએ બાપુજીને કહ્યું : ‘ખોટું નહિ.’ અને બાપુજીએ એ જ કહ્યું : ‘ખોટું નહિ!’
*
પ્રોફેસર ધૂર્જટિ એક અણનમ વાચક હતા. જેને અ-વાચક વર્ગના લોકો, ખરી અથવા ખોટી રીતે, વાસ્તવિક ગણાવે છે તે જગતને ધૂર્જટિ ભાગ્યે જ સ્પર્શતા. ‘બનાવો’ પ્રત્યે તે ઉદાસીન રહેતા, તો વળી કોઈ એક જ બનાવની બારીમાંથી ખૂબ ઊડે સુધી તે જોઈ નાખતા, અને આ દર્શન પછી તે જો કાંઈ બોલી નાખતા, તો તેમના શ્રોતાઓ તેમની સામે કોઈ વિચિત્ર આદરથી જોઈ રહેતા, જેથી ધૂર્જટિને ખોટું લાગતું… અત્યાર સુધી ચંદ્રાબા ધૂર્જટિના આ અનુભવમાં અપવાદરૂપ હતાં. અનિવાર્ય રીતે અંતર્મુખ એવા ધૂર્જટિના આંતરજીવનને ચંદ્રાબા દ્વારા એક અર્થ મળી રહેતો.
‘ચંદ્રાબા!’ ધૂર્જટિ મોટેથી બોલી ઊઠ્યો. સોફાના હાથા ઉપર પગ વીંટાળી, બીજા હાથા પર માથું ટેકવી, ચોપડી ઊચે રાખી, વાંચવાની તેની આ ટેવ માટે ચંદ્રાબાએ તેને પહેલાં ઘણી વાર ટોક્યો હતો. અત્યારે પણ ધૂર્જટિ આ રીતે જ વાંચી રહ્યો હતો. ચોપડીમાંથી બહાર કાઢેલું તેનું મોં ગુલાબી થઈ ગયું હતું. તેની આંખો ચળકતી હતી.
‘જુઓ! જુઓ!’ પગ નીચે ઊતરતાં તે બોલતો ગયો.
સામેની નેતરની ખુરશીમાં બેસી તેના ખમીસમાં કાંઈક સીવી રહેલાં ચંદ્રાબા તેની સામે તટસ્થ રીતે જોઈ રહ્યાં.
‘જુઓ, ચંદ્રાબા! આ લેખકનું એમ કહેવું છે કે જેમ માણસને લાગતી તરસ તે પાણી હોવાની સાબિતી છે, તેમ માણસને લાગતી ઈશ્વરની તરસ, ભક્તિ, તે ઈશ્વરના અસ્તિત્વની સાબિતી છે!’
ચંદ્રાબાની સોય અટકી.
‘સરસ! સરસ!’ ધૂર્જટિ નાચી ઊઠ્યો. ત્યાં તો તેણે ચંદ્રાબાના મોં તરફ જોયું.
‘હશે!’ ચંદ્રાબાએ ફરીથી સીવવાનું શરૂ કર્યું હતું. તેમના મોં પર નીરસતા વરસતી હતી. અવાજમાં થાક હતો.
ધૂર્જટિના હાથનું પુસ્તક જેમનું તેમ રહી ગયું. તેનું મોં ફિક્કું પડી ગયું. તેના કપાળે પરસેવો વળ્યો. નિ:સહાય થઈ તેણે ચશ્માં ઉતારી આંખ પર હાથ ફેરવ્યો…. એક મિનિટ તે અસ્વસ્થ થઈ ઊભો જ રહ્યો. આમતેમ જોવા લાગ્યો… બીજી મિનિટે તે સોફા પર બેસી ગયો, છત સામે ચંદ્રાબાની સોય ચળકતી, સળવળતી, ચાલી રહી હતી…
‘પેલું ફરીથી કહે તો, જટિ!’ ચંદ્રાબાએ બે-ત્રણ મિનિટ પછી પૂછ્યું. તેમના અવાજમાં આશ્વાસન હતું. જટિ મૌન સેવી રહ્યો. તેને બધું ખાલી લાગતું હતું.
કોઈ ખૂબ સ્થિર એવા તેના આજન્મ આસન પરથી તેને કોઈએ અચાનક અનંત અવકાશમાં ગબડાવી પડ્યો હોય તેવી તીવ્ર લાગણી તેણે અનુભવી. તે ગબડતો જ રહ્યો. ટેકો શોધવાની એક ચેષ્ટા તેનાથી સહજ જ થઈ ગઈ. પણ…
દશેક મિનિટ પછી તે ઊભો થયો. કબાટમાંથી બહાર જવાનાં કપડાં કાઢી તેણે પહેર્યાં. અરીસા સામે ઊભો રહ્યો, વાળ સરખા કર્યા. અંદરથી તે કાંઈક અકડાઈ અનુભવી રહ્યો હતો. ચોપડી લઈ ચંપલ પહેર્યાં, ચાલવા માંડ્યું…
‘બહાર જાય છે?’ ચંદ્રાબાએ પૂછ્યું.
‘હા!’
‘ક્યાં?’
‘આટલામાં!’
ધૂર્જટિ અર્વાચીનાને મળવા જતો હતો. તેણે સડક પર ચાલવા માંડ્યું. સડકને ધૂર્જટિ ઓળખતો હતો, અને તેવી જ રીતે સડક એને ઓળખતી હતી. સડકના મોં ઉપર ઊતરતા બપોરના તડકા તપતા હતા. આખા દિવસની ગરમીથી તે પણ થાકી હતી. તેથી અત્યારે તે બહુ ચાલાકીથી વિચારી શકી નહિ… તેણે ફક્ત એટલું જ મનમાં કહ્યું, ‘હં! પાછી એની એ વાત. પુત્રત્વ વટાવ્યું અને પ્રેમ શરૂ થયો. કાંઈ નવું નથી!’ સડકો ફિલસૂફો જેવી હોય છે. બહારથી ગમે એટલી ભલે રગદોળાય, પણ અંદરથી તટસ્થ. આ ધૂર્જટિવાળી સડકે વળી જરા વાંચ્યું હતું. ‘સન્સ એન્ડ લવર્સ, પુત્રો અને પ્રેમીઓ!’ એ બબડી. ડી. એચ. લોરેન્સની આ કૃતિ સડકે વાંચી હતી, આજથી થોડાં વર્ષો ઉપર. ધૂર્જટિને ચંદ્રાબા પાસેની અર્વાચીના તરફ જતો જોઈ એ એને યાદ આવી ગઈ.
ડગલેડગલે ધૂર્જટિ એક નવી દુનિયામાં પ્રવેશતો જતો હતો. તેના અસ્તિત્વના બહુ ઊડાણથી એક મીઠો ઉમળકો ઊભરાઈ આવતો હતો. રંગ, સુગંધ, અને સૂરનાં બનેલાં કોઈ વહાલભર્યાં વાદળાંની મીઠી હૂંફમાં તે જાણે ખુશીથી ખોવાઈ રહેતો હોય તેવું તેને લાગતું હતું. તે જેના પર ચાલી રહ્યો હતો તે સડક, બાજુની ફૂટપાથ, પાસેથી પસાર થતાં વાહનો, મકાનોની બારીઓ અને બારણાંઓમાંથી દેખાતા ચહેરાઓ, ઉપર ઊપડી રહેલું ભૂરું–સોનેરી સાંજનું આસમાન, અને ઝાડનાં પાંદડાંઓમાંથી અનેક તેજગૂંથણી રચી ગળાઈ આવતાં સૂર્યકિરણો, અને આ કિરણોમાં વળી અત્યંત ભાવપૂર્ણ, લયબદ્ધ રીતે રમી રહેલો એકએક રજકણ — આ બધું ધૂર્જટિને કોઈ અનન્ય રીતે એકરસ થઈ રહેલું લાગતું હતું. અત્યારે તે પોતે પણ પોતાનું અલગ અસ્તિત્વ-વર્તુળ છોડી, પોતે પ્રસારી રહેલા ચેતન-સમુદ્રનો એક રસતરંગ જ બની રહ્યો હતો.
પાછળથી એક વાર વિનાયકે ધૂર્જટિને ખૂબ જિજ્ઞાસાપૂર્વક પૂછેલું કે, ‘હેં જટિ! તું અર્વાચીનાના પ્રેમમાં પડ્યો, આ ‘‘પ્રેમમાં પડ્યો’’ જેવો સસ્તો શબ્દપ્રયોગ કર્યો તે બદલ માફ કરજે, પણ આવું જ્યારે થયું ત્યારે તને શું થયું હતું?’
વિનાયકનો પ્રશ્ન અસ્પષ્ટ પણ મૂળભૂત હતો. તેથી પ્રોફેસર ધૂર્જટિએ પૂરી પાંચ મિનિટ મનન કર્યા પછી બોલવા માંડ્યું :
‘જો વિનાયક!’ ધૂર્જટિએ કહ્યું : ‘તેં એક એવો પ્રશ્ન પૂછ્યો છે કે જે સનાતન છે, શાશ્વત છે, અને જે પૂછવા માટે પણ અક્કલની જરૂર પડે છે, જેની મેં તારી પાસે આશા રાખી ન હતી…’ અહીં વિનાયક વિરોધ કરવા વચમાં પડતો હતો, પણ ધૂર્જટિએ પ્રેમ પર પોતાનું પ્રવચન ચાલુ રાખતાં જણાવ્યું :
‘જ્યારે હું પોતે તેનો અનુભવ કરવા લાગ્યો ત્યારે સહુપ્રથમ તો મને એમ જ થયેલું કે મને જાણે કુદરત કાંઠલેથી પકડી ખૂબ ઊચે ઊચે ઉડાડતી ગઈ… અને પછી જાણે મને છોડી દીધો… પૅરેશૂટની છત્રીથી જાણે ધીમે ધીમે, ઊતરતો ઊતરતો હું છેવટે કોઈ અજાયબ ભૂમિમાં આવી પડ્યો… અહીં બધું બાગે બેહિસ્ત જેવું હતું. અહીં બહાર હતી, અહીં ચમન…’
‘વગેરે, વગેરે…’ વિનાયકે પતાવ્યું, વહેણ વાળી લીધું.
‘વગેરે, વગેરે…’ ધૂર્જટિ પણ અત્યાર સુધીમાં અન્યમનસ્ક થઈ ગયો હતો.
‘ઓહો! સાહેબ!’ અર્વાચીનાએ અત્યારે ધૂર્જટિને હાથમાં ચોપડી લઈ ચાલ્યા આવતા જોઈ કહ્યું.
જવાબમાં ધૂર્જટિએ ફક્ત એક આછું સ્મિત જ કર્યું, તે પણ આંખોથી. અર્વાચીનાએ પોતાની ડાયરીમાં પાછળથી નોંધ્યું તે પ્રમાણે આ સ્મિતમાં આટલા મુદ્દાઓ હતા : ‘શરમ, આતુરતા, રમૂજ (બહુ ઓછી), લોહીનું દબાણ (ખૂબ!) અને સ્નેહ…’
અહીં અર્વાચીના અટકી, પોતાની પેન હોઠ પર રમાડવા લાગી. વિચારે ચઢી, અને ઉમેર્યું : ‘ચંદ્રાબાની બીક!’