‘એક ભમતા ભમરડાની સ્થિરતા શેમાં છે?’ પ્રોફેસર ધૂર્જટિએ પોતાનું વહેલી સવારનું વક્તવ્ય ચાલુ રાખતાં પૂછ્યું. તેમના આ ભમાવી નાખે એવા પ્રશ્નના ભોગ થઈ પડેલા તેમની મંડળીના બે મિત્રો — એક તો વિનાયક અને એક બીજા ભાઈ — તેમની સામે જ ખુરશીમાં ટાંકણીથી ભરાવીને જાણે બેસાડ્યા હોય તેમ બેઠા હતા. એ બેને એમ કે રવિવારની સવાર છે, તો ચાલો, જટિને મળીએ. પણ અહીં પરિસ્થિતિ જરા જુદી હતી.

આખુંય અમદાવાદ આરામખુરશીમાં પડ્યું હોય તેવી હવા હતી. તેમાંય એકાદ મિલના ભૂંગળામાંથી નીકળતી આછીપાતળી ધૂમ્રસેર કોઈની નજરે પડે તો તેને એમ જ લાગે કે આ ખુશનુમા રવિવારની સવારે શહેર પોતે પણ જાણે શોખથી સિગારેટ પીતું પડ્યું છે. માર્ચ અર્ધો પૂરો થવા આવ્યો હતો. શિયાળાની ઠંડી વચમાં વચમાં, મોડી રાતે હવાની લહેરની સાથે સાથે ખેંચાઈ આવતા દૂરના કોઈ સંગીતના સૂરની જેમ, ચમકી જતી હતી… તો વળી કોઈક બપોર આવતા ઉનાળાની ધમકી આપી જતો… અને આવા મીઠા દિવસોના એક મીઠા રવિવારની સવારે ખુરશીની પીઠ પર બંને હાથ ટેકવી, ઊભે ઊભે જ આવો મૂળભૂત પ્રશ્ન પૂછી પ્રો. ધૂર્જટિએ પોતાના રવિવારિયા મિત્રોને મૂંઝવી દીધા.

‘એક ભમતા ભમરડાની સ્થિરતા શેમાં હોય છે?… તેની ગતિમાં…’ તેમણે જ જવાબ પૂરો પાડ્યો.

‘અમારી અવગતિમાં!’ વિનાયકે ધીમે રહીને કહ્યું. જોકે ધૂર્જટિએ તે સાંભળ્યા વિના જ આગળ ચલાવ્યે રાખ્યું.

‘તેની ગતિમાં. જે ક્ષણે તેની ગતિ અટકે તે ક્ષણે તે નીચે પડે.’

‘ચક્કર ખાઈને નીચે પડે!’ વિનાયક સાથેના પેલા બીજા મિત્રે જુસ્સાભેર ઉમેર્યું. ધૂર્જટિને તે ખૂબ જ ગમ્યું.

‘ચક્કર ખાઈને નીચે પડે… હવે કલ્પના કરો કે ભમરડાને પોતાની ગતિ દરમ્યાન, એટલે કે પોતે ભમતો હોય ત્યારે, બહારથી જોનારને તે વધુમાં વધુ સ્થિર લાગતો હોય ત્યારે, અચાનક જ ભાન થાય કે પોતે ભમે છે, પોતાને ભમાવનાર હાથ કોઈ બીજો છે, પોતાની ગતિનું અવલંબન એક જાળ છે… શું થાય?’

અહીં ધૂર્જટિ અટકી પડ્યો. પોતાના મનનો ભમરડો પણ જાણે કે જાગી ગયો હોય તેવું તેને લાગ્યું. ‘શું થાય?…’ મિત્રોને મજા પડી હતી… ‘ભમરડાને ભાન આવે તો શું થાય?’

‘હું માનું છું કે જો ભમરડાને આવું ભાન થાય તો તે પણ ચક્કર ખાઈને નીચે પડે.’ ધૂર્જટિએ ખૂબ જ આત્મવિશ્વાસપૂર્વક કહ્યું. ‘(આ પણ ભમરડા જેવો જ છે.’ — વિનાયકને વિચાર આવ્યો.)

‘અલબત્ત.’ ધૂર્જટિએ આગળ ચલાવ્યું : ‘આ બાબતમાં છેવટનો નિર્ણય પ્રયોગો દ્વારા જ મેળવી શકાય.’

‘અથવા ભમરડાનો પોતાનો જ મત લઈએ તો?’ પેલા બીજા મિત્રની કલ્પનાએ ફાળ મારી.

‘એવો ભમરડો જૂની ચીજોની દુકાનેથી મળી શકે.’ વિનાયકે પોતાના વિચારોમાંથી બહા છલાંગ મારી : ‘જૂની ચીજો!’

સામાન્ય સંજોગોમાં ધૂર્જટિએ આ તબક્કે વિનાયકને ખુલ્લે દિલે ખીલવા દીધો હોત, પણ અત્યારના સંજોગોમાં તેને અવકાશ નહોતો. ધૂર્જટિને ભમરડા કરતાં કાંઈક વધુ મોટી બાબત વિશે બોલવું હતું.

‘આપણી જિંદગીનું પણ આવું જ છે.’ તેણે આગળ ચલાવ્યું : ‘જ્યાં સુધી આપણે આપણી ગતિમાં હોઈએ છીએ ત્યાં સુધી જ સ્થિર હોઈએ છીએ… વળી જે ક્ષણે, આપણે આપણી ગતિથી જુદા છીએ, આપણને ગતિમાં મૂકનાર કોઈક જુદું જ છે, આપણી ગતિનો મૂળ સ્રોત એક જાળમાં છે — એ બધું આપણને ભાન થાય છે, તે ક્ષણે જ…’

તે ક્ષણે જ વિનાયકે બગાસું ખાધું, જે તેની સાથેના પેલા મિત્રે ઝીલ્યું, અને…

‘જટિ! ખોટું લાગે તો માફ કરજે, પણ આ બધુંય તેં કોઈક ચોપડીમાંથી ચોર્યાનો મને શક છે. અમે રજા લઈએ.’ કહી વિનાયકે અને તેની સાથેના પેલા બીજા મિત્રે ચાલવા માંડ્યું. ‘અશ્લીલ જેવું બોલે છે…’ પેલા બીજા મિત્રે તો રસ્તામાં વિનાયકને ધૂર્જટિ વિશે કહ્યું…

આ બાજુ ધૂર્જટિને પોતાને પણ એમ લાગવા તો માંડ્યું કે ભમરડો અને જિંદગીની સરખામણીનું સૂચન સાવ મૌલિક તો નહિ જ હોય. હોય તો ગજબ થઈ જાય! પોતાને ક્યાંક વાચનમાંથી જ મળ્યું હશે…

એટલું તો નક્કી કે પોતાની આંતરિક કારકિર્દીમાં પહેલી જ વાર તેને ગતિભંગ જેવો ક્યાંક અનુભવ થયો.

આજે ચંદ્રાબા આવવાનાં હતાં!

*

‘બા! આજ સાંજે તું ઘેર જ હોઈશને?’

‘કેમ? તું મને ક્યાંય લઈ જવાનો છે?’

‘ના… કદાચ આપણને મળવા પેલા બૂચસાહેબનું કુટુંબ આવે. તમે ઘેર હો તો સારું.’ ધૂર્જટિએ કહ્યું.

‘ઘેર જ છું, ભલે આવે.’

…અને આ રીતે ચંદ્રાબાના અમદાવાદમાં અવતરણ પછીના પહેલા રવિવારની સાંજે તેમની અર્વાચીના અને તેના કુટુંબ સાથેની મુલાકાત યોજાઈ.

ચંદ્રાબાની ચઢાઈની સાથે જ ધૂર્જટિના નિવાસસ્થાનની રોજિંદી શાંતિએ રાજીખુશીથી રજા લીધી. રેડિયો રણકી ઊઠ્યો, બંધ રહેતી બારીએ હસી ઊઠી. રસોડું મહેકી ઊઠ્યું. સૂનાં પડેલાં ટેબલ, ટિપાઈ વગેરે પર પણ ચાના પ્યાલા, ચોપડીઓ, પાનની પેટી, ચશ્માંઘર જેવી જીવંત ચીજો જાગી ઊઠી. જોકે આ બધા ફેરફારોને લીધે ધૂર્જટિને પોતાને બધું અજાણ્યું અજાણ્યું લાગવા માંડ્યું — જાણે પોતે જ પોતાનો મહેમાન ન હોય તેવું!

અવ્યવસ્થામાં જ રાચતા એવા તેને આ નવી વ્યવસ્થાને અનુકૂળ થતાં અઠવાડિયું સહજ જ નીકળી ગયું, જે પછી જ ચંદ્રાબાની બહારનાં વર્તુળો સાથેની મુલાકાતો યોજવાનું તેને સૂઝ્યું. તેણે બૂચસાહેબથી શરૂઆત કરી.

બૂચસાહેબ… તેમનાં પત્ની અને કોલેજમાં ભણતી તેમની પુત્રી…. જુનવાણી, બંધિયાર, એક સ્થગિત જેવા જીવનની સાથે મુલાકાત માટે કાંઈ વિશિષ્ટ તૈયારીની ચંદ્રાબાને જરૂર ન લાગી… ‘આવશે… મળશે… જશે… આવજો!… આવજો!… જરૂર!… મળતાં રહેજો!’ આવતી સાંજનો આવો ઝાંખો, વ્યક્તિત્વવિહીન ખ્યાલ ચંદ્રાબાએ આંકી લીધો. કોઈ લેખક કે કાર્યકર કે એવું કાંઈક હોત તો જુદી વાત, પણ આ તો…

ખરું પુછાવો તો ચંદ્રાબાને પોતાના પુત્રની આ પસંદગી બહુ નહોતી રુચી, અને તેથી જ ધૂર્જટિએ બૂચસાહેબ, તેમનાં પત્ની અને અર્વાચીના — એમ ત્રણેયની સાક્ષાત્ ઓળખાણ તે સાંજે આપી, ત્યારે ચંદ્રાબાએ તેમને સહેજ શહીદીના ભાવ સાથે સ્વીકાર્યાં. તેમના મુખ ઉપર આવકારને બદલે સહિષ્ણુતાના અંશો વધારે હતા અને કદાચ તેથી જ ધૂર્જટિએ ઉત્સાહપૂર્વક યોજેલી આ મુલાકાતની શરૂઆતની ઔપચારિક વાતચીત જરા અણધારી થઈ પડી.

‘આપને જોઈને… મહારાણી વિક્ટોરિયાનો ફોટો યાદ આવે છે.’ બૂચસાહેબે ચંદ્રાબાના ચહેરા પર વર્તાઈ રહેલા ભાવોને એક ક્ષણમાં ઝડપી લીધા. ચંદ્રાબા ચમકી ગયાં. તે આવી બૌદ્ધિક ચપળતાથી ટેવાયેલાં ન હતાં. તે ધૂર્જટિ તરફ ફર્યાં.

‘આ તેમનાં પત્ની, અર્વાચીનાનાં બા!’ ધૂર્જટિએ મક્કમ મન રાખી ઓળખાણો ચાલુ રાખી. ચંદ્રાબા નવા નવા ધડાકાઓની રાહ જોતાં હાલી રહ્યાં હતાં, પણ ત્યાં તો…

‘તમારી કે’દિવસની રાહ જોવાતી હતી.’ અર્વાચીનાનાં બાએ રૂઝવતા અવાજે કહ્યું, જેથી ચંદ્રાબાને શાંતિ થઈ.

‘આજ નીકળું, કાલ નીકળું, કરતાં રહી જતું હતું.’ તેમણે સ્વસ્થ થતાં કહ્યું, અને અર્વાચીના તરફ ફરી ઉમેર્યું : ‘તું અર્વાચીનાને, બહેન? ધૂર્જટિની શિષ્યા, નહિ?’

‘જી…’ અર્વાચીનાએ કહ્યું.

ધૂર્જટિના પત્રોમાં હમણાં હમણાં અવારનવાર અર્વાચીનાનો ઉલ્લેખ આવતો હતો. ચંદ્રાબાને આ છોકરી એથી જાણીતી લાગી.

‘આવતે વર્ષે તો બીજા વર્ષમાં આવીશ, કેમ?’ ચંદ્રાબાએ પૂછ્યું.

‘જી…. પાસ થઈશ તો.’ અર્વાચીના આછકલી ન હતી.

‘બીજા વર્ષમાં શું શું ભણવાનું? સંસ્કૃત ભણવાનું ખરું?’ ચંદ્રાબા તેની સાથે વાતે વળ્યાં.

‘ખરુંને! શાકુંતલ!’ અર્વાચીનાએ ઉત્સાહથી કહ્યું.

‘એમ કે? ત્યારે ‘‘વિક્રમોર્વશીયમ્’’ તો…’ ચંદ્રાબાએ આગળ પૂછ્યું.

‘આ સાલ બહુ મજા આવે છે.’

અર્વાચીનાને ચંદ્રાબાએ જીતી લીધી. અર્વાચીનાનાં આ બા એકલાં પડી ગયાં.

‘તમે વાંચ્યું છે?’ અર્વાચીનાએ ચંદ્રાબાને પૂછ્યું.

‘ભાષાંતરમાં.’ ચંદ્રાબાએ સરળતાથી ખુલાસો કર્યો. યુનિવસિર્ટીના પદ્ધતિસરના અભ્યાસથી બચી ગયેલાં ચંદ્રાબાનું વાચન ઠીક ઠીક હતું.

‘બા! બૂચસાહેબને ત્યાં તત્ત્વજ્ઞાનની ચોપડીઓ સારી એવી છે.’ ધૂર્જટિએ વાતચીત દરમ્યાન કહ્યું.

‘કોને તેમાં રસ છે? અર્વાચીના, તું તો બહુ નાની છે આવા વાચન માટે.’

‘બાપુજી એવું બધું બહુ વાંચે છે.’ અર્વાચીનાએ ખુલાસો કર્યો. અને તેનાં બા પણ ફરિયાદ કરતા અવાજે જોડાયાં : ‘હા… બહુ વાંચે છે!’

‘મારે એ ચોપડીઓ જોવી પડશે.’ ચંદ્રાબા હવે ઉમળકાભેર આ બધાં સાથે વાતો કરતાં હતાં.

‘જરૂર જોવા આવજો… ક્યારે આવશો?’

‘આવીશું… એકાદ રવિવારે, કેમ જટિ?’ ચંદ્રાબાએ કહ્યું.

…અને એમ આ મુલાકાત પૂરી થઈ… ‘સારું કુટુંબ હતું, હોં, જટિ! બાકી શરૂઆતમાં મને એમ થયેલું કે જટિનું મિત્રતાનું ધોરણ બગડી ગયું.’ ચંદ્રાબાએ ખેલદિલીપૂર્વક કહ્યું, ‘આપણે જઈશું કોઈ કોઈ વાર તેમને ત્યાં. પેલા બૂચસાહેબ મને બહુ ગમ્યા.’

ધૂર્જટિને સંતોષ થયો.

*

License

આપણો ઘડીક સંગ Copyright © by દિગીશ મહેતા. All Rights Reserved.