સ્વાગત – અનંતરાય મ. રાવળ

વાંચી જઈ અભિપ્રાય અને સૂચનો અર્થે કંઈક સંકોચ સાથે મારા હાથમાં મુકાયેલ લખાણ જોઈ જતાં એની ચીલાચાલુથી નવી જ લખાવટે તેમ અંદર દેખતા તેના લખનારની મેધાના ચમકારાને પ્રસન્નતાનો એવો અનુભવ કરાવ્યો કે એમનો સંકોચ અકારણ હતો એમ જણાવી, ‘સારું જ લખો છો’ કહી, વાર્તા પૂરી કરવાની સલાહ (અને પૂરી થયે એ ખુશીથી પ્રગટ કરી શકાશે એવી આશા) મેં તેના લેખકને આપી હતી. એ વાર્તા આજે પુસ્તકાકારે પ્રગટ થતી વેળા એના સ્વાગત માટે આગળ આવી ઊભવાનું મને જ પ્રાપ્ત થયું છે એને ખુશનસીબી ગણું છું.

એના લેખક શ્રી દિગીશ મહેતા માંડ આયુષ્યની પહેલી પચીસી વટાવેલા, પણ બૌદ્ધિક વયમાં સ્થૂળ વય કરતાં ઠીકઠીક મોટા, જુવાન છે. વ્યવસાયે અંગ્રેજી અધ્યાપક છે. અધ્યાપક હોવાની હવે આપણે ત્યાં નવાઈ નથી રહી, પણ આ અધ્યાપક સાહિત્યદૃષ્ટિવાળા અને સર્જક શક્તિવાળા અધ્યાપક છે, જેનો લાભ, જુઓ, આ પુસ્તકથી અને ‘સંસ્કૃતિ’ માસિકમાં આવતા નિબંધોથી મળવા માંડ્યો છે તે.

પુસ્તકનું સાહિત્યસ્વરૂપ, જો ‘નવલિકા’ શબ્દ આપણે ત્યાં ‘ટૂંકી વાર્તા’ એ અર્થમાં પ્રયોજિત થઈ પ્રચલિત બની ગયો ન હોય તો, જેને ટૂંકી નવલકથા(novellette)ના અર્થમાં ‘નવલિકા’ હોત, પણ હવે જેને લઘુનવ કહીએ, તેવું છે. લઘુનવલને બદલે કોઈ એને લાંબી વાર્તા કહેશે તોયે તે તકરારનો વિષય નથી. સાહિત્યરસિકોને નામની સાથે નહિ, કૃતિની અંદરની સામગ્રી અને તેના સાહિત્યગુણ એટલે રસવત્તા સાથે જ વધુ તો નિસબત હોય.

એવી રસવત્તા આ કૃતિ પોતાનામાં સારી સંઘરીને બેઠી છે. વસ્તુભૂત વાત ત્યારે પ્રો. ધૂર્જટિ અને કોલેજકન્યા નામે અર્વાચીનાની ઉભય પક્ષનાં વડીલોને પણ સંમત બનતી સગાઈની, બેચાર લીટીમાં શું — એક જ વાક્યમાં કહી શકાય એવી છે, પણ એમાં લેખકે જે 148 પૃષ્ઠ લીધાં છે તે એમની સર્જકતાનો લીલાવિલાસ પારખુ વાચકો આગળ એવો તો પ્રગટ કરશે કે એના વાચનની એક મિનિટ નીરસ નહિ જાય, એમ સુખેથી કહી શકાય.

બહુ ઘટનાપ્રધાન ન હોય એવી કથાકૃતિમાં લેખકની સ્રજકતાને પ્રગટ થવાનું બહુધા રહે છે પાત્રનિરૂપણમાં. પાત્રનિરૂપણમાં શ્રી મહેતા સારું કૌશલ દાખવે છે. પહેલા પ્રકરણમાં અર્વાચીના, પ્રો. ધૂર્જટિપ્રસાદ, અર્વાચીનાના પિતા હેડમાસ્તર બૂચસાહેબ અને અર્વાચીનાનાં બા, બેચાર પાત્રોની મુખ્ય રેખાઓ એમણે આંકી આપી છે, જેમાં પછી અનુગામી પ્રકરણો વિગતોની રંગપૂરણી જ ઉમેરે છે. પ્રો. ધૂર્જટિનાં માતુશ્રી ચંદ્રાબા પણ કથાનું મહત્ત્વનું પાત્ર પાછળથી બને છે. આ પાત્રોનાં સ્વભાવ, ટેવો, વૃત્તિવ્યાપારો અને આશયો એમનાં વિચાર-વાણી-વર્તન દ્વારા સફળતાથી ઉપસાવી શકેલા લેખક વિનાયક, રણધીરરાય, વિમળાબહેન, તરંગિણી, અતુલ આદિ કથાપટમાં આગળ જતાં-આવતાં મુકાબલે ગૌણ પાત્રોના આલેખનમાં પણ એવી જ શક્તિ બનાવે છે. દોઢ જ પાનામાં આવી પોતાનો પરચો આપી જતાં ભરતરામ (કોલેજ-વિદ્યાર્થી મનહરના પિતા)ને પણ વાર્તાકારે કેવો સજીવ ઉઠાવ આપ્યો છે! માનવી આ જુવાન અધ્યાપકના રસનો પ્રધાન વિષય હોય અને એમના હાથે કલમ ઉપાડાવનાર પણ પોતાના નિરીક્ષણમાં આવેલા જુદા જુદા માનવ-નમૂનાઓ રજૂ કરવાની વૃત્તિ જ હોય, એવી પ્રબળ છાપ એમનાં આ કથામાંનાં પાત્રો તથા તેમના એમણે કરેલા આલેખનથી આપણા મન પર પડે છે.

આને પરિણામે કોલેજના વાતાવરણ સાથે ત્યાંના જુવાન વિદ્યાર્થી-વિદ્યાથિર્નીઓનું, એમની અવસ્થામાંથી થોડાંક વરસ પહેલાં જ પસાર થઈ આવનાર અને હવે એમના નિત્યના સાક્ષી એવા આ અધ્યાપકે પૃ. 24-27 અને પૃ. 112-114 જેવાં સ્થળોએ એમના માનસને પ્રતિબંિબિત કરવા એમના વર્તન દ્વારા કર્યું છે તે આલેખન જેટલું યથાર્થદર્શી છે તેટલું જ વાસ્તવિક આલેખન પ્રેમમાં પડી ચૂકેલાં તરંગિણી અને અતુલનું, પ્રેમને રસ્તે પળતાં ધૂર્જટિ-અર્વાચીનાનું તથા એ નાયક-નાયિકાનાં વડીલોનું પણ આ કથામાં થયેલું જણાય છે.

કથામાં પ્રો. ધૂર્જટિનું આલેખન તો એનાં જ વય ને વ્યવસાયવાળા વાર્તાકારે જાણે આત્મ-પ્રક્ષેપ(self-protection)નો કલાશ્રય લઈને કર્યું કોઈને લાગે. પણ તે સાથે એ પણ એટલું જ સાચું છે કે કુશળ હાસ્યમર્મજ્ઞની અદાથી, એ પાત્રનીય બહાર નીકળી આવી એના પ્રત્યે રમૂજભરી નજરથી જોઈ એના મર્મજ્ઞ નિરૂપક લેખક બની શક્યા છે. વસ્તુત: કથાનાં એક ચંદ્રાબા સિવાય (એમ કેમ કે લેખક જાણે!) લગભગ બધાં જ પાત્રોનું આલેખન લેખકને આપ્તરંગી માનવતાના ટીખળી કે વિનોદી નિરીક્ષક ને નિરૂપકના લેબાસમાં આપણી આગળ રજૂ કરે છે. આખી કથા આથી હાસ્યના અસ્તરવાળી બની છે. એને વાંચવે સાદ્યન્ત લિજ્જતભરી બનાવવામાં લેખકના લાક્ષણિક વિનોદરસનો મોટો ફાળો છે. હસાવવાનું તાક્યું એટલે ક્યારેક એને માટે સસ્તી યુક્તિનો ઉપયોગ થઈ જાય. એવું આ કથામાં નથી થયું એમ નથી, પણ એમ ત્રણચાર વાર જ બન્યું છે. જ્યારે બુદ્ધિલક્ષી મર્મહાસ્ય કતામાં તેથી ઘણું વધારે અને તેને ઢાંકી દે એટલા પ્રમાણમાં ભર્યું છે, એવી પ્રતીતિ વાચકોને થયા વિના નહિ રહે. અને આ હાસ્ય વાયડું નથી લાગતું, બધી વેળા આનંદથી આસ્વાદી શકીએ એવું બન્યું છે, એ એની વિશિષ્ટતા છે. આ મામિર્ક હાસ્યવૃત્તિની પાછળ ઊભી છે લેખકની બુદ્ધિની તેજસ્વિતા, જે પુસ્તકમાં ઠેરઠેર ચમક્યા કરતી અનુભવાય છે.

લેખકનું આવુ વ્યક્તિત્વ એમની શૈલીમાં ઊતરતાં, એમની હાસ્યવૃત્તિ અને બુદ્ધિચમકે એમની લખાવટને અ-રૂઢ, રસાળ ને ચબરાક બતાવી છે, જેની સાબિતી પુસ્તકનું પૃષ્ઠેપૃષ્ઠ આપી રહેશે. પૃષ્ઠ 18-19 પર છે તે અમદાવાદ શહેરનું વર્ણન, પ્રો. ધૂર્જટિના ઘરના ફનિર્ચરનાં પૃષ્ઠ 27-28 અને 127 પરનાં વર્ણન, પૃષ્ઠ 29 પરનું આકાશનું વર્ણન, પૃ. 110 પરનું તરંગિણીનું વર્ણન, પૃ. 125 પરનું અતુલ-તરંગિણીના પ્રણયાનુભવનું વર્ણન — આવાં વર્ણનો અને પુસ્તકમાં ડગલે ને પગલે સામે મળતી નવીન, ચમકદાર, મૌલિક, પ્રગલ્ભ અને વિલક્ષણ સામ્યથી સ્મિત ફરકાવતી ઉપમાઓ આ કથાનું એક આગવું આકર્ષણ બની રહે છે. સંદર્ભથી છૂટાં પાડી, એવાં કોઈ વર્ણનો કે કોઈ ઉપમાઓ વાનગીદાખલ સિનેમા-ચિત્રપટના ટ્રેલરોની જેમ (જોયું? એમને વિશે લખતાં મનેય એમનો રંગ લાગ્યો!) અહીં રજૂ કરવાની જરૂર હું જોતો નથી. પુસ્તકમાં તેના સંદર્ભાન્વિત સ્થળોએ જ તે જોવાં-આસ્વાદવાનાં સારાં, ફૂલો તેમના છોડ પર તેમના માતૃખોળે જ જોવાં સૌથી સારાં, તેમ. એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે સાહિત્ય જો વાણીની કલા છે અને એક સં્કૃત આલંકારિકના કહ્યા મુજબ વક્રોક્તિ એટલે ખૂબીદાર કે ‘ચમત્કૃતિ’ભરી ઉક્તિ જો કાવ્યનું એટલે રસાત્મક કે લલિત સાહિત્યનું પ્રાણભૂત તત્ત્વ છે, તો લખાવટની આવી ‘ચમત્કૃતિ’ જે આ કૃતિને સાદ્યન્ત રોચક બનાવે છે તેનું સાહિત્યમૂલ્ય ઓછું અંકાય નહિ.

કથામાં આકિર્મીડીસ, સોક્રેટિસ, રસેલ, હક્સ્લી, પાવલોવ, ડી. એચ. લોરેન્સ જેવાના નામોલ્લેખો નજરે ચડે છે ત્યાં પોતાના જ્ઞાનપ્રદર્શનથી લેખક વાચકોને આંજી નાખવા માગે છે એમ ન માનતાં ઠીકઠીક માહિતી–મૂડીવાળા બહુશ્રુત માણસની વાતચીતમાં અનાયાસે એવાં નામો આવી જતાં હોય તેના જેવું આ છે, એમ માનવું વધુ વાજબી થશે. ક્યારેક અમદાવાદ શહેરને, ક્યારેક જુવાન વિદ્યાર્થીઓને અને ઘણી વાર પાત્રભૂત વ્યક્તિઓ ને તેમના આશયો કે તેથી પ્રેરિત વર્તનને ચબરાક કર્તાના અભિપ્રાયાત્મક ભાષ્યનો પણ જે લાભ કથામાં મળ્યો છે તે સ્વ. રમણલાલ દેસાઈની એવી ટેવની યાદ આપશે. એ હજુ આપણા લેખકની ટેવ નથી બની ગયું. એમની નિરીક્ષણશક્તિ અને હાસ્યવૃત્તિનું તેટલું જ તેમની વિચારવાની વૃત્તિ કે શક્તિનું એ ફળ છે. એના વિચારતત્ત્વથી તેમ જ લખાવટની વિશિષ્ટતાથી આવાં ભાષ્ય-સ્થળો પણ આસ્વાદ્ય બને છે.

કથાના ગુણપાસામાં આ પણ કહેવાનું રહે જ છે કે એમાં હાસ્યની લહેરખીઓ સતત ફરકાવતા રહેલા લેખકે કથાને રમણભાઈ નીલકંઠના શબ્દોમાં કહીએ તો ‘લઘુભાર’ કે નિ:સત્ત્વ બનાવી દીધી નથી. જીવનને સાવ હસી કાઢવાની ક્ષુદ્ર રમત તરીકે એ જોતા જણાતા નથી. એને ગંભીરતાથી જોનાર અને સમજવા મથનાર વિચારતા માણશ એ તો છે, એમ દેખાડતી ગંભીર વિચારસામગ્રી પણ પુસ્તકમાં ઓછી નથી. નવી સરજાતી નારીની મનોદશા વિશે (જુઓ પૃ. 111-114), નવા યુગનાં પ્રેમ અને લગ્ન વિશે ગંભીરતાથી વિચારવાનું મથન કથામાં અમુક પ્રમાણમાં થયું છે. અહંકેન્દ્રિત અસ્તિત્વ વગેરે પ્રેમના સંઘર્ષે જન્મતી આ યુગે અતિ-આળા બનાવેલા જીવોની ટ્રૅજડી સમજાવવા મથતું તરંગિણી–અતુલના પ્રેમપ્રકરણ નિમિત્તે નિષ્પન્ન થતું પૃ. 124-125 પર છે તેવું ચિન્તન, કે પૃ. 46–47 અને 59-61 પર છે તેવું ગંભીર જીવનચંતિન જોશો, તો એક વિચક્ષણ સંવેદનશીલ યુવાન વર્તમાન સંદર્ભમાં જીવનને પોતાની સમજમાં આવે એ રીતે અને પોતાની લાક્ષણિક રીતે જોવા, જાણવા, આકારવાનો યથાશક્તિ પ્રયત્ન હસતાં-હસતાં, વચમાં ગંભીર બનતા જઈને આવી લઘુનવલના નાનકડા પટમાં કરતો જણાશે. કથા આથી હાહાઠીઠીમાં સરી પડવાને બદલે જીવન પર ગંભીરતાભર્યાં ડોકિયાં પણ કરાવતી સ-સાર કૃતિ, કર્તાએ લખતી વેળા સ્વીકારેલા મનોભાવો ‘(મૂડ’) અને પ્રયોજને તેને આપેલા અવકાશના પ્રમાણમાં બની છે.

કથામાં વાર્તાકારની રીતે કલાત્મક પડછાનો પ્રયોગ કરતાં લેખકને સારું આવડ્યું છે. ધૂર્જટિ-અર્વાચીનાના આત્મા એકમેકને નિત્યના સહચારના કોલ લેતા-દેતા હોય ત્યારે પૃ. 107 પર લેખકે મામિર્ક વાસ્તવદૃષ્ટિથી એક યુવાન યુગલની ચડભડનું દૃશ્ય ગોઠવી બેઉ દૃશ્યના સંનિકર્ષથી હાસ્ય નિષ્પન્ન કર્યું છે. +નાયક–નાયિકાની માતા-જોડી પણ ઠીક પડછો પૂરો પાડે છે. પણ વધુ તો ધૂર્જટિની અને અર્વાચીનાની સામે કે પડખે અતુલ-તરંગિણીની જોડી ગોઠવવામાં લેખકની કુશળતા છતી થાય છે. અર્વાચીના અને ધૂર્જટિની સગાઈ તો નક્કી થઈ, પણ તેમનું તરંગિણી-અતુલની જેવું તો નહિ થાય ને, લગ્ન જ ન થાય એવું?–એવી દહેશત મગજમાં કથાનો અંત ફરકાવી જાય એવો અનુભવ કેટલાક વાચકોને થાય તો થાય. એ દહેશત સાચી પડે તેવી ખરી કે સાવ ખોટી જ, એનો આધાર તો કથા પૂરી થયા પછી જે રીતે વાચકોના મગજમાં આગળ ચાલે તેના પર રહેવાનો. આપણા પૂરતી તો કથા, ‘વડીલો છો તોપણ વિરોધ નહિ કરો?’ અને ‘વડીલોના વિરોધ વિના તો લગ્ન કરવાનો જ શો અર્થ?’ જેવાં વાક્યો દ્વારા અને પ્ર. 22ની ઘટનાથી સરજાતા વ્યાજવીરના પ્રકારના હાસ્યરસની અને નાયક-નાયિકાને મળતાં આનંદ-અભિનંદનની હવામાં આટોપાય છે.

લેખકની વાસ્તવદૃષ્ટિએ એવું જ હાસ્ય નિપજાવ્યું છે પ. 84-85 પર, બૂચસાહેબના ચંદ્રાબા પરત્વેના ભ્રમના નિરાસ દ્વારા નાયકનાયિકાના પ્રણયના એમને ‘રોમાન્સ’ જેવા લાગતા અનુભવનેય લેખકની વાસ્તવદૃષ્ટિ હસી રહેલી જોશો, પૃ. 128-129માં.

પણ દરેક માનવીને એનું પોતાનું ન્યારું વ્યક્તિત્વ પણ હોય જ છે ને? ધૂર્જટિ અને અર્વાચીના અતુલ અને તરંગિણીની જ કાર્બન-કોપી શું કરવા બને? પણ ધારો કે પાછળથી અતુલ-તરંગિણીની પ્રણયકથાનું જ પુનરાવર્તન આ કિસ્સામાં થાય તો? તો, લેખક તો પોતાના એક કવિ વ્યવસાયબંધુ(અને હવે સાહિત્યબંધુ)ના જે કાવ્યના ત્રણ શબ્દો કથાના મૂર્ધસ્થાને મૂકી પોતે તેનું શીર્ષક બનાવ્યું છે તે કાવ્યની જ ‘આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ’ એ પંક્તિ અથવા It is better to have loved and lost than never to have loved at all જેવી અંગ્રેજી કાવ્યપંક્તિ એ અમંગળ સંભવની સામે ધરખમ આશ્વાસન તરીકે ધરી દેવાના, અને ‘કાળની કેડીએ’ થઈ ગયેલા એ ‘ઘડીક સંગ’ને જ જીવનનું મહામૂલું સંભારણું ગણવા ચગળવાનું કહેવાના.

એમણે કથાના રાખેલા શીર્ષક પાછળ આવું રહસ્ય હો કે ન હો, પણ વાચકોને 130 પાનાંની આ લઘુનવલ કે લાંબી વાર્તાના વાચનપ્રવાસમાં એમના વિચક્ષણ કર્તાનો જે ‘ઘડીક સંગ’ થશે તે તો એમને એમના પ્રેમમાં પાડી દઈ એવો વધુ સંગ માગતા કરી મૂકી એવો છે. એની તૈયારી ભાઈશ્રી દિગીશ મહેતાએ રાખવી જોઈશે. આ કૃતિ પ્રગટ કરીને તો એ ફસાયા છે. વધુ લખાવ્યા વિના સાહિત્યરસિકો એમને છોડશે નહિ. પણ એમ શું કામ? જેણે એમની પાસે આટલું લખાવ્યું તે એમનો સર્જક જીવડો જ એમને જંપી બેસવા શાનો દેવાનો? અને એમ લખતા રહેવામાં એ પોતેય વિકસતા કેમ નહિ રહે? અત્યારે આ કૃતિમાં એમની છતનો જે છાક ક્યાંક ક્યાંક દેખાય છે તેને સંયમથી નિયમી તેની પાસેથી વધુ સારું કામ લઈ શકવા જેવા સાવધ એ છે ને વધુ બનશેય તે.

એમ એમની કલમને ચાલતી રખાવે અને આથી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે ગુજરાત સમક્ષ એમને ઉપસ્થિત કરાવે એવું ઉષ્માભર્યું પ્રોત્સાહક સ્વાગતરૂઢ શૈલીના સાંપ્રત કથાપુંજમાં લખાવટની તાઝગીથી ભાત પાડી ધ્યાન ખેંચતી આ કૃતિને ગુજરાતના સાહિત્યરસિકો તરફથી મળી જ રહેશે, એની મને ખાતરી છે. હું કૃતિનું અને એના કર્તાનું એવા સાહિત્યરસિકોના અદના પ્રતિનિધિ તરીકે આપણા વાર્તાના તથા નવીન લેખન(new writing)ના ક્ષેત્રમાં સહર્ષ સ્વાગત કરું છું.

અમદાવાદ

અનંતરાય મ. રાવળ

20-10-’62

License

આપણો ઘડીક સંગ Copyright © by દિગીશ મહેતા. All Rights Reserved.