ધેર ઇઝ ઓશન ઇન મી,સ્વેઇંગ, સ્વેઇંગ ઓ, સો, ડિપ…
– લૉરેન્સ
અમારી બસ ક્યારનીય વેગથી દોડી રહી હતી. તેની એકધારી સુંવાળી ગતિએ કેટલાક યાત્રિકોને તંદ્રાવસ્થામાં તો કેટલાકને તો નિદ્રાવસ્થામાં નાખ્યા હતા. મારી બાજુનું વૃંદ નીચા સૂરે અંતકડી રમવામાં લીન હતું. બસની બારી બહાર સુદૂરવ્યાપી ધવલ ચાંદની પડી હતી. બૃહદીશ્વરના તાંજોરના ખરા મધ્યાહ્નના અનુભવ પછી ચાંદનીમાંથી વહી આવતી શીતલતા પરમ શાતા રૂપ બની રહી હતી. મન વારે વારે બારી બહારની એ ચાંદનીમાં ભટકવા જતું રહેતું હતું. અને ત્યાંથી દૂરના અતીતમાં સરકી જતું હતું.
અમે રામેશ્વર ભણી જઈ રહ્યાં હતાં. અતીતમાં વિહરવા માટે એ નામ જ પર્યાપ્ત હતું. સેતુબંધ રામેશ્વર. ‘સેતુબંધ ઇતિખ્યાતમ્ ત્રૈલોક્યેન ચ પૂજિતમ્’ – પુષ્પક વિમાનમાંથી લંકાવિજયી રામ નીચે સીતાને દેખાડતા હતા. એ રામેશ્વર – હિંદુસ્તાનનો વાઘ-સિંહ જેવો નકશો ચીતરતાંય છેક નીચે દક્ષિણમાં અમે જેનો એક ખાંચો પાડતા; અને પછી તેનાથી જરાક દૂર ઈંડા જેવી લંકા ચીતરતા. બે વચ્ચે સાગર અને પછી તો બધે જ સાગર સાગર.
કદાચ આ માર્ગ પરથી જ કિષ્કિંધામાંથી રામલક્ષ્મણ બે ભાઈ હાથી જેવાં શરીર અને બળવાળા હજારો-લાખો વાનરોના મહાસૈન્ય સાથે રામેશ્વરની આ દક્ષિણ દિશામાં ગયા હશે. રામ-લક્ષ્મણ વાનરોના સ્કંધ પર બેસીને ગયા હતા. અમે બસમાં જતાં હતાં. એ વખતે વર્ષા વીત્યા પછીના શારદીય દિવસો હતા. અત્યારે ગ્રીષ્મનાં દિવસો છે. રામલક્ષ્મણ પછી તો હજારો યાત્રિકો હજારો વર્ષોથી છેક ઉત્તરથી ગંગાજળની કાવડ લઈને દક્ષિણમાં ભગવાન રામેશ્વરનો અભિષેક કરવા આ જ માર્ગે જતાં રહ્યાં છે.
મધરાતે મંડપમ્ પહોંચ્યાં. અહીં અમારો મુકામ હતો, અહીં આ ચાંદની વરસતા ખુલ્લા આકાશ નીચે, ચાંદની ઝીલી રહી રેત પર. વહેલી સવારે અહીંથી થોડું અંતર ગાડીમાં કાપવાનું રહેશે. શેતરંજીઓ પાથરી આરામમાં પડ્યાં. અહીં જરૂર રામચંદ્ર અને એમના સૈન્યની છાવણી પડી હશે. અત્યારે એક છાવણી જેવું જ દૃશ્ય હતું. અનેક યાત્રિકો અહીં પડ્યાં હતાં. અમે વિચાર્યું વારાફરતી જાગવું. હજી તો અમે વાતો જ કરતાં હતાં, ત્યાં જોતજોતામાં બધાં ઊંઘમાં ભરાયાં. હું જાગતો રહ્યો.
વાત કોની સાથે કરવી? માત્ર બેસી રહેવાથી તો મનેય ઊંઘ આવી જશે. એક ઉપાય વિચાર્યો. બેઠાંબેઠાં કંઠસ્થ હોય તે કવિતાઓ યાદ કરું. નિશાળે ભણવા બેઠો ત્યારથી શરૂ કરી જે જે કવિતાઓ મોઢે કરી હતી, તે બધી યાદ કરવા લાગ્યો અને મને સંભળાવવા લાગ્યો. ‘મા, મને ચાંદલિયો વહાલો’ (ઉપર ચંદ્ર જોઈને એ જલદી યાદ પણ આવે) કે ‘ગણ્યા ગણાય નહીં…’ ત્યાંથી શરૂ કર્યું. અનેક કવિતાઓ, ક્યાંક આખી અકબંધ, ક્યાંક અંશ, ક્યાંક પંક્તિખંડ સ્મૃતિઓના અવાવરુ ભંડારમાંથી પ્રકટવા લાગ્યાં.
‘સુખદુઃખ મનમાં ન આણીએ’ની ‘સીતા સરખી સતી નહીં’ અને ‘રાવણ સરખો રાજિયો’ બોલતાં તો એક અનુસંધાન રચાઈ જતું લાગ્યું આ ભૂમિ સાથે. પછી તો અંગ્રેજી કવિતાઓ ઉમેરાઈ, પછી સંસ્કૃત, હિન્દી, બંગાળી…અને આમ છતાં ઊંઘનું જોર વધતું જતું હતું. થાય, લાવ જરા આડો તો થાઉં. ઉપર આકાશમાં જોયું તો નિદ્રાહારા શશિ, ‘મારી નિયતિને, નિહાળી રહેલી મિત્રની મૃદુ આંખ સમી એની પ્રેમાળ નજર’ (ગુઈથે) ઢોળી રહ્યો હતો.
એ પ્રેમાળ નજરનાં અજવાળામાં જ પછી તો સ્ટેશનના પ્લૅટફૉર્મમાં પ્રવેશ્યા. ગાડીમાં બેસી ગયાં. તંદ્રાની સ્થિતિમાં રામેશ્વરમ્ ક્યારે આવ્યું તેનીયે ખબર ન પડી. હજુ દિવસનું અજવાળું થયું નહોતું. જેવાં સ્ટેશને ઊતર્યા તેવાં ઝપાટાબંધ ભગવાન રામેશ્વરની પ્રભાત આરતીમાં પહોંચી જવા ચાલી નીકળ્યાં. આછા ઉજાસમાં ઊંચા ગોપુરની આકૃતિ આંખમાં આવતી હતી. મંદિરમાં પ્રવેશ્યાં. જાણે ચાલ્યાં જ કરીએ છીએ. કંઈ કેટલુંય ચાલ્યા પછી ગર્ભગૃહને અજવાળતી ઘીના દીવાઓની ‘નિવાત નિષ્કંપ’ જ્યોત જોઈ. મુખ્ય મંદિરમાં આરતી થઈ ગઈ હતી, બાજુના મંદિરમાં થતી હતી. નાદસ્વરમ્ અને મૃદંગમનો આ પ્રભાત વેળાએ હજીય ભક્તિપ્રેરક મધુર નિનાદ આવતો હતો.
જય મહાપ્રભુ, જય રામેશ્વર…સૌ હાથ જોડી દર્શન કરી રહ્યાં. રામના ઈશ્વર. રામને પણ ઈશ્વરની સ્થાપનાની જરૂર પડી હતી. પ્રસિદ્ધ બારમાંનું તેય એક જ્યોતિર્લિંગ છે. ભારતને આ છેડેથી રામ જ્યારે લંકા જવા તૈયાર થયા ત્યારે તરસ્યા થયા. પાણી પીએ તે પહેલાં તેમને શિવની પૂજા કરવાની ઇચ્છા થઈ આવી અને વેકૂરનું લિંગ બનાવી શિવની પૂજા કરી. શિવે પ્રકટ થઈ રામને દર્શન દીધાં. એમ પણ કહેવાય છે કે સેતુ-નિર્માણ પહેલાં શિવની આરાધના કરવા રામે હનુમાનને શિવલિંગ લેવા હિમાલય ભણી મોકલ્યા, તેમને આવતાં વાર થઈ અને સ્થાપનાનું મુહૂર્ત વીતી જવા લાગ્યું અને એટલે રામે વેકૂરનું લિંગ બનાવી પૂજા કરી – પછી હનુમાનના લાવેલા લિંગની પણ સ્થાપના કરી. જોઉં છું વિરહવિધુર રામને વેકૂરનું લિંગ બનાવી પૂજા કરતા. પણ શું એ આ જ સ્થળ હશે? ન પણ હોય, અહીં આસપાસ ક્યાંક હોય, ક્યાંય પણ ન હોય – પણ ભાવિક ભારતવાસીના ચિત્તમાં તો આ ઘટના ઘટી જ છે! નહીંતર અહીં આવીને ઊભાં રહેતાં એ ચિત્ર કેમ મનશ્ચક્ષુઓ સામે રચાઈ જાય છે!
ઉત્તરદિશિ એક નગરી અયોધ્યા…, ભારતવર્ષને ઉત્તરને છેડેથી પેલા બે ભાઈઓ નીકળ્યા હતા. સાથે હતી જાનકી. પણ અહીં તો આ દક્ષિણ છેડે આ બે ભાઈઓ હતા અને જાનકી તો હતી અહીંથી સો જોજન દૂર, અશોકવાટિકામાં. રઘુવંશી આ બે કુમારો અહીં એકલા- અટૂલા હતા, જોકે હજારો-લાખો વાનર-રીંછ તેમની સહાયમાં હતાં. તેમાં પણ પછી હનુમાન આદિ સાથે તો રામનું અદ્વૈત કેવું સધાતું ગયું! આ શું માત્ર આદિ કવિની કલ્પના જ હતી? એ કલ્પના હોય તોય તે સત્ય છે. અનુષ્ટુપના આવિર્ભાવ પછી વાલ્મીકિને બ્રહ્માએ પ્રકટ થઈને રામનું ચરિત્ર કહેવાનું કહેતાં નહોતું કહ્યું કે ‘ન તે વાગનૃતા કાવ્યે કાચિદત્ર ભવિષ્યતિ’ – આ કાવ્યમાં આલેખેલી તમારી કોઈ વાત જૂઠી નહીં થાય…
અને એ વાલ્મીકિના રામે સીતાને કહ્યું હતું કે આ સ્થળ સેતુબન્ધના નામે પ્રસિદ્ધ થઈને ત્રિલોકમાં પૂજાશે. બીજા બે લોકની તો ખબર નથી પણ આ મૃત્યુલોકમાં, આ ભારતવર્ષમાં એ સ્થળ આજે પૂજાઈ રહ્યું છે. પશ્ચિમ, ઉત્તર કે પૂર્વમાં બધાં તીર્થોની યાત્રા કર્યા પછી પણ ભગવાન રામેશ્વરનાં દર્શન વિના યાત્રા અધૂરી રહી જાય છે. કદાચ એટલે જ ઉત્તરમાંથી ગંગાનું જળ લાવીને અહીં દક્ષિણમાં રામેશ્વરનો અભિષેક કરવાનું માહાત્મ્ય રચાયું હશે. ઊભો હતો. હજી તો હાથ જોડીને, પણ ચિત્તમાંથી તો આ બધું ગુજરતું જતું હતું. હજી પેલી પ્રભાત-આરતીના મધુર ધ્વનિ વિરત થયા નહોતા.
પ્રભાતનાં આ દર્શન કરી પાછાં વળ્યાં ત્યારે ઉજાસ વધ્યો હતો. ઊંચી સુદીર્ઘ છતને ધારી રહેલા અસંખ્ય થાંભલાઓની હારમાળા વટાવતાં બહાર નીકળ્યાં. બહાર રેતી પથરાયેલી હતી, વેકૂર. વેકૂર પર ચાલતાં ચાલતાં પૂર્વ દિશામાં સમુદ્ર ભણી, નાતિદૂરે સાગરદર્શન. પરંતુ આ તે કંઈ સાગર છે? આટલો શાન્ત? અહીંના સાગરની કલ્પના કેવી હતી? વાલ્મીકિ રામાયણમાં છપાયેલું સાગરકિનારે ઊભેલાં રામનું પેલું ચિત્ર યાદ આવી ગયું.
‘અદ્યાહં શોષયિષ્યામિ સપાતાલં મહાર્ણવમ્’ – બોલતા સાગરકિનારે એક હાથમાં ધનુષ્ય અને બીજા હાથમાં બાણ લઈ ઊભેલા છે રૌદ્રરૂપ રામ, ઉઘાડા શરીર પર તેમનું ઉત્તરીય થોડું સરકી ગયું છે અને સામે ઊછળતાં સર્પફણા જેવાં વિકરાળ મોજાં પર હાથ જોડી માનવ રૂપે પ્રકટી રહ્યો છે સાગર… અહો કિમાશ્ચર્યમતઃ પરમ્! આ કોણ નીકળી રહ્યું છે શાન્તિ જલરાશિ પર? ના, સાગરદેવ નથી, સૂરજદેવ છે. આસપાસના આછા લાલ પરિસરની વચ્ચે એકદમ લાલ બિંબ. જાણે ભાલ પર રિબન બાંધી હોય તેમ ઉપરના ભાગે આડી સળંગ વાદળની પટી આવી ગઈ હતી. અમે સામે જ તેમનું અભિવાદન કરતાં રેતીમાં બેસી ગયાં. અહા, વાદળની પેલી રિબન પહોળી થતી જાય છે અને સૂરજ દેવતાને ઢાંકતી જાય છે. થોડી ક્ષણોનું સાગરોદ્ભવ સૂરજનું દર્શન અ-લૌકિકતાનો સ્પર્શ કરાવી ગયું.
પણ આ સાગર કેમ શાન્ત છે? અમારી કલ્પનાનો ‘તરંગિત મહાસિન્ધુ’ તો –
–મંત્ર શાન્ત ભુજંગેર મતોપડેછિલ પદપ્રાન્તે ઉચ્છવસિત ફણા લક્ષશતકરિ અવનત.
રામને નમ્યો ત્યારથી જ, આમ છે કે? મંત્રથી શાન્ત પડેલા ભુજંગ જેવો પોતાની સેંકડો-લાખો ફણાઓને નીચી નમાવી દઈને. હા, પણ છે વિશાળ, અપાર. વિશાળતા અને અપારતામાં વાલ્મીકિએ કહ્યું હતું તેમ તે સાગર આકાશ જેવો દેખાય છે અને આ આકાશ સાગર જેવું. દૂર સમુદ્રનાં જળ, આકાશને અડકી જાય છે અને આકાશ સમુદ્રનાં જળને.
હવે અમને સવારની ચા યાદ આવી. ચાની એક રેંકડીવાળા પાસે જઈ ચા બનાવવાનું કહ્યું. આ બાજુ રામેશ્વરનું ભવ્ય ઉતુંગ મંદિર હતું. આ બાજુ શાન્ત વિસ્તીર્ણ સાગર. ચા પીધા પછી સમુદ્રકિનારાના ‘વિવેકાનંદ ઇલ્લમ’માં ગયાં. અહીં સાગરકિનારે જ રહેવાનું મળે તો આનંદ રહી જાય. વ્યવસ્થાપકે કલાકેક પછી આવવા કહ્યું. બે રૂમ ખાલી થવાના હતા. આજે અમે હળવાં હતાં. વધારાનો સામાન બધો મંડપમાં સ્થિત અમારી બસમાં જ રાખી આવ્યાં હતાં. જરૂર પૂરતાં એક-બે જોડી કપડાં જ બગલથેલામાં નાખી રાખ્યાં હતાં. ત્યાંથી અમે ગુજરાતી ધર્મશાળાએ જવા નીકળ્યાં. સવારમાં આ તીર્થભૂમિ પર ચાલવાનું ગમતું હતું. બહુ શાન્ત અવરજવર. કોઈ યંત્રવાહન મળે નહીં. રસ્તાની બાજુમાં જે ઘર હતાં તે બધાં દ્વાર આગળ આંગણામાં છંટકાવ કરી શ્વેત રંગોળીથી ચીતરાયાં હતાં. ગુજરાતી ધર્મશાળાએ પહોંચ્યાં. મોટા ભાગનાં અમારાં સહયાત્રીઓ અહીં ઊતર્યાં હતાં. બપોરના જમવાની વ્યવસ્થા પણ અહીં હતી.
પણ મને તો પેલો સાગર બોલાવતો હતો. સાગરસ્નાન તો કરવું જ જોઈએ. અહીંના ધનુષકોટી આગળ સાગરસ્નાનનો ઘણો મહિમા છે. ત્યાં રામચંદ્ર સમુદ્રના તટ પર દર્ભ પાથરી હાથ જોડીને સમુદ્રની આરાધના કરવા પૂર્વ દિશા તરફ મુખ રાખી હાથનું ઓશીકું રાખી ત્રણ દિવસ-રાત સાવધાન ચિત્તે સૂતા હતા, પણ સમુદ્રે જ્યારે અળા ન દીધી ત્યારે પેલું રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. જવું તો ત્યાં જોઈએ, પણ એ સ્થળ દૂર હતું. વળી થોડાં વર્ષો પરના સમુદ્રી તોફાનમાં એ સ્થળ ધોવાઈ ગયું હતું. વળી અમારે તો આ કે તે સ્થાનનો મહિમા નહીં, માત્ર સાગરસ્નાનનો મહિમા હતો.
યાદ આવે છે પહેલું સાગરદર્શન, અને સાગરસ્નાન કર્યું હતું પોરબંદરના સાગરમાં. આખી બપોર. તે પછી તો જ્યાં જ્યાં અવસર મળ્યો છે ત્યાં સાગરનાં જળમાં દેહને ભીંજવ્યો છે. ગોમતી નદી અને સમુદ્રનો જ્યાં સંગમ થાય છે તે સ્થળે દ્વારકાના સાગરમાં આપણા પ્રસિદ્ધ તસવીરકાર જગન મહેતા અને નરોત્તમ પલાણ સાથે લગભગ ઉન્મત્ત બની સ્નાન કર્યું હતું. ઓટનો દરિયો હતો. ભગવાન દ્વારકાધીશની પૂઠેથી અલ્પજલા ગોમતી વહી આવતી હતી અને તે સામેથી આવતાં મોજાંમાં ભળી જતી હતી, જ્યાં બન્ને પાણી મળતાં ત્યાં યુયુત્સુ ફણીધરોની મુદ્રા ધારણ કરતાં હતાં. એ સ્નાનનો આનંદ હજીય છે. યાદ આવે છે કોનારકનું સાગરસ્નાન. ત્રણ વાર ત્યાં ગયો છું, પહેલી વેળા ત્યાંનાં સાગરનું દર્શન કર્યું હતું માત્ર – ભૂરાં પાણી જોયાં હતાં કોનારકનાં ભગ્ન મંદિર પરથી. (હવે તો ત્યાં ઉપર ચઢવા દેતા નથી.) પણ બીજી વેળા જવાનું થયું ત્યારે તો કાંઠે પહોંચી, કપડાં ઉતારી પાણીમાં, અને જગન્નાથનાં સાગરનું સ્નાન તો! હજારો યાત્રીઓ સાથે. અષાઢી બીજ હતી. રથયાત્રાનો એ દિવસ હતો. વિરાટ જનમેદની સાથે ભગવાન જગન્નાથનો રથ ખેંચ્યા પછી એ વિરાટ સાગરના ઊછળતા જળમાં સ્નાન કર્યું હતું. દક્ષિણની આ યાત્રા વખતે મદ્રાસના પ્રસિદ્ધ મરીના બીચ પર પણ સ્નાન કર્યા વિના રહી શકાયું નહીં મહાબલીપુરમના ભૂરા જળમાં તો પહેર્યાં કપડે જ ઝંપલાવ્યું. કાંઠે ઊભેલા સહયાત્રીઓ હેં… હેં… કરતાં રહી ગયાં. પછી તો તેમનેય ખેંચ્યાં. ભીના કપડે જઈને બસમાં બેઠાં. લોકો જુએ. આય કેવા! અને કન્યાકુમારીમાં ત્રણે સાગરના સંગમસ્થળે કરેલું સ્નાન, તો! સાગરકિનારે સૂર્યાસ્ત જોવા ગયાં હતાં, વાદળને લીધે સૂર્યાસ્તનું સૌન્દર્ય બરાબર પ્રકટ ન થયું – તો ભલે, અમને સાગરસ્નાનનો વિચાર આવી ગયો. ભયંકર ઊછળતા તરંગો ઝીલતા ખડકાળ કાંઠે સ્નાન કર્યું. એનું સ્મરણ થતાં જાણે એ સાગર મારી ભીતર ઊછળે છે.
રામેશ્વરનો આ શાન્ત સાગર પણ નાહવાનું આમંત્રણ આપી રહ્યો હતો. બીજા સાગર જાણે આહ્વાન આપતા લાગતા. આહ્વાન ઝીલવાનું આપણું તો શું ગજું હોય? એમને તો પ્રણામ જ કરવાના હોય. પણ આ સાગર જાણે મૈત્રી માટે આતુર. એની સાથે હસ્ત-મેળાપ થઈ શકે.
તડકામાં પાણી ચમકતાં હતાં. અનેક લોકો અહીં સ્નાન કરતાં હતાં. અમેય જળમાં પ્રવેશ કર્યો. પાણીમાં ઠીક ઠીક દૂર જવા છતાં ઊંડાણ વધતું નહોતું. છાતી સમાણાં નીર આવ્યાં પછી અટકી ગયાં. ઉદ્વેલિત સાગરમાં એટલે સુધી જઈએ તો જઈએ જ. પરંતુ અહીં ભય નહોતો. જોકે પાણી સતત હલબલ્યા કરતાં હતાં. બ. ક. ઠા.ની પેલી રેવાનાં જળ વિશેની પ્રસિદ્ધ પંક્તિ યાદ આવે. ‘ઊંચાંનીચાં સ્તનધડકશાં હાલતાં સુપ્ત વારિ…’ ક્યારેક જરાક મોટી છાલક આવે તો હોઠે અડકી જાય અને સાગરની ખારાશનો ગુણધર્મ યાદ કરાવી જાય. આ ચકચકતાં સ્વચ્છ જળમાં જરા દૂર અ.રૂ.દી. મત્સ્યકન્યાઓ જેવી લાગતી હતી. મેં એવું કહ્યું પણ ખરું. દીપ્તિ કહે, તો ૫છી તમે? માછીમાર તો નહીં! માછલીઓએ ભાગવું જ રહ્યું.
અરે, આ શું? આ યુવાન સ્ત્રીને માથે તાજો ટકો છે. એનો પતિય સાથે છે તો, એનેય માથે ટકો છે. પછી તો ઘણાં યુગલો જોયાં. પછી ખબર પડી કે તિરુપતિની જેમ અહીંના લક્ષ્મણકુંડ આગળ મુંડન કરાવવાનો મહિમા છે. સ્નાન કરી વિવેકાનંદ ઈલ્લમમાં આવ્યાં. છ વ્યક્તિ માટે બે રૂમ મળ્યા. સ્વચ્છ અને સુઘડ પ્રાંગણમાં નારિયેળીનાં ઝુંડ. તેમની વચ્ચેથી દેખાય આ સામે શાન્ત સાગર અને આ બારીમાંથી દેખાય ભવ્ય રામેશ્વર. પણ આ એક સુયોગ થયો. અમે બન્નેના સાન્નિધ્યમાં હતાં. સાગરનો ક્ષાર અમને ચઢ્યો હતો એટલે ફરી સ્નાનવિધિમાં પ્રવૃત્ત થયાં. મારી ગઈ કાલની રાત લગભગ નિદ્રાહારા જ હતી. જરા આડો થયો હોઈશ કે એક સ્વપ્ન આવી ગયું.
જમવાનું ગુજરાતી ધર્મશાળામાં હતું. એટલે ત્યાં ગયાં. યંત્રવાહન વિનાના શાંત માર્ગો પર માણસોની અવરજવર ચૂપચાપ થતી લાગે. જમીને રૂમ પર આવી થોડો આરામ કર્યો. પછી નીકળ્યાં. સવારમાં જલદી જલદીથી દેવેશ્વરનાં દર્શન કર્યાં હતાં. દેવાલયનાં દર્શન લગભગ બાકી હતાં.
દક્ષિણનાં દ્રવિડ શૈલીનાં મંદિરોમાં રામેશ્વરનું આજે જે મંદિર છે તે પ્રમાણમાં સૌથી ઓછું જૂનું ગણાય છે. અનેક વાર આ મંદિર બન્યું હશે, પડયું હશે. બારમી સદીના પુરાણા અવશેષો તો મળી પણ આવ્યા છે. તેમ છતાં આજનું મંદિર સાડાત્રણસો વર્ષથી વધારે જૂનું નથી. પૂર્વ દિશાનું ગોપુ૨ અગિયાર માળ ઊંચું છે – લગભગ દોઢસો ફૂટ, સોળ માળવાળાં બસો ફૂટ ઊંચાં ગોપુરો પણ દક્ષિણનાં કેટલાંક મંદિરોને ક્યાં નથી? સ્કાયસ્ક્રેપર્સ – કોઈએ ઉચિત રીતે જ કહ્યાં છે. કવિ સુન્દરમને ભક્તના હૃદયમાં રહેલી ભક્તિ જેવાં દેખાયાં. (‘જોયાં ગોપુ૨ વ્યોમમાં સ્થિર ખડાં, ભક્તિ શું ભક્તાંતરે…’), કવિ ઉમાશંકરને ટોપ પહેરેલા સંત્રી જેવાં (ડોકતાં તાલઝુંડોની પૂઠે તોતિંગ ગોપુરો / ટોપ પહેરેલ સંત્રી શાં’). મદુરાઈના મીનાક્ષી મંદિરના આવા એક ગોપુર પર છેક ઊંચે ચઢીને મદુરાઈનગરને વિહંગદૃષ્ટિએ જોયું હતું. દક્ષિણની અમારી યાત્રામાં સૌથી પ્રથમ ગોપુર જોયાં તે કાંચીપુરમનાં. બસમાં બેઠે બેઠે દૂરથી જોતાં એક વિશિષ્ટ લાગણી થઈ આવી હતી. હિન્દુ શૈલીનાં કે કલિંગ શૈલીનાં મંદિરોથી દ્રવિડ શૈલીનાં આ મંદિરો જે જુદાં પડી આવે છે તે તો તેમનાં આ ગગનગામી ગોપુરોથી. ગોપુર દેવમંદિરનું પ્રવેશદ્વાર છે. વિમાન – જેમાં દેવતાની સ્થાપના હોય છે. તેનાથી ગોપુર ઊંચાં હોય છે, એટલું જ નહીં મંદિરની બધી કલાકારીગરી પણ તેના પર ખર્ચવામાં આવી હોય છે. સાદ્યંત શિલ્પથી કંડારાયેલાં હોય છે. પણ આ શિલ્પ ભુવનેશ્વરનાં કલિંગ શૈલીનાં મંદિરો કે ચંદેલનાં ખજુરાહોનાં મંદિરો પર કે આપણા મોઢેરાના સૂર્યમંદિ૨ ૫૨ કે ધૂમલીના ભગ્ન નવલખા મંદિર પર જોવા મળે છે તેવું ક્વચિત્ સૌન્દર્યોદ્બોધક નથી લાગતું. અહીંની મૂર્તિકલા જુદી રીતની છે. અહીં રામ-લક્ષ્મણ-હનુમાન પણ જુદા જ થઈ જાય છે. પાર્વતીનું મીનાક્ષી રૂપ કે કન્યાકુમારી રૂપ ભુવનેશ્વરની પાર્વતીથી કેટલું જુદું છે! અહીંની કલા જરા જાડી લાગે છે. સંભવ છે કે કર્ણાટકી સંગીત આપણને તદ્દન જુદું લાગે છે તેમ આ શિલ્પનું પણ હોય. વળી ઘણાંખરાં ગોપુરોનાં શિલ્પો અવનવા ઘેરા રંગોથી રંગવામાં આવ્યાં હોય છે. આ રંગરોગાન તો આંખને જરાય ગમતાં નથી. તિરુચંડુવરમના સાગરતટે આવેલા મંદિરનું ગોપુર આવા રંગોથી આંખોને અળખામણું લાગેલું. જોકે મંદિરોમાં પ્રવેશ કરતાં આ ગોપુરો જ એક જાતનો ઑ પાડી દેતાં હોય છે. ઘણાં મંદિરની ચારે દિશાએ આ ગોપુરો હોય, ગમે તે દિશાથી પ્રવેશ કરો.
રામેશ્વરના ઊંચા ગોપુરમાંથી પ્રવેશીએ કે ધર્મવૃષભનાં – મહાનંદીનાં દર્શન થયાં. તાંજોરના મહાનંદીથી થોડો જ નાનો હશે. નાનપણથી જ મહાદેવનાં દર્શને જઈએ ત્યારે પહેલાં પોઠિયા પર હાથ ફેરવીને જ પ્રવેશીએ. અનેક પોઠિયા જોયા હતા, પણ ગઈ કાલે તાંજોરમાં જોયેલો અને આજ આ – પોઠિયા તે કંઈ પોઠિયા! આવા એક પોઠિયાનું કવિ ઉમાશંકરે ‘આવ્યો છું મંદિરો જોવા’ કવિતામાં આંકેલું ચિત્ર એકદમ યથાર્થ છે :
અને સામે જ નંદી જે બેઠો છે એય અલ્પ ના,એની વપુસમૃદ્ધિની આવે શી રીત કલ્પના?ઊભો એ થાય તો એની નીચે થઈ શકે જઈબળદો શીંગડે ઊંચે; ભીડ લેશ પડે નહીંલંબાતી ડોક ને કર્ણો સરવા દિસતા અતિ;નીકળી જીભ ફૂલેલાં નસ્કોરાં જઈ ચાટતી.બેઠો છે પગ વાળીને જમણે પડખે નમી;
અને પછીથી કવિએ નંદીના ઊભા થઈ જવાની કરેલી કલ્પના ય એટલી યથાર્થ લાગે. કહે છે કે શરૂમાં તાંજોરનો નંદી તો વરસે વરસે વધતો જાય. મંડપ તોડીને બહાર નીકળવાની સ્થિતિ આવી જાય તે પહેલાં તેની પથ્થરપીઠમાં ખીલો ઠોકી દેવામાં આવ્યો હતો, તો તેમાંથી લોહી વહી આવ્યું… વાત સાંભળી આયોનેસ્કોના નાટકની આબોહવા યાદ આવી જાય.
રામેશ્વરના મંદિરનો જે પહેલો પ્રભાવ પડ્યો હતો તે તો સવારમાં જ તેની સ્તંભરાજિનો. અત્યારે એ થાંભલાઓની હાર વચ્ચેથી પસાર થતાં અન્ અંતતાનો જ અનુભવ થતો હતો. થાંભલાથી રચાયેલી બન્ને બાજુની પરસાળો આ મંદિરની અનન્યતા છે. તમે જાણે ચાલ્યા કરો છો, ચાલ્યા કરો છો, કોઈ ટનલમાંથી. સ્થપતિઓએ એવી વ્યવસ્થા કરી છે કે વચ્ચે વચ્ચે અજવાળું આવ્યા કરે. પરસાળો સત્તરથી એકવીસ ફૂટ પહોળી છે અને પચીસ ફૂટની ઊંચાઈ ધરાવે છે અને એટલે તે એક ભવ્યતાનો બોધ ધરાવે છે. થાંભલાઓની હારમાળા તો ચિદમ્બરમના મંદિરમાં પણ જોઈ હતી. તેને લીધે મંડપની વિશાળતાનો અનુભવ તો હતો. ભગવાન નટરાજ આગળ દેવદાસીઓનાં નૃત્યોની વ્યવસ્થા માટે આવા મંડપો અનેક મંદિરમાં હશે ને! થાંભલાઓની વાતથી કોઈને સ્તંભોનો મહાનિધિ કહેવાતું રાજસ્થાન રાણકપુરનું પ્રસિદ્ધ જૈનમંદિર યાદ આવી જાય. પણ થાંભલા થાંભલામાં ફેર.
રામેશ્વરનાં સ્તંભો અને છત પર પણ રંગરંગો છે. વેલબુટ્ટાનું જે ચિતરામણ છે તેના પર ઇસ્લામી કલાની અસર જોઈ શકાય. આ મંદિરના રચનાકાળની ઘડી પહેલાં દક્ષિણનાં પાંડ્યો, ચોલો, પલ્લવો અને નાયકોનો વૈભવસૂર્ય અસ્ત થઈ ગયો હતો.
સાંજે ફરી ભગવાન રામેશ્વરનાં દર્શન કર્યાં. પછી બહાર આવ્યાં. અહીં આસપાસ અનેક તીર્થો છે, જે તમામ સાથે રામાયણની ઘટનાઓ જોડી દેવામાં આવી છે. રામકુંડ, લક્ષ્મણકુંડ અને સીતાકુંડ છે. રામઝરૂખો છે. રામાયણમાં આવતાં ગંધમાદન સાથે એને જોડે છે. રામચંદ્રે અહીં પડાવ કર્યો હતો. અહીં વિભીષણ તેમને શરણે આવ્યો હતો. ધનુષકોટી પણ એક તીર્થ ખરું જ. વિશાલાક્ષી સીતા માટે સેતુબંધની રચના ત્યાંથી થઈ હશે. સાગરસંતરણ અહીંથી થયું હશે, આ ભાવસત્યને આપણું મન સ્વીકારી પણ લે છે. હસમુખ સાંકળિયા જેવા વિદ્વાન પુરાતત્ત્વવિદ તો કહે છે કે આ લંકા તે રામની લંકા નથી. પુરાતત્ત્વીય આધારો પરથી તેઓ તો માને છે કે લંકા છે તે તો ઓડિશાના બસ્તર પ્રદેશમાં ક્યાંક આવી હોવી જોઈએ. રામ ત્યાંથી આગળ ગયા જ નથી. કરો વાત! વાલ્મીકિ ખોટા? હસમુખ સાંકળિયા સાચા? કવિની વાત માનવી કે પુરાતત્ત્વવિદની? આ વાતના સંદર્ભમાં ડૉ. ભાયાણીએ હસતાં હસતાં કહેલું કે મોટા ભાગના પુરાતત્ત્વવિદોમાં કલ્પનાનો અભાવ હોય છે! આપણે તો વાલ્મીકિની વાત માનવાના. બ્રહ્માની વાત ખોટી હોય કે ‘ન તે વાગનૃતા કાવ્યે કાચિદત્ર ભવિષ્યતિ’? અને વાલ્મીકિ પછી કાલિદાસે વાત કરી તે? અને હજારો વર્ષોથી હજારો ભારતીયોના મનમાં ચાલી આવે છે તે?
અહીં રામ જરૂર આવ્યા હશે, એટલું પૂરતું છે, પછી ભલે સ્થળ સ્થળ સાથે જોડાતી ઘટના ઘડી કાઢી હોય અને એ બધાં સ્થળોને તીર્થ બનાવી કમાણી ઊભી કરાતી હોય. એ તીર્થોમાં ભ્રમણ કરી પાપક્ષાલન કે પુણ્યાર્જનનો વિચાર અમારા મનમાં વસ્યો નહીં. ન તો રામઝરૂખે ગયાં કે ન તો રામકુંડે. અમારા મનમાં તો ત્યાં દૂર દેખાતી સાગરકાંઠાની રેતની ઊંચી ટેકરી વસી ગઈ હતી. અમે તે ભણી ચાલ્યાં.
થોડું ચાલ્યાં ત્યાં તો માછલીઓનાં ‘ખળાં’ આવ્યાં. ક્યાંક માછલીઓને સૂકવવામાં આવતી હતી, ક્યાંક તેમના ઢગ ખડકાયા હતા. થોડી વાર તો આ મત્સ્યગંધથી અમને એકમાત્ર ઘ્રાણેન્દ્રિય જ હોય એવું લાગ્યું. (પેલા પુરાણમુનિ પરાશર મત્સ્યગંધાની નિકટ કેવી રીતે ગયા પણ હશે! જોકે પછીથી તેમણે તેને યોજનગંધા બનાવી દીધી હતી.) મલયાળી નવલકથાકાર તક્ષી શિવશંકર પિલ્લૈની નવલકથા ‘ચેમ્મીન’ પરથી ઊતરેલી એ નામની જ અત્યંત કલાત્મક ફિલ્મનો પરિસર યાદ આવી જતો હતો. માછીમારોના જીવન પર રચાયેલી એ ફિલ્મ હતી. એ કેરળનો પશ્ચિમ સાગરકાંઠો, આ તામિલનાડુનો પૂર્વ સાગરકાંઠો. એટલું જ. હા, આ સાગર અહીં શાંત હતો. વચ્ચે એક ધક્કો આવ્યો, ત્યાં એક નાવ બાંધેલી હતી. શ્રીલંકા જવા અહીંથી પણ સ્ટીમરો જાય છે. લંકા અહીંથી છેય કેટલી દૂર? વાલ્મીકિએ સો જોજન કહી છે. આપણા માઈલોમાં તો છે લગભગ પચાસ માઈલ.. (પણ કાલિદાસમાં સીતાને મળવા આતુર રામને લંકા આડેનો મહાર્ણવ એક નાની ખાઈ જેવડો – પરિખાલઘુમ્– લાગેલો.) ‘સોનાની લંકા’ બહુ દૂર ના કહેવાય.
એક લાંબી જાળને ત્રણચાર માછીમારો આ રેતીલા સમુદ્રકાંઠે સંકેલી રહ્યા હતા. સૂર્યાસ્ત વેળાનું એ સાગરદૃશ્ય – અમે કોઈ વિશાળ વિરાટ તસવીર તો નહોતા જોતા! બધે નીરવતા હતી. માત્ર ફાટેલાં શંખછીપલાંવાળી (ભિન્નશુક્તિ – કાલિદાસ) સૈકતવાળા તટ પર અમારા ચાલવાથી કર્ કર્ અવાજ થતો હતો. સાગરના જળનો એક ભૂશિર જેવો છેડો અહીં હતો. આ કાંઠે રેતના ઊંચા ઊંચા ઢગ થઈ ગયા હતા. પેલા ધનુષકોટીના તોફાન વખતે આ બધું થયું હતું અમે એવા એક ઊંચા ઢગલા પર ચઢવા લાગ્યાં. રેતની ટેકરી પર ચઢવું ભારે હતું. ઢીંચણ સુધી પગ ઊતરી જાય કે પછી કર્ર્ કરતી રેત ખસી જાય. ચંપલ હાથમાં રાખીને ચઢવું પડે. ટેકરીની જરા પેલી મેર નારિયેળીનાં ઝુંડથી આવૃત્ત માછીમારોની વસાહત લાગતી હતી. ધુમાડો નીકળતો હતો. કૂતરાં ભસતાં હતાં. :
આખરે ટેકરી પર ચઢયાં. ચારે બાજુએ ફરીને જોયું. નરી સ્તબ્ધતા, આ સાગર, સાગરની આ ‘તમલતાલીવનરાજિનીલા વેલા’, આ સાંજ, આ અમે, બધું ચિત્રવત્ લાગતું હતું. અદ્ભુત સમું. ત્યાં ચંદ્ર ઊગ્યો સમુદ્ર પર. એકાએક દેખાયો. વૈશાખી પૂર્ણિમાનો ચંદ્ર હતો. નમો બુદ્ધાય. સાગર જેવા આકાશમાં કે આકાશ જેવાં સાગર પર ચંદ્ર જરા ઝાંખો લાગતો હતો. કાન્તની પંક્તિઓ ભલા યાદ ન આવે–?
આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને ચંદ્રનોહૃદયમાં હર્ષ જામે…
થોડી વાર પછી પાણી ચમકવા લાગ્યું. રેત પરનાં છીપલાં ચાંદનીથી ભરાઈ ગયાં. હવે અમે મુખર બન્યાં. બધાંએ એકએક ગીત ગાવું એવું નક્કી થયું. અમારા સહયાત્રી શ્રી નાયક તો સારું ગાતા જ હતા. શ્રી ચંદ્રવદન શુકલે અને અ. રૂ. દી. એ પણ ગાયું. મને તો જીવનાનંદ દાસની પંક્તિઓ જ સાંભરી, મેં તેની આવૃત્તિ કરી – એ કવિતાની છેલ્લી પંક્તિઓ આજેય મને બોલતો હું સાંભળું છું :
સમસ્ત દિનેર શેષે શિશિરેર શબ્દેર મતનસન્ધ્યા આસે; ડાનાર રૌદ્રેર ગંધ મુછે ફેલે ચિલ…પૃથિવીર સબરંગ નિભે ગેલે પાંડુલિપિ કરે આયોજનતખન ગલ્પેર તરે જોનાકિર રંગે ઝિલમિલ;સબ પાખિ ઘરે આસે-સબ નદી–ફુરાય એ જીવનેર સબ લેનદેન;થાકે શુધુ અન્ધકાર, મુખોમુખિ બસિબાર વનલતા સેન.
આ પંક્તિઓને અનુરૂપ કંઈક સરરિયલ દેશકાલની સ્થિતિ લાગતી હતી.
પેલી નારિયેળીછાયી વસાહતમાંથી આવતો માનવોનો અને શ્વાનોનો અવાજ દૂર દૂરથી આવતો હતો જાણે. ચાંદનીમાં પ્રભા આવી હતી. હવે ઊઠવું જોઈએ. ચંદ્રને અજવાળે રેતમાં કર્ કર્ અવાજ કરતાં અમે પેલી વસાહત ભણી ઊતરી ચાલવા લાગ્યાં. મત્સ્યગંધાઓનાં આ ઘરોમાંથી ટમટમિયાંનું થોડું અજવાળું બહાર આવતું હતું. એ ઘરો વચ્ચેના માર્ગમાંથી ચાલતાં અમે સીધાં રામેશ્વરનાં બજારમાં આવી ઉભાં.
બજારમાં શંખ, કોડી, મોતી આ બધી સમુદ્રોત્પન્ન ચીજો મળતી હતી. નકશામાં રામેશ્વરનો ય આકાર એક શંખપ્રાયઃ લાગે છે. વર્ષો પહેલાં રઘુવીર જ્યારે અહીં આવેલા ત્યારે અહીંથી એક શંખ લાવેલા મારે માટે, તેના પર મારું નામ અંકિત કરાવીને. અહીંથી અમે રમવાની કોડીઓ ખરીદી. પછી બજારમાંથી ચાલતાં ચાલતાં ઇલ્લમમાં આવી ગયા.
વહેલી સવારે અહીંથી નીકળવાનું હતું. અત્યારે તો સમુદ્રની સન્નિકટ હતાં. પર્વતોમાં કે વનોમાં જુદી અનુભૂતિ હોય છે, સાગરના સાન્નિધ્યમાં હોવાની વળી જુદી. એક અમેરિકન પ્રકૃતિવિદ હેનરી બેલ્ટને પોતાના એક નિબંધમાં લખ્યું છે કે પ્રકૃતિમાં ત્રણ આદિમ (એલિમેન્ટલ) અવાજો છે. તેમાં એક અવાજ છે વરસાદનો, બીજો અવાજ છે પુરાણાં મહારણ્યોમાં વાતા પવનનો અને ત્રીજો છે તટ પર પછડાતા સાગરનો. આ ત્રણેય અવાજમાં તેમને સાગરનો અવાજ સૌથી વધારે સુંદર અને સૌથી વધારે ભયંકર તથા સૌથી વધારે વૈવિધ્યસભર લાગ્યો છે. એવો અનુભવ કેટલાક સમુદ્રતટે થયો છે, પણ જેનો ઘોર તુમુલ અને લયાન્વિત અવાજ હજીયે પડઘાય છે તે તો એક ચાંદની રાતે એક કાંટાળી વાડની આડેથી કલાકો સુધી સાંભળેલો કન્યાકુમારીના સાગરનો અવાજ. પણ આ રામેશ્વરનો સાગર તો પોતાની નીરવતાથી આત્મીયતા જગાડી રહ્યો હતો. કેટલો બધો મારી નજીક લાગતો હતો! કેટલો બધો મારી અંદર લાગતો હતો!
વહેલી સવારે ઊંઘમાંથી જાગી જવાયું. આ વખતે અવાજ સંભળાતો હતો, આદિમ. પરંતુ આ શું! આ તો પરિચિત વરસાદનો અવાજ હતો. એકાએક ક્યારે વાદળ આવ્યાં અને ક્યારે વરસવા લાગ્યાં! સ્ટેશને જવા ડમણિયામાં બેઠાં ત્યારેય વરસાદ પડી રહ્યો હતો. ગાડી હાંકનારાની પાસે ભીંજાતો ભીંજાતો હું બેસી ગયો અને સ્ટેશન સુધીના આખા રસ્તે વધારે ભીંજાતો રહ્યો.
*
Feedback/Errata