ભુવનેશ્વર

પહેલી વાર જ્યારે ભુવનેશ્વર પહોંચ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. રાત્રે ત્યાંથી ગાડી પકડી કલકત્તા પહોંચી જવાનું હતું – એટલે ઝટપટ ભુવનેશ્વર જોઈ લેવાનું હતું – અને ભુવનેશ્વર જોવાનું એટલે ત્યાંનાં મંદિરો જોઈ લેવાનાં. લિંગરાજનું જ મંદિર જોવામાં વખત વીતી ગયો અને પછી એ શાંત માર્ગો પર ચાલતાં ચાલતાં સ્ટેશને પહોંચ્યો. લિંગરાજના મંદિરની શિલ્પખચિત ઊંચાઈ અને સંધ્યાઆરતીના ઘંટનાદ ચિત્તમાં જડાઈ ગયેલા.

નવા ભુવનેશ્વરમાં જવા સ્ટેશનને અંડોળીને જવાનું હતું. બંધાતું જતું હતું. મિત્રો માર્કેટમાંથી કશુંક ખરીદવા ગયા ત્યારે હું માર્ગની એક બાજુએ ઊતરતા અંધારામાં ઊભો રહ્યો. આછા આછા લે-વેચના કોલાહલમાં કોઈનો સતત આખ્યાન-પાઠ સંભળાતો હતો, ભાષા સમજાઈ નહોતી – પણ પાઠની સુરીલી એકતાનતા તેનો પ્રભાવ મૂકી ગઈ. કદાચ ઓડિયા રામાયણનો પાઠ હોય. રસ્તામાં આવતાં મોટાં મોટાં સરકારી સાઇનબોર્ડ જોયાં હતાં – ઓડિયા લિપિમાં. લિપિ ઉકેલીને એમાં જે લખ્યું હતું તેનો મર્મ પામવાની ઉત્કટ અભિલાષા જાગી ઊઠી – આ જો વાંચી શકાય! દરેક અક્ષર જાણે છત્રી ઓઢીને ઊભો ન હોય! દેવનાગરી લિપિનું જ એક રૂપ છે, પણ દ્રાવિડી અસર લાગે. બંગાળી અને અસમિયાની એક જ લિપિ છે – ૨, બ વગેરે બાદ કરતાં. પણ આ તો તદ્દન જુદી લાગે છે. છત્રી નીચેથી ક્યાંક દેવનાગરી વર્ણ પરખાય; પણ પછી એક વાતચીતમાં ડૉ. પ્રબોધ પંડિત પાસેથી જાણવા મળેલું કે એ લિપિ જે જુદી પડે છે તેનું કારણ છે તાડપત્રો પરનું લેખન. અણીદાર કલમથી તાડપત્ર પર કોતરકામની જેમ લખવા જતાં કલમ જો ડાબેથી જમણી તરફ જાય તો તાડપત્ર ફાટવાની વધારે દહેશત રહે, એટલે ત્યાં લખાતી વખતે અક્ષર જમણી બાજુએથી ઊપડી ડાબી બાજુએ ગતિ કરે છે. પ્રત્યેક અક્ષરની આ ગતિ, બાકી, લીટી તો આપણી બધી ભાષાઓની જેમ, ડાબેથી જ જમણે જાય. આ લિપિ વાંચી શકાય તો આ સાઇનબોર્ડ ઉકેલી શકાય, તો આ રામાયણ વાંચી શકાય. ભુવનેશ્વર સ્ટેશનના બુકસ્ટૉલ પરથી ઓડિયા ભાષા શીખવાની એક ચોપડી પણ ખરીદી. ગાડી આવતાં વાર થયેલી એટલે ભુવનેશ્વર પ્લૅટફૉર્મ પર ખૂબ ખૂબ બેસી રહ્યા. પછી તો ગાડીની ચિક્કાર ભરતી સાથે ભુવનેશ્વર નામ જોડાઈ ગયું હતું.

પછી ઓડિયા ભાષા શીખવાનું શરૂ કર્યું હતું. આપણી બધી ભારતીય આર્યભાષાઓ બહુ જ ઓછા પ્રયત્ને કામચલાઉપણે તો શીખી જ શકાય. લિપિ ઉકેલતાં શીખો તો પોણા ભાગનું કામ તો થઈ જાય. પછી થોડું વ્યાકરણ. બાકી આપણે જાણીએ છીએ કે એક ભાષાને આત્મસાત્ કરવી ઘણું દોહ્યલું છે. નવી ભાષા શીખવાનો એક વિશિષ્ટ અનુભવ હોય છે – એક એક વર્ણને ઓળખવો તે એક એક ચહેરાને ઓળખવા જેવું લાગે છે – અને પછી વાક્ય વાંચતાં – પરિચ્છેદ વાંચતાં અર્થનું આકલન થવા માંડે એટલે કોઈ નવી ભૂમિ પર ચાલતાં હોઈએ એવું લાગે!

રાધાનાથ રાયનું પ્રસિદ્ધ કાવ્ય ‘ચિલિકા’ સૌ પ્રથમ મૂળ ઓડિયામાં વાંચ્યું – હિન્દી અનુવાદની મદદથી અને ઉત્સાહમાં તે વિશે એક લેખ પણ લખી નાખ્યો! ઓડિશા સાથે એક રાગાત્મકતા બંધાઈ ગઈ.

બીજી વાર ભુવનેશ્વર ચારેક અઠવાડિયાં રોકાવાનું હતું.

જૂના અને નવા ભુવનેશ્વરમાં ખૂબ ખૂબ ભમવાનું થયું. ઓડિયા ભાષા સાંભળવાનો, ભાંગીતૂટી બોલવાનો, તે ભાષામાંથી થોડાક અનુવાદ કરવાનો અવસર મળ્યો, અને છેલ્લે જતાં જતાં પ્રસિદ્ધ સાહિત્યકાર ગોપીનાથ મહાન્તીની મુલાકાત લેવાનો લહાવો પણ. ભુવનેશ્વરનું પોતાનું આકર્ષણ પણ કંઈ ઓછું નથી, તેમાંય પુરાણા ભુવનેશ્વરનું. નવું ભુવનેશ્વર તો નવું છે. નવી સડકો, નવી ઇમારતો, કંઈક નવા લોકો. યોજનાબદ્ધ રીતે વસાવેલું રાજધાનીનું નગર છે. પણ આ રીતે વસેલાં નગરોમાં નગરનો અસલી પ્રાણ હોતો નથી. નગર તો વસતું વસતું જાય – પણ આ તો નકશા-હુકમ નગર ઘણી વાર તો નિષ્પ્રાણ લાગે – લોકો બધાંય એકસરખાં લાગે – સરકારી નોકરીઓ કરતા અને સરકારી નોકરો પર નભતા નવા નગરમાં પુરાણાં ઝાડ ક્યાંથી હોય! એટલે તો ચંડીગઢ જેવું ચંડીગઢ – આટલું અદ્યતન, જેમાં એક એક ઇમારત એટલે સ્થાપત્યકલાનો એક એક નમૂનો! લા કર્બુઝિયેનું સાકાર સ્વપ્ન! – પણ ‘ડેડ’ લાગે! આપણા ગાંધીનગરમાં જતાં એવો જ અનુભવ થાય – એવો જ અનુભવ નવા ભુવનેશ્વરનો. એના કરતાં પડોશનું વ્યાપાર અને સંસ્કૃતિનું કેન્દ્ર કટક ધબકતું લાગે. એના પર કંઈક રાગ થાય. નવું ભુવનેશ્વર હવે ધીમે ધીમે જૂનું થતું જાય છે. એને થોડું જીવંત બનાવે છે રસ્તા પરની નાની નાની ઘાસની હોટેલો. ગામડેથી હટાણું કરવા આવેલા લોકો અને જૂના ભુવનેશ્વરની જાત્રાએ આવેલા અને કુતૂહલથી રાજધાનીના માર્ગો પર ચાલતાં જાત્રાળુઓ.

આ રાજધાની ભુવનેશ્વરના વિધાનગૃહમાં આજના ઓડિશાનો ઇતિહાસ ભલે રચાતો હશે, પણ અસલ ભુવનેશ્વર તો ઉમાશંકર જોશીનો શબ્દ વાપરીને કહીએ – ઓડિશાની ‘હૃદયધાની’ રહ્યું હશે. તેની આસપાસ શતાબ્દીઓનો ઇતિહાસ રચાયો છે. એકાદ જમાનામાં ‘એકામ્રેકાનન’કે ‘સ્વર્ણાદ્રિ’ તરીકે ઓળખાતા આ નગરના પરિસરમાં ઈ.સ. પૂર્વેની લગભગ ત્રીજી સદીથી ઈ.સ.ની સોળમી સદીનો ભૂતકાળ સચવાયો છે. એને ઘણા ઉઝરડા જરૂર પડ્યા છે. કહેવાય છે અહીં સાત હજાર મંદિરો હતાં! દેવતાઓનું જ નગર કહો. આજેય અહીં શતાધિક મંદિરો ઊભાં છે. ક્યાંક ચાર-પાંચ મંદિરોનું સંકુલ છે, ક્યાંક એક એક છૂટુંછવાયું છે. ખજુરાહોનાં મંદિરો તો તે પછી જોયાં, પણ લગભગ બન્નેને સાથે રાખીને જોઈ શકાય. કેટલાંક મંદિર તો જનવસ્તીથી દૂર ખેતરમાં કોઈ એકાકી ઘટાદાર ઝાડની જેમ ઊગી આવેલાં લાગે. આ વિસ્તારમાં ફરતા હોઈએ તો કોઈક ને કોઈક મંદિર તમારું ધ્યાન ખેંચે અને જેમ દક્ષિણનાં મંદિરનાં ગોપુર તમારી નજરને ટેકવી રહે છે દૂર દૂરથી, તેમ આ મંદિરો પણ. એ બધાં ગોપુ૨ જેટલાં ઊંચાં જરૂર નથી.

રવીન્દ્રનાથ કહે છે તેમ ‘આ શતાધિક દેવાલયોમાંનાં ઘણાંખરાંમાં તો આજે સંધ્યારતીનો દીપ પ્રકટાવાતો નથી, શંખઘંટ નીરવ થઈ ગયા છે, કોતરેલા પથ્થર ખંડિત થઈને ધૂળમાં અટવાઈ રહ્યા છે. એ બધાં તે વેળાના અજ્ઞાત યુગની ભાષાના ભારે લદાઈને ઊભાં છે.’

એક રવિવારે સવારે એકલો નીકળી પડ્યો – નવી રાજધાની ભુવનેશ્વરમાંથી મંદિરોના નગર – પ્રાચીન ભુવનેશ્વરમાં. રિક્ષાવાળો રિક્ષા ચલાવ્યે જતો હતો અને હું ક્યાં ક્યાં મુખ્ય મંદિર છે તેના વિચાર-વિકલ્પ કર્યે જતો હતો. ત્યાં આવ્યું સરોવર. વસ્તી અને મંદિરોની વચ્ચે. મણિનગર તરફ જતા હોઈએ અને એકદમ કાંકરિયા આવી જાય તેમ. એનું નામ બિંદુસરોવર, એ બિંદુસાગર પણ કહેવાય છે. તેના જળમાં સર્વે તીર્થોનાં જળ લાવવામાં આવેલાં છે. સરોવરની પૂર્વ બાજુએ રિક્ષા ચાલતી ગઈ અને આવીને ઊભી રહી એક વિરાટ મંદિરના પ્રવેશદ્વારે.

આ લિંગરાજ મંદિર. વર્ષો પહેલાં આવ્યો હતો. એ વેળા ઊતરતી સાંજ હતી. આજે સવાર છે. સૂર્યનો નરમ તડકો પથરાતો જતો હતો, મંદિરની લાંબી ધજા હવામાં એટલે દૂર સુધી લહેરાતી હતી કે આકાશમાં વહેતી નદીના વળાંકનો આભાસ આવી જાય. આપણા દ્વારકાધીશની ધજા એટલી લાંબી હોય છે. જગન્નાથજીના મંદિરની ધજા પણ એટલી જ લાંબી.

મંદિરમાં પ્રવેશદ્વારે જ એક પંડાની અવગણના કરવી રહી. વિશાળ પ્રાંગણમાં આવી ઊભો. નજર ઊંચે જઈ ક્ષણાર્ધમાં આખા મંદિરને વ્યાપી વળી, અભિભૂત થઈ ગઈ. આ જ ‘ભુ વ ને શ્વ ર.’

આ મંદિર અગિયારમી સદીમાં રાજા યયાતિ કેસરીએ બંધાવેલું છે, કલિંગ શૈલીનું ગણાય છે. વિમાન, જગમોહન, નટમંદિર અને ભોગમંડ૫ – લંબાઈમાં એવા ચાર વિભાગ પડે છે, જેમાં નટમંદિર અને ભોગમંડ૫ પછી ઉમેરાયેલાં છે. મંદિરનો મુખ્ય ભાગ વિમાન એકદમ સીધો ઊંચો જાય છે. નજર શિખર ઉપરના આમલક પરના કલશ પરથી સીધી આકાશ ભણી ગઈ. આકાશમાં શ્વેત વાદળ તરતાં હતાં!

મંદિરનું સ્થાપત્ય ભવ્ય, ઊર્જિતનો અનુભવ કરાવે છે, એનાં શિલ્પ લલિતનો. કહો કે સમગ્ર મંદિર શિલ્પખચિત છે. એકેય પ્રસ્તરખંડ એવો ન લાગે જેના પર કોઈ મુલાયમ ભાત ન ઊપસી હોય! અહીં દેવયોનિ છે, મનુષ્યયોનિ છે, ૫શુ-૫ક્ષી છે – સમગ્ર મનુષ્યસંસાર છે. આ દેવદ્વારે સમગ્ર જીવનનો સ્વીકાર છે – અને આ આપણાં લગભગ બધાં પ્રાચીન દેવાલયની રીતિ છે.

સૌથી વધારે આજના યુગમાં આશ્ચર્ય ઉપજાવનાર વાત હોય તો તે આ મંદિરનાં મિથુન યુગલ શિલ્પોની. મોઢેરાનું સૂર્યમંદિર હોય કે કોણાર્કનું, ખજુરાહોનાં મંદિરો હોય કે ભુવનેશ્વરનાં, અનેક યુગલ વિભિન્ન પ્રેમાભિનયમાં જોવા મળે. શો જીવનનો આનંદ છલકાતો લાગે છે! પયોધરનમ્ર નાયિકાઓને બાહુમાં ભરતાં નાયકના ચહેરા પર પણ સ્નિગ્ધ પ્રસન્નતા છે! નાયિકાના ચહેરા પર પણ પ્રાપ્તિની, ઉપલબ્ધિની સ્મિતરેખા ઝલકતી લાગે. કલાકારને જાણે કોઈ કુંઠા નથી, મુક્તતા છે! કામ અને અધ્યાત્મનો આ સંવાદ ભારતીય મંદિરોમાં જ જોવા મળે!

ઉત્તર દિશામાં થોડાં પગથિયાં ઉપર ચઢીને જોયું – પાર્વતીની અનુપમ મૂર્તિ. જોયા જ કરીએ. કુમારસંભવના પ્રથમ સર્ગમાં કાલિદાસે જે પાર્વતીનું વર્ણન કર્યું છે તે એક કન્યાનું છે. એ કન્યા યુવતી બને, એનાં અંગઉપાંગ જરા વધારે ભરાવદાર, નેય બને – તેવી એ મૂર્તિ. પાર્વતીનું સુપુષ્ટ વક્ષમંડલ અને એના પરનું બારીક તનવસ્ત્ર સુંદર ભાત સાથે તરી આવતાં હતાં. કટિમેખલા અને અધોવસ્ત્ર પણ. ભક્તિભાવ કરતાં સૌન્દર્યભાવ વધારે જગાડે છે આ શિલ્પ. એના હાથ – અરે! ખંડિત, આપણી નજર ક્ષણેક નંદવાઈ જાય પણ પછી તરત જ હવામાં એ હાથ અને હથેલીઓ કલ્પી ૨હે.

દક્ષિણમાં મદુરાઈમાં આ જ પાર્વતીને મીનાક્ષી મંદિરમાં મીનાક્ષી રૂપે જોઈ હતી. મીનાક્ષી જરા ઠીંગણી!, પણ આ પાર્વતી એટલે જાણે પૂર્ણ નારીત્વ!

સમગ્ર મંદિરને જોઈ બહાર નીકળતાં ફરી એક વાર એ પાવંતીને જોઈ બહાર આવ્યો – જાણે બીજા લોકમાંથી. પથ્થર-લોકમાંથી – ના, કોઈ સૌન્દર્યલોકમાંથી. આ ભુવનેશ્વરના મંદિરને પહેલી વાર જોતાં રવીન્દ્રનાથને કોઈ નવું પુસ્તક વાંચવાનો અનુભવ થયો હતો. એમને લાગ્યું હતું કે એ પથ્થરોની અંદર કંઈક કથા રહેલી છે અને એ કથા અનેક શતાબ્દીઓથી સ્તંભિત થઈ ગયેલી હોવાને કારણે, મૂક બની ગઈ હોવાને કારણે વધારે સ્પર્શી જાય છે. કવિગુરુએ સાચે જ કહ્યું કે આ મંદિર તે પથ્થરમાં રચેલો મંત્ર છે, એમાં હૃદયની વાત દૃષ્ટિગોચર થઈને આકાશને વ્યાપી લઈને જાણે ઊભી છે.

આ પથ્થરમાં વ્યક્ત થયેલા મંત્રને – આ પ્રસ્તરભાષાને ઉકેલી શકાય તો!

તડકો ચઢવા માંડ્યો હતો. પગપાળા જ કેટલાંક મહત્ત્વનાં મંદિરોમાં જવું હતું. પુરાણા ભુવનેશ્વરના સાંકડા માર્ગો પર હું ચાલતો હતો. ફરીથી બિંદુસાગર આવ્યું, પણ બિંદુસાગરમાં સ્નાન કરવાની શ્રદ્ધા નહોતી. બિંદુસાગરની વચ્ચે આવેલા જલમંદિરે પણ ન ગયો. હું આગળ ચાલ્યો. આસપાસ ખુલ્લો વિસ્તાર આવતાં ક્યાંક ને ક્યાંક મંદિર ડોકિયાં કરી જતું હોય. અહીં વૃક્ષો પણ એટલાં જ છે, પણ વટવૃક્ષની પ્રચુરતા.

નાનકડું મુકતેશ્વર મંદિર. અહીં કશી ભીડ ન મળે – માત્ર થોડીક અવરજવર. ખુલ્લા પ્રાંગણમાં શાન્ત નિર્જનતા વ્યાપ્ત હતી. મુકતેશ્વર નવમી સદીનું મંદિર છે. એક સવાઁગ સંપૂર્ણ ઊર્મિગીત જાણે! આમ તો પાંત્રીસ જ ફૂટ ઊંચું છે, પણ તોરણદ્વારથી માંડી એનું સમગ્ર વિધાન આંખને ઠારે છે. પ્રવેશદ્વાર – તોરણ શિલ્પસ્થાપત્યનો નમૂનો છે. મંદિરની દીવાલો પર નાગકન્યાઓની શ્રેણીઓ કોતરેલી છે. અર્ધાંગ નારીનું, અર્ધાંગ નાગણનું. માથે છત્ર પાંચ કે સાત ફણાઓનું.

મુક્તેશ્વરની બાજુમાં કેદારેશ્વર છે. અહીં એક જળભરપૂર વાવડી હતી. લોકો સ્નાન કરતા હતા. નાહવાની ઇચ્છાને રોકી મંદિર ભણી વળ્યો. અહીં અનેક પ્રાચીન મૂર્તિઓ છે, પણ તેમાં એક યોનિસ્ત્રાવની મૂર્તિ, જે વિશેષ પૂજા પામતી હતી, નવાઈ જગાડી રહી. આખું મંદિર વૃક્ષોની ઘટામાં છે.

અહીંથી જરા દૂર હતું પરશુરામેશ્વર મંદિર. કદાચ ભુવનેશ્વરનાં મંદિરોમાં સૌથી જૂનું ગણાય છે – સાતમી સદીનું. ત્રિરથ ગર્ભગૃહ- વાળું આ મંદિર કલિંગ શૈલીનો એક પ્રાચીન અવશેષ છે. અહીં કૈલાસ ઉઠાવતા રાવણનું શિલ્પ છે. પણ ઈલોરામાં આ વિશેનું જે શિલ્પ છે, તે તો અનન્ય! આ બધાં મંદિરોનો આખો વિસ્તાર ‘સિદ્ધારણ્ય’ નામે ઓળખાય છે.

તડકો આકરો થતો જતો હતો. એક ઝાડની છાયામાં થોડી વાર વિશ્રાન્તિ લીધી. ઘાસની હોટેલમાં ચા પીધી અને પછી રાજા-રાણી મંદિર જોવા ચાલ્યો. દૂર હતું. આ મંદિર. એમાંય રસ્તો ભૂલ્યો, એક જણને પૂછતાં અવળે મારગે ચઢાવી દીધો. વળી રસ્તો મળ્યો. સામે કોઈ મળ્યું તેને પૂછ્યું – રાજારાણી મંદિરે આ બાજુ કે? કહે – હા. અમે ત્યાંથી આવીએ છીએ. બંધ છે અને કશું જોવા જેવું પણ નથી. આવું જ થતું હોય છે. શું જોવાનું છે? એમાં શું જોવાનું છે? – એમ ઘણી વાર સાંભળીએ છીએ પ્રવાસીઓને મોઢેય. પણ શું જોવા નીકળો છો તો પછી? – એવો પ્રતિ–પ્રશ્ન પૂછવાનું મન થઈ જાય છે. હું મનોમન હસી આગળ ચાલ્યો. ખુલ્લાં ખેતરો. વચ્ચે કોટ વિનાનું એક મંદિર. રાજારાણીનું જ મંદિરને? ઓડિયામાં પરિચયલેખ જોયો – ઉતારી લીધો –

એકાદશ શતાબ્દીર પ્રથમ ભાગ પ્રતિષ્ઠિત રાજારાની દેઉલ. ભાસ્કર્યર ચમત્કારિતા ઓ કુરુકાર્યર બહુતલા પ્રાયઃ સુપરિચિત. એહાર શિખરદેહ મૂળમંદિર સદૃશ્ય ક્ષુદ્ર ક્ષુદ્ર મંદિરે સુંદર સન્નિવેશયોગ્ય. પ્રાચિન ઉત્કલીય મંદિરમાનંક મધ્યરે એહા અદ્વિતીય.

– આ ઓડિયા ભાષા – લગભગ સમજાય. અનુવાદની જરૂર છે?

ધીમે ધીમે મંદિર પાસે આવ્યો. બંધ જ હતું. પણ જે જોવાનું હતું તે બહારથી જ હતું. શાલભંજિકાઓની અહીં મોહક મૂર્તિઓ છે. અલસભાવ દર્શાવતી, કદંબડાળને પકડીને ઊભેલી આ મૂર્તિઓની અંગબંધુરતા જાણે નિમંત્રી રહે છે! એક અલસકન્યાનું મસ્તક તૂટી ગયેલું છે – નજીકના ભૂતકાળમાં જ ખંડિત થયું લાગે છે, મનથી સાંધી રહ્યો, કલ્પી રહ્યો ‘એના હોઠ પરની સ્મિતરેખા, વ્યથા સાથે. અલસકન્યાનું કબંધ!

સ્તબ્ધ બપોર. કોઈ અજાણ્યા પંખીનો સતત કર્ણપ્રિય અવાજ આવતો હતો, બાજુમાં વિશ્રબ્ધ કપોતયુગલ પ્રેમનિરત હતું. આકાશ અભ્રછાયું હતું. અહીં હું એકાકી હતો – ના, અલસકન્યાઓ – શાલભંજિકાઓ હતી. હમણાં નહીં બોલે કે? સ્મિત તો કરી રહી છે!

મંદિરને એક આંટો મારી તેના બંધ ઉંબર નજીક બેઠો. અંદરથી વિચિત્ર વાસ આવતી હતી; વિચિત્ર પણ પરિચિત – બધાં પ્રાચીન અંધારિયાં મંદિર કે બધી ગુફાઓમાંથી આવી જ વાસ આવતી હોય છે. ફરીથી અલસકન્યાઓ જોઈ – પેલી છિન્નમસ્તકાને ખાસ. ખુલ્લાં ખેતરો વચ્ચે ખુલ્લું મંદિર, દૂર દૂર સુધી ખુલ્લો વિસ્તાર હતો, ત્યાં દૂર હજુ એક બીજું મંદિર આમંત્રણ આપતું ઊભું હતું – તેથીય દૂર બીજું – પણ ના હવે બસ. અનેક મનોહર મૂર્તિઓની મુદ્રાઓ મનમાં અંકિત થઈ ગઈ હતી…

આ સૌન્દર્યલોકના સાન્નિધ્યમાં મન ‘પર્યુત્યસુક’ બની ગયું હતું, બપોરના વિજન તડકામાં હું મુખ્ય સડકે આવી વાહનની રાહ જોવા લાગ્યો

નવી રાજધાની ભુવનેશ્વરના ઉત્તર છેડે ઉત્કલ યુનિવર્સિટી આવેલી છે. ભુવનેશ્વરના આ યુનિવર્સિટી વિસ્તારને ‘વાણીવિહાર’ જેવું રૂપાળું નામ આપવામાં આવ્યું છે. ભુવનેશ્વરમાં અમારા આવાસ–નિવાસનો પ્રબંધ યુનિવર્સિટી વિસ્તારની એક કૉલેજ હોસ્ટેલમાં હોવાથી એ તરફ અવારનવાર જવાનું થતું. એક વખતે યુનિવર્સિટી ગ્રંથાલયની મુલાકાત લીધી. યુનિવર્સિટીની એ ઊંચામાં ઊંચી ઇમારત છે, મદદનીશ ગ્રંથપાલે બહુ પ્રેમથી ગ્રંથાલયમાં ફેરવ્યા. અમે છેક ઉપર ગયા.

એક બાજુ પૂર્વમાં કટક શહેર જતો રસ્તો છે, તે તરફની નાની પર્વતમાળા દેખાવા લાગી. જરાં આથમણી તરફ પ્રસિદ્ધ ઉદયગિરિ- ખંડગિરિ દેખાયા, અને નવા-જૂના નગરને વીંધીને છેક દક્ષિણ તરફ ધવલગિરિ યાને ધૌલી – અશોકના શિલાલેખથી ખ્યાત ધૌલી. નવા ભુવનેશ્વરની આધુનિક ઇમારતો અને પુરાણા ભુવનેશ્વરનાં મંદિરો-હરિયાળાં ખેતરો-જળાશયો અને કાઠજુડી નદીનો વિશાળ પટ – આ બધું એકસામટું નજરમાં સમાયું. ઉદયગિરિ – ખંડગિરિ જવાનો રસ્તો તો આ ‘વાણીવિહાર’ આગળ થઈને જ જાય છે.

એ કલકત્તા-કટક-વિઝાગાપટ્ટનમનો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે. સાંજે વરસાદ પડી ગયા પછી ચળકતા તડકામાં એ માર્ગ પર ચાલવા નીકળ્યો. ઊંચાં વૃક્ષો વચ્ચે અસ્ત થતા સૂર્યે રંગોની મોહક સૃષ્ટિ રચી હતી. એક બાજુ એક ઇમારત હતી, તેય આ રંગોની આભામાં સુંદર લાગતી હતી. હવામાં ભીનાશ હતી. રંગરેખાઓ બદલાતી જતી હતી અને મન એ હાઈવે પર થઈ વિઝાગાપટ્ટનમની સડકો પર પહોંચી જતું હતું – એક અજાણ્યું શહેર. એવાં અજાણ્યાં શહેરોમાં આવી સાંજે એક હળવા વિષાદ સાથે એકાકી ભમવાનું ગમે. રસ્તાની એક ધારે બેસી ગયો. ઘડીભર તો એવું થયું કે હમણાં જ ઘેરથી થલતેજના રસ્તે ફરવા નીકળ્યો છું. આવી ઘણી સાંજ થલતેજની ટેકરી ભણી ચાલતાં અનુભવી છે. પણ ના, થલતેજથી તો બે હજાર કિલોમીટર દૂર છું એકાએક દૂરથી એક રેકર્ડના સૂર વહી આવ્યા : ‘મૌસમ હૈ આશિકાના…’ ‘પાકિઝા’નાં ગીતોની રેકર્ડ કોઈએ મૂકી હતી. જેવો હું ઊભો થઈ ચાલવા જાઉં છું કે ‘ચલતે ચલતે’ ગીત શરૂ થયું અને મારા પગ થંભી ગયા… હું ક્યાં હતો!

ગાઢ થતાં જતાં અંધકારમાં હું માર્ગ કાપી રહ્યો, કાલે હવે આ માર્ગે ઉદયગિરિ-ખંડગિરિ જઈશ એવા વિચાર સાથે. ઇતિહાસમાં ભણ્યા હતા – રાજે ખારવેલનો અહીં શિલાલેખ છે. બે હજાર વર્ષ પહેલાંની વાત.

સવારે મેઘભીનું આકાશ હતું. સૂર્યોદય જોવાનો પ્રશ્ન નહોતો. હવામાં ભાર વરતાતો હતો. હું ઉદયગિરિ-ખંડગિરિના પ્રાંગણમાં આવી પહોંચ્યો હતો. ‘ગિરિ’ સંજ્ઞા ભ્રામક છે. કારણ ઉદયગિરિ લગભગ એકસોદસ ફૂટ ઊંચો છે, ખંડગિરિ લગભગ એકસોતેત્રીસ ફૂટ. બંને પાસે પાસે જ છે. ખંડગિરિ પર વૃક્ષોનું ગાઢ છત્ર છે. નાનું એવું જંગલ જ જોઈ લો. વૃક્ષોની ઘટા નીચે જરા ઝૂકીને ચાલતાં એવું લાગ્યું કે કોઈ સ્વપ્નનગરીમાં ચાલી રહ્યો છું. ખંડગિરિ પર જૈન ગુફાઓ છે. બૌદ્ધ ગુફાઓ પણ છે. જૈન ગુફાઓનો સમયગાળો. ઈ.સ. પૂર્વેની પહેલી સદીથી ઈ.સ.ની દસમી સદી સુધીનો છે. જૈન સાધુઓને રહેવાને માટે આ ગુફાઓ બનાવાઈ હતી. માણસ ઊભો ઊભો માંડ જઈ શકે તેટલી ઊંચાઈ ધરાવતા આ ગુફાશ્રયો એકાંત માટે આદર્શ પરિસરની મધ્યમાં છે. જોકે અહીં પાસે કોઈ નદી નથી! જળાશયો છે. નામ પણ કેવાં – આકાશગંગા, રાધાકુંડ, ગુપ્તગંગા, શ્યામકુંડ! આસપાસના વિસ્તારનું દર્શન મુગ્ધકર છે. અહીંથી દૂર ઉત્તરમાં લિંગરાજનું મંદિર અને ધૌલીનો બૌદ્ધ સ્તૂપ દેખાય છે. એક સમયે અહીં નજીકમાં જ કલિંગની રાજધાની હોવાનું અનુમાન છે.

ઉદયગિરિની પહેલી જ ગુફા સ્વર્ગપુરીની છે. ત્યાંથી રાણી ગુંફા (ગુફા નહીં, ગુંફા કહે છે) અને ગણેશ ગુંફા તરફ જવાય છે. રાણી ગુંફા સામે એક ઝાડની છાયામાં ચોતરા પર બેસી પંખીઓના અવાજ સાથે શિલ્પીઓનાં ટાંકણાંનો અવાજ સાંભળી રહ્યો. તડકો હવે નીકળી આવ્યો હતો. આ બધી ગુફાઓ અજંતા-ઈલોરાની ગુફાઓનું સ્મરણ કરાવતી હતી. જોકે અહીં આ ‘ગુંફા’ઓને કાળનો ઘસારો ઘણો વધારે લાગ્યો છે. એક પછી એક બધી ‘ગુંફાઓ’ જોઈ. ‘હાથી ગુંફા’નું મહત્ત્વ, રાજા ખારવેલના શિલાલેખને લીધે સવિશેષ છે. શિલાલેખ ખારવેલની જ નહીં, તે સમયના કલિંગ રાજ્યની ગૌરવગાથા સમાન છે.

‘ગુંફા’ના મુખદ્વારે શિલાલેખ છે. ઈ.સ. પૂર્વેની પહેલી સદીનો મનાય છે. પ્રાકૃતને મળતી આવતી પાલિ ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં આ લેખ છે. પુરાતત્ત્વખાતાએ દેવનાગરી રૂપાંતર આપ્યું છે – નમો અરહંતાનં – નમો સવસિધાનં. ઐરેણ મહારાજેન મહામેઘવાહનેન ચેતિરાજવંસધનેન પસથ – સુભ – લેખનેન ચતુરલુઠણ – ગુણ – ઉળિતેન કલિંગાધિપતિના સિરિ – ખારવેલેન… એમ શરૂ થાય છે. પછી ખારવેલના જીવનની મુખ્ય ઘટનાઓના ઉલ્લેખો છે. પહેલાં પંદર વર્ષ કુમાર તરીકે ક્રીડામાં ગાળ્યાં, પછી નવ વર્ષ યુવરાજ તરીકે કર્તવ્યો બજાવ્યાં. પછી ચોવીસ વર્ષ થતાં રાજા તરીકે અભિષેક. પછી અભિષેકના પહેલે વર્ષે આમ કર્યું, બીજે વર્ષે આમ કર્યું – અહીં ચઢાઈ કરી અને ત્યાં ત્રાસ આપ્યો – પછી તેરમે વર્ષે કુમારીપવિત (ઉદયગિરિ) પર અર્હંતો માટે ગુહાશ્રય કરાવ્યા… વગેરે. ખારવેલ જૈન હતો. આ ‘ખારવેલ’ નામ પણ પ્રાચ્યવિદ્યાવિદોની કંડૂયનવૃત્તિને ઉશ્કેરી છે!

બપોરની સ્તબ્ધતામાં તમરાંના અવાજ આવતા હતા. થોડો વરસાદ વરસી ગયો હતો, એની ભીનાશ હતી.

ધૌલી જવાને દિવસે બપોર પછી વરસાદ તૂટી પડ્યો. અહીંનો વરસાદ પણ કમાલ છે, પડે એટલે તૂટી પડે. મ્યુઝિયમમાં હતો ત્યારે જ દક્ષિણપશ્ચિમ દિશામાં મેદૂર મેઘ ઝળુંબ્યા હતા, તે વરસી પડ્યા. ખાસ્સી વાર બસ સ્ટૅન્ડ પર ઊભો રહ્યો. એક વાર તો વિચાર્યું હવે નથી જવું, પણ પછી થયું કોણ જાણે ક્યારે ફરી અવાશે? પણ પછી વરસાદ ધીમો પડ્યો. એક સ્થાનિક મિત્ર સાથે ધૌલી ઊપડી ગયો. આમ તો ધૌલી ભુવનેશ્વરના પરિપાશ્વમાં જ ગણાય – પાંચેક માઈલ હશે. વાતાવરણ ભીનું હતું, પણ સાંજ મનમાં વસી ગઈ. થોડી વારમાં રસ્તો નગર બહાર – જગન્નાથપુરી જવાનો જ રસ્તો. અહીં કીચડ બહુ ન થાય. લાલ માટી ભીની થાય એટલે વધારે ગમે. જતાં જતાં નદી આવી. નામ પૂછયું તો કહે ‘દયા’ નદી.

ધૌલી એટલે અશોકનાં હૃદય-પરિવર્તનનું સ્થાન. અહીં જ એક મહાસંહાર પછી તેના હૃદયમાં કરુણાનો ઉદ્રેક થયો હતો – દયાભાવ જાગ્યો હતો. એટલે નદીનું નામ ‘દયા’. પણ આવા દૂરના સંબંધે પણ સાર્થક થતું હોય તોયે ગમ્યું નહીં. અહીં કેટલીક નદીઓનાં સરસ નામ છે – સુવર્ણરેખા, મહેન્દ્રતનયા વગેરે. કટક જતાં આવતી કાઠજુડીનું નામ પણ ગમ્યું. પણ ‘દયા’ કહેતાં નદીનું કોઈ ચિત્ર, એની કોઈ લાક્ષણિકતા ન જાગે.

આકાશમાં વાદળ દોડી જતાં હતાં, ઝરમર ઝરમર વરસતાં. એકાએક ધૌલીની – ધવલગિરિની તળેટીમાં આવી ઊભતાં અદ્ભુત દૃશ્ય બંધાઈ ગયું. આ બાજુ પહાડી પર સ્તુપ, પેલી બાજુ દૂર પાણીની સાંકળ રચતાં તળાવ, તળાવને કિનારે, વચ્ચે ઊંચાં નાળિયેરી જેવાં વૃક્ષોની સ્તબ્ધ હાર – આથમણે દયા નદીનો નમનીય વળાંક, કોઈ નારીની વળેલી નમનીય દેહલતા જેવો, ઉ૫૨ મંદિ૨ – પેગોડા, ૫ણે દૂર ચાલી જતી સડક, વરસતા વરસાદની ઝરમર વચ્ચે મોરની ભીની ગહેક. આકાશમાં ઊડતી બલાકા – ક્ષણમાં આ બધું બંધાઈ-સંધાઈ ગયું ચેતના સાથે.

ભીને રસ્તે ધીમે ધીમે ઉપર ચઢ્યા. ઉપરથી ચારે બાજુ રમણીય લાગતું હતું. આ ક્ષણે જ આવું લાગી શકત. દેવદર્શન કરી ઉઘાડે પગે સ્તૂપ ભણી. આ સ્તૂપ નવો જ બંધાવેલો છે. જપાનના ભાવિકોની આ શ્રદ્ધાંજલિ છે. સ્તુપ એટલે તો પ્રદક્ષિણા હોય જ.

પ્રદક્ષિણા કરતાં જ નદીએ સાદ પાડ્યો. અહીંથી જરા દૂર હતી, પણ મારે તો જવું હતું. સાથી અમારાં પગરખાં લેવા ગયો. એ નીચે ઊતરીને ઊભો રહેશે – હું નદીથી સીધો ત્યાં જઈશ, ટૂંકે રસ્તે, ખુલ્લે પગે નદી તરફ લગભગ ધસ્યો. ઝાડઝાંખરાં અને કાંટા-કાંકરાનો માર્ગ – સામે નદી, પણ અહીં નજીક, ત્યાં દૂર! ટેકરી ઊતરી રસ્તા ઉપર આવ્યો. કાચો રસ્તો. રસ્તાની બાજુ કેટલીય સદીઓ જૂનું એક મંદિર છે. મંદિર આંબાવડનાં ઝાડની ઘટાઓમાં જાણે ઢંકાઈ જતું હતું. ત્યાંથી જાણે અંધકાર બહાર નીકળી બધે ફેલાવાની તૈયારી ન કરતો હોય! મંદિરમાં ન જતાં નદી ભણી જ ગયો. નદીમાં ઊતર્યો શરૂઆતનો પિચ્છલ તટ વટાવી રેતાળ પટમાં થઈ પાણીના પ્રવાહ સુધી પહોંચ્યો. સાંજની સ્તબ્ધતામાં પાણી ધીરે ધીરે વહી જતું હતું. આખો પટ સૂમસામ હતો. એક નદી હતી અને એક હું. પાણીમાં નમ્યો, આંખે લગાડ્યું. માથે ચઢાવ્યું. દયા નામ નહોતું ગમ્યું, પણ ભગવાન બુદ્ધનું સ્મરણ થઈ આવ્યું હતું – આ એમની જ કરુણા વહી રહી છે!

પટમાં જરા ઊભો રહ્યો. સ્તૂપ ઘણે ઊંચે લાગતો હતો. હવે મારે જલદી જવું જોઈએ. બુદ્ધની ‘કરુણા’ જોઈ, પણ અશોકની કરુણા! ધૌલીનો પેલો શિલાલેખ – ‘દેવાન પિયસ વચનેન – દેવાનાં પ્રિયસ્ય વચનેન’થી શરૂ થતો શિલાલેખ. શિલાલેખ પાસે જઈને ઊભો રહ્યો. પણ માત્ર શિલા જ જોઈ, કોતરાયેલો લેખ નહીં. અંધારું થઈ જવા આવ્યું હતું. અહીં એક સમય કેવો જીવંત હશે! હું વાતાવરણ શ્વસી રહ્યો.

‘વૃક્ષોમાં સર્ સર્ પવન પસાર થતો હતો, આકાશમાં એક પંખી ઊડી જતું હતું – પાછાં જતાં રસ્તે ભાગ્યે જ કશું બોલ્યાં હોઈશું. અહીં ફરી દયા નદીને પુલ પરથી આમંત્રી ચાલ્યા. દૂર નગરના દીવા દેખાયા.

ઓડિયા, અસમિયા અને બંગાળી – ભારતના પૂર્વાંચલની આ ત્રણ ભાષાઓ પ્રમાણમાં એકબીજાની નિકટ હોવા છતાં પારસ્પરિક પાર્થક્ય પણ ઘણું છે. ઉચ્ચારણની રીતે ત્રણ ભાષાઓ જુદી છે. બંગાળી અને અસમિયા કોઈ બોલતું હોય તો આપણાથી જલદી ન પકડાય – પણ ઓડિયા જલદીથી અનુસરાય. તેમાંય વ્યાખ્યાન કે રેડિયો પરના સમાચાર સાંભળતા હોઈએ તો લગભગ સમજાય. સંસ્કૃતની જેમ દરેક વર્ણ ભાર સાથે ઉચ્ચારાય, અંત્ય, વર્ણ પણ. આપણે ભુવનેશ્વર કહીએ, એ બોલશે ભુ-બ-ને-સ્વ-૨. ઓડિયામાં ‘ળ’ની પ્રચુરતા છે. બંગાળી અને અસમિયામાં તો ‘ળ’ છે જ નહીં. તે ભાષાભાષી લોકો માટે તેનો ઉચ્ચાર પણ મુશ્કેલ. ઓડિયામાં તો સંસ્કૃત તત્સમ શબ્દોમાં પણ ‘લ’ને બદલે ‘ળ’ ઉચ્ચારાય.

ઓડિયાનો મારો પરિચય થોડાંક કાવ્યો પૂરતો અને ગોપીનાથ મહાન્તીની નવલકથા ‘અમૃતર સંતાન’ પૂરતો સીમિત. પણ વચ્ચે એક વખતે કટક જઈને નવા ઓડિયા કાવ્યસંગ્રહ લઈ આવ્યો હતો. મોટે ભાગે તે અદ્યતન કવિઓના સંગ્રહો હતા. સરસ નામ હતાં સંગ્રહોનાં – સમુદ્રસ્નાન, પવનર ઘર, અનેક કોઠરી, પ્રથમ પુરુષ, મધ્યમપદલોપી, વિષાદ એક ઋતુ, શબ્દર આકાશ – અને સરસ હતાં કાવ્યો. બધાં સંપૂર્ણ ન સમજાય – ૫ણ અસ્કુટ સમજણનો પણ એક આનંદ હોય છે. હું કોઈ એક મિત્રને પકડું – કવિતા એની પાસે વંચાવું. ગુજરાતી, ઓડિયા કવિતાની અમારી ચર્ચાઓ ચાલે – બંગાળી કવિતાની ચર્ચા પણ. એક દિવસ એક અસમિયા સાથીએ અસમિયા કવિતાઓ વાંચી.

મને થયું આપણા કવિઓ ઘણા સમાંતર જાય છે, છંદ અને ભાષાના પ્રશ્નો પરત્વે અને અન્ય અભિવ્યક્તિના પ્રશ્નો પરત્વે ઘણી બધી સહિયારી ખોજ લાગે. ઓડિયા કવિતાનાં હું ભાષાંતર કરું અને ત્યાંના મિત્રો આગળ વાંચું ત્યારે કહે કે અમને સમજાય છે! ભુવનેશ્વરમાં ઘણાં કવિઓ રહે છે, અને બાજુના શહેર કટકમાં પણ. પણ ખબર મોડી પડી, કવિમિત્રોને મળવા જવાનું ન બન્યું. પણ પ્રસિદ્ધ નવલકથાકાર ગોપીનાથ મહાંતીને મળવાનું થયું. અમારા સેમિનારમાં તે કોંધ-બોલી વિશે બોલવા આવ્યા હતા. મારે શિરે એમનો આભાર માનવાનું આવ્યું. મેં થોડા શબ્દોમાં એમની પ્રસિદ્ધ નવલકથા ‘અમૃતર સંતાન’ની વિશિષ્ટતાઓની વાત કરી, તેઓ પ્રસન્ન હતા. એમને ઘેર જવાનું નિમંત્રણ આપ્યું.

ગોપીનાથ મહાન્તી અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી, પણ વ્યવસાય- જીવનના આરંભમાં જ ઓડિશાના કોરાપુટ જિલ્લાના ઊંચા પહાડોના નિબિડ જંગલમાં રહેતી કોંધ આદિવાસી પ્રજા વચ્ચે કામ કરવાનું આવ્યું. હતા તો સરકારી અધિકારી પણ એમનામાં રહેલા સર્જકે તેમને પ્રજા સાથે સમરસ કરી દીધા! “અમૃતર સંતાન’ નવલકથા તેમને કોંધ-જીવનમાંથી મળેલી.

આ જ વર્ષે તેમને તેમની નવલકથા ‘માટી મટાળ’ (રસાળ ધરતી) માટે જ્ઞાનપીઠ ઍવૉર્ડ મળેલો, એટલે ગોપીનાથ મહાન્તીનું નામ ઓડિશા બહાર પણ જાણીતું થયેલું

એક આષાઢી સાંજે તેમના ઘેર પહોંચી ગયો. ત્રણ બંગાળી મિત્રો સાથે હતા. દરવાજો ખોલી કમ્પાઉન્ડમાં પ્રવેશતાં જ ચંપાનાં ફૂલોની ભીની મહેક. ઓસરીનાં પગથિયાં ચઢતાં ક્ષણેક ખમચાઈને ઊભા રહી ગયા. ત્યાં અંદરથી એમણે અમને જોયા – ‘આસન્તુ આસન્તુ’ એવા ઉમળકાભેર શબ્દોથી અમારું સ્વાગત કરી તેમના અભ્યાસખંડમાં લઈ ગયા.

બે કલાકની અમારી મુલાકાતમાં આ પ્રસિદ્ધ સાહિત્યકારની સુજનતાનો તો પરિચય થયો જ. તેમની સર્જનપ્રવૃત્તિનો પણ દિશાદોર મળ્યો. લેખક તરીકેની પોતાની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ – કેવી રીતે ‘અમૃત૨ સંતાન’ જેવી નવલકથા લખાઈ – કેવી રીતે જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા કૃતિ ‘માટી મટાળ’ લખાઈ – આ બધાંની વાત એ સહજભાવે – ‘ડુ યુ સ્મોક?’ પ્રશ્ન કરી, અમે માથું ધુણાવતાં, સિગારેટ સળગાવી – કરતા ગયા. તેમણે કહ્યું –

‘માટી મટાળ’માં મારા આખા જીવનનો અનુભવ છે. આ નવલકથાએ મારાં દસ વર્ષ લીધાં છે – ૧૯૫૧થી ૧૯૬૧. મારા ઘણા ખ્યાલો તેમાં ગુંથાયેલા છે. તેમાં એક ખ્યાલ તે છે સંસ્કૃતિનો, આપણી સંસ્કૃતિનો. વૈદિક સંસ્કૃતિથી શરૂ કરી આજ સુધીની. શું જૂની સંસ્કૃતિ આજે છે? હા, સરળ, ગ્રામજીવનમાં છે…’

મેં પૂછ્યું : ‘માટી મટાળ’નું પ્રેરકબળ – એની ભૂમિકા? તો કહે –

“મેં ‘માટી મટાળ’ લખવાનું શરૂ કયું ૧૯૫૧માં. હું જન્મ્યો હતો ૧૯૧૪માં. સાડત્રીસ વર્ષો દરમ્યાન ઓડિશાની ભૂમિ લગભગ ખૂંદી વળ્યો હતો, રાજમાર્ગે નહીં, નાને રસ્તે, પગે ચાલીને, હોડીઓ માં – બહુ નજીકથી લોકોને જોયા છે. દરિયાકિનારેથી પહાડનાં શિખરો સુધી વસતા લોકોને. ‘માટી મટાળ’માં દરિયાકિનારાની પૃષ્ઠભૂમિ છે…”

તે વખતે પણ શ્રી મહાન્તી બીજી એક નવલકથા પર કામ કરતા હતા. તે વિશે તેમણે વાત કરી. એ નવલકથા સાથે પોતાની આત્મકથા લખવાનું પણ ચાલતું હતું…

તેમની મુલાકાત ભુવનેશ્વરની એક મધુર સ્મૃતિ બની ગઈ છે. ઓડિશાની જીવંત સંસ્કૃતિના એ પ્રતિનિધિ સર્જક હતા. એમની વાતચીતમાં ઓડિશાની ભૂમિની મહેક અનુભવાય. શ્રી મહાન્તી ત્યાંના તરુણ સર્જકોમાં પણ બહુ પ્રિય છે. સૌ આદરથી એમનું નામ લે. ભુવનેશ્વર નિવાસના આખરી દિવસોમાં ત્યાંના તરુણ વાર્તાકાર ડો. કૃષ્ણપ્રસાદ મિશ્રને મળવાનું થયેલું. તેઓ ‘માનસ’ નામે એક સચિત્ર ઓડિયા માસિકના સંપાદક છે. તેમણે તેમનો વાર્તાસંગ્રહ ‘ભૃગુસંહિતા’ મને આપ્યો. ખોલીને જોઉં છું તો સંગ્રહ અર્પણ કર્યો હતો ગોપીનાથ મહાન્તીને. એક પરિચ્છેદમાં પ્રશસ્તિ લખીને છેવટે લખ્યું હતું – ‘મું આપણંકુ નમસ્કાર કરુછિ ઓ શ્રદ્ધા ઓ સમ્માનર સહિત “ભૃગુસંહિતા”કુ સમર્પણ કરુછિ.’ તેમણે મહાન્તી વિશે ઘણી બધી વાતો કરી, ‘એ જૂનાનવા સૌ લેખકોમાં બહુ પ્રિય છે.’ એ તેમણે ન કહ્યું હોત તોપણ ગોપીનાથ મહાન્તી સાથેની અમારી ટૂંકી મુલાકાતથી એનું અનુમાન કરી શકાયું હોત. એવા સૌજન્યમૂર્તિ સાહિત્યકારને મળી ભુવનેશ્વરના એક વધારે તીર્થદર્શનનું પુણ્ય પામ્યો.

ભુવનેશ્વરમાં રહ્યો તે દરમ્યાન ઓડિયા ભાષા સાંભળવાની બહુ મઝા આવી. અનેક મુખે ઓડિયા સાંભળી – વિદ્વાનોથી માંડી રસ્તા પર જતા સામાન્ય માનવીના મુખેથી. ઝૂંપડી-હોટેલવાળો તો મિત્ર બની ગયો હતો. ઓડિયામાં જ અમારી જોડે બોલે, પાછો અમને સમજાવેય ખરો! ઓડિયા ભાષા ગમી ગઈ. તેની સાથે ભલે અલ્પકાલીન, ૫ણ મહોબતનો નાતો બંધાઈ ગયો હતો.

ભુવનેશ્વર છોડતાં પહેલાં ફરી એક વાર જૂના ભુવનેશ્વરનાં મંદિરો જોઈ આવ્યો. આ વેળાએ સાંજ પસંદ કરી હતી. ત્રિપુરાના એક બંગાળીભાષી મિત્ર શ્રી પ્રભાસ સાથે હતા. ફરીથી બિન્દુસાગર, લિંગરાજનું ભવ્ય મંદિર, પાર્વતીની મનોહર મૂર્તિ, રાજારાણી મંદિર… રાજારાણી મંદિરના પ્રાંગણમાં સાંજ પડી ગઈ હતી, ધીમે ધીમે અંધારામાં આ એકાકી મંદિરનું છાયાચિત્ર જ દેખાયા કર્યું…

ભુવનેશ્વરથી જે દિવસે નીકળવાનું હતું તે દિવસે આકાશ ઘનઘોર હતું. દિવસે પણ અંધારપટ. પછી તો ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે જ્યારે નીકળ્યો ત્યારે વરસાદે કૃપા કરી હતી, જોકે હજી સડકો ભીની હતી. હું પણ…

*

License

વિદિશા Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.