સમુદ્રનાં ઊછળતાં મોજાં સાથે પવન પોતાનો પ્રાસ મેળવે છે. એના સ્રગ્ધરા છન્દની બધી યતિ ઊડી ગઈ છે. એના પ્લવંગમ લય સાથે આપણો લય જાળવવો અઘરો થઈ પડે છે. એ આપણાં બધાં પોલાણ શોધીને એમાં ભરાઈને સુસવાઈ ઊઠે છે ને આપણને બિવડાવી મારે છે. પવન બે વ્યક્તિ વચ્ચે આલાપસંવાદ ચાલવા દેતો નથી; એ બધી સન્ધિઓ છૂટી પાડી દે છે; એક્કેય સમાસ ટકી રહેતો નથી; ઉપસર્ગો ને પ્રત્યયો ક્યાં ને ક્યાં ઊડી જાય છે. આજુબાજુ અસ્પૃશ્યતાના કોટકિલ્લા રચીને આપણી જોડે ચાલતી કોઈ સંકોચશીલ ભીરુ કન્યાને પવન એના એ કોટકિલ્લા તોડીને સ્પર્શની સીમામાં ખેંચી લાવે છે. સાફસૂથરી ગોઠવી રાખેલી આપણી રોજિંદી વાસ્તવિકતાને એ એની જાદુઈ ફૂંકથી પલક વારમાં ઉરાડી મૂકે છે. આપણી લાગણીના વિન્યાસને પણ એ અસ્તવ્યસ્ત કરી મૂકે છે. ઉપેક્ષાનું અવળું પડ સવળું બનીને પ્રતીક્ષારૂપે દેખા દે છે. ઘણી વાર જિન્દગીનાં કેટલાંય વર્ષોનો પુંજ આ પવન ભેગો ઊડી જાય છે, ને ત્યારે આપણે એટલા તો હળવા બની જઈએ છીએ કે આપણે આપણાપણાનેય બાઝી રહી શકતા નથી.
ક્ષિતિજ : 8-1962