ક્રોમિયમ પ્લેટેડ સૌજન્ય

ક્રોમિયમ પ્લેટેડ સૌજન્યનો ચળકાટ નથી સહેવાતો. એવા સજ્જનોના શબ્દે શબ્દે એન્ટિસેપ્ટિક ડિસઇન્ફેક્ટન્ટની ગન્ધ આવે છે. એમની ઇસ્ત્રીબંધ કકરી સુઘડતા હોસ્પિટલના ઓપરેશન થિયેટરની યાદ આપે છે. હમણાં જ ચમકતા ચીપિયા અને તીક્ષ્ણ ધારવાળી નસ્તર મૂકનારી છરી દેખા દેશે એવી ભીતિથી હૃદય ફફડી ઊઠે છે. એમના સ્મિતમાં ઇથરની શીતળતા હોય છે. એવા ‘સજ્જન’ની સમક્ષ ખડા થવાનું આવે છે ત્યારે મને તો માથે મોત ભમતું લાગે છે. એમના મોભાનું વજન એઓ આપણી પાસે મજૂરની જેમ ઉપડાવે છે; એમની કીતિર્ને આપણે ખાંધ આપવી પડે છે, ને તેય આપણો ચહેરો સાવ ભૂંસી નાખીને! એવા સજ્જનોનો દીર્ઘ સહવાસ જેમના નસીબમાં લખાયો હોય છે તે અન્તેવાસીઓનું શું થતું હશે! ખરેખર, મનુષ્યના જેવું મનુષ્યભક્ષી પ્રાણી બીજું ભાગ્યે જ હશે! બહાર બેઠેલા ચપરાસીના હાથમાં આપણું નામ લખીને ચબરખી અંદર મોકલાવીએ, આપણી આગળ આપણા નામની ચબરખી ચાલે, પછી થોડી ક્ષણો કે કલાક સુધીની અકળાવી મૂકનારી પ્રતીક્ષા, પછી અંદરથી આવતો ‘બઝર’નો તુમાખીખોર કર્કશ અવાજ, પછી આપણો પ્રવેશ, અસબાબના કોટકિલ્લા વચ્ચેથી તીક્ષ્ણ દૃષ્ટિએ તમને માપી લેતી બે આંખો, દવાની શીશીમાં ખડકેલી એકસરખા આકારની ટીકડી જેવા એમના મુખમાંથી ગબડતા શબ્દો, ધીમે ધીમે બહાર નીકળતા નહોર, લબકારા મારતી જીભ – તમે બહાર નીકળો ત્યારે એમની દાઢ વચ્ચે પૂરેપૂરા ચવાઈને જ નીકળો. એમના સુદર્શનચક્રે તમારો પીછો પકડ્યો જ હોય. એમના આ કૃષ્ણકૃત્યનો મહિમાભાર શેષનાગને ક્યારેક તો ચળાવશે ને?

ક્ષિતિજ : 10-1962

*

License

જનાન્તિકે Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.