બારણું બંધ કરવાનું રહી જવાથી એક માણસ ઘર છોડીને બહાર નીકળી ગયો. ઘરે એની વહુ ને દીકરા રાહ જુએ, પણ ધૂનમાં ને ધૂનમાં એ ઝાડ નીચે બેસી રહ્યો, ખાધાપીધા વિના મરવા પડ્યો. કહે છે કે એક ભરવાડણે દયા લાવી દૂધ પાયું. હવે સ્થિતિ સુધારા પર છે. એનું નામ પૂછતાં ગૌતમ બુદ્ધ એમ કહે છે. લાગતાવળગતાએ ઘટતી તપાસ કરી એ વ્યક્તિનો કબજો લઈ લેવો.
સાંજને વખતે ટેકરી પર ઊભા કરેલા થાંભલા પર ચઢીને એક માણસ કશુંક જોવા ગયો. એ શું જોવા ગયો હતો તે વિશે કશી આધારભૂત માહિતી જાણવા મળી નથી. પણ અંધારામાં નીચે ઊતરવા જતાં એ ખીલામાં ભેરવાયો ને એ જ દશામાં મરણ પામ્યો. એનું નામ ઇસુ એમ કહેવામાં આવે છે. પોલિસને સમ્બન્ધ વિશેની ખાતરી આપતાં મૃતદેહનો કબજો સોંપવામાં આવશે.
બે બંદૂકની ગોળી સાંજને વખતે સહેજ લટાર મારવા નીકળી હતી. કોઈ ‘રામ રામ’ બબડતો ધૂની માણસ દેખતો છતાં ન દેખતો એ ગોળીના માર્ગમાં આડે આવવાથી ગોળીના માર્ગમાં અન્તરાય ઊભો થયો. એનું નામ મોહનદાસ હતું એમ કહેવાય છે. આવા ગાફેલ આમ બેધ્યાન બનીને ફરે છે તેથી આવા અકસ્માત થાય છે. એ વિશે ભવિષ્યમાં કાળજી રાખવી.
કિંચિત્ : 1960