આ છેલ્લા થોડાક દિવસોનું આકાશ – જાણે કોઈક એકાદ ઢીંગલી બનાવવા મથી રહ્યું છે. સાગર એની ઝૂલ લાવ્યો છે, સૂરજ એનું પીળું ચીંથરું લાવ્યો છે, ભૂખરા રંગનાં વાદળોના ગાભા છે ને એમાં ભરવાનો લાકડાનો વહેર? વહેરણિયો વહેરી રહ્યો છે. કરવત ચાલી રહી છે… કેનેડી, આલ્ડુસ હક્સલી… પણ એ ઢીંગલીના હોઠ પર શાશ્વત સ્મિત મૂકવાની વેળા આવશે ત્યારે આપણો વારો આવશે. એવું સ્મિત – એનો એકાદ અંશ તો શોધી રાખવો પડશે જ ને!
આ દિવસોની આર્દ્ર ધૂસરતામાં ઈશ્વરના જેવી સર્વવ્યાપકતા હતી. કણે કણમાં એ વ્યાપી જતી હતી. આખું આકાશ જાણે આત્મઘાત કરવા નીચે ઊતર્યું હતું ને નાનાં નાનાં બિન્દુની ભંગુરતાનું રૂપ ધારણ કરીને કોઈકના કશાકના સહેજ સ્પર્શથી મોક્ષ પામવા ઝંખતું હતું. સ્પેનિશ કવિ લોર્કા બારીના કાચ સાથે માથું પટકીને મરી જતાં જલબિન્દુઓ – સચાિઅજિર્ ક ીાીહૈાિઅ – ની વાત કરે છે. આ ધૂસરતા શ્વાસ અને ઉચ્છ્વાસ વચ્ચે, આંખના બે પલકારા વચ્ચે, હૃદયના બે ધબકારા વચ્ચે (કેનેડીની સ્મશાનયાત્રાનું બેન્ડ જાણે – પડઘમ પર કપડું વીંટાળીને વગાડતાં સેકકનીગ અવાજ આવતો હતો ને! તેવું જ કંઈક), ઉચ્ચારાતા બે શબ્દ વચ્ચે, આંગળીમાં ગૂંથાતી આંગળી વચ્ચેના પોલાણમાં વ્યાપી જાય છે. પારદર્શકતાની ભ્રાન્તિ હવે ચાલી ગઈ છે. નિકટતાનું સ્થાન દૂરતાએ લીધું છે. આપણી પોતાની આકૃતિની સળંગતાને એણે કણ કણ કરીને છૂટી પાડી નાખી છે, એને સળંગસૂત્ર રાખનાર ચેતના એના નીહારિકાના પિયરમાં જઈને બેઠી છે. હવે એમાં જેને ભૂલા પડવું હોય તો આવે – સમુદ્રના નિર્જન વિસ્તાર પર કરુણ ચિત્કાર કરતી ટિટોડી (વાલ્મીકિએ પણ ટિટોડીનો આ કરુણ ચિત્કાર કોઈ રાતે – એનીય ઊંઘ કોઈ વાર ઊડી જતી હશે? – સાંભળ્યો હશે જ ને! આથી સીતાની વાત કરતાં એણે કહ્યું : ઉદ્વિગ્ના કુરરી), ખીલવાનો છન્દ ભૂલી ગયેલું ગુલાબ, ગામને છેડેની તળાવડીનું મધરાતનું એકલવાયું સ્વપ્ન, સૂના ખંડિયેરમાં ફફડતી ઘુવડની પાંખનો પડઘો… ધૂસરતાએ છેદેલાં ગાત્રો વેરવિખેર પડ્યાં છે, મહાભારતના ઓગણીસમા દિવસે ગાંધારીએ જોયાં હતાં તેવાં. આ હાથ – આદિકાળના સરીસૃપ ઉરગની સ્મૃતિ એમનામાં સળવળી ઊઠી છે; આંખ – એની બે પાંપણોમાં પાંખો ફફડાવીને ઊડી જવાની અધીરતા છે, પણ ક્યાં છે એને ઊડવાનો વિસ્તાર? આકાશ? પગના પંજા કોઈ અન્ધકારભરી પર્વતગુફા તરફ વળી જવા ઝંખે છે. દેહની આ ‘ૅથ્જ્ઞ્’ (સદ્ગતિ કે દુર્ગતિ?) નિશ્ચલ બની એકાન્તમાં (લોકારણ્ય વચ્ચેની નિર્જનતામાં) જોયા કરવાનું સુખ છે, આવા જ કોઈ દિવસે બંગાળનો એક અખ્યાતનામ કવિ પ્રિયાની આંખ પરની ભ્રમર જોઈને એ દૂર દૂર પાંખ પ્રસારીને ઊડી રહી છે એમ સમજીને વિરહવિહ્વળ બની ઊઠેલો તે યાદ આવે છે. આવા દિવસોમાં જે ભૂંસી નાંખવું હોય તે ભૂંસી નાંખવાની સગવડ છે, ને છતાં ભૂંસવા જઈએ છીએ ત્યારે દિલ ચાલતું નથી. કોઈક વાર વાદળ વચ્ચેથી સૂરજ દેખાય છે – દેવળમાંના સ્ટેઇન્ડ ગ્લાસમાં અંકાયેલા કોઈ હુતાત્મા સન્ત જેવો. આખું જગત અત્યારે ઘૂંટણિયે પડીને જાણે છેલ્લા એકરાર કરી રહ્યું છે ને સામે કાળો ઝભ્ભો પહેરીને ઊભો છે કોઈ પાદરી. ટેવના ખાનામાં પડી ગયેલાં દુ:ખને આ ધૂસરતા ઉદ્ધારે છે. શાપિત બનીને પથ્થર થઈ ગયેલાં કોઈ પુરાણકથાનાં પાત્રોની જેમ એ બધાં આ ધૂસરતાના સ્પર્શથી વળી આળસ મરડીને બેઠાં થાય છે. ટેવનું ખાલી ખોખું પડી રહે છે.
ને ક્યાં છે સમય? કાળ જેવું વિકરાળ જેનું નામ છે તે બિચારો કાંડાઘડિયાળના રેડિયમટિપ્ડ કાંટાઓમાં આગિયાના નાના શા જૂથની જેમ બેસી રહ્યો છે. સૂરજના હાથ છોડાવીને નાસી ગયેલા સાત ઘોડાઓમાંનો એકાદ ભૂલો પડીને મારા લોહીની ગુફામાં શરણું શોધે છે. ને ચન્દ્ર? અમારા સોનગઢ વ્યારાની ગામીત ચોધરી આદિવાસી બાઈઓના ગળામાંના ચાંદીના સિક્કા જેવો લાગે છે. રાતે એય ઢંકાઈ જાય છે ત્યારે આપણાં મૌનની બીજલેખા જ જાણે અજવાળું પાથરતી લાગે છે. ધૂસરતા જ્યારે ઘેરી બને છે ને એકાદ ખૂણે સૂરજની લાલ આંચ નજરે પડે છે ત્યારે મસમોટું કબૂતર આપણને સૌને ઢાંકીને બેઠું હોય એવું લાગે છે. અથવા આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘ધ બર્ડ્ઝ’માંનું કોઈ લાલ ચાંચવાળું ભૂખરું પંખી આપણને ટોચી ખાવા તત્પર થઈને બેઠું હોય એવું લાગે છે. વૃક્ષનાં પાંદડાં નાના બાળકની સાંકડી હથેળી જેવાં છે, રમવાને માટે લોભથી એકઠી કરેલી લખોટીઓ એમની હથેળીમાંથી સરી પડે તેમ આ પાંદડાં પરથી પાણીનાં ટીપાં સર્યે જ જાય છે. જળના મુખ પર આદિકાળનો વિષાદ છે, એના પ્રવાહ પર આ કોની છબિ અંકાઈ છે? અહીં થોડાંક પંખીઓ કોઈકના હસ્તાક્ષરની જેમ એના પર અંકાઈને ઊડી જાય છે. સળગી ઊઠેલા ઝૂમાંના પાંજરામાંના સંહિની જેમ મારામાં પુરાઈ રહેલું એકાન્ત ત્રાડ પાડી ઊઠે છે. ધૂળનાં ઢેફાંની ભીનાશની નીચે આશ્રય લઈ રહેલા કોઈ અલ્પાયુ કીટની હળવી તુચ્છતા આ પળે સ્પૃહણીય લાગે છે. આ બધું છતાં સળગતી જામગરીના વેગથી મારું લોહી મારામાં ધસે છે. એ પેલા નાસી છૂટેલા સૂરજના સાત ઘોડા પૈકીના એકે મચાવેલો ઉત્પાત હશે? ન જાને! ને બહાર સમય ધીમી ગતિએ સરી રહ્યો છે – થીજી ગયેલા બરફ પર ચાલતી ગોકળગાયની જેમ એ રેખા આંકતો જાય છે. આ ધૂસરતાથી ફૂલ પોતાનામાંના મધુને શી રીતે સંગોપી રાખી શકતું હશે? મને તો મારું પ્રતિબિમ્બ પણ કોઈ ભીરુ ત્રસ્ત પંખીની ગોળ આંખમાં સંતાડી દેવાનું મન થાય છે. થોડાક અસમ્બદ્ધ શબ્દો – ટનલમાંથી ગાડી પસાર થતી હોય ત્યારે અંધારામાં કોઈક વાર અજવાળાનો સાંધો માર્યો હોય તેના જેવા – મનમાં આવે છે. એને ટાંકો મારીને જોડવાનું મન થતું નથી. જે કાંઈ બોલીએ તે આજે અસમ્બદ્ધ જલ્પના બની રહે છે. આ ધૂસરતાનો છદ્મવેશ પહેરીને કોઈ ઠગવા નીકળ્યું છે એવું લાગે છે; આથી નમણાં ફૂલની પાછળ બંદૂકનું નાળચું સંતાયું હોવાનો વહેમ જાય છે. અસ્તિત્વવાદીઓ હોવાનું કૈવલ્ય ભોગવવાનું કહે છે. પણ આપણું હોવું એ બીજા કોઈનો બુરખો, મહોરું, ઢાલ તરીકે પણ ખપમાં આવતું હોય ત્યારે? આથી ધૂસરતાની ‘નેગેટીવ’ તડકાના દ્રાવણમાં ધોવાઈ જશે ત્યારે કઈ છબિ દેખાશે તેનું મને અચરજ થાય છે. વ્યર્થતા ને સાર્થકતાનાં પલ્લાં આ આબોહવામાં સમતોલ રહેતાં નથી. આથી તો ‘રોમેન્ટિક’ની ગાળ ખાવાનો વારો આવે છે, ને એમ છતાં શિયાળાના આ દિવસોમાં માવઠાનાં પાણીનો સંચય કરીને બેઠેલાં કંજૂસ ખાબોચિયાંને પણ પોતાની લીલાથી કદર્યતામાંથી ઉગારી લેનાર એ ડહોળા પાણીમાં સેલારા મારતું નગણ્ય જન્તુ જોઈ રહેવાનો લોભ જતો કરી શકાતો નથી. ભોળું કે મુગ્ધ મન (જે રવીન્દ્રનાથ, કાફકા અને સાર્ત્રને એક જ ભાવે ભજે એનામાં કાંઈ અક્કલ ખરી?) અશોકના શિલાલેખ અને આ નગણ્ય જન્તુના જળલેખ વચ્ચે કોઈ વિવેક કરવાની તત્પરતા બતાવતું નથી. ઊલટાનું ધૂસરતાની આડશે થોડા ભારને (મારા જેવાની બાબતમાં ‘ગૌરવને’ નહીં કહેવાય તે જાણું છું) ફગાવી દેવાની સગવડ મળી રહે છે તે ઝડપી લેવા હું તૈયાર થઈ જાઉં છું. અર્થના નક્કર ગાંગડાનેય ધૂસરતાનો પાસ બેસે છે. એના પર પછીથી હીરાની જેમ પાસા પાડી શકાતા નથી. ચન્દ્ર જેવા ચન્દ્રને લસણની કળી કહીને વઘારમાં નાખી દેવાની નાદાનિયત પણ પરવડે છે. કેનેડીની હત્યાના સમાચારવાળાં છાપાંને પંખીની જેમ ઉડાવે છે, શઢની જેમ ફુલાવે છે, ને પછી – આટલી લાલચો આપ્યા પછી – ભોંયભેગું કરી દે છે. હવે તો તડકો નીકળ્યો છે, પણ એ ધૂસરતાની અવળી બાજુ – એના અસ્તર – જેવો લાગે છે. ખંડિયેરની દીવાલ પરના લીલના લીલા પ્રલેપ પર તડકાનું ઢોળ ચઢાવવાનું શરૂ થઈ ચૂક્યું છે. હવે આ રીતે બોલેલું છાજે નહીં, હાંસી થાય, માટે બંધ કરું. પણ થોડીઘણી ધૂસરતા કોનામાં નથી હોતી? તમે નમ્રતાપૂર્વક પણ એનો ઇન્કાર કરી નહીં શકો.
ક્ષિતિજ : 2-1964