શી રીતે?

હું તો પડ્યો રહ્યો જ હોત
જીર્ણ અવશેષ શો
દટાઈને ભૂગર્ભમાં;
શકુન્તલાની મુદ્રિકા શો
સરી પડ્યો હોત;

પેટાળમાં સમુદ્રના
ડૂબી ગયેલા કો’ ખજાના શો
કાટ ખાતો હોત;

આદિ સમયના પ્રાણીના
અસ્થિ સમો
કાળની સાથે ઘસાઈ
તીક્ષ્ણ ને તીક્ષ્ણ
થયે ગયો હોત.

સાચું કહું:
તારી દૃષ્ટિએ કદી
હું પડ્યો ન હોત –

કોણ જાણે…
આ સ્હેજસરખી ચાંદની
ઉચ્છ્વાસની આ સ્હેજસરખી ઉષ્ણતા
દૃષ્ટિની રે સ્હેજસરખી વક્રતા –
વિફરી ગયો ધબકારનો રે લય?
ચારે સીમાઓનો સમૂળો લય?

એવું કશું જઈ વિસ્તર્યું
કેમે ય રોક્યું ના ગયું!

… ને જોઉં છું તો
ખેંચાઈ આવી તુંય તે –
પૂછું તને:
શી રીતે?

License

પ્રત્યંચા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.