હઠ

બોલવા હું ના ચહું,
દાટ્યા ચરુ શા હૃદય પર હું નાગ શો બેઠો રહું.
શબ્દ સાથે શબ્દ ટકરાઈ કદી તણખા ઝરે
ફુત્કારથી તો હું બુઝાવું, છેડી સૂતા સર્પને.

કૂંપળો શા શબ્દ કો ખીલી ઊઠે છે જો કદા
એને તમારી હિમદૃષ્ટિ પાસ મૂકું છું તદા.

પતંગિયાં શાં જો ઊડી રંગીન પાંખો એ પસારે
તો તમારાં મૌનના કંટક થકી હું વીંધું છું એમને.

શઢને ફુલાવી સાગરે નીકળી પડે જો નાવ શા
મારી જ હઠના ખડક સાથે તો કરું ચૂરેચૂરા.

કો’ જળપરીની આંખમાં સપનાં સમાં સ્ફુરે કદી
વડવાનલ શો પ્રજાળું હું જ જાતે જઈ ધખી.

પણ જો તમારા હૃદયમાં એ સ્પન્દ થૈ ધબકી રહે
તો જાણું ના એ વજ્રને ઓગાળવું શા અગ્નિએ!

License

પ્રત્યંચા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.