વિભાગ: ચાર

નવલિકાની રચના: એક દૃષ્ટિ

એક વાર અમે મુંબઈના કોટના લત્તામાંથી પસાર થતા હતા. બપોરનો ચાપાણીની છુટ્ટીનો વખત હતો. રસ્તે ભીડ ખાસ્સી હતી. એ ભીડ વચ્ચે એક સાત વરસની છોકરી પગે ઘૂઘરા બાંધી નાચતી હતી. એનો એક સાગરીત ઢોલક વગાડતો હતો. કોઈ ફિલ્મનું ઇશ્કી ગીત એ છોકરી નાચતાં નાચતાં ગાતી હતી. એના શરીર પર મેલુંઘેલું, કોઈનું ઊતરેલું, એને બંધબેસતું નહિ થતું એવું ફ્રોક હતું. એના વાળ પર દિવસોથી કોઈનો હાથ ફર્યો નહોતો. એના અંગમાં દરિદ્રતાએ પોતું ફેરવીને એક પ્રકારની નિશ્ચિહ્નતા લાવી દીધી હતી. એ જે ઇશ્કી ગીત ગાતી હતી તેનો ભાવ એ સમજતી નહોતી. એને તાલીમ આપીને એના અણવિકસ્યા શરીર પાસે જે લહેકા ને નખરાં કરાવવામાં આવતાં હતાં તેનાથી એનું શરીર સાવ અજાણ્યું હતું. આમ છતાં એની આજુબાજુ લોકો ટોળે વળ્યા હતા. કોઈક તો અશ્લીલ સિસકારો સુધ્ધાં કરતા હતા.

આ જોઈને મારી સાથેના એક મુરબ્બીએ કહ્યું: ‘કેવી કરુણતા! જે વયે એના ગામડામાં સહિયરો અને ભાઈભાંડુ સાથે ખેલવાકૂદવાનું હોય, ભણવાગણવાનું હોય, વડીલોનું રક્ષણ પામીને ઊછરવાનું હોય તે વયે આજીવિકા માટે આમ જોતરાઈ જવાનું આવે, શહેરની ગંદી હવા અને અજીઠું ખાવાનું ખાઈને પેટ ભરવાનું આવે! દેશ સ્વતન્ત્ર થયો, પણ જ્યાં સુધી આવાં દૃશ્ય આંખે ચઢે છે ત્યાં સુધી એ વાત પર વિશ્વાસ બેસતો નથી.’

બીજા એક મિત્રે કહ્યું: ‘તમને એ છોકરીની દયા આવે છે. મને તો ટોળે વળેલા લોકોની મનોદશા જોઈને જુગુપ્સા થાય છે. કેવા મરણિયા બનીને આ કાચી વયની છોકરીના હાવભાવને એ લોકો લાલસાભરી નજરે જોઈ રહ્યા છે! એ લોકોના જીવનની પોકળતા, શૂન્યતા કેવી તો ભયંકર હશે!’

આ દૃશ્યની મારા મનમાં વળી જુદી જ છબી અંકાઈ ગઈ. બપોરની એ વેળા, ઊંચાં ઊંચાં મકાનોની ધારથી છેદાઈને ટુકડે ટુકડા થઈને વેરાયેલો સૂરજ, સૂરજના ધારદાર ટુકડામાંથી અર્ધાં તેજમાં ને અર્ધાં છાયામાં વેતરાઈ ગયેલાં માણસો, આજુબાજુ મચી રહેલો અર્થહીન કોલાહલ – ને આ બધી વેરાઈ ગયેલી છિન્નભિન્નતાને એક દોરમાં પરોવવા મથતા ઘૂઘરાનો રણકાર ને સંગીતના સૂર – જાણે કોઈ આંધળો સોયના કાણામાં દોરો પરોવવા ન મથતો હોય!

કોઈ એમ પૂછે કે આ ત્રણ પ્રતિભાવોમાં કયો વધુ સાચો તો આપણે કહીશું કે ત્રણેય પ્રતિભાવો શક્ય છે, પોતપોતાની રીતે સાચા છે. સાથે આપણે એટલું ઉમેરીશું: આ સિવાયના બીજા પ્રતિભાવોની શક્યતા પણ છે. અહીં સાચાનો કે ખોટાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. આ સાચું ને એ સિવાયનું બીજું બધું ખોટું એવું સાહિત્યમાં આપણે એકદમ કહી શકતા નથી.

ધારો કે ત્રણ લેખકો આ પ્રસંગને ઉપાદાન તરીકે વાપરીને વાર્તા લખે છે: એક પ્રસંગનું યથાતથ ચિત્ર ઉપસાવે છે. છોકરીની ગરીબાઈ બરાબર બતાવે છે. થોડી વિગતો ઉમેરે છે – છોકરી મા વગરની છે, એની સાથે છે તે માણસ એને ગામમાંથી પરાણે, એની અનાથાવસ્થાનો લાભ લઈને ઉપાડી લાવ્યો છે. આમ, ગરીબ છોકરીને માટેની સહાનુભૂતિ, પરિસ્થિતિની કરુણતાને પ્રકટ કરીને એ આપણામાં ઉપજાવે છે.

બીજો લેખક છોકરીની ગરીબાઈ પર આપણું ધ્યાન ખેંચતો નથી. મુંબઈની બપોર, વખત ગાળવા આમતેમ અથડાતા માણસો, વણપૂરી લાલસાની એમના મનમાં અટવાતી ભૂતાવળ, એનાથી છૂટવાનો એમનો મરણિયો પ્રયાસ, ને એમાં ઝાંઝરનો રણકાર, ઇશ્કી ગીતના સૂર, એથી જાગ્રત થતા સંસ્કારો, મનની છબીનું એ સાત વરસની છોકરીની કાચી કાયા પર આરોપણ, એમની લાલસા, ને એથી ઊપજતી જુગુપ્સા – આ બધું એ કુશળતાભર્યા સંકલનથી મૂર્ત કરે.

ત્રીજો લેખક કોઈ ક્યુબિસ્ટ ચિત્રકારની અદાથી પરિસ્થિતિના વાંકાચૂંકા ટુકડાને, કૃત્રિમ સફાઈના કાનસથી ઘસ્યા વિના, એક બીજાને કાપે એવી રીતે ગોઠવે; વિરોધના ખાંચાઓને સસ્તી તદબીરની લાપીથી નહિ પૂરે; આ અરાજકતાના વેરવિખેર ઉકરડામાં સૂરનું હીરભરત જે સૌન્દર્યની ભાત ઉપસાવે તેવો મરણિયો પ્રયત્ન કરી છૂટે ને આખરે પરસેવા નીતરતી બપોરની પહોળી બખોલમાં (પરસેવો નીતરતા અજગરના જેવી પડેલી) એનો પણ કોળિયો થઈ જાય તેને આલેખીને સંતોષ માને.

નવલિકા તરીકે આ ત્રણ કૃતિઓનું મૂલ્યાંકન આપણે શી રીતે કરીશું? કળાના પ્રયોજન વિશેની સૂઝ અને સમજ અનુસાર એ મૂલ્યાંકન થશે. દીનહીન પ્રત્યે સહાનુભૂતિ ઉપજાવવી, જીવનની કરુણતા તરફ ધ્યાન ખેંચવું ને એમાંથી મંગળને સર્જવાનો શુભ સંકલ્પ ઉપજાવવો – એવી જેની માન્યતા હશે તે પહેલી વાર્તાને પસંદ કરશે. માણસનાં મનની અધશ્ચેતનામાં ચાલતા વ્યાપારોને આલેખવામાં જેને રસ છે તેને બીજો પ્રકાર ગમશે. ઘટનાને પોતાના કોઈ વક્તવ્યનું સાધન બનાવ્યા વિના એનું જે આગવું રૂપ છે તેને જ એ પ્રકટ કરે એવી રીતે આલેખવામાં સન્તોષ માનનાર ત્રીજા પ્રકારને આવકારશે.

આટલી ભૂમિકા બાંધ્યા પછી આપણે થોડું વિચારીએ: કેટલાક એમ કહે છે કે વાર્તા બહેલાવીને, કુતૂહલ જાળવી રાખે એવી રીતે, કહેતાં આવડવી જોઈએ. વ્યંજના, પ્રતીકરચના ને એવી બીજી આળપંપાળની એમાં જરૂર નથી. વાર્તાકથન એમને મન મુખ્ય વસ્તુ છે. સમરસેટ મો’મ એમને ગમે.

કુતૂહલને પ્રદીપ્ત રાખવું એ વાત સાચી. વિસ્મય, ચમત્કાર, આશ્ચર્ય તો રસાનુભૂતિમાં હોય જ છે. પણ આ કુતૂહલ કયા પ્રકારનું? કેટલાક પ્રસંગોની રચના એવી રીતે કરે કે જાણે જામગરી ધીમે ધીમે સળગતી જાય ને અન્તે મોટો ધડાકો થાય; કેટલાક અવળે મોઢે શરૂઆત કરીને પાછળથી બધું સવળું કરે; કેટલાક જાણી કરીને ઊંધી દિશામાં લઈ જાય એવી પ્રસંગરચના કરે ને એકાએક આંચકો આપીને દિશા ફેરવી નાખી અણધાર્યો અન્ત લાવી દે. આ સ્વરૂપનું કુતૂહલ રસની કોટિએ પહોંચે એવું નથી હોતું. એમાં તદબીરનો એક વાર ખ્યાલ આવી ગયા પછી ઝાઝો રસ રહેતો નથી.

 કેટલાક એમ કહે કે માનવસ્વભાવના રહસ્યનું દર્શન, એક ઝબકારામાં, કરાવી દે તે નવલિકા સારી. આપણી દરેક પ્રવૃત્તિ, વધતેઓછે અંશે, આપણને આપણા રહસ્યને પ્રગટ કરે છે જ. એ રહસ્ય શું છે? જે પ્રગટ થાય છે તે રહસ્ય રહેતું નથી. રહસ્યનું તો સૂચન થઈ શકે.

આપણે શરૂઆતમાં એક ઘટના લીધી, તેનાં જુદાં જુદાં ત્રણ ‘રહસ્ય’ ચીંધ્યાં, સાથે એમ પણ કબૂલ રાખ્યું કે આથી વિશેષ પણ એનાં ‘રહસ્ય’ સંભવી શકે. આ દૃષ્ટિએ વિચાર કરીએ તો એમ કહી શકાય કે જે રહસ્યના વધારે વ્યાપક વિસ્તારને પોતાના વ્યાપમાં લઈ શકે એવી રીતે રચાઈ હોય તો તે વાર્તા વધારે સન્તોષકારક. આ દૃષ્ટિએ રચના કેવી રીતે કરવી? અલબત્ત, એનો કોઈ નિશ્ચિત રાજમાર્ગ તો નહિ જ હોઈ શકે. તોય વાર્તાના ઘટક અંશોની એમાં વિશિષ્ટ રીતે રચના થવી જોઈએ. આ વિશિષ્ટતા કેવી હોય?

વાર્તામાં કાંઈક બને (એ એક પળ લે કે વરસો લે, એ એક જ પાત્રની મનોભૂમિ પર બને કે ઘણાં પાત્રોથી સરજાતી પરિસ્થિતિરૂપે બને (એ ‘બને’ છે એવી રીતે ન ઓળખાવી શકાય એવી રીતેય બને!) એને આપણે ‘ઘટના’ કહીશું. આ ઘટના દેખીતી રીતે એક લાગતી છતાં અનેક અંગોની બનેલી હોય, એ અંગોની આનુપૂર્વી ઘટનાનું રૂપ ઘડે. એ આનુપૂર્વી બદલો તો ઘટનાનું રૂપ બદલાઈ જાય. આથી પ્રસંગોની આનુપૂર્વી એની સાભિપ્રાયતા શી રીતે સિદ્ધ કરે છે તે તપાસવું પણ આવશ્યક લેખાય. લેખકને પોતાને અમુક વક્તવ્ય ગમે છે, અમુક ભાવના ગમે છે. એ વક્તવ્યનાં બીબાંમાં જો ઘટનાને લેખક ઢાળે તો એ રચનાની સીમા બંધાઈ જાય, એના રહસ્યના ઇંગિતને વિસ્તારવાનો અવકાશ ન રહે; માટે આવી રચના ઉપકારક ન નીવડે.

એથી ઊલટું, કોઈ નિશ્ચિત વક્તવ્ય કે ભાવનાના નિદર્શનરૂપે ઘટનાને પ્રયોજવાને બદલે ઘટનાને એવી રીતે યોજી હોય કે ઘટના લેખકને અભિપ્રેત ભાવના કે કથયિતવ્યને બાંધવાનો ખૂંટો ન બનતાં, રહસ્યને વિસ્તારવાના અવકાશરૂપ બની રહે તો એ સ્થિતિ ઇષ્ટ લેખાય. મેં ‘અવકાશ’ શબ્દ જાણી જોઈને વાપર્યો છે, અવકાશ એટલે શૂન્યતા એમ પણ કહી શકાય ને! દરેક ઘટનાને એનું આગવું વજન હોય છે. એ વજન ગળે બાંધેલા પથ્થર જેવું હોય તો વાર્તાને ડુબાડે: એ વજન પંખીની પાંખ જેવું હોય તો વાર્તાને ઉરાડી શકે. પોતાની વિશિષ્ટ આકૃતિને જાળવવા પૂરતું ઘટનાનું ગુરુત્વ જાળવવું, ને gravitation સાથે એના levitationનું બળ પણ સર્જકે પ્રકટ કરવું જોઈએ. આ બે બળોના સન્તુલનથી ઘટનાનો પિણ્ડ બંધાવો જોઈએ.

પાત્ર અને ઘટના વચ્ચેનું સન્તુલન પણ એટલા જ મહત્ત્વનું છે. આ સન્તુલન એટલે યાન્ત્રિક સમીકરણ નહિ, પણ પાત્ર અને ઘટના વચ્ચેના સમ્બન્ધની એવી યોજના કે જે બંનેને તુલ્યગુણ અને અવિનાભાવી બનાવવાની સાથે, જડ સ્થગિતતામાં અવરુદ્ધ કર્યા વિના, દર્પણોની સમાન્તર યોજનામાં અનન્ત પ્રતિબિમ્બો રચાય છે તેવી રીતે અનન્તવિધ શક્યતાને પ્રગટ કરવાની સમર્થતા આપે.

રમતના ઉસ્તાદો જાણે છે કે જેમ નિયમ આકરા તેમ રમતનો રસ વધારે. નવલિકા એ લઘુ સાહિત્યસ્વરૂપ છે. એના લઘુ ફલક પર રહીને તમે રહસ્યના સીમાડાને વિસ્તારી શકો તો એ સ્વરૂપની શક્યતાને પણ તમે આપોઆપ વિસ્તારી શકો. સમકાલીન સમસ્યા, વાતાવરણ, મનોરંજક ઘટના, ઉદાત્ત ભાવના, પાત્રનાં વર્ગચિત્રો – આ બધું મર્યાદારૂપ બનવાનો ભય રહે છે. ઘટના વડે ઘટનાનો છેદ ઉરાડીને એનો હ્રાસ સિદ્ધ કરી સર્જકે રહસ્યના અવકાશને વિસ્તારવાનો રહે. આથી અસાધારણ કે ભારે વજનની ઘટનાથી સાધારણ કે સામાન્ય રહસ્ય પ્રગટ કરનાર ખોટનો ધંધો કરે છે; સાધારણ કે સામાન્ય લાગતી ઘટનાને કેવળ નિમિત્તની અવસ્થામાંથી આગળ વધવા દીધા વિના જે અસાધારણ રહસ્યના અનન્તવિધ શક્યતા ભરેલા વિશાળ અવકાશ સુધી આપણને લઈ જઈ શકે છે તે મોટા લાભનું લેખું માંડે છે, આથી ઘટનાના બંધારણમાં જ આકાર જાળવવા છતાં અનિરુદ્ધ અવકાશને અખણ્ડ રાખે એવાં તત્ત્વો હોવાં જોઈએ. સમસ્યાઓ જૂની થાય છે, દેશકાળ અને પ્રજા બદલાય છે, ભાવનાઓ રેઢિયાળ બની જાય છે. સર્જક, આથી એવા કશાનાં પ્રલોભનમાં પડતો નથી. એ પરત્વે તટસ્થ રહે છે, ઉદાસીન બનીને નિર્મમતા કેળવે છે. ગરીબોનું દુ:ખ એને પીડે છે, પણ એનાથી કંપતી કલમે એ વાર્તા લખવા બેસતો નથી. સુખથી એને રોમાંચ થાય છે, પણ એથી કલમને થરકવા દીધા વિના, સ્થિર હાથે, પોતાનાં, પોતાના જમાનાનાં સુખદુ:ખ અને પરિવેશ વચ્ચે રહેતો છતાં એમાં નિશ્ચિહ્ન બની જઈને એ કશું સરજતો નથી. આપણી વાસ્તવિકતા, આપણો યુગ – એની છબી એવા સ્થિર ફલક પર જ અંકાઈ શકે. તાટસ્થ્ય છતાં તાદાત્મ્ય કેળવીને કળાસંયમથી, સામાજિક મૂલ્યો કે સમકાલીન નૈતિક ધોરણોની સીમાથી સંકોચાયા વિના એ સ્થિર દૃષ્ટિએ સમગ્રની છબી જુએ છે, ને એને સ્થિર હાથે આલેખે છે.

આપણે સ્થળ અને કાળના પરિવેશમાં બંધાઈને જીવીએ છીએ. પણ એની અંદર રહેલું આપણું બહુચર મન અનેક પ્રકારની સંકુલ ગતિ કરતું રહે છે. આપણું વ્યાકરણ પદરચનાને સીધી રેખામાં ગોઠવે છે. વ્યાકરણના વિન્યાસનો એ ક્રમ આપણી ચેતના અનેકવિધ સંકુલ સંચરણોને પોતાના ચોકઠામાં પૂરી શકતો નથી. પદ્યરચનામાં કવિ ભાષાને નવા રૂપમાં ઢાળે છે. નવલિકા ગદ્યમાં લખાય છે ને ગદ્ય તો સૌ કોઈ લખતું જ હોય છે એવા ખ્યાલથી નવલિકામાં ગદ્યની ઇબારતને આપણે નવું રૂપ આપવાની આવશ્યકતા જોતા નથી. આથી બરડ બની ગયેલું ગદ્ય તે નવલિકાની શબપેટી જેવું બની ગયું છે. એ ગદ્યમાં ચૈતન્યના અનેકવિધ સંચારોની નમનીયતા (plasticity) લાવી નહીં શકીએ તો નવલિકાના વિહારનું ફલક આપોઆપ સંકોચાઈ જાય.

એક સારી વાર્તા બીજી નવ્વાણું નબળી વાર્તાને મારી નાખે છે. પછી નિર્બળતાના નિરર્થક પુનરાવર્તનની જરૂર રહેતી નથી. નવલકથાના કરતાંય નવલિકાના સ્વરૂપની નવી નવી શક્યતાઓ દુનિયાના સમર્થ કથાના સર્જકોને હાથે પ્રકટ થતી રહે છે. રૂપવિધાનની નવી શક્યતાઓ તરફ આપણા સર્જકોની દૃષ્ટિ પડે, નવા નવા પડકારને ઝીલવાનું સાહસ ખીલી આવે તો આપણી નવલિકાનું ભાવિ ઊજળું છે.

License

કથોપકથન Copyright © by સુરેશ હ. જોશી. All Rights Reserved.