વિભાગ: ચાર

ઘટનાતત્ત્વનો લોપ?

વાર્તા સાંભળો: એક હતો રાજા, એને સાત રાણી, છ માનીતી ને એક અણમાનીતી. અણમાનીતી એકદંડિયા મહેલમાં રહે….

આમ વાર્તા આગળ ચાલે. એ રાજાનેય નામ નહોતું, રાણીનેય નામ નહોતું. એ કયા રાજ્યનો રાજા તેનીય આપણને કશી ખબર નહીં. એ બધું પૂછવા રહીએ તે પહેલાં તો અણમાનીતી રાણીના કુંવરે ઘણાં પરાક્રમો કરી નાંખ્યાં હોય. પાંખાળા ઘોડા પર બેસીને એ કોઈ અજાણી ભોમકામાંથી એના ક્રૂર પિતાને હરાવવાનો કીમિયો જાણી લાવ્યો હોય. ખાધુંપીધું ને રાજ કર્યું સુધી આવ્યા પછી એ રાજાનું કે એ પરાક્રમી રાજકુંવરનું નામ પૂછવાની આપણે કશી જરૂર જોતા નથી.

એ સૃષ્ટિ પણ નામઠામ વિનાનાં પાત્રોની સૃષ્ટિ હતી. એમાં પેલા રાજકુંવરની જોડે આપણે પણ પાંખાળા ઘોડા પર ઊડતા હતા. એક ઘટના પછી બીજી ઘટના – એમ શ્વાસ લીધા વિના જાણે ઠેક્યે જતા હતા. પણ એવું બન્યું કે એક દિવસ એ પાંખાળો ઘોડો ઊડી ગયો. રહી ગયા આપણે અને આપણી નામઠામવાળી સૃષ્ટિ.

પછી કુમુદ આવી, કુસુમ આવી, ગુમાનબા પણ આવ્યાં. સરસ્વતીચંદ્રની સાથે પ્રમાદધન અને શઠરાય ધૂર્તરાય પણ આવ્યા. પેલો પાંખાળો ઘોડો ફરી આવ્યો અને સરસ્વતીચંદ્ર તથા કુમુદને લઈને સિદ્ધલોકમાં ઊડી ગયો. એ સિદ્ધલોકમાંથી સરસ્વતીચંદ્ર અને કુમુદ પાછાં આવ્યાં કે નહિ તે એક રહસ્ય છે. સત્યકામ પાંખાળા ઘોડા પરથી ઊતર્યો હોય એવા સમાચાર દર્શકે હજી આપ્યા નથી.

પણ ઘણાં પાત્રો એવાં આવ્યાં જેને નામ ખરું પણ તે નામનું જ! તમે એને કીતિર્દેવ નહીં કહો ને મુનશી કહો તો ચાલે, અરુણ નહીં કહો ને રમણલાલ કહો તો ચાલે.

પછી સ્લો મોશન કેમેરાનો જમાનો આવ્યો. પાત્રે જો તાજી હજામત કરાવી હોય તો એની ગરદન પર રહી ગયેલા કાળાધોળા વાળ ગણી આપવામાં આવ્યા. ઘરમાં ફરતાં વંદા કંસારીની પણ વસતિગણતરી થઈ ગઈ. પાનવાળાની દુકાન હોય કે સેઇલ્સ મેનેજરની કેબિન હોય, લગ્નનો માંડવો હોય કે મસાણ હોય – તમે વીગતોનો વર્ણન જોડે તાળો મેળવીને સંમતિસૂચક મસ્તકધૂનન કરતા જાઓ એવી પેરવી કરવામાં આવી. ફ્રાન્સના નવલકથાકાર પ્રૂસ્ત વિશે એમ કહેવાયેલું કે એણે આ વિશ્વની ને આપણી વચ્ચે આજ સુધી નહીં અનુભવાયેલું એવું નવું અન્તર ઊભું કર્યું. અહીં તો એનાથી ઊંધું જ બની ગયું. બધું નજીક આવી ગયું. આપણી પરિચિત સૃષ્ટિની પરિચિતતાથી ફરી પરિચિત કરવાનો આ કીમિયો – કેવી તો હૈયાધારણ!

પણ કેટલાકને આ પરિચિતતાનું આવરણ ભ્રમિત લાગ્યું. એ કોચલું એ લોકોએ તોડી નાખ્યું. બુકાની બાંધીને પૂરપાટ દોડતો ઘોડેસવાર ક્યાંય જવા નહોતો નીકળ્યો, ક્યાંથીય આવવા નીકળ્યો નહોતો. ચિત્રપટમાં દોડતી મોટરની જેમ એ ત્યાંનો ત્યાં જ હતો. પાત્રોને વળગાડેલાં નામની ચબરખીઓ ઊખડી જવા લાગી હતી. સ્થળનું પણ એવું જ થયું. કોઈ કહે વડોદરા તો એટલાથી કાંઈ કામ ચાલ્યું નહીં, વડોદરા એટલે સોલાપુરી ચેવડો, વડોદરા એટલે સુરસાગર, વડોદરા એટલે કમાટી બાગ – કાંઈ મેળ ખાધો નહીં. દૈનિક છાપાંની કટારોમાં આવેલા સ્થાનિક સમાચારોનો સરવાળો કરો તો જવાબમાં વડોદરા આવે? પણ બારણાં બંધ કરીને પોતાના દુ:ખના અન્ધકારની અસીમતા વચ્ચે અગ્નિસ્નાન કરનારી યુવતી કયા વડોદરાને ઓળખે છે? કે પછી દૃષ્ટિના દોર જાણી કરીને ગૂંચવી બેઠેલી પેલી મુગ્ધા પોતાની પોળ, એમાંનું પોતાનું ઘર એ બધો જ નકશો જાણવા છતાં એને ભૂલી જઈને એકાએક અક્ષાંશરેખાંશ બદલી બેસે છે તે કયા વડોદરામાં? અથવા તો તમે જ બપોરની ચા પીધા પછી તમારા જ ઘરમાં કુટુમ્બકબીલાથી ઘેરાઈને બેઠા હો છો ત્યારે જ બારીમાંથી નજર કરતાં એકાએક અન્યમનસ્ક બનીને ક્યાંના ક્યાં પહોંચી જાઓ છો તે નગરીનું નામ શું?

આંખે આંસુની ઝાંય વળે ને સૃષ્ટિ બદલાઈ જાય, હૃદય ધબકવાનો લય બદલે ને બધું બદલાઈ જ જાય. આમાં શું પરિચિત? પોલીસખાતું પરિચય માટે ચિહ્ન નોંધે: ગરદન પર મસો છે. તો એ તો પોલીસ જ જોઈ શકે. એવી પરિચિતતાને આધારે જિંદગી ચાલે નહીં, પોલીસખાતું ભલે ચાલે.

પરિચિતતાની સીમામાં જ અપરિચિતતાનાં એક પછી એક દ્વાર ઊઘડતાં રહે છે. આપણી સાવ નિકટ – એટલી નિકટ કે એનો ઉચ્છ્વાસ આપણને રોમાંચ કરાવી જાય – એટલી નિકટ બેઠેલી વ્યક્તિની ને આપણી વચ્ચે એકાએક એ નક્ષત્રો વચ્ચે લાખો પ્રકાશવર્ષો જેટલું અન્તર પડી જાય. ભૂગોળ નહીં, ખગોળ પણ બદલાઈ જાય. આ પરિસ્થિતિના સત્યને તમારે આલેખવું હોય ને તમે લખો:

રમેશ સોફા પર બેઠો હતો ને રમા સોફાના હાથા પર બેઠી હતી. ઝૂકીને એ રમેશના કાનમાં કશુંક કહેતી હતી. પણ આ લખતી વેળાએ તમે જાણો છો કે આ નિકટતાનો દેખાવ સાચી દૂરતાને ઢાંકવાનું છદ્મ જ છે, આ કાનમાં કહેવાની વાત તે જે નથી કહેવું તેને ઢાંકવાની ધૂર્તતા જ છે. પણ આ વાત વાચકોને વિશ્વાસપાત્ર સાધનોને આધારે સમાચાર આપતા હો એવી રીતે ન કહી શકાય. તો તો દૈનિક સમાચારની વીગતમાં ને તમારી વાર્તામાં ભેદ શો રહ્યો? એ રીતે જોઈએ તો વર્તમાનપત્રનું એક પાનું મહાકાવ્યનો સર્ગ બની રહે, કારણ કે એમાં શું નથી? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – ચારે પુરુષાર્થની વાત એમાં નથી? એમાં યુદ્ધની વાત નથી? મરણની વાત નથી? અકસ્માતો નથી? અપહરણના કિસ્સાઓ નથી? ગુમ થયેલાઓની શોધ નથી? દરરોજ આખી દુનિયાની એક છબિ એ આપણી નજર સામે આંકે છે ને છતાં અર્ધા કલાક પછી એ પસ્તીના ઢગલામાં ફેંકાઈ જાય છે. આપણે ઇન્દ્રિયજડ છીએ તેથી આમ બનતું હશે?

કોઈ કહેશે: આ તમે નક્ષત્રો ને પ્રકાશવર્ષોની વાત કરી એ પણ એક માયાલોક જ કહેવાય ને? સિદ્ધલોક નહીં ને માયાલોક. પણે નજર કરો: રેસ્ટોરામાં એક ટેબલ પર એકલો બેઠેલો, મરઘીની ટાંગ ચૂસતો પેલો આદમી જોયો? એક ક્ષણ, બીજી ક્ષણ, ત્રીજી ક્ષણ – એમ એ જીવે છે. આ પહેલાં જ એની બેવફા નીવડેલી પ્રેયસી બીજા કોઈ પ્રેમી જોડે અહીં એની નજર સામેથી જ પસાર થઈ ગઈ છે. એ પૂરા રસથી મરઘીની ટાંગ ચૂસે છે. સ્વાદ માણે છે. એને સ્મૃતિ નથી, માટે ભૂતકાળ નથી. એને અપેક્ષા કે આશા નથી માટે ભવિષ્યકાળ નથી. એને ક્ષુધા છે, તૃષા છે. ક્ષુધાતૃષાની ત્રિજ્યા જ્યાં સુધી વિસ્તરે ત્યાં સુધી એ જુએ છે. એનું શું?

કેટલીક વાસ્તવિક લાગે એવી પણ અવાસ્તવિકતા હોય છે. તમે આંખ ફોડી નાંખો તો કશું નવું જોઈ નહીં શકો, પણ જે જોઈ ચૂક્યા છો તેની છબિ તો રહે. બાહ્ય ઇન્દ્રિયો ઉપરાંત આન્તર ઇન્દ્રિયો પણ છે. તમે કોઈના મનની સૃષ્ટિમાં ડોકિયું કરવા કરાવવાની ધૃષ્ટતા છોડી દો, તમે લાંબીચોડી ફિલસૂફી (પછી તે અસ્તિત્વવાદની હોય, અતિવાસ્તવવાદની હોય કે વેદાન્તની હોય) ડહોળવાનું છોડી દો, ને નર્યા ‘ફિનોમેનન’ને લો. તમારી બેઠકની ઓરડી જ લો. ઠાંસીઠાંસીને ભરેલો અસબાબ, એના પડછાયા, ભીંત પર ઝૂલતાં કેલેન્ડર, ગોખલામાંના દેવ, ચોપડીઓની થપ્પી, એના પરની ધૂળનો થર, ખીંટી પરનાં કપડાં – નજર ફરે છે – કોઈ પૂર્વનિર્ણીત વ્યવસ્થિત ક્રમ પ્રમાણે નહીં. દરેક નવા દૃષ્ટિક્ષેપે વાસ્તવિકતા બદલાય છે. આપણું મન બધું જોડે છે ત્યારે નર્યો સરવાળો નથી કરતું, એમાંથી ભાત ઉપસાવે છે. આ ભાત ઉપસાવવામાં એ abstractionનો પણ આશ્રય લે છે. કેટલી ગતિએ બધી છબિઓ તમારું મન નોંધે છે ને ઊખેળે છે એ પણ પરિણામકારી નીવડે છે.

આથી તો જ્યારે કહીએ છીએ કે આ હતી હકીકત ત્યારે કદાચ એ એટલી બધી નિશ્ચિતતા અને નિશ્ચિન્તતાથી કહી દેવા જેવી વાત હોય છે એવું માની લેવાની જરૂર નથી. હકીકત છે એટલે જાણે કે એને પ્રમાણની જરૂર નહીં, હકીકત મૂકો એટલે વાસ્તવિકતા આપોઆપ પ્રવેશી જ ગઈ – આ બધાં ગૃહીતો સાચાં ઠરતાં નથી. કોઈકે કહ્યું છે: A fact is the most plagiarized thing of all. હકીકતને રજૂ કરવામાં જ આપણે સૌથી મોટી ચોરી કરતાં હોઈએ છીએ. જો એમ ચોરી ન કરવી હોય તો એ હકીકતનું પુન:સંસ્કરણ કરવું રહ્યું. આપણી આંખ દરેક નવા દૃષ્ટિક્ષેપે વસ્તુનું પુન:સંસ્કરણ કર્યા જ કરતી હોય છે.

આટલે સુધી આવ્યા પછી ‘ઘટના’ શબ્દ વાપરીએ. ઘટના એટલે જે ઘટે છે, બને છે તે. ઘટના એટલે જે થવું ઘટે તે એવો અર્થ ઘટાવીને વાતને ગૂંચવવાની મારી દાનત નથી, જોકે એક દૃષ્ટિએ જોઈએ તો એવો અર્થ સાવ અપ્રસ્તુત ગણીને કાઢી નાખવા જેવો નથી, કારણ કે જે થવું ઘટે તે જ થવું જોઈએ એવી કૃતિના સંયોજનમાંથી અનિવાર્યતા નિષ્પન્ન થવી જોઈએ. આ inner consistency જ કળાનું સત્ય, કળાનું logic પણ એ જ.

તો ઘટના એટલે જે વાર્તામાં બને તે. જેના બનવાથી વાર્તા થાય તે ઘટના એમ કહેવામાં તર્કમાં જેને છળ કહે છે તેનો આશ્રય લીધો ગણાશે. જો કોઈ એમ કહે કે રાત અંધારી હતી, અન્ધકારના એક પછી એક બિન્દુની ધારા વહ્યે જતી હતી, પડછાયાઓની એક પછી એક દીવાલ તૂટીને ધસી પડતી હતી, ધોવાઈ જતી હતી, તો એને ઘટના કહેવાય? રમેશ ખુરશી પરથી ઊભો થયો, દીવાલ તરફ વળ્યો. દીવાલ ઉપરના કેલેન્ડરમાંથી એ વીતી ગયેલી તારીખનું પાનું ફાડતો હતો ત્યાં રમા આવી – આ ઘટના કહેવાય? લક્ષ્મીદાસ ડગલાનું બોરિયું હાથમાં લઈને જોઈ રહ્યા. એમની આંગળીઓએ એ બોરિયાને વળ ચઢાવ્યો ને કંતાઈ ગયેલા દોરાને આધારે લટકી રહેલું બોરિયું તૂટી ગયું અને નીચે પડી જતું અટકાવીને લક્ષ્મીદાસ આંગળીનાં ટેરવાં વચ્ચે પકડીને જોઈ રહ્યા. એમાંના સૂતરના તારને ગણવા લાગ્યા: એક, બે, ત્રણ, ચાર, પાંચ – આને ઘટના કહેવાય? અમલે કિક મારી એટલે જાવા ધણધણી ઊઠી. એ તોફાની ઘોડો પલાણતો હોય તેમ એના પર સવાર થયો ને એણે ઝડપથી મોટરસાઇકલ મારી મૂકી. વીન્ડસ્ક્રીન પર થઈને આખી દુનિયા અર્ધવર્તુળાકારે પસાર થવા લાગી – આને ઘટના કહેવાય? ગુણવન્તરાયને બહાર જતાં પહેલાં પાણી પીવાની ટેવ એટલે પાણિયારા પાસે જઈને પાણી પીધું, કોટની બાંયની ચાળથી હોઠ લૂછ્યા. બારીઓ વાસી દીધી. કબાટ બંધ કર્યાં. ટોપી લીધી. આયના તરફ વળ્યો. એમાં જોઈને ટોપી પહેરી. લાકડી લીધી. તાળુંચાવી લીધાં. બારણું વાસ્યું, તાળું માર્યું. એક પગથિયું ઊતર્યા. પાછા વળ્યા. તાળું ખોલ્યું. બારણું ખોલ્યું. ટોપી ઉતારીને ખીંટીએ ભેરવી. એમની ટેવ પ્રમાણે કોટના ચોરખિસ્સામાંથી પૈસા કાઢી કબાટના ચોરખાનામાં મૂકી કળમાં ચાવી ફેરવી. પછી સોફા પર બેઠા. પાસેની ટીપોય પર પડેલો કાગળ જોયો. ઊઠ્યા. ઊભા થયા. કોટ પહેર્યો, એમની ટેવ પ્રમાણે પાણિયારા આગળ જઈને પાણી પીધું. આયના પાસે જઈને ટોપી પહેરી, બારીબારણાં વાસ્યાં, તાળું માર્યું, એક પગથિયું ઊતર્યા, બીજું પગથિયું ઊતર્યા ને પાછા વળ્યા, તાળું ખોલ્યું – કન્ના તૂટેલા પતંગની જેમ ગોળ ગોળ ફર્યા કરતી આ વીગતો – એને ઘટના કહીશું?

ઘટના ન હોય તો વાર્તા ક્યાંથી બને? એક રીતે જોઈએ તો વાત સાચી છે. મહત્ત્વની વાત ઘટના કેવી રીતે ઘટી એ છે. કેટલાક લોકો વર્ગ પાડે છે: સ્થૂળ ઘટના ને સૂક્ષ્મ ઘટના. અથવા એમ કહો કે વજનદાર ઘટના, એ ઘટના છે એનું ભાન પણ ન થવા દે એવી ઘટના. સ્થૂળ ને સૂક્ષ્મના ભેદ નકામા છે, કદાચ આવો ભેદ પાડનારા કાંઈક આવું કહેવા માગતા હશે: ઘટનાનાં ઘટકો એવી રીતે જોડ્યા હોવા જોઈએ કે આ બરાબર આ એવું સમીકરણ એમાંથી ઊપસી આવે નહીં, એને બદલે એ ઘટકો વચ્ચેના અનેક નવા સમ્બન્ધોની શક્યતાનું ઇંગિત જ એમાંથી ઊપસી આવે.

નાના હતા ત્યારે પીપળાનું પાંદડું ચોપડીમાં રાખતા. ધીમે ધીમે એ પાંદડાંનો નર્યો આકાર જ માત્ર જળવાઈ રહે ને છતાં એને વડનું પાંદડું ગણવાની ભૂલ થાય નહી. કદાચ વાર્તામાં વ્યવહારજગતમાંથી લીધેલાં તથ્ય-ઘટના આ રૂપે જળવાઈ રહે છે. એ વિશિષ્ટ આકાર હોવા છતાં એની વિશિષ્ટતામાં જ એ મર્યાદિત થઈને રહે નહીં. જે વિશિષ્ટતા પોતાની સીમામાં આવા સાર્વત્રિક વિહારની વધુ છૂટ આપે તે કળાને વધારે ખપની.

છાપાંની ઘટના જે છે તે જ છે. તેને ઉલ્લંઘી જઈ શકાય નહીં. કળાની ઘટના તો સ્પ્રિન્ગબોર્ડ. ઘટના પોતે પોતાનામાં જ ખરચાઈને પૂરી થાય તે ઘટના ભારે, એ વાર્તાને ડુબાડી દે. જે ઘટના પર આંગળી મૂકીને કહી દેવાય કે હા, અમે સમજ્યા; લેખક આટલું બતાવવા ઇચ્છે છે તે ઘટના કળામાં મર્યાદા રૂપ બને.

લોપ કે હ્રાસ થવો ઘટે તો તે આવી ઘટનાનો. અન્તિમે જઈને જો કોઈ કહે કે વાર્તાને ઘટનાની જરૂર શી? તો એવું અન્તિમનું આગ્રહી વલણ કળાને ઉપકારક નહીં નીવડે. આપણી આલંકારિકોની પરિભાષામાં કહેવું હોય તો કહી શકાય કે જે ઘટના વાચ્યાર્થ પૂરતી જ સીમિત છે, જેમાંથી વ્યંજનારૂપે કશું નિષ્પન્ન થતું જ નથી તે ઘટના વાર્તાને ઉપકારક નથી.

ઘટનાનું શું કરવું તે સર્જક જાણે. એના નિયમો ન હોઈ શકે. એનો વાદ પણ નહીં હોય. વાર્તામાં અહીંતહીં છૂટક પ્રતીકો વેરેલાં હોય એમ નહીં હોય, પણ ઘટના પોતે જ પ્રતીક રૂપે અવતરી હોય તો તે કળાને વધુ ઉપકારક નીવડે, કારણ કે એમાં વ્યંજનાની ક્ષમતા વધુ. પણ કેટલાક ભય સેવે છે: ઘટનાને સૂક્ષ્મ બનાવવા જતાં, ચોપડીમાં રાખેલા પીપળાના પાન જેવી બનાવવા જતાં, આકાર માત્ર નામનો જ રહેશે, વધારે પ્રમાણમાં વાર્તા abstract બની જેશે. ચિત્રકળામાં abstract અને nonobjective વચ્ચે ભેદ કરવામાં આવે છે. વાર્તાને આવું abstraction પરવડે ખરું? સ્થળ અને સમયનું ચોકઠું તો દરેક ઘટનાને હોવાનું જ. પણ આ સમય અને સ્થળ ઘડિયાળના કાંટાના કે ભૂગોળના નિયત અક્ષાંશરેખાંશવાળાં નથી હોતાં. એ સ્થળસમયનું સંવેદન પણ એક જ પ્રકારનું બીબાંઢાળ હોય. કેટલાક લેખકોને ઘટનાઓને બહેલાવીને કહેવાની ટેવ હોય છે. વાર્તા કહેવાની કળા એમને મતે એટલામાં જ સમાઈ જતી હોય છે. એ વાર્તા સાંભળવાની મજા આવે, પછી છેલ્લા શબ્દની સાથે એ વાર્તા પણ શૂન્યમાં મળી જાય. જે કેવળ બન્યું છે તેને ચિરંજીવ બનાવવાની કળા દરેક સર્જકમાં હોવી ઘટે.

License

કથોપકથન Copyright © by સુરેશ હ. જોશી. All Rights Reserved.