વિભાગ: ચાર

નવલિકા: કેટલીક અપેક્ષાઓ

કોઈ પણ સાહિત્યસ્વરૂપની વ્યાખ્યા આપવા જઈએ કે મુશ્કેલી ઊભી થવાની જ. આમ બને તે, એક રીતે જોઈએ તો, અનિવાર્ય છે, કારણ કે દરેક સાચી કળાકૃતિ અદ્વિતીય બની રહે છે. વિવેચન પોતાની સગવડ ખાતર થોડાંક સર્વ સામાન્ય લક્ષણો તારવી કાઢે ને એની મદદથી પોતાનું કામ ચલાવી લે એમ બને, પણ આ સર્વસામાન્ય લક્ષણોને નહીં ગાંઠે એવી વાર્તા લખાવાની જ. ત્યારે વિવેચકો રોષે ભરાઈને બોલી ઊઠે: વાર્તા કહેવાય એવું એમાં શું છે? આવી સ્ત્રી મધ્યમવર્ગમાં ક્યાં જોવા મળે છે? આ તો નર્યું કપોલકલ્પિત છે! આ તે કવિતા છે કે વાર્તા? આવા અસમ્બદ્ધ પ્રલાપને પણ જો વાર્તા કહીએ તો થઈ જ રહ્યું!

વિવેચકોને અકળાવી મૂકે એવા સામર્થ્યવાળી (નરી વિલક્ષણતાઓના શંભુમેળા જેવી નહીં) જેને અ-કથા કહી નાખીએ તેવી કૃતિ રચાય ત્યારે નવો ઉન્મેષ પ્રકટાવનાર સર્જક અવતરી ચૂક્યો છે એમ માનવું. કોઈ પણ વાર્તાને એની રચનાથી જ સમજી શકાય. એની રચનામાં જ એનું પ્રવર્તક બળ રહ્યું હોય છે. આ રચનાનું કોઈ એક ચોક્કસ ચોકઠું હોતું નથી. સાવ પુરાણી પરીકથાની શૈલીમાં પણ નવી વાર્તા લખી શકાય. પ્રતીકો અને કલ્પનોની ધમાચકડી મચાવી મૂકવાથી જ વાર્તા નવી બની જાય છે, એવું કેટલાક બાલલેખકો માને છે. વાર્તાને ‘નવી’ બનાવતાં પહેલાં સાચી કળાકૃતિ બનાવવી એ વધુ આવશ્યક છે. નવીનતા એટલે પ્રણાલીભંજકતા, આઘાત આપે એવી ઉદ્દણ્ડ પ્રગલ્ભતા, અરાજકતાનું ચક્રવર્તીપણું સ્થાપવાની પ્રવૃત્તિ, ઉઘાડી અશ્લીલતા – આવી કેટલીક ગેરસમજો આપણા બાલ-લેખકોમાં પ્રવર્તે છે. આપણા પ્રૌઢો પણ કેટલીક વાર સ્થગિત બંધિયાર પૂર્વગ્રહોને શાશ્વત મૂલ્યોને નામે બિરદાવીને કળા પોતાની આગવી રીતે જે તાટસ્થ્ય અને નિર્મળ વૈશદ્યથી મૂલ્યબોધની ભૂમિકા રચી આપવામાં કારગત નીવડે છે ને તેને ઉવેખવા જેવું કરે છે.

મનુષ્યોનો પારસ્પરિક આન્તરબાહ્ય વ્યવહાર, બદલાતું પરિવેષ્ટન, સમયની બદલાતી તાસીર; ઘટનાઓ જે રીતે બની આવે છે તેમાં પ્રવેશતી અનેકવિધ સંકુલતાઓ, કાર્યકારણનાં બુદ્ધિગમ્ય ચોકઠાંને ન ગાંઠે એવી વિરાટ અરાજકતાનો અનુભવ, આને પરિણામે આપણા પ્રતિભાવોનું અકળ રીતે બદલાતું સ્વરૂપ, પૂર્વનિર્ણીત abstract મૂલ્યોની માપપટ્ટીએ આ બધું માપી લેવાનો નિષ્ફળ પ્રયત્ન, એમાં રહેલી વિફળતા પ્રત્યે આંખમીંચામણાં, આત્મપ્રવંચના, એ આત્મપ્રવંચનામાંથી પ્રકટતા રોષ અને વિષાદ – આ બધાંનું સ્વરૂપ સાચા સર્જકે પારખી લીધું હોવું જોઈએ. ચિત્રકાર રંગ અને પીંછી લઈને બેસી રહે કે વાર્તાકાર ચીલાચાલુ રેઢિયાળ ચોકઠામાં ઉછીના અનુભવોનાં ચોસલાં ગોઠવતો બેસી રહે તો એનું સર્જન મોટો જુલમ બની રહે. એક બાજુ વિજ્ઞાનનાં abstractions ને બીજી બાજુ પૂર્વનિર્ણીત સ્થગિત મૂલ્યો – આ બેની વચ્ચે પોતાનું આગવાપણું સ્થાપવા મથતો માનવી એ સ્થાપવાને માટેનું cohesive centre કેમ બની શકતો નથી, પોતાની આગવી વ્યક્તિતા પામ્યા વિના નિશ્ચિહ્ન બનીને કેવળ પરિસ્થિતિ ભેગો એક પરિસ્થિતિ બનીને કેમ તણાતો જાય છે એ વિશેની પ્રામાણિક અભિજ્ઞતા સર્જકે કેળવવી જ ઘટે. સમય સમય મટીને કાળમાં પરિણમે તે પહેલાં એની છબિ પણ એણે જોઈ લેવાની છે. સમય તે ઘટના જેમાં ઢાળવામાં આવે છે તેનું બીબું માત્ર છે? હું આ જમાનામાં જીવતો હોવા છતાં પુરાણા સમયના બીબામાં જ મારી ચેતનાને ઢાળતો હોઉં એમ બને. ‘શાશ્વત’ નામની કોઈ વસ્તુ છે ખરી? સમય પોતાનામાં એ શાશ્વતનું ઇંગિત પ્રકટાવી શકે? સર્જક એને શી રીતે ઓળખે? આ પ્રશ્નોને ને ટૂંકી વાર્તાના સર્જકને કશી નિસ્બત નથી એમ માનવું કેવું તો ખતરનાક નીવડે છે તેની પ્રતીતિ આપણું વર્તમાન નવલિકાસાહિત્ય વાંચતાં થયા વિના રહેશે નહીં. ખેદ એ છે કે આપણા મર્મજ્ઞ વિવેચકોની ‘બહુશ્રુતતા’ અમુક એક બિન્દુએ આવીને સ્થગિત થઈ ગઈ છે. જે ક્રાન્તિકારી, નવીન, જુગુપ્સાજનક, વિઘાતક લાગે છે તે આ સ્થગિતતાની પડછે મૂકવાથી જ લાગે છે. આ સ્થગિતતાને કારણે જ નવીનતાનો વધુ પડતો ઘોંઘાટ સંભળાઈ રહ્યો છે.

કથાસાહિત્યના એક મોટા ખાનામાં નવલકથા અને નવલિકાને ભેગી શા માટે ન મૂકી દેવી એમ પણ કહેવાવા લાગ્યું છે. નવલિકા સમય સાથે જે રીતે કામ લે છે તે વિશેની પૂરી જાણકારી ન હોવાને કારણે જ આમ કહેવાતું હશે. મોટા સ્થાપત્યના ભારને ટકાવવાને માટે કમાનની યોજના કરવામાં આવે છે. ટૂંકી વાર્તામાં સમયનો આ કમાનની જેમ ઉપયોગ કરવામાં આવે છે. દેખીતી રીતે નહિવત્ લાગતી છતાં અર્થપૂર્ણતાનું ભારે ગુરુત્વ ધરાવનારી ઘટનાને સમયની નાની કમાન પર કેવી રીતે વહેંચી નાખવી તેને સૂક્ષ્મ કળાસૂઝની અપેક્ષા રહે છે. જે બિન્દુ ઉપર ઊભા રહીને ભૂત અને ભવિષ્યના પ્રદેશોમાં પૂરી આસાનીથી ઝોલાં ખાઈ શકાય, ને એ રીતે ઘટનાના પરિમાણમાં બૃહત્ના સંકેતને પ્રગટ કરી શકાય તે બિન્દુની શોધ નવલિકાના સર્જકને કરવાની રહે છે. ચિત્રકાર સપાટ એવા ફલક પર જુદાં જુદાં ત્રણ પરિમાણો અને એમની વચ્ચેના વિભિન્ન લયનાં આવર્તનોને પ્રકટ કરે છે તે રીતે નવલિકાકારે પણ પોતે સ્વેચ્છાએ સ્વીકારેલી મર્યાદામાં રહીને પોતાના સર્જનકર્મના ગૌરવને પ્રકટ કરવાનું છે. આથી પોતે ભાષા વાપરતો હોય છતાં ભાષાને ચિત્રકાર જે રીતે રંગને વાપરે છે તે રીતે વાપરવાની રહે છે. આમ કરવા જતાં અર્થસંગતિ, સ્પષ્ટતા, અસન્દિગ્ધતાના કેટલાક જડ ખ્યાલો સાથે અથડામણ થવાનો સમ્ભવ રહે તે સ્વાભાવિક છે. વાર્તારચનામાં જો એ અનિવાર્ય બની રહેતું હોય તો રૂઢિ સાથે સમાધાનની વૃત્તિ કેળવવાનું એને નહીં પરવડે. સમયના સાતત્યના અનુભવને આપણી ચેતનામાં યથાતથ ઉતારવાનું આપણા યુગમાં શક્ય રહ્યું નથી. ક્ષણોમાં અનુસ્યૂત થઈ જતી આપણી ચેતના જ એવી વ્યાપક રહી નથી. વળી દૃઢપણે ને સુરેખ રીતે મૂલ્યોના આધાર અને ક્રિયાક્ષેત્ર તરીકે સ્થાપી શકીએ એવી વ્યક્તિતા પણ આપણી પાસે રહી નથી. આવી પરિસ્થિતિમાં કૃત્રિમ રીતે એ વ્યક્તિતા પ્રગટ કરતાં પાત્રો રચવાં કે ઘટનાની યોજનામાં કૃત્રિમ રીતે સાફસૂથરાપણું આરોપવું એ અપ્રામાણિકતા જ ગણાય.

રૂપરચનાનો આગ્રહ કેટલાકને મન બહુ મહત્ત્વની વસ્તુ નથી. આજની પરિસ્થિતિના ઉપલા નિદાનને જો સ્વીકારીએ તો ઉપાદેય વસ્તુમાં રહેલી છિન્નભિન્નતા અને અરાજકતાને કારણે જ આકારનિમિર્તિની આકરી શિસ્ત આજે વધુ અનિવાર્ય બની રહે તે દેખીતું છે. જે સુશ્લિષ્ટ, અનવદ્ય ને દૃઢ રચનાબન્ધ વિશ્વની યોજનામાં એ જોવા મથે છે, ને આજના સંવેદનોની સંકુલ અરાજકતાને કારણે એ જોવામાં નિષ્ફળ જાય છે તેને એ આપમેળે ઉપજાવેલી શિસ્તથી દૃઢ સુરેખ આકાર સર્જીને સમજવા મથે છે. રૂપરચના એટલે નર્યું કલેવર ઘડવું એ ખ્યાલ ખોટો છે. અનુભવ કે સંવેદનાના સ્વરૂપને ઓળખવું ને સ્વરૂપને અનુરૂપ માધ્યમને ઢાળવું – આ બંને સર્જકને કરવાનાં રહે છે. બૌદ્ધિક વિભાવનાઓને પ્રકટ કરવાને સમર્થ ભાષા એ વિભાવનાઓથી પર એવી સંવેદનાઓનાં રૂપને પ્રગટ કરવામાં વાપરવાની હોય ત્યારે સર્જકને એ ભાષામાં નવી ગુંજાયશની શોધ કરવાની રહે. બુદ્ધિસ્વીકૃત સિદ્ધાન્તો જોડે તાળો મળે તેટલું જ યથાર્થનું પરિમાણ નથી. યાથાર્થ્યને એના સાચા પરિમાણમાં રજૂ કરવા માટે ભાષાનું કાઠું પણ બદલવું પડે. અમૂર્ત નિરવયવી ભાવોચ્છ્વાસ કે વિશિષ્ટ સન્દર્ભમાં સિદ્ધ થયા વિનાના નર્યા નિરપેક્ષ બૌદ્ધિક ખ્યાલ – આ બેને પ્રગટ કરવામાં ભાષા જે રીતે વપરાય છે તેથી જુદી રીતે ભાષાને સર્જકે પ્રયોજવાની રહે. આમ કરવા જતાં વાસ્તવાતિરિક્ત ને સામાન્ય રીતે જેને કપોલકલ્પિત ગણવામાં આવે છે તેના ક્ષેત્રમાં પણ સર્જકે પગલાં માંડવાં પડે. સીધી એક રેખાએ ક્રમબદ્ધ રીતે ચાલતાં વાક્યોને સ્થાને દેખીતી રીતે અરાજકતાભર્યા પણ વાસ્તવમાં વધુ સાચા એવા નવા જ પ્રકારના વિન્યાસોને એણે અજમાવવાના રહે. ભાષા વિશેની આવી સૂઝ વિના કોઈ પણ નવલિકાકાર આજે લખવા બેસે તો એ નરી ધૃષ્ટતા જ કહેવાય.

માનવવ્યવહારનો પિણ્ડ એ સાહિત્યની કાચી ધાતુ છે એ વાત સાચી, પણ એના પર સર્જકની પ્રતિભા જે સંસ્કાર પાડે છે તેને પરિણામે જ એને કળાકૃતિનું ગૌરવ પ્રાપ્ત થાય છે એ ભૂલવાનું નથી. આ સંસ્કરણને પરિણામે જ માનવવ્યવહારના ઘાટઘૂટ વગરના પિણ્ડને પોતાનો આગવો આકાર પ્રાપ્ત થાય છે. એ આકાર એના રહસ્યનું ઇંગિત બની રહે છે. ઈશ્વરની સૃષ્ટિની જેમ સર્જકની સૃષ્ટિનાં આબોહવા, તેજછાયા માનવીની એ સૃષ્ટિમાં જ ઘડાયાં હોવાની પ્રતીતિ થવી જોઈએ. આ બધાં જો આગન્તુક રૂપે આવ્યાં હોય તો એ સૃષ્ટિમાં આપણે પૂરેપૂરાં પ્રવેશી શકતાં નથી; એની ઉછીની આણેલી આબોહવામાં આપણે શ્વાસ લઈ શકતા નથી. નિશ્ચિહ્ન બનેલા માનવીની ભાવમુદ્રાઓને ઉપસાવવી એ આજના સર્જકને માટેનું સૌથી અઘરું કામ છે. માનવી ચારે બાજુની અરાજકતા વચ્ચે એક વધારાની અરાજકતા રૂપે નહીં, પણ સંકર્ષણવિકર્ષણનાં પરસ્પરવિરોધી બળોની સમતુલા સ્થાપીને નાના શા એક બિન્દુ પર; તસુ જેટલી ભોંય પર, કશુંક દૃઢ આકારે સ્થાપવા મથે છે. એમ કરવામાં એ ભલે નિષ્ફળ જતો હોય, પણ એની આ મથામણ આવિષ્કારને યોગ્ય છે. આથી જ આજના સાહિત્યનો, આપણા સમયના વિશિષ્ટ સન્દર્ભમાં, આ જ એક મુખ્ય વિષય છે. તેથી ઊણા પરિમાણનું કશું આલેખવાથી સર્જનકર્મનું ગૌરવ થતું નથી. આ સિદ્ધ કરવાના કોઈ નિયત રાજમાર્ગો નથી. વાર્તાસૃષ્ટિની નિયતિ તથા એનું નિયામક ઋત એની બહાર નથી. માનવની છબિને જમાને જમાને મૂર્ત કર્યે જવી એ સાહિત્યમાત્રનું પરમ્પરાપ્રાપ્ત કર્તવ્ય છે; પણ એ જ છબિ આજે છિન્ન થઈને ખણ્ડ ખણ્ડ રૂપ થઈ ગઈ હોય ત્યારે એને મૂર્ત કરવાનું કામ વધુ દુષ્કર થઈ પડે છે. આ દુષ્કર કાર્ય સિદ્ધ કરવાનો પડકાર આપણા નવલિકાકારોએ ઝીલ્યો છે ખરો?

License

કથોપકથન Copyright © by સુરેશ હ. જોશી. All Rights Reserved.