વિભાગ: પાંચ

‘ડેથ ઇન વેનિસ’ – એક દૃષ્ટિપાત

વાર્તાના સાહિત્યસ્વરૂપની શક્યતાઓ તરફ આંગળી ચીંધવી હોય તો એના નિદર્શન રૂપ કૃતિ લઈને એની રચના તપાસવી એ જ સારામાં સારો રસ્તો છે. ટૂંકી વાર્તાને વિશે આપણે ધારીએ તોય, સન્તોષકારક વ્યાખ્યા આપી નહીં શકીએ. એ સ્વરૂપ દ્વારા પ્રતિભાશાળી સર્જક શું શું સિદ્ધ કરી શકે છે તે, એવા સર્જકની કોઈ કૃતિને દૃષ્ટિ સામે રાખીને, જાણે આપણે એની રચનાના પ્રથમ તબક્કાથી તે અન્ત સુધી હાજર હોઈએ એ રીતે, જોવાનો પ્રયત્ન કરીશું તો ઠાલી સિદ્ધાન્તચર્ચા કે શાસ્ત્રીય મીમાંસા કરવાથી જેનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકતું નથી તે કદાચ વધારે સન્તોષકારક રીતે થઈ શકશે. આ હેતુથી અહીં જાણીતા જર્મન વાર્તાકાર ટોમસ માનની સુવિખ્યાત કૃતિ ‘ડેથ ઇન વેનિસ’નું અનુશીલન કરવાનો આશય છે.

સંક્ષેપમાં કહીએ તો વાર્તાનું વસ્તુ કંઈક આવું છે: આશેનબાખ નામનો પ્રખ્યાત લેખક વનપ્રવેશ કરી ચૂક્યા પછી, સતત પરિશ્રમ અને સાધનાભર્યાં કેટલાંય વર્ષો ગાળ્યા બાદ, પર્યટને નીકળીને થોડો સમય આનન્દવિહારમાં ગાળવા ઇચ્છે છે. પોતાના પરિચિત એક સ્થળે એ પ્રથમ જાય છે. ત્યાં એને ગોઠતું નથી. આથી એ વેનિસ જવા ઊપડે છે. ત્યાં એ જે હોટલમાં ઊતર્યો હોય છે તે જ હોટલમાં એક પોલેંડવાસી કુટુમ્બ પણ રહેતું હોય છે. એ કુટુમ્બમાંનો ચૌદેક વર્ષનો કિશોર તાદ્ઝ્યોિ આશેનબાખને સર્વાંગસમ્પૂર્ણ સૌન્દર્યની સાકાર મૂર્તિ જેવો લાગે છે ને એની પ્રત્યે એ ગજબનું આકર્ષણ અનુભવે છે. આ આકર્ષણ પછીથી તો માઝા મૂકીને દુર્દમ્ય હૃદયાવેગમાં પરિણમે છે, ને એ આવેગથી જ ઠેલાઈને આશેનબાખ મૃત્યુ પામે છે.

આટલા સરખા વસ્તુને નિમિત્ત રૂપે વાપરીને ટોમસ માને આ લઘુ સાહિત્યસ્વરૂપ પાસેથી કેવું તો કામ કઢાવી લીધું છે તે જોવા જેવું છે. આરસની તખ્તીને પોતાનું નૈસગિર્ક રૂપ તો હોય છે જ, ને એ રીતે પણ એ આપણને આકર્ષક લાગે છે. પણ એના એ નૈસગિર્ક રૂપની અંદર પ્રચ્છન્ન રીતે અનેક અવનવાં રૂપો રહેલાં હોય છે. એ રૂપોને કોઈ કુશળ શિલ્પી પ્રકટ કરે ત્યારે આપણે ચકિત થઈ જઈએ છીએ. અનન્તવિધ રૂપોનું આ ઉદ્ઘાટન એ સર્જકનું પ્રથમ કર્તવ્ય છે. સારી કળાકૃતિ એના દરેક વાચને એનાં નવાં નવાં રૂપો પ્રકટ કરતી જાય છે. ‘આમ શા માટે બન્યું?’ નહીં પણ ‘શું બન્યું?’ ‘શી રીતે બન્યું?’ – એ પ્રશ્નો જ આપણે દરેક વાચને, આવી કૃતિ વિશે, પૂછતા હોઈએ છીએ. ટોમસ માનની આ રચના પણ દરેક વાચને એનાં આગવાં રૂપો પ્રકટ કરતી રહે છે. આ શી રીતે સિદ્ધ થઈ શક્યું છે તે આપણે જોઈએ.

વાર્તાની શરૂઆત સાવ સાદી રીતે થાય છે. પહેલા જ વાક્યમાં મુખ્ય પાત્રની વય અને એના રહેઠાણનું સરનામું સુધ્ધાં આપણે જાણી લઈએ છીએ. એની પછીના બીજા જ વાક્યમાં યુરોપની આબોહવા અને ભાવી અનિષ્ટના ભણકારા આપણને સંભળાય છે. પરિશ્રમથી થાકીને સહેજ મન બહેલાવવા આશેનબાખ ફરવા નીકળે છે, ને એ પાછા ફરવાનું નક્કી કરે છે ત્યારે હવામાં તોફાનનો અણસાર એને વરતાય છે. આ વખતે એ એની આજુબાજુના પરિવેશ તરફ નજર કરે છે. આ નિમિત્તે ટોમસ માન આ વાર્તાને અત્યન્ત ઉપકારક નીવડે એવું, ભાવીના ઇંગિત રૂપ, વાતાવરણ અને એને આપણા ચિત્તમાં તાદૃશ જડી રાખે એવાં થોડાં ચિત્રો અહીં આંકી દે છે. રસ્તા પર ક્યાંય એક્કેય વાહન દેખાતું નથી, ચારે બાજુ સૂનકાર ને નરી નિર્જનતા છે. રસ્તાને વચ્ચેથી ચીરતા ચળકતા ટ્રામના પાટા દૂર સુધી ચમકારો મારતા દોડી જતા દેખાય છે. બાજુમાં જ મરેલાંઓનાં સ્મારકો કોતરનારની દુકાન છે. એમાં ક્રૂસ, તખ્તીઓ, મૂતિર્ઓ ખડકાયેલાં છે, ને તેથી એ કબ્રસ્તાન જેવું જ લાગે છે. એની સામે જ કબ્રસ્તાનનું પ્રવેશદ્વાર છે. એની કમાન પર ‘એઓ ભગવાન ઇસુના સામ્રાજ્યમાં પ્રવેશ કરે છે’, ‘શાશ્વત જ્યોતિ એમના પર સદા પ્રકાશી રહો’ એવાં સ્વાગતવચનો લખેલાં છે. આ બધાંથી આશેનબાખ ઘડીભર એ મૃતાત્માઓની અપાથિર્વ સૃષ્ટિમાં જ જાણે કે ઊંચકાઈ જાય છે. ત્યાં એની દૃષ્ટિ એક યાત્રાળુ પર પડે છે. એ યાત્રાળુના દેખાવમાં કશુંક અસાધારણ એવું હતું જેને કારણે એના પરથી દૃષ્ટિ ઝટ પાછી નહોતી ફેરવી લઈ શકાતી.

આ યાત્રાળુ જરા ધ્યાનથી જોઈને યાદ રાખવા જેવો છે, વાર્તા આગળ વધતી જશે તેમ તેમ આપણને એ જુદે જુદે રૂપે મળતો રહેશે, ને અન્તમાં આશેનબાખ, યાત્રાળુ ને મરણ – આ ત્રણેની છબી (અને સાથે કદાચ આપણી પણ) એકાકાર થઈ જતી લાગશે. આ યાત્રાળુ સાધારણ કાઠીનો, એકવડા બાંધાનો ને ચીબા નાકવાળો હતો. એણે દાઢી વધારી નહોતી. એના વાળ રતુમડા હતા ને એની ચામડી દૂધ જેવી ફિક્કી ધોળી ને છાંટ છાંટવાળી હતી અને માથે પહોળી કિનારવાળી હૅટ એણે પહેરી હતી. એને ખભે પ્રવાસીનો થેલો હતો. પીળાશ પડતાં ઊનનાં એણે કપડાં પહેર્યાં હતાં. એણે ચિબુક ઊંચી કરી હતી, તેથી એના ખુલ્લા બટનવાળા ખમીસના કોલર ઉપર ગળામાંનો કાંઠલો ઊંચેનીચે થતો દેખાતો હતો. આંખ પર તડકો આવતો હોવાને કારણે કે પછી કોણ જાણે શાથી એના હોઠ એણે ઊંચે ખેંચી લીધા હતા. ને તેથી એના ધોળા ચળકતા દાંત અને એની ઉપરનાં ફિક્કાં રાતાં અવાળાં સુધ્ધાં દેખાતાં હતાં. આથી મનમાં કશીક ભયમિશ્રિત વિચિત્ર પ્રકારની લાગણી થયા વગર રહેતી નહોતી.

વાર્તાના આરમ્ભમાં મૃત્યુનો આવો અણસાર લેખકે મૂક્યો છે. કબ્રસ્તાન આગળ ઊભેલો આ યાત્રાળુ જાણે કબ્રસ્તાનમાંથી જ આવીને ઊભો ન હોય એવું લાગે છે. એના ખભા પરનો પ્રવાસીનો થેલો જોઈને આશેનબાખને પ્રવાસે જવાનો વિચાર આવે છે. પ્રવાસી સાથે અણજાણપણે એની આંખો મળે છે, એથી એના મનમાં અસુખભરી મૂંઝવણ થાય છે ને એ આગળ ચાલવા માંડે છે. એના મનમાં એ પોતાની પ્રવાસની ઝંખનાએ સાકાર કરેલા પ્રદેશનું ચિત્ર જોવા માંડે છે. એ પ્રદેશ કેવો છે? એ જાણે પૃથ્વીના બાલ્યકાળનું, નરી અરાજકતાથી ભર્યું, કોઈ અરણ્ય છે. એમાં બધું જ વ્યસ્ત અને ભયંકર પ્રકારનું છે, વૃક્ષોનાં ગૂંછળાં વળેલા આકાર દુ:સ્વપ્નમાંની ભૂતાવળ જેવા છે, વાંસની ઝાડીની પાછળથી તરાપ મારીને બેઠેલા વાઘની બે આંખો તગતગ્યા કરે છે. આમ, અહીં પણ ફરીથી મૃત્યુની છબી આગળ આવીને આપણે અટકીએ છીએ. આશેનબાખનું હૃદય ભયથી ફફડી ઊઠે છે, ને તેમ છતાં એ ભયની જ દિશામાં એના હૃદયની કોઈ વાસના એને હડસેલી રહી હોય એવું એ અનુભવે છે.

અતન્ત્રતા ને અરાજકતાભરી આ આદિમ અરણ્યસૃષ્ટિનું દિવાસ્વપ્ન આશેનબાખ જેવા પ્રશિષ્ટ શૈલીના કળાકારની કળાની વ્યવસ્થિત રચનાની વિડમ્બના રૂપે લેખકે જાણી કરીને આપણી આગળ મૂક્યું છે. એની પ્રશિષ્ટ શૈલીના કૃત્રિમ આવરણ નીચે ખદબદી રહેલાં આ આદિમ બળોનો એને પરિચય હતો ખરો? એ બળનો અણસાર પામીને એ મૃત્યુની દિશામાં ડગવા માંડે છે એનું અહીં સૂચન છે. આ બળોનો તાગ કાઢ્યા વિના આણેલી પ્રશિષ્ટતા તો વંચક છે, ભ્રામક છે, માટે જ મરણશરણ થઈ જાય એવી છે. જેમાં એપોલો અને ડાયોનિસસ – બંનેનું સરખું સમારાધાન થતું નથી, ઉલ્લાસનો ઉદ્રેક અને શિષ્ટ સંયમ બંનેનું સન્તુલન થયું નથી…. જીવન માત્રના મૂળમાં રહેલી પ્રચણ્ડ અરાજકતા અહીં આશેનબાખ જુએ છે, ને જે કળાના રૂપસંવિધાનના નિયન્ત્રણ નીચે નથી લાવી શકાયું તેને ભેટવા એ અજાણપણે આગળ વધે છે. એ અરાજકતાને પણ આગવું રૂપ આપે, એ રૂપ દ્વારા એને નવી સાર્થકતા આપે એવું એની પાસે કશું છે ખરું? એને મળેલી કીતિર્(ને અહીં ટોમસ માન ભારે વ્યંગપૂર્વક કહે છે કે એને એટલી તો પ્રતિષ્ઠા મળી ચૂકી હતી કે શાળોપયોગી પાઠ્યપુસ્તકોમાં એની કૃતિઓને હવે સ્થાન મળવા લાગ્યું હતું!)ને પણ હતી ન હતી કરી નાંખે એવી સર્જકતાની આ અગોચર અન્ધકારના નેપથ્યમાં રહેલી સૃષ્ટિ સાથેનું અનુસન્ધાન સિદ્ધ કર્યા વિના એ સાચા અર્થમાં યશસ્વી સર્જક થઈ શકે ખરો? આ રીતે આ કથા સર્જકની વિકાસયાત્રાની રૂપકગ્રન્થિ પણ આપોઆપ બની રહે છે. રૂપકગ્રન્થિનું વણાટ એટલું તો પ્રચ્છન્ન રીતે થયું છે કે એના સાંધા કે ગાંઠ આપણને ક્યાંય બહાર વરતાઈ આવતાં નથી.

આમ, આશેનબાખ પ્રવાસે નીકળે છે. પહેલાં તો એડ્રિયાટિકના એક ટાપુમાં જાય છે, પણ ત્યાં એને ગોઠતું નથી. એને વેનિસ જવાનું મન થાય છે. પહેલાં એક વાર એ વેનિસ ગયો હતો, પણ ત્યારે કશીક અસ્વસ્થતાને કારણે એને પાછા આવતા રહેવું પડેલું. પણ એના હૃદયની કશીક સદ્ગત વૃત્તિ આ વખતે એને ફરીથી વેનિસ તરફ જ ધકેલવા લાગી. એ વેનિસની ટિકિટ લેવા બોટમાં ગયો, ને ત્યાં એણે ટિકિટ વેચનારને જોયો ત્યારે કબ્રસ્તાન આગળ દીઠેલા પેલા વિલક્ષણ યાત્રાળુનું ચિત્ર ફરીથી એની આંખ આગળ ઝળકી ગયું. જૂની ઢબના સરકસના સૂત્રધાર જેવો એ લાગતો હતો. બોટના તૂતક પર ગયા પછી આશેનબાખ સહેલાણીઓના એક જૂથને જુએ છે. એ જુવાનિયાંઓમાંના જૂથમાંના એક વિલક્ષણ આદમી તરફ એનું ધ્યાન જાય છે. એણે કબ્રસ્તાન આગળના પેલા યાત્રાળુની જેમ પીળા રંગનાં કપડાં પહેર્યાં છે, લાલ ભડક રંગનું જાકીટ પહેર્યું છે. ઠઠેરો બધો કોઈ છેલબટાઉ જુવાનને છાજે એવો કર્યો છે. પણ એ પોતે જુવાન નથી, ઘરડો છે. ચહેરા પર કરચલીઓ પડી છે. આંખ નીચે કાગડાના પગનાં ચિહ્ન અંકાયાં હોય એવી રેખાઓ છે, વાળે કલપ લગાડ્યો છે, મોઢામાં એકસરખા તૂટ્યા વગરના બનાવટી દાંતનું ચોકઠું છે. એને જોઈને આશેનબાખને ઘૃણા થાય છે, ઊબકો આવે છે. અકળ રીતે એ જાણે હવે પછી જે વેનિસની સૃષ્ટિમાં પ્રવેશ કરવાનો છે તેની પ્રતિમૂર્તિ જેવો બની રહે છે. એના વ્યક્તિત્વમાં મરણનું સૂચન છે. એની સુખલાલસા ને એની મુમૂર્ષુ અવસ્થા – આ બેની સહોપસ્થિતિ ભય અને જુગુપ્સા એક સાથે આપણા ચિત્તમાં ઉદ્દીપ્ત કરે છે, પણ આવી જ માનસિક આબોહવા વેનિસની છે એનું અહીં સમર્થ રીતે લેખકે ઇંગિત રજૂ કર્યું છે.

વેનિસમાં આશેનબાખ ગોન્ડોલા ભાડે કરીને મુખ્ય ધક્કા આગળ જવા નીકળે છે ત્યારે ગોન્ડોલાવાળો એની સૂચનાને અવગણીને સીધો લિડો હોટેલ આગળ જ એને લઈ જાય છે, એ ગોન્ડોલામાંની બેઠકો શબપેટીના જેવા કાળા રંગની છે, ને તેથી આ યાત્રા જાણે મૃત્યુ પ્રત્યેની છેલ્લી નિ:શબ્દ યાત્રા હોય એવું આશેનબાખને લાગે છે. આશેનબાખના આદેશને અવગણીને એ એને લિડો હોટેલે જ પહોંચાડી દે છે ને ભાડાના પૈસા સુધ્ધાં લીધા વિના એ અદૃશ્ય બની જાય છે. આમ મૃત્યુ પોતે જ જાણે કે કશું ભાડું લીધા વિના એને અહીં દોરી લાવ્યું નહીં હોય એવું આપણને લાગવા માંડે છે.

પહેલી જ સાંજે આશેનબાખ પેલા પોલેંડવાસી કુટુમ્બના ચૌદ વર્ષના કિશોર તાદ્ઝ્યોિને જુએ છે. આ પ્રથમ દર્શન પછી આશેનખાબ અને તાદ્ઝિયો વચ્ચેના સમ્બન્ધનું જે કળાસંયમ, સૂક્ષ્મતા ને લાઘવથી ટોમસ માને આલેખન કર્યું છે તે એની કળાકાર તરીકેની અસાધારણ શક્તિનો પરિચય કરાવવાને પૂરતું છે. કિશોરના પ્રથમ દર્શને તો એને આશ્ચર્ય જ થાય છે. વાસ્તવિકતાની ઘાટઘૂટ વગરની આ દુનિયામાં આવું સૌષ્ઠવપૂર્ણ રૂપ જોઈને કળાકારને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. આવું રૂપ તો કળા જ સિદ્ધ કરે, પણ એને વાસ્તવિકતામાં જોઈને આશેનબાખ વિસ્મય પામે છે. એથી એ આનન્દજન્ય વિલક્ષણ ઉત્તેજના અનુભવે છે; રૂપસંવિધાન, સૌન્દર્ય, કળા વગેરેના વિચારે ચઢે છે. બીજે દિવસે સવારે એ અજાણપણે એ કિશોરની પ્રતીક્ષા કરતો હોટેલમાં બેઠો હોય છે, ને દૂરથી કિશોરને આવતો જોઈને, કળાનો ચાહક કૃતાર્થતાના ઉદ્ગાર કાઢે તેમ આનન્દથી ઉદ્ગાર કાઢે છે. અહીં ટોમસ માનનું ગદ્ય (મૂળ જર્મન ભાષામાં) આપમેળે છન્દોમય અભિવ્યક્તિની લગોલગ આવી પહોંચે છે, આમ કરવા પાછળનો મૂળ હેતુ તો કહેવાતા પ્રશિષ્ટ સર્જકોની અંદર પ્રચ્છન્નરૂપે રહેલા અસંયત ને અન્ધ રોમેન્ટિક આવેગો તરફ આંગળી ચીંધી એની વિડમ્બના કરવાનો જ છે. એ કિશોરનો કોઈ સાથી એને દૂરથી બોલાવે છે ત્યારે એના નામોચ્ચારણમાં રહેલા સંગીતથી આશેનબાખ મુગ્ધ થઈ જાય છે. સમુદ્રમાં સ્નાન કરતા કિશોરનો એ અનાવૃત્ત દેહ અને એને દૂરથી સમ્બોધતાં કુટુમ્બીજનો તથા મિત્રોના અવાજમાં રહેલું સંગીત આશેનબાખને વિહ્વળ કરી મૂકે છે. આમ, આ વાર્તામાં ક્રમશ: કશાય રૂપની શિસ્તમાં ગ્રસ્ત બન્યા વિનાની આદિમ અરાજકતા અને રૂપસંવિધાનની મદદથી સાર્થકતા તરફ વળવા મથતી સર્જકચેતના – આ બે વચ્ચેના સતત ચાલ્યા કરતા ગજગ્રાહનો આપણને અનુભવ થતો રહે છે.

કિશોરના સૌન્દર્ય પ્રત્યેના આશેનબાખના પ્રતિભાવોનો ક્રમિક વિકાસ જોવા જેવો છે: શરૂઆતમાં તો કળાકાર સૌન્દર્યને જોઈને જે ધન્યતા ને આહ્લાદ અનુભવે તેનું જ રૂપ એ ધારણ કરે છે, પછીથી ધીમે ધીમે કળાકારની તટસ્થતા ચાલી જતી લાગે છે, એ આવેગનું રૂપ આસક્તિમાં પરિણમે છે ને અન્તે અધોગતિના લપસણા ઢાળ પરથી સ્ખલન કરાવનારી આત્માવમાનનાની દશાને એ પામે છે; આ આત્માવમાનના જ આખરે આત્મહનનમાં ફેરવાઈ જાય છે, ને આમ આખરે ફરી આપણે મૃત્યુ આગળ આવીને અટકીએ છીએ.

આ દરમિયાન એક વાર આશેનબાખ હવામાંની રૂંધામણ, ઉત્તાપ, બાફ વગેરેથી કંટાળીને વેનિસ છોડી જવાની અણી પર હોય છે. સામાન તો રવાના થઈ પણ ચૂક્યો હોય છે, ને નાસ્તો ઉતાવળથી પતાવી લેવાનું એને ગમતું નથી એવું બહાનું કાઢીને એ રોકાય છે. પણ વાસ્તવમાં તો તાદ્ઝિયોને ફરી એક વાર જોઈ લેવાની ઇચ્છા જ એને રોકતી હોય છે. આ સમયના ગાળા દરમિયાન એ હૃદયમાં અકથ્ય વિષાદ અનુભવે છે, એને હવામાન સુધરતું લાગે છે, ને સ્ટેશને તપાસ કરતાં એનો સામાન ખોટી જગ્યાએ રવાના થઈ ચૂક્યો હોય છે એ આકસ્મિક ઘટનાને એ મરણિયો બનીને બાઝી પડે છે ને વેનિસ છોડવાના નિર્ણયને રદ કરે છે. દેખીતી રીતે નજીવા લાગતા પ્રસંગને આધારે નાયકના ચિત્તના દ્વન્દ્વને તાદૃશ ને પારદર્શી રજૂ કરવાની ટોમસ માનની કળાનાં અહીં આપણને દર્શન થાય છે. જોઈએ તે કરતાં વધુ વજનની ઘટનાઓ, પ્રસંગની ધમાચકડી, લાગણીઓનું ઘમસાણ – આ બધું કળાનો ઘાટ બગાડી નાંખે છે, એની સૂક્ષ્મતાને રોળી નાખે છે. ઘટના અને એની કળાકૃતિની સિદ્ધિ પરત્વે રહેલી સમર્પકતા – આ બે વચ્ચેના યથોચિત પ્રમાણને જાળવવાની ઔચિત્યબુદ્ધિ અહીં લેખકે કેવી તો કુશળતાથી કામે લગાડી છે તે આપણા ઘણા વાર્તાકારોએ જોવા જેવું છે.

હવે હવામાન બદલાય છે. ઉષ્માભર્યો સૂર્ય ને ચળકતાં પાણી – આશેનબાખ જાણે એક નવા સૌન્દર્યલોકમાં જઈ ચઢે છે. એના ચિત્તમાં એ અનેક છબિઓ આંક્યા કરે છે. આ દરમિયાન ખાણા પછી અસ્વસ્થ બનીને એ આંટા મારતો હોય છે ત્યારે એકાએક એની ને કિશોરની આકસ્મિક મુલાકાત થઈ જાય છે, એ પ્રસંગે પોતાના ભાવોદ્રેકને છતો થવા દીધા વિના, ભારે સંયમપૂર્વક એ ઔપચારિક અભિવાદન કરીને અટકી જાય છે. પણ એ પ્રસંગે કિશોરના હોઠ પર ફરકેલું સ્મિત એને વિહ્વળ કરી મૂકે છે. એ સ્મિતને જાણે વિષ હોય તેમ જાળવીને એની સ્મૃતિમાં સંચિત કરી રાખે છે. અહીં વિષથી ફરી આપણને મૃત્યુની આગાહી થાય છે, ને બને છે પણ એવું જ. આ દરમિયાન વેનિસમાં પ્લેગ ફાટી નીકળે છે. વળી પાછી મહામારીની જીવલેણ અરાજકતા ને જુગુપ્સાભરી સૃષ્ટિની આબોહવામાં આપણે જઈ પડીએ છીએ. સૌન્દર્ય નામે આત્મસંતૃપ્ત હોય છે ને એને એની આત્મસંતૃપ્તિની સીમામાંથી બહાર ખેંચી કાઢવા મથનાર માત્રનો એ વિનાશ કરે છે. સૌન્દર્યની આ વિઘાતકતાની ભૂમિકા અહીં આ રીતે રચાઈ જાય છે.

આ દરમિયાન જાદુના ખેલ કરનારની મંડળીના રંગલાને વેશે મરણની પ્રતિમૂર્તિ ફરી એક વાર આપણી આગળ રજૂ થઈ જાય છે. હોટેલની અગાશીમાંથી આશેનબાખ તાદ્ઝિયોની સાથે ઊભો ઊભો એ ખેલ જોતો હોય છે. એ રંગલો અર્ધો ભડવા જેવો ને અર્ધો વિદૂષક જેવો લાગે છે. એનાં કપડાંમાંથી જન્તુનાશક દવાની દુર્ગન્ધ આવે છે, એ એકવડા બાંધાનો છે, એનો ચહેરો સૂકલો છે. રતૂમડા વાળની લટ એના કપાળ પર હૅટની બહાર નીકળીને ઝૂલી રહી છે. આગળ જોયેલા યાત્રાળુ અને ઘરડા છેલબટાઉ સહેલાણીના ચિત્રની સાથે આ ચિત્ર પણ આપણા મનમાં ભેગું ગોઠવાઈ જાય છે. એના ચેનચાળા જુગુપ્સા ઉપજાવે એવા છે; એ જે ગીત ગાતો હોય છે તેના શબ્દોમાં રહેલી સન્દિગ્ધતા અકળ રીતે અપમાનજનક લાગે એવી છે. એનો પણ ગળામાંનો કાંઠલો ઊંચોનીચો થતો દેખાય છે. એનું નાક પણ ચીબું છે. એના ચહેરા પરથી એની વય કળી શકાતી નથી. એના મુખ પરનું સ્મિત અને એના શિથિલાચારને કારણે મુખ પર અંકાયેલી રેખાઓ વચ્ચેનો ઉગ્ર વિરોધ જોનારને ક્લેશકર નીવડે છે. ખેલ પૂરો કર્યા પછીથી ટેબલ વચ્ચે સરી જઈને, ઝૂકીને એ પૈસા એકઠા કરે છે ત્યારે હસતાં હસતાં ખૂલી ગયેલા હોઠો વચ્ચેથી એના દાંત દેખાય છે. એ દાંત આશેનબાખે જોયેલા પેલા યાત્રાળુના દાંતની યાદ અપાવે છે. આ ખેલ જોતી વખતે તાદ્ઝિયો પેલા યાત્રાળુની જેમ દાદરના કઠેરાને અઢેલીને પગ ટેકવીને ઊભો હોય છે. આમ મરણની પ્રતિમૂતિર્ની ચિત્રાવલિમાં તાદ્ઝિયોની છબિ પણ ભળી જાય છે.

મહામારીનાં જન્તુઓ પેલા અરાજકતાભર્યા આદિમ પ્રકૃતિના વિસ્તારમાંથી જ જાણે કે આવી ચઢ્યાં છે. ફરી વાઘની પેલી બે તગતગતી આંખો દેખાવા લાગે છે. પ્લેગ ફાટી નીકળ્યાના સમાચાર જાણ્યા છતાં, જાણી કરીને એ તાદ્ઝિયોની માને એ ખબર આપતો નથી ને વહેલામાં વહેલી તકે નાસી છૂટવાની સલાહ પણ આપતો નથી. આસક્તિ અહીં ઘૃણાજનક જુગુપ્સાનું રૂપ ધારણ કરે છે ને પ્લેગના સડેલા ઉંદરથીય વધુ જુગુપ્સાજનક બની રહે છે. હવે મરણ ક્યાંથી બહુ છેટે રહી શકે? મહામારી અને મૃત્યુએ નિર્જન બનાવી દીધેલા દ્વીપ પર પોતે તાદ્ઝિયોને એકાન્તમાં મળી શકશે એની કલ્પના આશેનબાખને ઉન્મત્ત બનાવી દે છે. એ રાતે એને વળી પેલા આદિમ અરણ્યની યાદ આપે એવું સ્વપ્ન આવે છે. કોઈ વિલક્ષણ દેવની પ્રીત્યર્થે થતા મત્ત નૃત્યનું એ દૃશ્ય છે. અશ્લીલ લાગતા પ્રતીકની આજુબાજુ અશ્લીલ વેશધારી પાત્રો નાચે છે. તાદ્ઝિયોના નામોચ્ચારણમાં રહેલો મધુર સ્વર એમના સંગીતમાં આશેનબાખને ફરી ફરી સંભળાય છે. એ ટોળામાં એ પોતાને પણ જુએ છે. આ સ્વપ્ન દ્વારા આશેનબાખના મનની અધોગતિની સ્થિતિને એની સર્વ આદિમ અરાજકતા સહિત ટોમસ માને સમર્થ રીતે રજૂ કરી છે.

આ પછી સૌન્દર્યપ્રસાધનની સામગ્રીની મદદથી, સહેલાણીઓના જૂથમાંના પેલા વૃદ્ધ છેલબટાઉની જેમ જ, આશેનબાખ બનાવટી જુવાની પ્રાપ્ત કરીને ભડક રંગના વેશથી તાદ્ઝિયોને વશ કરવા મીટ માંડી રહે છે. સૌન્દર્યની આસક્તિ શું કળાકાર માત્રને આમ વિનાશ ભણી જ દોરી લઈ જતી હશે? અદના આદમીની સામાન્યતા એના નસીબમાં શું નહીં જ હોય? કળાકાર થવું એટલે આ દુર્ગતિ સ્વીકારી જ લેવી? આશેનબાખ જંદિગીભર રૂપના સંવિધાનથી અનુભવની અરાજકતાને જેર કરવા મથ્યો હતો, પણ પાછળથી એને સમજાયું કે રૂપ પણ દ્વિવિધ હોય છે. એ એકી સાથે નૈતિક અને અનૈતિક હોય છે: રૂપની શિસ્ત સ્થાપીને અરાજકતાને જેર કરે એ અર્થમાં નૈતિક, પણ ઇષ્ટ – અનિષ્ટ પ્રત્યેની એની નૈસગિર્ક ઉદાસીનતાને કારણે અ-નૈતિક. આ વિરોધ દૂર કરી શકાય ખરો? આથી જ કદાચ નિત્શેએ કહ્યું હતું કે આ બ્રહ્માણ્ડનો પાયો નૈતિક નથી, કળાનું ઋત જ એનું પ્રેરક તત્ત્વ છે. મરણ સમયે સમુદ્રની ઊછળતી લહેરો ને આકાશના આસમાની વિસ્તાર વચ્ચે તાદ્ઝિયોનું સૌન્દર્ય જોઈને આશેનબાખ આંખો બીડી દે છે.

આમ, આ વાર્તાની રચનાને એના સર્વ મહત્ત્વના વિકાસબિન્દુએ રહીને આપણે જોઈ. પરસ્પરવિરોધી તત્ત્વોનો સંઘર્ષ, એમાંથી ઉદ્ભવતી અરાજકતા, એ અરાજકતામાંથી રૂપવિધાન દ્વારા સાર્થકતા સર્જવાનો પ્રયત્ન – આને જો કથયિતવ્ય કહીએ તો આ કથયિતવ્ય અને કથનરીતિ વચ્ચેની સમાન્તરતા નોંધપાત્ર છે. વાર્તામાં પણ મરણની જુદી જુદી છબિ અમુક અન્તરે આવીને સંઘર્ષની જુદી જુદી ભાત ઉપસાવે છે. કળાકારના ચિત્તના ફલક પર એ રૂપવિધાનથી સાર્થક આકાર પામવા મથે છે ને અન્તે મરણની મહા અરાજકતાના પટ પર સમુદ્ર અને આકાશની સીમારેખાના બિન્દુએ તાદ્ઝિયોના સૌન્દર્યની અન્તિમ છબિ બતાવીને લેખક વાત પૂરી કરે છે. ટૂંકી વાર્તાની એકાગ્રતા તો અહીં છે જ. વળી વાર્તામાં જુદે જુદે સ્તરે વાતાવરણને અનુરૂપ એવી કોઈક વાર ઊમિર્ભરી તો કોઈક વાર માધુર્યનો પરિચય કરાવનારી ને કાવ્યની છાન્દસ રચનાની લગોલગ પહોંચનારી ઇબારત લેખકે પ્રયોજી છે. વધારે પડતી ઊપસી આવીને ક્લેશ કરાવે એવી પ્રતીકરચના અહીં નથી. જુદે જુદે તબક્કે રચનામાં લયનું આવર્તન બનીને આવે એવી રીતે મરણની છબિ ચાર વાર આપણી આગળ અંકાઈ જાય છે. આથી રચનાનું પોત ઘટ્ટ બને છે. સંઘર્ષનું સ્વરૂપ કેવળ વાર્તાના વક્તવ્ય પૂરતું જ નહીં પણ કળામાત્રના રચનાવ્યાપારના મહત્ત્વના સ્થિત્યન્તર રૂપે પણ આપણી આગળ સ્ફુટ થાય છે. આથી અહીં form અને content એકબીજામાં અભિન્ન વિગલિત થઈ ગયાં હોય એવો અનુભવ થાય છે.

License

કથોપકથન Copyright © by સુરેશ હ. જોશી. All Rights Reserved.