[ગામડાનો દાક્તર (- ક્રાન્ઝ કાફકા કૃત ‘અ વિલેજ ડોક્ટર’)]
પ્રથમ દૃષ્ટિએ આ વાર્તા ઉટપટાંગ લાગે એવી છે. ગામડાના દાક્તરને રાતને વખતે દરદીને તપાસવા જવાનું તેડું આવે, ઠંડીમાં એનો ઘોડો મરી ગયો હોય, એની નોકરડી ઘોડાની શોધમાં ગામ આખામાં ફરી વળે. કડકડતી ઠંડીમાં કોઈ પોતાનો ઘોડો ધીરવા તૈયાર ન થાય – અહીં સુધી તો બધું બરાબર ચાલે છે. પણ પછીથી અવાવરુ ડુક્કરખાનાનાં ભંગાર જેવાં બારણાંને એ લાત મારે છે, ને એ બારણાંની સાથે જ જાણે આપણી પરિચિત વાસ્તવિકતા પણ ભંગુર બનીને તૂટી પડે છે! ‘દુર્ગ’માં પણ ક લાકડાનો પુલ ઓળંગીને ગામમાં પ્રવેશ્યો તેની સાથે જ એ આપણી પરિચિત વાસ્તવિકતાની સીમા પણ ઉલ્લંઘી ગયો. ત્યાર પછી પ્રસંગો તો બનતા રહે છે, પણ એ પ્રસંગોને જોડવાની કડી બદલાઈ ગઈ હોય એવું લાગે છે. એ પ્રસંગોની આનુપૂર્વી, સમય કે સ્થળની નિશ્ચિત ભૂમિકાને આધારે, આપણે ગોઠવી શકતા નથી, ને એમ કર્યા વિના એ ઘટનાઓને આપણી સમજના ચોકઠામાં ઉતારી પણ શકતા નથી. એ ઘટનાઓને વણનારા તાણાવાણા તો અસાધારણ સ્વરૂપના હોતા નથી, પણ એના વણાટની રચના એવી હોય છે કે એમાંથી કોઈ અવનવી જ ભાત ઊપસી આવે છે. આ અવનવી ભાતનું પોત કાફકા એવાં તો ખંત અને નિષ્ઠાથી વણે છે કે એને હસી કાઢવાનું આપણાથી બની શકતું નથી. આ ખંત અને નિષ્ઠા આપણને પરવશ બનાવી મૂકે છે. આથી જ આ વાર્તા વાંચીને એક મિત્રે કહ્યું હતું: ‘આમાં તો કશું મોંમાથું હાથમાં આવતું નથી, ને છતાં વાર્તા છેલ્લે સુધી વાંચ્યા વિના રહેવાતુંય નથી.’ કાફકા પોતે પણ જાણે એક્કી શ્વાસે આખી વાર્તા કહી નાંખે છે. એમાં પરિચ્છેદોના ઝાઝા ખણ્ડ પાડેલા નથી. બીજી પળ જાણે છે જ નહિ, આ જ છેલ્લી પળ છે, એમ માનીને વાત કહેનારનું મરણિયાપણું એમાં છે. ગદ્યની રચના એવી તો ઘટ્ટ હોય છે કે એની નીરન્ધ્રતા આપણને રૂંધતી હોય એવું લાગે છે.
વાક્યનો અર્થ એની અંદરનાં પદો વચ્ચેના અન્વયને આધારે સિદ્ધ થાય છે. કળાકૃતિનો મર્મ પણ એના ઘટક અંશોના અન્વયને સમજવાથી જ પામી શકાય. કળાનો મર્મ એની સ્વરૂપરચનામાં રહ્યો હોય છે. આ વાર્તાની રૂપરચના તપાસવાથી એના મર્મની દિશા જડશે.
મેં પહેલી વાર આ વાર્તા વાંચી ત્યારે એમાંનાં અમુક વાક્યો, કોણ જાણે શા કારણે, મનમાં રહી જ ગયાં. વાર્તાની શરૂઆતમાં જ દાક્તર, નોકરડીની રાહ જોતો, મૂંઝાતો, ઊભો છે. એનો દરદી, દસ માઇલ છેટે, એની રાહ જોઈ રહ્યો છે. દાક્તર કહે છે: ‘એની ને મારી વચ્ચેનો વિશાળ અવકાશ ગાઢા બરફની વર્ષાથી ઠસોઠસ ભરાઈ ગયો હતો.’ અહીં રૂંધી નાખનારી પેલી નીરન્ધ્રતાનો અનુભવ થાય છે. આ નીરન્ધ્રતામાં થઈને ગતિ કરવાનું સંભવે નહિ, એવી છાપ આ પ્રકારનું વર્ણન આપણા મન પર પાડે છે. વળી આ બરફ હવે આપણને અજાણ્યો નથી. દુર્ગ તરફ જવા નીકળેલો ક આવા ગાઢા બરફમાં ડગલાં ભરી શકતો નહોતો. એમાં એક પ્રકારની નિરર્થકતા અને વન્ધ્યતાનું સૂચન છે. વાર્તાને અન્તે, ઘટનાનું ચક્ર પૂરું થાય છે ત્યારે, ફરી બરફના આવા વિસ્તારનું વર્ણન આવે છે. દરદી અને દાક્તરની વચ્ચેની આ ગાઢા બરફની વર્ષા એ બેના સમ્બન્ધને જોડનારું માધ્યમ છે, અથવા બીજી રીતે કહીએ તો બે વચ્ચેના સમ્બન્ધની અશક્યતાનું કારણ છે. આવી ગાઢી નીરન્ધ્રતાને વીંધીને માણસ, પોતા સિવાય, બીજા કોઈ સુધી પહોંચી શકે નહિ. આથી ડુક્કરખાનામાંનાં અપાથિર્વ ઘોડાં, ડગલું પણ ભર્યા વિના, એને દરદીના ઘર આગળ મૂકી દે છે. ને એ દરદી અને દાક્તર જુદા નથી. દરદી દાક્તરનું જ બીજું રૂપ છે! આગળ જતાં દરદી દાક્તરને કહે છે: ‘મને તારા પર બહુ ઓછો વિશ્વાસ છે, કેમ વળી, તું તો અહીં વંટોળિયે ઊડીને આવી પડ્યો એટલે આવ્યો, તું કાંઈ તારા પોતાના પગે ચાલીને તો નથી આવ્યો. મને મદદ કરવાને બદલે તું મારી મરણપથારીમાં ભીડ કરવા મંડ્યો….મેં આ દુનિયામાં કાંઈ ઉપજાવ્યું હોય તો ફક્ત આ મઝાનું ઘારું, બસ આ દુનિયાને એટલી જ મારી દેન છે.’ અન્તમાં, પાછા ફરતી વેળાએ, દાક્તર કહે છે: ‘નવસ્ત્રો, સૌથી દુખિયારા આ જમાનાનાં હિમથી ઠૂંઠવાતો, પાથિર્વ રેંકડીમાં અપાથિર્વ ઘોડાંને પનારે પડેલો હું બુઢ્ઢો આદમી, આડોઅવળો અટવાતો ફરું છું.’
આ વાક્યો આપણા મનમાં, વાર્તામાંના સન્દર્ભને અતિક્રમીને, ધ્વનિનાં, ક્રમશ; વિસ્તરતાં જતાં, આવર્તનો ઉપજાવ્યે જાય છે. આથી, જે રચનાને પરિણામે આ ધ્વનિ ઊપજે છે તેને આપણે તપાસીએ. અહીં આપણે કરેલો ‘દુર્ગ’નો પરિચય આપણને ખપમાં આવશે.
વાર્તાની શરૂઆતમાં જ દાક્તર કહે છે: ‘હું ભારે મૂંઝવણમાં હતો.’ પહેલા જ વાક્યમાં વાર્તાનો મુખ્ય સૂર પકડાઈ જાય છે. વાર્તા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ આ મૂંઝવણ ઉત્કટ બનતી જાય છે, ને તે એટલે સુધી કે અન્તમાં દાક્તર હતાશ થઈને બોલી ઊઠે છે: ‘દગો, દગો! હું છેતરાયેલો જીવ છું. રાતવેળા ઘંટડીની ખોટી ધા સાંભળીને એક વાર જવાબ વાળ્યો એટલે ખલાસ – એ ભૂલ સુધરવાની નહીં, કોઈ કાળેય નહીં!’ ‘દુર્ગ’માં છેલ્લે જાકારો દઈને વિશ્રાન્તિગૃહની માલકણ બાઈ કને હાંકી કાઢે છે. તેનો જ અહીં પડઘો પડતો સંભળાશે.
‘દુર્ગ’માંનો મોજણીદાર વાર્તાના અન્ત સુધી મોજણીદાર તરીકે પોતાની સ્થાપના કરી શકતો નથી, એથી ઊલટું, સામાન્ય ઝાડુ વાળનારની અધોગતિ સુધી એ લપસતો જાય છે; અહીં પણ દાક્તર શરૂઆતથી જ પોતાની લાચારી પ્રકટ કરતો રહે છે. એનો પોતાનો ઘોડો તો મરી પરવાર્યો છે. અપાથિર્વ ઘોડાં પર એનો કાબૂ નથી. દરદીનો રોગ એ પહેલાં પારખી શકતો નથી. નાનાં છોકરાં સુધ્ધાં એની હાંસી ઉડાવે છે. આખરે દરદી ભેગો, એની સાથે સમાનકક્ષ બનીને, સૂઈને એ દરદીનો ઘા પારખે છે. પણ એ ઘા રુઝાવવાની એની શક્તિ નથી. ઊલટાનો એ એમ કહે છે: ‘મારી સ્થિતિય કાંઈ ઓછી કપરી નથી.’ એ નવસ્ત્રો થઈને, વ્યક્તિત્વની બધી જ વિશિષ્ટતા ખોઈ બેસીને, ઉપહાસ સહન કરતો, પાછો વળે છે. ઘોડાંને ડચકારો કરીને દોડાવવા મથે છે, પણ ઘોડાં તો સાવ ધીમી ગતિએ, પગ ઢસડતાં ચાલે છે, ને બરફથી છવાયેલા વિસ્તારમાં એને ક્યાંય આરો દેખાતો નથી. કની અગતિકતાને મળતી આવે એવી જ આ અગતિકતા છે. અહીં પણ સમય અને સ્થળનાં પરિમાણ આપણને પરિચિત સમય અને સ્થળનાં નથી. ઘટના જેમાં બને છે તે માધ્યમ જ બદલાઈ ગયેલું લાગે છે.
ઘટનાના રચનાક્રમમાં સાંકેતિકતા રહેલી છે, ને વાર્તા બીજી વાર વાંચીએ છીએ ત્યારે એની બાહ્ય ઉટપટાંગ વિશૃંખલતાના છદ્મવેશની પાછળ રહેલા બીજા રૂપની રેખાઓ ધીમે ધીમે સ્પષ્ટ થતી આવે છે. ગદ્યના ઘડતરની દૃષ્ટિએ જોતાં સ્પષ્ટ થશે કે કાફકા વાક્ય અને વાક્યને જોડવા માટે ‘અને’નો ઉપયોગ ભાગ્યે જ કરે છે, એને બદલે, આગલાં વિધાન કે ઘટનાનો વિરોધ કરનાર, એનો છેદ ઉડાવનાર ‘પણ’નો ઉપયોગ જ એ વધારે પ્રમાણમાં કરે છે. દાક્તર પોતાનાં સાધનોની પેટી સાથે, હૂંફાળો રૂવાંટીવાળો ઊની કોટ ચઢાવીને તૈયાર થઈને ઊભો છે, પણ રેંકડીને જોડવા ઘોડો નથી. નોકરડી ઘોડો શોધવા ગામમાં ગઈ છે, પણ દાક્તર જાણે છે કે ઘોડો મળવો અશક્ય છે. દરદી દશ માઈલ દૂર રાહ જોતો પડ્યો છે, પણ એની ને દાક્તરની વચ્ચેના અવકાશને ભરી દેતી બરફની ગાઢ વર્ષા છે. રેંકડી ખરી પણ ઘોડો નહીં. ઘોડાં ખરાં પણ દાક્તરને ગાંઠે એવાં નહીં. દરદી ખરો પણ એને રોગ નહીં, – આમ આખી રચનાને બારીકાઈથી તપાસીશું તો શક્યતા વિશે સંદેહ ઉપજાવનાર કે એનો સમૂળો છેદ ઉડાવનાર ‘પણ’ જેવો શબ્દ જ અહીં અન્વયવાચક બની રહેતો લાગશે. કાફકાની સમસ્ત રચનાનું આ મૂળભૂત સ્વરૂપ છે.
એક બીજી વાત નજરે પડે છે તે આ: એક ને એક ઘટના જ છેલ્લે સુધી, વેશાન્તર છતાં, ચાલુ રહેલી કાફકા બતાવે છે. આ રીતે દૃશ્યોમાં કે પાત્રોમાં ક્રમિક પરિવર્તન થાય છે એમ નહીં પણ એક દૃશ્ય કે એક પાત્ર બીજા દૃશ્ય કે પાત્રમાં ઓગળી જતું, કલવાઈ જતું, લાગે છે. આથી, પરિવર્તનમાં જે કાર્યકારણની કડી પકડી શકાય છે તે કડી, અહીં પકડી શકાતી નથી. એક રીતે જુઓ તો દાક્તર અને પેલો અપાથિર્વ સાઇસ એ બે ભિન્ન નથી. આ અભિન્નતા સૂચવતાં દાક્તર કહે છે: ‘તમારા પોતાના ઘરમાં તમને શું જડશે તેની જ તમને કદી ખબર પડતી નથી.’ સાઇસ જાણે દાક્તરનું જ પૂરક વ્યક્તિત્વ (counterpart) છે: દાક્તરનો ઘોડો મરી ગયો છે – ઠંડીમાં જીર્ણશીર્ણ થઈને, સાઇસનાં ઘોડાં તગડાં છે, પાણીદાર છે, બારણાંમાંથી જેમતેમ સંકોચાઈને બહાર નીકળે છે; દાક્તર પોતાના જ ઘરમાં આટલાં વરસ સુધી રહેતી ફૂટડી રોઝને ઓળખતો નહોતો, સાઇસ રોઝને જોતાંની સાથે જ એને બચકું ભરીને દાંતથી સ્વાધિકારના સ્વાક્ષર એના મોં પર પાડી દે છે; દાક્તર લગભગ ઊંચકાઈને ફટાફટ ભાંગીતોડીને ઘરમાં પ્રવેશે છે; સાઇસ રોઝે વાસી દીધેલાં બારણાં ફટાફટ ભાંગીતોડીને ઘરમાં પ્રવેશે છે; સાઇસનો એનાં ઘોડાં પર કાબૂ છે, એના ડચકારવાની સાથે ઘોડાં દોડવા માંડે છે; દાક્તર દરદીને ઘરેથી પાછાં વળતાં ઘોડાંને ઝડપથી દોડાવવા ડચકારે છે, પણ ઘોડાં એનો એ આદેશ જાણે કાને ધરતાં જ નથી. દાક્તર પોતે જે પરિસ્થિતિમાં મુકાયો છે તેને વિશેની સ્પષ્ટ જાણકારી ધરાવે છે, છતાં એ પરિસ્થિતિમાં પોતાને તણાઈ જવા દે છે; એ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનું એનાથી બનતું નથી. ડુક્કરખાનાનું બારણું ખૂલતાં જ સાઇસ દેખાયો તેમ ઘોડાંએ પગ ઉપાડ્યો કે તરત જ દાક્તર દરદીના ઓરડામાં જઈ પહોંચ્યો. દરદીના ઘરની પરિસ્થિતિ અને દાક્તર દરદીને ત્યાં આવવા નીકળ્યો તે વેળાની પરિસ્થિતિને હવે સરખાવવી જોઈએ: ચારે બાજુ વિસ્તરેલા બરફને સ્થાને હવે ચાંદની છે. બરફ જો અપારદર્શી છે, તો ચાંદનીનેય એની આગવી સન્દિગ્ધતા છે, બહારનો સમાજ દાક્તર પ્રત્યે પહેલી પરિસ્થિતિમાં ઉદાસીન હતો. દાક્તરને કોઈ ઘોડો આપવા તૈયાર નહોતું. દાક્તર દરદીના ઘરમાં પ્રવેશે છે ત્યારે એને આવી જ ઉદાસીનતાનું વાતાવરણ આવકારે છે. દરદી એને બાઝી પડીને કહી દે છે: ‘મને મરવા દો!’ રોઝને સાઇસના હાથમાંથી બચાવવાને બદલે પોતે આવી પરિસ્થિતિમાં આવી પડ્યો, ને એમાં પોતાની નિરર્થકતા ને બિનજરૂરિયાતનો એને અનુભવ થયો. આ કાવતરું ભગવાનનું જ રચેલું હોવું જોઈએ એવો એ ઉદ્ગાર કાઢે છે. જો એમ ન હોય તો એકને બદલે બે ઘોડાં ક્યાંથી આવી મળે? ને સાઇસ, પણ ક્યાંથી આવે?
અહીંથી વળી પરિસ્થિતિ બદલાઈ છે. ઘોડાંઓ કોણ જાણે શી રીતે, છૂટીને દરદીના ઓરડાની બારી આગળ આવી ચઢે છે, બારી ખોલી નાંખે છે ને અંદર ડોક લંબાવી લંબાવીને હણહણીને દાક્તરને કશુંક સૂચવી રહ્યાં છે, દાક્તર એમ સમજે છે કે ઘોડાંઓ એને ઘરે જવાનું કહી રહ્યાં છે, ને એ ઘરે જવા ઊઠે છે ત્યાં આજુબાજુનાં લોકોનું વર્તન બદલાય છે. દરદીની બહેન દાક્તરનો કોટ ઉતારી જાય છે, દરદીનો બાપ દાક્તરને દારૂ પાઈને ખભે વાત્સલ્યથી થાબડે છે. આમ છતાં દાક્તરની ગૂંગળામણ તો દૂર થતી જ નથી. એ કહે છે: ‘એ બુઢ્ઢાના મનની સાંકડી દુનિયામાં હું અસ્વસ્થ થઈ ગયો હતો.’ અહીં આપણને પરિચિત અવકાશના પરિમાણને સ્થાને કાફકા માણસના મનની અંદરના વિચારના અવકાશના પરિમાણને આપણી આગળ રજૂ કરે છે. દરદીનાં સગાંના સન્તોષ ખાતર એ એની છાતીએ કાન માંડીને રોગ તપાસે છે, પણ એને કશો રોગ લાગતો નથી, એ ફરી જવા તૈયાર થાય છે ત્યાં પેલાં ઘોડાંઓના હણહણાટમાં એ દરદીને ફરીથી તપાસવાનો આદેશ સાંભળે છે, ને બીજી તપાસમાં એ દરદીનો ઘા શોધી કાઢે છે. એ ઘાનું વર્ણન કરતાં કાફકા rose-red એવો સમાસ વાપરે છે ને એ રીતે રોઝ, રોઝના મોં પર સાઇસે બચકું ભરતાં પડેલો ઘા ને દરદીનો ઘા – આ ત્રણેયને વિલક્ષણ આકસ્મિકતાના દોરમાં ગૂંથી લે છે. એમાંના કીડાનું વર્ણન કરતાં દાક્તર કહે છે: ‘મારી ટચલી આંગળીના જેટલા જાડા, ગુલાબી રતાશવાળા(rose -red) ને લોહીની છાંટવાળા કીડા વ્રણના ઊંડાણમાંથી બહારના પ્રકાશ તરફ, ઝડપથી સળવળી, એમનાં મોં ને ઘણા બધા પગ હલાવીને ઉપર આવવા મથી રહ્યા હતા.’ આ વર્ણનથી કીડા જોડે દાક્તરને, રોઝને, ને ડુક્કરખાનામાંથી મહામુશ્કેલીએ તગડાં શરીરને સંકોચીને બહાર નીકળેલાં ઘોડાંઓને કાફકા એક દોરામાં પરોવી દે છે. આ અન્વય સાંકેતિક છે. સ્વપ્નમાં આવા વિલક્ષણ અન્વયથી આપણી વાસ્તવિક ઘટનાઓના ખણ્ડને આપણે ઘણી વાર જોડી દેતાં હોઈએ છીએ, ઘા સાથેની અને દરદી સાથેની દાક્તરની અભિન્નતા, દાક્તરને એનાં વસ્ત્રો, એના આગવા વ્યક્તિત્વને, એના દાક્તરપણાનાં વાઘાં ઉતારીને, દરદી ભેગો, વ્રણની નજીક સુવડાવી દેવામાં આવે છે ત્યારે વધુ સ્પષ્ટ બને છે. આ વેળાની દરદી સાથેની વાતચીતમાં આ અભિન્નતા વરતાય છે. દુનિયામાં સૌ કોઈને આ ઘા છે. અરે, એટલું જ નહિ, એ ઘા થાય એટલા માટે ઘણાં તો સામેથી પડખું ધરે છે! આ ઘા તે પોતાને વિશેની વિશદ સંવિત્તિની અતિ માત્રાનો પેલો પુરાણો ઘા, પેલી પુરાણી માંદગી! આખરે નવસ્ત્રો બનીને, ફરી બરફના તોફાનમાં, દાક્તર રોઝને સાઇસથી બચાવવા અધીરો બનીને દોડે છે. પોટલું રેંકડીમાં ફગાવે છે, પોતે એક ઘોડા પર બેસી જાય છે ને એનો રૂવાંટીદાર ઊની કોટ માંડ ખીલામાં ભેરવાઈને રગદોળાતો પાછળ આવે છે! પાછળ બાળકોનું ઉપહાસભર્યું ગીત સંભળાય છે.
ઘટનાઓની એકબીજામાં ભળીને ઓગળી જવાની આ વિલક્ષણતા જ વાર્તાનું હાર્દ છે. અહીં જાણે કે પોતાને વિશેની વિશદ સંવિત્તિની અતિમાત્રાના કદી ન રુઝાનારા વ્રણનો અંગીકાર કરવા સિવાય બીજું કશું કરવાનું રહેતું નથી. ગાડી પોતાની ખરી (જીવન પોતાનું ખરું), પણ એને જોડેલાં ઘોડાં અપાથિર્વ (જીવનનું ચાલક બળ અદૃષ્ટ)! આવી પરિસ્થિતિમાં કોઈ પોતાનું પોતાપણું સ્થાપી શકે નહિ, નવસ્ત્રા થઈને નિરુદ્દેશ પ્રત્યાવર્તનને જ સ્વીકારી લેવાનું રહે.
આ પ્રકારની, સ્વપ્નમાં હોય છે તેવા ઘટનાઓના વિલક્ષણ અન્વયની, રૂપયોજનાથી કાફકા આ નાનીશી નવલિકામાં સંકુલ સંકેતોની શક્યતા ઊભી કરીને, આ નાના કથાસ્વરૂપને અનોખા ગુરુત્વથી નવાજે છે. આ symbolic density એકીસાથે આ વાર્તાના અનેક પ્રકારના આસ્વાદને શક્ય બનાવે છે.
એક વાત તો સ્પષ્ટ છે: અહીં એક પ્રકારની વન્ધ્યતા, નિષ્ક્રિયતા કે અગતિકતાનો સંકેત છે, આને જ કારણે આત્મછેદન (self-castration) આવે છે. આ આત્મછેદનની વાત દાક્તરની, લાચારીથી ઉશ્કેરાઈને દરદીઓની આંખો ખેંચી કાઢવા ઇચ્છે છે, એ હકીકતથી સૂચવાય છે.
આ વાર્તામાંના અર્ધસ્પષ્ટ સંકેતો જે ધ્વનિવિસ્તાર કરે છે તે પૈકીના થોડાકનો અહીં વિચાર કરીએ. ‘દુર્ગ’નો નાયક ક દુર્ગના સત્તાધીશોના નિયન્ત્રણ નીચે રહેવા છતાં દુર્ગની સત્તાને પડકારે છે, તે વાર્તાના અન્ત સુધી જતાં ક્રમશ: દુર્ગની ભ્રાન્તિને ગામના લોકો આગળ પણ સ્પષ્ટ કરતો રહે છે. Transcendental તત્ત્વની સામેના પડકારના પુરુષાર્થના પ્રતાપે જ એ પોતાનું આગવાપણું નિશ્ચિહ્ન બનવા દેતો નથી, ઠેઠ સુધી એને જાળવવા મથતો રહે છે. અહીં એવું નથી, અહીં પોતા પ્રત્યે ઉદાસીન, પ્રતિકૂળ અસંગત એવા પરિવેશની વચ્ચે પોતે છે એની સ્પષ્ટ સંવિત્તિ દાક્તરને છે, સાઇસ રોઝના પર બળાત્કાર ગુજારશે તે પણ એ જાણે છે, છતાં એ સંકલ્પથી નિર્ણય કરી શકતો નથી, ને એને પરિણામે એ નિષ્ક્રિય રહે છે, એનું આત્મછેદન થાય છે. બાહ્ય પરિવેશ સાથેની તત્સમતા કેળવીને, વનસ્પતિ ભેગા વનસ્પતિ થઈને જીવવામાં મનુષ્યનું મનુષ્યત્વ સિદ્ધ થઈ શકતું નથી. આ અદૃષ્ટ ચાલક બળ વચ્ચે સંકલ્પથી નિર્ણય કરી કાર્ય કરવું, ને એ કાર્ય દ્વારા પોતાની વ્યાખ્યા બાંધવી, પોતાને સર્વસાધારણ નિશ્ચિત્તતામાંથી ઉગારીને આગવી વિશિષ્ટતાથી પ્રતિષ્ઠિત કરવો, ને એ રીતે પોતાનાં મૂલ્યો પોતે ઉપજાવવાં, નહીં કે મૂલ્યોને ગૃહીત તરીકે સ્વીકારીને કોઈ નિવિર્કારી કૂટસ્થ તત્ત્વના નિયન્ત્રણ નીચે પોતાને કેવળ એના સાધન તરીકે વધેરી દેવો. કૅમ્યૂ આને જ અસંગતિની સામેનો વિદ્રોહ કહે છે. આ વિદ્રોહમાં જ માણસ માણસ વચ્ચેની માણસાઈનો તન્તુ સંધાય છે. આથી જ કૅમ્યૂની સૃષ્ટિમાં પ્રખર પ્રકાશતો, ને એની પ્રખરતાથી જ આંખને ઝંખવી નાંખીને ભ્રાન્તિ ઊભી કરતો સૂર્ય વર્ચસ્ ભોગવી શકતો નથી, કૅમ્યૂની સૃષ્ટિમાં પ્લેગ છે, પણ એનો પ્રતિકાર પણ છે. અહીં એ પ્રતિકાર વિનાની, ચારે બાજુ જામેલા ગાઢ બરફની વન્ધ્યતાનું જ વર્ચસ્ કાફકા બતાવે છે. દાક્તર પાસે પોતા વિશેની સ્પષ્ટ સંવિત્તિ છે, પણ એથી આગળ વધીને સંકલ્પબળથી પોતાનો નિર્ણય (choice) પોતે કરી શકતો નથી; એ નિર્ણયને અનુસરીને કાર્ય કરી શકતો નથી, ને એ કાર્ય દ્વારા પોતાનું સ્વત્વ (essence) સિદ્ધ કરી શકતો નથી. આથી કેવળ વિશદ આત્મસંવિત્તિનો વ્રણ (agony) જ એને ફાળે રહે છે. અહીં એ કેવળ ઘટનાઓથી ઉત્તરોત્તર ખવાઈ જાય છે. આધુનિક કથાસાહિત્યની આ એક વિલક્ષણતા નોંધપાત્ર છે: એમાં પરિસ્થિતિ પાત્રનું સ્થાન લે છે ને પાત્રો પરિસ્થિતિનું સ્થાન લે છે. મનોવિશ્લેષણાત્મક પરીક્ષણ વન્ધ્યતાના સંકેતને જ પુષ્ટિ આપે, પણ એની વિગતમાં ઊતરવું અહીં પ્રસ્તુત નથી.
પણ એક રીતે જુઓ તો આ વન્ધ્યતા અનિવાર્ય નથી બની રહેતી? કૅમ્યૂએ પણ આખરે તો એની નવલકથા ‘ધ પ્લેગ’માંના દાક્તર પાસે ઉચ્ચારાવ્યું છે: ‘આ પ્લેગ ફરી નહીં આવે એની શી ખાતરી!’ વન્ધ્યતાને ટાળવા વિદ્રોહ, ને વિદ્રોહની સ્થિતિ નહીં હોય તો વળી વન્ધ્યતા માટે પ્લેગ પણ જરૂરી! વિદ્રોહની ભૂમિકા પ્લેગ જેવી કોઈ અદૃષ્ટપ્રેરિત બાહ્ય ઘટનાના પર જ અવલંબે એવુંય શા માટે? ડુક્કરખાનામાંથી સાઇસ એનાં ઘોડાઓ સાથે નીકળી આવ્યો – આપણા જર્જરિત ડુક્કરખાનાને આપણે લાત મારીએ એટલી જ વાર! પછી આપણી રોઝ સહીસલામત નહીં રહે, ને એ ઘોડાં આપણને પણ આપણા વ્રણની શોધમાં બહાર તગેડી લઈ જાય. ‘મેટામોર્ફોસિસ’ નામની કાફકાની પ્રખ્યાત વાર્તાનું પાત્ર જ્યોર્જ સામ્સા કહે છે: ‘હું માણસ છું, પણ જન્તુ છું.’ માણસ હોવાને કારણે જ જે વિશદ આત્મસંવિત્તિ એને પ્રાપ્ત થઈ તેને પ્રતાપે જ એણે પોતાનું જન્તુપણું પારખ્યું! કાફકા આવા કશાક વ્યંગને ચીંધે છે.
નિત્શેએ આ વાર્તા વાંચી હોત તો કદાચ કહ્યું હોત: ‘આ વાર્તા ભગવાનની વન્ધ્યતાની, ઈશ્વરના મૃત્યુની વાર્તા છે. દાક્તર એ ભગવાનનું જ જાણે ઠઠ્ઠાચિત્ર છે. એને પોતાનું વાહન છે, પણ એ વાહનને ખેંચનાર એનો અશ્વ મરી પરવાર્યો છે; એની પાસે દાક્તરીનો સરંજામ છે – જમાનાઓથી સ્થાપેલા ધર્મ, નીતિ અને શાસ્ત્રોનાં સાધનો છે – પણ દરદીનો રોગ પારખવામાં એ કશા ખપમાં આવતો નથી. રોઝ જેવી ફૂટડી યુવતી એની જ નોકરડી છે, પણ એના અસ્તિત્વનું ભાન થતાંની સાથે જ એના પર દાક્તરનો કશો કાબૂ રહેતો નથી, એનો કબજો તો સાઇસ લઈ લે છે – પ્રેમ, સ્વાર્પણ વગેરે ભાવનાઓની વાતો જમાના સુધી ઉચ્ચારવા છતાં આદિમ અન્ધ બળોનું આપણા પરનું વર્ચસ્ ઘટતું નથી, માટે તો રોઝના મુખ પર બચકું ભર્યાનો ઘા છે, દરદીના અંગ પર ગુપ્ત વ્રણ છે, ને દાક્તરની સ્થિતિ દરદીથીય કપરી છે! આથી જ ઠાકોરજીના બધા વાઘા ઉતારી લેવામાં આવે છે, દરદી જોડેની એની સમાનકક્ષતા પ્રકટ કરવામાં આવે છે, ને આમ એને પદભ્રષ્ટ કરીને ગાઢા બરફના વન્ધ્ય વિસ્તારમાં રઝળતા કરી મૂકવામાં આવે છે. એની પાછળ ઉપહાસ રણકી રહે છે. હવે રોઝ સાઇસની છે, સાઇસના હાથમાં બધા દોર છે, દાક્તરનો ઉત્તરાધિકારી જ હવે ફાવી જવાનો છે. ‘દુર્ગ’માં જેમ ક ક્રમશ: ‘દુર્ગ’ની ભ્રાન્તિનો આવિષ્કાર કરતો જાય છે ને માનવીય સન્દર્ભની બહાર રહીને માનવવ્યવહારનું નિયન્ત્રણ કરનાર નિયતિનો ભાંડો ફોડે છે તેમ અહીં દાક્તરના વ્યંગચિત્ર દ્વારા કાફકા ફરી વાર ઈશ્વરને પદભ્રષ્ટ કરે છે, પણ એ પદભ્રષ્ટતાનો વ્રણ આપણા અંગ પર રુઝાતો નથી! મનુષ્યની એકલતા, હદપારી – એની વેદનાનો વ્રણ કાફકા ફરી ફરી ઉઘાડો કરીને બતાવે છે.
પૃથ્વી પોતાની ધરી પર ફરતી ફરતી સૂર્યની પ્રદક્ષિણા પણ કરે છે. એક સાથે થતી આ બે પ્રકારની ગતિથી આપણાં દિવસરાત અને ઋતુઓનું નિર્માણ થાય છે. કાફકાની રચનાકળામાં પણ આવી, એક કરતાં વિશેષ, એક સાથે થતી ગતિઓની શક્યતા વરતાય છે. કેવળ સમયનાં ને અવકાશનાં બે બિન્દુ વચ્ચેની અવસ્થિતિ duration રૂપે વાસ્તવિકતાને ગોઠવી જાણનાર વ્યાકરણ ભાષાને સીધી લીટીમાં વિસ્તારે છે. આપણી ભાવજગતની ભૂમિતિના આકારો, માત્ર આ સીધી લીટીના માપથી, માપી શકાય એવા હોતા નથી. આથી જ સર્જકને પોતાની રચનાકળા પર ઘણો આધાર રાખવો પડે છે. વ્યાકરણના અન્વયના ચોકઠામાં રહીને એને બીજો, સંકુલ પ્રકારનો, અન્વય પ્રકટ કરવાનો હોય છે. વળી, સીધી લીટીએ આંકવામાં આવતી વાસ્તવિકતા એ તો છબીની ‘નૅગેટિવ’ માત્ર છે; આપણી સંચિત સંવિત્તિ – જે કેટલાંય સ્મૃતિ, અધ્યાસ, સંસ્કાર, પ્રમિતિની બનેલી છે – ના દ્રાવણમાં એને ઝબકોળીએ ત્યારે એની પૂરી છબી આપણી આગળ પ્રકટ થાય છે. આથી જ કાફકામાં આપણી સપાટી પરની બુદ્ધિસંચાલિત ચેતનાની નીચેના અનેક સ્તરના ચૈતન્યનાં આવર્તોનો સંચાર પણ વરતાય છે. પહેલા વિશ્વયુદ્ધ પછીની નિર્ભ્રાન્ત મનોદશાએ ઘણા વખતથી ભયના માર્યા વાસી રાખેલા, કેટલાય ઓરડા ખોલી નાંખ્યા. સર્જકની સૂક્ષ્મ સંવેદનશીલતાએ ચેતનાને બધે સ્તરે બાહ્ય વાસ્તવિકતાની છાપ ઝીલી, એની સાથે જુગજુગ જૂની માનવીની સામૂહિક ચેતનાની ધારા પણ ભળી ગઈ, ને એમાંથી આદિમ મૂળભૂત આવેગોની કેટલીક છબીઓ સરજાઈ. આ વાર્તામાં ગોટેગોટા બાફથી ઢંકાયેલાં પેલાં બે ઘોડાં, અધૂકડો બેઠેલો સાઇસ, બરફનો ગાઢો વિસ્તાર, દરદીનો વ્રણ, એમાં સળવળતા કીડા, ફરી ફરી બારીમાંથી ડોક લંબાવી હણહણતાં ઘોડાં, દરદીની બહેનના હાથમાંનો લોહીમાં તરબોળ ટુવાલ, રોઝના મોઢા પરનું બચકું – આ બધું એક પછી બીજામાં કલવાતું આવે છે તે કોઈ નિશ્ચિત ક્રમની સીધી રેખાએ નહિ. આપણી ચેતનાનાં ઊંડાં સ્તરોમાં આ છબીના પડછાયા પથરાઈ રહે છે, ને તેથી જ, બુદ્ધિનિમિર્ત વિભાવનાઓનાં ચોકઠામાં આ બધું સહેલાઈથી ગોઠવાઈ નહિ જતું હોવાથી, આપણે એને ઉટપટાંગ કહી દઈએ છીએ ખરાં; પણ બીજી જ પળે એ છબીના પડછાયાઓ આપણામાં ઠેઠ સુધી વિસ્તરીને એની જોડેનો આપણો પ્રાથમિક પરિચય તાજો કરતા હોય છે. બુદ્ધિના સુવ્યવસ્થિત શાસનમાંથી બહારવટું ખેડનારા આપણા કેટલાક વાસનાઆવેગો ચેતનાને ભોંયતળિયે પોતાની આગવી સૃષ્ટિને વિસ્તારી રહ્યા છે. એની જોડેની જન્મનાળ આપણે છેદી નાંખી છે એમ આપણે ભલે માનતા હોઈએ; પણ જ્યાં સુધી સ્મૃતિ છે, અધ્યાસ છે, સંસ્કારો છે, ત્યાં સુધી એવું છેદન શક્ય નથી. કાફકામાં આ આપણી યથાર્થતાનું નવું પરિમાણ ઉમેરાય છે. કાફકાની રચનાકળા વસ્તુનિરૂપણમાં જ રહસ્યસ્ફોટન કરતી આવે છે. આથી એની રચના ને એનું રહસ્ય એ બન્ને અભિન્ન બનવાની હદે પહોંચે છે. આથી નવલિકા જેવા લઘુ સાહિત્યસ્વરૂપની ક્ષિતિજો અહીં વિસ્તરતી અનુભવાય છે.
ક્ષિતિજ: ઓક્ટોબર, 1960