ચૈત્ર સુદ ત્રીજને દહાડે કુમારિકાઓ ગણાગોરનું વ્રત કરે. ગુણિયલ વરની વાંછાવાળી કુમારિકા આ વ્રત લે છે.
બા ઘઉંના લોટના સકરપારા કરી આપે. એ સકરપારાને ગમા કહેવાય. ગૌરીને મંદિરે કન્યા બે ગણા ધરે, રૂનો નાગલિયો (હારડો) ચડાવે, કંકુ આલેખે, ને પછી ગાય :
ગૌર્ય ગૌર્ય માડી
ઉઘાડો કમાડી
પેલડા પો’રમાં ગોર મા પૂજાણાં
પૂજી તે અરજીને
પાછાં તે વળી વળી આવો રે ગૌર્ય મા !
ફરી કરું શણગારજી રે.
હે મા ગૌરી ! લાવો, હું તમને ફરીથી શણગાર સજાવું.
ગોર મા તો કહે : મારે તો પગ આંગળીએ વીંછિયા, સોનાનાં માદળિયાં વગેરેનો શણગાર જોઈએ.
આંજરાં સોઈ
મારે પાંજરાં સોઈ
મારે વીંછીડે[1] મન મોહ્યાં રે
વીંછીડાના અળિયાં દળિયાં
સોનાનાં માદળિયાં રે
સોનાનાં માદળિયાંને શું કરું,
મારે નદીએ નાવાં જાવું જી રે.
આગરીએ ઘૂઘરીએ
ગૌર્ય શણગારી
બાપે બેટી ખોળે બેસારી.
કિયો વર કિયો વર
કિયો વર ગમશે ?
ઈશવરને ઘેર રાણી પારવતી રમશે.
ચોથલે છ માસ મારી આંખ દુઃખાશે
પાટા પીંડી કોણ રે કરશે !
અધ્યારુનાં ધોતિયાં પોતિયાં
છોકરાં રે ધોશે.
ગૌર્ય માની છેડી પછેડી
છોકરિયું રે ધોશે.
દીકરીને ખોળામાં બેસારી બાપ જાણે પૂછે છે કે બેટા, તને કિયો વર ગમશે ?
હે પુત્રી, તું વર-ઘેરે ગયા પછી ચાર-છ મહિને મારી આંખો દુઃખશે ત્યારે મને પાટાપીંડી કોણ કરશે ?
- વીંછી : પગની આંગળીઓ પર પહેરવાના રૂપાના વીંછિયા. ↵
Feedback/Errata