સુરેશ જોષીની વિવેચના (પૂર્વાર્ધ)
કોઈ પણ ઉત્તમ કવિવિવેચકના વિવેચન વિશે જે કહી શકાય તે સુરેશ જોષીના વિવેચન વિશે પણ કહી શકાય. તેઓ ભારતીય ભાષાઓના એક ઉત્તમ સર્જક હતા અને સર્જકની હેસિયતથી સર્જનપ્રક્રિયા વિશે, કાવ્યના સ્વરૂપ-પ્રયોજન વિશે, કૃતિ અને કૃતિગત વિશ્વ વિશે, આપણા સમયમાં સર્જકના ઉત્તરદાયિત્વ વિશે કે પછી ભારતીય સાહિત્ય-વિશ્વસાહિત્ય વિશે જે જે પ્રશ્નો મનમાં જાગતા ગયા તેમ તેમ તેમના વિશે કરેલો વિચારવિમર્શ તેમની વિવેચના રૂપે પ્રગટ થયો. એક રીતે કહીએ તો પ્રત્યેક સર્જકમાં વિવેચક પ્રગટપણે કે અપ્રગટપણે હોય છે જ અને હોવો પણ જોઈએ. એ જાગ્રત વિવેચક પેલા સર્જકને દિશાઓ ચીંધતો હોય છે. આ ઉપરાંત તેમના ઉપર રવીન્દ્રનાથથી માંડીને આ કવિની કાવ્યરુચિ જે બોદલેરને સ્વીકારી શકી ન હતી તે બોદલેર અને દોસ્તોએવ્સ્કી, કૅમ્યૂ, કાફકા, સાર્ત્ર જેવા અસ્તિત્વવાદી સર્જકો, રિલ્કે જેવા વીસમી સદીના એક ઉત્તમ ઊમિર્કવિ વગેરેનો ભારે પ્રભાવ પડ્યો હતો; આ સર્જકોએ એમના ચિત્તમાં સર્જન વિષયક જે જે પ્રશ્નો ઊભા કર્યા એનો વિચારવિસ્તાર પણ આ વિવેચનમાં થયેલો જોઈ શકાશે. દૃશ્યકળાઓ વિશેના સંસ્કારો વડોદરાની ફાઇન આર્ટસ ફેકલ્ટી અને તેના કળાકાર મિત્રો દ્વારા પ્રાપ્ત થયા. હજુ એથી આગળ જઈને કહીએ કે પ્રત્યેક ઉત્તમ સર્જક-વિવેચકમાં ચિંતક પણ વસતો હોવો જોઈએ, એક જમાને સાહિત્યવિવેચનમાં ગાળરૂપ બની ગયેલો શબ્દ ‘દર્શન’ વાપરીએ તો પ્રત્યેક સર્જકમાં દર્શન અનિવાર્ય છે. ભટ્ટ તૌતને એમ અભરાઈ પર ચડાવી ન દેવાય, તો તો પછી રોમન ઇન્ગાર્ડન, મેર્લો પોન્તિ સમેત ઘણા બધાને બાજુ પર મૂકી દેવા જોઈએ. સુરેશ જોષીને સૌથી મોટો લાભ એ હતો કે યુવાવસ્થાના આરંભથી જ એમને તત્ત્વજ્ઞાનનો નાદ લાગ્યો હતો. સાથે સાથે એમના બે મિત્રો: રસિક શાહ અને જયંત પારેખ. રસિક શાહ એમને તત્ત્વજ્ઞાનનાં એક પછી એક જગત દેખાડતા ગયા. સ્વતંત્રતા પૂર્વે આજીવિકા માટે સુરેશ જોષી કરાંચી ગયા હતા ત્યારે ત્યાંનું પુસ્તકાલય સમૃદ્ધ હતું, ત્યાં રહીને તેઓ વાંચ્યે જ ગયા, વાંચ્યે જ ગયા. એવું જ બીજું એક સમૃદ્ધ પુસ્તકાલય મુંબઈની સિદ્ધાર્થ કોલેજનું. જયંત પારેખ એવા જ અકરાંતિયા વાચક, વાંચી વાંચીને સુરેશ જોષીને માટે યુરોપ-અમેરિકાનું સાહિત્ય ઘરઆંગણે ઠાલવી દીધું. સુરેશ જોષીની સર્જકતા-ભાવકતાને પુટ ચઢાવવામાં આ બે મુંબઈગરા મિત્રોનો ઘણો મોટો ફાળો.
સુરેશ જોષીની વિવેચનપ્રવૃત્તિનો આરંભ તો ‘વાણી’ સામયિકમાં પ્રગટ થયેલાં લખાણોથી થઈ ચૂક્યો હતો. કાવ્ય, વાર્તા અને નિબંધ – એક રીતે જુઓ તો આ ત્રણે સ્વરૂપો તેમના હાથે 1955ની આસપાસ આરંભાયાં હતાં અને સૌથી વધુ સર્જનાત્મકતા ‘જનાન્તિકે’ના નિબંધોમાં પ્રગટી, અહીં જોવા મળેલી વ્યક્તિતા કાવ્ય, વાર્તા અને વિવેચનલેખોમાં પણ પ્રસરતી રહી. ભલે તેમણે રૂપરચનાવાદી અભિગમનો મહિમા ગાયો, ભલે ગુજરાતના સાહિત્યજગતે આ વાદને તેમની વિવેચનાના પર્યાય રૂપે ઓળખાવ્યો અને છતાં તેમનો અભિગમ પહેલેથી – ફોડ પાડ્યા વિના – ફિનોમિનોલોજીકલ રહ્યો હતો. સામાન્ય રીતે આ બે વાદનો સમન્વય કરવો અશક્ય નહીં તોયે મુશ્કેલ તો છે; ચૈતન્યલક્ષી વિવેચકોએ રૂપરચનાવાદનાં કેટલાંક ગૃહીતોનો સ્વીકાર કરીને કૈંક અંશે આવો સમન્વય કર્યો હતો ખરો.
આમ તો જ્યારે તેમનું આગમન ગુજરાતી સાહિત્યજગતમાં થયું ત્યારે આધુનિકતાનાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો પ્રગટી ચૂક્યાં હતાં. ગુજરાતી સર્જકે પોતાની રચનાઓને મૂલવવા માટે વિશ્વસાહિત્યનાં ધોરણોને સામે રાખવાં જોઈએ એ વાત છાપરે ચઢીને બ.ક.ઠાકોરે છેક વીસમી સદીના આરંભથી કરી હતી; તેમને પણ ગુજરાતી સાહિત્યની મર્યાદાઓ ખૂબ જ ખટકતી હતી, સોઈઝાટકીને – સ્પષ્ટવક્તા બનીને ગુજરાતી સાહિત્યની મર્યાદાઓ ચીંધી બતાવવી જોઈએ એવો સત્ય-આગ્રહ સુરેશ જોષીને તો વારસામાં મળ્યો ગણાય. ‘કલ્લોલ’ જૂથના બંગાળી કવિઓ રવીન્દ્રનાથની કવિતાથી ફંટાઈને બોદલેરીઅન પુટવાળી કવિતા છેક ચાળીસીમાં લખી રહ્યા હતા, ગુજરાતી ભાષામાં ચાળીસીની આસપાસ હરિશ્ચન્દ્ર ભટ્ટ રિલ્કે, માર્શલ પ્રૂસ્તથી પ્રભાવિત થઈ ચૂક્યા હતા પરંતુ વચ્ચે રાજેન્દ્ર શાહની પ્રભાવશાળી કવિવ્યક્તિતાએ યુરોપીઅન પ્રભાવને થોડો દૂર ધકેલ્યો હતો.
સુરેશ જોષીને ગાંધીયુગના સાહિત્ય પ્રત્યે જ નહીં પરંતુ સો વર્ષના સમગ્ર અર્વાચીન ગુજરાતી સાહિત્ય સામે તીવ્ર અસંતોષ હતો. પરંતુ તેમનો એ અસંતોષ અતિશયોક્તિપૂર્ણ લાગે છે. ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ – પંડિતયુગ, ગાંધીયુગ અને રાજેન્દ્ર શાહ નિરંજન ભગત સમેત 1955 સુધીના સમયના સાહિત્યની સમૃદ્ધિ – શા માટે તેમના મનમાં વસી નહીં એ પણ એક પ્રશ્ન તો છે જ, તેમણે અવારનવાર ફરિયાદો કરી હતી કે 1960ની આસપાસના ગુજરાતી વિવેચને નવી પ્રતિભાઓને આવકારી ન હતી. પરંતુ એ જ ફરિયાદ બૂમરેંગ બનીને તેમની સામે પણ ઊભી રહી જાય છે.
ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિનો અસ્વીકાર કરીને એક પ્રકારનું ઉન્નતભ્રૂ વલણ દાખવ્યું, એમની સમગ્ર વિવેચનામાંથી પસાર થઈએ ત્યારે કેટલું ઓછું ભારતીય સાહિત્ય વિશે, ગુજરાતી સાહિત્ય વિશે જોવા મળે છે. જગતના ઉત્તમ વિવેચકોના ગ્રંથોમાંથી પસાર થનારને એટલો તો ખ્યાલ આવશે કે એ સૌ વિવેચકોએ પોતપોતાની પરંપરાના સર્જન-વિવેચનને આધારે સ્વકીય વિવેચનવિચાર સ્થાપ્યો છે, એને કારણે જે તે વિવેચનને એક વિશેષ પ્રસ્તુતિ સાંપડતી હોય છે. બીજું, તેમને ‘કરણ ઘેલો’ સામે કે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચના સામે વાંધો હોય તો સમજી શકાય પણ જે સર્જકો અંગત રીતે ગમ્યા હોય કે ગમવા જોઈએ એ બધાની સામેનું એક ઘેરું મૌન વર્ષોથી અકળાવનારું રહ્યું છે.
બીજી એક વાત માત્ર સુરેશ જોષીને લાગુ પડતી નથી, એ સૌ કોઈ ભારતીય વિવેચકોને લાગુ પડે છે. આપણા વિવેચકોની કૃતિલક્ષી ચર્ચા, અથવા મોટા ભાગની સૈદ્ધાન્તિક ચર્ચા આપણા વાચકોના લાભાર્થે જ છે – પરદેશી કૃતિઓની આ ચર્ચા જો અંગ્રેજીમાં મૂકવામાં આવે તો એ ત્યાંના વાચકોને કશું નવું દર્શન લાધી આપે એમ લાગતું નથી. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ સમગ્ર ભારતીય તત્ત્વજ્ઞાનની પરંપરા આત્મસાત્ કરી હતી એ કારણે તેઓ પોતાનાં લખાણોથી એડવિન આર્નલ્ડ વગેરેને પ્રભાવિત કરી શક્યા હતા; સુરેશ જોષીએ ‘બૂક્સ અબ્રોડ’માં જ્યારે રાવજી પટેલની કવિતા વિશે ખૂબ જ ઉષ્માપૂર્વક લખ્યું ત્યારે એ ત્યાંના વાચકોને પણ સ્પર્શી ગયું હતું. પરંતુ ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ પરનો સુરેશ જોષીનો લેખ ત્યાંના વાચકોને આકર્ષી નહીં શકે. એ રીતે જોઈએ તો આપણી પોતીકી પરંપરાઓ (ટી.એસ.એલિયટ ખૂબ સાચા હતા અને પરંપરાની વાતો કરનારા ગોવર્ધનરામ ત્રિપાઠીથી માંડીને ગાંધીયુગના સુંદરમ્ સુધીના બધા જ સર્જકો-વિવેચકો પણ સાચા હતા.) આત્મસાત્ કરીને આપણા સાહિત્યની, તત્ત્વજ્ઞાનની, કળાની વાત કરવી વધુ હિતાવહ.
ગુજરાત, ભારતમાં કે અમેરિકા યુરોપમાં વિવેચન સાથે અધ્યાપન સંકળાયેલું છે, એટલે જેટલી ગંભીરતાથી શિક્ષકો અધ્યાપન કરેકરાવે એના પર વિવેચનસમૃદ્ધિનો આધાર છે. ‘થિયરી ઓવ્ લિટરેચર’ની પ્રથમ આવૃત્તિમાં રને વેલેકે તથા ઓસ્ટીન વોરેને વિદ્યાપીઠોમાં સાહિત્યના શિક્ષણ વિશે મહત્ત્વપૂર્ણ નિબંધ લખ્યો હતો, તે પાછળની આવૃત્તિઓમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો કારણ કે એમનાં સૂચનોનો અમલ અમેરિકાની ઘણીબધી વિદ્યાસંસ્થાઓએ કર્યો હતો. આપણે ત્યાં સુરેશ જોષીએ ઊભા કરેલા પ્રશ્નો આજે અનેકગણા વધી ગયા છે અને હવે તો કૃતિપરિચય/આસ્વાદ/મૂલ્યાંકન સાવ જ અદૃશ્ય તો નહીં થઈ જાય ને એવી બીક લાગવા માંડી છે, ત્યારે આવી પ્રવૃત્તિ નવેસરથી – નવા પરિપ્રેક્ષ્યમાં કરવાની અનિવાર્યતા વરતાય છે.
કોઈ પણ પ્રથમ પંક્તિના સર્જકવિવેચકની પહેલી રચનામાં ભવિષ્યમાં પ્રગટ થનારી વિવિધ દિશાઓના સંકેતો પડેલા હોય છે; એ રીતે એની ઉત્તરકાલીન સર્જનાવિવેચના પૂર્વકાલીનનો વિસ્તાર બની રહે છે. એમાં ધારો કે આમૂલ પરિવર્તન જોવા મળે તોય એ પરિવર્તનનાં મૂળ તો જોઈ જ શકાય. અહીં સુરેશ જોષીના એક બે અગ્રંથસ્થ લેખોનો નિર્દેશ કરવો જરૂરી લાગે છે. પહેલો લેખ છે ‘આપણું વિવેચન’ (વાણી, અશ્વિન, 2003 – ઈ.સ.1947 ઓક્ટોબર કે નવેમ્બર). આ લેખમાં ‘વિવેચનને નામે અંગત રાગદ્વેષો’ સામે સુરેશ જોષીએ આક્રોશપૂર્વક ફરિયાદ કરી હતી. પૂર્વપશ્ચિમની રસમીમાંસાના ‘તલાવગાહી અને તુલનાત્મક અધ્યયન’ પર તેમણે ભાર મૂક્યો હતો, વળી જો વિકાસોન્મુખ રહેવું હોય તો આપણા પોતાના પૂર્વગ્રહોને બાજુ પર મૂકવા જોઈએ. જોકે એ પૂર્વગ્રહો બાજુ પર મૂકવાનું કામ ખૂબ જ અઘરું છે. 1946માં એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ ‘અર્વાચીન કવિતા’ પ્રગટ થઈ ચૂક્યો હતો, અહીં સુંદરમ્નો ઇતિહાસકાર તરીકેનો અભિગમ રૂપરચનાવાદી હતો. સુરેશ જોષીએ આ ગ્રંથનો નિર્દેશ ભાગ્યે જ પોતાની વિવેચનાના સંદર્ભે કર્યો છે. આશ્ચર્ય તો એ છે કે 1945 પછીના કાવ્યવિવેચનની ચર્ચા કરતા લેખમાં પણ આ ગંરથનાં કેટલાંક મહત્ત્વનાં ગૃહીતોની ચર્ચા કરી ન હતી. વાસ્તવમાં તો પોતાના રૂપરચનાવાદી અભિગમની સ્થાપના કરવામાં આ ગ્રંથ પુષ્કળ કામ લાગી શક્યો હોત, તો ગુજરાતી વિવેચનપરંપરા સાથેનું અનુસંધાન રહેત અને સાથે સાથે આકારવાદ-રૂપરચનાવાદ સુરેશ જોષીએ પશ્ચિમમાંથી આયાત કર્યો છે એવો ભ્રમ પણ પ્રસરત નહીં. એ મુદ્દો હમણાં બાજુ પર રાખીએ, 1947માં સુરેશ જોષી આટલી તો સ્પષ્ટતા કરે જ છે:
‘આપણા વિવેચકો કેટલીક વાર લોકબોલીના યથાર્થ ઉપયોગને કારણે કે લેખકના આયોજનકૌશલને કારણે કૃતિઓને સફળ ગણી લે છે. પણ આ બધા તો એક પુદ્ગલના અવયવો છે. કૃતિના સર્વ ઘટક અંશો જ્યારે સંવાદી સંશ્લેષ પામ્યા હોય અને એ કારણે કૃતિ ઉત્કર્ષવતી હોય ત્યારે જ એને સફળ કળાકૃતિ તરીકે ઓળખાવી શકાય.’
આ જ લેખમાં વાડાબંધીના અનિષ્ટની ચર્ચા કરી છે. કેટલાકને એવું લાગતું હતું કે સુરેશ જોષી સર્જક તરીકે પોતાની જે ઉપેક્ષા થઈ તેની વાત વારંવાર કરે છે પણ તેમનું આ વિધાન તો ‘ગૃહપ્રવેશ’ના સર્જક સુરેશ જોષીના સમય પૂર્વેનું છે: ‘આ વાડાબંધીને કારણે કેટલીક સત્ત્વશીલ કૃતિઓની આપણા વિવેચને કેવળ ઉપેક્ષા કરી છે તો કેટલીક નિ:સત્ત્વ કૃતિઓને છાપરે પણ ચઢાવી છે, આ વાડાબંધીને કારણે વિવેચકોમાં યુયુત્સા વૃત્તિ કેળવાય છે, ટીકા નિર્દંશ નથી રહેતી ને ધીમે ધીમે વિવેકબુદ્ધિનો ધ્વંસ થતો જાય છે.’
કથાસાહિત્યની વિવેચનામાં એક મહત્ત્વપૂર્ણ ચર્ચાસ્પદ લેખ ‘નવલકથાનો નાભિશ્વાસ’ એપ્રિલ 1955ના ‘મનીષા’માં પ્રગટ થયો હતો. સુરેશ જોષીએ આત્માનુકરણ, લોકપ્રિયતાનાં અનિષ્ટો પર આ લેખમાં આંગળી ચીંધી હતી. ઐતિહાસિક નવલકથાનો માર્ગ ત્યજીને ‘દ્રષ્ટાની તટસ્થતાથી ઘડીભર પોતાના જમાનાએ સારવી આપેલાં મૂલ્યમાપનોને અળગાં રાખી, ઘટનાના હાર્દમાં અવગાહન કરી એના રહસ્યને જો સર્જક બોલવા દે તો સર્જનમાં તાઝગી અને જોમ આવે.’
સાથે સાથે એ જમાનાના સુરેશ જોષી તો માનતા હતા કે ‘પન્નાલાલ, પેટલીકર અને ગુણવંતરાય આચાર્યે આ સાહિત્યસ્વરૂપની નવી શક્યતાઓનો અંગુલિનિર્દેશ’ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ‘ભૂતકાળ પર વર્તમાનનો પડછાયો નાંખીને એને રુચિર સ્વરૂપે રજૂ કરવાનો મોહ છોડીને જો આપણો નવલકથાકાર જીવાતા જીવનના નેપથ્યમાં ડોકિયું કરે તો એને ઘણું રોમાંચક નિરૂપવાનું મળે.’
આગળ આપણે જોઈ ગયા કે સુરેશ જોષીનો અભિગમ મહદંશે ફિનોમિનોલોજીકલ રહ્યો છે, પાછળથી જોકે તેમણે પોતાની જાતને બહુલતાવાદી તરીકે ઓળખાવી હતી, આમ છતાં આરંભથી જ આકાર, રૂપરચના, રચનારીતિ, સંવિધાન જેવા શબ્દપ્રયોગો દ્વારા તેમની ઓળખ રૂપરચનાવાદી વિવેચક તરીકે સ્થપાઈ ચૂકી હતી. ‘કિંચિત્’ દ્વારા વિવેચક તરીકેની આ છબિ કેવી ઊપસી આવી છે અને આ વિભાવનાને નિમિત્તે તેઓ કયા પ્રશ્નો આપણે માટે ઊભા કરે છે અને એમાંથી આજે કેટલા પ્રસ્તુત છે તેની સમભાવપૂર્વકની સમીક્ષા કરી જોઈએ.
એ પહેલાં એક બીજો મુદ્દો પણ જોઈ લઈએ. સર્જક-વિવેચક તરીકેનું સુરેશ જોષીનું સાહિત્યિક વ્યક્તિત્વ ઘડવામાં જવાબદાર પરિબળો કયાં? કોઈ પણ વ્યક્તિ સાવ કોરી પાટી લઈને તો ચાલતી નથી. માત્ર ગુજરાતી સાહિત્યજગતની મર્યાદામાં રહીને તો આપણા સમયમાં જીવી ન શકાય, શબ્દ પાડી ન શકાય – નવા નવા ભાવખંડોથી સર્જક-ભાવક-વિવેચકની રુચિનું ઘડતર થયેલું હોવું જોઈએ. ઉમાશંકર જોશીની જેમ સુરેશ જોષી પણ ઉત્તમ કૃતિઓના પરિશીલનથી વિવેચકની રુચિ કેળવાયેલી હોવી જોઈએ એમ સ્પષ્ટ માને છે. વળી તેઓ વિશેષ કરીને તો યુરોપના, અમેરિકાના સર્જકો-ચિંતકોથી અભિભૂત થયેલા છે, આ બધા જ સર્જકોએ કંઈ એકરૂપ જગત સર્જ્યાં નથી. જેમણે જેમણે આપણી સંવેદનાને, આપણા ભાવજગતને નવા નવા ઘાટ આપીને માધ્યમની સીમાઓ વિસ્તારી છે એ સૌ સર્જકો માટે સુરેશ જોષીને માન છે. તેમના લેખોમાંથી પસાર થનાર જોઈ શકશે કે તેમને સવિશેષ લગાવ છે આધુનિક કળાસંદર્ભ, સાહિત્યસંદર્ભ સાથે. પરિણામે કોઈ પ્રશિષ્ટ કૃતિઓ-સર્જકો વિશે બહુ ઓછું આપણને તેમની પાસેથી પ્રાપ્ત થયું છે. પરંતુ જે સર્જકો-વિવેચકો વિશે તેમણે કહ્યું તેનાથી આપણી સર્જનાત્મક આબોહવા પોષાઈ, આપણા સર્જકોને નવા પ્રયોગો માટેનું ઉષ્માપૂર્વકનું ઇજન મળ્યું, પરંપરાગત કળા-સાહિત્યની મર્યાદાઓ દૂર કરવા સૌ મથવા લાગ્યા.
આમ ‘કિંચિત્’થી જ સર્જનાત્મક આબોહવા સર્જવાનું કાર્ય આરંભાયું. આવી આબોહવા વધુ સારી રીતે પ્રગટાવવા કવિકર્મ, રૂપરચના ઉપર સર્જકોએ વધુ ભાર આપવો જોઈએ એ મુદ્દો પણ અવારનવાર રજૂ કરતા રહ્યા. ધીમે ધીમે વધુ સ્પષ્ટ રૂપે રૂપરચનાની સ્થાપનાનો આરંભ થઈ ગયો. પરંતુ રૂપરચનાની સમસ્યા સાવ એકાન્તિક રીતે આવતી હોતી નથી; ભાષા, સામગ્રીનું રૂપાંતરણ, કવિકર્મ, વ્યવહારઅનુભવ-રસાનુભવ જેવા મુદ્દાઓ એની સાથે સંકળાયેલા હોય જ. એટલે ‘કિંચિત્’ના આરંભે જ એક સ્પષ્ટતા તો થઈ ગઈ કે ‘કવિ આમ ભાષા, છન્દ આદિ સામગ્રીની મદદથી જે વિશિષ્ટ પ્રકારનું સંવિધાન કરે છે તે કાવ્યને કાવ્યત્વ અર્પે છે. કાવ્યને માટે આવું વિશિષ્ટ સંવિધાન અનિવાર્ય છે.’
પરંતુ આ સંવિધાન પ્રગટાવવું કેવી રીતે? દરેક સર્જકની સંવિધાનરીતિ નોખી હોય, કેટલાક કવિમાં ઝટ અણસાર મળે અને કેટલાકમાં એ અણસાર મળતાં વાર લાગે. ‘પ્રથમ નજરે આ સંવિધાન ન દેખાય એમ બને, પણ એક વાર એવા સંવિધાનનો અણસારો મળે કે તરત કાવ્યમાં ઘટક અંશો તરીકે યોજાયેલાં અંગોની વચ્ચેનું પારસ્પરિક આદાનપ્રદાન, વૃદ્ધિપૂર્તિ જોવાનું રસપ્રદ બની રહે. કાવ્યમાં આ બધાંની ક્રમબદ્ધ ગોઠવણી છે એમ નહીં, પણ કવિએ યોજેલા સન્દર્ભની વિશિષ્ટ આબોહવામાં એક નવા જ પ્રકારની સજીવતા પ્રાપ્ત કરીને આપણા રસાસ્વાદની પ્રત્યેક પળે એ અંગો કાવ્યને વધુ ને વધુ ઉપકારક બનતાં રહે છે.’’(કિંચિત્’, 8; સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન,1; 7) જે આ રીતે કૃતિના સમગ્ર સંવિધાન પર ભાર મૂકે તે સ્વાભાવિક રીતે જ કોઈ એક અંગમાં સૌંદર્ય ન જુએ, એટલે જ સુરેશ જોષીની દૃષ્ટિએ કાવ્યનો ‘અર્થ’ એટલે વાચ્યાર્થ-મધ્યવર્તી વિચાર નહીં. ગુજરાતી વિવેચના સામે તેમને મોટો વાંધો જ આ હતો. કૃતિલક્ષી ચર્ચા એટલે કૃતિના મધ્યવર્તી વિચારની, કર્તાના સંદેશની, કૃતિના સારાંશની ચર્ચા – આવો ઉપક્રમ પહેલેથી ચાલી આવેલો છે, એટલે તેમણે બ.ક.ઠાકોરની કવિતામાંથી દૃષ્ટાંત લઈને સ્પષ્ટતા કરી આપી. આ બધી ચર્ચાને અંતે તેમને આ તારણ પર આવવું પડે છે કે કાવ્યનો ‘અર્થ’ તો કાવ્ય સમસ્ત જ છે; એ એના અમુક અંશમાં નથી, પણ કાવ્યમાં સર્વત્ર છે. કાવ્યમાં formથી contentનું પૂરેપૂરું નિગરણ થાય છે ને કવિએ રચેલું એ અપૂર્વ રૂપ, કવિનું એ અનોખું સંવિધાન, કાવ્યનો સાચો ‘અર્થ’ છે. એ અર્થ સમૃદ્ધ છે, માટે એમાં એકવાક્યતા ન સમ્ભવે. પણ આ એકવાક્યતાનો અભાવ તે સન્દિગ્ધતાને કારણે નથી, પણ અપરિમેયતાને કારણે છે.
અહીંથી સુરેશ જોષીની વિવેચના ઊહાપોહ માટેની ભૂમિકા પૂરી પાડતી થાય છે. સામગ્રી અને રૂપરચના – આ બે શબ્દો ત્યાર પછી તો ગુજરાતી વિવેચનમાં (માત્ર ગુજરાતીમાં જ શા માટે?) બહુ જ ચર્ચાસ્પદ બની રહ્યા. જર્મન વિવેચક શીલરે સામગ્રીના વિલીનીકરણની વાત કરી હતી. તેમનું ખૂબ જ જાણીતું વિધાન આ રહ્યું:
‘એક સાચી, સુંદર કળાકૃતિમાં સામગ્રીએ કશું કરવાનું હોતું નથી. અહીં તો રૂપરચના – ફોર્મ જ સર્વેસર્વા હોય છે. સર્જકની કળાનું વિશિષ્ટ રહસ્ય રૂપ દ્વારા થતા સામગ્રીના નિગરણમાં રહેલું છે.’ (જુઓ રને વેલેકકૃત ‘હિસ્ટરી ઓવ્ મોડર્ન ક્રિટીસીઝમ-1’, 234) અને સાથે સાથે જ આ જર્મન ચંતિકે કળાને ‘સંસ્કૃતિના પ્રસારક તરીકે’ પણ ઓળખાવી હતી. પરંતુ ગુજરાતીમાં એ વિચારણા પ્રચલિત થઈ ન હતી. શીલરની સામગ્રીના નિગરણવાળી આ વિચારણા સુરેશ જોષીની કથાસાહિત્યની વિવેચનાને ઘટનાહ્રાસ, ઘટનાનું તિરોધાન જેવી ભૂમિકાએ પહોંચાડે છે: ‘તિરોધાન, પરિહાર – સર્જનમાં આ બે ભારે મહત્ત્વના શબ્દો છે. વસ્તુનું સાધારણીકરણ નહીં, પણ વિલીનીકરણ કળામાં થવું જોઈએ એમ કદાચ હવે કહેવું જોઈએ.’ ‘(કિંચિત્’, 84/5; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 54) અહીં ‘તિરોધાન’ શબ્દ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી લાગે છે. સંસ્કૃત કાવ્યવિવેચનમાં મુખ્યાર્થબાધ તો ખૂબ જ જાણીતી સંજ્ઞા છે. ‘ઘટનાહ્રાસ’ (એનું વિકૃતિકરણ ‘ઘટનાલોપ’) ‘ઘટનાનું તિરોધાન’ જેવા શબ્દપ્રયોગો થોડી ગૂંચ તો ઊભી કરે જ છે. કાવ્યત્વ સિદ્ધ કરવા માટે, વધુમાં વધુ ઇષ્ટ અસર ઉપજાવવા માટે ‘તેવી ભાષા, તેવા છંદ, તેવા અલંકાર, તેવી રીતિ, તેવા રસ આદિથી અંકિત કરીને કવિ શબ્દદેહ અર્પે છે. આ ભાષાદિના વાઘા સજાતાં જ મૂળ વાસ્તવિક પ્રસંગાદિનું પૂરું તિરોધાન થાય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ મૂળ વસ્તુનું તિરોધાન થાય છે એમ કહે છે તેનો અર્થ આ જ છે.’ ‘(સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો’, 39: ડોલરરાય માંકડ)
કોઈ પણ સ્થળકાળના સાહિત્યવિવેચને કે કળાવિવેચને આટલું તો સ્વીકાર્યું છે કે સાહિત્યમાં વાસ્તવિકતાનું સીધું પ્રતિબંબિ પડતું નથી, પડી પણ ન શકે. વાસ્તવવાદીઓની કૃતિઓમાં પણ સામગ્રીનો તિરસ્કારપુરસ્કાર વિવેકપૂર્વક થતો આવ્યો છે. એટલે પછી સુરેશ જોષી કહે છે: અનુભવો તો આપણને થાય અથવા આપણે કલ્પી શકીએ. પણ એ તો કાચી ધાતુ થઈ. એમાંથી સાહિત્યકૃતિ બને એ માટે એના પર સંસ્કાર કરવાનો રહે. આ સંસ્કાર તે સંવિધાનનો સંસ્કાર એમ હું કહીશ. જે એક અને અદ્વિતીય છે તેનો જેમ પ્રપંચ સંભવતો નથી, તેમ તેમાં આસ્વાદ્યતા પણ હોતી નથી. પણ એ એકની લીલાથી અનેકનો પ્રપંચ વિસ્તરે કે તરત એમાંનાં અંગોના પારસ્પરિક સમ્બન્ધના સંવિધાનનો પ્રશ્ન ઊભો થાય. અનુભવોનું જે મૂલ્ય કે રહસ્ય પ્રકટ થાય છે તે સર્જકે એના પર કરેલા સંવિધાનના સંસ્કારને કારણે. ‘(કિંચિત્’, 132; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 84) કાવ્યવિવેચનમાં સાથે સાથે એક બીજી મુશ્કેલી આવે છે. વિવેચક અથવા ભાવક કૃતિને નિમિત્તે ગાંઠનું ઉમેરણ કેટલું કરી શકે? પ્રભાવવાદી વિવેચક તો ઘણી વાર એક કૃતિ નિમિત્તે બીજી કૃતિ રચી દેતો હોય છે. સુરેશ જોષીને આવાં ભયસ્થાનની જાણ છે. તેઓ એમ માને છે કે કાવ્ય પોતે જ આવા યદૃચ્છાવિહારને રોકશે, કારણ કે કાવ્ય એ અતન્ત્ર અરાજકતા નથી, એમાં તો એવી અરાજકતામાંથી આસ્વાદક્ષમ રૂપ ઉપજાવવામાં આવ્યું હોય છે. ને કાવ્યનું આ વિધાયક બળ, ઋત જ એને વિશેના સ્વેચ્છાચારને ખોટો ઠરાવશે. કાવ્યને જ કાવ્યવિવેચનનું નિયામક તત્ત્વ બનવા દઈએ તે ઠીક. ‘(કિંચિત્’, 13; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 11) પરંતુ કૃતિ તો પોતાનો સંદર્ભ આપીને વાત પૂરી કરી દે છે – ઘટક તત્ત્વોમાંથી ઉત્ક્રાન્ત થતા રૂપની જ વાત હોય તો તો એ રૂપ એક વિવેચકે એક સમયે જે બતાવ્યું તેની સાથે જ એ કૃતિવિવેચનની શક્યતાઓ પણ ખરચાઈ ગઈ. પરંતુ કૃતિનો એક બીજો છેડો હંમેશાં ભાવકમાં હોય છે. ભાવક પોતાના સ્થળકાળ અને પોતાનાં શક્તિસૂઝ પ્રમાણે કૃતિમાં કશુંક ઉમેરણ પણ કરે છે. એને કારણે કૃતિના અર્થની ત્રિજ્યાઓ પણ વિસ્તરે છે. એટલે જ્યારે કાવ્યાસ્વાદ કે કૃતિપરિચય – કૃતિસમીક્ષાની વાત પૃથક્જનને – વિદ્યાર્થીને કરવાની આવે છે ત્યારે વિવેચકે સુરેશ જોષી કહે છે તે પ્રમાણે પાયાની આટલી વાત તો કરવી જ પડે છે: કવિની ઉપાદાનને લેખે લગાડવાની રીતિ, એના સ્થાપત્યની વિશિષ્ટતા, સદા વિસ્તરતા જતા ભાવરણકારને અનુરૂપ છન્દોલય ઉપજાવવાની એની શક્તિ, એની અલંકારની યોજના પાછળ રહેલી દૃષ્ટિ ને એ અલંકારોનું સ્વરૂપ – આનો વિદ્યાર્થીને પરિચય કરાવવો જોઈએ.’(કિંચિત્’, 59; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 39)
રૂપરચના સિદ્ધ કરવા માટે કવિ પાસે ભાષા સિવાય તો કોઈ સાધનસરંજામ નથી. એક કળા અને બીજી કળાનું વ્યાવર્તક લક્ષણ પણ માધ્યમ દ્વારા જ સિદ્ધ થાય છે. અનેક વેળા આપણે સાંભળતા આવ્યા છીએ કે સર્જક પોતાના માધ્યમની શક્યતાઓને વિસ્તારતો હોય છે. સુરેશ જોષીની વિવેચનામાં પણ પહેલેથી જ માધ્યમ ઉપર ભાર અપાયો છે. સર્જક પોતાની કૃતિમાં જે રૂપ પ્રગટાવે છે એ રૂપમાં શું હોય છે?
‘આ રૂપમાં વ્યાપ્તિ છે… એ કાવ્યના રસાસ્વાદનું જ એક અંગ છે.’ એટલે આખરે તો કવિ ‘ભાષાનું પુનવિર્ધાન’, ‘ભાષાનો અપૂર્વ વિનિયોગ’ કરવા માગે છે; અને સુરેશ જોષીએ દૃષ્ટાંતો આપીને પોતાની વાત સ્પષ્ટ કરી છે. ક્યારેક રૂપરચના, સર્જનપ્રક્રિયા અને ભાષાના પ્રશ્નો પરસ્પર સંકળાઈ જતા હોય છે. આ ત્રિવિધ સમસ્યાને આ રીતે વાચા આપવામાં આવી છે:
‘ભાષા વ્યવહારના જુદા જુદા સ્તરે અનેક રીતે વપરાતી આવે છે. એની સાથે, એને વાપરનારી પ્રજાના હૃદયનો ભાવોચ્છ્વાસ, પૃથ્વીને આવરીને રહેલા વાતાવરણની જેમ, વીંટળાઈ ને રહે છે. એ વાતાવરણમાં સુસ્પષ્ટ આકાર નહીં પામેલી અનેક અર્થચ્છાયાઓની શક્યતા રહેલી હોય છે. કવિ દરેક શબ્દને આવરીને રહેલા આ વાતાવરણને તાગે છે, એની નીહારિકામાંથી શબ્દના નવા નવા સંકેતોને જીવતા કરે છે. આમ, પ્રતીકરચનાને માટે કવિ નવા શબ્દો પ્રયોજતો નથી, પણ પ્રજા જે ભાષા વાપરતી આવે છે તેને તેના સકળ અધ્યાસ અને વાતાવરણ સહિત ગ્રહીને એની અર્થ ઉપજાવવાની નવી શક્યતાઓને પ્રકટ કરી આપે છે. આવી નવી નવી શક્યતાઓને પ્રકટ કર્યે જવી એ કવિકર્મનો વિશેષ છે.’ ‘(કિંચિત્’, 19; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 15)
પરંતુ એક બીજો પ્રશ્ન ભાષાના સંદર્ભે ઊભો થશે – સાહિત્યનું માધ્યમ અને માનવવ્યવહારવિનિમયનું વાહન – એમ ભાષા બંને રીતે પ્રયોજાતી આવે. ભાષાની મૂળભૂત પ્રકૃતિ પ્રતીકાત્મક છે, પણ એ તો વપરાશને કારણે જીર્ણ પણ થતી આવે. આ જીર્ણતા સર્જકો દૂર કરતા હોય છે: શબ્દને રણકતો કરી મૂકવો, એમાંથી નવા નવા અર્થોનાં આન્દોલનોને વિસ્તરતાં કરી મૂકવાં એ તરફ સર્જકનું લક્ષ હોય છે. આને કારણે ભાષા એની સજીવતાને ટકાવી રાખે છે. કાવ્યમાં આપણે ભાષાની આવી સજીવતાની અપેક્ષા રાખીએ છીએ. આવી સજીવતા ભાષામાં આવે ત્યારે નિત્ય વ્યવહારના શબ્દો પણ શબ્દકોશે નક્કી કરેલી અર્થસીમાને ઉલ્લંઘીને ભાવજગતના બૃહત્ અપરિમેય વિસ્તારમાં ઘૂમતા થઈ જાય. ‘(કિંચિત્’, 25; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 18)
આ રીતે કવિ ભાષાને પુનર્જીવિત કરે છે, સંસ્કારે છે, એની શક્યતાઓને તાગે છે, એટલે સુરેશ જોષીને મન અલંકાર (અને પ્રતીક પણ) માત્ર સુશોભન નહિ પરંતુ ‘ભાષા જેટલી હદે પહોંચી શકે તેટલી હદે પહોંચીને વક્તવ્યના ધ્વનિને વિસ્તારવાનો પ્રયત્ન કવિ કરી ચૂકે ને જ્યારે એને થાય કે બસ, બહુ થયું. હવે આથી આગળ વધી શકાય એમ નથી, ભાષાની બધી શક્યતાને મેં તાગી લીધી છે ત્યારે એ અલમ્ કહીને અટકે.’ ‘(કિંચિત્’, 23; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 17)
અલંકારરચના-પ્રતીકરચના દ્વારા કવિ ભાષાનું પુનવિર્ધાન કરતો હોય છે, પણ એ માટે શબ્દના મુખ્ય અર્થને, શબ્દના રૂઢ સંકેતને બાજુ પર મૂકવા પડે: રૂઢ સંકેતની બંધ બારી ખોલી નાંખવાને માટે, વાચ્યાર્થબાધ થાય એવી રીતે કવિએ શબ્દનો પ્રયોગ કર્યો હોવો જોઈએ. સામાન્ય વ્યવહારમાં પરિચિત એવા શબ્દનો રૂઢ અર્થ કરતાં આપણને અટકાવે એવી પરિસ્થિતિ એણે ઊભી કરવી જોઈએ. કવિએ રચેલા વાક્યાન્વયમાં શબ્દનો રૂઢ અર્થ બંધબેસતો ન લાગે. એટલે આપણે એને છોડીને નવી દિશામાં પગલું ભરવાને પ્રેરાઈએ.’(કિંચિત્’, 26-7; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 19)
સુરેશ જોષીએ ‘કિંચિત્’થી માંડીને એમના છેલ્લા લેખો સુધી પ્રેરણા, અંત:સ્ફુરણા જેવી વિભાવનાઓનો વિનિયોગ કર્યો નથી. પાછળથી આપણે જોઈશું કે રૂપરચનાની સમસ્યા ઉપર જે હદે ભાર મૂકવામાં આવ્યો છે તે જોતાં કવિચિત્ત સાથે સંકળાયેલી બધી જ વિભાવના-પરિભાષાને તેઓ દેશવટો આપે છે અને એ રીતે અત્યાર સુધીના ગુજરાતી કાવ્યવિવેચનમાં મહત્ત્વપૂર્ણ બની બેઠેલા પ્રશ્નોને જાકારો અપાય છે. આ જાકારો કેટલી હદે યોગ્ય છે એનો વિચાર પણ પાછળથી આપણે કરીશું. પ્રેરણા કે અંત:સ્ફુરણા પાછળ કશુંક રહસ્યમય તત્ત્વ તો પ્રવેશે છે પણ સુરેશ જોષીને ડર છે કે એને કારણે કવિકર્મનું મહત્ત્વ ઘટી જશે.
‘કવિકર્મનો વિશેષ એ છે કે જે આપણી ભાષાની પકડની બહારની વસ્તુ છે તેને એ સંવેદ્ય ને આસ્વાદ્ય બનાવી આપે છે; એમાંથી એની તાત્કાલિકતાને ગાળી નાંખે છે; એને માટે જે આકાર ઘડે છે તેમાં, આકારની દૃઢ સીમામાં રહીને, એના આકલનની અનેકવિધ શક્યતાઓનો અવકાશ રાખે છે. આપણે જેને કાર્યકારણની આનુપૂર્વીમાં ગોઠવીને અવગત કરીએ છીએ તેટલી જ આપણી વાસ્તવિકતા નથી. પ્રત્યેક પળે એકબીજા જોડે અનેક પ્રકારના સમ્બન્ધમાં આવી રૂપાન્તરિત થયા કરતી એ તો એક ભારે સંકુલ અવસ્થા છે. ભાષામાં વાક્યબન્ધનો અન્વય તો આનુપૂર્વીને વશ વરતે છે. એવી ભાષાને જ માધ્યમ તરીકે સ્વીકારીને પેલી સંકુલ અવસ્થાનું નિરૂપણ કરવાનું કવિ માથે લે છે. આવો ચમત્કાર એ શી રીતે સિદ્ધ કરે છે તે જોવું ભારે રસભર્યું થઈ પડે છે. કાવ્યના આસ્વાદની સાચી સામગ્રી એ છે.’ ‘(કિંચિત્’, 7-8; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 7)
આની ઉપપત્તિ એ કે જો કવિકર્મ હોય તો જ ભાવકને રસાસ્વાદ થઈ શકે, અનુભૂતિ કે વાસ્તવિકતાનો જો અનુવાદ જ કરવામાં આવ્યો હોય તો એ કૃતિ ભાવકને પરિતોષે કેવી રીતે? વળી રૂપરચના, કવિકર્મ સર્જનપ્રક્રિયા મહત્ત્વનાં હોય તો પછી સંક્રમણની સમસ્યા સુરેશ જોષીને મન સાવ ગૌણ બની જાય છે – સંક્રમણ તો મુખ્યાર્થનું થતું હોય છે અને મુખ્યાર્થબાધ એ કવિકર્મ માટે, રસાસ્વાદ માટે અત્યંત અનિવાર્ય છે. અમેરિકન નવ્યવિવેચનનો પ્રભાવ સુરેશ જોષી ઉપર અમુક રીતે તો પડ્યો જ છે. નવ્યવિવેચકોમાં અગ્રણી ક્લીન્થ બ્રુક્સ તો સ્પષ્ટપણે માને છે કે કવિતા કશાનું સંક્રમણ કરતી જ નથી અને એ સંક્રમણ કરતી પણ હોય તો માત્ર કવિતાનું. સુરેશ જોષી આ અમેરિકન વિવેચકને અનુસરે છે: કવિતા કવિતાનું જ સંક્રમણ કરતી હોય છે. જોકે આ મુદ્દો એક રીતે વળી વિવાદાસ્પદ છે.
‘કવિ કશું જ કહેવા માગતો નથી’, ‘કવિ કવિતાનું જ સંક્રમણ કરવા માગે છે’ એવું જ્યારે કહેવામાં આવે છે ત્યારે એ ઉક્તિઓ અર્થહીન જ પુરવાર થાય છે. કથયિતવ્યનો આમ કાંકરો કાઢી નાખવાથી રૂપરચનાનું મહત્ત્વ સ્થપાઈ જતું નથી. તો બીજી બાજુએ વિચાર, ચિંતન, ભાવ વગેરેને સંક્રમિત કરી શકાતા હોય છે પણ કાવ્યમાં જો આ બધાંને ઉચિત વસ્તુલક્ષી પ્રતિરૂપ આપી ન શકાયું હોય અથવા સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં પ્રતીતિઉપાયવૈકલ્ય નામે ઓળખાતા રસાનુભવના વિઘ્નનું નિવારણ ન થયું હોય તો એ વિચારચિંતનનો કશો અર્થ રહેતો નથી. આ જ વાત બીજા શબ્દોમાં કહેવી હોય તો ‘રસાદિ હંમેશાં સ્વશબ્દથી કહેવાયેલા હોતા નથી. જ્યાં કહેવાયેલા હોય છે ત્યાં પણ વિશિષ્ટ વિભાવાદિના પ્રતિપાદન દ્વારા જ તેમની પ્રતીતિ થતી હોય છે. સ્વશબ્દથી તો તેનો કેવળ અનુવાદ જ કરવામાં આવે છે.’’(આનંદવર્ધનનો ધ્વનિવિચાર’, નગીનદાસ પારેખ, 7)
બળવંતરાય ઠાકોરે સંદિગ્ધ પરિભાષા પ્રયોજીને ‘વિચારપ્રધાન’ કવિતાની હિમાયત જ્યારથી કરી ત્યારથી ગુજરાતી કાવ્યવિવેચનમાં કેટલાક ગૂંચવાડા જન્મ્યા, એમાંના કેટલાક તો તેમને પણ અભિપ્રેત ન હતા. ‘કાવ્યમાં વિચારનું સંક્રમણ કરવામાં આવે છે’ – આવા વિધાનની સામે સુરેશ જોષીનું આ વિધાન મૂકી જુઓ:
‘કાવ્યમાં વિચાર નહીં, પણ એ વિચારને કારણે ચિત્તમાં જે ઉદ્રેક થયો – થાય છે, જે રોમાંચ થાય છે તેની અભિવ્યક્તિ થવી જોઈએ.’ ‘(કિંચિત્’, 56; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 37) ટી.એસ.એલિયટે પણ વિચાર નહીં, વિચારના સંવેદન ઉપર ભાર મૂક્યો હતો. કાવ્યમાં જેને આપણે ‘અર્થ’ કહીએ છીએ તે સીમિત ન રહેતાં, કાવ્યની સમગ્રતાનો જ પર્યાય બની જાય તેનું સંક્રમણ કેવી રીતે કરવું? એટલે જ ભાવ, વિચાર, અર્થના સંક્રમણની વાત આવે એટલે તરત જ સુરેશ જોષીની પ્રતિક્રિયા આવી હોય:
‘સાહિત્યમાં કે કળામાં આપણે ભાવ નહીં પણ ભાવના આકારને પામીએ છીએ. આ આકારના નિર્માણને માણવામાં કાવ્યની આસ્વાદ્યતા રહેલી છે. આ આકારનિમિર્તિ જ કવિકર્મનો વિશેષ છે. એને સમજવાનો પ્રયત્ન ન કરીએ ને કવિએ ઉદાત્ત ભવ્ય મંગલ ભાવના પ્રગટ કરી છે એમ કહીને કૃતાર્થતા અનુભવીએ તો કવિકર્મનો જે વિશેષ છે તેનું આપણે ગૌરવ કરતા નથી. તો સંક્રમણ કાવ્યમાં શાનું થાય? ભાવનું, વિચારનું? એ ભાવ કે વિચાર કવિએ જે રીતે અનુભવ્યા હોય તે રીતે પામી શકાય ખરા? જે અપૂર્વ હોય તેનું તેને તે રૂપે કદી પુનરુદ્ભાવન થઈ ન શકે.’’(કિંચિત્’, 57-8; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 37-8) પરંતુ આગળ જતાં આ વાત જુદી રીતે કહેવાય છે:
‘કવિતા દ્વારા સંક્રમણ થતું હોય તો શાનું અને કેવે સ્વરૂપે થાય છે? કળાકૃતિનો સમ્પર્ક સેવવો એટલે એના નિર્માણની પાછળ રહેલા ઋતને, એના ઘડતરની પાછળ કામ કરતી શિસ્તને વશ વર્તવું. સમર્થ કળાકૃતિ તેના સર્જક અને ભાવકનું નવવિધાન કરી આપે છે. કાવ્યમાં સંક્રમણ એટલે અમુક નિશ્ચિત અર્થની ભાવકને કવિ તરફથી થતી લ્હાણી એવું નથી. કવિની સર્જન વેળાની ભાવસ્થિતિ સાથેની તદાકારતા જ અહીં અપેક્ષિત છે. કાવ્યની રચના પોતે જ કવિની સતત ચાલુ એવી પોતાની અનુભૂતિના આકારને પામવાની સાધના છે; ને એ રીતે જોઈએ તો અમુક કૃતિમાં એનું પૂર્ણવિરામ આવી ગયું એવું બનતું નથી; એ કૃતિની બહાર પણ એનો ‘અર્થ’ વિસ્તર્યા કરે એવાં ધ્વનિપ્રતિધ્વનિ પાડ્યા જ કરનારાં પ્રતીકોનો એને આશ્રય લેવો પડે છે. એના અર્થના રણકારની વિસ્તૃતિની પ્રતીતિ કાવ્યાસ્વાદને અન્તે પ્રબળપણે થવી જોઈએ; ને એની વિસ્તૃતિનું આ ભાન જ એનો ફરી ફરી આસ્વાદ કરવાને પછીથી પ્રેર્યા કરે છે. કાવ્ય જેની સંક્રાન્તિ કરે છે તે એટલું સૂક્ષ્મ, વ્યાપક ને સમૃદ્ધ હોય છે કે કાવ્ય સિવાયના બીજા કશા માધ્યમમાં એનો હિસાબ માંડી શકાય નહીં! કવિ સ્રષ્ટા છે, સંવાહક નથી..’ ‘(કિંચિત્’, 65-6; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 42-3)
સુરેશ જોષીની વિવેચનામાં બીજો એક પ્રશ્ન પ્રતીકને લગતો છે. એક રીતે જોઈએ તો કાવ્યની સામગ્રીને રૂપાંતરિત કરવા, તિરોહિત કરવા જે કેટલીક યુક્તિપ્રયુક્તિઓનો વિનિયોગ કરવામાં આવે છે તેમાંની એક યુક્તિ પ્રતીકની છે. કળાના અને સાહિત્યના ઇતિહાસમાં જે આધુનિકતાવાદી આંદોલનની વાત આવે છે તેમાં એક પ્રતીકવાદ પણ છે. આને કારણે માત્ર સામાન્ય જનમાં જ નહીં, ભલભલા વિદગ્ધ લોકોમાંય ભ્રમણા પ્રવેશી કે પ્રતીકરચના આધુનિકતાનો એક વિશેષ છે. બીજા શબ્દોમાં પરંપરાગત કળા-સાહિત્યમાં પ્રતીકનો વિનિયોગ કરવામાં આવતો નથી. અર્ન્સ્ટ કાસીરેર અને તેમની શિષ્યા સુઝાન લેંગરનાં પુસ્તકોથી જેઓ પરિચિત છે તેમને ખ્યાલ છે કે વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ પ્રતીકવિહોણી નથી, કોઈને પણ પ્રતીક વિના ચાલે નહિ. એટલે સુરેશ જોષીને પણ સ્પષ્ટતા કરવી પડી કે પ્રતીકની રચના એ અમુક એક યુગના અમુક સમ્પ્રદાયના કવિઓની નવી શોધ છે એવું નથી. કેવળ પ્રતીક વાપરીને જ કવિતા રચવી એવા સભાન આશયથી એનો કોઈ વાદ પણ સ્થાપવાની આવશ્યકતા નથી. સૃષ્ટિના આદિ કાળથી મનુષ્યનું મન એની ચારે બાજુ વિસ્તરેલી અફાટ વાસ્તવિકતાનો તાગ કાઢવાને મથતું રહ્યું છે. આવો તાગ કાઢવાને માટે કેવળ બુદ્ધિનિર્ભર સાધનોથી એનું કામ ચાલ્યું નથી. આપણી ઇન્દ્રિયોને મૂંઝવી નાંખે એટલી બધી પ્રચુરતા આપણી ચારે બાજુ છે. બૌદ્ધિક વિભાવનાઓનાં ચોકઠાંમાં એમાંનું થોડુંક જ આપણે ગોઠવી શક્યા છીએ.’(કિંચિત્’, 19-20; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 15)
પ્રતીક વિનાની પણ કવિતા હોઈ શકે એવી શક્યતાને સ્વીકાર્યા પછી આટલું તો ભારપૂર્વક કહેવામાં આવે જ છે કે શબ્દને સાવ ઠાલો કરી નાંખીને, એને જાણે કે નવો જન્મ આપવાનું કામ પ્રતીકરચનામાં થાય છે. આ રીતે સરજાયેલા શબ્દની વિશિષ્ટતા એ છે કે પછી એનો ધ્વનિ વિસ્તર્યા જ કરે છે. કવિ ફરી ફરી અનેક રીતે એના વિસ્તારને પ્રકટ કર્યા જ કરે છે. આવું પ્રતીક, એ કૃતિનો એક અંશ નહિ, પણ કવિની સમસ્ત રચનાનું કેન્દ્ર, બની રહે છે.’(કિંચિત્’, 28; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 20) આધુનિક સાહિત્યમાં પ્રતીકની રચના સાવ સામાન્ય ભૂમિકાએ રહીને કરવામાં આવે છે; એ પ્રત્યે સુરેશ જોષી ચેતવે છે: આ પ્રતીકની રચના, જીવન વિશેની જેની દૃષ્ટિ વ્યાપક અને ઊંડી હોય, વિભાવનાઓ જ્યાં ઉદ્ભવે છે તેની આગળની ચેતનાની કક્ષા સુધી પહોંચતી હોય, તેવા કવિને જ કરવી પડે. બીજાને એ કરવાની આવશ્યકતા જ ઊભી થતી નથી. ને એવી આવશ્યકતા વરતાયા વિના ગતાનુગતિક ન્યાયે, રચેલાં આભાસી પ્રતીકો બુદ્ધિની એક કરામત માત્ર બની રહે છે. કાવ્યનું કાઠું પ્રતીકનો ભાર ઝીલી શકે એવું હોવું જોઈએ; symbolic density ધારણ કરી શકે એવો ભાવવિકાસ એમાં હોવો જોઈએ. બે વસ્તુનો આકસ્મિક સંયોગ વ્યાજબી ઠરાવે એવું બળ વરતાતું હોવું જોઈએ. જ્યાં આવા સંયોગને સિદ્ધ કરી આપનારું આવું બળ નથી વરતાતું ત્યાં કવિતાનો દેહ ગંઠાઈ જાય છે, ભાવનું વહન રુંધાઈ જાય છે. પ્રતીકની માંડણીને માટે ભાષાનું કાઠું પણ બદલવું પડે; સીધી રેખાએ ચાલવાને ટેવાયેલી ભાષાને આપણે નવા વળાંક આપીને ઘુમાવવી પડે; પ્રતીકમાં જે અનેક સંવેદનાનું interaction હોય છે તેને પ્રકટ કરવાને છન્દના લયની મદદથી ભાષાને અનુકૂળ રીતે વાળવી પડે. બુદ્ધિએ ઉપજાવેલા કોઈ ખ્યાલના ચોકઠામાં કવિતાને ઢાળવાનું વલણ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પ્રતીકની રચનામાંથી કૃત્રિમતા ટાળી શકાશે નહિ, સમસ્ત ચેતનાથી જગતને સ્પર્શવાને પ્રયત્ન કરનાર કવિ જ પ્રતીક ઉપજાવી શકે.’(કિંચિત્’, 34; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 23)
1960 પૂર્વેનાં વર્ષોમાં આધુનિકતાના આગમન ટાણે જ કૃતક આધુનિકતા ફાલી ઊઠી હતી. પરમ્પરાવિદ્રોહ, દુર્બોધતા, કલ્પનપ્રતીક પ્રાધાન્ય ઘણી વાર આધુનિકતાના પર્યાય બની ગયા હતા. આ સંજોગોમાં આધુનિકતાના પુરસ્કર્તાએ પણ ગુજરાતી કવિતાની કૃતકતા સામે ચેતવણી આપવી જોઈએ, એટલે પ્રતીક પ્રતીક વચ્ચેના અન્વયની અનિવાર્યતાની વાત કરીને તેઓ કહે છે: ‘કેટલીક નવી કવિતા વાંચતાં એવી છાપ પડે છે કે એ પ્રથમ ગદ્યમાં લખાઈ ને પછી ખોળિયું બદલ્યું.’ ‘(જનાન્તિકે’, 40; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: નિબન્ધ, 1’, 34) અને આ ઘટના તો અમેરિકા જેવામાંય જોવા મળી હતી. પ્રતીકની વ્યંજનાના વિસ્તારને માટેનો પૂરતો અવકાશ ન હોય ત્યારે કવિતા બિનજરૂરી રીતે દુર્બોધ બની જાય છે. એટલે જ વિવેચને કાવ્યત્વ અને અકાવ્યત્વની ચર્ચા વારંવાર સદૃષ્ટાંત કરવી જોઈએ. એમાં જોખમો તો છે જ અને છતાં એવાં જોખમોનો સામનો કરવો પડે. દા.ત. દુર્બોધતાનું એક દૃષ્ટાંત સુરેશ જોષીએ ‘કિંચિત્’માં ટાંક્યું ત્યારે લાભશંકર ઠાકરે વર્ષો પછી એની ચર્ચા કરીને સુરેશ જોષી જેવા કાવ્યમર્મજ્ઞ પણ ક્યાં ચૂકી જાય છે તેની વાત કરી હતી.
સુરેશ જોષીએ આસ્વાદપ્રવૃત્તિની સામેનાં ભયસ્થાનોની ચર્ચા કરી છે અર્થાત્ ભાવક જ્યારે કવિતા સામે શુૃભદૃષ્ટિ માંડવા જાય છે ત્યારે એને સૌથી મોટો અંતરાય કવિતા સાથે સંકળાયેલી કેટલીક અપ્રસ્તુત વિગતોનો નડે છે. ભાવક ઉપર ‘યાંત્રિક પ્રતિભાવોએ આણેલી જડતા’નું આવરણ ચઢી ગયું છે. આરંભે સુરેશ જોષીના સંદર્ભે ઉલ્લેખ કર્યો હતો કે તેમના સર્જન-વિવેચન પાછળ ફિનોમિનોલોજીકલ અભિગમ રહેલો છે. એના અનુસંધાનમાં કહી શકાય કે બુદ્ધિનિર્ભર વિચારણા, અને પ્રયોજન-ઉપયોગિતા વગેરેએ કાવ્ય સાથેનો પ્રત્યક્ષ સંબંધ બંધાવા જ દીધો નથી. બીજો એક અંતરાય વિવેચનની પરિભાષાનો છે. એટલે તેઓ આસ્વાદની સમસ્યા ચર્ચતી વખતે તો આ પરિભાષા દૂર જ રહેવી જોઈએ એવો હંમેશાં આગ્રહ રાખે છે.
એક વિવાદાસ્પદ પ્રશ્ન કાવ્યના પરિમાણનો છે. દીર્ઘત્વ અથવા વિશાળ પરિમાણને કારણે સાહિત્યમાં અશુદ્ધિઓ પ્રવેશે છે એવી પણ એક માન્યતા છે, એટલે જ સુરેશ જોષીની કૃતિઓ હંમેશાં લઘુ પરિમાણ ધરાવતી રહી હતી. પરંતુ દીર્ઘ કે વ્યાપક ફલક એટલે અકાવ્યત્વ જ એવો કોઈ સાર્વત્રિક નિયમ ન કરી ન શકાય પણ હેન્રી જેમ્સે ટોલ્સ્ટોય અને દોસ્તોએવ્સ્કીની કૃતિઓને ‘બૅગી મોન્સ્ટર્સ’ કહી, તેનો પ્રભાવ સુરેશ જોષીની વિચારસરણી ઉપર ભારે પડ્યો હતો. એટલે સાચો કવિ એક પંક્તિમાં આપણી અનુભૂતિના પરિમાણને વિસ્તારી દે છે. ઓછામાં ઓછી સામગ્રીના ઉપયોગથી જે કવિ વધુ સિદ્ધ કરે છે, તે ઉચ્ચ કવિ; પોતાની અભિવ્યક્તિના માધ્યમની શક્યતાઓને જે કવિ વધુ પ્રમાણમાં સિદ્ધ કરે છે, તે ઉચ્ચ કવિ; જેને આકાર આપવો અશક્યવત્ છે, તેને સુરેખ આકાર આપવાનું આહ્વાન જે ઝીલે છે, તે ઉચ્ચ કવિ. એવા કવિની બે પંક્તિ પણ મહાકાવ્ય છે, કારણ કે એમાં ભાવજગતના નવા ખણ્ડની શોધનું સાહસ છે. વિશાળ કથાપટ, એનું સંકુલ સંકલન, એની શાખાપ્રશાખા – આ બધી જટાજાળનો શંભુમેળો તે દીર્ઘકાવ્ય બને, અનિવાર્યતયા મહાકાવ્ય ન બને. ‘(કિંચિત્’, 12; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 10) પરંતુ આ એક પ્રકારનો ભાવનારાગ છે. કૃતિનું પરિમાણ મહત્ત્વપૂર્ણ છે એનો સ્વીકાર હેરલ્ડ ઓસ્બોર્ન, હર્બટ રીડ વગેરે સૌંદર્યમીમાંસકોએ કર્યો જ છે. આપણી સામાન્ય બુદ્ધિ પણ તેમની વાતમાં હોંકારો પૂરશે.
બળવંતરાય ઠાકોરે વિશ્વસાહિત્યનાં ધોરણે ગુજરાતી કૃતિઓને મૂલવવાની વાત કરી હતી. બ.ક.ઠાકોર કે સુરેશ જોષીની આને લગતી વિચારણા પાછળ મૂળ આશય એ હતો કે ગુજરાતી કવિતા માત્ર પોતાના સંકુચિત વાડામાં પુરાઈ ન રહે, અન્ય ભાષાની મહાન(ગુજરાતીમાં પણ મહાન, ‘સરસ્વતીચંદ્ર’ વાંચી હોય તો ‘કરણઘેલો’ કે ‘તપસ્વિની’ની મર્યાદાઓ સમજાય.) કૃતિઓ આપણામાં વિશેષ અપેક્ષાઓ જગવે – પરંતુ એક રીતે આ આખો પ્રશ્ન સર્જકો સાથે સંકળાયેલો છે. સર્જકે જો ઉત્તમ કૃતિઓ વાંચી હોય/માણી હોય તો જ એ પોતાની રચનાઓની કક્ષાને વધુ ને વધુ ચડિયાતી બનાવવા મથે.
એવી ઉત્તમોત્તમ કૃતિઓ સાથે વાચકોનો પણ ઘરોબો બંધાવો જોઈએ. આધુનિક કૃતિઓએ એક બાજુ સામાન્ય માનવીને કળાથી દૂર ધક્કેલ્યો. સુરેશ જોષીના માનીતા ફિલસૂફ ઓર્તેગા ગેસેટે આધુનિક કળા લઘુમતિ માટે છે, બહુમતિ માટે નથી એવું જાહેર કર્યું હતું. અને છતાં સુરેશ જોષીને ઊંડે ઊંડે ગુજરાતી કવિતાનો ચાહકવર્ગ ઘટી રહ્યો છે એનો અફસોસ તો છે જ: ‘સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં સાહિત્ય એક મહત્ત્વની પ્રવૃત્તિ છે, પણ એનાથી સામાન્ય જનતા બહુ દૂર ને દૂર થતી જાય છે.’ ‘(કિંચિત્’,68; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 44) આજે સુરેશ જોષી હયાત હોત તો? અહીં સુરેશ જોષીથી એક બાબતે તેમનાથી જુદા પડીએ, શું માત્ર સામાન્ય માનવીઓ જ સાહિત્યથી દૂર રહે છે? ઘણા સાહિત્યકારો શિક્ષકો છે તેમને તો અધ્યાપનને નિમિત્તેય પરંપરાગતથી માંડીને સાંપ્રત સાહિત્ય વાંચવાનું – મનેકમને – આવે પણ બીજાનું શું? જોકે મોટા ભાગના અધ્યાપકો ગુજરાતી સાહિત્ય પણ વાંચતા નથી. તેમની સરખામણીમાં અન્ય વિદ્યાશાખાના કેટલાય વાચકો વધુ વાંચે છે. આ ઘટ સાથે સાથે એક બીજો મહત્ત્વનો પ્રશ્ન ‘કિંચિત્’માં છેડવામાં આવ્યો પણ દુર્ભાગ્યે પછીની વિવેચનામાં એને બહુ અવકાશ નથી મળ્યો. પ્રશ્ન આ છે:
‘આત્મલક્ષી કવિતાનું પ્રમાણ કેમ વધતું જાય છે? કવિ અવચેતનાના ધૂંધળા લોકમાં દૃષ્ટિ વાળીને ત્યાંથી કેવળ એને જ ગમ્ય એવાં પ્રતીકો શોધીને શા માટે કાવ્યમાં પ્રયોજે છે? ભાષાના સામાન્ય પદવિન્યાસના પર કવિને કેમ આટલો બધો જુલમ ગુજારવો પડે છે?’ ‘(કિંચિત્’, 147; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 92)
વાસ્તવમાં તો આ પ્રશ્ન વધુ ને વધુ ઊંડે જઈને તપાસવો જોઈતો હતો. ‘કુણ્ઠિત સાહસ’ નામના લેખમાં બહુ પાછળથી સુરેશ જોષીએ કવિતામાં જોવા મળેલા ‘હું’ની ચર્ચા હકારાત્મક ભૂમિકાએ રહીને કરી હતી. પણ ‘કિંચિત્’ પૂર્વે સુરેશ જોષીની ચર્ચામાં જીવાતા જીવનનો પરિચય સર્જકે કેળવવો જોઈએ એ વાત હતી. વાત પાછળથી એ વિસરાઈ જાય છે. પ્રતીકરચનાના સન્દર્ભે બીજો એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અંગત પ્રતીકો અને પ્રાકૃતિક પ્રતીકો. અંગત પ્રતીકોની યોજના સર્જકને દુર્બોધતા તરફ દોરી પણ જાય. આ પ્રશ્ન ઉમાશંકર જોશી પણ ‘ભાવપ્રતીક’ની ચર્ચા કરતી વેળાએ ઉપાડે છે. અર્નેસ્ટ હેમિંગ્વે મોટે ભાગે પ્રાકૃતિક પ્રતીકોનો વિનિયોગ કરે છે. જે સર્જકો અંગત પ્રતીકો પ્રયોજે તેના સંકેતો સ્પષ્ટ બનવા જોઈએ. હા – ક્યારેક ભલભલા એ સંકેતો પારખવામાં મુશ્કેલી કરે. સુરેશ જોષી જેવા પણ ખોટા અર્થઘટનના માર્ગે જતા રહે. અર્નેસ્ટ હેમિંગ્વેની પ્રખ્યાત વાર્તા ‘ધ સ્નોઝ ઓવ્ કિલિમાંજારો’ની ચર્ચા કરતી વખતે સુરેશ જોષીએ દીપડાના થીજી ગયેલા શબ (મૂળ અંગ્રેજી શબ્દ કારકાસ)ને બદલે તેના ‘હાડપિંજર’ની વાત કરી એટલે પછી નિરાંતે હાડપિંજર સુધી પણ પહોંચી શકાય. વાસ્તવમાં તો મૃત્યુ પછી પણ ગંધાયા વિનાના શબની સ્થિતિએ પહોંચેલ પશુનો દેહ(એ બરફમાં દટાઈ રહ્યો હતો) અને જીવતા હોવા છતાં ગ્રેંગ્રીનને કારણે ગંધાતા દેહની સ્થિતિ વચ્ચે હેમિંગ્વે વિરોધ ઊભો કરવા માગે છે અને આ વિરોધ દ્વારા જે સંતુલન સિદ્ધ થાય તે હેમિંગ્વેની વાર્તાવિશિષ્ટતા ગણાય.
સુરેશ જોષીની કાવ્યવિચારણાના કેન્દ્રમાં પ્રયોજનવાદ નથી. આમ છતાં તેમણે એટલું તો સ્વીકાર્યું છે કે સાહિત્ય જીવનને જોવાની એક દૃષ્ટિ આપે છે, એના દ્વારા જીવનનાં નવાં પરિમાણ ઊઘડે છે. એનું એક મહત્ત્વનું કારણ એ ખરું કે સર્જક નવા નવા ભાવખંડોની શોધ કરે છે, સાથે સાથે એ જે જગત સર્જે છે તે અત્યાર સુધી બીજા કોઈ સર્જકે સર્જ્યું ન હતું. એટલે આ જે અપરિચિતતાની અનુભૂતિ ભાવકને થાય એ દ્વારા ભાવકની ચેતનાનો ઉત્કર્ષ થાય. પરંતુ આપણા સાહિત્યની મર્યાદાઓ તેમણે આવી જ રીતે પારખી હતી. પોતીકી અનુભૂતિની ન્યૂનતા એમને પણ પંડિતયુગના આનંદશંકર ધ્રુવ, બ.ક.ઠાકોર જેવા સાક્ષરોની જેમ વરતાઈ હતી. ગુજરાતી કવિ જો નિરાશા આલેખે તો તે પણ ત્ત્રી ઉચજાીનચહગત્ત્ની છાયામાં બેસીને આલેખે છે એવું તેઓ માનતા હતા.’
સુરેશ જોષીએ પહેલેથી કેટલાંક ગૃહીતો સ્વીકારી લીધાં અને એ ગૃહીતો છેક સુધી એક અથવા બીજા શબ્દોમાં ટકી રહેલાં જોવા મળે છે. સામગ્રી ઉપર કોઈક પ્રકારના સંસ્કાર ન થાય ત્યાં સુધી (અર્થાત્ કવિ રચનારીતિ દ્વારા સામગ્રીનું રૂપાંતરણ-સંસ્કરણ કરે છે) ભાવકને રસાનુભવ ન થઈ શકે. અભિનવગુપ્ત રસપ્રતીતિનાં વિઘ્નોની ચર્ચા કરે છે તેમાં પ્રતીતિઉપાયવૈકલ્ય કે ગૌણપ્રધાન વિવેકભાનની ચર્ચા છે. કવિકર્મ જ જો થાય નહીં તો ભાવકને એ કૃતિ ચેતોવિસ્તાર કરાવી ન શકે. સ્વાભાવિક રીતે જ આ ચર્ચા વિષયવસ્તુની અસાધારણતાને મહત્ત્વ નહીં આપે; ઉચ્ચાવચતા કૃતિની સામગ્રીને આધારે નિયત થઈ ન શકે. અને સાહિત્યકાર પાસે તો ભાષા સિવાય બીજું શું હોય છે – એટલે આ માધ્યમ દ્વારા જ કવિકર્મ શક્ય બને. સાથે સાથે કવિ કશુંક અપૂર્વ આપવા ઇચ્છે છે, સંસ્કૃત કાવ્યમર્મજ્ઞોએ પણ ‘અપૂર્વતા’ની વાત કહી છે, સુરેશ જોષીનો અભિગમ ફિનોમિનોલોજીકલ છે, એટલે જ તેઓ અનુભવાઈ ચૂકેલાં રૂપો સામે કવિના વિદ્રોહની વાત કરશે; કવિચેતના પણ કવિને કશાક મૌલિક સર્જન તરફ પ્રેરતી હોય છે. વળી આ જ ફિનોમિનોલોજી તેમની પાસે બોલાવશે: ‘કવિતા અને ધર્મ વચ્ચે એક કાળે જે સમ્બન્ધ હતો તેવો સમ્બન્ધ આજે વિજ્ઞાન અને કવિતા વચ્ચે બંધાયો નહીં.’ આ વાતને જરા ધ્યાનથી જોવી જોઈએ. આનંદકુમાર સ્વામી જેવા પરંપરાનિષ્ઠ ચિંતકો અને બર્ગમેન જેવા આધુનિક ફિલ્મનિર્દેશકો કળા, ધર્મ અને તત્ત્વજ્ઞાનના સંબંધ ઉપર પુષ્કળ ભાર આપતા હતા. મેર્લો પોન્તિ જેવા ચિંતક માને કે આજે જો ફિલસૂફીએ ટકી રહેવું હશે તો સાહિત્ય રૂપે જ તે ટકી શકશે. રોમન ઇન્ગાર્ડને સાહિત્યકૃતિને અનેકથરી રચના તરીકે ઓળખાવીને મહાન સર્જકે તો છેલ્લા થર – ફિલસૂફીના થર – સુધી પહોંચવું જોઈએ એમ જણાવ્યું હતું. આ બધાનો નિષ્કર્ષ તો છેવટે આટલો નીકળે છે કે સાહિત્યકૃતિમાં દાર્શનિકતા અનિવાર્ય છે. સુરેશ જોષીને આ દાર્શનિકતા સામે વાંધો નથી, શરત માત્ર એટલી કે એ દાર્શનિકતા કૃતિમાંથી ઉત્ક્રાન્ત થયેલી હોવી જોઈએ, કૃતિનાં બધાં ઘટકો સાથે એ પણ એકરસ થઈ ગયેલી હોવી જોઈએ. આમ કૃતિની અખંડિતતા ઉપર ભાર મૂકાય છે, કૃતિને હ્રસ્વ કરીને જોવાની વાત ન ચાલે, બીજા શબ્દોમાં આપણા પૂર્વગ્રહો/અભિગ્રહોને આગળ કરીને કૃતિની સંકુલ સમૃદ્ધિનો ભોગ લેવાનો ન હોય.
કૃતિની સમૃદ્ધિ કોઈ પણ રીતે સામાન્ય પ્રજા સુધી પહોંચવી જોઈએ – આસ્વાદ, આસ્વાદમૂલક બોધકથા, રસવિવેચન – જેવી પ્રવૃત્તિઓનો વ્યાપ પ્રજાની સંસ્કારિતાની પારાશીશી છે. સુરેશ જોષીએ આરંભથી જ આવી રસાસ્વાદની પ્રવૃત્તિ – વિવેચનની પરિભાષાના ભાર વિનાની – ઉપર ભાર આપ્યો હતો – તો જ ‘સાહિત્ય જે મૂલ્યબોધ પ્રગટાવે છે તે જનતાના સર્વસ્તર સુધી વિસ્તરતો જશે.’ ‘(કિંચિત્’, 69, ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’ – 44) એટલે જ જુઓ તેમણે ‘કિંચિત્’માં સત્યજિત રાયના ‘પથેરપાંચાલી’નો આસ્વાદ કરાવ્યો, એમાં ફિલ્મની રચનારીતિની ચર્ચા નથી એ સાચું અને તેમ છતાં સામાન્ય માનવી એમાંથી ઘણું પામી શકે છે.
સુરેશ જોષીને ત્યારે પણ લાગ્યું હતું કે રસાસ્વાદની નૈતિક વૃત્તિ કુંઠિત થાય એવા ભય વચ્ચે આપણે જીવી રહ્યા છીએ, આજે એકવીસમી સદીમાં પ્રજા અનેક ઓથારો વચ્ચે જીવી રહી છે – બદલાયેલી જીવનશૈલીએ ઉત્તમ કૃતિઓના આસ્વાદ માટેનો અવકાશ ઓછો કરી નાખ્યો છે, આ જ આપણી સામેનો મોટો પડકાર છે. એથી પણ આગળ જઈને કદાચ પોતાની દૃઢીભૂત સાહિત્યવિભાવનાને ઘડીભર બાજુએ મૂકીને તેમણે કહ્યું હતું કે ‘માનવમાનવ વચ્ચેના સંબંધોની તંગદિલી કવિતાથી ઓછી થાય. સાહિત્યના અનુશીલનથી આપણી રસવૃત્તિ, અનુભવને ગ્રહણ કરવાની શક્તિ કેળવાશે. એ કારણે માનવ માનવ વચ્ચેના સંબંધમાં આજે વરતાતી તંગદિલી ઓછી થશે, ઉદાસીનતાને સ્થાને ઉત્સાહ આવશે.’ ‘(કિંચિત્’, 139; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 87)
કાવ્યના અનુવાદ નિમિત્તે એક બીજો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે; આપણી અનુવાદપ્રવૃત્તિની સૌથી મોટી મુશ્કેલી મૂળ ભાષાના અજ્ઞાનની છે, એટલે આપણે અંગ્રેજી કે હિંદી ભાષાને આધારે જ અનુવાદ કરવા પડે છે – માત્ર અંગ્રેજી, હિંદી, મરાઠી, બંગાળી ભાષાઓના જ જાણકારો આપણી વચ્ચે છે. ‘જેમ પૃથ્વીની આજુબાજુ વાયુમંડળ છે, તેમ દરેક ભાષાની આજુબાજુ એને વાપરનારી પ્રજાના ભાવોચ્છ્વાસનું વાતાવરણ છે. એ વાતાવરણથી ભાષાને અળગી કરો કે તરત એના પ્રાણ કરમાઈ જાય.’ કાવ્યના અનુવાદક કે ભાષાન્તરકારે કવિના ચિત્તના નેપથ્યમાં જે નિર્માણની પ્રક્રિયા ચાલતી હોય છે તેનું પગેરું તો કાઢવું જ જોઈએ; પણ સાથે સાથે પોતાની ભાષાના વાતાવરણમાંથી નીકળીને કાવ્યની મૂળ ભાષાના વાતાવરણમાં પોતાની જાતને મૂકવી જોઈએ.’ ‘(કિંચિત્’, 102-3; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 65)
આગળ જોઈ ગયા કે સુરેશ જોષી કવિકર્મ ઉપર વિશેષ ભાર આપે છે. એટલે કવિ ફેશનરૂપ પ્રયોગો કરે તે ન ચાલે, 1960 પછી તો લગભગ બધા વિવેચકો કહેતા થઈ ગયેલા કે આધુનિક ગુજરાતી સર્જક પશ્ચિમનું અનુકરણ કરે છે. આ ભયસ્થાન સ્વાભાવિક રીતે બધી જ ભાષાઓના આધુનિક કાવ્યજગતમાં ઉપસ્થિત થયું હતું. સુરેશ જોષીને આ ભયસ્થાનની જાણ થઈ ચૂકી હતી, પાછળથી ‘એક ઉંદર અને એક જદુનાથ’ બેકેટના ‘વેઇટિંગ ફોર ગોદો’ના સાવ રેઢિયાળ અનુકરણ રૂપે આવ્યું હતું એ ઘટનાએ સુરેશ જોષીનો ભય સાચો પાડ્યો હતો. કવિએ પોતાની રીતે આગવું કવિકર્મ કરવું જોઈએ, ‘ઉછીના કે પરંપરાગત અનુભવની આસપાસનું ચાતુરીભર્યું નક્શીકામ ન ચાલે.’
સુરેશ જોષીએ ઘણું કરીને નાટક જેવા કળાપ્રકાર કે સાહિત્યસ્વરૂપની ખાસ ચર્ચા કરી નથી. ‘કિંચિત્’ના ‘કવિ અને રંગભૂમિ’ નામના લેખમાં નાટકના માધ્યમ તરીકે ગદ્ય અને પદ્યના વિનિયોગ નિમિત્તે કેટલાક પ્રશ્નો ચર્ચ્યા છે. ‘ગૃહપ્રવેશ’ની પ્રસ્તાવના રૂપે મૂકેલા ‘કિંચિત્’ તથા ‘યોજકસ્તત્ર દુર્લભ:’ લેખને નિમિત્તે કથાસાહિત્યના પ્રશ્નો ચર્ચ્યા છે. ‘ગૃહપ્રવેશ’ની પ્રસ્તાવના રૂપે મૂકેલા ‘કિંચિત્’ લેખમાં સુરેશ જોષીએ ટૂંકી વાર્તાની વિભાવના અને પોતે જે પ્રકારની વાર્તાઓ લખી તેનું કાવ્યશાસ્ત્ર ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે. આ લેખમાં પાછળથી જે પરિભાષા ગુજરાતી વાર્તાવિવેચનમાં વધુ ચર્ચાસ્પદ બની તે ‘મુખ્ય વસ્તુનું તિરોધાન, એટલે કે ઘટનાહ્રાસ’નાં મૂળ જોવા મળશે. સુરેશ જોષીની વાર્તાઓની ચર્ચા કરતી વખતે જોઈ ગયા કે તેમની વાર્તાવિભાવના જે આદર્શ ઊભો કરવા જાય છે તેને અનુરૂપ ‘ગૃહપ્રવેશ’ની વાર્તાઓ નીવડી આવી નથી. એવી જ રીતે પાછળથી તેમણે જે ખૂબ જ વિખ્યાત લેખ ‘નવલકથા વિશે’ લખ્યો તેનાં મૂળ ‘યોજકસ્તત્ર દુર્લભ’ લેખમાં જોવા મળે છે; જોકે જુદી જુદી રીતે તેમણે અવારનવાર પોતાના મૂળભૂત ગૃહીતની ચર્ચા કરી છે અને તે અહીં પણ જોવા મળશે: સાહિત્યની કાચી સામગ્રી પર સંસ્કાર થવો જોઈએ એ વાત તો પ્રાચીન કાળથી સ્વીકૃતિ પામતી આવી છે. સુરેશ જોષી આ વાત પોતાની રીતે કરે છે: ‘એકની લીલાથી અનેકનો પ્રપંચ વિસ્તરે કે તરત એમાંનાં અંગોના પારસ્પરિક સમ્બન્ધના સંવિધાનનો પ્રશ્ન ઊભો થાય. અનુભવોનું જે મૂલ્ય કે રહસ્ય પ્રકટ થાય છે તે સર્જકે એના પર કરેલાં સંવિધાનના સંસ્કારને કારણે.’ ‘(કિંચિત્’, 132; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 84)
‘વિશ્વમાનવ’માં ગુજરાતી કવિતાનો આસ્વાદ લેખમાળા રૂપે પ્રગટ કરનારા ભોગીલાલ ગાંધીએ પાછળથી અંગત વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાત આ આસ્વાદશ્રેણી માટે સુરેશ જોષીનું હંમેશાં ઋણી રહેશે. એમ તો ગુજરાતી કવિતા વિશે લેખો નથી લખાયા એવું નથી, પરંતુ ભાવક અને કવિ વચ્ચે મધ્યસ્થીનું કર્તવ્ય બજાવતાં બજાવતાં સુરેશ જોષીએ પોતાની આગવી ઉષ્માસભર શૈલીમાં, વિવેચનની પરિભાષાનો ઉપયોગ કર્યા વિના કૃતિઓનાં રસકીય સ્થાનો જે રીતે ઉઘાડાં કરી આપ્યાં એણે ભાવિ આસ્વાદકો માટે એક કેડી પાડી આપી, દુર્ભાગ્યે એ કેડીએ ચાલનારા ઘણા બધા આસ્વાદકો ઔપચારિક પુરવાર થયા હતા. આ સમગ્ર લેખમાળા અથવા ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ ગ્રંથમાંથી સરખી રીતે પસાર થનાર જોઈ શકશે કે આ આસ્વાદ લેખો પાછળ રૂપરચનાવાદી અભિગમ નથી. અહીં જે તે કૃતિનાં ઘટકોની ચર્ચા સમગ્ર કૃતિને ધ્યાનમાં રાખીને કરેલી હોવા છતાં જે શૈલી છે તેમાં પ્રભાવવાદી વિવેચનનાં લક્ષણો ભળી ગયેલાં છે, એ રીતે વિવેચકનું સર્જનાત્મક વ્યક્તિત્વ ઉમેરાયેલું છે. તેમણે પોતે તો સ્પષ્ટતા કરી જ છે કે ભાવક જ્યારે કવિતાથી દૂર દૂર ચાલી નીકળ્યો હોય ત્યારે વિવેચકે જાણે ‘પોતે કાવ્યના સર્જનની પ્રક્રિયાનો સાક્ષી હોય એ રીતે’ રચનાપ્રક્રિયાનો પ્રત્યક્ષ પરિચય કરાવવો જોઈએ. વળી ‘વ્યવહારના અનુભવમાંથી પ્રાપ્ત થતા ઉપાદાનને કવિ પોતાની વિશિષ્ટ શક્તિથી આગવું રૂપ આપીને રસાસ્વાદની સામગ્રીમાં કેવી રીતે પલટી નાંખે છે’ તે બતાવી આપવું જોઈએ.
આ સમગ્ર ઉપક્રમ સફળ એટલા માટે થાય છે કે સામાન્ય રીતે પરંપરાગત કૃતિનિષ્ઠ વિવેચનમાં જે ભયસ્થાનો રહેલાં હોય છે તેમાંથી સુરેશ જોષી ઊગરી ગયા છે. કૃતિને ઘડનારાં પરિબળો, સર્જકના જીવનની અંગત વિગતોને ટાળીને માત્ર કૃતિની સામગ્રી ઉપર કેવા પ્રકારનો સંસ્કાર કરવામાં આવ્યો છે અને એને પરિણામે ભાવક રસાનુભવ દ્વારા પોતાની ચેતનાને કેવી રીતે વિસ્તારી શકે છે એના ઘણા બધા નમૂના આ ગ્રંથમાં જોવા મળશે. આ વિવેચનની શૈલી ભલે રૂપરચનાવાદી વિવેચકની ન હોય તેમ છતાં એની પાછળ મૂળભૂત ગૃહીતો તો એવાં ને એવાં જ છે – વ્યવહારનો અનુભવ અને રસાનુભવ અલગ અલગ છે; કવિ પોતાના માધ્યમ વિશે સભાન હોવો જ જોઈએ, વ્યવહારની ભાષામાંથી નવા સંકેતો કવિ કેવી રીતે પ્રગટાવે છે એનાં અનેક દૃષ્ટાંતો આ લેખોમાંથી મળી રહેશે. જે ક્રમમાં રચનાઓ મૂકી છે એ દ્વારા ગુજરાતી કવિતાની એક વિકાસયાત્રા પણ મળી રહે છે.
સુરેશ જોષીએ ભલે અહીં સ્પષ્ટતા કરી હોય કે અહીં પસંદ કરેલી રચનાઓ જે તે કવિની શ્રેષ્ઠ રચનાઓ નથી, પ્રશ્ન એ થાય કે ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, પ્રિયકાન્ત મણિયાર જેવા કવિઓની આવી રચનાઓ શા માટે પસંદ કરી? સાથે સાથે આપણને લાગશે કે જે રીતે અન્ય કૃતિઓના આસ્વાદમાં સુરેશ જોષી ખીલ્યા છે તેટલા ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાન્ત મણિયારની કૃતિઓના આસ્વાદોમાં ખીલ્યા નથી, ક્યારેક તો પ્રિયકાન્ત મણિયારની ચર્ચા કરતી વખતે નિરંજન ભગતને ટપલી મારવાનું ભૂલ્યા નથી! વિવેચકનો આશય તો જે તે ઉત્તમ રચનાની પસંદગી કરવાનો જ હોય.
બ.ક.ઠાકોરની જેમ સુરેશ જોષી પણ ગુજરાતી સાહિત્યની નવી નવી ક્ષિતિજો કેમ પ્રગટે એ માટે અવારનવાર સર્જકોને ટોકતા રહ્યા. તેમની દુરારાધ્યતા પાછળનું કારણ પણ અહીં જ રહેલું છે. વિષયવસ્તુની જ માત્ર નવીનતાથી હંમેશાં ગુજરાતી વિવેચક રીઝતો આવ્યો છે, પછી એ વિષયવસ્તુ સાથે કેવી રીતે કામ પાડવામાં આવે છે એની ચિંતા વિવેચને ભાગ્યે જ કરી છે. એટલે સુરેશ જોષીની વિવેચનાના કેન્દ્રમાં હંમેશાં વિષયને આપવામાં આવેલો આકાર છે. ઘણી વખત યોગ્ય સંદર્ભમાં આકાર કે રચનારીતિને જોવામાં ન આવે તો રૂપરચનાને જડ, યાંત્રિક માની લેવાય, વાસ્તવમાં નવ્યવિવેચને પણ રૂપરચનાને યાંત્રિક તો માની જ ન હતી, સુરેશ જોષી પણ સ્વીકારશે કે ‘એ આકારની વિશિષ્ટતા એ કે એમાં જડતા ન હોય, સજીવતા હોય. હૃદયને એનો સંસ્પર્શ થતાં એક પ્રકારનું સ્પંદન શરૂ થાય, અર્થનું ચોસલું જ માત્ર હાથમાં ન આવે. એ સ્પંદનથી અભિષિક્ત થઈને ભાવસૃષ્ટિ નવી કાન્તિ ધારણ કરે…’ ‘(ગુજરાતી કવિતાનો આસ્વાદ’, 42-3; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 149)
એટલે ગુજરાતી કવિ સામે બે પડકાર ઊભા થયા. એક પડકાર સામગ્રીની દૃષ્ટિએ છે અને બીજો પડકાર નવી કાન્તિ ધરાવતી ભાવસૃષ્ટિને માટે આકાર કેવી રીતે સિદ્ધ કરવો. આ બે પડકારની વાત આ રીતે મૂકવામાં આવી છે:
‘નગરમાં પણ મનુષ્યે અરણ્ય સરજ્યાં છે. એની આંધળી વાસનાનો વ્યાકુળ ઉચ્છ્વાસ, એનાં જીવનને માટેનાં વલખાં અને કારમી બુભુક્ષા – આ બધાંની પણ એક જટિલતા છે. આ જટિલતાનું સમગ્ર દર્શન હજુ આપણી કવિતાએ તો આપવાનું છે. એ જે જટિલતાની વાત કરે છે તે તો બીબાઢાળ, જેની વાત કરવી ફાવે એવી, જટિલતા છે. એની વાત કરતાં ભાષાને પોતાનું આખું કલેવર બદલવું પડ્યું હોય, એમ કરતાં જે મુશ્કેલી નડી હોય તેનો ખ્યાલ આ કવિતા વાંચતાં આવતો નથી. આપણી નવલકથા પણ આ જટિલતાના મર્મ સુધી પહોંચી શકે એવી કૌવતવાળી બની નથી. અત્યારે તો ‘ઇંધણ ઓછાં પડ્યાં’ હોય એવું લાગે છે. આનું એક કારણ કદાચ એ છે કે આપણા સર્જકમાં પૂરતી માત્રામાં અલગારી સ્વભાવ નથી.’(જનાન્તિકે’, 29; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: નિબન્ધ, 1’, 27 )
ગુજરાતી સર્જક આ રીતે એકદંડિયા મહેલમાં રહેવો જોઈએ એવો આનો અર્થ નથી થતો. અનુભૂતિવિશ્વની જરા જુદા પ્રકારની મર્યાદાની સુરેશ જોષી વાત કરે છે, ‘જ્યાં વિભાવનાઓમાં ચોકઠાં બંધાયાં નથી, જ્યાં તૈયાર સંજ્ઞાઓથી ભાવને ઓળખી શકાતો નથી એવા અનુભૂતિના અગોચર સ્તરને તાગવાનું સાહસ હજી આપણી કવિતાને કરવું બાકી છે.’ ‘(જનાન્તિકે’- 40-1, ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: નિબન્ધ, 1’ -35)
બીજી બાજુ સુરેશ જોષીને કેટલીક વિભાવનાઓ સામે પહેલેથી વાંધા છે. ફિનોમિનોલોજીની ભૂમિકા સર્જક-વિવેચક તરીકે સ્વીકારેલી હોવા છતાં ફિનોમિનોલોજી સામાન્ય રીતે સ્વીકારે એવી કેટલીક ભૂમિકાઓ તેઓ અસ્વીકારે છે એટલે પ્રેરણા, અંત:સ્ફુરણા, ધ્યાન, સાધના, દર્શન, અલૌકિક પરિસ્પંદ સામે તેઓ શંકાની નજરે જુએ છે. ‘અનુભવના પરિઘના બધા જ અંશોને સ્પર્શવાની અશક્તિને તો આપણે આ શ્રદ્ધાને નામે ઢાંકતા નથી?’ ‘(જનાન્તિકે’, 37; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: નિબન્ધ, 1’, 31) તો બીજી બાજુ દર્શન તો કૃતિમાંથી નિષ્પન્ન થાય – ‘દૃષ્ટિ ઘડાય છે કૃતિના અંગની અંદર રહીને, એની બહાર નહીં. જ્યાં દૃષ્ટિને અનુસરીને સૃષ્ટિ ચાલે છે ત્યાં એમાં કશું રહસ્ય રહેતું નથી.’ સુરેશ જોષી એક મુદ્દો અહીં ચૂકી જતા લાગે છે. જો અસ્તિત્વવાદી ગૃહીતો લઈને સાર્ત્ર, કૅમ્યૂ કૃતિઓ રચી શકતા હોય તો ગાંધીદર્શન સામગ્રી તરીકે આવી કેમ ન શકે? વળી ઘણી બધી આધુનિક રચનાઓએ સ્વાયત્તતાવાદી કૃતિની વિભાવના નથી સ્વીકારી. જાણીતી કૃતિ ‘ધ વેસ્ટલૅન્ડ’ કૃતિની બહાર ટિપ્પણોમાં વિસ્તરે છે. ‘ધ આઉટસાઇડર’ એના ભાષ્ય ‘મીથ ઓવ્ સિસીફસ’માં વિસ્તરે છે. ડબલ્યુ.બી.યેટ્સની રચનાઓ કવિના ચિંતનાત્મક ગ્રંથ ‘ધ વીઝન’ વિના આકલિત થઈ ન શકે એ પ્રકારની છે.
સુરેશ જોષીએ જે કેટલાંક મૂળભૂત ગૃહીતો સ્વીકાર્યાં છે તે તો એમના કોઈ પણ વિવેચનગ્રંથમાં જોવા મળશે. ‘કથોપકથન’ ગ્રંથમાં ટૂંકી વાર્તા અને નવલકથા સ્વરૂપોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. આ બંને ગદ્યસ્વરૂપો હોઈ એની ચર્ચા પદ્યસ્વરૂપોની ચર્ચા કરતાં જુદી પડવા છતાં મૂળભૂત સાહિત્યવિભાવનાથી અલગ પડતી નથી. તેમણે પશ્ચિમના કથાસાહિત્યના પ્રત્યક્ષ વાચનને આધારે પોતાની રુચિ ઘડી છે – પરંતુ આકૃતિ, વાસ્તવ વિશેના ખ્યાલોમાં એવું ખાસ કોઈ ક્રાંતિકારક પરિવર્તન આવ્યું નથી. કથાસાહિત્યની વિવેચના પશ્ચિમમાં પણ પ્રમાણમાં નબળી રહી છે, એનું સાદુંસીધું કારણ એ આપવામાં આવે છે કે કાવ્ય અને નાટક તો હજારો વર્ષોની પરંપરા ધરાવતાં સ્વરૂપો છે જ્યારે નવલકથા તો માત્ર ત્રણેક સદી જૂનું સાહિત્યસ્વરૂપ છે, એના વિવેચનની એક સ્થિર પરિપાટી તૈયાર થઈ ન શકી. વળી નવલકથા વર્ણસંકર સ્વરૂપ બની ગઈ, દરેકમાંથી એ ઘણું બધું લેતી થઈ પરિણામે ઇતિહાસથી માંડીને મનોરંજન-પત્રકારત્વ: આ બધેથી નવલકથાને સામગ્રી-શૈલી લાધ્યાં. આ સ્વરૂપને એ રીતે શુદ્ધ કળાઘાટ મળી ના શક્યો. સુરેશ જોષી શુદ્ધ નવલકથા સ્વરૂપના આગ્રહી બની રહ્યા. પરિણામે કથાસાહિત્યની વિવેચનામાં પણ તેમણે કાવ્યવિવેચનાનાં કેટલાંક ગૃહીતો પ્રયોજ્યાં. તેમની સ્પષ્ટ માન્યતા છે કે પ્રકૃતિમાંથી આકૃતિ ઉપસાવવી અને એ દ્વારા જ પ્રકૃતિના હાર્દને મૂર્ત કરી શકાય, સર્જક પાસે એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. કેટલાક વિવેચકો કથાસાહિત્યમાં કાવ્યવિવેચન કરતાં જુદાં ધોરણોની ભલામણ કરે છે. કાવ્ય (તેમાંય લિરિક, સોનેટ જેવાં) સ્વાયત્ત અસ્તિત્વ ધરાવે છે એવું કહેતાં ભાગ્યે જ કોઈ સંકોચ પામે છે જ્યારે નવલકથા એવું સ્વાયત્ત અસ્તિત્વ ધરાવતું સ્વરૂપ નથી, એ મહદંશે અનુકારક (માયમેટિક) છે અને એને કારણે જીવનની વધુ નિકટ છે, એવી માન્યતા ઘણા બધા વિવેચકોની છે, આ માન્યતા સાવ ખોટી છે એમ સહેલાઈથી કહી શકાતું નથી.
સુરેશ જોષીની કથાસાહિત્યની ચર્ચા અહીં જુદી પડે છે. તેમની દૃષ્ટિએ આકૃતિની વિભાવના જેવી રીતે કાવ્યને પ્રયોજી શકાય એવી જ રીતે નવલકથાને પણ પ્રયોજી શકાય છે. એટલે નવલકથાના સંદર્ભે પણ આકૃતિનું સ્થાન ગૌણ હોય તે ન ચાલે. આકૃતિની સમસ્યા ગૌણ છે એવો સ્વીકાર એટલે તો સાહિત્ય વિશેની ગેરસમજનો સ્વીકાર.
નવલકથા જેવા સ્વરૂપની બાબતમાં એક બીજી હકીકત આપણે એ પણ નોંધવી જોઈએ. એ દુનિયાના કોઈ પણ દેશ માટે આયાતી સ્વરૂપ બની રહ્યું અને એ ગણતરીનાં વર્ષોમાં આ સ્વરૂપ આયાતી મટી ગયું અને જે તે સંસ્કૃતિમાં જાણે મૂળિયાં નાખીને બેઠું. એ રીતે જોઈએ તો દરેક પ્રદેશે પોતાની પરંપરાઓ સાથે એ સ્વરૂપનું રસાયન એવી રીતે સિદ્ધ કર્યું કે એ સ્વરૂપ ઉછીનું ન રહ્યું. એટલે નવલકથા જેવા સ્વરૂપની ચર્ચા એક બાજુ સુરેશ જોષી કહે છે તેમ પ્રકારલક્ષી ભૂમિકાએ અને બીજી બાજુએ ઉપેર કરેલી ચર્ચાના સંદર્ભે – અર્થાત્ ભારતીય નવલકથાના સંદર્ભે થવી જોઈએ.
નવલકથા એક રીતે જોઈએ તો અતિવ્યાપક સંજ્ઞા છે, એમાં રોમાન્સથી માંડીને ઊમિર્પ્રધાન નવલ (લિરિકલ નોવેલ)નો સમાવેશ પણ થઈ જાય. આ ભેદ જો લક્ષમાં ન લઈએ તો કેટલાક પ્રશ્નો ઊભા થાય. ‘ગુજરાતનો નાથ’ અને ‘સરસ્વતીચંદ્ર’ – આ બંને નવલકથાની પ્રકૃતિ જ જુદી, બંનેને એક જ કાટલે તોલી શકાતી નથી. સુરેશ જોષી એટલું તો સ્વીકારશે કે નવલકથાકાર પોતાનાં પાત્રોને એની આજુબાજુની દુનિયામાંથી આણે છે પણ એ પાત્રોએ પોતાની વાસ્તવિકતા નવલકથાની અંદર જ સિદ્ધ કરવાની હોય. પરંતુ ‘છિન્નપત્ર’માં જે શક્ય બને તે ‘માનવીની ભવાઈ’માં શક્ય ન બને. વળી લિરિકલ નવલકથાના પેટાપ્રકારની વિભાવના બાકીના બધા પ્રકારોને લાગુ પાડી ન શકાય. આવરબાખ, રોબર્ટ શોલ્ઝ કે માલ્કમ બ્રેડબરી જેવા ઘણા બધા વિવેચકોએ નવલકથા સ્વરૂપને અનુકારક ગણ્યું છે. એટલે જો અનેક પ્રકારની નવલકથાઓને એક જ પ્રકારની નવલકથાવિભાવનાને આધારે જો મૂલવવા જાઓ તો ‘વિવેચનની જોહુકમી’નો જે ડર છે તે સાચો પડે.
સુરેશ જોષીની કથાસાહિત્ય વિષયક ચર્ચામાં ઘટનાની ચર્ચા તો આવવાની જ. ‘કથોપકથન’ના ઘણા લેખોમાં ઘટના વિશે બહુ વિશદ રીતે ચર્ચા કરવામાં આવી છે. એક ખૂબ મહત્ત્વની વાત આ રીતે તેમણે આપણી આગળ મૂકી છે:
‘આ પ્રતીકરચનાને કારણે ઘટનાની અંદર રહેલાં પરસ્પરવિરોધી બળોનું સન્તુલન સિદ્ધ કરીને એની અસરને વધુ વ્યાપક બનાવી શકાય, એ ઘટનાને અમુક કાળની વિશિષ્ટ સીમામાંથી મુક્ત કરી શકાય. એક ઘટનાને બીજી ઘટના જોડે સાંકળવામાં કેવળ કાર્યકારણભાવને નિપજાવી આપવાની જ જવાબદારી નવલકથાકારની હોતી નથી. એ સમ્બન્ધ પ્રતીકની માંડણી રૂપ બની રહે એવી યોજના નવલકથાના હાર્દને વ્યાપક બનાવી શકે. આ પદ્ધતિ જ ઘટનાને એની છાપાળવી રેઢિયાળ વાસ્તવિકતામાંથી ઉગારી લઈને સાહિત્યની ભૂમિકાએ સ્થાપી શકે. પ્રતીકનો વ્યાપ ઘટનાના intension, extensionને પોતામાં સમેટી લઈ શકે છે. એ ઉપરાંત, સર્જકના પ્રચ્છન્ન છતાં ક્રિયાશીલ એવાં માનસિક વલણોને કારણે થતું વક્રીભવન તથા એની માત્રા વધતાં આવી જતી અપારદર્શકતાને ટાળવાને જરૂરી એવું psychic distance એને કારણે આવી શકે છે, આ psychic distance સિદ્ધ કરવાને સર્જક એક જ ઘટનાને જુદા જુદા દૃષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયત્ન પણ કરે છે.’ ‘(કથોપકથન’, 30-1; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 239-40)
સુરેશ જોષી કાન્ટ જેવા આધુનિક ચિંતકને અનુસરીને જીવન અને સાહિત્યને અલગ માનીને ચાલે છે, પણ આ નિયમ નવલકથા જેવા સ્વરૂપને કેવી રીતે લાગુ પડે? ધારો કે આપણે આટલું સ્વીકારીએ કે જીવનદર્શન ઉદાત્ત હોય તો નવલકથા મહાન બની ન જાય. પરંતુ જીવન, જીવનવ્યાપારોથી તેને સાવ અળગી રાખવાની કોઈ અનિવાર્યતા નથી. દા.ત.’જીવનની સામગ્રી નહીં, પણ જીવન એ નિમિત્તે જે રૂપ પ્રકટ કરે છે તે કળાકારની તો સાચી સામગ્રી છે… વ્યવહારમાં ચોંટેલી રજને પૂરેપૂરી ખંખેરીને, વ્યવહારમાં સિદ્ધ થયેલી વાસ્તવિકતાને પૂરેપૂરી ગાળી નાખીને, નવલકથામાં નવેસરથી પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવાને પ્રસ્તુત એવાં, derealized પાત્રોનો જ આપણને ખપે છે.’ ‘(કથોપકથન’, 40; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 245-6)
પરંતુ આ શક્ય બને કેવી રીતે? અને બીજી બાજુ, સામાજિક અભિજ્ઞતા કે વ્યાવહારિક વાસ્તવથી આટલું બધું ભડકવાની જરૂર નથી. એટલે જ્યારે સુરેશ જોષી એવો આગ્રહ રાખે કે વ્યવહારના અનુભવનો સમૂળગો લોપ કર્યા પછી જ એનું પુનનિર્ર્માણ સિદ્ધ થઈ શકે ત્યારે પણ પ્રશ્નો ઊભા થાય છે. મોટા ભાગની નવલકથાઓ, પશ્ચિમની સુધ્ધાં, આ સિદ્ધ કરી શકી નથી. ભાવને રસની કોટિએ લઈ તો જવો જ પડે, સર્જકની વિધાયક કલ્પના વડે જ વિષયને ઉચિત ગૌરવ સાંપડી શકે. આ કલ્પના સર્જકને પ્રતીકનિર્માણની દિશામાં ધકેલે. પરંતુ નવલકથાકારની રીત કવિ કરતાં તો ભિન્ન. પ્રતીક વિનાની નવલકથાઓના શક્યતાઓ સ્વીકારી તો છે, અને તેમ છતાં પ્રતીકરાગી નવલકથા માટેની જિકર સુરેશ જોષીની તો છે જ.
શુદ્ધ નવલકથાની વિભાવના તથા રૂપરચનાવાદી અભિગમ, પશ્ચિમની કેટલીક નવલકથાઓએ ઘડેલી રુચિને આધારે સુરેશ જોષીએ ગુજરાતી નવલકથાને મૂલવવાનો એક પ્રયત્ન કર્યો છે, સ્વાભાવિક રીતે જ તેમને ગુજરાતી નવલકથા સામે ઘણી બધી ફરિયાદો છે. ઈ.સ.1866માં ‘કરણ ઘેલો’ પ્રગટ થઈ એની સાથે એ જ વર્ષે પ્રગટ થયેલી દોસ્તોએવ્સ્કીની ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ને તેઓ મૂકી આપે છે. ‘કરણ ઘેલો’ નિ:શંક નબળી કૃતિ છે. પણ આવી તુલના યોગ્ય ગણાય? ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ની પાછળ યુરોપીઅન નવલકથા અને તત્ત્વજ્ઞાનની એક દીર્ઘ પરંપરા પડેલી છે, રશિયન ભાષાનું ગદ્ય પણ ખેડાયેલું છે. આવી સમૃદ્ધ પરંપરા વિના દોસ્તોએવ્સ્કીથી સમર્થ નવલકથાઓ લખી ન શકાત. ગુજરાતીમાં તો ગદ્યને હજુ માંડ દોઢ બે દાયકા થયા, નવલકથા સ્વરૂપનો કોઈ નમૂનો હતો નહીં અને નંદશંકર નવલકથા લખવા બેઠા, અલબત્ત સુરેશ જોષીને આ વાતનો ખ્યાલ તો છે જ, પણ તેઓ કહે છે: ‘જો સર્જક પાસે કોઈ નમૂનો ન હોય તોય એ આખરે તો સર્જન કરવા નીકળ્યો છે ને અક્ષુણ્ણ માર્ગ પર પ્રથમ પગલાં પાડવાનું સાહસ કરવા નીકળ્યો છે.’ ‘(કથોપકથન’, 46; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 249) ‘કરણ ઘેલો’ની મર્યાદાઓ બતાવવા માટે એ જ સમયગાળામાં લખાયેલી ભારતીય નવલકથાનાં દૃષ્ટાંત લેવા પડે. ‘કરણ ઘેલો’ સંદર્ભે મરાઠીની (અને ભારતની) પહેલી નવલકથા ‘યમુના પર્યટન’ મૂકીએ તો! વાસ્તવમાં તો ‘કરણ ઘેલો’ સામે બીજા કેટલાક પ્રશ્નો ચર્ચવા જેવા હતા. રસેલ સાહેબે વોલ્ટર સ્કોટની જ નવલકથાનો નમૂનો શા માટે આપ્યો? અંગ્રેજી ભાષામાં લખાયેલી બીજી ઉત્તમ નવલકથાઓ (જેન એઅર, વુધરિંગ હાઇટ્સ, પામેલા, પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ)ની જાણકારી ન હતી કે જાણીજોઈને એક સસ્તી રોમાન્સકથા ધરી દેવામાં આવી હતી? વળી જે સમયે દેશીઓમાં ઉત્સાહ પ્રવર્તવાની જરૂર હતી ત્યારે શા માટે એક કાયર, લંપટ રાજાને કેન્દ્રમાં રાખતી કૃતિ નંદશંકર મહેતાએ રચી?
ગુજરાતી ભાષાની શકવર્તી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ સુરેશ જોષીની દૃષ્ટિએ નબળી નવલકથા છે. એને વિશેની ચર્ચાનો આરંભ પણ આ રીતે થાય છે: ‘સરસ્વતીચંદ્ર’ વિશે આપણે કદાચ કહી શકીએ: ‘એમાં તૈયારી કોઈ સમર્થ મહાનવલની છે.’(અહીં પણ જુઓ: ઉત્તરાર્ધના ઉપર પૂર્વાર્ધના ‘કદાચ’ શબ્દે છેકો મારી દીધો!) હા, આપણે એટલું કહી શકીશું કે ગુજરાતી વિવેચનને ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાની વિવેચના કરતાં બરાબર આવડ્યું નહોતું. પાછળથી ઉમાશંકર જોશી, ચંદ્રકાંત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચન્દ્રે આ નવલકથાની ચર્ચા જે રીતે કરી છે એ તપાસતાં કથાસાહિત્યને મૂલવતી આપણી વિવેચનાનાં નૂતન પરિમાણ જોવા મળે છે. સુરેશ જોષી હંમેશાં એક વાતનો આગ્રહ રાખતા હતા કે કૃતિમાંથી જ એને મૂલવવાનાં ધોરણો કેવી રીતે પ્રગટે છે – એ જ રીતે આ નવલકથાને સામે રાખીને જોઈએ, કર્તાએ પોતે કરેલી નુકતેચીનીને ભૂલી જઈએ તો શું પરિણામ આવશે? ગોવર્ધનરામની આ નવલકથાની સંરચના સ્વાભાવિક રીતે ભારતીય મહાકાવ્યને મળતી આવતી હોવા છતાં એમાં નાયકના વ્યક્તિત્વની સંદિગ્ધ સંકુલતા, ગુજરાતી જ નહીં – વિશ્વની નવલકથાઓમાં જોવા મળે એવાં કેટલાંક મહત્ત્વપૂર્ણ દૃશ્યોનું આયોજન, સરસ્વતીચંદ્રના વ્યક્તિત્વને ઝાંખું પાડી દેતું કુમુદનું વ્યક્તિત્વ, ક્રમશ: એક થરમાંથી ઉત્ક્રાન્ત થઈને જુદા જુદા થરે પહોંચતી આ નવલકથા આખરે તો સર્જકતા અને ચિંતનની દાર્શનિકતાનો અસામાન્ય સમન્વય છે. સુરેશ જોષીને આનંદશંકર ધ્રુવની ભૂમિકા પસંદ નથી પડી પરંતુ પંડિતયુગના આ પ્રતિનિધિએ મહત્ત્વની વાત તો કરી જ હતી: ‘અંગ્રેજ કે ગ્રીક પ્રજાની કળાના નમૂનાથી ઘડાયેલા રસશાસ્ત્રથી ‘સરસ્વતીચંદ્ર’ જેવી કૃતિને મૂલવવા જઈએ તો અન્યાય થઈ બેસે એવી આનન્દશંકરને ભીતિ છે.’ ‘(કથોપકથન’, 49; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 251) જે તે કળા, જે તે સાહિત્ય હંમેશાં એમના વાતાવરણમાંથી જ પાંગરતા હોય છે. એટલે આપણે આપણી કૃતિઓને આધારે ઊભા કરેલા કાવ્યશાસ્ત્રને આધારે જ આપણા સાહિત્યનું મૂલ્યાંકન કરવું જોઈએ,અને જે ઉત્તમ છે તે પ્રાદેશિક રીતે તો ઉત્તમ હોય જ પણ સ્થળ અને સમયથી પર જઈને પણ એ ઉત્તમ બની રહેવાનું. ગુજરાતી ગદ્યનું આટલું વૈવિધ્ય, પાત્રોની ભીતર જઈને માનવચિત્તની આવી સંકુલ ગતિવિધિ આલેખવામાં ગોવર્ધનરામ અનન્વય પુરવાર થાય છે એ હકીકત મનેકમને પણ સ્વીકારવી પડે એવી છે.
સુરેશ જોષીએ ગુજરાતના બીજા ત્રણ મહાન ગણાતા નવલકથાકારોની આકરી ટીકા કરી છે; કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ અને ‘દર્શક’. ગોવર્ધનરામ ત્રિપાઠી જ્યારે નજીકના પુરોગામી હોય ત્યારે ગમે તેવા પ્રતિભાશાળી સર્જકની કસોટી થાય. કનૈયાલાલ મુનશીની નવલકથાઓને રોમાન્સ તરીકે મૂલવવી જોઈએ, આવો એક પ્રયત્ન કનુભાઈ જાનીએ ‘કથાવિશ્વ’માં કર્યો હતો. એક વાત તો સ્વીકારવી જ પડે કે કનૈયાલાલ મુનશીએ સફળ રોમાન્સ આપ્યા, ગુજરાતી ગદ્યને નૂતન પરિમાણો સંપડાવી આપ્યાં. એમની સરખામણીમાં રમણલાલ દેસાઈની સર્જકતા ઘણી રીતે ઊણી ઊતરતી લાગશે. દર્શકની કૃતિઓની તો વિગતવાર સમીક્ષા ‘કથોપકથન’માં કરવામાં આવી છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથા બદલ સુરેશ જોષીને અસંતોષ હોય તે સ્વાભાવિક છે. આ મહત્ત્વાકાંક્ષી અને ગુજરાતમાં અત્યંત લોકપ્રિય બનેલી નવલકથામાં અકસ્માતોની શૃંખલા ધરાવતી વસ્તુસંકલના તો છે જ, પણ સાથે સાથે જગતમાં વ્યાપેલા અનિષ્ટનો પરિચય કરાવવામાં તે સદંતર નિષ્ફળ ગયેલી કૃતિ છે. તો બીજી બાજુએ સુરેશ જોષી ‘દીપનિર્વાણ’ને અન્યાય કરી બેઠાની લાગણી પ્રવર્તે છે. ગુજરાતી ભાષાના જ નહીં પણ ભારતીય ભાષાઓમાં પણ ઉત્તમ નવલકથાકાર તરીકે પુરવાર થયેલા પન્નાલાલ પટેલની સુધ્ધાં સુરેશ જોષીએ ધરાર અવગણના કરી છે. પન્નાલાલ પટેલના સન્દર્ભે તેમના એક વિધાનને સમજી શકાય નહિ. ‘મળેલા જીવ’નો સર્જક ‘ના છૂટકે’ કેવી રીતે લખે તે સમજી શકાતું નથી.’ ‘(કથોપકથન’, 70; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 264) એક રીતે જોઈએ તો ‘મળેલા જીવ’ તો ઊમિર્માંદ્ય નવલકથા છે, પણ ‘માનવીની ભવાઈ’ની ઉપેક્ષા ન કરી શકાય, વળી ‘ના છૂટકે’ નવલકથા પણ અપેક્ષાભંગ કરે એવી તો નથી જ.
હા, સુરેશ જોષી બહુ યોગ્ય રીતે ભાષાનો મુદ્દો ઉપસ્થિત કરે છે. ગુજરાતી વિવેચને પણ નવલકથાકાર પાસે એવી અપેક્ષા રાખી નથી. તેઓ તો માને છે કે ‘નવલકથા’માં નિરૂપાતી સૃષ્ટિની આબોહવા બદલાય તેની સાથે તેને અનુરૂપ ભાષા પણ બદલાવી જોઈએ. વળી સૌથી મહત્ત્વની વાત સમગ્રતાના આકલનમાં રહેલી અપર્યાપ્તતાની છે.
‘મનુષ્યના વ્યક્તિત્વની સમગ્રતાને હ્રસ્વ કરીને એના એક જ અંશને જીવતો રાખવાની તદબીર આજે ચાલી રહેલી દેખાય છે. સર્જકને માટે તો આ સર્વથા વિઘાતક નીવડે એવી પરિસ્થિતિ છે. પોતાના અખણ્ડ વ્યક્તિત્વનો પ્રતિભાવ એને માટે તો અનિવાર્ય બની રહે છે. એને સ્થાને તૈયાર માહિતી, પૂર્વનિર્ણીત વિચારો, વાસી કલ્પનો, સર્વસામાન્ય રૂઢ ઇબારતનો જો એની આગળ સદા ખડકલો કરવામાં આવતો હોય તો એની સામે ટકી રહીને પોતાનો શબ્દ પોતે ઘડી લેવાનું એનામાં ખમીર હોય એવી ખાસ અપેક્ષા રહે છે.’ ‘(કથોપકથન’, 75,’સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 267)
સુરેશ જોષી ઉપર અસ્તિત્વવાદી ચિંતકોનો તથા સર્જકોનો ખૂબ જ પ્રભાવ પડ્યો હતો. એ વાત સાચી કે વીસમી સદીના પૂર્વાર્ધને અસ્તિત્વવાદે ઘણી બધી રીતે બદલ્યો હતો. ‘કથોપકથન’માં દોસ્તોએવ્સ્કી, કૅમ્યૂ, કાફકા જેવા સર્જકોની ચર્ચા એટલે જ જોવા મળે છે. ગુજરાતી ભાવકોને આ રીતે જુદી રીતે વિચારવાનું ભાથું અન્યથા મળી શક્યું ન હોત. આપણને તો વિશેષ લોભ એ પણ ખરો કે અસ્તિત્વવાદી તરીકે ન ઓળખાતી નવલકથાઓનો પરિચય પણ સાથે સાથે થવો જોઈતો હતો. આ ગાળામાં અન્ય પ્રકારની નવલકથાઓની ચર્ચાઓ તો વ્યાખ્યાનો રૂપે તેમણે કરી જ હતી પણ દુર્ભાગ્યે એ વ્યાખ્યાનો લિપિબદ્ધ થઈ ન શક્યાં. ‘સર્જનાત્મક સાહિત્યમાં કાળયોજના’ જેવો લેખ આપણે બાજુ પર રાખી શકીએ. પરંતુ ‘વિચ્છિન્નતા’ જેવા લેખમાં અસ્તિત્વવાદી ભૂમિકાએ ઊભા રહીને તેમણે આપણા સમયનાં સાતત્યહીનતા, એકલવાયાપણું, શૂન્ય વગેરેની ચર્ચા કરી છે, સાથે સાથે મનુષ્ય માત્રની ઝંખના આ વિચ્છિન્નતામાંથી અવિચ્છિન્નતા તરફની છે એ વાત અહીં સારી રીતે સુરેશ જોષી મૂકી શક્યા છે:
‘સમયની એક ક્ષણ સાથે બીજી ક્ષણને સાંકળતા જઈને અનન્તતાની વિભાવના ઉપજાવવી, એક કાર્ય સાથે બીજા કાર્યને જોડીને પોતાના કર્તૃત્વની અવિચ્છિન્નતા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો; આદર્શ, ભાવના, ઊર્મિ – આ બધાંમાં બીજા સાથે સહભાગી થઈને બન્ધુત્વ અનુભવવું, અને અન્તે આ અવિચ્છિન્નતાના ફલકને ક્રમશ: વિસ્તારતા જઈને અખિલાઈ અનુભવવી, આ તો આપણો સ્વભાવ છે. ધર્મ, કળા, પારસ્પરિક વ્યવહારની વિવિધ રીતિઓ દ્વારા આખરે તો આ અવિચ્છિન્નતા, સહિતતાનો અનુભવ જ આપણે ઝંખતા હોઈએ છીએ.’’(કથોપકથન’, 93-4; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 278) દર્શકની ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના સંદર્ભે ‘સરસ્વતીચંદ્ર’ને યાદ કરતાં કહે છે: ‘સરસ્વતીચંદ્ર’ની રીતે નવલકથા લખવાનો માર્ગ હવે છોડવો ઘટે છે. ‘સરસ્વતીચંદ્ર’ની નવલકથા તરીકેની નિષ્ફળતાનો વારસો ભોગવવામાં હવે ગૌરવ અનુભવવું ન ઘટે.’’(કથોપકથન’, 112; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 288-9) સાથે એક બીજી હકીકત એ વરતાય છે કે દર્શક જેવા ભાવનાના ઉલ્લેખમાત્રથી રીઝી જનારા લેખક છે. જ્યારે સુરેશ જોષી સ્પષ્ટપણે માને છે કે ‘શબ્દમાં મૂકેલી ભાવના વાર્તાસૃષ્ટિમાં શી રીતે સજીવ બને છે, એનાં શાં શાં સંચલનો આપણે અનુભવીએ છીએ, વાર્તાસૃષ્ટિના પ્રવર્તક તત્ત્વ લેખે એ શી રીતે વ્યાપારશીલ બને છે તે તપાસવું અત્યન્ત આવશ્યક છે.’ ‘(કથોપકથન’, 101, ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 282 )
દર્શકની નવલકથામાં ભાવનાનો આ પ્રકારનો વ્યાપાર જોવા ન મળ્યો. સુરેશ જોષીની અપેક્ષા જુદી હતી: ‘પરિસ્થિતિની અંદર રહેલાં વિરોધી બળો, એની સાથેનો પાત્રોનો સંઘર્ષ, આ બેના સજીવ સંસ્પર્શથી ઉખેળાતો જતો કથાપટ ને એમાં ઇંગિત રૂપે, વાતાવરણ રૂપે પ્રકટ થતો, એને નિયન્ત્રિત કરનાર ઋતનો અણસાર – આવું કશું અહીં નથી.’ ‘(કથોપકથન’, 104; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 284) વાત સાચી છે, આપણને અંગત રીતે ગમે કે ન ગમે પણ ગોપાળબાપા (તથા અન્ય પાત્રો) અહીં ચરિતાર્થ થતા નથી. પરિણામે ગોપાળબાપા તો સુરેશ જોષીની દૃષ્ટિએ ‘સદ્ગુણોનો કોથળો’ બની રહે છે.
‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથાની સૌથી મોટી નબળાઈ કોઈ પણ સૂઝવાળા વાચકને બિનજરૂરી પ્રસ્તારની લાગશે. આ પ્રસ્તારને કારણે જ લેખક સંવિધાનનો દોર પોતાના હાથમાં સરખી રીતે રાખી શકતા નથી, એટલે પછી સુરેશ જોષીના તારણ સાથે સાથે સંમત થવું પડે કે ‘કળાને જે સંવિધાયક તત્ત્વની અપેક્ષા છે તેના અભાવને કારણે કથાનકની ગૂંથણીમાં કાકતાલીયતા, કૃત્રિમ રીતે ગૂંચવેલી પરિસ્થિતિ ને એવી જ કૃત્રિમતાથી વાળી સાફસુથરી કરી નાંખવાની પદ્ધતિ, પાત્રાલેખનમાં પાત્રની fictional densityનો – પાત્રના કથાનકમાં પોતાની ગતિશીલતાને અનિવાર્ય એવા આગવા વજનનો અભાવ, ઘટના કે સંવેદનાનું ચેતનાનાં વિભિન્ન સ્તરો પર પ્રકટ થતું રૂપ બતાવી આપવાની અશક્તિ, આ બધું રસાસ્વાદમાં ક્ષતિકર નીવડે છે.’ ‘(કથોપકથન’, 111, ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 288) નવલકથાની કૃતિનિષ્ઠ વિવેચનાનો આ એક ઉત્તમ નમૂનો છે. આવી જ રીતે રઘુવીર ચૌધરીની ‘પૂર્વરાગ’ પણ સુરેશ જોષીને નવલકથા તરીકે સંતોષ આપી શકી નથી.
સુરેશ જોષીના બે માનીતા સર્જકો – દોસ્તોએવ્સ્કી અને કાફકા. અહીં ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’ તથા ‘ધ કાસલ’ વિશેના આલોચનાત્મક લેખ છે. સુરેશ જોષી દોસ્તોએવ્સ્કીની કૃતિમાં રહેલાં રસસ્થાનોની ખૂબ જ સારી રીતે પરખ અહીં કરી શક્યા છે, જ્યાં જરૂર પડી છે ત્યાં કૃતિની બહાર પણ જઈ ચઢે છે. અસ્તિત્વવાદનાં ગૃહીતો દોસ્તોએવસ્કીમાં કઈ રીતે પડેલાં હતાં તેની જાણ પણ આપણને થાય છે, એક પાત્રની સામે બીજું પાત્ર, એક ઘટનાની સામે બીજી ઘટના – આવી યોજનાથી સધાતા સંતુલનની વિગતે ચર્ચા જોવા મળશે. આની તુલનામાં ‘દુર્ગ’ વિશેની ચર્ચા અપેક્ષાભંગ કરે છે. શરૂઆતમાં સામાન્ય ચર્ચા કરીને નવલકથાનો સાર આપવામાં આવ્યો છે અને પછી છેલ્લે કાફકાની અન્ય કૃતિઓની આછીપાતળી ચર્ચા છે, ‘ધ કાસલ’નાં મર્મસ્થાનોનો પરિચય આપણને થતો જ નથી.
આલ્બેર કૅમ્યૂને શ્રદ્ધાંજલિ આપતા લેખ ‘અનુકમ્પાશીલ માનવી’માં કૅમ્યૂની કૃતિઓના પરિચય ઉપરાંત કેટલીક સર્વસામાન્ય ચર્ચા પણ જોવા મળશે. આ લેખમાં સુરેશ જોષી સ્વીકારે છે કે ‘કોઈ પણ યુગનો સમર્થ સર્જક પોતાના યુગની સમસ્યાઓના કેન્દ્રસ્થાનથી દૂર રહીને સરજી શકતો નથી. જેટલી એની સંવિત્તિ વધારે વ્યાપક અને વિશદ તેટલે અંશે એની કૃતિ વધારે સાચી અને સમર્થ.’ ‘(કથોપકથન’, 186, ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 333) આમ યુગચેતનાનો સ્પષ્ટ સ્વીકાર છે, જોકે પ્રત્યેક સર્જકની બીજી એક મથામણ તો હોય છે જ કે ઇતિહાસસીમિત એવી યુગચેતનાને ઇતિહાસાતીતમાં કેવી રીતે ઢાળવી? સાથે સાથે અસ્તિત્વવાદી સમસ્યાઓનું નિરૂપણ કૅમ્યૂ કેવી રીતે કરે છે એની ચર્ચા પણ સમાંતરે જોવા મળે છે.
ચારેક લેખ ટૂંકી વાર્તાના સ્વરૂપચર્ચાને આવરી લે છે. અલબત્ત અહીં પણ ઘટના, ઘટનાહ્રાસ, ઘટનાસંવિધાન, રૂપરચના જેવા પાયાનાં ગૃહીતોની ચર્ચા તો જોવા મળશે જ. આ લેખોમાંથી ફરી એક વાર ટૂંકી વાર્તાના અભ્યાસીઓએ પસાર થવા જેવું છે, એમ થવાથી ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશેની સ્પષ્ટતાઓ તો થશે જ સાથે સાથે સુરેશ જોષીને વિશેષપણે શું અભિપ્રેત છે તેનો પણ ખ્યાલ આવશે. કહી શકાય કે આ લેખો વડે આપણે ટૂંકી વાર્તાને અને સાથે સાથે સુરેશ જોષીને વધુ સારી રીતે ઓળખી શકીશું.
સામાન્ય રીતે આપણા વાચનમાંથી છટકી જાય એવી ભૂમિકા તેમની વિવેચનામાં મળી આવે છે: ‘અદ્યતન બનવાનો ધખારો સિસૃક્ષાની અવેજીમાં કામ આપી શકે નહિ તે દેખીતું છે. ‘વિચ્છિન્નતા’, ‘હતાશા’ કે ‘એકલવાયાપણું’ – આમાંથી કશું જ સ્વીકાર્યા વિના પણ સારી વાર્તા લખી શકાય. વાર્તાલેખનની આજ સુધીની અનેક પદ્ધતિઓમાંની કોઈ પણ પદ્ધતિ આજનો વાર્તાકાર પ્રયોજી શકે. પરીકથા કે બોધકથાની શૈલી પણ વાર્તાકારને જરૂર લાગે તો અપનાવે.’ ‘(કથોપકથન’, 214-5, ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 350) આપણો સર્જક એટલો તો સભાન હોવો જોઈએ કે જે કોઈ શૈલી પ્રયોજે તે શા માટે પ્રયોજી રહ્યો છે. વળી શૈલી એ સાધ્ય છે સાધન નહીં એટલે સર્જકે એવી શૈલીનું સંસ્કરણ વાર્તાના સંદર્ભમાં કરવું જોઈએ.
સુરેશ જોષીએ છેક 1955થી વ્યવહારજગત અને કળાજગત વચ્ચે ભેદ પાડ્યો છે: વ્યવહારમાં ઘટનાની પ્રમાણભૂતતા સિદ્ધ કરવાનાં જે સાધનો છે તે જ સાધનો કળામાં પણ હોય એમ જો માની લઈએ તો પાયાની ભૂલ કરી બેસવા જેવું થશે. કળાકૃતિમાં જે સિદ્ધ થાય છે તેનું સત્ય એ કૃતિનાં ઘટકો વચ્ચેના સમ્બન્ધની અનિવાર્યતાની ભૂમિકામાંથી ઉત્ક્રાન્ત થાય છે; આથી અસ્તિત્વની એ જુદી category છે. જો આ ખ્યાલમાં રાખીએ તો વાસ્તવિકતાની ભૂમિકા પરના સમ્ભાવ્ય – અસમ્ભાવ્યના ખ્યાલથી કળાકૃતિની પ્રતીતિ-અપ્રતીતિકરતાની ચર્ચા ન કરીએ, તથ્ય, સત્ય, ને કપોલકલ્પિત – ત્રણેય કળામાં સ્થાન પામે. ‘(કથોપકથન’, 214-5, ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’ – 350)
એવી જ રીતે સુરેશ જોષીને નિમિત્તે પાછળથી જે વિભાવનાઓની ચર્ચા આડેધડ થઈ તે ઘટના-ઘટનાહ્રાસ વિશે તેઓ કેટલા સ્પષ્ટ છે એનો ખ્યાલ પણ અહીં મળી રહે છે. તેમણે ઘટનાલોપની તરફદારી કરી નથી. ‘ઘટના વિના વાર્તા ન સંભવે એ સાચું, પણ એ ઘટનાના બંધારણની કળાના પ્રયોજનને અનુસરીને પુન:રચના થઈ હોવી જોઈએ.’ ‘(કથોપકથન’, 212-3; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 349)
હા, અહીં રૂપરચનાવાદીઓની જેમ સુરેશ જોષી પણ કૃતિના અર્થબોધ માટે કૃતિની બહાર જવા તૈયાર નથી, એટલે ફરી ફરી તેઓ પોતાના મૂળભૂત ખ્યાલનું પુનરાવર્તન કરે છે કે કળાકૃતિનું સત્ય ઘટકો વચ્ચેના પારસ્પરિક સમ્બન્ધમાંથી ઉત્ક્રાન્ત થાય છે, પરંતુ માત્ર આટલી ચર્ચા પર્યાપ્ત નથી. કૃતિગત વિવેચન અને કૃતિબાહ્ય વિવેચનનો સમન્વય કરવો જરૂરી છે. એટલે કૃતિનું જગત એ સર્જક જે જગતમાં જીવે છે તે જગત, વાચક જે સ્થળકાળમાં જીવે છે એ જગત – આ ત્રણ જગત વચ્ચે જે સંવાદ-વિસંવાદ થાય તેમાંથી કૃતિનું સત્ય પ્રગટે; અને જેમ જેમ સમય બદલાતો જાય તેમ તેમ આ સંવાદ-વિસંવાદની ભૂમિકા પણ બદલાતી જાય. સાહિત્યનો ઇતિહાસ આની પણ નોંધ લે. સામાન્ય રીતે આપણા સાહિત્યના ઇતિહાસોમાં આવી ચર્ચાઓને અવકાશ નથી હોતો.
નવલિકા અને નવલકથા બંને વચ્ચે મૂળભૂત સમાનતાઓ હોવા છતાં ક્યાંક એ સ્વરૂપો ભિન્ન પડે છે. સુરેશ જોષી સાહિત્યના શિક્ષકની અદાથી પ્રકારનિષ્ઠ વિવેચનાનો આશ્રય લઈને આ બે સ્વરૂપોની વ્યાવર્તક રેખાઓ સ્પષ્ટ કરતા નથી પણ જરા જુદા પ્રકારનો ઇશારો એક સ્થળે કરે છે ખરા: ‘આમાં તો કાંઈ બનતું નથી,’ ‘અહીં તો કશું કાર્ય બની આવતું નથી’ – એવી ફરિયાદ ટૂંકી વાર્તા વિશે થતી સાંભળીએ છીએ ત્યારે નવલકથામાં જેની અપેક્ષા રહે તેની ટૂંકી વાર્તા પાસે આપણે આશા રાખતા હોઈએ એવું લાગે છે.’ ‘(કથોપકથન’- 215, ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’ – 351)
અહીં એક સ્પષ્ટતા એ પણ કરીએ કે ‘અપિ ચ’ કે ‘ન તત્ર સૂર્યો ભાતિ’ની વાર્તાઓના સંદર્ભે થતી ફરિયાદોને જાણે કે ઉત્તર આપવામાં આવ્યો છે. એટલું તો કબૂલાય છે કે નવલકથામાં કશુંક બને છે.
ટૂંકી વાર્તાને લગતા પ્રશ્નોને સામાન્ય રીતે સાહિત્યના અધ્યાપકો કે વિવેચકો જે સીમાઓમાં રહીને ચર્ચતા હોય છે એ સીમાઓને અતિક્રમી થોડા વધુ વ્યાપક સ્તરે એમની ચર્ચા કરવા સુરેશ જોષી જાય છે. એ રીતે આ પ્રશ્નોને ચિંતનાત્મક/દાર્શનિક પરિમાણ અર્પવામાં આવ્યું છે. સર્જકધર્મ, સર્જકનું ઉત્તરદાયિત્વ જેવા પ્રશ્નોનો વિચાર આ રીતે કરવામાં આવ્યો છે:
‘મનુષ્યોનો પારસ્પરિક આન્તરબાહ્ય વ્યવહાર, બદલાતું પરિવેષ્ટન, સમયની બદલાતી તાસીર; ઘટનાઓ જે રીતે બની આવે છે તેમાં પ્રવેશતી અનેકવિધ સંકુલતાઓ, કાર્યકારણનાં બુદ્ધિગમ્ય ચોકઠાંને ન ગાંઠે એવી વિરાટ અરાજકતાનો અનુભવ, આને પરિણામે આપણા પ્રતિભાવોનું અકળ રીતે બદલાતું સ્વરૂપ, પૂર્વનિર્ણીત abstract મૂલ્યોની માપપટ્ટીએ આ બધું માપી લેવાનો નિષ્ફળ પ્રયત્ન, એમાં રહેલી વિફળતા પ્રત્યે આંખમીંચામણાં, આત્મપ્રવંચના, એ આત્મપ્રવંચનામાંથી પ્રકટતા રોષ અને વિષાદ – આ બધાંનું સ્વરૂપ સાચા સર્જકે પારખી લીધું હોવું જોઈએ..’ ‘(કથોપકથન’, 227; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 358-9) તો બીજી બાજુ ગુજરાતી કથાસાહિત્યની વિવેચનામાં સાવ જુદા જ પ્રકારના પ્રશ્નો ઊભા કરી આપવામાં આવ્યા છે:
‘એક બાજુ વિજ્ઞાનનાં abstractions ને બીજી બાજુ પૂર્વનિર્ણીત સ્થગિત મૂલ્યો – આ બેની વચ્ચે પોતાનું આગવાપણું સ્થાપવા મથતો માનવી એ સ્થાપવાને માટેનું cohesive centre કેમ બની શકતો નથી, પોતાની આગવી વ્યક્તિતા પામ્યા વિના નિશ્ચિહ્ન બનીને કેવળ પરિસ્થિતિ ભેગો એક પરિસ્થિતિ બનીને કેમ તણાતો જાય છે એ વિશેની પ્રામાણિક અભિજ્ઞતા સર્જકે કેળવવી જ ઘટે. સમય સમય મટીને કાળમાં પરિણમે તે પહેલાં એની છબિ પણ એણે જોઈ લેવાની છે. સમય તે ઘટના જેમાં ઢાળવામાં આવે છે તેનું બીબું માત્ર છે? હું આ જમાનામાં જીવતો હોવા છતાં પુરાણા સમયના બીબામાં જ મારી ચેતનાને ઢાળતો હોઉં એમ બને. ‘શાશ્વત’ નામની કોઈ વસ્તુ છે ખરી? સમય પોતાનામાં એ શાશ્વતનું ઇંગિત પ્રકટાવી શકે? સર્જક એને શી રીતે ઓળખે?’ ‘(કથોપકથન’, 228; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 359)
એ વાત સાચી કે આ વિચારણા અસ્તિત્વવાદી ભૂમિકા વિના સ્પષ્ટ બની ના હોત. એવી જ રીતે રૂપરચના વિશેના સ્થૂળ ખ્યાલોને પણ બાજુ પર મૂકવામાં આવ્યા છે. ‘ઉપાદેય વસ્તુમાં રહેલી છિન્નભિન્નતા અને અરાજકતાને કારણે જ આકારનિમિર્તિની આકરી શિસ્ત આજે વધુ અનિવાર્ય બની રહે તે દેખીતું છે. જે સુશ્લિષ્ટ, અનવદ્ય ને દૃઢ રચનાબન્ધ વિશ્વની યોજનામાં જોવા મથે છે, ને આજના સંવેદનોની સંકુલ અરાજકતાને કારણે એ જોવામાં નિષ્ફળ જાય છે તેને એ આપમેળે ઉપજાવેલી શિસ્તથી દૃઢ સુરેખ આકાર સર્જીને સમજવા મથે છે. રૂપરચના એટલે નર્યું કલેવર ઘડવું એ ખ્યાલ ખોટો છે.’ ‘(કથોપકથન’, 229-30; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 360)
સુરેશ જોષી હંમેશાં નિર્ભીકપણે અને પ્રામાણિક નિષ્ઠાથી ગુજરાતીમાં મોટા મોટા વિદ્વાનો જે કામ દિલચોરીથી કે ખોટી સમજથી કરતા આવ્યા તેની ટીકા કર્યા વિના રહી શક્યા નથી. દા.ત.મનસુખલાલ ઝવેરીએ કરેલા ‘ગુજરાતી ટૂંકી વાર્તા’ના સંપાદનને તેઓ પડકારે છે, ગુજરાતી ટૂંકી વાર્તાના એ સંકલનમાં સુરેશ જોષીને સ્થાન મળ્યું ન હતું એ ઘટના આ સમીક્ષા પાછળ નથી. આમેય ગુજરાતી વિવેચન અનુદાર રહીને અનુલ્લેખેન મારણમ્ કરતું રહ્યું છે. પોતાના વર્તુળ બહારના અથવા જુદા પ્રકારનું કામ કરનારાઓનો ઉલ્લેખ સુધ્ધાં નહીં કરવો એ રૂઢિ આજે તો છેક એકવીસમી સદી સુધી વિસ્તરી છે; મૂળ પ્રશ્ન સંપાદકની ટૂંકી વાર્તાની સમજ વિશેનો હતો. સત્યકથા, લોકકથા સાથે જે ટૂંકી વાર્તાની ભેળસેળ કરે તેની સમજ વિશે શંકા જાય જ. એટલે પછી સુરેશ જોષીએ આકરા બનીને મનસુખલાલ ઝવેરીની રુચિને પક્ષપાતભરી ન કહેતાં પક્ષાઘાતગ્રસ્ત કહી! આ નિમિત્તે મૂલ્યબોધની ચર્ચા યોગ્ય રીતે ઉપસાવી આપી છે. ‘મૂલ્યોને સનાતનતા કોણ અર્પે છે? મૂલ્યો આખરે તો અનુભવની નીપજ છે, ને એ અનુભવો એક સજીવ સક્રિય ઘટના છે. એની આ સજીવતા જ સનાતન છે, માટે જ મૂલ્યો અનુભવોની સજીવતાનો ધબકાર ઝીલીને જ જીવતાં રહે છે. કળા અને સાહિત્યમાં માનવીની ચેતના જે રીતે વ્યાપારશીલ બને છે તેનું આગવું મહત્ત્વ છે. ત્યાં એ તાટસ્થ્યપૂર્ણ તાદાત્મ્યથી, કશા વિધિનિષેધ વિના, અખિલાઈના યાથાર્થ્યને સ્પર્શે છે. આ રીતે એ જે સિદ્ધ કરે છે તેમાંથી જ મૂલ્યબોધની સાચી ભૂમિકા સરજાય છે. સર્જક પોતાના યુગ વિશેની વિશદ નિર્ભ્રાન્ત સંવિત્તિને વિશિષ્ટ આકાર આપે છે. આથી જ તો આપણે સર્જનનું ગૌરવ કરીએ છીએ. આવી સજાગ ક્રિયાશીલ નિત્યોદ્યત વિશદ નિર્ભ્રાન્ત ચેતના હોવી એ જ સૌથી મોટું મૂલ્ય છે.’ ‘(કથોપકથન’, 242; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 368)
કૃતિનિષ્ઠ ભૂમિકાએ રહીને સુરેશ જોષીએ ફ્રાન્ઝ કાફકાની ‘ગામડાનો દાક્તર’ (કન્ટ્રી ડોક્ટર) અને ટોમસ માનની ‘ડેથ ઇન વેનિસ’નો આસ્વાદ અસામાન્ય સૂઝથી કરાવ્યો છે. સુરેશ જોષીની વાર્તાવિભાવનાનો અસ્વીકાર કરનારા વાચકો પણ જો આ બે લેખ વાંચે તો ટૂંકી વાર્તાના આ બે કસબીઓએ કેવી રીતે અસાધારણ સામર્થ્ય પ્રગટાવતી વાર્તાઓના નમૂના આપ્યા અને એમની તુલનામાં ગુજરાતી ટૂંકી વાર્તાએ હજુ શું સિદ્ધ કરવાનું બાકી છે તેનો પણ ખ્યાલ આવશે. ટોમસ માનની રચનારીતિ વાસ્તવવાદી ધરાતલ પર છે અને ફ્રાન્ઝ કાફકા કપોલકલ્પિતનો આશ્રય લઈને મનુષ્યની નિ:સંગતાને, અસંગતિને કેવી રીતે આલેખે છે તેનો પણ નમૂનો અહીં મળી રહે છે. કાફકાની વાર્તાકળાનો પરિચય પણ ‘જનાન્તિકે’ શૈલીમાં કરાવવામાં આવ્યો હોઈ વિશેષ આસ્વાદ્ય બન્યો છે: દા.ત. બુદ્ધિના સુવ્યવસ્થિત શાસનમાંથી બહારવટું ખેડનારા આપણા કેટલાક વાસનાઆવેગો ચેતનાને ભોંયતળિયે પોતાની આગવી સૃષ્ટિને વિસ્તારી રહ્યા છે. એની જોડેની જન્મનાળ આપણે છેદી નાંખી છે એમ આપણે ભલે માનતા હોઈએ; પણ જ્યાં સુધી સ્મૃતિ છે, અધ્યાસ છે, સંસ્કારો છે, ત્યાં સુધી એવું છેદન શક્ય નથી. કાફકામાં આ આપણી યથાર્થતાનું નવું પરિમાણ ઉમેરાય છે. ‘(કથોપકથન’, 315; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 411)
‘કાવ્યચર્ચા’ વિવેચનગ્રંથમાં કેટલાક સિદ્ધાંતલેખો, ઐતિહાસિક સંદર્ભ ધરાવતા લેખો, કવિવિવેચકો વિશેના લેખો તથા કેટલાક મહત્ત્વના કવિઓ વિશેના લેખો જોવા મળશે. સુરેશ જોષી ભલે ફિનોમિનોલોજીથી પ્રભાવિત હોય પરંતુ તેઓ કાવ્યવિવેચનમાં વૈજ્ઞાનિક ચોકસાઈનો આગ્રહ રાખતા હતા. વળી તેમણે પોતાની વિવેચનપ્રવૃત્તિ શૈક્ષણિક હેતુ માટે ભાગ્યે જ ચલાવી હતી. કવિતા, ગુજરાતી કવિતા અને કાવ્યવિવેચન સંદર્ભે અવારનવાર લખાયેલા નિબંધો અહીં જોવા મળશે. વિવેચકનું એક કર્તવ્ય એ પણ છે કે જો વિવેચનમાં ખોટાં મૂલ્યો પ્રચલિત થયાં હોય તો નવેસરથી મૂલ્યસ્થાપના કરવી પડે. એ રીતે સુરેશ જોષી સંપૂર્ણ સાહિત્યિક વાતાવરણની સ્થાપના માટે મથતા રહ્યા. એમ કરવા જતાં સ્થાપિત પ્રણાલીઓ, સ્થાપિત કાવ્યવિચારની સામે પણ કલમ ઉપાડવી પડી છે. વિવેચનનું એક કાર્ય તો નિરામય સાહિત્યિક વાતાવરણના પ્રસારનું છે. અહીં તેમણે તત્સમવૃત્તિ કેળવીને સમાધાનો કર્યાં નથી, આવાં ભયસ્થાનોથી સુરેશ જોષી સભાન હતા, એટલે જ તેઓ કહે છે: ‘કેટલીક વાર વિવેચન પોતે કેટલાંક ખોટાં મૂલ્યોને ચલણી બનાવે છે, પ્રતિષ્ઠા આપે છે. યશવાંચ્છુ કવિઓ આ મૂલ્યોના નેજા નીચે ટોળે વળે છે. જે યુગમાં આ ‘ટોળકિયા’ઓની સંખ્યા વધુ હોય તે યુગમાં સર્જન વિવેચનનું દાસત્વ સ્વીકારી બેસે છે. સર્જકો પોતે પોતાના વિવેચકો તો હોય જ છે, પણ વિવેચક પ્રધાનપણું ભોગવતો હોય ત્યારે પોતાને અભિમત કાવ્યસિદ્ધાન્તથી પ્રભાવિત થઈને એ કાવ્યસિદ્ધાન્તના સમર્થન કે નિદર્શન રૂપે એ કૃતિનું નિર્માણ કરતો થઈ જાય છે.’ ‘(કાવ્યચર્ચા’, 5; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 426) બળવંતરાય ઠાકોરે પણ વિવેચન જ્યારે સર્જન ઉપર વર્ચસ્ ધરાવે ત્યારે કેવી પરિસ્થિતિ જન્મે છે તેની ચર્ચા કરી જ હતી. સુરેશ જોષીએ સર્જન અને વિવેચન સમાંતરે ગતિ કરે એવી પરિસ્થિતિને ઇષ્ટ ગણાવી હતી.
આરંભે આપણે એક વાત જોઈ ગયા હતા કે સુરેશ જોષીએ આધુનિક કાવ્યસિદ્ધાંત, આધુનિકતાની સ્થાપના માટે ભારે પુરુષાર્થ આદર્યો હતો. તેમનાં મોટા ભાગનાં લખાણો આધુનિક સાહિત્યવિચારને આવરી લે છે. આધુનિક સાહિત્ય વિશે પણ ઘણી બધી ગેરસમજો પ્રવર્તતી હતી. આરંભે તો પરંપરાવાદી વિવેચને આધુનિકતા સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ખુદ સુરેશ જોષીના વાર્તાસંચયની સમીક્ષા કરતી વખતે તેમને ચેતવવામાં આવ્યા હતા: ‘આમ પ્રવેશ નહિ મળે!’ – એટલે વિવેચકનો ધર્મ બની જાય કે આવી આધુનિકતા વિશે જે કંઈ ગેરસમજો હોય તે દૂર કરવી જોઈએ અને એની સાથે સંકળાયેલા કેટલાક સાચા ખ્યાલોની સ્થાપના પણ કરવી જોઈએ.
સર્જનાત્મક અને વિવેચનાત્મક પ્રવૃત્તિઓ સ્થળકાળ સંલગ્ન હોવા છતાં કશુંક તો ચિરંજીવ તત્ત્વ એ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોય છે અને એટલા જ માટે આપણને પ્રાચીનથી માંડીને વર્તમાન સાહિત્યવિચારમાં, પૂર્વપશ્ચિમના સાહિત્યવિચારમાં રસ પડે છે. એટલે આરંભે જ એક સ્પષ્ટતા કરવામાં આવી છે:
‘દરેક યુગનો વિશિષ્ટ માનવીય સન્દર્ભ, એ સન્દર્ભ પ્રત્યેના પ્રતિભાવ, એ પ્રતિભાવથી ઘડાતું આપણી સંવેદનાનું રૂપ, રુચિનો વિકાસ (વિકાસ નહીં તો રુચિમાં થતાં પરિવર્તનો, એના નવા નવા વળાંકો) – આ બધું મળીને અમુક યુગની અદ્યતનતા બને છે. તે તે યુગની આગવી લાક્ષણિકતા અનુસાર સમાન્તર સાહિત્યિક હિલચાલની અદ્યતનતાનાં લક્ષણો પણ બદલાતાં રહે છે. તેમ છતાં, દરેક સાહિત્યિક હિલચાલ એના વિશિષ્ટ યુગના સન્દર્ભમાં જ પૂરેપૂરી ગમ્ય કે આસ્વાદ્ય બને એવું હોત તો એની પછીના યુગની પ્રજાને એમાં કશો જ રસ ન પડ્યો હોત. એમાં કશુંક સનાતન પણ રહ્યું હોય છે, જે અવિકારી છે.’ ‘(કાવ્યચર્ચા’, 3; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 425) આ ઉપરાંત બીજાઓની જેમ સુરેશ જોષી પણ માને છે કે ‘આ બધા આવર્તવિવર્તોથી પર રહીને એકનિષ્ઠ બનીને ‘કાવ્ય’ નામનું સો ટચનું દ્રવ્ય ઉપજાવવાને મથી રહેલા કવિઓ પણ નથી એમ નથી. અદ્યતનતાનો અંચળો સરી જાય ત્યારે એની પાછળથી સનાતન પ્રકટ થાય છે કે નહીં એ જ આખરે તો મહત્ત્વની વસ્તુ છે.’ ‘(કાવ્યચર્ચા’,11; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 430) અસ્તિત્વવાદીઓને આવી સનાતનતા સામે ભારે વાંધો સંભવે. કારણ કે સનાતનતા, શાશ્વતતા જેવી વિભાવનાઓને તેઓ તો નિરપેક્ષ સાથે સાંકળતા હોય છે. પરંતુ સુરેશ જોષી કાવ્યમાત્રમાં સ્થળ અને સમયને અતિક્રમીને રહેલા સનાતન તત્ત્વની અહીં જિકર કરે છે અને એની સામે ભાગ્યે જ કોઈને વાંધો હોય.
સુરેશ જોષીની વિવેચનાની ગતિવિધિ તપાસતી વખતે આપણે એ પણ જોઈ ગયા કે આ વિવેચનામાં પ્રાચીન, મધ્યકાલીન સાહિત્ય વિશે ઝાઝી ચર્ચા નહીં જોવા મળે. (પીએચ.ડી.ના સંશોધન નિમિત્તે તેમણે અખાના સમકાલીન જ્ઞાનમાર્ગી કવિ તરીકે નરહરિની સાંગોપાંગ ચર્ચા કરી અને સ્વાભાવિક રીતે તેમણે ત્યારે પરંપરાગત ભારતીય તત્ત્વદર્શનની ચર્ચા પણ કરી.) ઘણું કરીને અર્વાચીન-આધુનિક કાવ્યવિચારની સ્થાપના કરવા જ તેઓ મથ્યા હતા. આધુનિકતા સામે જ્યારે પ્રતિકૂળ વાતાવરણ ગુજરાતીમાં પ્રવર્તતું હતું ત્યારે કોઈ સમભાવપૂર્વક અને સૂઝપૂર્વક આધુનિકતાની પ્રતિષ્ઠા કરી આપે એ અનિવાર્ય હતું. સાથે સાથે પ્રત્યેક નવા આંદોલન વખતે બનતું હતું તેમ આધુનિકની સાથે ઘણું કૃતક આધુનિક પણ ઘસડાઈ આવ્યું. એટલે સુરેશ જોષીની વિવેચનાએ બે મોરચે પ્રશ્નોનો સામનો કરવાનો આવ્યો: એક તરફ પરંપરાગત અને અસમભાવી સાહિત્યકારો દ્વારા થઈ રહેલા વિરોધ અને બીજી તરફ આત્મસ્થાપના માટે કૃતક આધુનિકોના ધમપછાડા.
સૌથી પહેલાં તો આધુનિકતા(કે અદ્યતનતા) જેવી વિભાવનાઓની વિશદ સ્પષ્ટતા કરવી પડે. આ આધુનિકતાનું નિર્માણ કરવામાં જે સાવ અનિવાર્ય હોય અને જે નર્યું આગંતુક કે ફેશનરૂપ છે તેનો પરિચય વિવેચને કરાવવો પડે. સુરેશ જોષી અહીં પશ્ચિમમાં પ્રવર્તેલી આધુનિક કવિતા (બોદલેરથી માંડીને 1950 સુધીના – અર્થાત્ લગભગ સો વર્ષની કવિતા)નું વિહંગાવલોકન કરવાનું સાહસ કરે છે. આને સાહસ એટલા માટે કહેવાય કે પાંચ સાત પૃષ્ઠના લેખમાં સો વર્ષની કાવ્યપ્રવૃત્તિની સમીક્ષા ગમે તેટલા સૂઝવાળા વિવેચક માટે પણ અશક્ય બની જાય. ‘મોડનિર્ઝમ’ નામનું માલ્કમ બ્રેડબરીનું સંપાદન જેમણે ધ્યાનથી જોયું હશે તેમને તો ખ્યાલ હશે કે દરેક પ્રદેશની આધુનિકતાની અલગ અલગ ચર્ચા ત્યાં કરવામાં આવી છે. એટલે સુરેશ જોષીએ પણ અદ્યતનતાની ચર્ચામાં ભારતીય/ગુજરાતી સંદર્ભમાં આધુનિકતા-અદ્યતનતાની ચર્ચા કરવી જોઈતી હતી. વળી એ તો સર્વસ્વીકાર્ય છે કે યુરોપી આધુનિકતાને વિકસાવવામાં દૃશ્યકળાઓનો ફાળો મહત્ત્વનો હતો, ગુજરાતીમાં કદાચ દૃશ્યકળાઓએ બહુ ભાગ નહીં ભજવ્યો હોય – પરંતુ આધુનિક સંવેદનાનું નિર્માણ કરવામાં આપણાં પ્રાદેશિક પરિબળોની ચર્ચા વિના આ બધું અધૂરું પુરવાર થાય.
સુરેશ જોષીએ હંમેશાં કાવ્ય નામની ઘટનાને સંકુલ ઘટના તરીકે જ ઓળખાવી છે, એટલે પછી સરળ દેખાતી કવિતા પણ આભાસી દૃષ્ટિએ જ સરળ હશે. કવિતાની સામગ્રી અને બહારના જગત વચ્ચે સમીકરણાત્મક કે માત્ર સાદૃશ્યસભર સંબંધ હોતો નથી. એટલે જ તેઓ કહેશે કે ‘ઘટનાની સહેલાઈથી ઓળખાવી શકાય એવી બાહ્ય વીગતોનો તાળો મેળવી આપવાનું કામ કવિનું નથી. ઘટનાનો એ રૂપનો પરિચય આપવામાં કવિકાર્ય રહ્યું નથી. ઘટનાનું રહસ્ય એને વ્યાપક સન્દર્ભમાં મૂકીને જોવાથી જ પ્રકટ થાય છે. જુદા જુદા યુગોને અડખેપડખે મૂકવાથી જ કેટલીક વાર કેટલાંક સત્યો ઉદ્ભાસિત થઈ ઊઠે છે. યુગમાં વર્તાતી અરાજકતાને સમજવા એને અન્ય યુગની પડખે મૂકીને જોવી પડે’. ‘(કાવ્યચર્ચા’, 13; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 432)
યુગચેતનાની વાત આવે એટલે સૌથી પહેલાં ગાંધીયુગીન સાહિત્ય યાદ આવે. ગાંધીયુગીન સાહિત્યમાં તે યુગનાં લક્ષણો બહુ સરળતાથી કવિતામાં અને ટૂંકી વાર્તામાં પ્રગટ્યાં હતાં. એટલે તો રમણલાલ દેસાઈએ પોતાની રચનાઓમાં બહુ સરળતાથી ગાંધીયુગનાં લક્ષણો સારવી લીધાં અને તેઓ યુગમૂર્તિ વાર્તાકારનું બિરુદ પ્રાપ્ત કરી બેઠા. સુરેશ જોષી આવી યુગચેતનાને તો સામાજિક અભિજ્ઞતા તરીકે ઓળખાવે. ગાંધીયુગની કવિતામાં આ સામાજિક અભિજ્ઞતા પ્રગટી, પણ દુરારાધ્ય સુરેશ જોષીએ બ.ક.ઠાકોરની પરંપરામાં રહીને એવા ગાંધીવાદી સાહિત્યની આકરી ટીકા કરી છે:
ગાંધીજીના આવિર્ભાવે આપણી બે દાયકાની કવિતાનું કામ સરળ કરી આપ્યું, દલિતપીડિતો માટેની સહાનુભૂતિ, સ્વાતન્ત્ર્યઝંખના, શહાદત, વ્યક્તિ મટીને વિશ્વમાનવી બનવાની ઝંખના, વિશ્વશાન્તિ – આ બધું વાતાવરણમાં વ્યાપી ગયું હતું. આથી કવિને મોઢે એ ઝટ ચઢી ગયું. કવિની કવિ તરીકેની શોધનું એ પરિણામ નહોતું. ‘(કાવ્યચર્ચા’, 14; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 432)
પરંતુ ગાંધીયુગની સમગ્ર કવિતાને એક્કી લાકડીએ હાંકી ન શકાય, ગાંધીયુગને સુરેશ જોષી જે રીતે માંડી વાળે છે એ રીતે માંડી પણ ન વળાય. આ ઉપરાંત ગાંધીયુગની કવિતાનું વાસ્તવમાં પુનર્મૂલ્યાંકન કરવું પડે, કારણ કે માત્ર ઉછીની ભાવનાઓનો અહીં માત્ર શુકપાઠ નથી – ગુજરાતી કવિતાની રચનારીતિઓમાં પરિવર્તન આવે છે, છાંદસમાંથી પરંપરિત માત્રામેળમાં થઈને 1955 પછી ગુજરાતી કવિ અછાંદસમાં જઈ ચઢે છે. એ પરંપરિત છંદોની અભિવ્યક્તિમાં નવું તેજ પ્રગટે છે. બ.ક.ઠાકોરે શીખવાડેલા પાઠ દરેક કવિ પોતાની રીતે કરતાં કરતાં એક બીજા સાથેનો સંવાદ ચાલુ રાખે છે. પરંતુ આધુનિક કાળખંડની યુગચેતનાને ધ્યાનમાં રાખીને ગાંધીયુગની કવિતા પાસે જતી વખતે એનાં લેખાંજોખાં કરી લેવાં પડે. આધુનિક યુગમાં સમયની ગતિ અચાનક વધી ગઈ અને એને કારણે જે ભીંસ ઊભી થઈ તેની વાત આપણી કાવ્યવિવેચનામાં સુરેશ જોષીની જેમ બહુ ઓછાએ કરી છે: ‘આ ઘટનાઓની ભીંસ સમયને જાણે રૂંધીને સાંકડો કરી નાંખે છે, એનું દબાણ એનાં હાડ છૂટાં પાડી નાંખે છે. ક્ષણે ક્ષણના અંકોડા છૂટા પડી જાય છે. આથી એક પ્રકારની વિક્ષિપ્તતા, આપણી આકૃતિને ભૂંસી નાંખે એવો કશો ઝંઝાવાત સમયના સાંકડા છિદ્રમાં થઈને સૂસવી રહે છે. આથી નિશ્ચિતતાના પાયા હચમચી ઊઠે છે. યુદ્ધોની સતત સળગતી રહેતી જામગરી, સંહારને માટેની અમાનુષી ઘેલછા આજે અમુક એક ભૌગોલિક અંશ પૂરતાં મર્યાદિત રહ્યાં નથી. આની પડખે માનવી પોતાની ચેતનાને અખણ્ડ રાખવા મથી રહ્યો છે, શીર્ણવિશીર્ણ થવા બેઠેલા આજુબાજુના પરિવેશ વચ્ચે આજનો કવિ પોતાને ટકી રહેવા માટે નાનો શો અવકાશખણ્ડ સરજી લેવા મથે છે, ચારે બાજુ વધુ એકાકાર થઈને કવિને પણ એમાં ભેળવી દઈને ભૂંસી નાંખવા ધસી આવે છે. ત્યારે કવિ પોતાની વાણીથી રચેલાં થોડાંક મૂલ્યોની નક્કર ધરતી પર પગ સ્થિર કરવા મથી રહે છે.’ ‘(કાવ્યચર્ચા’, 16; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 433-4) અહીં વિવેચક મૂલ્યોની વાત કરે છે પણ સાવધ રહીને કરે છે – પોતાની વાણીએ રચેલાં મૂલ્યો, બીજાં નહીં. સાથે સાથે અત્યાર સુધી ચાલી આવેલી સંજ્ઞાઓ (સૌંદર્યબોધ, સત્યબોધ વગેરે) લખાતી આવતી કવિતાઓના સંદર્ભે પુનર્મૂલ્યાંકન પણ માગી લે છે. સાથે સાથે હવે આપણે બીજી રીતે પ્રશ્ન કરીએ: આધુનિક કવિતાએ હતાશા, શૂન્ય, વિરતિ, એકલવાયાપણાની વાતો કરી, જો ગાંધીયુગની કવિતા શુકપાઠ કરતી હતી તો આ કવિતા પણ જુદા પ્રકારનો શુકપાઠ જ કરતી ન હતી? જોકે આધુનિક કવિતાના આ ભયસ્થાનનો પરિચય સુરેશ જોષીને છે, ‘અર્વાચીન કાવ્યમાં શૂન્યતા?’ લેખમાં આધુનિક કવિતાની દેખીતી નબળાઈઓ તરફ ધ્યાન દોર્યું છે.
સમયે સમયે આપણા કાવ્યવિવેચનની પણ સમીક્ષા થતી રહેવી જોઈએ. સાઠીનાં શરૂઆતનાં વર્ષોમાં અમદાવાદ ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, દિગીશ મહેતા, ભોળાભાઈ પટેલ અને સુરેશ જોષીએ નિબંધો વાંચીને એક ઐતિહાસિક ઊહાપોહ સર્જ્યો હતો. સુરેશ જોષીએ 1945-65 સુધીના કાવ્યવિવેચન વિશે કરેલી ચર્ચા મોટે ભાગે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને ઉમાશંકર જોશીની વિવેચનાને આવરી લે છે. પરંતુ ગુજરાતી કાવ્યવિવેચન ક્ષેત્રે મોટું અર્પણ કરનારા તથા સૌંદર્યશાસ્ત્ર, સાહિત્યનો ઇતિહાસ અને વિવેચનનો અસામાન્ય સમન્વય કરનારા સુંદરમ્ની વિવેચના (મુખ્યત્વે તો ‘અર્વાચીન કવિતા’) કેવી રીતે સુ.જો.ના ધ્યાનબહાર જતી રહી તે અચરજકારક છે. બીજી એક મુશ્કેલી ઉમાશંકર જોશીના સંદર્ભે પણ ઊભી થઈ. સુરેશ જોષીએ અર્ધજરતીય ન્યાયે ઉમાશંકર જોશીને પોતાના માપના વેતરી કાઢ્યા, પરિણામે તેમનાં બીજાં લખાણો ઉપર સુરેશ જોષીનું ધ્યાન ગયું જ નહીં.
ગુજરાતી કાવ્યવિવેચન માત્ર સર્જકકેન્દ્રી (ઉ.જોશી) અને માત્ર ભાવકકેન્દ્રી (વિ.ત્રિવેદી) છે એ વાત ખોટી છે અને ધારો કે કોઈ વિવેચકના કેન્દ્રમાં આવા અભિગમોની ઉપસ્થિતિ હોય તો તેનાથી સાહિત્યનું કશું અહિત થઈ જતું નથી. ગુજરાતી કાવ્યવિવેચનના ઇતિહાસમાં કયા તબક્કે વળાંકો આવે છે તેની નોંધ તો ઉદારતા અને સમભાવથી લેવાવી જોઈએ. વિવેચનમાં આવાં પરિવર્તન લાવવાની દિશા કવિતા જો ચીંધી બતાવતી હોય તો એ શ્રેય માટે કવિતાની પણ કદર કરવી ઘટે. ત્રીસીની કવિતા પછી પ્રહ્લાદ પારેખ અને રાજેન્દ્ર શાહની કવિતા એક જુદી દિશામાં ગતિ કરે છે. ઉમાશંકર જોશીએ આ બંને કવિઓને આવકારતા જે લેખ ગુજરાતીમાં લખ્યા તે રા.વિ.પાઠક પછીના બીજા એક પરિવર્તનકારી તબક્કાની દિશામાં છે. એક રીતે જોઈએ તો કૃતિનિષ્ઠ વિવેચનની દિશા ઉમાશંકર જોશી ચીંધે છે. તો સાહિત્યકૃતિના અસ્તિત્વનો પ્રશ્ન ત્રીસીનાં અંતિમ વર્ષોમાં ઉપસ્થિત કરીને કહ્યું હતું કે જ્યાં સુધી ભાવક પોતાની ચેતના વડે કૃતિનું આકલન ન કરે ત્યાં સુધી કળાકૃતિને એનું સાચું અસ્તિત્વ પ્રાપ્ત થતું નથી. આ અસ્તિત્વનો પ્રશ્ન સાર્ત્ર પણ ચર્ચે છે અને વીસમી સદીના ઉત્તરાર્ધની ફિનોમિનોલોજીપ્રભાવિત વિવેચના પણ સ્પર્શે છે. આ સંદર્ભમાં ઉમાશંકર જોશીની વિવેચનાની ગતિ મૂલવવી પડે.
વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની કાવ્યવિવેચના સામેના વાંધા હજુ સમજી શકાય એ પ્રકારના છે, કારણ કે તેમની રુચિ મર્યાદિત અને સાથે સાથે અનુદાર પણ, સાવ સામાન્ય કક્ષાની કૃતિઓની સમીક્ષા કરનારા વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને રાજેન્દ્ર શાહ, સુંદરમ્, પ્રહ્લાદ પારેખ જેવા કવિઓ વિશે પણ લખવાનું મન થયું ન હતું. પરંતુ ઉમાશંકર જોશીની વિવેચના સામે સુરેશ જોષીના કેટલાક વાંધા તો સમજી ન શકાય એવા હતા. દા.ત. જે ચંતિક ફિનોમિનોલોજી, ચૈતન્યલક્ષી વિવેચનને સ્વીકારી શકે તેને ઉમાશંકર જોશીની વિવેચનામાં આવતા અલૌકિક પરિસ્પંદ, સાધના, સહજોપલબ્ધિ, અંત:સ્ફુરણા, ધ્યાન જેવી સંજ્ઞાઓ સામે વાંધો શા માટે હોવો જોઈએ? વળી કૃતિનિષ્ઠ વિવેચને આશયમૂલક ભ્રમણા અને પ્રભાવમૂલક ભ્રમણાની જે ચર્ચાઓ કરી તે સ્વીકારવાને કોઈ બંધન ન હોઈ શકે અને ઘણા બધા સર્જકોએ પોતાના આશયોને, પોતાનાં પ્રયોજનોને પાર પાડવા માટે જે ચર્ચાઓ કરી છે તેને વિસારે પાડવાથી સાહિત્યવિવેચન આડે માર્ગે ફંટાઈ જશે એવો ભય પણ સેવવો ન જોઈએ. એવી જ રીતે ક્રોચેને એના પૂરેપૂરા સંદર્ભો સાથે વાંચીએ નહિ તો એને અન્યાય થાય, પરિણામે ઉમાશંકર જોશીને પણ અન્યાય થાય. સુરેશ જોષીની શૈલીમાં રહેલો કટાક્ષ આસ્વાદ્ય પણ એ ઉમાશંકર જોશીને ભોગે. ‘આમ આપણે ક્રોચે, કુન્તક તથા અભિનવગુપ્તની આંગળી ઝાલીને કાવ્યલોકમાં વિહાર કરી આપ્યા પણ પ્રયોજન અને ફળની વચ્ચેનો પેલો પદાર્થ શું એ વિશે કેટલો પ્રકાશ પડ્યો?’ ‘(કાવ્યચર્ચા’, 58; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 457)
નાનાલાલના ‘શરદપૂનમ’ કાવ્યની ઉમાશંકર જોશીએ કૃતિનિષ્ઠ ભૂમિકાએ રહીને ચર્ચા કરી હતી તે ગુજરાતી કાવ્યવિવેચનનું એક મહત્ત્વપૂર્ણ પ્રકરણ હતું. સુરેશ જોષી એક યા બીજા કારણે આ પ્રકરણની નોંધ લેવાનું ચૂકી ગયા છે.
ગુજરાતીમાં સૈદ્ધાન્તિક વિવેચનની કેટલીક મર્યાદાઓ સુરેશ જોષી બરાબર પકડી શક્યા હતા. ‘વિવેચનમાં શક્ય તેટલા પ્રમાણમાં શાસ્ત્રીયતા આવે એટલા માટે કવિની આન્તરચેતના કે ભાવકની આન્તરચેતના સમજવાનો અશક્ય પ્રયત્ન છોડીને વસ્તુલક્ષી વિગતો પર વિવેચનની માંડણી કરવી ઘટે. જો આમ નહીં થાય તો આત્મકથનાત્મક નિબન્ધો કે યદૃચ્છાવિહાર જ ઊભરાઈ ઊઠશે.’ ‘(કાવ્યચર્ચા’, 73; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 467)
પરંતુ આનાથી ભય પામવાની જરૂર નથી. કારણ કે ચૈતન્યલક્ષી વિવેચનાએ કવિચેતના- ભાવકચેતનાને કેન્દ્રમાં રાખીને જ કાવ્યચર્ચા ખૂબ સારી રીતે કરી છે – દા.ત. આ અભિગમના સૌથી મોટા પુરસ્કર્તા માર્શલ રેમોંનું પુસ્તક ‘ફ્રોમ બોદલેર ટુ સુર્રિયાલિઝમ.’
વિવેચક તરીકે સુરેશ જોષી સાંપ્રત ઘટનાઓ, કાવ્યવિચારની નિયમિત રીતે આલોચના કરતા રહ્યા હતા. એ રીતે તેમણે ધીરુભાઈ ઠાકર, સુંદરમ્, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, મનસુખલાલ ઝવેરી જેવાઓએ સાહિત્ય પરિષદના નેજા હેઠળ આપેલાં વ્યાખ્યાનોની નિયમિત રીતે સમીક્ષા કરી છે. કશો પણ વિકૃત, અપૂર્ણ, ભ્રામક સાહિત્યવિચાર પડકારાયા વિનાનો રહી જવો ન જોઈએ. અહીં આપણે કહેવું જોઈએ કે આગલી પેઢીએ સુરેશ જોષીનો આવા નિમિત્તે બિનજરૂરી વિરોધ કર્યો ન હતો. આપણા સમયમાં અસહિષ્ણુતા ખૂબ જ વધી ગઈ છે. મતભેદને સાંખી લેવાની તૈયારી જ નથી. 21મી સાહિત્યપરિષદના વિભાગીય અધ્યક્ષ તરીકે મનસુખલાલ ઝવેરીએ રૂપરચના, આકાર, સંક્રમણ વિશે કેટલાક ચિંત્ય વિધાનો રજૂ કર્યાં, સૌંદર્યશાસ્ત્રની સાદી સમજ ધરાવતી વ્યક્તિ અથવા પરંપરાગત ભારતીય કાવ્યશાસ્ત્રથી પરિચિત વ્યક્તિ આવી કાચી સમજ સાંખી ન લે. સુરેશ જોષીની દૃષ્ટિએ આકાર માત્ર દૃશ્યકળાઓ પૂરતો નથી, એ આપણી સમગ્ર સંવિત્તિનો વિષય છે. આ નિમિત્તે સુરેશ જોષી પોતાની પૂર્વવર્તી વિચારણામાં આને લગતા જે વિચારો પૂરેપૂરા ચર્ચ્યા ન હતા તે ફરી ચર્ચાની એરણે ચઢાવે છે. સામગ્રીનું રૂપાંતર ન થાય તો આકારનિર્માણ થતું નથી, વ્યવહારાનુભવ અને રસાનુભવ વચ્ચે કશું વ્યાવર્તક તત્ત્વ પણ જોવા મળતું નથી.
‘કાવ્યચર્ચા’માં સુરેશ જોષીએ નર્મદ, બ.ક.ઠાકોર, આનંદશંકર ધ્રુવ વિશે પ્રાસંગિક લેખો સંકલિત કર્યા છે. આવાં પ્રાસંગિક લખાણોમાં ઘણી વખત ઔપચારિક મર્યાદાઓ પણ પ્રવેશી જતી હોય છે, એને કારણે સંપૂર્ણ, અનેકકોણી મૂલ્યાંકનોને ઝાઝો અવકાશ મળતો નથી. નર્મદનું મૂલ્યાંકન એના સમકાલીનોના સંદર્ભમાં થવું જોઈએ(અહીં યાદ અપાવી શકાય કે જરા જુદા પ્રકારનું મૂલ્યાંકન જહાંગીર સંજાણાએ ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા અંતર્ગત કર્યું હતું.).
આવું જ એક વ્યાખ્યાન પરિષદપ્રમુખ તરીકે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ પણ આપ્યું હતું. ‘કાન્ત’ કરતાં નાનાલાલને આપેલું વિશેષ મહત્ત્વ, ક.મા.મુનશી વિશે અતિશયોક્ત પ્રશંસા, પંડિત સુખલાલજીના ગદ્યની ઉપેક્ષા, ખબરદાર પ્રત્યેનો પક્ષપાત, આધુનિક સાહિત્ય પ્રત્યેનો પૂર્વગ્રહ, ગુજરાતની દૃશ્યકળાઓમાં જોવા મળેલા નૂતન આવિષ્કારો પ્રત્યે શંકાકુશંકાઓ – જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુરેશ જોષી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની મર્યાદાઓ ચર્ચે છે. સુરેશ જોષીને આ બધા પ્રશ્નો યોગ્ય રીતે જ ચર્ચવા જેવા લાગ્યા છે. ‘ઉપાયન’ની સંક્ષિપ્ત સમીક્ષા નિમિત્તે સુરેશ જોષીને પ્રશ્ન થાય છે કે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચના નવા સાહિત્યિક સંદર્ભના એક મોટા ખંડને શા માટે બાકાત રાખે છે? આમ પૂર્વસૂરિઓના સાહિત્યવિચારમાં જ્યાં જ્યાં ચંત્યિ મુદ્દાઓ જણાય ત્યારે ત્યારે એની ચર્ચા ઉપાડી લેવામાં આવી છે.
આ જ પરિપાટીએ તેમણે બળવંતરાય ઠાકોર અને આનંદશંકર ધ્રુવની ચર્ચા કરી છે. આનંદશંકર ધ્રુવ રસજ્ઞ પંડિત ખરા પરંતુ એમની રુચિ સર્જનાત્મકતા કરતાં વિશેષ તો દાર્શનિકતા તરફ વધુ ઢળેલી હતી. ‘વસંત’ સામયિકમાં સર્જનાત્મક કૃતિઓનો સમાવેશ ન કરવાનું કારણ આપતાં તેમણે કહ્યું હતું: ‘આપણા દેશની વર્તમાન સ્થિતિમાં લોક જેને ‘રસિક’ લખાણ કહે છે એવાં લખાણોમાં મગજ અને હૃદયનું તેજ ક્ષીણ કરવું એ અમને દેશદ્રોહ સમાન લાગે છે… પ્લેટોનો ઉપદેશ સ્વીકારી ‘કવિઓ’ને ઘણુંખરું અમારા પ્રદેશની બહાર રાખ્યા છે… અમે માનીએ છીએ કે એવાં ‘રસિક’ કહેવાતાં સો લખાણો કરતાં એક શુષ્ક આંકડાઓથી ભરેલું કોષ્ટક અનેકગણું વધારે કીમતી છે.’ ‘(કાવ્યચર્ચા’, 119; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 497) આ સંકુચિતતાની આકરી ટીકા તો સુરેશ જોષી જેવા વિવેચકે કરવી જ પડે. આધ્યાત્મિક વિભાવનાઓનો અતિરેક, પ્લેટોનો આદર્શવાદ સાહિત્યવિવેચનમાં કેવી મુશ્કેલીઓ ઊભી કરે છે તે આનંદશંકર ધ્રુવને નિમિત્તે ચર્ચે છે. તો બ.ક.ઠાકોરના અંગત અભિગ્રહો કાવ્યત્વને પારખવામાં ક્યાં મુશ્કેલીઓ ઊભી કરે છે તેની ચર્ચા સુરેશ જોષી કરે છે. જોકે આવા લેખમાં પણ બ.ક.ઠાકોરનાં ગૃહીતો, એમની વિવેચનાનો વ્યાપ વગેરે પ્રશ્નો તો વણચર્ચ્યા જ રહી જાય છે.
સુરેશ જોષીને જ્યાં સર્જનાત્મકતા સાથે સીધું પાનું પાડવાનું આવે છે ત્યાં તેઓ અસામાન્ય રીતે ખીલી ઊઠે છે – ‘કાકાસાહેબનો અલંકારવૈભવ’ લેખમાં કેટલી બધી મોકળાશથી સર્જકના અલંકારવ્યાપારનાં દૃષ્ટાંતોનો આસ્વાદ કરાવ્યો છે. એવી જ રીતે રવીન્દ્રનાથ ઠાકુર, જીવનાનંદ દાસ, સુધીન્દ્રનાથ દત્ત, સેન્ટ જ્હોન પેર્સની કવિતા વિશે કરવામાં આવેલી ચર્ચાઓ જુઓ – કાવ્યના હાર્દ સુધી તેઓ કોઈ પણ પ્રકારની શાસ્ત્રીયતાને વચ્ચે લાવ્યા વિના લઈ જાય છે. જોકે ટી.એસ.એલિયટની કવિતા વિશેનો લેખ કવિતા વિશે બની રહેવાને બદલે એની કાવ્યવિવેચના વિશેનો હોય એમ લાગે છે.
રવીન્દ્રનાથની કવિતા વિશે તો ઘણું ઘણું લખી શકાય, ગુજરાતમાં અનેક સ્થળે આ કવિ વિશે આપેલાં વ્યાખ્યાનો (દુર્ભાગ્યે એમાંનાં કોઈ લિપિબદ્ધ થયાં ન હતાં) જેમણે સાંભળ્યાં હશે તેમને રવીન્દ્રનાથની કાવ્યસમૃદ્ધિનો તથા સુરેશ જોષીની આસ્વાદક તરીકેની પ્રતિભાનો ખ્યાલ વિશેષ આવશે. રવીન્દ્રનાથથી સાવ જુદી પ્રકૃતિ ધરાવતા કવિ છે જીવનાનન્દ દાસ. તેમની કવિતામાં ‘વસ્તુઓનાં રૂપની દૃઢ રેખાઓ’ આકારિત થઈ નથી, ‘બુદ્ધિ વિભાવનાઓનાં ચોકઠાં ગોઠવે એ પહેલાંની’ સૃષ્ટિનું આલેખન છે, એ કારણે તેમને વિશેષ સ્પર્શી ગઈ છે. તો સુધીન્દ્રનાથ દત્તની કવિતામાં ‘નિરાશા કે હતાશા તે વ્યક્તિગત દુ:ખનો નિ:શ્વાસ નથી; યુગચેતનાના સ્પન્દે સ્પન્દિત થઈ ઊઠતી ચેતનાનો સજાગ પ્રતિભાવ છે.’ અને સાથે સાથે ‘જીવન પ્રત્યેની, માનવમાત્ર પ્રત્યેની પ્રબળ આસક્તિ જ એમની આ હતાશાના મૂળમાં રહેલી છે.’ એટલે એ રીતે હતાશા પ્રબળ હકારવાચક મૂલ્ય બનીને સુધીન્દ્રનાથની કવિતામાં છે એવું સુરેશ જોષી જોઈ શક્યા.
ગુજરાતીમાં સેન્ટ જ્હોન પેર્સ વિશે કશું લખાયું જ નથી એમ કહીએ તો પણ ચાલે. પેર્સની વિશિષ્ટતા નોંધતાં સુરેશ જોષી કહે છે, ‘કવિ પોતે જ અહીં વિજેતા તરીકે શબ્દોના બ્રહ્માણ્ડ પરના વિજયનું વર્ણન કરતા લાગે છે. અહીં વિજેતાને પોતાના પરાક્રમ ખાતર જ નિર્વાસિત થઈને, ક્યાંક સ્થિર થયા વિના, ડેરાતંબૂ નાખ્યા ન નાખ્યા ત્યાં ઉઠાવીને નવા નવા પ્રદેશો પર વિજય મેળવવા ભટકવું પડે છે – તેનું આલેખન કરીને કવિ exileની પૂર્વપીઠિકા રજૂ કરી દે છે. સ્થપાયેલાં નગરો અને સંસ્કૃતિઓને વિજેતા ધૂળભેગાં કરે છે, ને એના પર જય પ્રાપ્ત કર્યા પછી નવાં નગરો અને સંસ્કૃતિનો પાયો નંખાય તે પહેલાં તો આગેકૂચ કરી જાય છે. કવિનો સર્જનવ્યાપાર પણ કંઈક આવો છે. એ નિર્મમ બનીને જૂના, લપટા પડી ગયેલા સંકેતોવાળા શબ્દોએ રચેલા વિશ્વને તોડે છે ને નવા સંકેતના આવિર્ભાવની ભૂમિકા રચીને, નિસ્પૃહભાવે, નવા વિજય માટે પ્રસ્થાન કરી જાય છે. એના મોટા ફલક પર સંસ્કૃતિના ઉત્થાનપતનની લકીરો રણમાંની પવનની પગલીની જેમ અંકાય છે ને ભૂંસાય છે. કવિ અહીં શબ્દના આદિમ સામર્થ્યને એની સર્વસમૃદ્ધ સંકુલતા સહિત ફરી સજીવન કરવા મથે છે, ને બૃહદારણ્યકમાં જેમ બ્રહ્મના ઉચ્છ્વાસથી જગતને પ્રકટ થતું કહ્યું છે તેમ કવિના ઉચ્છ્વાસના સ્પર્શે શબ્દોનું બ્રહ્માણ્ડ સજીવ થઈ ઊઠતું અહીં જોવા મળે છે.’’(કાવ્યચર્ચા’, 214-5; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 558) આપણી ભાષામાં માનવસંસ્કૃતિના ઉત્થાનપતનને વર્ણવતાં દીર્ઘકાવ્યો લખાયાં નથી એ વાતના સંદર્ભમાં પેર્સની રચના ‘Winds’ વધુ આકર્ષી જાય. એવી જ રીતે તેમની ‘સીમાર્ક્સ’ નામની કવિતાની વિશિષ્ટતા સુરેશ જોષી આ રીતે નોંધે છે: ‘વિરાટ તત્ત્વો સાથેની વેદના, ઋષિઓની અન્તરંગ અપરોક્ષ નિકટતા, જાણે અહીં ફરી વાર, ત્યાર પછીના માનવજાતિના વિવિધ સંકુલ અનુભવોથી શબતિલ અને સમૃદ્ધ બની પ્રકટ થાય છે.’ ‘(કાવ્યચર્ચા’, 218, ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન, 1’, 560)
સુરેશ જોષીની આ વિવેચનાએ સાહિત્યિક સિદ્ધાંતોની સ્થાપના તો કરી, સાથેસાથે સાહિત્યિક મૂલ્યોની સ્થાપના માટે આ વિવેચના સદા મથતી રહી. આજે એમણે બહુ ચર્ચેલા રૂપરચનાવાદની બોલબાલા નથી એવું આપણને સપાટી પરથી લાગશે. પશ્ચિમની વિવેચનામાં બદલાતા જતા વારાફેરાની વાતો તેઓ હરિવલ્લભ ભાયાણીની જેમ આપણને કરાવતા રહ્યા, આમ છતાં પશ્ચિમના પવન પ્રમાણે સુકાનો બદલનારાઓ સામે તેમને પ્રશ્નો તો હતા જ. કૃતિનિષ્ઠ – રૂપરચનાવાદી અભિગમ બહુ સહેલાઈથી કોઈ પણ વિવેચનામાંથી બહિષ્કૃત કરી શકાય એવો અભિગમ નથી. હા, કૃતિનિષ્ઠ અભિગમ આગળ અટકી જવાનું નથી. આજે તેમની અનુપસ્થિતિમાં ચંદ્રકાન્ત ટોપીવાળા અને સુમન શાહ પાશ્ચાત્ય વિવેચનવિચારની નવી ક્ષિતિજો દેખાડતા રહ્યા છે એ એક સારું ચિહ્ન છે. સાથે સાથે આપણે ગુજરાતી સાહિત્યમાંથી ઉત્ક્રાન્ત થનારા કાવ્યશાસ્ત્રનીય પ્રતીક્ષા કરીએ.