સુરેશ જોષીની વિવેચનસૃષ્ટિ – ૨

સુરેશ જોષીની વિવેચના (ઉત્તરાર્ધ)

યુરોપઅમેરિકામાં ભાષાવિજ્ઞાન પ્રેરિત સંરચનાવાદે સાહિત્યવિવેચનમાં એક મોટી ક્રાંતિ આણી હતી, સાહિત્યસિદ્ધાંત કૃતિનિર્ભર ન રહેતાં એ સ્વાયત્ત વિદ્યાશાખા રૂપે અસ્તિત્વમાં આવ્યો અને પછી તો એનો એવો અતિરેક થયો કે કૃતિની સૌ કોઈને જાણે વિસ્મૃતિ થઈ ગઈ, નવ્યવિવેચનને પૂરું આત્મસાત્ કર્યા વિના જ એના ઉપર આક્રમણ શરૂ થયું, એક બાજુ ફિનોમિનોલોજી પ્રેરિત ચૈતન્યલક્ષી વિવેચના અને બીજી બાજુએ રશિયન સ્વરૂપવાદને કારણે નવ્યવિવેચનની કેટલીક અપૂર્ણતાઓ પ્રગટ થઈ એ વાત સ્વીકારવા છતાં આજે પણ નવ્યવિવેચન પ્રેરિત કૃતિનિષ્ઠ વિવેચનાનો પક્ષ લેવો પડે એવી સ્થિતિ ઊભી થઈ છે; એમાંય બીજી વિદ્યાશાખાઓના વિદ્વાનોએ કૃતિને ખીંટી બનાવીને પોતપોતાની વિચારણાઓનો મારો ચલાવ્યો અને તે પણ એટલી હદે કે સર્જકતા, ભાવકતા, કૃતિસંરચના, કૃતિગત વિશ્વ – આ બધું જ તળેઉપર થઈ ગયું. સૈકાઓથી ચાલી આવેલ પરંપરાગત વિવેચન જાણે લુપ્ત થઈ જવાના આરે જઈ પહોંચ્યું.

સુરેશ જોષીએ ‘શૃણ્વન્તુ’થી આ બધી નવી વિચારધારાઓનો પરિચય દોહન-અનુવાદ રૂપે કરાવવાનો જ્ઞાનયજ્ઞ આરંભ્યો, ક્યાંક તેમની અને હરિવલ્લભ ભાયાણીની વિવેચનામાં સમાંતરતાઓ જોવા મળશે. પાછળથી હરિવલ્લભ ભાયાણી પરંપરાનિષ્ઠ વિવેચનની, માત્ર વિવેચનની જ નહીં પરંતુ પરંપરાગત વિચારધારાઓની સ્થાપના કરવા તરફ વળ્યા. સુરેશ જોષી એ દિશામાં ગયા નહીં. હા, એ વાત સાચી કે આ દોહનરૂપ, વિવરણાત્મક વિવેચના દ્વારા આપણને સાંપ્રત વિવેચનનો પરિચય થતો રહ્યો. સૌપ્રથમ તો ‘શૃણ્વન્તુ’થી માંડીને ‘અષ્ટમોઅધ્યાય’ સુધીની વિવેચનામાં ગુજરાતી સાહિત્યજગત વિશે સુરેશ જોષીની પ્રતિક્રિયા કયા પ્રકારની છે એનો સંક્ષેપમાં પરિચય કરીએ, આ પરિચય આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આ વિવેચનાનો આધાર ગુજરાતી સાહિત્ય છે.

ગુજરાતી આધુનિક કવિતાની વિશિષ્ટતા-મર્યાદાઓને પ્રગટ કરતા લેખ ‘કુણ્ઠિત સાહસ’માં શીર્ષક સૂચવે છે એ પ્રમાણે તેમને આધુનિક ગુજરાતી કવિતા ઠીંગરાઈ ગયેલી લાગી છે, પ્રશ્ન એ થાય કે શા માટે આવું બન્યું? ગુલામમોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર જેવાની કાવ્યરચનાઓ આ ગાળામાં આગળ તરી આવે એવી હોવા છતાં એ કવિતા સામે એમને પ્રશ્નો નથી એવું નથી. જોકે આ મૂલ્યાંકનમાં સુરેશ જોષીની સમતોલતા થોડી જોખમાઈ તો છે જ, વળી આ સમયગાળામાં ઘણા કવિઓ અગ્રંથસ્થ પણ હતા એટલે પણ કેટલીક નોંધપાત્ર રચનાઓ ધ્યાનબહાર રહી ગઈ છે. આ લેખના પૂર્વાર્ધમાં માર્શલ રેમોંની ફ્રેન્ચ કવિતા વિશેના ગ્રંથનાં તારણોનો વિનિયોગ કરવામાં આવ્યો છે એને કારણે પણ એક અસંગતિ જન્મી છે – પણ ગળું ખોંખારીને એમણે ગુલામમોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ જેવા કવિઓનો જેવો આદર કર્યો છે તેવો સિતાંશુ યશશ્ચંદ્રનો તેઓ કરી શક્યા નથી. ચિનુ મોદીની કાવ્યરચનાઓમાં રહેલી સર્જકતા (આમેય છેક એકવીસમી સદી સુધી, અઢળક શક્યતાઓ ધરાવતા આ કવિની લગભગ ઉપેક્ષા થઈ છે ) પણ અહીં ઝાઝી પુરસ્કૃત થઈ નથી. કેટલાંક તારણો આપણને અચરજ પમાડશે દા.ત. સુરેશ જોષી કહે છે કે ‘બુર્ઝવા અને જડભરત લોકો પોતાના કાવ્યથી દૂર રહે માટે જાણી કરીને એ દુર્બોધતાનો આશ્રય લે છે. આવા લોકો  તરફથી મળેલી માન્યતાને એ અપમાન લેખે છે.’ ‘(શૃણ્વન્તુ’, 60 ; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 26) વાસ્તવમાં તો આ દુર્બોધતા આવી સભાનતાનું નહીં પણ કેળવેલી ફેશનનું પરિણામ હતી. આ કવિઓ ક્યારેય જનસ્વીકૃતિ (પછી એ બુર્ઝવા શ્રોતાઓ હોય કે મુશાયરામાં ટોળે વળતા શ્રોતાઓ હોય) વિના ટકી શક્યા જ નથી; કદાચ પશ્ચિમમાં આવી કેટલીક સભાન પ્રવૃત્તિઓ થઈ હોય પણ એનું આરોપણ અહીં કરવાની કશી જરૂર ન હતી. આ સમગ્ર ગુજરાતી આધુનિક કવિઓમાં સુરેશ જોષીને કોઈ કવિ સૌથી વધારે સ્વીકાર્ય હોય તો તે રાવજી પટેલ – કદાચ આટલા ઉમળકાથી તેમણે સમગ્ર ગુજરાતી સાહિત્યના કોઈ સર્જક વિશે લખ્યું નથી. ઘડીભર કલ્પના કરો કે ‘કાન્ત’, રાજેન્દ્ર શાહ જેવાઓ વિશે પણ આ જ રીતે લખાયું હોત તો!

આધુનિકતાના પુરસ્કર્તા સુરેશ જોષી પરંપરાના મહત્ત્વને પિછાને છે: ‘પ્રશ્ન એ છે કે પરમ્પરામાંથી પોષણ મેળવવાનું આપણા કવિને આવડ્યું છે ખરું? દરેક ભાષામાં જે સિદ્ધ થઈ ચૂક્યું હોય છે તેનો વારસો આત્મસાત્ કરી શકે એવું કાઠું કવિનું હોવું જોઈએ. આપણી પાસે એવા કવિ કેટલા?’ ‘(શૃણ્વન્તુ’, 107-8; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 49) વાસ્તવમાં તો આધુનિક કવિતાની મોટામાં મોટી મર્યાદા અહીં જોવા મળશે; આ કવિતાએ નજીકના અને દૂરના પુરોગામી કવિઓ સાથેનું અનુસંધાન ટકાવી ન રાખ્યું એ કારણે પ્રશ્નો ઊભા થયા – આ કવિતા લખાતી હતી ત્યારે જ આવી મર્યાદાઓ વિશે ગુજરાતી વિવેચનમાં સદૃષ્ટાંત ચર્ચાઓ થવી જોઈતી હતી. જોકે સુરેશ જોષીએ આ કવિતામાં પ્રવેશી ગયેલી શબ્દાળુતા, અતન્ત્રતા, કલ્પનોના ખડકલાની ફરિયાદ તો કરી જ હતી. એવી જ રીતે આધુનિક ગુજરાતી વાર્તા જેને કારણે વગોવાઈ છે તેની યાદી પણ જુઓ: રચનાશૈથિલ્ય, કલ્પનોનો ખીચડો, આભાસી સર્રિયલ તત્ત્વ.

સુરેશ જોષીને હંમેશાં ગુજરાતી નવલકથાની તુલનામાં ટૂંકી વાર્તામાં સર્જકતાનું પ્રમાણ સવિશેષ વરતાયું હતું – જોકે તેમણે કિશોર જાદવ, મધુ રાય જેવા વાર્તાકારોની રચનાઓના સંદર્ભે ભાગ્યે જ કશો વિવેચનાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આમ છતાં ટૂંકી વાર્તામાં ‘રચનારીતિના ઘણા પ્રયોગો’, ‘ગદ્યની ઘણી છટાઓ’, ‘કાવ્યના સ્તર’ – અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો ‘(શૃણ્વન્તુ’, 92; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 42)

‘કથાસાહિત્યમાં જે વસ્તુસન્દર્ભ હોય તેને નહિવત્ કરી નાંખવાનો પ્રયત્ન હજી પૂરી પ્રગલ્ભતાથી થયો નથી.’ ‘(શૃણ્વન્તુ’, 45; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 45) પરંતુ પ્રશ્ન એ છે કે નવલકથામાં વસ્તુસન્દર્ભ ઓગળી જાય ખરો? ઓગળી જવો જોઈએ ખરો? ગુજરાતી નવલકથામાં દિગીશ મહેતા અને ચુનીલાલ મડિયાની હાસ્યકટાક્ષ મિશ્રિત શૈલી અપવાદરૂપ બની હતી… ‘અસ્તી’ રસકીય દૃષ્ટિએ તૃપ્તકર કૃતિ લાગી છે. ‘અશ્રુઘર’, ‘ઝંઝા’, ‘મહાભિનિષ્ક્રમણ’, ‘ચહેરા’, ‘અમૃતા’, ‘કાયર’, ‘ધુમ્મસ’, ‘વાંસનો અંકુર’ જેવી કૃતિઓ તેમની દૃષ્ટિએ આશાસ્પદ, સંતોષકારક નીવડી એ આપણે માટે મોટી વાત ગણાય.  પણ ગુજરાતી ગદ્યની વાત કરતી વખતે સુરેશ જોષી, સાવ અજાણતાં કદાચ, અનાગરી ભાષા પ્રયોજી બેઠા. કિશનસિંહ ચાવડાએ ગદ્યના કેટલાક સારા નમૂના આપ્યા એનો સ્વીકાર કરીને એ નિબંધકારની કૃતક શૈલીની ટીકા  જે ભાષામાં કરી છે એ આપણને ખૂંચે એ પ્રકારની છે. ‘વિચારો અને લાગણીઓને એની સાહજિક શ્રીથી મણ્ડિત કરવાને બદલે તવાયફના ઘરના પાનની જેમ સોનેરી-રૂપેરી વરખ ચોંટાડીને મૂકવાનો એમનો આગ્રહ હોય છે.’ ‘(શૃણ્વન્તુ’, 118-9;  ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 53-54) અહીં બેવડી અનાગરતા છે, કિશનસિંહ ચાવડાના ગદ્યની આવી ટીકા ન ચાલે અને બીજી તરફ તવાયફ પ્રત્યે અથવા સ્ત્રી પ્રત્યે અ-દાક્ષિણ્ય છે.

ગુજરાતી નવલકથા બહુધા મનોરંજનાશ્રિત છે એવી ફરિયાદ સુરેશ જોષી 1955થી કરતા આવ્યા છે. કહેવાતી પ્રયોગશીલ નવલકથાઓ પણ ‘કેટલીક વાર કૃતક ફિલસૂફી ડોળઘાલુ ગમ્ભીરતાથી ડહોળવા બેસે છે. એમાં હતાશા, એકલતા, નિરીશ્વરતા, યૌનવૃત્તિ પરત્વેનો વિધિનિષેધોનો અસ્વીકાર – આ બધું થોડી થોડી માત્રામાં સમાવી લેવામાં આવે છે. એવી કથાનો નાયક આજુબાજુ બનતી ઘટનાઓથી વિચલિત રહીને, નિલિર્પ્ત હોવાનો સ્વાંગ ધારણ કરે છે. એક બાજુ વિદગ્ધોના સ્તર પર રહેતો દેખાય છે તો બીજી બાજુ અસંસ્કૃત વાસનાને એ ઝનૂનપૂર્વક સ્વીકારવા મથતો દેખાય છે.’ ‘(શૃણ્વન્તુ’, 174, ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 76-7 ) સુરેશ જોષી કહેવાતી લિરિકલ નવલકથાની મર્યાદા તરત પારખી જાય છે કારણ કે એમાં ‘થોડાં વિશૃંખલ ને યદૃચ્છાથી ઢગલો વાળેલાં કલ્પનો… નરી જલ્પના બની રહે એવાં શબ્દફીણ,’ હોય છે.

ગુજરાતી વિવેચન મોટે ભાગે દોહન-અનુવાદ રૂપે આપણને પહેલેથી મળતું આવ્યું છે, પરિણામે એનો સંબંધ પ્રત્યક્ષ ગુજરાતી સર્જન સાથે બહુ ઓછો જોવા મળે છે, આ મર્યાદામાંથી સુરેશ જોષી પણ બાકાત રહ્યા નથી, એ વાત અગાઉ જોઈ ગયા છીએ; તેમને આ ભયસ્થાનની જાણ તો છે, ‘અપરિપક્વ વિવેચના’ નામના લેખમાં આ વિશે સંકેત કરતા કહે છે: ‘ત્યાં (પશ્ચિમમાં) જે ચર્ચાઓ ચાલે છે તેમાં સમસામયિક સર્જનાત્મક પરિસ્થિતિ સાથેના અપરોક્ષ સમ્પર્કનાં સૂચનો વરતાઈ આવે છે.’ …વળી, ‘પશ્ચિમમાં પ્રવર્તતા કેટલાક આધુનિક ખ્યાલોની વાત કોઈ કરે ત્યારે એ સર્વથા અપ્રસ્તુત જ છે એમ તો નહીં કહીએ, તોય આપણા સન્દર્ભમાં તેનો વિનિયોગ કરવા માટેની જે વૈચારિક ભૂમિકા હોવી જોઈએ તે ઘડાતી નથી. એ વિના અહીં તહીં છૂટક અનુવાદ રૂપે, સંક્ષેપ કે તારણ રૂપે, જે જે રજૂ થાય તેનો કશો ઉપકારક પ્રભાવ આપણા વિવેચકો પર પડતો લાગતો નથી.’ ‘(શૃણ્વન્તુ’, 179-80; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 79-80)

ગુજરાતી વિવેચન, ખાસ કરીને તો આધુનિક સમયમાં, સર્જનપોષક વાતાવરણ ઊભું કરવાની જવાબદારીમાંથી છટકી ગયું છે એવો આક્ષેપ સુરેશ જોષીની સાથે સાથે બીજાઓ પણ મૂકી શકે. ઉત્તમની વાત પર બાજુ મૂકો, જે આશાસ્પદ કૃતિઓ છે એને વિશે પણ ‘અનુલ્લેખેન મારણમ્’ જેવી નીતિ જાણેઅજાણ્યે (ના, હવે આ શબ્દપ્રયોગ નહીં કરવો જોઈએ, જરા વધુ નિર્મમ બનીને કહેવું જોઈએ કે જાણીજોઈને) દૃઢીભૂત થવા માંડી છે. આ જ વાતને બીજા શબ્દોમાં સુરેશ જોષી મૂકે છે કે: ‘કશો વિશેષ પ્રકટ ન કરતી સામાન્ય કૃતિ વિશે વિસ્તારથી લખાય છે, તો નવા ઉન્મેષ પ્રકટ કરતી કેટલીક કૃતિઓનો ઉલ્લેખ સરખો થતો નથી.’ ‘(અરણ્યરુદન’, 107; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 207) ગુજરાત જ જો પોતાના સર્જકો માટે અનુદાર રહેશે તો બીજા પ્રદેશો તો ક્યાંથી આવકારવાના છે?

આધુનિક સાહિત્યમાં જ્યારે પ્રતીક કલ્પનોનો વિનિયોગ વિશેષ થવા માંડ્યો અને વિવેચન આવી યુક્તિપ્રયુક્તિઓની ચર્ચા પણ કરવા લાગ્યું ત્યારે સુરેશ જોષી કહે છે, ‘હજી આ દિશામાં આપણો પ્રયત્ન પશ્ચિમમાં થયેલી ચર્ચાનું સારસંકલન આપી છૂટવા પૂરતો જ મર્યાદિત સ્વરૂપનો રહ્યો છે. અમુક એક કૃતિમાં આ તત્ત્વો કેવી રીતે ક્રિયાશીલ બને છે તે દર્શાવી આપવાની પ્રવૃત્તિ બહુ ઓછી છે, ને જ્યાં એ થતી દેખાય છે ત્યાં નૈપુણ્ય કે ચાતુર્ય જ વિશેષ માત્રામાં દેખાય છે, સૂઝ ઓછી.’ ‘(અરણ્યરુદન’, 176, ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 207)

આધુનિક ગુજરાતી કવિતાની વિશિષ્ટતાઓની સાથે સાથે મર્યાદાઓ સ્પષ્ટપણે ચીંધી બતાવવી જોઈએ અને એટલે જ સુરેશ જોષી સ્પષ્ટ રીતે કહે છે કે ‘પ્રથમ દૃષ્ટિએ અનિયન્ત્રિત અને યદૃચ્છામય દેખાતી આ કાવ્યપ્રવૃત્તિ પર પણ કવિના પરિમિત સંકીર્ણ અહંકારનું અને કેટલાક સામાન્ય સ્વરૂપનાં ગૃહીતોનું નિયન્ત્રણ દેખાય છે.’ ‘(અરણ્યરુદન’,112; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 211) આથી પણ વિશેષ મોટી અને ગંભીર મર્યાદા વિશે તેઓ હજુ વધુ સ્પષ્ટતાથી કહે છે: ‘એક જ કવિ એની ગઝલમાં જુદો મિજાજ પ્રકટ કરે છે, એનાં ગીતોમાં પાછળ સરીને જુદા જ જગતમાં જઈ ચઢે છે અને અછાન્દસ કવિતા લખતો હોય છે ત્યારે વળી નિરર્થક બનવાની હદે જતી વાચાળતામાં રાચતો દેખાય છે. આવા વિરોધોને કારણે એમ લાગે છે કે હજી એ કાવ્ય દ્વારા પણ પોતાનો સાક્ષાત્કાર કરવાની કક્ષાએ પહોંચ્યો નથી, એનામાં આપણને કઠે એવી કશીક કૃતકતા છે.’ ‘(અરણ્યરુદન’, 113; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 211) હજુ આપણે એથી  આગળ જઈએ કે એ સર્જક સાહિત્યનાં બીજાં સ્વરૂપોમાં કામ કરતો હોય તો એના  સમગ્ર સાહિત્યસર્જનમાંથી એક અખંડ છબિ ઊપસી આવવી જોઈએ. સાથે સાથે સાંપ્રત વાસ્તવની કળાત્મક અભિવ્યક્તિ ગુજરાતી સર્જકમાં ખૂટે છે; ગુજરાત કે ગુજરાત બહાર બનતી હૃદયવિદારક ઘટનાઓ વિશે સર્જકની કલમમાંથી કશુંક તો પ્રગટવું જોઈએ એવું સુરેશ જોષી માને છે એમ સ્વીકારવા ઘણા તૈયાર નહીં થાય… ‘આ આપણા ભયત્રસ્ત યુદ્ધાક્રાન્ત જગતમાં રહીને આપણો કવિ પોતાનું આગવું વ્યક્તિત્વ અને પોતાની કવિતાનો જાદુ જાણી કરીને છોડી દઈને કેવળ વાચાળતામાં સરી પડતો દેખાય છે.’ ‘(અરણ્યરુદન’, 113; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’,212)

આધુનિક ગુજરાતી કવિતામાંથી આનંદ પ્રાપ્ત થતો નથી એની કબૂલાત જરા જુદી રીતે સુરેશ જોષી કરે છે: ‘આપણા એક મધ્યકાલીન કવિ કૃષ્ણજીએ કવિતા વિશે ‘શબ્દે શબ્દે મેળાવડો’ એમ કહીને જે આનન્દોદ્ગાર કાઢેલા તેનો આજે અનુભવ થાય છે ખરો? રિલ્કેએ પણ કહેલું કે Between name and name one should put felicity – આજે આ ઉત્સવનું તત્ત્વ કવિતામાંથી જતું રહ્યું છે. રૂપહીન અરાજકતાનો ઉદ્રેક, માધ્યમનાશ, શબ્દોને ખોતરીને પોલા બનાવી દેવાનો ઉત્સાહ – આવાં થોડાંક સૂત્રો ગજાવવા સિવાય કાવ્યરચના અને કાવ્યાસ્વાદની પ્રવૃત્તિમાં કંઈક વિશેષ રહ્યું છે.’ ‘(અરણ્યરુદન’,  13-4; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 212) હજુ વધુ આકરા બનીને સુરેશ જોષી કહે છે: (આધુનિકતાના આગમન પછી) ‘વળી બધું રેઢિયાળ બની ગયું. આને પરિણામે ઘણી કૃતક રચનાઓ થવા લાગી;’ કોઈ અમેરિકન વિવેચકનો શબ્દપ્રયોગ વાપરીને તેઓ કહે છે કે ‘ટોઇલેટ પેપર પોએટ્રી’ ઊભરાવા લાગી. ‘(અરણ્યરુદન’, 117, ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 214)

સુરેશ જોષીને ગુજરાતી સાહિત્યવિવેચનમાં વિવેચનાત્મક આબોહવાના અભાવ બદલ વસવસો રહે છે. સાથે સાથે આધુનિકતાએ જે પરિસ્થિતિ સર્જી તેની વિવેચના આધુનિકતાના એક મોટા પુરસ્કર્તા સર્જકે જ કરી એ ઘટના પણ યાદ રાખવા જેવી છે, આધુનિકતાના વર્તમાન ટીકાકારોએ કદાચ સુરેશ જોષીને વાંચ્યા નહીં હોય – તેઓ તો ગુજરાતી કવિતાના સંદર્ભે સ્પષ્ટ અભિપ્રાય આપી શક્યા છે: ‘જ્યારે aesthetic function વિના, કશીક હોંસાતૂંસીને જ કારણે, નવી શૈલીને પ્રયોજવામાં આવે છે ત્યારે એ એક અળવીતરાપણું જ બની રહે છે. આ પછી અર્થ ઉલેચી નાખવાની પ્રવૃત્તિ ચાલી. નિરર્થક પુનરાવર્તનો, પ્રલાપો ઊભરાયા. રેઢિયાળ બનવા લાગેલી ભાષામાં a new linguistic virginityનો પરિચય કરાવે એવા કવિની આપણે રાહ જોવા લાગ્યા.’ ‘(અષ્ટમોઅધ્યાય’, 55; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 412) આધુનિકતાનું જ્યારે પુનર્મૂલ્યાંકન કરીશું ત્યારે આપણને આ સુરેશ જોષીનો ખપ વધારે પડશે. પશ્ચિમમાં જે પ્રકારના આધુનિક કવિઓ (એલિયટ, રિલ્કે, યેટ્સ, સેઇન્ટ પેર્સ, ઉન્ગારેત્તિ) કે બંગાળમાં જીવનાનન્દ દાસ આવ્યા એવા કવિઓ આધુનિકતાએ ગુજરાતમાં સંપડાવી ન આપ્યા એનું કારણ કદાચ હવે આપણને સુરેશ જોષીના શબ્દોમાં મળી રહે છે.

‘શબ્દો એકબીજાનું પ્રતિબિમ્બ પાડી શકે એટલા માંજી શકાયા નહીં. એના પર પ્રચલિત વિચારોના ડાઘા રહી જ ગયા. પરાવાસ્તવ સુધી ભાષાને ખેંચી જવાનો પ્રયત્ન કર્યો પણ એ દ્વારા જે સિદ્ધ કરવા ગયા તે તો અત્યન્ત સંકીર્ણ નીવડ્યું. શબ્દો જાણે થોડો વખત એ નવા વાઘા સજીને અમુક વેશ ભજવી આવ્યા એટલું જ! આપણે યુગની સંકુલતા, સમયની તેજ રફતાર, માનવી સહી ન શકે એવો પ્રગતિનો વેગ – આ બધું રટતા રહ્યા. પણ એ બધાંને સમર્થ રીતે આવરી લઈ શકે એવી કોઈ myth રચી નહીં શક્યા.’ ‘(અષ્ટમોઅધ્યાય’, 56; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 412-3)

સુરેશ જોષીને ગુજરાતી આધુનિક ટૂંકી વાર્તાઓમાંથી પસાર થતાં થતાં પ્રતીતિ થઈ હતી કે નવી રચનારીતિનો પ્રયોગ સર્જક કશીક અનિવાર્યતાથી પ્રેરાઈને કરવાને બદલે પ્રતિષ્ઠાપ્રાપ્તિ માટે એ કરે છે. (આજે બોલીનો ઉપયોગ કરવાથી જ ટૂંકી વાર્તા વાર્તા બની શકે એવી ભ્રમણા ક્યાં નથી પ્રવર્તતી?) બીજી બાજુએ વાર્તાકાર વાચકોનું નામ દઈને, ‘જીવનાભિમુખતાનો પુરસ્કાર’ કરી, સરળ કથનશૈલીને નવા અભિગમ તરીકે ઓળખાવતો થયો છે, આમ છતાં સુરેશ જોષી એવા અનુદાર તો નથી કે ‘જીવન’ શબ્દથી અભડાઈ જાય – ‘જીવનનાં જુદાં જુદાં પાસાંને ટૂંકી વાર્તામાં સ્થાન મળે, અનુભવનું વૈવિધ્ય જળવાય, લોકોને સાહિત્યમાં પોતાના અનુભવોનું પ્રતિબિમ્બ જોવા મળે એવો આગ્રહ રાખવામાં આવે તેથી ટૂંકી વાર્તા આપોઆપ જ કળાદૃષ્ટિએ ઊણી થઈ જાય એવું નથી પણ અહીં મુખ્ય પ્રશ્ન આ છે: આ અનુભવનું સત્ય રસકીય સામગ્રી બનીને આવે છે ખરું?’ ‘(અષ્ટમોઅધ્યાય’, 78; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 429)

કોઈ પણ સર્જક ‘લોકોથી વિમુખ થવાના દૃઢ સંકલ્પ’ સાથે સર્જન કરતો નથી, એટલે બધા જ પ્રકારની વાર્તાઓના આસ્વાદની પ્રવૃત્તિ તો નિરંતર ચાલવી જ જોઈએ.

ઉત્તમ કૃતિઓ પાછળ સમયશક્તિ ખર્ચવાને બદલે નિકૃષ્ટ કૃતિઓ વિશે લખાયા કરે એનાં કારણો કયાં? કાં તો વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં એને સ્થાન અપાયું હોય – કાં તો ઉત્તમ અને સામાન્ય વચ્ચેનો કોઈ વિવેક કરવાનું ચૂકી જતા હોઈએ, એટલે મૂળ પ્રશ્ન આગળ આવીને ફરી ઊભા રહી જઈએ છીએ. સાહિત્યની સમજ કેળવવા શું કરવું? સુરેશ જોષી હોય કે ઉમાશંકર જોશી હોય કે બ.ક.ઠાકોર હોય – બધા એમ જ કહેશે કે આ સમજ કેળવવા ઉત્તમ કૃતિઓ પાસે જ જવું જોઈએ. એવું પણ જરૂરી નથી કે એ કૃતિઓ ગુજરાત બહારની – ભારત બહારની જ હોવી જોઈએ; પહેલા તબક્કે તો ગુજરાતી ભાષાની ઉત્તમ કૃતિઓનાં સંકલનો પણ ચાલે. પછી ધીમે ધીમે ગુજરાતની બહાર જઈ શકાય.

તો વળી પૂર્વપશ્ચિમની જે સૈદ્ધાંતિક વિવેચના છે તેના શુકપાઠથી કશું વળે નહિ એ વાત પણ સુરેશ જોષી સ્વીકારે છે ‘એમાંના બીજરૂપ વિચારોનો આપણા સમસામયિક પ્રશ્નો સાથે સમ્બન્ધ જોડીને એ પ્રવૃત્તિ વિકસવી જોઈએ – પણ આ ક્યારે બને? જ્યાં સુધી એ વિચારસમૃદ્ધિ આત્મસાત્ ન થાય ત્યાં સુધી કશું શક્ય બનતું નથી.’

આપણે ઇચ્છીએ ન ઇચ્છીએ, આપણને ગમે ન ગમે તો પણ વિવેચન બહુધા અધ્યાપકીય પ્રવૃત્તિની નીપજ છે. એટલે સુરેશ જોષીને ભય પણ અધ્યાપકોના વર્ગનો લાગે છે. પરીક્ષા અને અભ્યાસક્રમ – આ બે સામે જ દૃષ્ટિ હોવાથી તેઓ સાહિત્યની ક્ષિતિજોને આંબી શકતા નથી. કદાચ એટલે જ સુરેશ જોષીની સમગ્ર વિવેચનામાં સામાન્ય રીતે અભ્યાસક્રમોમાં સમાવતી બાબતો વિશેનાં લખાણો જોવા નથી મળતા. તેઓ માને છે કે અધ્યાપક/વિવેચક ‘સાહિત્ય કેવું હોવું જોઈએ, એની ભાષા કેવી હોવી જોઈએ તે વિશે કશું કહેવા કરતાં સાહિત્યની સાથેનો બને તેટલો અપરોક્ષ સમ્પર્ક કેળવીને એ સાહિત્ય વિશે સાહિત્યનો જ આધાર લઈને બોલે.’ ‘(અરણ્યરુદન’, 14; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 142)

જો આપણે વિદ્યાર્થી એટલે કે ભવિષ્યના સહૃદયને કેળવવા માગતા હોઈએ તો એનો આરંભ કૃતિનિષ્ઠ ભૂમિકાએથી જ કરી શકીશું અને જ્યારે કૃતિનિષ્ઠ અભિગમની વાત કરીશું ત્યારે એક યા બીજી રીતે રૂપરચનાના પુરસ્કારની ભૂમિકા પણ આવશે. પ્રત્યેક સર્જકને અરૂપમાંથી રૂપ તરફ જવું પડતું હોય છે. પરંતુ આ રૂપરચનાને જ મહત્ત્વ આપીને કથયિતવ્યનો અસ્વીકાર કરવાની ભલામણ સુરેશ જોષી કરે ત્યારે  તેમની સાથે અસંમત બીજી એક ભૂમિકાના સંદર્ભે થઈ શકાય. તેઓ સામયિકતાને અતિક્રમી જનારા તત્ત્વની શક્યતા તો સ્વીકારે છે પણ ‘આ તત્ત્વ કૃતિની contentમાં નથી હોતું, પણ એની રૂપરચનામાં એટલે કે એના રસતત્ત્વમાં રહ્યું હોય છે.’ ‘(અરણ્યરુદન’, 39; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 160) ઇતિહાસાતીત તત્ત્વ સામગ્રીમાં પણ સંભવી શકે. જોકે આ પ્રશ્નનો એકદમ ઉત્તર આપવો મુશ્કેલ છે – ‘રૂપરચનાનો વ્યાપાર જે સિદ્ધ કરે છે તે અમુક કૃતિ પરત્વે અને તે કૃતિ જે સમયમાં થઈ તે પરત્વે જ મહત્ત્વનું હોય છે એવું નથી. એ તત્ત્વ રસકીય પ્રક્રિયાના ઘટક રૂપે સદાકાળને માટે ઉમેરાઈ જાય છે. ‘(અરણ્યરુદન’, 39; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 160)

સાહિત્યવિવેચનમાં પશ્ચિમમાં પ્રવર્તતા અભિગમો – ખાસ કરીને તો ભાષાવિજ્ઞાનપ્રેરિત સંરચનાવાદ જ્યારે સાહિત્યવિવેચનમાં પ્રયોજાય છે ત્યારે પ્રવર્તતી અરાજકતા વિશે, સાહિત્યકૃતિ વિશે કરવામાં આવતી ‘તંતોતંત વિગતપ્રચુર માહિતી’ ભાવકને કંટાળો જ આપે છે એમ સ્પષ્ટપણે સ્વીકારાયું છે. ‘(સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 172) એટલું જ નહિ, પણ સંરચનાવાદની દિશામાં આગળ ગતિ થાય તો સુરેશ જોષી કહે છે તેમ ‘અનુભૂતિની સમૃદ્ધિને’ ‘ખમવાનું’ આવે. સંરચનાવાદીઓને એ ચિંતા નથી કે એમ કરવાથી સાહિત્યકૃતિની વિશિષ્ટતાનો સમૂળો છેદ ઊડી જશે પરંતુ સુરેશ જોષીને તો ચિંતા છે જ અને એ ચિંતા આપણા સૌની નહિ?

એક બીજો પ્રશ્ન લોકશાહીના પ્રગટ માળખા હેઠળ અપ્રગટપણે જોવા મળતી સેન્શરશીપનો છે. જ્યોર્જ સ્ટાઇનરના લેખને આધારે સુરેશ જોષી બહુ સૂક્ષ્મ પ્રકારની ચર્ચા કરે છે. પરંતુ એમનો ગભિર્ત સંકેત સ્થાપિત હિતોની જોહુકમી તરફનો છે. કળાની સ્વાયત્તતાવાદી વિભાવના સ્વીકારવા પાછળ આવી સૂક્ષ્મ નિયંત્રણ વ્યવસ્થાઓ પ્રત્યેનો વિદ્રોહ હોય છે: ‘દરેક સમાજનો વગ ધરાવનારો વર્ગ (establishment) પોતાને અનુકૂળ નહીં હોય એવી સર્જનાત્મક પ્રવૃત્તિને અનેક રીતે રૂંધતો જ હોય છે. પોતાની જેમાં સમ્મતિ છે તેવી જ પ્રવૃત્તિને એ ઉત્તેજન આપે છે, ઘણી વાર કૃતક નૈતિક પ્રશ્નો ઊભા કરીને સમાજને કેટલાક સર્જકોની સામે આ વર્ગ ઉશ્કેરતો હોય છે. વિદ્યાસંસ્થાઓ પર પણ આવા વર્ગનું પ્રભુત્વ હોય છે ત્યારે પરિસ્થિતિ વધારે ખતરનાક નીવડે છે. આવી પરિસ્થિતિનો પ્રતિકાર કરવાની શક્તિ આપણે ત્યાં હજી ઝાઝી કેળવાઈ નથી.’ ‘(અરણ્યરુદન’, 68, ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 180) આ વર્ગના પ્રતિનિધિઓ માત્ર બૃહદ્ સમાજમાં જ નથી હોતા, તેઓ સાહિત્યિક સંસ્થાઓમાં પણ અગ્રભૂમાં હોય છે.

તેમની ઉત્તરકાલીન વિવેચના આગળ જોઈ ગયા તે પ્રમાણે મુખ્યત્વે દોહનની પ્રક્રિયા બની રહે છે. એમાં જે પ્રકારની કૃતિઓની, જે પ્રકારના સર્જકોની ચર્ચા નહીં કરવી જોઈએ તેની ચર્ચા શા માટે કરવી જોઈએ એવો પ્રશ્ન અચૂક જાગ્યા વિના ન રહે. દા.ત. ઇ.એમ.ફોર્સ્ટર વિશે કે ટોલ્સ્ટોયના ‘નવો અવતાર’ વિશે  લખવાની કોઈ જરૂરિયાત ન હતી. હેમિંગ્વે, ફોકનર, જોય્સ, પ્રૂસ્તનાં નામો ગુજરાતી સાહિત્યજગતમાં એ કાળે ફંગોળાયાં કરતાં હતાં, એમનો જો પરિચય પ્રાપ્ત થયો હોત તો ગુજરાતી સાહિત્યની આધુનિકતાને વિશેષ ઓપ સાંપડી શકત. ક્યારેક ‘ઓક્તોવિયો પાસની કાવ્યભાવના’ જેવો લેખ મળે ખરો પરંતુ એ બીજી રીતે અસંતોષ આપે.  આ લેખ તો કવિવિવેચકના ‘ચીલ્ડ્રન ઓવ્ ધ માયર’નાં કેટલાંક પ્રકરણોનું દોહન માત્ર છે, આપણી અપેક્ષા એ રહે કે Bow and the Lyre નામના બીજા વિવેચનસંગ્રહ તથા પાસની કવિતાને આધારે જો વિવેચન થયું હોત તો એક સર્વાંગી છબિ આપણી સામે પ્રગટ થઈ હોત.

આમ છતાં કોઈ ને કોઈ નિમિત્તે સુરેશ જોષી સાહિત્યવિવેચનના કેટલાક મૂળભૂત પ્રશ્નો છેડતા રહે છે, ‘અર્થઘટન’ નિમિત્તે તેમણે કાવ્યની ભાષાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો: ‘કવિ વાસ્તવમાં તો એક કીમિયાગર છે, એ જુદા જુદા શબ્દોનું રેણ કરીને, ઝારણ કરીને, નવા પ્રયોગો કરતો હોય છે. એ કેટલાય મૃત:પ્રાય શબ્દપ્રયોગોને નવેસરથી અદ્ભુત રીતે સજીવન કરે છે. શબ્દના સંકેતપરિવર્તન અને સંકેતવિસ્તારના દીર્ઘ ઇતિહાસના જુદા જુદા તબક્કાઓને કામમાં લેતો હોય છે. શિષ્ટમાન્ય ભાષાના સ્તરની નીચેની અને સામાન્ય શિષ્ટ વ્યવહારમાં નિષિદ્ધ લેખાતી ભાષાનો પણ એણે ઉપયોગ કરવો પડતો હોય છે. કારણ કે સમકાલીન વિધિનિષેધોની મર્યાદામાં રહીને ભાષાકર્મ સિદ્ધ કરવાનું એને માટે ઘણી વાર પૂરતું કાર્યસાધક ન પણ નીવડે.  ‘(ચિન્તયામિ મનસા’, 4; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 243) આમ આપણને કવિની જવાબદારીનો અર્થ સમજાય છે. કેટલી હદે ભાષાપ્રભુત્વ અનિવાર્ય છે તેનોય ખ્યાલ આવે છે.

એક રીતે જોઈએ તો કવિ પાસે ભાષા સિવાય તો બીજું કોઈ સાધન જ નથી, સુરેશ જોષીએ અવારનવાર આ ભાષાકર્મ ઉપર ભાર આપ્યા કર્યો છે, આ ભાષા વડે થતં કવિકર્મ કેવું અદ્ભુત હોય છે તેની વાત વિગતે થઈ છે તે વિસ્તારભયે પણ જોવા જેવી છે:

‘કવિને ગમે એટલી સૂક્ષ્મ કે કઠિન વાત કરવાની હોય તોયે એને એ પૂરેપૂરી મૂર્ત કરીને જ કહેતો હોય છે; એને એની આગવી વિશિષ્ટતા એ અર્પતો જ હોય છે. પુરાણકથાઓનો આખો સન્દર્ભ એ લઈ આવે છે, એક જગતને બીજા જગત જોડે જોડતો રહે છે. વાસ્તવિકતાનાં પરિમાણો એ વિસ્તારતો રહે છે. આથી જ તો કાવ્યનો સન્દર્ભ ગતિશીલતા ધરાવતો હોય છે. એમાં એના વ્યંગ્યાર્થને આધાર આપતી, પ્રતિધ્વનિત કરતી, સમથિર્ત કરતી અને વિશિષ્ટ બનાવતી સામગ્રીનો વિનિયોગ થતો હોય છે. પહેલાં કાવ્ય રૂપે સિદ્ધ થઈ ચૂક્યા પછી ફરી વાચ્યાર્થની સ્થિતિને પામી ગયું હતું તેને ફરીથી કાવ્યના સ્તરે લઈ જવાને કવિ સદા પ્રયત્નશીલ રહેતો હોય છે. આથી જ તો કવિ પોતાની ભાષાના કાવ્યસાહિત્યને આત્મસાત્ કરીને જ કાવ્યપ્રવૃત્તિ કરી શકતો હોય છે. જો આમ નથી બનતું તો કાવ્યના મર્મને પુષ્ટ કરનારું વાતાવરણ ઊભું કરી શકાતું નથી. એક બાજુથી સ્વર્ગ, નરક અને ચૌદ લોકનો વિસ્તાર તો બીજી બાજુથી ધીમે અવાજે કાનમાં કહેવાયેલી વાતો કે કિંવદન્તિ – આ બધાંનો જ એ વિનિયોગ કરતો હોય છે..’ ‘(ચિન્તયામિ મનસા’, 5; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 244)

એવી જ રીતે ‘કિંચિત્’થી સુરેશ જોષી ભાષાના પુનવિર્ધાનની વાત કરતા રહ્યા છે:

‘કવિ ભાષાને પોતાની લાગણીની સચ્ચાઈથી અને ઉત્કટતાથી અનુપ્રાણિત કરવા ઇચ્છતો હોય છે. એથી એની કૃતિમાં તાજગી અને નવીનતા આવે છે જે ક્ષણજીવી હોતાં નથી. એને કારણે એવી આન્તરસૂઝ ઉદ્ભવે છે જે ભેદક અને દ્યોતક નીવડે છે. પણ જે ભાષા જોડે એણે કામ પાડવાનું છે તે તો સામાન્ય વ્યવહારની જ ભાષા છે. એની ઉપમાઓ અને રૂપકો વપરાશને કારણે રેઢિયાળ બની ચૂક્યા હોય છે. આ ભાષા પાસેથી આવું કામ એ શી રીતે કઢાવી શકે? કેટલાક આથી એમ માનવાની હદે ગયા છે કે સાચો કવિ આવી, રોજ-બ-રોજના વપરાશથી, રજોટાયેલી ભાષાથી કામ ચલાવી લઈ શકે નહિ. એ શબ્દોનું તો અવમૂલ્યન થઈ જ ચૂક્યું હોય છે, એમાંથી એ નવો રણકો શી રીતે ઉપજાવી શકે? આથી એણે ખરેખર નવા શબ્દો અને પદવિન્યાસો યોજવાં જોઈએ.’ ‘(ચિન્તયામિ મનસા’, 8; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’,  246-7) પરંતુ સાથે સાથે એક બીજો પ્રશ્ન પણ વિચારવો પડે, કવિ એવું જગત તો સર્જતો જ નથી જેમાં સાવ અલ્પસંખ્યાને પ્રવેશ હોય, સાહિત્ય-કળા માત્ર ગણ્યાગાંઠ્યા દીક્ષિતો માટે જ હોય તો પ્રજાકીય સંવેદનાને યોગ્ય ઘાટ ન સાંપડી શકે, કળા અને જીવાતા જીવન વચ્ચે એક મોટી ખાઈ ઊભી ન થાય? એઝરા પાઉંડનો પણ કવિઓને આ જ આદેશ હતો: ‘Make it new.’ દાદા, પરાવાસ્તવવાદીઓ, ભવિષ્યવાદીઓ કે ઘનવાદીઓનો પણ આવો જ પ્રયત્ન હોય. ‘ભાષાને અર્થથી બને તેટલે દૂર ખેંચી જવાનો પ્રયત્ન પણ થતો રહ્યો છે. આથી બિયર્ડસ્લીએ કહ્યું છે તે સાચું છે કે કાવ્યનું કોઈ પણ અર્થઘટન વસ્તુલક્ષી દૃષ્ટિએ સર્વસમ્મત નીવડી શકે નહિ. ‘Interpretation is not verdictive.’ કવિએ સર્જેલી આ ‘અજ્ઞાતભૂમિ’ પર જો ભાવકે વિહાર કરવો હોય તો કવિને થયેલા સાક્ષાત્કારને અનુભવવા માટે એની સાંકેતિક લિપિ ભાવકે જાણી લેવી પડે. આવી ગુહ્ય સંકેતલિપિ જે અભિવ્યક્ત કરે તે એવી રીતે ન કરે જેથી એનું રહસ્ય લુપ્ત થઈ જાય. એથી ઊલટું, ભાષા વડે એ પ્રકટ કરવાનું નહીં પણ ઢાંકવાનું કામ કરે. એવી કૃતિમાં થોડાં દીક્ષિતો જ પ્રવેશ પામી શકે. એ ‘બહુજન’ માટે, ‘લોકડિયાં’ માટે હોઈ શકે નહીં. એવું બને તો તો જે અભૂતપૂર્વની નરવી કાન્તિ એ ધરાવે છે તે કલુષિત થઈ જાય!’’(ચિન્તયામિ મનસા’, 9; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 247) જોકે આ ભયસ્થાનની જાણ ઘણાને છે એટલે આવા નિષ્કર્ષ ઉપર આવવું જ પડે છે: ‘કાવ્ય પર ભાષ્ય કરનારા ‘કવિએ શું કહ્યું’ તેની ખટપટમાં પડતા હોય છે; ‘કવિએ શું કર્યું’ તે પરત્વે એઓ ઉદાસીન રહે છે. કાવ્યથી સંસ્કૃતિને એનું મૂલ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે એ માનવચેતનાના ઉત્કર્ષના શિરમોર રૂપ છે. એને બદલે કાવ્યને એઓ નિપજી ચૂકેલાં સાંસ્કૃતિક મૂલ્યોનું વાહક પ્રચારક લેખે છે. બૌદ્ધિકોના આ વલણને કારણે મોટા ભાગની શિક્ષિત પ્રજા પણ કાવ્યાસ્વાદ એ તો અમુક નિષ્ણાતોનો જ કાર્યપ્રદેશ છે એમ માનીને એનાથી વિમુખ થઈને રસજડ બનતી જાય છે.’’(ચિન્તયામિ મનસા’, 11; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 249) અને આ રસજડતા તો ન જ ચલાવી લેવાય, પ્રજા અને કવિ – આ બંનેને વિરોધી ધ્રુવ માની લેવા પણ વાજબી નથી કારણ કે ‘સર્જનનો ઉત્કર્ષ કદી પ્રજાજીવનના સાચા ઉત્કર્ષનો વિરોધી હોઈ શકતો નથી.’ ‘(ચિન્તયામિ મનસા’, 39; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 270)

સુરેશ જોષી ફરી ફરી કેટલાક પ્રશ્નોને જુદી જુદી ભૂમિકાએથી ચર્ચતા રહે છે, સદા કાળથી ચાલી આવેલો એક પ્રશ્ન છે કાવ્યની વ્યાખ્યાનો. કદાચ પ્રત્યેક વ્યાખ્યાકાર જાણે છે કે કળાની-કાવ્યની વ્યાખ્યાઓ આપવાના સઘળા પ્રયત્ન નિષ્ફળ ન કહેવાય તો અધૂરા તો હોય છે જ. અનુકરણથી માંડીને રૂપાંતરણ સુધી કાવ્યને ઓળખવાનો-ઓળખાવવાનો પ્રયત્ન કરવા છતાં કાવ્ય હંમેશાં છટકિયાળ પુરવાર થયું. સુરેશ જોષી આવી વિભાવના બાંધવાના પ્રયત્ન કરવાને બદલે બહુધા કવિકર્મ, ભાષાકર્મ, સર્જનપ્રક્રિયાનું વર્ણન કરવાનું વિશેષ પસંદ કરે છે. કૃતિ સાથેના અપરોક્ષ સમ્પર્કથી જ ચેતોવિસ્તાર થાય છે. તેઓ સ્પષ્ટપણે ‘કિંચિત્’ કાળથી માનતા આવ્યા હતા કે ‘વિભાવના કાવ્યાનુશીલનથી ઘડાય છે. એને માટે અનેક દેશનાં, અનેક કાળનાં અનેક રચનાવૈવિધ્યવાળાં કાવ્યો સાથેનો પ્રત્યક્ષ સમ્પર્ક હોવો જોઈએ. કાવ્ય કે કાવ્યના પ્રત્યેક ઘટક વિશેની દૃઢ વ્યાખ્યા જાણતા હોઈએ છતાં એની મદદથી આપણે કાવ્યત્વને જ પામવાનું ચૂકી જઈએ. કાવ્ય સાથેનો આવો અપરોક્ષ સમ્પર્ક ન હોવાને કારણે કાવ્યવિવેચનમાં ઘણી વાર અનુદારતા અને અસહિષ્ણુતા દેખાય છે.’ ‘(અરણ્યરુદન’, 3-4; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’,  135) તેમની ઉત્તરકાલીન વિવેચના જ્ઞાનવિજ્ઞાનની નવી ક્ષિતિજો દાખવતી હોવા છતાં આપણને થોડી મૂંઝવણ થાય છે. સંકેતવિજ્ઞાન, સંરચનાવાદ, અસ્તિત્વવાદ, મેર્લો પોન્તિ, પ્લેટો, ચૈતન્યલક્ષી અભિગમ ‘(ચિન્તયામિ મનસા’માં જે લેખ છે તેનો આધાર ખોટો પસંદ કર્યો છે, સારા લોવેલના પુસ્તક ‘ક્રિટીક્સ ઓવ્ કોન્સિયસનેસ’નો આધાર વધુ ઇચ્છનીય હતો) માર્ક્સવાદી વિવેચન વગેરે વિશે સુરેશ જોષીએ આપણને પરિચય કરાવ્યો તે અત્યંત આવકાર્ય છે પણ પછી આ વિવેચન એ દિશામાં આગળ પ્રવૃત્ત થઈ શકતું નથી. એક અચરજ એ વાતનું તો છે જ કે સુરેશ જોષીએ એક પણ પ્રાચીન સંસ્કૃત કૃતિ વિશે નથી લખ્યું, તો વળી વિષ્ણુપ્રદ ભટ્ટાચાર્ય કૃત ‘સાહિત્યમીમાંસા’નો અનુવાદ કર્યા પછી સંસ્કૃત કાવ્યમીમાંસાને વર્તમાન સંદર્ભ સાથે જોડવાનું પણ ટાળ્યું છે. પશ્ચિમના વિદ્વાનોને આધારે તૈયાર થયેલા આ લેખોનો સંદર્ભ પણ પછી પરાયો-અપરિચિત રહી જાય છે, ક્યાંય પણ ભારતીય પરિવેશ જોવા મળતો નથી, ભારતીય સાહિત્ય, ગુજરાતી સાહિત્ય સાથેનું અનુસંધાન જો અહીં પ્રગટાવવામાં આવ્યું હોત તો આપણને વિશેષ જ્ઞાનાગ્નિ પ્રાપ્ત થાત.

સુરેશ જોષીને પરંપરાગત વિવેચન સામે એક મોટો વાંધો જીવનમૂલ્યો વિશે હતો. પરંપરાગત વિવેચના જીવનમૂલ્યોને વિશેષ મહત્ત્વ આપીને રૂપરચનાને ગૌણ ગણી કાઢતી હતી. સુરેશ જોષી સ્પષ્ટ રીતે માને છે કે ‘આપણે જેને જીવનમૂલ્યો કહીએ છીએ તે તરફ દોરી જવા માટે કળાનું નિર્માણ થતું નથી. એ મૂલ્યોનો બોધ કળા દ્વારા અસંપ્રજ્ઞાતપણે થતો હોય તોય એ એની ગૌણ નીપજ દેખાય. એ મૂલ્યોનો પુરસ્કાર કે તિરસ્કાર કળાનો વિષય નથી, એ પરત્વે એ ઉદાસીન છે.’ ‘(અરણ્યરુદન’, 137; ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: વિવેચન 2’, 228)

કોઈ સર્જક જીવનમૂલ્યની વાત કૃતિમાં કરે એટલા માત્રથી એ પ્રચારક બની જતો નથી. તો તો પ્રતિબદ્ધ કવિતા માત્રને આપણે અભરાઈ પર ચડાવી દેવી પડે. વળી, આપણે જે સમયમાં જીવીએ છીએ એ તો નરી સ્વતંત્રતાનો, નરી અરાજકતાનો સમય છે. આવા સમયે તો પરંપરાગત મૂલ્યોની સ્થાપના અનિવાર્ય બની જાય છે. એ મૂલ્યોનું નિરૂપણ તો એ સર્જકની હેસિયતથી જ કરશે, મૂલ્યસ્વીકૃતિથી કળાની સ્વાયત્તતાવાદી વિચારણા પડી ભાંગતી નથી. ઊલટ કળાત્મક સંસ્પર્શ થવાથી એ મૂલ્યો વિશેષ ચિરંજીવ બનશે. એવી જ રીતે સુરુચિને નીતિનો પર્યાય માનવાની પણ ભૂલ થઈ છે. જર્મન તત્ત્વચિંતક હાન્સ ગાડામરે પણ સુરુચિ (good taste) સંજ્ઞાનો ‘ટ્રુથ એન્ડ મૅથડ’માં સ્વીકાર કર્યો છે. સુરેશ જોષીની એ વાત સાચી છે કે સમગ્રના સંદર્ભમાં જ કળાની કોઈ પણ સામગ્રીનો વિચાર કરવો જોઈએ. રુચિભંગ ચલાવી ન લેવાય, નીતિભંગ ચલાવી લેવાય – સંસ્કૃત કાવ્યજ્ઞોએ તો રસને જ ચરમ/પરમ સ્થાન આપ્યું હતું, ઇતિહાસ, શાસ્ત્રને પણ બાજુએ મૂકીને રસનિષ્પત્તિને લક્ષ્ય બનાવવાની સલાહ તેમણે તો આપી હતી.

સુરેશ જોષીની કાવ્યપદાર્થ માટેની નિસબત, પોતાની સર્જનપ્રક્રિયાની મથામણ અને ગુજરાતી સાહિત્ય વિશે ભલે ઓછું લખ્યું હોય તોય એ સાહિત્યને વધુ ને વધુ ઊંચાં શિખરે લઈ જવાની મહેચ્છા (ગુજરાતી સાહિત્યની અધૂરપોની આકરી ટીકા પાછળ આ મહેચ્છા રહેલી છે), ભારતીય ભૌગોલિક સીમાઓને અતિક્રમીને સર્જનક્ષેત્રે અને ચિંતનક્ષેત્રે જે કંઈ ચાલી રહ્યું હોય તેને જોવાનીસમજવાની સમભાવભરી દૃષ્ટિ – વગેરેમાંથી સુરેશ જોષીની વિવેચના પ્રગટી છે. એનો સંબંધ એમની સર્જનપ્રવૃત્તિ સાથે અવિનાભાવીપણે સંકળાયેલો છે, વળી આ વિવેચનાની શૈલી ઉષ્માસભર છે, તેઓ સર્જનવ્યાપારમાં ભલે વ્યક્તિત્વના તિરોધાનની વાત કરે, પણ આ વિવેચનવ્યાપારમાં તો એવું તિરોધાન, આપણા સદ્ભાગ્યે, નથી એ આનંદની વાત છે.

License

સુરેશ જોષી : એક અસામાન્ય પ્રતિભા Copyright © by શિરીષ પંચાલ. All Rights Reserved.