સુરેશ જોષીની નિબંધસૃષ્ટિ – ૨

સુરેશ જોષીના સમગ્ર નિબન્ધસાહિત્ય માટે આમ તો પહેલા ભાગમાં જે કહેવાયું છે તે લાગુ પડે જ, એમના વ્યક્તિત્વનું સાતત્ય સર્વત્ર જોવા મળશે. પરંતુ કેટલીક વિશિષ્ટતા બીજા ભાગમાં ઉમેરાઈ છે. ચિન્તનાત્મકતા અને કાવ્યાત્મકતાનો વિલક્ષણ સમન્વય અહીં થયો છે. આ બીજા ભાગમાં થોડા મુખર બનીને એમણે પોતાના અંગત જીવન વિશે કહ્યું છે. એ અનુસાર આપણને જાણવા મળે છે કે યુવાવસ્થાના આરમ્ભમાં સ્વામી વિવેકાનન્દ અને સ્વામી રામતીર્થને સામે રાખીને સંસાર ત્યજવાની ઇચ્છા તો થઈ આવી હતી પરંતુ કોઈક કારણસર એમના પગ ઊપડી ના શક્યા. એમના જીવનમાં રવીન્દ્રનાથના પ્રવેશ પછી તો સંસારત્યાગની કશી શક્યતા જ રહી નહીં.

‘વિવેકાનંદ ગયા અને રવીન્દ્રનાથ આવ્યા. એમણે તો કહી દીધું કે ‘આમિ હબો ના તાપસ હબો ના તાપસ જદિ ના મેલે તપસ્વિની.’ જો તપસ્વિની મળે નહિ તો મારે તપસ્વી થવું નથી. ઇન્દ્રિયોનાં દ્વાર બંધ કરીને જગતને પ્રવેશતું અટકાવવાની વાત એમણે મંજૂર રાખી નહિ. એમણે તો રૂપરસગન્ધસ્પર્શથી સભર જગતને સંવેદવું એ જ તપ એવું શીખવ્યું. શિરીષના ફૂલની ઊંચેથી આવતી ક્ષીણ સુગન્ધ, નદીના જળમાં તરતી મેઘની છાયા, નદીકાંઠે ઝૂલતી કાશની ચામર, શરદનું હળદવર્ણું ઘાસ – આ બધાંની માયા લાગી.

પ્રકૃતિમાંથી જ એક દિવસે એકાએક પ્રગટ થઈ નારી, સમુદ્રમાંથી પ્રગટ થતી લક્ષ્મી કે વિનસની જેમ જ નારી પ્રવેશે છે. આપણા જીવનમાં પ્રેમપર્વ શરૂ થયું. એની સાથે દેશાટન ને ભ્રમણપર્વ પણ શરૂ થયું.’

સુરેશ જોષી ઘણું બધું રવીન્દ્રનાથ ઠાકુરમાંથી પામ્યા છે પરંતુ રવીન્દ્રનાથની વ્યક્તિતામાં કેન્દ્રગામિતા અને કેન્દ્રોત્સારિતા એમ બંને લાક્ષણિકતાઓ જોવા મળશે. એમની પ્રકૃતિમાં જ યાયાવરવૃત્તિ પ્રબળ હતી. સુરેશ જોષીમાં એ વૃત્તિ પ્રમાણમાં ઓછી હતી. એને પરિણામે કેટલાક સીમિત પ્રદેશને જ પાર્શ્વભૂમાં સ્થાન મળી શક્યું. જેમ જેમ તેઓ સમયની દૃષ્ટિએ પણ તેનાથી દૂર થતા ગયા તેમ તેમ એ ભૂમિ પ્રત્યેનો અતીતરાગ ઘેરો બનવા લાગ્યો. પ્રકૃતિપ્રેમ અને અસ્તિત્વવાદી વિચારણા તેમના કેન્દ્રમાં રહ્યાં. તેઓ એમ માને છે કે જેમનામાં પ્રકૃતિ માટેની આસક્તિ નથી, જેમનામાં પ્રકૃતિરાગ નથી તેઓ જરા જુદા પ્રકારનું એકલવાયાપણું અનુભવે છે. એમની સાથે સમ્બન્ધ બાંધવાનું મને અનુકૂળ આવતું નથી.

‘આથી જ તો કૃત્રિમ દીવાલો રચીને બેસનારા માણસો સાથેનો વહેવાર અઘરો થઈ પડે છે. કોઈનો વિવેક જ એવો હૃદયહીન હોય છે કે એની નિષ્પ્રાણતાને ખુલ્લી પાડવા હું ઉશ્કેરાઈ જાઉં છું. મને લેબલ લગાડીને ફરનારાં માણસો નથી ગમતાં. એ લોકો કોણ છે તેનું આપણને વિસ્મરણ નહીં થવું જોઈએ એવો એમનો આગ્રહ હોય છે. માણસ માણસાઈને ઢાંકીને હોદ્દો કે પાયરીની જ જાહેરાત કર્યા કરે તો એની જોડે શાનો વિનિમય કરી શકાય?’

અને ધારો કે વિનિમય કરવા જાય તો પણ શક્ય બનતો નથી, કારણ કે વચ્ચે પેલી પ્રકૃતિ આવે છે.

‘મારા બાળપણનો એ નિર્જન પરિવેશ, ચારે બાજુની શાન્તિ, પશ્ચિમ ક્ષિતિજે તોળાઈ રહેલો કિલ્લો, ઘટાદાર તોતંગિ વૃક્ષો, મધુમાલતી અને મોગરો, ચંપો અને ફણસોટો, સદા વહ્યા કરતું ઝરણું, વાંસના વનમાંથી વાતો પવન, ઉનાળાની મધરાતે રતિક્રીડામાં મત્ત વાઘ-વાઘણની ગર્જના, રાત્રિની શાન્તિમાં દાદાના રેંટિયાનું ગુંજન, એમની ખખડતી પાવડીઓ, નાવણી આગળનાં આંબા અને કેળ, ધની ગાય, રાખ ભરેલા માટલામાં પાકતાં સીતાફળ – આવું બધું મૂળ નાખીને પડ્યું છે.’

ચેઝારે પાવેઝેની ડાયરીમાંથી સુરેશ જોષીને પોતાની વાતનું સમર્થન પણ મળી રહે છે : ‘બાળપણમાં આપણી ચેતના કુંવારી ધરતીના જેવી હોય છે. ત્યારે જે જોઈએ છીએ, અનુભવીએ છીએ તે આપણામાં મૂળ નાંખે છે. પછી એની સાથે જેનો મેળ ખાય, એ ચેતનામાં પડેલાં મૂળમાંથી પોષણ મેળવીને જીવી શકે તે જ મનમાં સ્થાન પામે.’

નિબન્ધકાર કે સર્જક તરીકે સુરેશ જોષી હંમેશાં સાધારણનો મહિમા કરતા આવ્યા છે. ‘જનાન્તિકે’માં એક સ્થળે તેમણે કહ્યું છે કે પ્રસન્ન થવા માટે કોઈ હવાઈ ઉડ્ડયનની જરૂર પડી નથી. પ્રથમ પુરુષ એકવચનના ‘સાધારણનો મહિમા’ નામના નિબન્ધમાં ફરી આ વાત જુદી રીતે કરવામાં આવી છે :

‘વિચાર કરું છું તો લાગે છે કે જેને સામાન્ય સાધારણ કહીએ છીએ તેની વાત કરવી જ કેટલી અઘરી છે ! ઝંઝાવાત, વીજળીના કડાકા, સમુદ્રની ગર્જના આ બધાંની વાત કરવી સહેલી છે. પણ આંખ જેને સાધારણ હોવાને કારણે જ ઉવેખે છે તેને જોવાને એક જુદી આંખ ખોલવી પડે છે. પાંપણનું બીડાવું ને ઊઘડવું, શ્વાસનું જવું ને આવવું, હાથનું કેવળ નિશ્ચેષ્ટ બનીને પડ્યા રહેવું, હોઠનું સહેજ ખૂલવું – આવું સામાન્ય જોઈને જ હું અવાચક થઈ જાઉં છું.

આ હૃદય જે મારી અંદર ધબકે છે તેને હું ક્યાં આખો દિવસ સંભારું છું ! કોઈ વાર કશોક આવેગ અનુભવું છું ત્યારે નાડીમાં જાણે દોડી જતા ઘોડાના ડાબલા સંભળાય છે. કોઈ વાર ઉચ્ચારણની નજીક આવીને કોઈ શબ્દ એકાએક વિલાઈ જાય છે ત્યારે મને એ પાણીમાં ઓગળતા બરફ જેવું લાગે છે. કોઈક વાર કશીક અશક્ય આકાંક્ષા મને ઉન્મન બનાવી દે છે ત્યારે મારું હૃદય મને અગ્નિની કોઈ ગૌરવભરી શિખાની જેમ ઝળહળી ઊઠતું દેખાય છે. હું જ્યારે સાવ શાન્ત હોઉં છું ત્યારે શિરાઓ અને નસની જાળી વચ્ચે લપાઈને બેઠેલા કોઈ ભીરુ સસલા જેવું એ લાગે છે. કોઈક વાર સ્વપ્નમાં હું મારા હૃદયને મારામાંથી ગુપચુપ સરી જતું જોઉં છું. અન્ધકારમાં દરમાંથી સાપ સરી જાય તેમ, કોઈક વાર એ બાવળની શૂળમાં ફસાયેલા કોઈ પતંગિયાની જેમ ફફડ્યા કરે છે તો કોઈક વાર એ ચંચળ બની જાય છે ત્યારે એક ડાળથી બીજી ડાળે કૂદતી કોઈ ખિસકોલી જેવું બની જાય છે. કોઈક વાર એ એવું તો મીંઢું બની જાય છે કે હું એનો મર્મ કળી શકતો નથી, ત્યારે એ અશ્મિયુગના માનવીના પુરાણા ઓજાર જેવું વણવપરાયલું પડી રહે છે. મને લાગે છે કે જે સાધારણ અને સામાન્ય છે તેનું જ જતન કરતાં આપણને આવડતું નથી. અસાધારણની પાછળ લોભના માર્યા દોડતાં આપણે સાધારણને ખોઈ બેસીએ છીએ. આ સાધારણ કાંઈ વધારે જગ્યા રોકતું નથી. આખરે એ શું હોય છે? નમતે પહોરે બારીમાંથી અન્યમનસ્ક બનીને જોતા હતા તે દરમિયાન સાંભળેલો શિશુનો નરમ કોમળ અવાજ, બહારથી શિરીષની ડાળીનો બારી પર નિ:શબ્દ પડતો પડછાયો, કેશને ખભા પર વિખેરી નાખીને ઊભેલી કોઈ નારી, ઘડિયાળમાંથી રાત્રિ વેળાએ વેરાઈ ગયેલા ટિક ટિક અવાજના કણ, પાસે પડેલી મૂંગી ખુરશી પરથી લસરી પડેલો તડકો, આંખમાં આંખ મેળવવા આવેલું પણ નિરાશ થઈને ઊડી ગયેલું પંખી, બારણાંનો કાટ ખાઈ ગયેલો આગળો, ભીંત પરની શિશુનાં આંગળાંની છાપ, જાણે એકાન્તનાં જ બે ટપકાં હોય એવી આંખોવાળું કોઈ અપરિચિત માનવી, અજાણ્યા ભયથી આપણને વળગી પડતા શિશુના હાથની નિરાધારતા – આ બધું આપણે ક્યાં જોવા થંભ્યા હતા? બાળપણમાં જેમ નાસ્તા માટેના દાળિયા કાણા ખિસ્સામાંથી ગુપચુપ વેરાઈ જતા તેમ આ બધું વેરાઈ જાય છે !’

સુરેશ જોષીના નિબન્ધોની ચિરંજીવિતા પાછળ એક બીજું મહત્ત્વનું પરિબળ દાર્શનિકતાનું છે. રવીન્દ્રનાથના નિબન્ધો પાછળ પણ સમગ્ર ભારતીય સંસ્કૃતિની દાર્શનિક વિચારધારા રહેલી છે. સુરેશ જોષીમાં રવીન્દ્રનાથે નહીં વાંચેલા યુરોપીય સાહિત્યસર્જન અને તત્ત્વચિન્તનનું એક નવું પરિમાણ ઉમેરાયું છે. વીસમી સદીના પૂર્વાર્ધનાં અન્તિમ વર્ષોમાં ન્યૂરેનબર્ગના મુકદ્દમાઓની દુનિયાભરને જાણ થઈ. પરમ્પરાગત વિચારજગત ટકાવી રાખવું બહુ મુશ્કેલ બની ગયું. ભારતીય તત્ત્વચિન્તને જે દૃષ્ટિબિન્દુથી જગત વિશે વિચાર કર્યો ન હતો એ દૃષ્ટિબિન્દુનો લાભ આપણા નિબન્ધકારને મળ્યો છે. ગીતાકારની સ્વધર્મે નિધનં શ્રેયવાળી વાત સુરેશ જોષીને સ્પર્શી ગઈ પણ અસ્તિત્વવાદના પરિચય પછી પ્રશ્ન થયો :

‘પછી તો બીજી ફિલસૂફીનો સ્વાદ ચાખ્યો, પ્રશ્ન થયો : ‘સ્વધર્મ’ શબ્દમાંના આ ‘સ્વ’ અને ‘ધર્મ’ જોડાય છે શી રીતે? એ ક્યારથી જોડાય છે? ‘સ્વ’ સિદ્ધ થયા વિના એને કશો ધર્મ છે એમ કહી શકાય ખરું? પછી અસ્તિત્વવાદે શીખવ્યું કે કાર્ય દ્વારા ‘સ્વ’ સિદ્ધ કરતા જઈએ એમાંથી જ આપણો ‘ધર્મ’, એટલે કે આપણાં આગવાં લક્ષણો, પ્રગટ થતાં આવે. આથી સ્વત્વ છે જ અને તેને વફાદારીપૂર્વક ટકાવી રાખવાનું છે એવી જ એક પતિવ્રતાના જેવી જવાબદારી હતી તેનો ભાર હળવો થયો.

વળી સાથે એક બીજી સમજ પણ ધીમે ધીમે ખીલતી આવી : માનવવ્યવહારનો પાયો જ સન્દિગ્ધતા પર રચાયેલો છે. એમાં કશાય વર્તન પરત્વે એકવાક્યતાની આશા રાખવી તે ભ્રામક છે. પૂરું અદ્વૈત સિદ્ધ કરી આપે એવો પ્રેમ માનવીના ભાગ્યમાં ક્યાં છે? આથી આપણા એક જ કાર્યને નિમિત્તે સૌ સૌ પોતપોતાની રીતે નિર્ણય બાંધે ને અભિપ્રાયો ઉચ્ચારે એમ બનવાનું જ. એથી વિક્ષુબ્ધ કે વિચલિત થવાનું આપણને ન પરવડે.

આ દિશામાં આગળ જતાં એમ લાગ્યું કે પોતાને વિશેનાં પરસ્પરવિરોધી મન્તવ્યો છે. આપણને આપણી પ્રત્યે વધુ સાવધ અને સન્નદ્ધ રાખે છે. એવું નથી હોતું ત્યારે આપણે ધીમે ધીમે જડતાના પર્યાયરૂપે આત્મતુષ્ટિમાં સરી પડીએ છીએ. પછી એક સ્થિતિ એવી આવે છે જ્યારે આપણે, આપણને વિઘાતક લાગે એવું કશું બને ત્યારે પણ, પરમહંસની અદાથી નિલિર્પ્ત બનીને બેસી રહી છીએ. આ એક પ્રકારનો આત્મઘાત છે.’

આ અસ્તિત્વવાદી ચિન્તને સુરેશ જોષીના નિબન્ધોને એક જુદી દિશા અર્પી. વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, ઉત્તરદાયિત્વ, માનવતા : આ અને આવી કેટલીક વિભાવનાઓની ચર્ચાઓ વિશેષત: થવા માંડી. મૂળ પ્રશ્ન વ્યક્તિગત સ્વતન્ત્રતાનો હતો. જે વિચારકોએ રાષ્ટ્રની એકહથ્થુ સત્તા સામે મોરચો માંડ્યો તે સર્જકો અને વિચારકોનો પરિચય તેમણે જ્યારે જ્યારે તક મળી ત્યારે ત્યારે કરાવ્યો. પરંતુ એકહથ્થુ સત્તા માત્ર શાસનતન્ત્ર જ ભોગવે છે એ વાત ખોટી છે. જે દેશોમાં અર્થકારણ, રાજકારણ, વિજ્ઞાનટેકનોલોજીનાં ક્ષેત્રો માનવવિદ્યાઓનાં ક્ષેત્રોને કુણ્ઠિત કરીને વિકસતાં હોય એ સર્વ દેશોમાં કુટિલ શાસનતંત્રને ફાલવા માટે અવકાશ મળી રહેતો હોય છે. વળી ગમે તેવું લોકતન્ત્ર પણ એકહથ્થુ લક્ષણો ધરાવી શકે એની પ્રતીતિ ઘણાં બધાંને હવે ધીમે ધીમે થવા માંડી છે. એ રીતે પણ વર્તમાન અને સમ્ભવિત ભયાવહતાને ઓળખી લેવી એ પ્રત્યેક વિચારશીલ મનુષ્યનું કર્તવ્ય છે.

ઉત્તરાવસ્થાના નિબન્ધોમાં ચિન્તનનું પ્રમાણ ખાસ્સું જોવા મળે છે. ‘પશ્યન્તી’ના મોટા ભાગના નિબન્ધો ‘જનાન્તિકે’ ગોત્રના નથી. અહીં આપણને યુરોપીય ચિન્તનાત્મક ગદ્યની ધારાઓનો પરિચય થાય છે. સ્વાભાવિક રીતે જ અહીં જોવા મળતું ચિન્તન વિવરણ કે દોહન પ્રકારનું છે. પરંતુ એક જ વ્યક્તિ પાસેથી મળી આવતી આવી અઢળક સામગ્રી પણ આપણા વિચારજગતને સમૃદ્ધ કરવા પૂરતી છે. વ્યક્તિગત સ્વતન્ત્રતાનો મહિમા તેમને વિશેષ સ્પર્શી ગયો. વળી જ્યાં ખુલ્લેઆમ આવી સ્વતન્ત્રતાનું લીલામ થઈ ચૂક્યું હોય એવા સર્જક-વિચારકની શી અવદશા થાય છે એનો ચિતાર ‘ઇતિ મે મતિ’ અને ‘પશ્યન્તી’માં મળે છે. સુરેશ જોષીને હંમેશાં સ્થાપિત હિતો સામે જીવનીય પરવા કર્યા વિના ઝૂઝનારા સર્જકો-વિચારકો માટે પક્ષપાત રહ્યો છે. એનો લાક્ષણિક નમૂનો સોલ્ઝેનિત્સીન પરના નિબન્ધોમાં જોવા મળશે. સ્થાપિત હિતો સામે ટક્કર લેનારા આવા ચિન્તકોની વાતો વિગતે કરતી વખતે તેમના મનમાં કદાચ આપણા સમાજના પાંગળા પ્રતિનિધિઓ હશે. એમને માટે આવા નિબન્ધો ચાબખાની ગરજ સારે, બીજાઓ માટે એક નવા ઇલાકાનો પરિચય થાય. સમાજ પ્રત્યે વ્યક્તિની જવાબદારી બહુ મહત્ત્વની છે, પોતાના સ્વાર્થ ખાતર સમાજનો બલિ ચઢાવવો તો ખતરનાક કહેવાય છે, પણ મોટે ભાગે સમાજ વ્યક્તિનો ભોગ લે છે. એ ભૂમિકા તેમના આ પ્રકારના નિબન્ધોમાં જોવા મળે છે. સમાજ અને વ્યક્તિ વિશે તેઓ શું માને છે તે જોવા જેવું છે :

‘સમાજમાં ‘વ્યક્તિ’ની પણ આ જ દશા થઈ છે. અર્વાચીન ઔદ્યોગિક સમાજમાં કે ઇજારાશાહીમાં ‘વ્યક્તિ’ની વાત કરવી એ નરી ભ્રાન્તિ જ નથી? આ વાતાવરણમાં વ્યક્તિત્વનો વિકાસ એટલે શું? આ વાતાવરણમાં જ વ્યક્તિ વધુ શક્તિહીન અને સલામતી વગરની લાગે છે. આપણે ફાસીવાદને ને પાંચમી કતારિયાને ગાળો દીધી. આજે જે સૌથી અણગમતું લાગે તેને આપણે ફાસીવાદી કહીએ છીએ. કોઈ પણ ગાળ દેવામાં જોહુકમી રહી હોય છે. બુદ્ધિ વાપરનારને માથે એક જવાબદારી હોય છે. એ જે કરે તેની સાભિપ્રાયતા એણે સિદ્ધ કરી આપવાની હોય છે. ગાળ દેનારને માથે એવી કશી જવાબદારી રહેતી નથી. ફાસીવાદનો જગતને અનુભવ થઈ ચૂક્યો છે. એનાથી જો બચવું હોય તો એને પોષે એવું વાતાવરણ ક્યાંય ઊભું થવા દેવું ન જોઈએ. આ વાતાવરણનું લક્ષણ શું છે? જો વ્યક્તિ તુચ્છ અને નરી અસમર્થ લાગવા માંડે તો સમજવું કે ફાસીવાદનાં પગરણ મંડાઈ ચૂક્યાં છે.

અર્વાચીન લોકશાહીએ વ્યક્તિને બધાં જ બાહ્ય નિયન્ત્રણોમાંથી મુક્ત કરીને સાચી વ્યક્તિમત્તાનું ગૌરવ કર્યું છે એવું માનવામાં આવે છે. પણ આવી લોકશાહીમાં જ આમ વ્યક્તિતાને ખતરનાક લેખવાનું વલણ શરૂ થાય તો આપણે સવેળા ચેતી જવું જોઈએ. કશા બાહ્ય નિયન્ત્રણને વશ વર્તીને આપણે જીવતા નથી એનું આપણને અભિમાન હોય છે. આપણે આપણાં વિચાર, મંતવ્યો અને લાગણી મુક્તપણે વ્યક્ત કરી શકીએ છીએ. આ બધું હોય તો આપણી વ્યક્તિમત્તાની પ્રતિષ્ઠા થઈ જ છે એવું આપણે માની લઈએ છીએ. વિચારસ્વાતન્ત્ર્યનો અધિકાર હોવો એનો અર્થ શો? આપણી પાસે આપણા પોતાના કહી શકાય એવા વિચારો હોય તો જ આ અધિકાર આપણને શોભે ને પરવડે. પણ મોટે ભાગે આપણા સમયમાં તો એવું જોવામાં આવે છે કે વ્યક્તિ અમુક વર્ગ કે પક્ષની વિચારણાના પ્રચારનું સાધન માત્ર બની રહે છે. જો આવી પરિસ્થિતિ નહીં હોય તો વિચારસ્વાતન્ત્ર્ય એટલે અમુક વગ ધરાવનારા પક્ષની વિચારણાનો પ્રચાર કરવાનું સ્વાતન્ત્ર્ય એવો અર્થ થશે. એ તો વિચારસ્વાતન્ત્ર્યની નરી વિડમ્બના જ લેખાય.’ (‘ઇતિ મે મતિ’ : ‘નિરાશાની ઉપકારકતા)’

આનો અર્થ એવો થાય કે જ્યાં વ્યક્તિને નરી તુચ્છ માનવામાં આવે, એને અસમર્થ બનાવી દેવામાં આવે ત્યાં ફાસીવાદ છે એમ માની લેવું પડે. જેવી રીતે રાજ્ય એક મોટી સંસ્થા છે એવી રીતે નાના પાયા પર સંસ્થાઓ સુધ્ધાં એવી જ રીતે સ્વતન્ત્રતાને કચડી નાખે છે. એટલે જ સુરેશ જોષી પુનરાવર્તનના ભોગેય બોલાતા કે લખાતા પ્રામાણિક, નિષ્ઠાવાન શબ્દનો મહિમા કરતા રહ્યા :

‘આમ છતાં નિ:શબ્દ થવાનું મને નહિ પરવડે. માનવીનું સ્વત્વ ઝૂંટવી લેવું હોય તો એની ભાષા ઝૂંટવી લો. ઘણા ભાષાને ઝૂંટવાઈ જતી જોઈને શબ્દોના પ્રપંચમાંથી છૂટ્યાની નિરાંત અનુભવે છે. જેઓ જગત સાથે પોતાને જોડે છે તેમને ભાષાના સેતુ વગર નહિ ચાલે. શબ્દ વિનાની શાન્તિને માણનારા પરમહંસ હોય છે અથવા મીંઢા હોય છે. ‘રખેને કશું બોલતાં છતા થઈ જવાશે તો?’ એવા ભયના માર્યા એઓ કશું બોલતા નથી. ક્યાંક કોઈકને શાતાના એક શબ્દનો ખપ પડ્યો હોય તોય એઓ મીંઢા બનીને બેસી રહે છે. એમની નિલિર્પ્તતા કોઈ કાયરની કે સ્વાર્થીની નિલિર્પ્તતા હોય છે. જે માત્ર બોલે નહિ પણ બીજાનેય વાણી સંપડાવી આપે તે ઋષિ. હંમેશાં ગંગાજળ છાંટેલા શબ્દો બોલવાનું તો આપણે પણ લીધું નથી. આપણે જીવનગંગામાં ડૂબકી મારીને તો જીવતા નથી ! આપણે તો સંસારમાં રજોટાઈને જીવીએ છીએ. સ્વર્ગની કાન્તિ મુખ પર ધારણ કરનારા શબ્દો ઘણી વાર કૃતક અને ઠગારા નીવડે છે.’

એવી જ રીતે સુરેશ જોષીના વિદ્યાપીઠવિચારનું મહત્ત્વ ઘણા બધાને વરતાયું છે. એક નિષ્ઠાવાન, પ્રામાણિક શિક્ષક વિદ્યાર્થીઓમાં જ્ઞાનજ્યોત પ્રગટાવવા શું શું કરી શકાય એનો મોકળે મને વિચાર કરે છે. સમાજ, વિદ્યાપીઠતન્ત્ર, શિક્ષક અને વિદ્યાર્થી : આ બધા શિક્ષણનો મૂળભૂત હેતુ સાધવામાં નિષ્ફળ ગયા છે. ભારત જેવા દેશમાં કેટલીક સમસ્યાઓ સાવ જુદા પ્રકારની છે. વિશાળ જનસંખ્યા ધરાવતા દેશમાં સૌથી પહેલો પ્રશ્ન નિરક્ષરતાનિવારણનો હોય તે સમજી શકાય. પરંતુ સાક્ષર બનેલા આ નાગરિકોને તેમનાં પોતાનાં ક્ષેત્રોમાં પારંગત કેમ બનાવવા, સાથે સાથે એક ક્ષેત્રના નિષ્ણાતોને બીજાં ક્ષેત્રોથી પરિચિત કેમ કરાવવાં એ પ્રશ્ન પણ એટલો જ મહત્ત્વનો છે. જો આ નથી થતું તો ‘ભણેલાઓની નિરક્ષરતા’ની સમસ્યા કેવી રીતે જન્મે છે તેની ખાસ્સી ચર્ચા આ પૃષ્ઠોમાં જોવા મળશે. સુરેશ જોષીને દાયકાઓના અનુભવ પછી ખાત્રી થઈ હતી કે વિદ્યાર્થી ભણવા માગતો નથી અને શિક્ષક ભણાવવા માગતો નથી. શિક્ષણજગતની આ ભયાનક વાસ્તવિકતા પહેલી નજરે તો સ્વીકારી શકાય એવી લાગતી નથી. પરંતુ શિક્ષણજગત જેના કારણે છે તે વિદ્યાર્થી અને શિક્ષક જો શિક્ષણશત્રુ બનીને બેઠા હોય તો? કોઈ પણ પ્રકારનાં ખર્ચાળ સાધનો વિના પ્રાચીન ગુરુશિષ્ય પરમ્પરા દ્વારા કેવી રીતે આ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી હતી તેનો જો ખ્યાલ હોય તો તરત પ્રશ્ન થાય કે કરોડો રૂપિયા ખર્ચીનેય વિદ્યાપીઠમાં જ્ઞાનપ્રસાર કેમ થતો નથી? અહીં સુરેશ જોષી એનાં કારણોમાં ઊંડે ઊતરે છે. આવું ચિન્તન વિદ્યાર્થી અને શિક્ષક સુધી પહોંચે તો જ કશો ચમત્કાર થઈ શકે.

આ અને આવાં કેટલાંક કારણોસર એક હતાશાવાદી સૂર પણ જોવા મળશે, તેઓ જે કાળખણ્ડમાં આવી ચઢ્યા હતા એ એમને પ્રતિકૂળ નીવડ્યો :

‘આપણે સહુ એક પ્રાચીન અને ભવ્ય સંસ્કૃતિની અન્તિમ ક્ષણોએ એની સ્મશાનયાત્રાના ડાઘુઓ બનીને આવ્યા છીએ. તો હવે સૂરજને કાળા વાઘા પહેરાવો, પડછાયાઓનાં સરઘસ કાઢો, મન્દિરોમાં ઇલેક્ટ્રોનિક્સના જાદુ કરો, છાપાંની મદદથી નવી વાસ્તવિકતાનો ઉકરડો ઊભો કરો. મતગણતરીથી નવા ઈશ્વરને સ્થાપો, દરરોજ નરમેધ રચવાનાં નવાં નવાં નિમિત્તો શોધતાં રહો. જીવનપ્રવાહથી છૂટા પડીને બંધ બારીબારણાંવાળાં કબર જેવાં ઘરમાં દટાતાં રહો, લક્ષ્મીના તાપથી અનુકમ્પાના સ્રોતને સૂકવી નાખો – આટલું થશે પછી ભગવાનને પણ નવું નરક રચવાનો શ્રમ ઉઠાવવો નહિ પડે.’

આશા રાખીએ કે આવી કોઈ નારકીય સૃષ્ટિ નહીં ઊભી થાય.

અહીં ગ્રન્થસ્થ ‘આત્મનેપદી’માં રૂઢ અર્થમાં નિબન્ધો નથી. જેવી રીતે નિબન્ધમાં સર્જકના વ્યક્તિત્વની ઝલક જોવા મળે છે તેવી રીતે આ મુલાકાતોમાં તેમના વ્યક્તિત્વની અનેક લાક્ષણિકતાઓ જોવા મળે છે. ક્યાંક તો તેમના અંગત જીવન વિશેની કેફિયતો પહેલી વાર જોવા મળે છે. જેઓ તેમનો આત્મકથનાત્મક પરિચય મેળવવા માગતા હશે તેમને એ ઉપયોગી થશે. સમાજ, આસપાસનું જીવન, આપણી સાહિત્યિક સંસ્થાઓ, પોતાની સર્જનપ્રક્રિયા વગેરે વિશેનાં તેમનાં મન્તવ્યો પણ અહીં આગલી રચનાઓ સાથે સુસંગત છે.

આ નિબન્ધો આપણું વિચારજગત ઘણી બધી રીતે સમૃદ્ધ કરશે.

License

સુરેશ જોષી : એક અસામાન્ય પ્રતિભા Copyright © by શિરીષ પંચાલ. All Rights Reserved.