સર્જક-પરિચય

ગુજરાતીના આધુનિકતાવાદી વિવેચનના એક મહત્ત્વના વિવેચક શિરીષ પંચાલ (જ. 7-3-1943)નું સાદ્યંત અધ્યયન-અધ્યાપન-કેદ્ર વડોદરાની મ.સ. યુનિવર્સિટી. એ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા એ દરમ્યાન અને એ પછી સતત તે વિવેચન-સંશોધન-અનુવાદ તેમજ સર્જનાત્મક લેખનકાર્યમાં પ્રવૃત્ત રહ્યા છે.

‘કાવ્યવિવેચનની સમસ્યાઓ'(1985) એ શોધનિબંધથી શરૂ કરીને એમણે ગુજરાતી, અને મુખ્યત્વે પશ્ચિમી વિવેચન-પરંપરા અંગે ઘણા વિવેચન-ગ્રંથો આપ્યા છે એમાં એમની ઝીણી અભ્યાસદૃિષ્ટ અને સ્વસ્થ મૂલ્યાંકનો આગળ તરી આવે છે. ‘વાત આપણા વિવેચનની’ એ એમનો ગુજરાતીના મુખ્ય વિવેચકો વિશેનો અભ્યાસગ્રંથ છે.

અનેક વિદેશી વાર્તાઓના અનુવાદો એમણે કર્યા છે એના ‘યાયાવર’ વગેરે પાંચ સંગ્રહો એમણે આપ્યા છે. ‘અંચઈ’ વ. બે વાર્તાસંગ્રહો તથા ‘વૌદેહી એટલે જ વૌદેહી’ લઘુનવલ એમનાં સર્જનાત્મક પુસ્તકો છે.

સુરેશ જોષીના આ નિતાન્ત અભ્યાસીએ પહેલાં સુરેશભાઈની વાર્તા-નિબંધ વ. કૃતિઓના સંચયો આપ્યા અને પછી સુરેશભાઈનું સમગ્ર લેખનકાર્ય ઘણા ગ્રંથોમાં સંપાદિત કરીને સુલભ કરી આપ્યું છે – એ એમની અગત્યની સાહિત્ય-સેવા છે.

ગુજરાતીમાં અનેક સંપાદનગ્રંથો પણ આપનાર શિરીષ પંચાલ હાલ ‘સમીપે’ સાહિત્ય-ત્રૈમાસિકના એક સંપાદક છે.

(પરિચય – રમણ સોની)

License

સુરેશ જોષી : એક અસામાન્ય પ્રતિભા Copyright © by શિરીષ પંચાલ. All Rights Reserved.