અનેક વિટમ્બણાઓ વેઠીને આખરે ચિન્મયને ઘરે પહોંચ્યો. જઈને જોયું તો લિફટ પર પાટિયું લટકતું હતું ‘લિફટ આઉટ ઓફ ઓર્ડર.’ ચાર દાદર ચઢીને ચિન્મયને મળવા જવું કે નહિ? ક્ષણભર તો હું પાછા વળવાનું જ વિચારતો હતો. પછી પાછા જવાનું ઠીક લાગ્યું નહીં. હિંમત કરીને ચાર દાદર આખરે ચઢી ગયો. ચિન્મયે જ બારણું ખોલ્યું. ઘડીભર એના મોઢા પર કંઈક જુદો જ ભાવ દેખાયો. પછી એની આંખો આનન્દથી ચમકી ઊઠી. એ એની પત્નીને ઉદ્દેશીને બોલ્યો, ‘જો તો, કોણ આવ્યું છે?’ માયા બહાર આવી. એને જોતાં જ લાગ્યું કે એ લોકો ક્યાંક બહાર જવાની તૈયારીમાં જ હતા. માયા બોલી, ‘કેટલા દિવસથી મુંબઈ આવ્યા છો? પહેલાં તો અમારે ત્યાં જ ઊતરતા હતા, ને હવે? બોલો, કેટલા દિવસ રહેવાના છો? કાલે રાતે જમવાનું અહીં જ રાખજો.’ માયાનું સૂચન હું સમજી ગયો. પણ હજી મારો શ્વાસ હેઠો બેઠો નહોતો. ચિન્મય તરફ હું કદાચ આજીજીભરી નજરે જોઈ રહ્યો હોઈશ. એણે કહ્યું, ‘તું એમ કર ને, અહીં જ બેસ, અમારી ક્લબની આજે ડિનર મિટિંગ છે એટલે અમે જરા જઈ આવીએ. રામો તને ચા કરી આપશે.’ માયાએ ઉમેર્યું, ‘અને જુઓને, છ તો થયા. ટી. વી. પર આજે સારો કાર્યક્રમ છે. અમે આઠ સુધીમાં તો આવી જ જઈશું.
મને કાંઈ બેસવાનું મન થયું નહિ. કાંઈ કેટલી બધી વાતો કરવાનું વિચારીને આવ્યો હતો, પણ થયું: આ તો મુંબઈ છે. લોકોને પહેલેથી બધું નક્કી કરવું પડતું હોય છે. મેં કહ્યું, ‘તો મને થોડી ખરીદી કરવી છે તે પતાવી દઉં.’ ચિન્મયે કહ્યું , ‘કાલે રાતે આવવાનું નક્કી કરીને મને બપોરે ફોન કરી દેજે.’ મેં કહ્યું, વારું.’
પછી યાદ આવી કરુણા. નામ જ કરુણા. બાકી આમ તો હાસ્યનો ફુવારો. એ અમારી મંડળીમાં ભારે ટિખળી. બે વરસથી પરણીને મુંબઈમાં રહે છે. મને થયું કે એને મળી લઉં. કરુણાને ઘરે પહોંચ્યો. સદ્ભાગ્યે એ ઘરે હતી. એ બારણું ખોલવા આવી ત્યારે ક્યાંક અંદરથી કોઈનો ગુસ્સામાં બોલવાનો અવાજ સંભળાયો. મેં જોયું કે કરુણાને મોઢા પર સ્મિત લાવતાં શ્રમ પડ્યો. એ બોલી ‘ઓહો, તું ક્યારે આવ્યો?’ હું અંદર દાખલ થયો. એણે આંખ અને આંગળીના ઇશારાથી મને કશુંક સમજાવી દેવાનો પ્રયત્ન કર્યો. હું સહેજ મૂંઝાઈ ગયો. મેં કહ્યું, ‘અત્યારે તું કામમાં હોય તો હું પછી આવીશ.’ ત્યાં અંદરથી ગર્જના સંભળાઈ, ‘કારૂ, મારી ટ્રેન સાત પચ્ચીસે ઊપડે છે તે જાણે છે ને?’ એની સાથે જ અંદરથી નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો. કરુણા મને કશું કહ્યા વગર અંદરના ઓરડામાં ગઈ. એનું શરીર કંઈક સ્થૂળ થઈ ગયું હતું. આંખ નીચે કાળાશ છવાઈ ગઈ હતી. મને એના ચિરપરિચિત હાસ્યનો રણકો સાંભળવાની આશા હતી. પણ ત્યાં એના પતિ બહાર આવ્યા. મને જોઈને વિવેકપૂર્વક બોલ્યા, ‘માફ કરજો, મારે ધંધાના કામે તાકીદે હૈદરાબાદ જવાનું છે.’ હું સહેજ શિયાવિયા થઈને બોલ્યો, ‘કાંઈ નહિ, પછી કોઈ વાર.’ એમણે તો કરુણાને બોલાવીને કહ્યું, ‘એઓ જાય છે. એકાદ કપ ચા –’ મેં જોયું કે એમને વાક્યોને અડધેથી છોડી દેવાની ટેવ હતી. કરુણાએ હાથથી ‘બેસ ને હવે’ એવો ઇશારો કર્યો, પણ મને બેસવું ઠીક લાગ્યું નહિ. હું ઊઠ્યો, કહ્યું, ‘તું વડોદરા આવે ત્યારે મળજે. ચારુ તને ખૂબ યાદ કરે છે.’ હું બહાર નીકળી ગયો.
મને બધું યાદ આવ્યું. પેરિસિયનમાં બપોરે અમે કોફી ગટગટાવતાં બેસતાં. ચિન્મય એની નવી કવિતા વાંચતો, પ્રમથ હુસેર્લ હાઇડેગરની વાતો કરતો, અનુરાધા એના સમાજવિદ્રોહના ભાવિ કાર્યક્રમની અવનવી કલ્પનાઓ રજૂ કરતી. પ્રમથને તો ગિરનારની ગુફામાં કોઈ ગુરુ મળી ગયા છે. એ એકસ્ટ્રાસેન્સરી પરસેપ્શનની ને એસ્ટ્રલ બોડિઝની ને અદૃશ્ય વિદ્યુત આંદોલનોની વાતો કરતો થઈ ગયો હતો. પ્રણતિ જુદાં જુદાં કલ્ચરલ ડેલિગેશન્સમાં ચારેક વાર પરદેશની યાત્રા કરી આવી હતી. અત્યાર સુધીમાં એણે પોતાના નામની આસપાસ સારી એવી દન્તકથાઓ એકઠી કરી હતી. અર્જુન તો પહેલેથી જ મહારથી હતો. પહેલાં ગાંધીવાદી, પછી સમાજવાદી અને હવે નકસલવાદી થવામાં નિષ્ફળતા મળ્યા પછી, ક્યાંક ભૂગર્ભમાં કશીક પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે એવું મેં સાંભળ્યું હતું.
આ મહાનગરમાં મેં યુવાનીના પ્રારંભનાં વર્ષો ગાળ્યાં હતાં. અને આજે હવે એકાએક મને બધું સાવ અજાણ્યું લાગવા માંડ્યું. ઊંચાંઊંચાં મકાનો પરથી નિયોન લાઇટમાં ઝબૂકતી જાહેરાતો, સિનેમાઓની ઇન્દ્રપુરી, ભીંસી નાખતી લોકોની ભીડ – હું જાણે હદપાર થઈને કોઈ નવી જ સૃષ્ટિમાં આવી ચડ્યો હોઉં એવું લાગ્યું. વાતાવરણમાં નહિ સારેલાં આંસુની ભીનાશ હતી. આકાશ, પંખીઓના ઉડ્ડયનની રેખા વગરનું, કોરુંકટ હતું. ગઈ કાલનો વાસી રવિવાર હજી કોઈ આંધળી ગલીમાં અડબડિયાં ખાતો હતો. સરકારી કર્મચારીઓના, કચેરીમાંના ઘડિયાળના લયથી ધબકતાં, હૃદયો સંભળાતાં હતાં. મનુષ્યો પોતપોતાના પડછાયાની હૂંફમાં ચાલી રહ્યાં હતાં. દીવાલ વગરના કબ્રસ્તાનમાં હાડકાંઓનો પાસું બદલવાનો અવાજ સંભળાતો હતો. ત્યાંથી મરણનો રેલો બધે પ્રસરતો જતો હતો. મારા અસ્થિમાં હું એનો સ્પર્શ અનુભવતો હતો. ચારેબાજુના માનવપ્રવાહમાં જાણે મરણના ધ્વનિથી સ્ફીત એવી નૌકાઓ અદૃશ્યપણે તરી રહી હતી.
મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. ક્યાંક કોઈ જાણે અવાજ વિના બરાડી રહ્યું હતું. ભૂખરા રંગની લહરીઓ ચારે બાજુ વાતી હતી. એ ભૂખરો રંગ ઘનીભૂત થઈને પૃથ્વી પર નહિ જોયેલા એવા કશાક અન્ધકારને રચ્યે જતો હતો. હું ધકેલાતો, હડસેલાતો એ બુગદામાં પ્રવેશી રહ્યો હતો અને આંખોને ચૂંચી કરીને બુગદાનો બીજો છેડો જોવા મથી રહ્યો હતો. એકાએક એ અન્ધકાર શબ પર ઓઢાડેલા કાળા ધાબળાની જેમ મારા પર પથરાઈ ગયો. કોઈ મુમુર્ષુ વૃદ્ધના શ્વાસોચ્છ્વાસ જેવું અપારદર્શક ધુમ્મસ મને ઘેરી વળ્યું.
અત્યાર સુધી મેં વાપરેલા બધા શબ્દોના ઢગલાને ફેંદતો ફેંદતો હું ચાલ્યે જતો હતો, પણ મને ચારે બાજુની નિસ્તબ્ધતાને ભેદીને બહાર સૂર્યને અંદર ખેંચી લાવે એવો એકેય શબ્દ જડતો ન હતો. મારા હૃદયમાં સમુદ્રની સ્મૃતિ સળવળી ઊઠી. પ્રારમ્ભના દિવસોમાં હેમ્લેટની અદાથી માહીમના દરિયા આગળના ખડક પર ઊભા રહીને મેં કેટલીય સ્વગતોક્તિઓ ઝીંકી હતી. જૂના કિલ્લાના બૂરજ આગળ બેસીને ભૂતકાળના ઓસરી ગયેલાં સૈન્યોનાં પૂરને જોયાં હતાં. ખડકો સાથેની જળની થપાટોનો અવાજ સાંભળવા હું તલસી રહ્યો. મરીન ડ્રાઇવની પાળ પર વરસાદ અને પવનની ઝાપટને માણતાં ફર્યા કરવાનું મન થયું. ક્ષિતિજ પર ધોળા સઢવાળા એક વહાણને જોવાને હું ઝંખી રહ્યો.
એકાએક મારી ચારે બાજુ ઘોંઘાટનું નિબિડ અરણ્ય ઊગી નીકળ્યું. એમાં થોડી ભયત્રસ્ત આંખો તગતગી ઊઠી. ટેલિફોન ચિત્કાર કરતા ગીધની જેમ ઊડાઊડ કરવા લાગ્યા. રેલવે સ્ટેશનના પોર્ટરોનાં થાકેલાં હાડકાં ચીંચવાઈ ઊઠ્યાં. હાઇકોર્ટમાંથી સામસામે બરાડતા વકીલોના અવાજો કાળો ડગલો પહેરીને ઊડવા લાગ્યા. યુનિવસિર્ટી લાયબ્રેરીમાંથી લાખો પુસ્તકો એકી સાથે ગણગણી ઊઠ્યાં. એ બધા અવાજો વચ્ચે મને સમ્બોધીને સ્નિગ્ધતાથી ઉચ્ચારાયેલો એક શબ્દ સાંભળવા હું ઉત્સુક થઈ ઊઠ્યો.
ત્યાં એકાએક ક્યાંક લાંબા સમયથી પુરાઈ રહેલો પવન નાસી છૂટ્યો. એ પવનના સ્પર્શે માનવીઓનાં વજન કોણ જાણે ક્યાં ને ક્યાં ઊડી ગયાં અને મારી ચારે બાજુના માનવીઓ દીવાલો પરના પોસ્ટરોની જેમ ચારે બાજુ ઊડવા લાગ્યા. મોટાં ગગનચુમ્બી મકાનો આકાશમાં ડોલવાં લાગ્યાં. ઘડિયાળના ચન્દાનાં બે કાણાંમાંથી ગભરાયેલા પતંગિયાના જેવો સમય ફરરર દઈને ઊડી જવા લાગ્યો. મેં ચારે બાજુ જોયું તો પોસ્ટરમાંની અભિનેત્રીઓ, જાહેરખબરની સુંદરીઓ, નિયોન લાઇટના ઝબૂકતા અક્ષરો – વંટોળમાં ચક્રાકારે ઘૂમી રહ્યાં હતાં. સ્પન્દિત થઈ ઊઠેલી શેરીઓમાં ફુગ્ગાની જેમ ઊંચે ઊડતા માણસોની જેમ હું માંડ મારું વજન સંભાળતો ઊભો રહી ગયો. કરુણા, પ્રણતિ, અર્જુન, અનુરાધા – આ બધાંય એમનાં વજન ગુમાવીને પોસ્ટરમાંનાં ચિત્રો જેવા બની ગયેલાં મેં જોયાં. મારું હૃદય કશીક અકથ્ય ગ્લાનિથી ભરાઈ ગયું. પહેલાં વરસાદ પછી ઊગી નીકળેલા તૃણાંકુરને મારા પગ ઝંખી રહ્યા. વૃક્ષોની ઘટા નીચે ઘડીક ઊભા રહીને હું મારા શ્વાસને ગોઠવી લેવા અધીરો બન્યો. ટહુકો વેરીને ઊડી જતાં પંખીના આશ્વાસન માટે મેં આકાશમાં નજર નાખી. મને કશું દેખાયું નહિ. એકાએક પવન થંભી ગયો. જે બધું હતું તે ભોંય પર પટકાઈને પડ્યું. એના ઢગલા વચ્ચેથી રસ્તો કાઢતો કાઢતો હું આગળ ચાલ્યો – જે બે આંખોને છોડીને આ મહાનગરમાં આવી ચઢ્યો હતો તેની દિશામાં.