મેં બારણું ખોલ્યું –

મેં બારણું ખોલ્યું અને પગથિયાં ઊતરવા જતો હતો ત્યાં એકાએક રાજમાર્ગના ટોળાએ જાણે મને ઊંચકી લીધો. મારા પગ ધરતીને અડતા નહોતા. હું આમ અચાનક આવી પડ્યો તેની નોંધ સુધ્ધાં કોઈ લેતું નહોતું . અવાજ સંભળાતો હતો પણ શબ્દો સંભળાતા નહોતા. કેટલાક પરિચિત અવાજ સંભળાતા હતા, પણ એ અવાજ જોડે એના બોલનારને સ્મરણની મદદથી જોડું, તે પહેલાં તો એ અવાજ ચારે બાજુના અવાજમાં લુપ્ત થઈ જતો હતો.

આ કયું નગર? આ કઈ શેરી? હું આ પૂછવા જતો હતો પણ મારો અવાજ હું જ સાંભળી શકતો નહોતો. મેં આજુબાજુનાં મકાનો તરફ નજર કરી. બધાં મકાનની બારીઓ ખુલ્લી હતી. એમાંથી માણસો ડોકાઈ રહ્યા હતા. એ બધાનાં મુખ પર એક જ પ્રકારનો ભાવ હતો. ઘડીભર તો મને વહેમ ગયો કે આ નાટકમાં આવતો ચીતરેલો પડદો તો નથી? પણ બારીમાંનાં માણસો હાથ લાંબા કરીને ઉત્તેજનાથી કશુંક બોલતાં હતાં.

પછી તો હું પવનમાં ઊડતા કાગળની જેમ ઊડવા લાગ્યો. એકાદ થાંભલો, એકાદ બારી – આધાર માટે જે મળે તેને હું પકડવા મથ્યો. રસ્તા પર વીજળીના થાંભલા હતા. એક પણ વૃક્ષ નહોતું. આકાશમાં સૂરજ હતો પણ તે ધોળો ધોળો, ક્લોરિનના ગેસના ધુમાડા જેવો લાગતો હતો. એનું અજવાળું આંખમાં પાણી લાવી દેતું હતું, શ્વાસને રૂંધતું હતું. એના અજવાળામાં મારી ચામડીનો રંગ પણ સાવ જુદો જ લાગતો હતો.

હું કશાક પરિચિત ચિહ્નને શોધવા લાગ્યો. ત્યાં થોડાંક ધોળાં કબૂતર મારા માથા પરથી ઊડી ગયાં. મારી આંખ સામે જ એ અદૃશ્ય થઈ ગયાં. બારાખડીનો એકાદ અક્ષર પણ ક્યાંક નજરે ચઢે તો એનેય વળગી પડું એવું થયું. ત્યાં એકાએક કશીક પરિચિત ગન્ધ આવી. એ કોઈના શ્વાસની ગન્ધ હશે? એ ગન્ધ મને ઢંઢોળતી રહી પણ એનો કશા સાથે હું સમ્બન્ધ જોડી શક્યો નહિ. મને થયું કે આ મહાનગર છે તો ક્યાંક તો એનું નગરગૃહ હશે, ક્યાંક તો એ નગરની વિભૂતિઓનાં પૂતળાં હશે, ક્યાંક તો ફુવારા હશે, ક્યાંક તો ઉદ્યાન હશે, ક્યાંક જાહેર સભા મળી હશે, ક્યાંક કોઈ કવિ કવિતા લલકારતો હશે. ક્યાંક બે બેની હારમાં બાળકો મ્યુઝિમય જોવા જતાં હશે, અરે, ક્યાંક તો કોઈ મરી ગયું હોય એને સ્મશાનમાં લઈ જતા હશે. હું ચારે બાજુ આ બધું શોધતો હતો, પણ એકસરખા ચહેરાઓ સિવાય કશું દેખાતું જ નહોતું.

મારી સામે રહેતી પેલી સ્થૂળકાય સ્ત્રી, એનો તરડાયેલો અવાજ, ભરાવદાર ગાલ ઓથે દબાઈ ગયેલી એની કરુણ કરુણ આંખો, એના માંસલ હાથ – ને એની પાસે ઊભેલો ફિક્કી ધોળી આંખોવાળો, સહેજ સહેજમાં તડૂકી ઊઠતો સળેકડા જેવો એનો પતિ. પછી બાજુના ઘરમાંના એ ડોસા – એટલા ઘરડા કે હવે તો બેઠા બેઠા ટાંટિયા ઘસડીને જ ચાલે છે, બોખા મોઢામાં પાન મમળાવે છે, નહિ દેખતી આંખો નિસ્પૃહભાવે બધે ફેરવ્યા કરે છે ને થોડી થોડી વારે, ‘કૃશ્ન કૃશ્ન’ બોલે છે. હાથની ચપટી વગાડે છે ને બગાસું ખાય છે. ને પેલી આડત્રીસ ચાળીસની આસપાસની યુવાવસ્થામાં ટકી રહેવા મથતી પ્રૌઢા. એના કાળા ભમ્મર રંગેલા વાળ, એનો મરણિયો તરવરાટ, એનાં બોલકાં સ્તન ને એની ઝીણીઝીણી નટખટ આંખો. પેલો બધાંને ઝૂકતો, સલામ ભરતો, ખંધો, ખાઉધરો, લાંચિયો, મીઠું મીઠું બોલનારો માણસ – ‘One may smile and smile yet be a villain.’ આ બધાંમાંનું કોઈ પણ દેખાય, મળી જાય તો અત્યારે તો જાણે એ જ તરણોપાય…

મારા આંગણામાં લીમડામાંથી ચળાઈને આવતો તડકો, પાસે વાડમાં એક સરખો કર્કશ ઘોંઘાટ કરતાં લેલાં, પોતાના ટહુકાની આજુબાજુ શીળી છાયા પાથરતો હોલો, પતંગિયાંને પકડીને એની પાંખો તોડીને પવનમાં ઉડાવતાં બાળકો, નીચે કલાઈ કરનારો જે ધુમાડો કરે તેમાંથી આવતી નવસારની વાસ, રસ્તા પર નિરાંતે આળોટતા શિરીષના પડછાયા, ઊંઘમાંથી જાગીને સફાળો એકસામટું રણકી ઊઠતો દેવળનો ઘણ્ટ, નીચેના સ્કૂટરને કીક મારવાનો અવાજ – આ બધું હું શોધું છું. હવે જોઉં છું તો ચારે બાજુ એક એક ચહેરાની દશ દશ પ્રતિકૃતિઓ દેખાવા લાગે છે, બધી ક્રમશ: ઝાંખી થતી જાય છે અને છેવટે અળપાઈ જઈને ધૂમ્રસેર બનીને અવકાશમાં લુપ્ત થઈ જાય છે. મને લાગે છે કે મારું વજન પણ ઓગળી ગયું છે. ફરી ધરતી મને ગુરુત્વાકર્ષણ બળથી છાતીસરસો જડી રાખે એવું ઇચ્છું છું, પણ મેં મારા ઘરનું બારણું ખોલ્યું ત્યારથી જ મારા પગ તો ધરતી પરથી ઊંચકાઈ જ ગયા હતા ને!

મારી આજુબાજુ જે અવાજો સંભળાતા હતા તે જ જાણે મારો એક માત્ર આધાર હોય એમ હું કેવળ કર્ણમય બની ગયો. મને લાગ્યું કે એ અવાજમાં કશુંક અપાથિર્વ છે. એ માનવીનું ઉચ્ચારણ નથી. આથી મારા શરીરમાં એક નવા જ ભયની ધ્રૂજારી દોડી ગઈ.

મેં જોયું તો મકાનોની હાર જાણે રસ્તાની બન્ને બાજુથી મારા પર ધસી આવતી હોય એવું લાગ્યું. ક્યાંકથી ઘણા બધા ઘોડાઓ દોડી જતા હોય અને એમના દાબડાનો અવાજ આવતો હોય એવું લાગ્યું. પછી તો માણસો માણસોને ભેદીને એમની આરપાર નીકળી જતા દેખાયા. ઘરની ઊંચી અગાસીઓ પણ માણસોથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. એટલાં બધાં માણસોના ભારથી ઘર જાણે બેવડ વળી જતાં હતાં. કોઈ વાર પવનનું મોટું મોજું આવતું ને એ ઘરો ડોલી ઊઠતાં હતાં.

હું ટોળાંના શિખર પર જ અત્યાર સુધી ઊછળતો રહ્યો હતો. હું કઈ દિશામાં જતો હતો, આગળ વધી રહ્યો હતો કે નહીં એની મને કશીય ખબર પડતી નહોતી. મારા પગનાં તળિયાં કશાકના નક્કર સ્પર્શને માટે રવરવતાં હતાં. બાવળનો એકાદ કાંટો વાગે, પથ્થરની તીક્ષ્ણ ધાર પર મારો પગ પડે, કાદવમાં મારો પગ ઘૂંટી સુધી ખૂંપી જાય, નદી કાંઠેના ભાઠાની ધગધગતી રેતીમાં મારો પગ પડે ને દાઝું – એવી મને તીવ્ર ઝંખના થવા લાગી.

આંખો જે જોતી હતી તેના પર મને વિશ્વાસ બેસતો નહોતો. છતાં એ જે જોતી હતી તેને નકારવાનું પણ કાંઈ કારણ જડતું નહોતું. કાન અવાજ સાંભળતા હતા, પણ એમાં અપાથિર્વ તત્ત્વ ક્યાંથી ભળતું હતું તે હું સમજતો નહોતો. મને લાગ્યું કે અત્યાર સુધી હું લખલૂટ શબ્દોની વચ્ચે રહ્યો અને હવે આજે એમાંનું મારી પાસે કશું બચ્યું નથી. થોડાક શબ્દો મારે સંઘરવા જોઈતા હતા. જો એકાદ શબ્દ જડે તો એમાંથી શબ્દોનું જાળું ગૂંથીને હું રસ્તા પરની બારીએ બારીએ કરોળિયાની જેમ ઝૂલતો રહી અર્થપ્રપંચ વિસ્તારવા જરૂર મથું. હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો: શા માટે હાથ સાથે મેળવેલો હાથ છોડી દીધો? શા માટે આંખ સાથે મળેલી આંખ તરફથી મોઢું ફેરવી લીધું? શા માટે બોલાતાં વાક્યને છેડેના ઉદ્ગારને મૌનમાં સરી જવા દઈને સંવાદ તોડી નાખ્યો? મેં જોયું તો ઘરનાં છાપરાં પર પવનની દિશા બતાવનાર કૂકડો ફરફરી રહ્યો છે; હજી ખુલ્લી બારીમાંથી દેખાતી ઘરની દીવાલ પર ટાંગેલા ફોટામાંના ચહેરાઓ પરથી એમનું શાશ્વત સ્મિત ભુંસાયું નથી; હજી કોઈક ઘરમાં ટેબલ પર પડેલી ચોપડીની ધૂળ પવન ખંખેરે છે; હજી દાદરનાં પગથિયાં પર કોઈ ધબધબ પગલે ચઢે છે ને ઊતરે છે.

મેં કાન પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે. હું જીભ બહાર કાઢીને ચારે બાજુ જે છે તેનાથી વાસ્તવિકતાનો સ્વાદ મેળવવા મથું છું. આ પૃથ્વી પરના કેટલા બધા સ્વાદ મેં ચાખ્યા છે! મુગ્ધાનાં લજ્જાથી ઢળેલાં નયનોનો સ્વાદ, નવજાત શિશુના નરવા દેહની કૂંણી કોમળતાનો સ્વાદ, પ્રણયના પ્રથમ ઉદ્ગારનો સ્વાદ, સુખની જ પળે અચાનક છતા થઈ જતા વિષાદનો સ્વાદ, અણધાર્યા અબોલા લઈ બેઠેલી પે્રયસીના મૌનનો સ્વાદ, દાદીમાંના પરીકથા કહેતા શબ્દોનો પતાસાં જેવો સ્વાદ, મારા વ્હાલભર્યા રોષનો તજ જેવો તીખોમીઠો સ્વાદ, એકાએક ઘેરી વળતા એકાન્તનો સ્વાદ – આજે એ પરિચિત સ્વાદમાંના કોઈ પણ સ્વાદનો અનુભવ થતો નથી. જીભ પર જાણે એક આછું ફિકાશનું પડ માત્ર છે.

નવાઈની વાત કે અત્યાર સુધી મેં પાછળ નજર કરી નહોતી. એટલો, ડોકું ફેરવવા જેટલો, પણ અવકાશ નહોતો. હવે મોઢું ફેરવીને, નજર વાળીને, જોઉં છું તો પાછળ નર્યો સૂનકાર છે, ઘર બધાં સૂનાં સૂનાં છે. ઝરૂખામાં, છજામાં, બારીમાં અગાસીમાં જે માણસો દેખાતાં હતાં તે અદૃશ્ય થઈ ગયાં છે. ક્યાંક એકાદ કાળી બિલાડી બારીમાંથી ડોકિયું કરે છે કે આંગણામાં એકાદ કૂતરો આકાશ સામે જોઈને ઊભો છે. ઘર બધાં ખુલ્લાં છે. એમનાં બારીબારણાંમાં આકસ્મિક રીતે ખૂલી ગયાંની મુદ્રા અંકાયેલી દેખાય છે. ચાલી જનારની ઉતાવળનો એમને લાગેલો ધક્કો હજી એમના પર વર્તાય છે.

મારી પાછળના આ સૂનકારને જોઈને એ તરફ પાછાં વળી જઈને ફરી મારું ઘર શોધી એમાં ભરાઈ જવાનો વિચાર મારે જતો કરવો પડ્યો. આ દરમિયાન આગળનું દૃશ્ય પણ બદલાઈ ગયું હતું. હવે માણસોનો પ્રવાહ પાતળો પડી ગયો હતો. હવે મારી આજુબાજુના માણસો પર હું નજર માંડી શકતો હતો. મારી બાજુમાં જ જે માણસ ચાલી રહ્યો હતો તેની ઉમ્મર વિશે કશું કહેવું મુશ્કેલ હતું. એના શરીરની ચામડી પર ભૂરાશ પડતા જાંબુડી રંગની છાયા હતી. એના હાથ પરની બધી નસો ફૂલી ગયેલી હતી. એની આંખો ડોળાની બહાર ઊપસી આવેલી હતી. એના દાંત કંઈક લાંબા અને તીણા હતા. એના નાકમાંથી ગંધકના ધુમાડા જેવો શ્વાસ નીકળતો હતો. મારી બીજી બાજુએ એક વૃદ્ધા હતી. એનું શરીર રાખોડી રંગનું હતું. એના મોઢા પર કરચલીઓનું જાળું હતું. એની આંખો બખોલમાં એટલી ઊંડી ઊતરી ગઈ હતી કે એના હોવા વિષે પણ શંકા ઉદ્ભવતી હતી. એ થોડી થોડી વારે ટીનનું પતરું ખખડે તેના જેવો અવાજ કરતી હતી. મારાથી થોડે આગળ ચાલનાર હશે તો બાળક, પણ એ ધરતી પરથી ઊંચકાઈ ગયો હોવાને કારણે એની ઊંચાઈ વધારે લાગતી હતી. એનો ચહેરો કૂણો હતો. પણ એની ચામડીમાં અપાથિર્વ એવી કશીક લીલાશ પડતી ઝાંય દેખાતી હતી. એનું શરીર ફૂલી ગયું હોય એવું લાગતું હતું. મારાથી થોડે દૂર એક યુવતી દેખાતી હતી. હું માત્ર એની ડોક અને એનું મોઢું જ જોઈ શકતો હતો. કદાચ એ સિવાયનાં એનાં અંગો હતાં જ નહિ. એનું મોઢું સહેજસરખા પવનની લહેરમાં પણ ગોળગોળ ફરી જતું હતું, એની આંખોમાં, ઢીંગલીઓના મોઢા પર હોય છે તેવો, સનાતન વિસ્મયનો ભાવ હતો. હું આ બધું જોતો હતો ત્યાં રસ્તાએ એકાએક વળાંક લીધો, આખો પ્રવાહ એ તરફ વળ્યો. અમે જેવો વળાંક લીધો કે તરત જ અમારી પાછળ નાળ જડેલા જોડાનો અવાજ સંભળાવા લાગ્યો. કોણ જાણે શાથી અમે સહુ દોડવા લાગ્યાં. પેલો જોડાનો અવાજ કાનમાં ગાજવા લાગ્યો. દોડવાની ઝડપ વધારતાં અમે જાણે હલકાં થઈને ઊંચકાઈ ગયાં. પછી ધીમે ધીમે અશરીરી બનીને, કેવળ અવાજ બનીને દોડ્યે ગયાં, દોડ્યે જ ગયાં.

License

એકદા નૈમિષારણ્યે Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.