વ્યાધિ

મારાથી પણ વધારે ચિન્તાતુર બનીને બધાંએ કહ્યું કે મારે કોઈ મોટા દાક્તરને તબિયત બતાવવી જોઈએ. વેળાસર નિદાન થાય તો સારું. કાંઈ નહીં હશે તો તો ચિન્તા જ નથી, ને કાંઈ હશે તો જાણી લેવાથી ઉપચાર કરીને મુક્ત થઈ જવાશે.

આથી હું મારી સાથે કોઈને લીધા વિના એક જાણીતા દાક્તરને ત્યાં એક નમતે પહોરે જઈ ચઢ્યો. દાદર ચઢતાં હું હાંફી ગયો. મને લાગ્યું કે મારો ડાબો પગ કંઈક અક્કડ થઈ ગયો છે. પેટમાં જમણી બાજુએ એકાએક દુ:ખી આવ્યું. ગળામાં શોષ પડવા લાગ્યો. દાક્તરને મારી માંદગીનું વર્ણન કેવી રીતે કરવું, ક્યાં લક્ષણોને વિશેષ મહત્ત્વ આપવું, મારું દરદ ‘સ્પેસ્મોડિક’ છે કે પછી ‘શૂટિંગ પેઇન’ છે – આ બધા વિચારમાં હું હતો ત્યાં એક સળેકડા જેવો છોકરો એક પાટિયું લઈને મારી પાસે આવ્યો ને મારું નામ પૂછ્યું. મારા ગળામાંથી એકદમ કશો અવાજ નીકળ્યો નહીં. એણે એની ચૂંચી આંખે મારી સામે જોયું, થોડી વાર રાહ જોઈ. પછી અકળાઈને ફરીથી મને નામ પૂછ્યું. બીજાત્રીજા પ્રયત્ને હું મારું નામ કહી શક્યો. એ મને એક હોલમાં બેસાડીને ચાલ્યો ગયો.

મેં બેઠા પછી નજર કરી તો ઘોડાની નાળના આકારમાં ગોઠવેલી ખુરશીઓ પર આશરે વીસેક માણસો બેઠાં હતાં. પેલો છોકરો ફલૅપડોર સહેજ ખોલીને નામ બોલતો એટલે એ નામવાળી વ્યક્તિ ઊઠીને અંદર જતી. પણ કેન્દ્રમાં એક મોટા ટેબલ આગળ એક માણસ બેઠો હતો. એની આંખ પર કાળા ચશ્મા હતા. એ ત્યાં બેસીને શું કરી રહ્યો હતો તે સમજાતું નહોતું.

મેં મારી આજુબાજુ બેઠેલાં માણસો પર નજર કરી. ખુરશીઓ બહુ પાસે નહોતી, છતાં મારી પાસે બેઠેલા માણસનો પરસેવો ખૂબ ગંધાતો હતો. એ સતત કશુંક ગણગણ્યા કરતો હતો. બીજી બાજુ એક પ્રૌઢ સ્ત્રી બેઠી હતી. એનું શરીર ડૂબી ગયેલા માણસના જેવું ફૂલી ગયેલું લાગતું હતું. એની ચામડીનો રંગ ભૂરાશ પડતો લાગતો હતો. એ સ્ત્રી થોડી થોડી વારે આંચકા સાથે ઊભી થઈને તરત પાછી બેસી જતી હતી.

મારું ધ્યાન એકાએક સામી હરોળમાં બેઠેલી સ્ત્રી તરફ ખેંચાયું. એ વીસબાવીસની હશે, એની આંખો નીચી ઢળેલી હતી. એના બન્ને હાથ એણે ઢાંકી દીધા હતા. કદાચ એને શરીરે કોઢ હશે, કદાચ દાઝ્યાના ડાઘ હશે. પણ એ તીણા સ્વરે કંઈક ગાતી હોય એવું સંભળાતું હતું. એને ગાવું કહેવાય કે કેમ તે મને સમજાતું નહોતું. પણ એનું આ ગાવું, એનો આ તીણો સ્વર, રહી રહીને તીક્ષ્ણ સોયની જેમ મને વીંધ્યા કરતો હતો.

ત્યાં એકાએક કશોક વિચિત્ર અવાજ થયો. મોટર નીચે કચડાઈ જતું કૂતરું છેલ્લે થોડુંક રડવા જેવું કરીને ડચકારો ખાઈ જાય તેના જેવો એ અવાજ હતો. આથી હું ચોંકી ઊઠ્યો, પણ પછી મેં જોયું તો થોડે થોડે વખતે એ માણસ આવો અવાજ કર્યા કરતો હતો. બીજી એક વિલક્ષણ વાત મેં એ નોંધી કે એ હોલમાં બેઠેલાં માણસ (મારા સિવાય) કોઈ એકબીજાની તરફ જોતાં નહોતાં, એકબીજામાં કશો રસ ધરાવતાં દેખાતાં નહોતાં.

મારી હરોળમાં છેલ્લે બેઠેલી વ્યક્તિ સ્ત્રી હશે કે પુરુષ તે હું કહી શકતો નહોતો. એનું લગભગ આખું મોઢું ખૂબ ધોળું ધોળું દેખાતું હતું. કદાચ એને મોઢે પાટો બાંધ્યો હશે. કદાચ એ પૂતળું પણ હોય, પ્લાસ્ટરકાસ્ટ હોય, એ વ્યક્તિ કશી જ હલનચલન કરતી હોય એવું દેખાતું નહોતું. પણ ક્યાંકથી કણસવાનો અવાજ આવતો હતો. એ અવાજ એ વ્યક્તિની દિશામાંથી આવતો હોય એવું મને લાગ્યું. કદાચ એ મારી ભ્રાન્તિ પણ હોય. પછી મને એવું લાગ્યું કે જાણે હું ડોલી રહ્યો છું. મેં કશોક આધાર શોધ્યો. પણ મને તો અમે બધાં જ અને આખો ઓરડો જ ડોલતો લાગ્યો. કેલેંડરના પાના પરના ચિત્રમાં માણસો હોય અને પવન આવતાં એ પાનું હાલે તેની સાથે એ ચિત્રમાંના માણસો હાલે તેમ અમે એમાં ડોલી રહ્યાં હતાં. બધું જાણે સપાટ બની ગયું હતું.

મેં ગભરાઈને બહાર નજર કરી તો બધાં ઘર પણ પૂઠાંનાં હોય એમ પવનમાં હાલતાં હતાં. આકાશ ધોળા પડદાની જેમ પવનમાં હાલી રહ્યું હતું. માણસો રસ્તા પર પવનમાં ઊડતા કાગળની જેમ અહીંથી તહીં ઊડી રહ્યાં હતાં.

આ જોઈને મને આખે શરીરે પરસેવો વળી ગયો. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. એનો અવાજ સાંભળીને કે કોણ જાણે શાથી મારી પાસેના માણસે ચમકીને મારી સામે જોયું. થોડી વાર તો ભયથી હું મૂઢ બની ગયો ને લગભગ જડ થઈ ગયો. પછી ધીમે ધીમે વિચારો સળવળવા લાગ્યા. મારી ‘ઓપ્ટિક નર્વ’ ઇજા પામી હશે? મારા મગજમાં કોઈ વિક્રિયા થઈ હશે? ના, એવું તો નહીં હોય, કારણ કે હજી હું વિચારી શકું છું. પણ રહી રહીને એક ધ્રૂજારી મારા શરીરમાંથી પસાર થઈ જતી હતી. મને એમ થયું કે કશું કઠણ, નક્કર, બોર ખાધા પછી ઠળિયો મોઢામાં રહી જાય અને તેને થોડી વાર અન્યમનસ્ક બનીને મમળાવ્યા કરીએ એવું કશુંક પણ હોય તો કેવું સારું! ઘડીભર મને એમ લાગ્યું કે મારી સામે બેઠેલી સ્ત્રીએ એનો સંતાડેલો હાથ બહાર કાઢ્યો છે. એ હાથ પણ વૃક્ષની ડાળની જેમ પવનમાં ડોલવા લાગ્યો છે. નાના બાળકની જેમ હું મારી માનો ખોળો કે પિતાનો ખભો શોધવા લાગ્યો. પત્ની તો દશભુજા દુર્ગા જેવી દેખાઈ, પણ એ દશમાંનો એક્કેય હાથ ઝાલી શક્યો નહીં.

આ સ્થિતિમાં હું કેટલો વખત રહ્યો હોઈશ તેનો ખ્યાલ નથી. હવે ઘણી ખુરશીઓ ખાલી થઈ ગઈ હતી એ મેં જોયું. આથી મને ધરપત થઈ. મને એમ થયું કે હવે મારો વારો આવશે. જે હશે તે સમજાઈ જશે. આમ વિચારીને હું થોડી વાર આંખ બંધ કરીને બેસી રહેવાનું કરવા જતો હતો ત્યાં મને સમજાયું કે મારી આંખો હું બીડી શકતો નહોતો.

એ દરમિયાન બરાબર કેન્દ્રમાં બેઠેલો માણસ ઊઠ્યો, એણે ખોંખારો ખાધો. એ મારી તરફ આવતો હોય એવું મને લાગ્યું. પણ એ જાણે કેટલેય દૂરથી ચાલતો આવતો હોય એમ ચાલ્યા જ કરતો હતો. હું એને ધીમે ધીમે પાસે આવતો જોઈ રહ્યો હતો. મને ખબર નથી કે કેટલો સમય વીત્યો, પણ એકાએક મેં એને મારી પાસેના માણસના ખભા ઉપર હાથ મૂકીને ઊભો રહેલો જોયો. એનું મોઢું તો સ્પષ્ટ દેખાતું નહોતું, પણ મારી પાસેના માણસના ખભા ઉપર મૂકેલો હાથ સ્પષ્ટ દેખાતો હતો. એ હાથ મીણમાંથી બનાવ્યો હોય એવું લાગતું હતું. એ મીણ જાણે તાપથી ઓગળતું હતું ને તેથી એની એકાદ આંગળી તો ઓગળી જવા આવી હતી.

આ જોઈને મેં મારા હાથની આંગળીઓ એકબીજા સાથે ગૂંથી લીધી. મેં આંખો બંધ કરવાનો પ્રયત્ન ફરીથી કરી જોયો. પણ કાંઈ વળ્યું નહીં. મને વહેમ ગયો કે પેલો માણસ આખો ને આખો ઓગળી તો નહીં જાય ને! હું આ વિચારમાં જ હતો, ત્યાં પેલા સળેકડા જેવા છોકરાએ આવીને એક નામ ઉચ્ચાર્યું. એ મીણનો માણસ ફલૅપડોર તરફ વળ્યો ને એની પાછળના દાક્તરના ઓરડામાં અદૃશ્ય થઈ ગયો.

હવે અમે ચાર–પાંચ જણ જ રહ્યાં હતાં. એ દરમિયાન પેલી ડૂબેલા માણસ જેવી ફૂલેલા શરીરવાળી સ્ત્રી જાણે વધારે ફૂલી ગઈ હોય એવું લાગતું હતું. યુવાન સ્ત્રીનો અવાજ વધુ તીણો બની ગયો હતો. અત્યાર સુધી મેં એક વ્યક્તિને તો જોઈ જ નહોતી તે મને સમજાયું. એ સ્ત્રી એક બાળકને ખોળામાં લઈને બેઠી હતી. એણે માથું ખુરશીની પીઠ પર નાખી દીધું હતું. એથી એનું મોઢું હું સ્પષ્ટ જોઈ શકતો નહોતો. પણ એનાં બે સ્તન ખુલ્લાં હતાં. એ સ્તનને જાણે એની સાથે સમ્બન્ધ નહોતો. એ બે સ્તન બે વિશાળ આંખોની જેમ તાકી રહ્યાં હતાં. હું કોણ જાણે શાથી એને જીરવી શકતો નહોતો.

ધીમે ધીમે ઓળાઓ લંબાતા ગયા. ઓરડામાં લગભગ સૂનકાર વ્યાપી ગયો. બહારના અવાજ પણ સંભળાતા બંધ થઈ ગયા હતા. હવે બે-ત્રણ જણ જ રહ્યા હતા. મને મનમાં થયા કરતું હતું કે કદાચ હવે મારો વારો આવશે. મેં નિશ્ચય કર્યો હતો કે હું ખૂબ લંબાણથી રજેરજ મારી વાત કરીશ. મારા શરીરમાંથી ઊંડે ઊંડેથી વ્યાધિને ખેંચી કાઢીને અહીં મૂકીને જ જઈશ. આ વિચારે હું બધી વિગતો ગોઠવવા બેઠો. ત્યાં મને વિચાર આવ્યો કે દાક્તર કેવા હશે? મેં એમને બહુ પડછંદ કલ્પ્યા નહીં. મધ્યમ કદના, આંખે ચશ્મા તો ખરા જ, થોડી ફાંદ વધેલી, બહુ વિનયપૂર્વકનો એન્ટિસેપ્ટિક છાંટેલો અવાજ, એમની કંઈક જાડી, છાતી પર ટકોરા મારતી આંગળીઓ, એમની આંખો વિશે મને ખાસ ચિંતા હતી અથવા ભય હતો. કોણ જાણે શાથી એમની આંખ પર જ બધો આધાર હોય એવું મને લાગતું હતું.

ત્યાં પેલો સળેકડા જેવો છોકરો મારી પાસે આવીને ઊભો રહ્યો. એણે મારું નામ વાંચ્યું. કોણ જાણે શાથી હું બેઠો જ રહ્યો. એણે મારી વધારે પાસે આવીને મારું નામ વાંચ્યું. મેં ઊભા થઈને જોયું તો આખો હોલ ખાલી હતો. ખુરશીઓમાં લંબાયેલા પડછાયાઓ જાણે ગુસપુસ મારે વિશે કશીક વાત કરતા હતા. મેં ફલૅપડોર તરફ ચાલવા માંડયું. મારી બધી ફરિયાદો ક્રમમાં ગોઠવી દીધી.

ફલૅપડોર ખૂલતાંની સાથે જ મેં જોયું તો સામી દીવાલ પર નાના અક્ષરે ‘એવોઇડ’ અને મોટા અક્ષરે ‘ડેથ’ લખ્યું હતું. એ વાંચીને હું સહેજ ધ્રૂજી ઊઠ્યો. ટેબલ પાછળની ખુરશી લગભગ ખાલી લાગતી હતી. તેમાંથી ધીમે ધીમે, કોઈ સ્ક્રૂના આંટા ફેરવીને ઉપર ચઢાવતું હોય તેમ, એક માથું ઊંચે આવ્યું. એ મોઢું ઘણું નાનું હતું. આંખો માત્ર બખોલ જેવી હતી, હું એને બરાબર જોઉં ન જોઉં તે પહેલાં એ માથું પાછું નીચે ઊતરી ગયું.

License

એકદા નૈમિષારણ્યે Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.