રેલવે સ્ટેશન – અળસિયાંની જેમ સળવળતા પાટાઓ, ત્રાટક કરતા સિગ્નલના દીવાઓ, આગમન અને વિચ્છેદની કપાતીસંધાતી રેખાઓ. ટી. સ્ટોલ પર ચા પીઉં છું. એનો એક જુદો જ સ્વાદ છે. સ્ટેશનનું આખું વાતાવરણ જાણે એમાં ઓગળી ગયું છે. એ સ્વાદને જુદો પાડીને ક્યાં સુધી સંઘરી રાખું છું. લીલા પૂછે છે: ‘કેમ, શું વિચારમાં છે?’ એ જે જવાબની આશા રાખે છે તે હું આપતો નથી – કશીક હેતુપૂર્વકની હઠને કારણે નહિ, સચ્ચાઈને ખાતર. હું મુંઝાયો છું એમ માનીને મને એ વાતમાં પાડે છે. હું એ સાંભળ્યે જાઉં છું – કેવી અપ્તરંગી છે એ વાતો! કેલિડોસ્કોપની અંદરના કાચના ટુકડા જાણે! લીલા એવી જ રીતે બોલે છે, હસે છે. રંગરંગના ટુકડા વિખેરે છે. એના રોષનો છેડો હાસ્યમાં આવે એવી તો કલ્પના પણ ન આવે. હું લીલાને જોઈ રહું છું. એ મારા કોટના કોલર પર બેઠેલા ફૂદાને પકડવા જાય છે ને ફૂદું ઊડી જાય છે. એટલી નાની સરખી વાત એને મન સ્વયંસમ્પૂર્ણ છે. એક એક નાની નાની ઘટના સાથે એક એક સૃષ્ટિ પૂરી થાય છે. ફરી નવી સૃષ્ટિનો આરમ્ભ થાય છે – કેટલા સૂર્યોદય, કેટલા સૂર્યાસ્ત! આ બધું હું લીલાના મુખ પર જોઈ રહું છું. કદાચ આ રચાતીભુંસાતી સૃષ્ટિઓની લીલા જોઈ રહેવામાં પણ સાર્થકતા રહી હશે. પસાર થતા એન્જિનના ધુમાડાથી એની આંખોમાં પાણી આવી જાય છે. એ પણ એને માટે કેટલી તો રસભરી ઘટના છે! દરેક ઘટનાનો એ સ્વાદ માણી લે છે. પછી હળવી ફૂલ થઈ જાય છે. જે એ માણે છે એ તેનો ભાર એનામાં વરતાતો નથી.

એકાએક મારી ગાડી પ્લેટફોર્મ પર ધસી આવે છે. ગાડીની અંદરના માણસોના ચહેરાપડછાયાઓ પ્લેટફોર્મ પરના માણસોના ચહેરાપડછાયાઓને છેદે છે. અમે બધાં પણ કણ કણ થઈને વિખેરાઈ જઈએ છીએ. વળી બધું ઠરી ઠામ થાય છે. અમે બધાં એકબીજાને જોઈએ છીએ, ઓળખીએ છીએ. હું ગાડીમાં છું, બારી આગળ બેઠો છું. ઘરની બારી આંધળી હોય છે, ગાડીની બારી આપણને નર્યા બહાર ઠાલવી દે છે. ગતિનો દડો ઉખેળાતો જાય છે તેમ તેમ આપણે પણ ઉખેળાતા જઈએ છીએ. કદાચ આથી જ હું બહાર નીકળી પડું છું. જેનો સંચય કરીએ તે સંચિત થવાથી જ કાંઈ થોડું ધન બની જાય છે! તો પછી એને વિખેરી દઈએ તે જ ઠીક. મારું આ કારણ તું માનતી નથી. પણ એમ તો તું મને જ ક્યાં માને છે? મને ન માન્યાનું શૂળ જ કદાચ મને જંપવા દેતું નથી. ગાડી સ્ટેશન છોડે છે. થોડી વાર લીલાના શબ્દો મારી આજુબાજુ પતંગિયાની જેમ ઊડ્યા કરે છે.

License

છિન્નપત્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.