૨૩

તું આવી ઉતાવળમાં ને ઉતાવળમાં. તું મારી સાથે વાતો કરતી હતી પણ તારું મન ચંચળ હતું. તેં એકાએક મને કહ્યું: ‘મારે સમર્પણ કરવું છે, તું સ્વીકારશે ને?’ પણ રખેને હું જલદી જવાબ આપી દઉં એ બીકે, મને જવાબ આપવાનો સમય જ ન રહે એટલી ત્વરાથી, તું જ બોલી ઊઠી: ‘એ તો બધું નિરાતે થઈ રહેશે. આખી જંદિગી પડી છે. પણ હમણાં તું ઝાઝી રોકીશ નહિ. મારે દસ મિનિટમાં જ અહીંથી જવું છે.’ મારે પૂછવું નહોતું તોય પુછાઈ ગયું: ‘ક્યાં?’ એટલે તેં કૃત્રિમ રોષથી કહ્યું: ‘વાહ, જાણે મેં સમર્પણ કરી દીધું જ હોય તેમ તું તો –’ પછી તરત બોલી: ‘અમલને મળવા.’ ઘડીભર હું કશું બોલી શક્યો નહિ. આથી જાણે વિશેષ જરૂરી માહિતી ઉમેરતી હોય તેમ તું બોલી: ‘મેં જ એને મળવા બોલાવ્યો છે ને ન જાઉં તો –’ તારા ‘તો’થી કપાઈ જતાં વાક્યો હું ધૂંધવાઈને સાંભળી રહ્યો. પછી તું ઘણું બધું બોલી ગઈ, પણ તે જાણે મૂળ વાતને ઢાંકવાનો મરણિયો પ્રયત્ન કરતી હોય તેમ. હું સાંભળ્યે ગયો. પણ મને એમાંનો એક પણ અક્ષર યાદ નથી; કારણ કે મનમાં ને મનમાં હું તને કહી રહ્યો હતો: ‘આ જ તો છે આપણી નિયતિ. તું ત્રિજ્યા બનીને દૂર દૂર વિસ્તરે પણ આખરે મારી પાસે આવે છે, કારણ મારી બહાર તારું કેન્દ્ર નથી. માલા, કેન્દ્ર તો દૂર સુધી વિસ્તરવાને માટે જરૂરી એવું દૃઢ બિન્દુ છે, કેન્દ્ર વિસ્તરી શકે નહીં. જો આ જ નિયતિ હોય તો તારા આ ભ્રમણને જોઈ રહ્યા સિવાય બીજું હું શું કરી શકું? માલા, તું સ્વતન્ત્ર છે. કારણ કે હું પરતન્ત્ર છું. પણ જ્યારે દૂર સુધી વિસ્તરીને તું પાછી આવે છે ત્યારે એક નવી વેદના લઈને આવે છે. એ ભાર સંચિત કરવાને જ જાણે તું દૂર સુધી ભ્રમણ કરતી ન હોય!’ પણ હું તને કશું કહેતો નથી. થોડી વાર પછી તું તારા બે હાથ વડે મારી આંખો દાબી દે છે, તારી જૂની ટેવ પ્રમાણે કાનમાં કશોક અસ્પષ્ટ શબ્દ ઉચ્ચારે છે ને હું આંખો પૂરી ખોલું તે પહેલાં તો લોપ થઈ ગઈ હોય છે. તારી વેણીમાંના ગુલાબની બેચાર ખરી પડેલી પાંદડીઓ અહીંતહીં વિખરાયેલી પડી છે. હું એને એકઠી કરતો નથી.

તેજાબથી ધાતુને કોરીને જાણે કોઈ શિલ્પ તૈયાર કરી રહ્યું છે. મને કહેવામાં આવ્યું છે કે આ શિલ્પ અભૂતપૂર્વ હશે. અત્યારે તો હું જલદ તેજાબને સહી રહ્યો છું. એનો લીલા રંગનો અગ્નિ મારી શિરાએ શિરાએ દઝાડે છે. આથી જ તો હું તને કશું કહેતો નથી. આ ઋતુની ધૂસરતા મને સદે છે. કોઈક વેદનાથી ભડકીને દરમાં ભરાઈ જાય છે, મને ત્યારે કણકણ બનીને વિખેરાઈ જવાની ટેવ છે. આ ખરતાં પાંદડાંઓની સાથે, ચકરડી ભમરડી રમતા પવનની સાથે, દિશાઓને ધૂંધળી કરી નાખતા ધુમ્મસની આડશે હું વિખેરાતો જાઉં છું.

License

છિન્નપત્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.