આ લેખન આત્મપીડનનો જ એક પ્રકાર નથી? આપોઆપ વિલાઈ જતી, ઝાંખી બનીને આખરે લુપ્ત થઈ જતી લાગણીઓને જીવતી રાખીને એને ગૂંચવ્યે જવી ને એ રીતે હૃદયને જંપવા ન દેવું; એ જાણે અધૂરું રહ્યું હોય તેમ કલ્પનાની મદદથી અસંખ્ય નવી પરિસ્થિતિઓનું નિર્માણ કરીને એનાં સુખદુ:ખના તુમુલ સંઘર્ષમાં હૃદયને હોમી દેવું, હોમી દેવા છતાં અખણ્ડ રાખવું ને કલમને ધ્રૂજવા દીધા વિના, આંખને આંસુથી ઝાંખી થવા દીધા વિના, પૂરી સ્વસ્થતા ને દૃઢતાથી આલેખવું – પણ આ આત્મપીડનનો નશો પણ હોવો જ જોઈએ, નહીં તો લેખનને નામે શહાદત સ્વીકારનારાઓની જમાત ક્યાંથી ઊભી થાય? આથી જ તો માલા કહે છે કે આ બધી જંજાળ વિસ્તારવી નહીં. બધું મૌનમાં ઘૂંટીને ઓગાળી દેવું અથવા તો નિ:શબ્દ સરી જતાં બેચાર આંસુમાં વહાવી દેવું – પણ આ બધાને માટે શક્ય નથી. કદાચ લેખન એક લાચારી છે, બે શબ્દોને જોડનાર જ્યારે પોતે જ પોતાના ભંગાર વચ્ચે ઊભો હોય ત્યારે એ શાના વડે શબ્દોને જોડે? બેને જોડવા માટેની ત્રીજી વસ્તુ એ જ કદાચ માનવીની મોટી શોધ હશે? જે સૃષ્ટિમાં જીવીએ છીએ તે સૃષ્ટિ તો એક નિ:શ્વાસથી બાષ્પ બનીને ઊડી જાય છે. એને ક્ષણે ક્ષણે ફરીથી સરજીને જીવવું પડે છે. સૃષ્ટિ સાથેનો જેમનો અપરોક્ષ સમ્બન્ધ છે તેમને માટે આ અનિવાર્ય થઈ પડે છે.

તો લીલાનું શું? એની પાસે નામ સિવાય કશાનું સાતત્ય નથી. આથી જ તો ઘણા એને કારણે દુ:ખી થાય છે. એ દુ:ખ પણ સાતત્યનો જ એક પ્રકાર છે. દુ:ખને વજન હોય છે, તે વજન સંચિત થાય છે. પણ જે સાતત્યને જ અસમ્ભવ બનાવે, જે કશું સંચિત ન થવા દે તેનું શું? માલા આ વાત માનતી નથી. વહાણના નીરમની જેમ આ નક્કર ધરતી પર પગ ટેકવી રાખવાને મનુષ્યમાત્રને વજનની જરૂર તો પડે જ છે – પણ એ થોડાં આંસુનું હોય, મૌનનું હોય કે થોડા અન્ધકારનું હોય. આથી લીલાની શક્તિ જો કશી હોય તો તે એ કે પોતાના આ વજનનો ભાર એ બીજાના પર વરતાવા દેતી નથી. એટલું જ નહિ, તમારા હૃદયના ભારને પણ પતંગિયાની જેમ ઉડાવી દે છે.

પણ આથી જ કદાચ લીલાની હાજરીમાં હું બહુ સ્વસ્થતા અનુભવું છું. માનવીનું ગૌરવ જ એની આગળ હાસ્યાસ્પદ બની રહે છે. એના આ છદ્મવેશની પાછળ જે સત્ય રહ્યું છે તેને એ શોધવા દેતી નથી; ને એથી જ કદાચ લીલાનું મને થોડું આકર્ષણ પણ છે. લીલાને જો જોવી હોય તો એકાન્તમાં જોવી જોઈએ. આપણો ઉપયોગ એ એના સાતત્યને તોડવા માટે કરે છે. પણ સમ્બન્ધ કેવળ ઉપયોગની ભૂમિકા પર રહેતો નથી. એ જો મારી આ ડાહીડાહી વાતો સાંભળે તો – આપણી આખી છબિ પામવા માટે આપણે બધા સમ્બન્ધ કેળવવા પડે છે! પણ સમ્બન્ધ સંખ્યાવાચક વસ્તુ નથી. માલા જાણી કરીને ઘણા સમ્બન્ધો કેળવે છે ત્યારે મને એ આખી પ્રવૃતિ આત્મવિઘાતક લાગે છે. આ હું અદેખાઈથી જ કહું છું એવું નથી, સ્નેહને કારણે પણ કહું છું. પણ માલાને આવી આત્મવિઘાતક પ્રવૃત્તિ આચરવી પડે એમાં જ મારી હાર નથી?

License

છિન્નપત્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.