૩૬

તાપીનો બળબળતો પટ. વૈશાખનો મહિનો. દૂર સ્મશાનમાં ચાર ચિતાઓ બળે છે. આ ધરતીને ઓળખું છું. યાદ છે. એક વાર તને પણ અહીં ઘસડી લાવ્યો હતો. પાણી જોઈને મને તો વહી જવાનું મન થાય, ને તું તટસ્થ. સારું જ થયું કે લીલા સાથે હતી, કારણ કે તારા પાણિગ્રહણનો તો મારો અધિકાર નહીં. તું હા ના કરતી રહી ને લીલાએ તને ધક્કો મારીને ગબડાવી દીધી. આંખમાં, નાકમાં, પાણી ભરાઈ ગયું. ગભરાઈને બહાર નીકળી જવા આધાર શોધવા હાથ લંબાવ્યો ને મેં સહજ જ એ આધાર શોધતા હાથને પકડી લીધા. પછી ઠંડા જળમાં શો તારો રોષ! તું તો ઘણું બધું બોલવા જતી હતી. પણ લીલાએ છાલક મારીને તને બોલવા જ ન દીધી. તું રીસાઈને અમારાથી દૂર ક્યાંક ખડકની ઓથે લપાઈ ગઈ. જંદિગીમાં પણ તું આમ જ કરતી આવી છે. કેટલા જન્મોનું એકાન્ત તું ઉકેલતી બેઠી છે? પણ ગાંડી, એકાન્તને એકાન્તમાં જ ઉકેલવું જોઈએ એવો કોઈ નિયમ નથી. તળિયારાનાં કલિંગર ને સકરટેટીની મીઠાશ પણ તને એક મધુર શબ્દ બોલવા પ્રેરી શકી નહીં. લીલાએ તને ગાવાનો આગ્રહ કર્યો. અમારી વચ્ચેથી ખોવાઈ જઈને તેં મને પ્રિય એવું પ્રવાસીનું ગીત ગાયું. આજે અહીંની બળબળતી હવામાં તારા એ સૂરના ભણકારા શોધું છું. આ તાપમાં તપેલી રેતીમાં એકલો એકલો ભટકું છું. મહાદેવના મન્દિરમાંનો પેલો પથ્થર – મનોકામના મહાદેવને કહીને એ ઊંચકવો, ને જો ઊંચકાય તો મનોકામના ફળે એમ માનવું. લીલા તો તરત ઊંચકવા મંડી પડી હતી, ને તું? તને પણ ઇચ્છા તો હતી જ. પણ ‘શી છે તારી મનોકામના?’ એમ મેં પૂછ્યું ત્યારે તું ચિઢાઈને બોલી: ‘તું તે કાંઈ મહાદેવ છે કે તને કહું? ‘ એટલાથી બસ નહીં થયું હોય તેમ તેં મને મન્દિરની બહાર કાઢી મૂકયો. ‘કોઈની સાક્ષીએ મારી મનોકામના મહાદેવને કહેવાની નથી, કોઈ પુરુષની સાક્ષીએ તો નહિ જ.’ આજના બળબળતા મધ્યાહ્ને મારા નિર્વાસનનો એ શાપ જ જાણે પ્રજળી રહ્યો છે. લીલા તો પાછળથી આવી ને મને ભેટી પડી. ખળખળ વહેતાં નદીનાં નીરની જેમ મને ઘેરી વળી. તુષ્ટિભર્યા હાસ્યથી કહેવા લાગી: ‘હું તો પામી ચૂકી.’ કદાચ તેં એ સાંભળ્યું પણ હશે. ઝાંખરા વચ્ચે પડેલી સાપની કાંચળી ઉપાડીને તું જોતી રહી, કશું બોલી નહિ. નમતી સાંજના રતુમડા પ્રકાશમાં તું ખૂબ જ સુન્દર લાગતી હતી. પણ તારી ને મારી વચ્ચે અનેક લોકલોકાન્તરનું અન્તર હતું, હું શબ્દોથી અનેક વિશ્વો રચીને તને એમાં શોધતો રહ્યો છું, ને તું સંતાતી રહી છે. પણ કોઈ દિવસ દાવ તારે માથે આવશે ત્યારે તું શું કરીશ? તાપીનાં જળ સામા કિનારા તરફ સરી ગયાં છે. અશ્રુની ઝાંય જેવા અહીંથી માત્ર ચળકતાં દેખાય છે. ધૂળમાં પડેલી તારી પગલીને મેં મારાં પગલાંથી ઢાંકી દીધી હતી ત્યારે તું ચિઢાઇને બોલી ઊઠી હતી: ‘કેમ, મારું પગલું ઢાંકી દીધું?’ મેં પૂછ્યું: ‘કેમ, કોઈ તને શોધવા નીકળ્યું છે ખરું?’

License

છિન્નપત્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.