૨૮

ગઈ કાલથી સહેજ તાવ છે. કદાચ રાતે વધ્યો હશે. કોણ જાણે કેમ રહી રહીને પેલી રિલ્કેની પંક્તિ યાદ આવ્યા કરે છે: તું આંખો બીડીને સૂતી છે, અણજાણપણે તારો હાથ મારા હાથમાં આવીને પડ્યો છે, જાણે ગુલાબ! તાવની ગરમીના વિસ્તાર જેટલી જ મારી દુનિયા થઈ ગઈ છે. આંખ પદાર્થોને જોવા નહીં, પણ કેવળ બિડાઈ નહીં જાય એટલા ખાતર ખુલ્લી રહે છે. આખો ઓરડો સાવધ થઈ ગયો છે. સમય ચોર પગલે ચાલે છે. બહારથી તડકો બીતો બીતો અંદર આવે છે. ઓરડીમાંની શાન્તિ જાણે એને ગળી જાય છે, હું મને જોતો નથી, શરીરની રગેરગમાં ફેલાઈ ગયેલી ને ધીમે ધીમે વધતી જતી આ ઉષ્ણતાને જ જોઈ રહ્યો છું. લોહીને એ બહેકાવે છે, સ્મૃતિને એ સળગાવે છે, મારી ક્ષિતિજ પર બળબળતો ઉનાળો મૃગજળ રેલાવે છે. આંખ સામે હજાર સુવર્ણમૃગને દોડતા જોઉં છું. બોલ, તારે એની ચામડીની કાંચળી કરાવવી છે?

તાવના આચ્છાદનમાં વીંટાળેલું મારું મૌન તાવ ગયા પછી બહારની ખુલ્લી હવા જીરવી શકવાનું નથી. એને માટે અત્યારથી જ કશી વ્યવસ્થા કરી રાખવી પડશે. જો આપણું બધું સહિયારું બનાવી દીધું હોત તો કેવું સારું! તો અત્યારે તારી કાયા મારી કાયાની પાસે હોત. બધું સમશીતોષ્ણ બની ગયું હોત. પણ તું તો તારા ઠંડા હાથનું અભિમાન લે છે ને! ઘણી વાર મારો હાથ પકડીને કહે છે: કેટલો ગરમ છે તારો હાથ, તાવ જ આવ્યો લાગે છે. આ બોલતી હોય છે ત્યારે તું મારા પર કશો આરોપ મૂકતી હોય એવું લાગે છે. ઠંડી હવા મારા તાવ જોડે અડપલાં કરે છે. એનાં નખરાં મને ગમતાં નથી. તાવની માત્રા જોડે હૃદય લય બેસાડવા મથી રહ્યું છે. આજે તારા ઠંડાઠંડા હાથની કેટલી જરૂર છે ને જો તારું એકાદ આંસુ મારા કપાળ પર પડે તો દાઝી જ મરે. છતાં આંખો બંધ કરીને – તું પાસે હોય તો આંખો બંધ કરવાની મને બીક ન લાગે – તારી ઉપસ્થિતિનો કેવલ પરોક્ષ સ્પર્શથી પણ અનુભવ કરવાનું ગમે છે. પાસેની ખુરશી પર બેઠી બેઠી ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’નાં પાનાં ઉથલાવતી, કશું બોલ્યા વિના (કદાચ હું સૂઈ ગયો છું એમ માનીને) તું બેઠી હોય તેય મને રહી રહીને આંખો ચોરીથી ખોલીને જોઈ રહેવાનું ગમે છે.

તાવ જાણે લોહીને માંજી નાખે છે. એમાંય થોડી પારદર્શકતા ઉમેરાય છે. પણ આપણે પૂરી પારદર્શકતા તો જીરવી શકતા નથી આથી જે પારદર્શકતા મરણને પણ કશા અન્તરાય વિના પ્રત્યક્ષ કરી દે તે આપણાથી જીરવાતી નથી એમાં શું આશ્ચર્ય? પણ આ ઉષ્ણતાના આચ્છાદન નીચે હું જે શીતળતાનું રક્ષણ કરી રહ્યો છું એની તને ખબર છે ખરી? ખબર હોય તો કહેજે.

License

છિન્નપત્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.