૧૪

‘તમે જ અ?’

‘હા.’

‘તમે સ ને ઓળખો છો?’

‘હા.’

‘એમણે મને તમને મળવાનું કહ્યું હતું.’

‘એમ?’

ઘડિયાળમાં દસના ટકોરા, પવનમાં કેલેંડરનાં ફરફરતાં પાનાં.

‘એક વાત પૂછવી છે.’

‘એમ?’

‘મેં થોડું લખ્યું છે, તમે વાંચશો?’

‘વારુ.’

‘તો હું તમને થોડા દિવસ પછી મળીશ.’

‘વારુ.’

હું એને જતી જોઈ રહ્યો. વયનાં પાંચેક વરસ સંતાડતી હતી. આંખોમાં ચંચળતા હતી, પણ તે બહુ સ્થિર પાણીમાં તરતી માછલીના જેવી. એથી પાણી ઝાઝું વિક્ષુબ્ધ થતું નહોતું. પણ એ પાણી હતું કે કાચ? એના ચહેરા પર થોડી રેખાઓ હતી – દેશદેશમાં ભટકીભટકીને આંકેલી વેદનાઓની. હું એનું લખેલું વાચતો હતો. એક એક શબ્દ જાણે વીજળીના આંચકાથી સફાળો કૂદતો હતો. વાક્યમાંના બીજા શબ્દ સાથે જોડવાનું એને માટે શક્ય જ નહોતું. ક્યાં ક્યાં ફરીને એણે કેટલું ઝેર ચૂસી લીધું હતું! એની તીક્ષ્ણતા એના શબ્દોની રગેરગમાં વહેતી હતી. એના શબ્દોનો રંગ લીલો હતો. શિશુનું હાસ્ય એમાં તલાવડીમાં બાઝેલી લીલ રૂપે ખીલતું હતું. પ્રેમનો પ્રથમ ઉદ્ગાર એમાં રાતે ક્યાંકથી એકાએક ચમકીને ઊડી જતા પંખીની જેમ ઊડી જતો હતો. કદિક એમાં શાન્તિની પણ વાત આવતી હતી – હલાલ થઈ ચૂકેલી પશુની આંખમાં હોય છે તેવી. એમ તો એમાં આનન્દની પણ હવા હતી – આરસપહાણની કબરો ચાંદનીમાં હસી રહે તેવી. અગ્નિ પણ હતો–તારા મૌનની પાછળ જેની શિખા કદિક દેખાઈ જાય છે ને તેવો. રાતે બારી બંધ કરીને આંખ બંધ કરીને હું સૂતો ત્યારે એની રચેલી આ સૃષ્ટિ મારી રગેરગમાં ફરવા લાગી. બંધ બારીની પાછળ કોઈ પ્રાણી એનું મોઢું ઘસી રહ્યું હતું. એને ક્યાંક કાચા માંસની ગન્ધ આવી હશે? બારીની બીજી બાજુથી પણ એની ઉગ્ર હિંસક બુભુક્ષાની ઉત્કટ વાસ મારા હૃદયના ધબકારાને જ એ બારીના ઠેલવાના અવાજ જોડે હું ગૂંચવીને છળી મર્યો. ભયને ઉછેરવાને મોટા સ્થળની જરૂર પડતી નથી. આંખના એક ખૂણામાં સૃષ્ટિનો પ્રલય કરે એટલો ભય ચમકી શકે છે.

License

છિન્નપત્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.