૪૬

અનેક નદીનાં જળ, અનેક પર્વતોની દૂર દૂરની ભૂરી ઉત્તુંગતા, અજાણ્યા વનમર્મરનો સંલાપ, વિશાળ મેદાનો ભરીને પડેલી નિર્જનતા, જનસંકુલ નગરોનો વિષાદ – આ બધાંએ મને જાણે કણ કણ કરીને વિખેરી નાખ્યો છે. બાળપણમાં ગોઠિયાઓ જોડે રમતાં એકાએક કશીક ધૂન મનમાં સવાર થઈ જાય ત્યારે અળગો થઈને અન્યમનસ્ક બનીને બેસી રહેતો. જાણે રહી રહીને કોઈક કશુંક જન્મોજન્મથી કહી રહ્યું છે. ઘણી વાર એ અવાજ દૂરથી સરી જતા ભણકારા જેવો સંભળાય છે, પણ કેટલીય વાર સાવ નજીક આવીને એ કશુંક કહે છે. એ ભાષાને હું નથી સમજતો. પણ ત્યારે હું પોતે જ મારામાં નિરાશ્રિત જેવો કશીક અકારણ અસહાયતા ભોગવી રહ્યો છું. સંભવ છે કે આવી કોઈ પળે આ જન્મનું કોઈ સુખ મારા દ્વાર પરથી પાછું વળી ગયું હોય. એ સુખની મ્લાન છબિ પછીથી મને સતાવ્યા કરે છે. હું અનાસક્ત નથી, પણ બાષ્પીભૂત થઈને વિખેરાઈ જતા મારા અસ્તિત્વને દૃઢ વજ્રબન્ધમાં જકડી રાખે એવું કશું મને મળ્યું નથી. આની મર્મઘાતક વેદના જ કદાચ મારું આ જન્મનું ધન છે. આથી માલા, તું બન્ધનથી અકળાઈ ઊઠે છે ત્યારે મારી વેદના સમજતી હોય એવું લાગતું નથી. હું તારાથી બંધાઈ જવા ઇચ્છું છું. ને મને બાંધી દેવા પૂરતી જ તું બન્ધનમાં હશે. એથી તારા મુક્તિ ભયમાં આવી પડશે એવો તને ભય રહે છે ખરો? આથી જ તો, તારા બન્ધનની અપેક્ષા હોવા છતાં રખે ને તારી મુક્તિ આડે અન્તરાય ઊભા કરી બેસું એ બીકે હું તારી પાસે આવીને દૂર સરી જાઉં છું. દૂર સરી જતી વખતે ફરીથી પાછા વળીને એ જ બિન્દુએ નથી આવી શકાવાનું તે હું જાણું છું. આપણા વિચ્છેદના દિવસો દરમિયાન આ સૂર્ય, આ પવન, આ પરિવેશ – એ બધાં જ મળીને તને કેવી તો અજાણી કરી મૂકે છે! એકે એક ક્ષણ એના હસ્તપ્રલેપથી તારો ચહેરો ભૂંસે છે ને એની પાછળ રહેલો એક નવો જ ચહેરો ખીલી આવે છે. ઘણે વખતે આવીને તને મળું છું ત્યારે જાણે જન્મોજન્મનું અન્તર પડી ગયેલું લાગે છે. તારા ઓરડાની ઘડિયાળ તને વધારે આત્મીયતાથી ઓળખી શકે છે. હું અજાણ્યાની જેમ બેસી રહું છું. આત્મીયોની અડફટે ચઢું છું. થોડા નવા ઘા ઝીલું છું ને એમ વળી દૂર સરી જવાનું મુહૂર્ત વળી આવી લાગે છે, પણ આ તે કઈ ભરતીનાં મોજાં ફરી મને તારે કાંઠે લાવીને હાજર કરી દે છે? તું દૂર દૂર ક્ષિતિજમાં કોઈ વાર તારી આંખોને કશીક અજાણી વેદનાથી વિહ્વળ બનીને ખોઈ બેસે છે ખરી? નાના શા ઘરના હૂંફભર્યાં વર્તુળોમાં ગોઠવીને સજાવી શકાય એવો સ્નેહ કદાચ આપણા ભાગ્યમાં નથી, જે આ ક્ષણે આંખનું આંસુ બનવા જેટલું નિકટ આવે છે તે જ બીજી ક્ષણે દૂરનું નક્ષત્ર બનીને ચમકે છે.

License

છિન્નપત્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.