૪૧

નથી ખબર પડતી – ક્યાંથી આવે છે આ ઉદાસી. વીત્યે જતા પ્રહરો વચ્ચેની એકાદ નાની શી ક્ષણ એ વેદના લઈને આવે છે. આંખ એકાએક કશું જોતી નથી. મન પાછું વળે છે. સમયનાં લથડતાં ચરણ દયા ઉપજાવે છે. પછી ધીમે ધીમે એ થાકીને બેસી પડે છે. એનું બધું વજન મારા પર તોળાઈ રહે છે. અવકાશ સંકોચાઈ જાય છે. શિરાઓ ફૂલી ઊઠે છે. હૃદય અનેક જુગના ઉધામાને વહેતું હાંફે છે. માલા, આજે તારું સ્મરણ કરતો નથી, કારણ કે મારામાં છવાયેલી આ ઉદાસીનો તારે મુખે ડાઘ પડી જાય એ મને ગમતું નથી. મારી પાસે છે કેવળ શબ્દો. આજે મને ખૂબખૂબ અવકાશથી ભરેલા શબ્દોનો ખપ છે. તેં જિંદગીમાં એવા કેટલા શબ્દો મને આપ્યા છે? પંખી એનું આકાશ લઈને જ જન્મે છે? ઘણી વાર તું બોલતી હોય છે ત્યારે હું લોભથી સાંભળું છું. મને ખૂબ ખૂબ ખપ પડવાનો છે તારા એ શબ્દોનો. આજે આ ઉદાસીની છાયામાં બેસીને હું તારા શબ્દોને સજીવન કરવા મથું છું: કેટલાક હાસ્યની છોળ પર તેજની કલગી જેવા તો કેટલાક ઉદ્યાનોના સૌરભમત્ત અવકાશથી ભરેલા, કેટલાક એકસરખા ઊછળતા ફુવારા જેવા તો કેટલીક દિગન્ત સુધી વિસ્તરતી વનરેખા જેવા. આદિ માનવની ગુફામાંના પશુના રેખાંકનની જેમ આ ઉદાસી હૃદયમાં ઊંડે ઊંડે અન્ધકારનાં શિલ્પો ઉપસાવે છે. હું એ શિલ્પોને નથી ઓળખતો. મને આ ઉદાસીની માયા નથી, ને છતાં આ ઉદાસીને મારા હૃદયમાં છવાઈ જતી જોઈને તું અળગી સરી જાય છે. તને ભય લાગે છે. નવી ફૂટેલી કૂંપળની જેમ તું કંપે છે. મારા આવેગથી તું ભડકીને ભાગે છે. તારા વિનાનો મારો આવેગ મને કેવો તો છિન્નભિન્ન કરી નાખે છે એ જો તું જાણતી હોત તો કેવળ તારું સંરક્ષણ કરીને આમ ભાગતી ફરતી ન હોત! પણ આ બધું સહીને જ્યારે ઊભો થાઉં છું ને તારો હાથ શોધું છું ત્યારે તને આજ સુધી તો નિકટ પામતો રહ્યો છું. ઘેરી ઉદાસીની છાયા તું એક સ્પર્શથી ભૂંસી નાખે છે, ને છતાં તું હોવા છતાં ઉદાસી શી રીતે આવી શકે એવા વણઉચ્ચારાયેલા પ્રશ્નથી મારી સામે જોઈ રહે છે. જો તેં થોડીક ક્ષણોને, તારા વિનાની, રિક્ત ન રાખી હોત તો આ ઉદાસીએ ક્યાં પગ મૂક્યો હોત? આથી જ તો મારી અલસ વીતી જતી વેળાનો હું અફસોસ કરતો નથી, કારણ કે એ બધી ક્ષણો તારા સ્પર્શથી સભર છે. કર્મનો નિરર્થક ઉદ્યમ થંભી જાય છે. પર્વતપ્રદેશની શીતળ નિસ્તબ્ધતા, એમાં ક્યાંકથી સંભળાતો અજાણ્યા પંખીનો ટહુકો, દૂર દૂર ચાલી જતું કોઈ માનવીનું ટપકું, રૂપેરી તાર જેવું પર્વત પરથી ગબડતું ઝરણું ને એ સૌથી વિશેષ તો આકાશ અને સાગરને ભેગા ઘૂંટનારી તારી આંખ – મને ખૂબ ખૂબ ગમે છે. તારી કાયાના અતલે હું સાવ નિ:શેષ થઈ જાઉં છું. પછી મારા શ્વાસનો કોલાહલ પણ હું સાંભળતો નથી. તારા મુખ પર જ્યારે તૃપ્તિની દીપ્તિને જોઉં છું ત્યારે કદાચ એના દર્શન અર્થે જ અહીં આવી ચઢ્યો હોઈશ એવું મને લાગે છે. આજે અકારણે છવાઈ ગયેલી આ ઉદાસી, એનો વધતો જતો ભાર, મારી ભુંસાતી જતી રેખાઓ – એને કેવળ તારા જાદુની અપેક્ષા છે.

License

છિન્નપત્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.