અમે સાંજને સમયે ચિતોડગઢ પર ચઢવાનું શરૂ કર્યું. પગે ચાલીને નહિ, જીપોમાં. જીપો વેગથી જતી હતી એટલે ફટાફટ એક પછી એક ગઢના દરવાજા આવતા ગયા. દરવાજાને અહીં પોલ કહે છે. પોલ અમદાવાદની પોળનો પર્યાય હશે? પાડલ પોલ, પછી ભૈરાં પોલ, સુંદર પોલ, હનુમાન પોલ, ગણેશ પોલ, જોડલા પોલ, લક્ષ્મણ પોલ અને છેલ્લે રામ પોલ.
જીપની ઝડપ કરતાં મનમાં ચાલતા વિચારોની ઝડપ કેટલાય ગણી વધારે. વિચારો પણ કેટલા? બધા વિચારો એકબીજા સાથે અથડાઈ જાય. ‘ચિત્તૌડ!’ અહીં એ રીતે લખે છે અને ઉચ્ચારે છે. એ ઉચ્ચારમાં જે બેવડા ‘ત’નો થડકો ‘ચિ’ને લાગે છે, તેનાથી આ પ્રતાપી દુર્ગના નામનું વજન જળવાય છે. એ ચિત્તૌડનું નામ એટલે બાપા રાવળનું નામ, દેહ પર ૮૦ ઘા ધરાવતા રાણા સાંગાનું નામ, રાણા કુંભાનું નામ, રાણા પ્રતાપનું નામ ને કંઈ કેટલાંય, પણ એ બધાં નામોમાં બે નારીમૂર્તિનાં નામ વારંવાર ઊછળી રહ્યાં: એક પદ્મિની અને એક મીરાંબાઈ.
ચિત્તૌડગઢ, હા, ‘ગઢ તો ચિત્તૌડ ગઢ ઔર સબ ગઢૈયાઁ હૈં’ – એમ કહેવાય છે. – હા, ચિત્તોડગઢથી પણ ભારે પ્રભાવી દુર્ગો આ દેશમાં છે. પરંતુ ચિતોડની ધરતીના કણેકણમાં જે ઇતિહાસ પડ્યો છે, કદાચ બીજા કોઈ દુર્ગનો એવો વીર-કરુણ ઇતિહાસ નહિ હોય. આજનું નગર તો દુર્ગની નીચે વસેલું છે અને એ પ્રાચીન-મધ્યકાલીન નગર આજના નગરની ઉગમણી દિશાએ લગભગ બે હજાર ફૂટની ઊંચાઈ પર રહી પાંચ-છ કિલોમીટર લાંબું છાયાચિત્ર રચે છે, જેમાં નીચેથી ચિતોડની જયઘોષણા કરતા સવાસો ફૂટ ઊંચા મહારાણા કુંભાએ બનાવેલા જયસ્તંભનું છાયાચિત્ર વારંવાર નજરમાં આવ્યા કરે અને પછી આજુબાજુનાં મંદિરો, મહેલના કોટકાંગરાના છાયાકારો.
ઉપર પહોંચ્યા ત્યારે સાંજ નમવામાં હતી અને ઠંડા પવનની લહરીઓ તડકાને કામ્ય બનાવતી હતી. અમારી સાથે ચિતોડની સ્થાનિક કૉલેજના એક ઇતિહાસના અધ્યાપક હતા. એનો અમને લાભ હતો. ચિતોડગઢની આ ઇમારતો તો કેટલું બધું કહેતી હતી? એથી વધારે ઇતિહાસ આપણું મન રચવા લાગી જાય. ચિતોડગઢનું મૂળ નામ ચિત્રકૂટ, જે મૌર્ય રાજા ચિત્રાંગદે વસાવેલ. આઠમી સદીમાં બાપા રાવળે જીત્યું. ઈ. સ. ૧પ૬૭ સુધી મેવાડની રાજધાની આ ચિત્તૌડ. રાણા કુંભાએ સાત પરકોટા બનાવી સંરક્ષણને યોગ્ય બનાવ્યો આ દુર્ગને. દુર્ગ પર સાત તો તળાવો છે.
રાણા કુંભાના મહેલના અવશેષો આ સાંજને ઉદાસ બનાવતા હતા. મહેલમાં સીડીનાં પગથિયાં ચઢતાં એક ચણી લીધેલા દરવાજા તરફ સંકેત કરી ઇતિહાસ-મિત્રે કહ્યું – આ દરવાજો જે ખંડમાં લઈ જાય છે, ત્યાં પદ્મિનીએ જૌહર કરેલું!
જૌહર–રાજપૂતાનાના ઇતિહાસપૃષ્ઠોમાં અગ્નિઅંકિત એ શબ્દ. પદ્મિનીએ અલ્લાઉદ્દીનના મહેલમાં જવા કરતાં અગ્નિની જ્વાળાઓમાં રાખ થઈ જવાનું પસંદ કર્યું. એ સમયની રાજપૂતી શાન અને રાજપૂતી મૂલ્યો વિચાર કરતા કરી મૂકે. અલ્લાઉદ્દીન જ્યારે અનેક રાજપૂતોને હણી નાખી વિજયી બની અહીં આવ્યો, પદ્મિનીને પોતાની કરવા, ત્યારે એણે જોયો હશે પદ્મિનીની ચિતામાંથી નીકળતો છેલ્લો ધુમાડોમાત્ર, કદાચ ગરમ રાખ. જગતની શ્રેષ્ઠ સૌન્દર્યવતીની રાખ. લાલ થતા સૂરજના બિંબ સામે જોતાં જોતાં વિષણ્ણ બની જવાય છે.
અમનસ્ક બની આજુબાજુનાં ખંડેરોમાંથી પેલા મિત્ર ઇતિહાસ ઊભો કરતા હતા, તે સાંભળતો હતો. તેમણે પછી રાણા કુંભાની ગાથા ઉકેલી, તો મારી ઉદાસી દૂર થતી ગઈ. મહારાણો કુંભો અનેક લડાઈઓનો વિજેતા, પણ એ તો હતો મોટો વિદ્વાન, રસજ્ઞ, સંગીતજ્ઞ, કલામર્મી. કવિ જયદેવના ગીતગોવિંદ પર એણે સંસ્કૃતમાં ટીકા લખી છે. અનેક મંદિરો બનાવ્યાં છે. માળવાના સુલતાન મહમૂદ ખિલજીને એણે હરાવેલો. એ વિજયની યાદમાં મહારાણા કુંભાએ જયસ્તંભ રચાવેલો છે. કુંભા વિષે મારી જિજ્ઞાસા ઘણી વધી ગઈ છે.
કૃષ્ણભક્તિની પરંપરા ચિત્તોડમાં કુંભાએ પ્રતિષ્ઠિત કરી કુંભશ્યામનું મંદિર બનાવ્યું. અમે એ મંદિરમાં પહોંચ્યાં કે બાજુમાં એક બીજું નાનું મંદિર પણ જોયું. મીરાંબાઈનું મંદિર. રોમહર્ષ થયો. સાચે જ મીરાંબાઈનું મંદિર! મહેલ છોડીને મીરાં આ મંદિરમાં સાંવરિયાની ભક્તિમાં રચીપચી રહેતી હશે! આ મંદિરમાં ઝેરનો પ્યાલો પીધો હશે – પ્રભુનું ચરણામૃત જાણી! અહીં આ મંદિરના પ્રાંગણમાં નાચી હશે રાજરાણી મીરાં?
દુન્યવી રીતે મીરાં વિધવા થઈ હતી. પણ પતિ પાછળ એ સતી નહોતી થઈ, કેમ કે એ તો ગિરિધરવરને વરી અખંડ સૌભાગ્ય પામી હતી. પણ દુનિયાની નજરે? રાજકુલની નજરે? એ ‘કુલનાસી’ કુલકલંકિની હતી. એ મીરાંનું મંદિર. પણ આ શું? આજે પણ મેવાડમાં કોઈ પોતાની દીકરીનું નામ મીરાં પાડતું નથી.
મીરાંનાં મંદિરમાં એક મોટી તસવીર એટલે કે મીરાંવેશધારી ફિલ્મી નટીનું પોસ્ટર? આ મીરાં? હસવું કે રડવું?
‘મ્હને ચાકર રાખો જી,
ગિરધારી લાલા ચાકર રાખો જી.’
પ્રવેશદ્વાર પાસે બેઠેલા એક વૃદ્ધે તંબૂરા પર ભજન ઉપાડ્યું હતું. વૃદ્ધ ઠીક ગાતા હતા. મંદિરના પાછળના ભાગે નજર કરી તો નીચે ચિતોડગઢ શહેર પર સૂરજ અડવામાં હતો.
મીરાંના મંદિરથી અમે પદ્મિનીના મહેલે ગયા. જૌહર કરેલું તે મહેલ તો જુદો. સાંજ, ઠંડો પવન અને સુકાતા જતા સરોવરના જળની પીઠિકામાં આ મહેલ છે. સાડાછ વાગ્યે પ્રવાસીઓ માટે દરવાજા બંધ થવામાં હતા કે અમે વિનંતી કરી. પદ્મિનીના મહેલમાં પ્રવેશ્યા. પ્રવાસન વિભાગે સારી જાળવણી કરી છે આ બધાં સ્થળોની.
બહુ વિશાળ જગ્યા નથી. કદાચ પદ્મિની મોટા મહેલમાંથી અહીં ક્યારેક ક્યારેક આવતી હશે. સ્થળ અત્યંત સુંદર, સરોવરની સન્નિધિમાં. ઉપરના એક ખંડમાં ગયા. ત્યાં છત તરફ નજર કરી તો ચાર દર્પણો ગોઠવેલાં જોયાં. દર્શકોમાં અમે હિન્દીના ઘણા અધ્યાપકો હતા. સુદૂર મદ્રાસ, મૈસૂરના પણ. બધાયને સૂફી કવિ જાયસીના ‘પદ્માવત’ની ખબર હોય જ. બધાય કંઈક તો જાણતા હતા પદ્મિની વિષે અને આ દર્પણની ઘટના વિષે.
અલ્લાઉદ્દીન જ્યારે ચિતોડને પહેલાં જીતી ન શક્યો ત્યારે તેણે માત્ર પદ્મિનીને એક વાર જોઈ પાછા ફરી જવાની વાત મૂકેલી. પણ પદ્મિનીનું મોઢું કેવી રીતે આ યવનને બતાવી શકાય? છેવટે દર્પણમાં એનું મોઢું બતાવ્યું. અને એ તો અત્યંત મોહિત થઈ ગયો અને કદાચ સંકલ્પ કર્યો કે આ રૂપસી તો કોઈ પણ ભોગે મેળવવી જ.
અમે પણ દર્પણમાં જોયું. એવી રીતે એ ગોઠવેલું કે એ દર્પણમાં અમારું પ્રતિબિંબ નહિ પણ જરા દૂરની જળ વચ્ચેની નાનકડી ઇમારતનાં પગથિયાં દેખાયાં. પેલા મિત્રે કહ્યું – અલાઉદ્દીને દર્પણમાં પદ્મિનીની જોઈ ત્યારે એ પગથિયાં પર પદ્મિની આવીને બેઠેલી.
સરોવરના પગથિયા પર બેઠેલી પદ્મિની! એના મનમાં એ વખતે કેવા વિચારો આવ્યા હશે? પોતાના રૂપનું ગુમાન થયું હશે? યવન પોતાનું મોં જોશે એથી ક્ષોભ થયો હશે? (બધા વીર રાજપૂતો એ ક્ષણે શું કરતા હશે?) દર્પણમાં જળથી વીંટળાયેલાં પગથિયાં સ્પષ્ટ દેખાતાં હતાં, હવે શું પદ્મિની ઊતરી આવશે?
સૂરજ રહ્યો નહોતો. સ્તબ્ધ સાંજ. આ જ સમય હતો જાણે અહીં આવવાનો.
ત્યાં અરે, આ કોણ મૃદુ પદે આવીને ઊભું રહ્યું પગથિયા પર, એકદમ કાવ્યમય મુદ્રામાં! સરોવરની જળલહરીઓ વચ્ચે ધીર સમીરે એનાં વસ્ત્રો ફરફરતાં હતાં, વસ્ત્રોનો આછો શ્વેત રંગ દેખાયો, આછેરો ફરફરાટ પણ સંભળાયો, પરંતુ ચહેરો સ્પષ્ટ દેખાયો નહિ, અંધારું જે થઈ ગયું હતું
૨૭-૨-૯૪