અંતર્જલિ જાત્રા વિષે

માર્ચ મહિનાના એક રવિવારે બપોરે દેખાડાતી પ્રાદેશિક ભાષાની ફિલ્મમાં ‘અંતર્જલિ જાત્રા’ બતાવાઈ હતી. એ દિવસે હું ખેડબ્રહ્મા ગયેલો. સાંજે પાછો આવ્યો ત્યારે શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાનો ફોન- સંદેશ હતો કે ‘અંતર્જલિ જાત્રા’ ફિલ્મ આજે આવવાની છે, તે જોવાં તેમણે સવારે ફોન કર્યો હશે, પણ હું તો વહેલી સવારે જ નીકળી ગયેલો.

ઘણો અફસોસ થયો. આ ફિલ્મ જોવાની કેટલી બધી ઇચ્છા હતી? મૂળ પુસ્તક ‘અંતર્જલિ જાત્રા’ વાંચેલું અને એ વિષે લખેલું, પણ ફિલ્મ જોવાની તકની રાહ જોતો હતો અને તક જતી રહી. પછી તો જે જે મિત્રોએ એ ફિલ્મ જોયેલી, એ બધાએ એ વિષે વાત કરી, અને સામેથી પૂછે – ‘તમે ના જોઈ?’ ‘ના જોઈ ભાઈ.’ જામનગરથી કલારસિક મિત્ર શરદ વ્યાસનો એ ફિલ્મ વિષે આનંદભર્યો પત્ર આવ્યો. છેવટે મેં આશ્વાસન લીધું કે ઘણાબધા સુરુચિસંપન્ન મિત્રોએ એ જોઈ છે. ઘણા મિત્રોએ તો એ પુસ્તક વિષે લખેલો મારો લેખ વાંચી લીધેલો તેની પણ વાત કરી.

પછી શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળા સાથે વાત થઈ. તેમણે કહ્યું કે મેં આખી ફિલ્મ વીડિયોટેપ પર ઉતારી લીધી છે. આવો, સાથે જોઈએ. પછી તો જે મિત્રોએ નહોતી જોઈ એમને પણ એમાં જોડાવા કહ્યું. રઘુવીર ચૌધરી, રમેશ શાહ, અનિલા દલાલ – અમે સૌ શ્રી ટોપીવાળાને ત્યાં ગ્રીષ્મની પ્રચંડ ગરમી હોવા છતાં એક બપોરે પહોંચી ગયાં.

મર્મજ્ઞ મિત્રો સાથે એક શ્રેષ્ઠ કલાકૃતિ સાથે જોવાનો વિશિષ્ટ આનંદ હોય છે. કેમ કે જોયા પછીની પારસ્પરિક ચર્ચા આપણી સમજની, આસ્વાદની ક્ષિતિજો વિસ્તારે છે.

મૂળ પુસ્તકના લેખક છે કમલકુમાર મજુમદાર. એમના પ્રબુદ્ધ સમકાલીનો એમને ‘જિનિયસ’ માનતા. સત્યજિત રાય જેવાએ કહ્યું છે કે કમલને ઓળખનાર આંગળીને વેઢે ગણાય એટલાય નહિ હોય. સુનીલ ગાંગુલી જેવા પ્રસિદ્ધ કવિ કથાકારે તો કહેલું કે કમલકુમાર અમારા સૌના ગુરુ છે ગુરુ.

કમલકુમારની એક વાર્તા ‘નીમ અન્નપૂર્ણા’ની ફિલ્મ બનેલી છે, એવી જ રીતે ‘મતિલાલ પાદરી’ની. કહે છે સત્યજિત રાયે પણ ‘અંતર્જલિ જાત્રા’ની ફિલ્મ બનાવવાનો વિચાર કરેલો. પણ છેવટે પ્રસિદ્ધ દિગ્દર્શક ગૌતમ ઘોષે તે હિન્દી અને બંગાળી – બન્ને ભાષામાં ઉતારી. હિન્દીમાં એનું નામ છે ‘મહા જાત્રા’. બંગાળીમાં મૂળ પુસ્તકનું જ નામ રાખ્યું છે – ‘અંતર્જલિ જાત્રા.’

થોડાં અઠવાડિયાં પહેલાં જ ગૌતમ ઘોષે ઉતારેલી બીજી એક ફિલ્મ ‘પદ્માનદીર માંઝી’ કલકત્તામાં જોઈ હતી. એ દિવસોમાં જ ચઢેલી. પણ એમની આ અગાઉની ઍવૉર્ડવિજેતા ફિલ્મ હમણાં જોવાની તક લીધી. ફિલ્મનું એ બંગાળી સંસ્કરણ હતું. આવું પુસ્તક વાંચવું કે આવી ફિલ્મ જોવી એ સુરુચિ ધરાવતા સુહૃદયને તો એક ધન્ય અનુભવ બની રહે. પણ મૂળ પુસ્તક તો ઘણું અઘરું છે. નવલકથા છે, પણ કમલકુમાર જાણે વાચકોને ચીઢવતા હોય એમ લખે. તેમાંય વાક્યે વાક્યે, ક્યારેક શબ્દે શબ્દે સંકેતો હોય.

પણ ફિલ્મ તો દૃશ્ય માધ્યમ છે અને ગૌતમ ઘોષે બરાબર એનો ક્યાસ કાઢ્યો છે. મૂળ પુસ્તકનો ટોન જરા બદલાય છે, બીજી રીતે એકબે દૃશ્યો સિવાય મૂળની નિકટ રહેવા પ્રયત્ન છે.

‘અંતર્જલિ જાત્રા’ ૧૯૬૨ના વર્ષમાં પ્રગટ થયેલી નવલકથા છે. પણ એ નવલકથાની ઘટના ગઈ સદીના પૂર્વાર્ધની છે, ઈ. સ. ૧૮૩૦- ૪૦ની આસપાસની. કંપની સરકારે હજુ હમણાં (૧૮૨૮માં) સતી થવાના રિવાજ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ધર્માંધોનો હજી સહકાર મળવો શરૂ થયો ન હતો.

એવા સમયની વાત છે. એક ૮૦ વર્ષની વય વટાવી ચૂકેલા વિધુર સીતારામને ગંગાકિનારે સ્મશાનમાં અંતર્જલિ જાત્રા માટે લાવ્યા છે. માણસને જ્યારે લાગે છે કે હવે મોત નજીકમાં છે, ત્યારે એ સમયમાં એને ગંગાકિનારે લઈ જતા. એના બે પગ ગંગાના પ્રવાહને અડકે એમ ત્યાં સુવાડવામાં આવે. એ રીતે એ પોતાનો છેલ્લો શ્વાસ છોડે.

ફિલ્મમાં એક દૃશ્ય ઊઘડે છે, જેમાં વૃદ્ધ સીતારામને આમ સુવાડવામાં આવ્યા છે. એક કીર્તનિયા દલ ‘ગંગા નારાયણો બ્રહ્મ’ બોલતું એમની પ્રદક્ષિણા કરે છે. એક વૈદ એમની નાડી પકડી હવે મરવાની કેટલી વાર છે, તેની આગાહી કરવા બેઠા છે. બીજાં સગાંસંબંધી છે. બાજુમાં એક જોષીએ સીતારામની કુંડળી બનાવી છે. અને જોષ ભાખે છે કે – ‘સીતારામ દોસર નેબે’. એટલે કે સીતારામ એકલા નહિ જાય. એમની પાછળ કોઈ સતી થશે. સીતારામ તો વિધુર છે. સતી થનાર કોણ? એક કન્યાનો ગરીબ બાપ વિચારે છે કે મારી દીકરી ઉંમરલાયક એટલે કે સોળ વર્ષની થઈ ગઈ છે. પૈસાને અભાવે લગન થતાં નથી. તો શા માટે આ વૃદ્ધ સીતારામ જોડે ન પરણાવવી?

જોતજોતામાં સીતારામને આ સ્મશાનભૂમિમાં પરણાવવામાં આવે છે, સોળ વર્ષની કન્યા સાથે! આ બધાં દૃશ્યો એટલી પ્રભાવાત્મક રીતે ફિલ્મ-નિર્દેશકે બતાવ્યાં છે, કે એક દીર્ઘ છાપ મૂકી જાય. વૃદ્ધ સીતારામનો અભિનય ‘પથેર પાંચાલી’માં ઘરડી ઇન્દિરા ઠાકુરણના અમર અભિનયની યાદ આપે.

એક મરવા પડેલો ડોસો અને એક કાચી કળી જેવી કન્યાનું લગ્ન! એ કન્યાનું ભાવિ તો નક્કી થઈ ગયું કે આ ડોસો જેવો મરે કે તેની ચિતા પર સતી થવાનું છે! એનો એ રીતે મોક્ષ થાય. ગંગા મૈયા તો મોક્ષદાયિની છે!

બધા બ્રાહ્મણો ‘ધર્મરક્ષાની’ ચિંતામાં પડ્યા છે. એ વખતે સ્મશાનનો ચંડાળ બૈજુ આક્રોશમાં આવી જાય છે. એ આ કાચી કળી જેવી કન્યાને જોઈ બ્રાહ્મણો પર અભિશાપ વરસાવે છે. એ કહે છે કે ઘણાં મડદાં બાળ્યાં છે, પણ આ જીવતી કન્યાની ચિતા મારાથી નહિ રચાય.

(કોણ ચઢે? બ્રાહ્મણ કે ચંડાળ? નિર્દેશકે સીધી રીતે કહ્યું નથી, પણ ચંડાળની માનવતા ચંડાળને દ્વિજોત્તમ બનાવી દે છે, જયારે ધર્મરક્ષા કરતા બ્રાહ્મણો અધમાધમ કોટિનો વ્યવહાર કરે છે. આ તો આપણો પ્રતિભાવ. લેખક કે દિગ્દર્શક કશું કહેતા નથી.)

મરવા પડેલા સીતારામ સોળ વર્ષની જશો (જશુમતી)ને જુએ છે અને એમનો કંપતો હાથ આ તરુણીના ખભેથી સરતો એની છાતી પર અટકે છે. કેવી તો લાલસા એ હાથમાં છે. પણ હાથ તો લાકડું થઈ ગયા છે. ડોસા કહે છે કે ‘મારે તો હવે જીવવું છે.’

સીતારામ અને જશોનો લગ્નસંસાર રચી સૌ ચાલ્યા જાય છે, પણ ચંડાળ બૈજુને ભારે રોષ છે. એ આ ડોસાને જ ઉપાડી નદીમાં પધરાવી દેવા તૈયાર થાય છે. રાત પડી ગઈ છે. જશો સૂતી છે, ડોસાની બાજુમાં, ચુપચાપ બૈજુ આવે છે અને ડોસાને ઉપાડી ગંગામાં પધરાવવા જાય છે, ત્યાં ધક્કો વાગવાથી ચંદરવો પડે છે અને જશો જાગી જાય છે. ત્યાં સુધીમાં તો ચંડાળ ડોસાને લઈ પાણીમાં પહોંચી ગયો છે. જશો પાછળથી દોડે છે અને ચંડાળની પીઠમાં કિનારે પહેલું લાકડું ઉપાડી તે મારે છે. ચંડાળ ડોસાને છોડી દે છે, પણ પછી પીડાથી આળોટતો હોય છે.

જશો ડોસાને સુવડાવી આવે છે. બૈજુની દશા જોઈ એ એની પાસે જાય છે અને પોતાની સાડીથી લોહી લૂછે છે, અને ત્યાં બૈજુ કહે છે ‘મને અડક્યાં? ચંડાળને અડકીને આ શું કર્યું?’ પણ જશો એને છોડતી નથી, વળગેલી રહે છે અને… બન્ને એક થાય છે.

આ બધી ઘટના અત્યંત સ્વાભાવિકતાથી દિગ્દર્શકે થતી બતાવી છે. ચંડાળ તરીકે શત્રુઘ્ન સિંહાનો અભિનય પણ સુપર્બ છે. ડોસાને હવે જીવવું છે. એ દૂધ લઈ આવવા જશોને કહે છે. દૂધ માટે ચંડાળની બકરી દોહતાં અને દોહ્યા પછી જશો અને ચંડાળ વચ્ચે થતી વાતચીતમાં જશો હસે છે અને દૂર પડ્યો પડ્યો ડોસો એ જુએ છે. એનામાં રહેલો ઈર્ષાળુ પતિ એકદમ જશોને રાંડ, કુલટા, હલકટ વગેરે સંખ્યાબંધ વિશેષણોથી નવાજે છે. જશોને કહે છે ‘જતી રહે’. દુઃખી જશો કિનારાની એક ઊંચી ભેખડે જઈ સૂએ છે, ત્યાં ઘોડાપૂર આવે છે, અને ડોસો એની શય્યા સાથે તણાય છે. જશો જાગી જાય છે.

એ ડોસાને બચાવવા દોડે છે, પરંતુ ત્યાં સુધીમાં તો પાણી વધી ગયું હોય છે અને એ પણ ડોસા સાથે તણાઈ જાય છે. છેલ્લી એની ચીસ ‘બચાવો’ પાણીમાં ડૂબી જાય છે. બૈજુ બચાવવા દોડ્યો હોય છે, પણ એકલો રહી જાય છે.

સવાર થાય છે. જળમાં એક હોડી (આ હોડી શરૂઆતથી જ છે, એના આગળના ભાગમાં આંખો ચીતરેલી છે, તે જાણે બધું જુએ છે.) હાલકડોલક થાય છે.

એની આંખ દેખાય છે, એકલો ઊભેલો બૈજુ આક્રોશની કાળી ચીસ નાખે છે અને આ સાથે ફિલ્મ પૂરી થાય છે.

મુખ્ય ત્રણ જ પાત્રો વૃદ્ધ સીતારામ, જશો અને ચંડાળ બૈજુ. ઘટનાસ્થળ પણ ગંગાકિનારાનું સ્મશાન. કૅમેરાની કલા પણ અદ્ભુત. સવાર, સાંજ, ચાંદની રાત, નદીનો પ્રવાહ. આ બધો પરિવેશ આખી ઘટનાને ઘૂંટવામાં સફળતાથી પ્રયોજાયો છે.

સીતારામની અંતર્જલિ જાત્રા તો જાણે થઈ, પણ જશો? અને ચંડાળ બૈજુ? જશો ચંડાળને, એ દૂધ લેવા ગઈ હોય છે, ત્યારે કહે છે – ‘તમે મને એ આપ્યું. જે એક નારી પોતાના જીવનમાં ઝંખતી હોય છે.’ અને ચંડાળ બૈજુ જશોને કહે છે, ‘તું તો દેવી છે, તારા સ્પર્શે મારો તો ‘જન્માન્તર’ થયો.’

અમને સૌને આવી એક કલાકૃતિ જોવાનો અ-લૌકિક અનુભવ થયો.

૨-૫-૯૩

License

ચૈતર ચમકે ચાંદની Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book