આપણને કોઈ સમજનારું

એક ભર્યા પૂરા ઘરની મા છે અને હવે માંદગીને બિછાને છે. એને ખબર છે કે હવે પોતે બહુ દિવસ માટે નથી. પરંતુ એથી કોઈ વ્યગ્રતા એના મનમાં નથી. અનેક સૌન્દર્યોમાં તે જીવી છે અને જીવન એને જીવવા જેવું લાગ્યું છે, પરંતુ મૃત્યુ હવે ભલે આવે, એનો એને ભય નથી.

ઊલટાનું જીવનની અંતિમ ક્ષણોય તે સૌંદર્યમઢી રાખવા ઇચ્છે છે. પોતાનો પલંગ એવી રીતે ગોઠવ્યો છે કે આંગણાનો લીમડો બારીમાંથી જોઈ શકાય, લીમડાની ડાળીઓ વચ્ચેના અવકાશમાંથી સફેદ ભૂરું આકાશ જોઈ શકાય. ડાળીઓ પર આવીને બેસતાં પંખીઓ જોઈ શકાય.

સુખી ઘરની મા છે, ત્રણ દીકરા છે, દીકરી છે. એક દીકરો તો વિદેશ છે. બધાં પરણી ગયાં છે. વિદેશમાં રહેતો દીકરો તો અમેરિકન વહુ પરણ્યો છે. આમ ભણેલીગણેલી વહુઓ અને દીકરીઓ છે. આધુનિક જીવનની સર્વ સુવિધાઓ છે. બધાં માના આ અંતિમ દિવસોમાં બરાબર પરિચર્યા કરે છે. માના ઓરડામાં આવી ખબર લઈ જાય છે. ‘દવા લીધી મા?’ ‘ઊંઘ બરાબર આવીને?’ ‘રાત કેવી ગઈ?’ અને વળી મચ્છરદાનીના છેડા સરખા કરે, વળેલી ચાદર ખેંચી સરખી કરે, ટેબલ પર તાજાં ફૂલ મૂકે. તેમ છતાં માને ખબર છે ખાલીપણું ક્યાં છે. જનરેશન-ગૅપ ક્યાં છે. માની સૌન્દર્યપ્રવણ જીવનદૃષ્ટિ સાથે આ બધાંનો કોઈ સંવાદ નથી. કદાચ એ માની સૌન્દર્યસંવેદનાને સમજતાં નથી. મા જાણે છે કે સમજશે પણ નહિ. જોકે માએ પોતે તો જીવનભર સૌન્દર્યને ચાહ્યું છે, જીવનને ચાહ્યું છે અને હવે મરતી વેળા એને ખંડિત થવા દેવા માગતી નથી.

હું અહીં જે વાર્તાની વાત કરવા બેઠો છું. તે કુંદનિકા કાપડિયાની ‘જવા દઈશું તમને’ વાત છે : ‘ગદ્યછટા’ નામના સુરેશ દલાલ તથા જયા મહેતા-સંપાદિત એક નાનકડા પુસ્તકમાં તે મને વાંચવા મળી. વાત થોડીક ગોઠવેલી લાગી છે, તેમ છતાં સ્પર્શી ગઈ છે. વળી વાત ખાસ એક ઉદ્દેશથી લખાઈ છે.

કોઈ આપણને ‘સમજે’, ખરા અર્થમાં સમજે તે કેવડી મોટી વાત છે? પતિપત્ની સુખી હોય, સુખભર્યું દામ્પત્યજીવન જીવ્યાં હોય, જીવતાં હોય તોય તેઓ હંમેશાં એકબીજાને સમજે જ છે, તેમ કહેવું અઘરું છે. રોજ પાસે રહેતાં આજ્ઞાપાલક, સેવાપરાયણ સંતાનો હોય, તેમ છતાં તેઓ પોતાનાં માવતરને સમજે છે, તેમ કહી શકાય નહિ. પરંતુ એવું પણ બને કે જીવનમાં પહેલી વાર કોઈ મળે, પળ બે પળ માટે મળે અને એવું લાગે કે આપણને તે સમજે છે અને આવી અનુભૂતિ થાય ત્યારે કેવું તો સુખ લાગે છે!

કુંદનિકા કાપડિયા તેમની માર્મિક વાર્તાઓથી આપણને પરિચિત છે. ‘સાત પગલાં આકાશમાં’ નામની તેમની નવલકથાથી ગુજરાતમાં જ નહિ, ગુજરાત બહાર પણ જાણીતાં થયાં છે અને હવે પૅન્ગ્વિન દ્વારા તેમની એ નવલકથાના અંગ્રેજી અનુવાદના પ્રકાશનથી દેશબહાર પણ જાણીતાં થશે.

‘જવા દઈશું તમને’ એક નાની નાજુક વાર્તા છે. વાર્તાની શરૂઆત થાય છે ત્યારે મૃત્યુને બિછાને સૂતેલી મા બારીમાંથી આકાશભણી જોતી હોય છે. પોતાના પલંગમાં સૂતાં સૂતાં એ બહારના વિશ્વને બારી વાટે જાણે અંદર નિમંત્રે છે. એની સૌન્દર્યપ્રવણ દૃષ્ટિનો આપણને પરિચય થઈ જાય છે.

ઘરમાં સૌ જાણે છે કે માના હવે આ અંતિમ દિવસો છે, ગમે ત્યારે ખરી પડશે. એટલે તો આજે સાત વર્ષથી વિદેશ રહેતો સૌથી નાનો દીકરો એની અમેરિકન વહુ મારિયા સાથે આવી રહ્યો છે. માને કૌતુક છે કે અમેરિકન વહુ કેવી હશે?

ઘરમાં બીજી બે વહુઓ છે, માયા અને છાયા. બે દીકરા છે, મોટો અને વચેટ. એક વિશાળ ઘરમાં સૌ સાથે રહે છે. ભલે બન્ને દીકરાઓનાં રસોડાં જુદાં છે. પરંતુ મા અનેક સૌન્દર્યોમાં જીવી હતી જ્યારે આ છોકરા અને એમની વહુઓએ કદી ટાગોર વાંચ્યો હશે, કાલિદાસ વાંચ્યા હશે? માને તો પુસ્તકો બહુ ગમતાં અને ઘરમાં ઘણાં પુસ્તકો હતાં. પણ વહુઓએ કોઈ દિવસ કબાટને હાથ લગાડ્યો નહોતો. પૂછ્યુંય નહોતું – આ શાનાં પુસ્તકો છે. એ લોકો ગુલશન નંદા અને જેમ્સ હેડલી ચેઝનાં પુસ્તકો વાંચતાં. વારે વારે કહેતાં – ‘અમે તો ખૂબ ‘બોર’ થઈ ગયાં.’

એક મા છે, એને એનું જીવન ભરપૂર લાગ્યું છે. કદી કંટાળાનો અનુભવ થયો નથી. આ વહુઓ છે, એમનાં જીવનમાં બધું છે, પણ સતત કંટાળાનો અનુભવ છે, કેમ કે સાચું સૌન્દર્ય, સાચો આનંદ ક્યાં છે તેની તેમને ખબર નથી. પરિણામે સાસુ અને વહુઓ મેળથી રહેવા છતાં સાસુને સાચા અર્થમાં વહુઓ સમજી શકી નથી. વહુઓ, માયા અને છાયાને બીમાર એવાં તેમની પાસે બેસવાની ફુરસદ નથી. દીકરીઓ પણ તેમનાં પતિ અને બાળકોને લઈને આવી છે, માની છેલ્લી ઘડીઓમાં મળી લેવા, પણ તેમનેય ફુરસદ નથી, છોકરો અને પતિ પાછળ. એમને બીક છે કે રજાઓ લંબાવવી તો નહિ પડે?

હવે આજે ઘરમાં નવી વહુ આવી રહી છે, માંડ ૨૩-૨૪ વર્ષની છે.

તેમાંય તે અમેરિકન છે. મરણાસન્નન માને વિચાર આવે છે કે તે કેવી હશે. અજાણ્યા દેશની કન્યા ઘરની વહુ બનીને આવે છે તેને ઓળખવી છે, પણ પોતે હવે કેટલા દિવસ?

એને ટાગોરનું કાવ્ય યાદ આવે છે – ‘જેતે દિબો ના તોમાય.’

‘તમને નહિ જવા દઉં.’ આ કાવ્ય પોતે અનેક વાર વાંચેલું. ‘તમને નહિ જવા દઉં.’ ચાર વર્ષની દીકરીએ બાપને કહેલું – પણ જવા દેવું પડે છે!

એને થાય છે કે એની પણ જવાની ઘડી આવી છે, પણ હજી કોઈએ કહ્યું નથી – જવા નહિ દઉં. જોકે એના પોતાનામાં હવે કશી તૃષ્ણા નથી ભય નથી. પણ પછી વિચારે છે – કે પછી ભય છે? જવાનો ભય?

આજે મારિયા આવે છે. દીકરો અને એની અમેરિકન-વહુ મારિયા. એને અહીં ગમશે? ફરી એને વિચાર આવે છે કે એના જીવનની આ અંતિમ પળોની આભા પર દીકરા-દીકરીઓ-વહુઓ પર સંઘર્ષની છાયા ન પડે તો સારું.

દીકરો અને વહુ આવે છે. ફ્લાઇટ મોડી હતી. સાત વર્ષ પછી આવેલો દીકરો માંદી માને વળગી પડે છે. પછી કહે છે, ‘મારિયા, આ મારી મા.’ મારિયા આગળ આવે છે, હાથ લાંબો કરી માનો હાથ પકડી હલાવે છે, કશું બોલતી નથી. માત્ર હાસ્ય કરે છે. દીકરો વાતો કર્યે જાય છે એના બચપણની. માને સારું લાગે છે પછી દીકરો કહે છે – ‘સૂઈ જજે. આરામથી મા, કાલે સવારે મળીશું.’

પણ જ્યારે તે એકલી પડી ત્યારે એને લાગ્યું કે, આજની રાત કદાચ છેલ્લી હોય. નબળાઈ પણ લાગી. એને યાદ આવ્યું. આજે વદ બીજ છે, ચંદ્ર મોડો ઊગશે, લાલ. તો પછી હવે કશું જોઈતું નથી. આજની રાતે અંત ભલે આવે.

નીચેથી અવાજો સંભળાતા બંધ થયા. હજુ માંડ નવ વાગ્યા હશે. હવાની લહેરખી લીમડાની મંજરીઓ તેના પલંગ પર લઈ આવે છે. ત્યાં બારણું અચાનક ખૂલે છે. કોઈ ધીમે પગલે આવે છે. એ ઓળખી શકી. આ તો મારિયા છે. મારિયા કેમ આવી હશે?

પણ મારિયા તો આવી એની પાસે બેસે છે. એનો હાથ હાથમાં લે છે અને રજા માગે છે કે હું અહીં બેસું? મરણાસન્ન મા ડોકું હલાવી હા પાડે છે, પણ એને નવાઈ લાગે છે. લાંબો સમય શાંત બેઠા પછી મારિયા બોલે છે –

‘તમે પલંગ સરસ ખૂણે ગોઠવ્યો છે. આ વૃક્ષ સુંદર દેખાય છે. એને હવે ફૂલ આવશે ને?’ વળી પાછી ધીમે ધીમે કહે છે – ‘અમારાં લગ્ન વખતે તમે ટગોરની કવિતાનું પુસ્તક મોકલેલું તે મને ગમેલું. કેટલીય વાર વાંચ્યું. ‘આઇ લવ યુ ફૉર ધૅટ બુક. ઇટ વૉઝ વન્ડરફૂલ ટુ લવ ધ વર્લ્ડ વિથ ઑલ ઇટ્સ પીપલ ઇન સચ બ્યૂટીફૂલ વે.’ પછી પૂછે છે – ‘તમને યાદ છે એ કાવ્યો?’

મરણાસન્ન માને આનંદનો અનુભવ થાય છે. કોઈ આ રીતે પૂછે છે? મારિયા તેની વધારે નિકટ જઈ મૃદુતાથી પૂછે છે, ‘તમને ભય નથી લાગતો?’

‘શાનો ભય?’

‘અજ્ઞાતનો? બધું પરિચિત છોડીને શૂન્યમાં સરી જવાનો? આર યુ અફ્રેઇડ?’ અને માના હૃદયમાં આનંદનું મોજું આવે છે. આ છોકરી મને સમજે છે. મારી ભીતર શી લાગણીઓ છે, એ જાણવાની તેને ખેવના છે. મારા ભયની એને ચિંતા છે અને એ ચિંતા દૂર કરવા માગે છે.

મૃત્યુની પળોમાં એક નવા સંબંધનો ઉદય થતો હોય એમ એને લાગ્યું. મોડો, પણ સુંદર. એ પ્રેમ અને સંતોષથી મારિયા તરફ જુએ છે. પતિ હોવાના સૌભાગ્ય કરતાં આ સૌભાગ્ય મોટું કે અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનો, એક નવા પ્રેમનો ઉદય થાય છે.

ત્યાં ચંદ્ર ઊગતો દેખાય છે. મારિયાનો હાથ પકડી તે ઇશારો કરે છે – ‘જો, તે મને વિદાય આપી રહ્યો છે.’

મારિયા તેના કપાળ પર હાથ ફેરવતાં કહે છે – ‘મે યોર જર્ની બી પીસફુલ – તમારી યાત્રા સુખદ રહો.’ મરનાર માતાના મોં પર રતૂમડી આભા પથરાય છે.

અહીં વાત પૂરી થાય છે. લેખિકાએ જે ઉદ્દેશ્યથી વાર્તા લખી છે, તેનો ઉદય આપણા ચિત્તમાં પેલા ચંદ્રોદયની જેમ આભા પાથરી રહે છે. જીવનમાં ‘સમજનાર’ ક્યાં મળે છે? મારિયા સાથે તો ક્ષણોનો પરિચય હતો. પણ એ ક્ષણોમાં મારિયા મરણાસન્ન માને સમજી શકી હતી, ભલે એ વિદેશિની હોય!

૧પ-૮-૯૩

License

ચૈતર ચમકે ચાંદની Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book