એક આદિ મીમાંસા

આપણો આ દેશ ભાતીગળ છે, એમ તો આપણે વારંવાર કહેતા હોઈએ છીએ. એની ખરેખરી ખાતરી તો આ દેશને જાતે ખૂંદી વળવાથી થાય. પણ એ હંમેશાં ક્યાં શક્ય હોય છે? પરંતુ અન્ય રીતે પણ એ ખાતરી કરી શકાય. દેશની જુદી જુદી ભાષાઓમાં લખાયેલાં સાહિત્યો દ્વારા, અને આજના સમયમાં તો નાટકો દ્વારા, ફિલ્મો દ્વારા. કૉમર્શિયલ ફિલ્મો બાજુએ, એવી સોદ્દેશ કલાત્મક ફિલ્મો ઉતારનાર યુવા દિગ્દર્શકો છે કે, આપણી તળભૂમિ અને સંસ્કૃતિની અભિજ્ઞતા કેળવાય. પ્રચાર વિના પણ મૂલ્ય-પ્રસાર હોય. સૌન્દર્યબોધની સાથે સામાજિક કે સાંસ્કૃતિક બોધ.

આ તો એક વ્યપદેશમાત્ર. હું તો હમણાં હમણાં માણેલી બે ફિલ્મોની વાત કરવા માગું છું. એકમાં સ્થળ છે ઓડિશાનો એક નાનકડો કસબો અને એ કસબામાં વસતાં બે કુટુંબની એ કથા છે. એ. કે. બીર-દિગ્દર્શિત એ ફિલ્મનું નામ છે – ‘આદિ મીમાંસા’.

ઊડિયા ભાષાની ફિલ્મ છે. ગયા રવિવારે બપોરે પ્રાદેશિક ફિલ્મ તરીકે ટી.વી. પર તે બતાવાઈ. બીજી ફિલ્મમાં સ્થળ છે મહારાષ્ટ્રનું બેક, અકાલપીડિત ગામ. સાંઈ પરાંજપેની એ ફિલ્મનું નામ છે ‘દિશા’.

ઓડિશા કે મહારાષ્ટ્ર એ તો સ્થળ માત્ર, ફિલ્મ જાણે આપણી ભૂમિની. ફિલ્મમાં નિરૂપિત ભાવનાવિશ્વ આપણા જ સમાજનું, આપણું. બન્ને ફિલ્મો દિગ્દર્શન અને અભિનય અને ફોટોગ્રાફીની ઉત્તમતાની પરિચાયક. એક સૌન્દર્યાનુભવ અને એનીય પાર.

‘આદિ મીમાંસા’ એવા સંસ્કૃત અને તત્ત્વજ્ઞાનના અભ્યાસવાળા પ્રાચીન નામની સાભિપ્રાયતા તો પછી આપણે ચર્ચવી પડે. ફિલ્મ જે કથા પર આધારિત છે, તે તો સીધીસાદી અર્વાચીન અને રોજબરોજનાં જીવનની છે. બે કુટુંબની વાત છે, બે મિત્રોની વાત છે. તેમાં એક ઓડિશી કુટુંબ છે, બીજું બે-એક પેઢીથી ઓડિશામાં સ્થિર થયેલું ઉત્તર હિન્દુસ્તાની બ્રાહ્મણ કુટુંબ છે. બંને એક જ જૂના મકાનમાં ભાડે રહે છે. એ મકાન અગાઉ એક જ માલિકનું હોવાથી કેટલીક પાણી, ખાળ વગેરેની વ્યવસ્થા સમાન છે. પછી ભાઈઓના ભાગ થતાં બે ભાગ પડી ગયા છે. પાછલા ભાગમાં તો દીવાલ થઈ ગઈ છે, પરંતુ ખુલ્લા ખાળની નીક એક ઘરના આંગણામાંથી બીજા ઘરના આંગણામાં થઈને જાય છે. પાણીનો હૅન્ડપંપ એક ઘરના કંપાઉન્ડમાં છે. અને સામાન્ય ગૃહસ્થી ઘર છે. ઊડિયા પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત એક દીકરી અને બે નાનાં છોકરાં છે. બ્રાહ્મણ પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત વૃદ્ધ માતા અને બે છોકરાં છે. હળીમળીને ચાલે છે. ઉત્તર હિન્દુસ્તાની પરિવારના સભ્યો પણ ઊડિયા ભાષા બોલી લે છે, હિન્દી પણ આવડે છે. બન્ને પરિવારના વડીલ પણ સીધાસાદા ગૃહસ્થો છે. સાધનસંપન્ન નથી. બન્ને સાઇકલ પર નોકરીએ જાય છે અને આવે છે અને રાત્રે સાઇકલ ઘરમાં મૂકે છે. આ બન્ને મિત્રો રોજ સાથે ફરવા જાય અને અલકમલકની વાતો કરતા જાય. છોકરાં વાદવિવાદ કરે, પણ ભેગાં રમે.

આમ ચાલે છે, જેમ આ દેશમાં હજારો પરિવારો એકબીજાનાં પાડોશી તરીકે જીવે છે. ફિલ્મની શરૂઆતમાં ઊડિયા કુટુંબમાં રાતમાં એક ચીસ સાથે જાગી જતી ગૃહિણીથી થાય છે. એને કશુંક દુઃસ્વપ્ન આવ્યું હોય છે. જે વારંવાર આવે છે. પતિ, સૂતેલો પતિ સાંત્વના આપે છે. સવાર પડે છે. છોકરાંને જગાડે છે. છોકરાં ઊઠે છે. ઊઠીને બહાર આંગણામાં આવી ખાળમાં પેશાબ કરે છે અને દાતણ કરે છે.

બાજુનાં કુટુંબમાંથી તો છોકરાં નાહીને આવી ગયાં છે, હૅન્ડપંપથી પાણી ભરવા. એક છોકરો કહે છે – કાલે સાંજે તો કેટલું બધું પાણી ભરી ગયા હતા! બધું થઈ રહ્યું? પછી અમારા કૂવામાં પાણી નહીં રહે.

એ વખતે બાજુના ઘરની ગૃહિણી હાથમાં ઝાડુ લઈ ડોલથી ભરી ભરી પાણી રેડી ખાળ સાફ કરે છે. ઊડિયા ઘર ભણીથી ખાળ વહેતો એના આંગણામાં થઈ જાય છે. ઘરમાંથી વહી આવેલ એઠવાડની ગંદકી લાગે. એ વારંવાર ખાળની નીક સાફ કર્યા કરે.

છોકરાં ભણે તે નિશાળે જાય. બ્રાહ્મણ પરિવારમાંથી છોકરાઓ ચોપડી ખોઈ કાઢે છે, પણ નવી લાવવાના હમણાં પૈસા નથી. છોકરો નિશાળે જવા રાજી નથી પણ એની મા માસ્તરને કહી આવે છે કે, આવતે મહિને ચોપડી લાવશે.

ઊડિયા પતિ છે, તે લેખક છે, કવિ છે. હજી પ્રેમકવિતા લખવા જેટલી જીવનમાં શ્રદ્ધા છે, ભલે આર્થિક અભાવો હોય, બન્ને મિત્રો બજારમાં ખરીદી કરવા જાય છે, પણ માછલીના ભાવ જોઈ ખરીદી કરતા નથી. ખાસ તો ઊડિયા પરિવારનાં બાળકો ‘માછ’ નહીં હોવાથી નારાજ થાય છે, પણ પિતા એમની નારાજગી દૂર કરવા વારતા કહે છે અને એમનું મન રાજી રાખે છે.

ખરીદી કરીને આવ્યા પછી બ્રાહ્મણ પરિવારનો વડીલ હિસાબ માંડે છે – તો આઠ આના ખૂટે છે. એકદમ યાદ આવે છે કે, કેળાવાળાએ રૂપિયો લઈ આઠ આના પાછા આપ્યા નથી. અંધારું થવા છતાં સાઇકલ લઈ માર્કેટ તરફ જાય છે. બહુ મોડું થયું, છતાં આવ્યો નહીં, લેખકમિત્રને ત્યાં એની પત્ની આવે છે. એ તરત મિત્રની શોધમાં જાય છે. ત્યાં એની સાઇકલ ચોરાઈ ગઈ હોય છે. પણ સાઇકલચોર પકડાય છે અને બન્ને મિત્રો સાઇકલ પર પાછા આવે છે.

દિગ્દર્શકે કશુંય કહ્યા વિના માત્ર કેટલીક ઘટનાઓથી, દૃશ્યોથી બન્ને પરિવાર વિષે બન્નેની ઘનિષ્ઠતા વિષે પાડોશી ધર્મ વિષે ઘણું કહ્યું છે. ઊડિયા કુટુંબ પ્રમાણમાં તો ઠીક છે, પણ બ્રાહ્મણ કુટુંબ પ્રમાણમાં વિપન્ન છે. રાતે એકાએક બ્રાહ્મણ પરિવારનો છોકરો માંદો પડી જતાં વળી બને મિત્રો દાક્તરને ત્યાં એને સાઇકલ પર લઈ જાય છે. આમ ચાલે છે. અને મિત્રો રોજ ફરવા જાય છે.

પણ પાડોશીઓમાં લડવાની વાત લેવા જવી ક્યાં દૂર છે? ઈશુ ખ્રિસ્તે પાડોશીને ચાહવાની વાત કરી ત્યારે એમના મનમાં એ જ છે કે, પાડોશીઓનું પરસ્પર ચાહવું અઘરું પણ છે. અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટે તો એમ કહ્યું કે, બે પાડોશીઓનાં ઘર વચ્ચે મજબૂત વાડ હોય તો મિત્રતા સારી ટકે. Good fences make good neighbours.

મકાનમાલિકે ભાડું વધારવાની વાત કરી છે તેથી બન્ને પાડોશીઓ ચિંતિત પણ છે. ત્યાં ગામની એક વિધવા બાઈ જેનો છોકરો લશ્કરમાં જતો રહ્યો છે અને જેની જમીન વગેરે લોકોએ પડાવી લીધેલ છે, તે ઊડિયા ઘરે આવે છે અને જાતજાતની ચડવણી કરે છે, પણ લેખક પતિ એને જાણે છે અને ઘરેથી રવાના કરી દે છે. એ બાઈ એક વખત બીજા પાડોશીને ત્યાં પહોંચે છે. પેલી પડોશણ ખાળ સાફ કરતી હોય છે – બબડતી. એને ચડાવે છે. તમે તો બ્રાહ્મણ. તમે એમનાં મૂતર-પેશાબ સાફ શા માટે કરો છો? વચ્ચેની દીવાલ જ્યાં થઈ ખાળનો એઠવાડ વગેરે આવે છે, તે પૂરી દો વગેરે.

ખબર નહીં પણ કેમ એની વાત એને ગળે ઊતરી જાય છે – એ હવે મોટે મોટેથી સંભળાવે છે. એના પતિને કહે છે કે, તમે બીકણ છો, પણ હું તો એમને સંભળાવી દઈશ. હું કોઈથી બીતી નથી. આમ ઉગ્રતા વધતી જાય છે. એક દિવસ વાત ચરમસીમાએ પહોંચે છે. અને એક દિવસ ઊડિયા કુટુંબ જુએ છે કે એમના ખાળની નિીક ભરાઈ જતાં આંગણામાં પાણી પાણી છે. પાણી વહેતું જ નથી. ખબર પડી કે પેલી બાજુથી નીકનો માર્ગ પૂરી દેવામાં આવ્યો છે. ઢાળ એ બાજુ જ છે. એ તો ઠીક, પડોશણ ચિત્કાર કરી કરીને બોલી રહી છે.

પેલાએ નીક બંધ કરી તો હવે લોકોએ પાણીના પંપનો બાજુના ઘરેથી આવવાનો દરવાજો બંધ કરી દીધો. લો, તમેય લેતા જાવ. હવે? બ્રાહ્મણ પરિવારનાં છોકરાં તળાવથી પાણી ભરી લાવે છે, પણ પીવાનું પાણી? છોકરાંને તો આ ગમતું નથી – એય વડીલોના ઝઘડાથી દુઃખી છે. સાથે રમી શકતાં નથી. પરંતુ બાળકો પરિસ્થિતિ ઝટ પામી જાય છે. બે મિત્રો રોજ સાથે ફરવા જતા, તેને બદલે હવે એકલા લેખક ફરવા જાય છે. એમ બતાવીને વિખવાદનો સંકેત દિગ્દર્શકે કર્યો છે.

બ્રાહ્મણ પરિવારે હવે બીજે ઘર ભાડે રાખવાનું વિચાર્યું. બિચારો ભલોભોળો બ્રાહ્મણ (મોહન ગોખલે) પત્ની(નીના ગુપ્તા)નો વશંવદ છે. એક દિવસ બ્રાહ્મણ પરિવારના આંગણામાં ત્રણ સાઇકલ-રિક્ષાઓ આવીને ઊભી રહે છે. ઘરમાંનો સામાન તેમાં ભરાય છે. છોકરાં એક એક ચીજ તેમાં લાવીને મૂકે છે, ઉદાસ બની.

ઊડિયા પરિવારમાં સ્તબ્ધતા છવાઈ જાય છે. પત્ની દુઃખી છે, પણ વિચારે છે કે, મારો ક્યાં વાંક છે? એ લોકોએ પહેલાં ખાળ બંધ કર્યો અને મોટે મોટેથી વેણ સાંભળાવ્યાં! લેખક પતિ વિચારે છે – આમ પડોશી મિત્ર જાય તે સારું નથી જ. અગાઉ એણે પોતાનું દુઃખ એક કવિતા દ્વારા પ્રકટ કર્યું છે. કવિતા અધૂરી હતી –પોતાની પત્નીને વંચાવી કહ્યું – તું પૂરી કર. પણ કવિતા હતી બે પડોશીઓ વચ્ચે પડેલ તિરાડની.

લેખકે એકદમ વિચારી લીધું. હું સામેથી જાઉં – એમને મનાવવા, એમાં મારી હાર છે ભલે, પણ એ હાર હું સ્વીકારી લઉં છું. કદાચ એ હારમાં મારી જીત છે. એ ઊભો થાય છે અને બાજુના ઘરે પહોંચી જાય છે. પડોશી મિત્રને સામાન ભરતો અટકાવે છે. કહે છે, નથી જવાનું. હૅન્ડપંપે પાણી ભરવા જવાનો દરવાજો ખોલી નાખું છું. બ્રાહ્મણ મિત્ર જોઈ રહે છે – અને બન્ને ઘરનાં છોકરાં તો વળગી જ પડ્યાં રિક્ષામાં ગોઠવેલી ઘરવખરી પાછી ઘરમાં લઈ જવા.

આ બાજુ ઊડિયા ગૃહિણી પોતાને ઘેર કરેલી બધી બપોરની રસોઈ એક પછી એક હાંડલીમાંથી કાઢી ટિફિનમાં ગોઠવે છે, અને ચૂપચાપ પોતાની દીકરી સાથે પાડોશી બ્રાહ્મણ કુટુંબને ત્યાં મોકલી આપે છે. એ ઘેર તો આજે રસોઈ બની નથી અને છોકરાં તો એકદમ ભેગાં મળી રમવા લાગી ગયાં છે. અહીં દિગ્દર્શકની સૂક્ષ્મ કલાદૃષ્ટિ જોવા મળે છે.

રોજના ક્રમે બન્ને મિત્રો ફરવા નીકળવા તૈયાર થાય છે અને વરસાદ પડવો શરૂ થયો છે. ક્ષણેક બંને ખચકાય છે કે આવા વરસાદમાં નીકળવું કે ન નીકળવું અને પછી એકદમ છત્રી કે કંઈ લીધા વિના ઝીંક દેતા વરસાદમાં સાથે ફરવા નીકળી પડે છે. એ બે મિત્રો નહીં, આપણે જાણે ભીંજાતા જઈએ છીએ. એક સહજ સરળ અને છતાં વિરલ એવી માનવતાની વૃષ્ટિથી.

ફિલ્મની કથાનો કેટલો નાનો ફલક છે? બે પાડોશીઓની જ વાત, અને તે પણ રોજબરોજની ઘરગૃહસ્થીની સામાન્ય ઘટનાઓની.. પણ એ જ તો વ્યક્તિના જીવનમાં મહત્ત્વની છે. આ આપણું જીવન – જરાસરખું સૌન્દર્ય, કેવો સહવાસનો આનંદ આપી શકે? એકે ખાળમાંથી પાણી ન જવા દીધું – બીજાએ નળથી પાણી ન ભરવા દીધું – બસ આટલી અમથી વાત – આમ તો એકબીજાનાં સુખદુઃખનાં સાથી હતા. આવું જ બનતું હોય છે. ‘હું શાની નમું?’, ‘એ મોટી હોય તો એના ઘરની’, ‘આપણે કંઈ કમ નથી.’ ‘બતાવી દઈશ –’ આ ક્ષુદ્ર અહમ્‌ને પોષી વિ-સંવાદ ઊભો કરાતો હોય છે. જો અહમ્‌નું થોડું વિગલન થાય. લેખક પતિની જેમ વિચારાય – ભલે મારી હાર ગણાય. હું પહેલો જઈશ, મનાવવા – તો સંવાદ રચાતાં વાર ન લાગે. તે પણ શું આ બે દરિદ્ર પાડોશી કુટુંબોની જ વાત છે – આ વાત બે પાડોશી રાજ્યો વચ્ચેની નથી બની જતી? નર્મદાનું પાણી કોને કેટલું મળે? કાવેરીનું પાણી કોને કેટલું મળે? બંધ બાંધીને એક રાજ્ય કાવેરીનાં જળ રોકી દે, બીજું રાજ્ય તરસ્યું રહે. એક જ ભારતભૂમિનાં બે રાજ્યો એટલે કે પાડોશીઓમાં એક ઊડિયાભાષી અને બીજા હિન્દીભાષી છે.

એમાંય સંકેત છે. એક દેશનાં રાજ્યોની જ વાત ક્યાં? હિન્દુસ્તાન અને પાકિસ્તાન જેવાં મૂળે એક દેશનાં પાડોશી રાષ્ટ્રોના સંબંધો સુધી આ બે પાડોશીઓની કથાની વ્યંજના વિસ્તારી શકાય એમ નથી?

‘આદિ મીમાંસા’ જેવું ભારે નામ શા માટે રાખવામાં આવ્યું હશે એનો વિચાર કરું છું. મેં મારા પાડોશીમિત્ર સાથે ચર્ચા કરી. કચરો, ખાળ કે પાણી કે એવી બધી બાબતે એમની સાથે બોલવાનું થાય છે. પણ એમણે અડધાથી થોડી વધારે ફિલ્મ જોઈ હતી, અંત જોયો નહોતો, છતાં ચર્ચા તો થઈ.

મીમાંસા તો મોટો શબ્દ છે – તત્ત્વચર્ચા અને આદિ એટલે કે પહેલી તત્ત્વચર્ચા કઈ? શું એમ કહી શકાય કે માનવજીવનમાં એક પહેલી તત્ત્વચર્ચા – આદિ મીમાંસા તે તો આપણી આસપાસની, આપણા

પાડોશીઓ સાથેના સંબંધોની, પછી દુનિયાભરની કે દુનિયાપારની.

મને જે એક બીજો પક્ષ ગમ્યો તે તો ઊડિયા ભાષાનો પણ. હું ઊડિયા શીખ્યો છે. મારે ઊડિયા મિત્રો પણ છે, છતાં પણ બોલચાલની ઊડિયા સમજતાં હજી થોડી વાર લાગે છે. જોકે ઊડિયા ધ્યાનથી સાંભળો તો પહેલી વાર સાંભળનાર પણ ઘણુંબધું સમજી શકે એ રીતે ઉચ્ચારાય છે, કેમ કે એમાંય બંગાળીની જેમ ઘણા સંસ્કૃત શબ્દો છે. બ્રાહ્મણ પરિવાર હિન્દીભાષી છે, પણ ઊડિયા બોલે છે, હિન્દી બોલે છે, ક્યારેક મિશ્ર. એ પણ સાંભળવાનો અનુભવ કરવા જેવો છે.

‘આદિ મીમાંસા’ની શ્રેષ્ઠતા એમાં છે કે, આખી ફિલ્મ અન્ડર ટોનમાં છે અને વ્યંજનાત્મક પણ છે, એથી એ અતિ પ્રભાવક બની છે.

૧૩-૯-૯૨

License

ચૈતર ચમકે ચાંદની Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book