રૂપરમ્યા નવોઢા

આસોના આ દિવસો મનમાં કશીક માદક વ્યાકુળતા જન્માવે છે. એનું કારણ માત્ર સ્વચ્છ નીલ આકાશમાં તરતો શશિયર અને ઘરની પશ્ચિમ દિશાની બારીમાંથી ચુપચાપ પ્રવેશી વહેલી સવારે પથારીમાં પથરાઈ જતી એની સુધાધવલ જ્યોત્સ્ના જ નથી, એ જ્યોત્સ્ના વહેલી સવારે ઝરતા પારિજાતની સુગંધિત સ્મૃતિ પણ ઠંડી પવન લહેરખીની સંગે લઈ આવે છે. એ તો ખરું પણ નગરનિવાસી બનેલા ખેડુપુત્ર એવા મને ગામની સીમમાં લઈ જાય છે આ દિવસો. બાજરી વાઢી લીધી છે. મગ, ગવાર, તુવેર આદિ કઠોળના છોડ ખેતરમાં ઊભા છે. બાજરી લણવાનું કામ ચાલે છે, ખેતર વચ્ચે પૂળાની આંઘલી છે. ખેતરે ખેતરે પાણેઠોનો રંગ ધર્યો છે. ત્યાં પંખીઓનાં ઝુંડ ચણ માટે ઊતરી આવે છે, કલબલાટ કરે છે અને ઊડાઊડ કરે છે.

ગામની ભાગોળોમાં ખળાં થઈ ગયાં છે. ગરબાના તહેવાર પહેલાં બાજરી લઈ લેવાની ક્યાંક ઉતાવળ છે. તહેવાર પ્રસંગે નવી વહુવારુઓ આણાં કરીને આવી છે. તે અનભ્યસ્ત ઘૂમટા કાઢીને આવતી-જતી દેખાય છે. આંબાતળાવનાં પાણી નીતરાં થયાં છે!

નર્યું નોસ્ટાલ્જિક-સ્મૃતિભારાતુર આ ચિત્ર છે. આજે એવું કશું ત્યાં નહિ હોય. અથવા બદલાઈ ગયું હશે, પણ મારી સ્મૃતિમાં સચવાયેલું છે અને આસોના આ દિવસોમાં અચૂક એ બહાર છટકી આવે છે અને વ્યાકુળ કરે છે.

‘આસોમાસો શરદ પૂનમની રાત જો’ એવા ગામના ગરબાના સૂર મોડી રાત સુધી ગુંજરતા રહેતા. સ્વચ્છ ચાંદની રાતની માદકતાનો અબોધપૂર્વ અનુભવ ઊંડે ઊંડે વ્યાપી રહેતો. આજે આ વિરાટ નગરમાં પણ આસોના આ દિવસોમાં ચંદ્ર જુદી અપીલ કરે છે. ભલે પેલી સ્વચ્છ ચાંદની અહીં નથી. યુનિવર્સિટીનાં મેદાનોમાં ધીમે ધીમે ઠરતી ચાંદનીમાં ચાલું છું ત્યારે પછી હું કવિઓની મદદ લઉં છું. જીવનના સીધા અનુભવની જેમ કવિતાના અનુભવથી શરદના આ દિવસોની, શરદની આ રાત્રિઓની સભાન પણ સઘન મિત્રતા અનુભવું છું.

ઋતુ કવિતાની વાત આવે એટલે મને તો કાલિદાસ અચૂક જ યાદ આવે. છ ઋતુઓના સૌન્દર્યને રજૂ કરતું કાવ્ય ‘ઋતુસંહાર’ એણે લખ્યું છે. (સંહાર એટલે સમુચ્ચય. સં+હ્ર = ભેગું કરવું તે. વેણીસંહાર – એટલે વેણી બાંધવી તે. દ્રૌપદીએ દુઃશાસનનું રક્ત સીંચી પોતાની વેણી બાંધવાની પ્રતિજ્ઞા કરેલી ને!) કદાચ એ ઋતુઓ વિષેનું પ્રથમ આગવું (Exclusive) કાવ્ય છે. જોકે કવિ ઉમાશંકર કહે છે, તેમ દરેક કવિએ પોતાનું ‘ઋતુસંહાર’ ગાવાનું રહે છે. પણ કાલિદાસની વાત ન્યારી. બીજા આપણા જોષી – સુરેશ જોષીએ કાલિદાસનું કેવું બહુમાન કર્યું છે? કહે છે – એ માણસ જરા છે જ ખરાબ અને પછી મર્મમાં હસતાં જાણે કહે છે – ને ખરાબને દુનિયા જલદી ભૂલતી નથી. કાલિદાસ ઇન્દ્રિયોનું લાલનપાલન કરનારો કવિ છે… વગેરે.

પણ આપણે તો ઋતુઓની વાત કરતા હતા. કોઈ પણ ઋતુ કેમ ન હોય, એની આ કવિની યુવાન સર્જકતાને ખબર છે. યુવાન સર્જકતા એટલા માટે કહું છું કે કવિ કાલિદાસની આ પહેલી રચના છે અને એમાં પહેલી રચનાની કેટલીક કુમળી કચાશો પણ પંડિતોને દેખાઈ છે. કચાશની તાજગી પણ એટલી જ છે. આ કવિ માત્ર ઋતુએ ઋતુએ બદલાતી પ્રકૃતિની વાત નથી કરતો, એ પ્રકૃતિની યુવાન હૈયાં પર શી અસર થાય એની પણ જાણે અનુભવસિદ્ધ ચિત્રણા કરે છે. પ્રકૃતિપ્રેમની સાથે પ્રેમપ્રકૃતિનીય વાત. મનુષ્યજીવન અને પ્રકૃતિના સંબંધની વાત.

આ કાલિદાસ આપણી આંખોમાં પણ એક જાતનું એવું અંજન આંજે છે કે એ જેની કવિતા કરે, તે વાંચતાં આપણને પણ એવું દેખાવા લાગે. આપણે પહેલાં જોતા હોઈએ, પણ ધ્યાન જ ન ગયું હોય, પછી એની કવિતા વાંચો એટલે અન્ય કશું ન દેખાય. શેક્સપિયરના પેલા ‘મધ ઉનાળાની રાતનું સપનું’ નાટકમાં આવે છે કે કોઈ સૂતેલાની આંખમાં અમુક પ્રકારનો જ્યૂસ પાડવામાં આવે પછી એ જાગે અને જેને પહેલો જુએ એના જ પ્રેમમાં પડી જાય. પછી ભલે પ્રથમ દર્શન શ્રી વૈશાખનંદનનું જ કેમ ન હોય. કંઈક એવું કાલિદાસની કવિતાનું આ અંજન. કોઈ પણ મોટા કવિની કવિતા વિષે જોકે એટલું જ સાચું.

કાશાંશુકા વિક્ચપદ્રમનોજ્ઞવક્ત્રા
સોન્માદહંસરવનૂપુરનાદરમ્યા
આપક્વશાલિરુચિરાનતગાત્રયષ્ટિ
પ્રાપ્તા શરન્નવવધૂરિવ રુપરમ્યા.

આ દિવસોમાં એટલે, કાલિદાસનો આ શ્લોક વસંતતિલકાની લયાન્વિતતા સાથે વારંવાર ઓઠે આવે.

અહીં પ્રકૃતિ નારીરૂપા છે. એટલું જ નહિ, એ નારી પાછી નવોઢા છે, નવી વહુવારુ અને તે પણ રૂપરમ્યા અને એય તે પાછી પ્રિયતમને મળવા અધીરી કોઈ વાસકસજ્જા છે.

શ્વેતકાશપુષ્પોનાં એણે વસ્ત્રો ધારણ કર્યાં છે. ખીલેલાં કમળોથી તે મનોહર વદનવાળી છે. એના ચાલવાથી ઝાંઝરનો રમણીય નાદ બજે છે. પણ ઝાંઝર ક્યાં? તો કહે કે ઉન્માદિત હંસોના રવરૂપી ઝાંઝર. નવવધૂ છે ને? લજ્જાથી જરા નમેલી છે, તે કેવી રીતે? તો કહે કે નમેલાં છોગલાંવાળી પાકવા આવેલી ડાંગરથી કરીને રમ્ય આનત (ઝૂકેલી) ગાત્રયષ્ટિવાળી છે. આ નવોઢા કોણ? તો શરદ.

આ શ્લોક બોલતાં બોલતાં ક્યાંક તો હું પ્રકૃતિ જોઉં છું. ક્યાંક નારી. નદી – જળાશયોને કાંઠે આ દિવસોમાં કાશનાં શ્વેત પુષ્પોની કલગીઓ પવનમાં લહેરાયા કરતી હોય છે. સાંઠી જેવી પાતળી કાયા પર શ્વેત રંગનો ફુવારો! આ દિવસોમાં જલાશયોમાં, અરે ખાબડામાં પણ રંગરંગનાં કમળ ખીલી ઊઠ્યાં હોય છે. આકાશમાં તીરાકૃતિમાં બલાકા ઊડતી જોવા મળે છે. હંસ તો આ બાજુ ક્યાંથી હોય? ડાંગર દાણા ભરાવાથી લચી પડી છે ખેતરેખેતરોમાં. કવિનું અદ્વૈત દર્શન કેવું કે આવી આ શરદમાં એક રૂપરમ્ય નવવધૂને ચીતરી દીધી!

મને પણ શરદ નવવધૂ જેવી દેખાવા લાગી. ખાસ તો પાકેલા દાણાના ભારથી ઝૂકેલી ડાંગરમાં નતગાત્રયષ્ટિ નવવધૂ જોતાં કવિની કલ્પનાની રુચિરતા પણ સ્પર્શી ગઈ.

પરંતુ આ નગરમાં કાશપુષ્પ ક્યાં જોવાં? ક્યાં જોવી પાકેલી ડાંગર? ક્યાં જોવાં કમળ? માત્ર કલ્પના કરવાની રહી. ખેતીપ્રધાન આ દેશના આ કવિની આ કલ્પના પણ કેટલી સમુચિત! હું ક્યાંક જોયેલાં કમળ, ક્યાંક જોયેલાં કાશ, ક્યાંક જોયેલાં લચી પડેલાં ડાંગરનાં ખેતર, ક્યાંક જોયેલા હંસ – આ બધાંને જોડી એક નારીરૂપ જોતો હતો, કાલિદાસે આંજેલા અંજનથી.

પણ એક ઘટના બની ગઈ. સૂરતની ઉમરા લાયન્સ ક્લબે ભારતીય કવિતાપ્રસંગનું આયોજન કર્યું હતું, તેમાં ભારતની જુદી જુદી ભાષાઓના કવિઓ કાવ્યપાઠ કરવા આવવાના હતા. ત્યાં જવા ગુજરાત એક્સપ્રેસમાં વહેલી સવારના અમદાવાદથી નીકળ્યો હતો. કવિતાની વાત સ્વાભાવિક રીતે ચિત્તમાં જાગતી હતી, પણ શરદની શોભા રેલલાઇનની બન્ને બાજુ આંખોને ખેંચતી હતી. કોસમ્બા ગયું અને પછી થોડી વારમાં વેગથી જતી ગાડી થંભી અને થંભી જ ગઈ. ખબર પડી કે ફોલ્ટ થવાથી વીજળીનો પ્રવાહ કપાઈ ગયો છે, અને ગાડી ચાલશે નહીં.

પણ એકાએક સારું લાગ્યું. બારી બહાર જોયું તો રેલલાઇનની ધારે પાણી ભરાયેલાં ખાબડાં છે. તેમાં અસંખ્ય લાલ કમળો ખીલ્યાં છે, જાણે કમળતલાવડીઓ! અહો, આ તો શરદ નવવધૂનું મનોહર મુખ. ‘વિકચપદ્મમનોજ્ઞ વક્ત્ર.’

ત્યાં જરા દૂર કૅનાલમાં પાણી વહી જતાં હતાં. કૅનાલને કાંઠે કાંઠે લહેરાતાં હતાં શ્વેત કાશ ફૂલ. આ તો શરદવધૂનાં શ્વેત વસ્ત્રો! હવે હું શોધવા લાગ્યો ઝૂકેલી ડાંગરનાં ખેતર – પણ અહીં તો શેરડીનાં ખેતરો હતાં. ડાંગરનાં ખેતરો તો વચ્ચે આવી ગયાં. ઊભી રહેલી રેલગાડીની બારી બહાર જોતાં જોતાં મારાથી બોલાઈ ગયું :

‘કાશાંશુકા વિકચપદ્મમનોજ્ઞવક્ત્રા’

કાલિદાસ અને મારી વચ્ચેનું બે હજાર વર્ષનું વ્યવધાન સરી ગયું. આ દેશની પ્રકૃતિ હજી એ જ છે, જે આ કવિએ જોઈ હતી. મેં એ રૂપરમ્યા નવવધૂ શરદને જોઈ છે. હવે ગાડીને જ્યારે ઊપડવું હોય ત્યારે ઊપડે! આવું સુંદર મુખ જોવાનો કંટાળો કદી આવે ખરો?

૪-૯-૯૪

License

ચૈતર ચમકે ચાંદની Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book