ચોમાસું હવે પૂરું થવામાં છે. જોકે ચોમાસાનો આસો મહિનો હજુ આખો બાકી છે, પણ વરસાદના દિવસો તો લગભગ ગયા. આ ચોમાસામાં જતાં જતાં પણ ગુજરાતમાં તો વરસાદે રંગ રાખ્યો છે. કચ્છના ભુજમાં પણ હમીરસર ભરાઈ ગયું. ગુજરાતના બધા ડૅમ છલકાયા. મરેલી નદીઓમાં પાણી વહેતાં થયાં. આ અમદાવાદની સાબરમતી જ જુઓને!
ચોમાસું બેઠાં પહેલાં હવામાન ખાતાની આગાહી હતી, કે આ વખતે વરસાદ ઓછો પડવાનો છે. પછી તો જોષીઓ પણ વરતારો કરતા રહ્યા કે વરસાદ ઓછો છે, પણ વરસાદે સૌને ખોટા પાડ્યા. મેઘાના મનને કોણ કળી શકે છે!
વરસાદ પછીના ઉઘાડવાળા આ દિવસોમાં બહાર નીકળી પડવા જેવું છે. ઓતરાચીતરા (ઉત્તર ચિત્રા નક્ષત્ર)નો તાપ ભારે છે, તેમ છતાં આ દિવસોમાં ઘર કે ગામનું ગોંદરું મૂક્યા પછી જરા બહાર નીકળીએ કે લાગે, આપણો મુલક પણ કેટલો રળિયામણો હોઈ શકે છે!
શરદઋતુ આમ તો કહેવાય એટલે આકાશમાં વાદળ હોય, પણ શ્વેત. દાન કરીને શોભતા સજ્જનો જેવાં. આકાશ રામના વદન જેવું નીલ. વદિ આઠમ, નોમની. મધરાતે દેખાતો ચંદ્ર શીતળતાનો સ્પર્શ કરાવી રહે.
આંગણે પારિજાત હોય તો રાતના પાછલા પહોરમાં એની સુગંધ બહેકાવી રહે.
થોડા દિવસો પછી રજાઓ આવવાની છે, અને સુખી પ્રકૃતિપ્રેમી લોકો દૂરસુદૂરનાં પર્યટક-સ્થળોએ જવા ટિકિટો આરક્ષિત કરાવવા લાગી ગયા છે, પણ ઘરઆંગણાના સૌન્દર્યદર્શન માટે એમાંથી ઘણા પાસે આંખો નથી. શાળાના આચાર્ય કે અધ્યાપકો પણ દૂરના પ્રવાસો ગોઠવશે, એય તે ખોટું નથી, પણ વિદ્યાર્થીઓને લઈને જરા થોડાં નજીકનાં સ્થળોએ તો નીકળી પડવું જોઈએ. ઝાકળભીની સવારો અપૂર્વ ચૈતન્યનો સ્પર્શ કરાવી રહેશે.
અરે, આ દિવસોમાં બાવળ જેવા બાવળને પણ જોવાનો સમય મળે ને તોય એની રૂપશ્રીથી રાજી થઈ જવાય. એ પાંદડીએથી લીલોછમ તો છે, કાંટા પણ એના મુલાયમ થઈ ગયા છે અને એને બેઠાં છે સુવર્ણનાં ફૂલ.
ક્યાંક જળ ભરેલું ખાબડું હશે, એનાં પાણી નીતરેલાં બની ગયાં હશે, આજુબાજુનું, ઉપરના અભ્રછાયા આકાશનું પ્રતિબિંબ ઝીલતાં હશે, નાનાં નાનાં તળાવડાં તેય કદીક તો દર્પણ.
ક્યારેક રસ્તાની ધારે ઝાડી ઝૂક્યો ઢોળાવ ઊતરી નિભૃતે ચુપ પાણીના આવા એક ખાબડા પાસે જઈ ઊભા રહો તો તેની પોતાની એક આખી સૃષ્ટિ, એક જગત તમને બે ઘડી લુબ્ધ કરશે. એ સ્થિર પાણીને તળિયેથી નીકળતી ઘાસની અણીઓ, એની વચ્ચે સેલારા લેતાં (સુરેશ જોશીનો પ્રિય શબ્દ) જળજીવડાં, કાંઠે કોઈ ગાય કે ભેંસનાં ઊંડાં ખૂંપેલાં ખરીનાં પગલાંમાં ભરાયેલાં નીર, બાવળનાં ગરેલાં સુવર્ણ ફૂલથી ઢંકાયેલો એનો કેટલોક ભાગ, બાજુમાં ઊગી આવેલા મોસમી છોડવા, ત્યાંથી ચડઊતર કરતા મંકોડાઓની સ્થિર પ્રવૃત્તિ. એ ખાબડામાં જરા ઝૂકીને જુઓ તો તમારી આનનશ્રી પણ ઝળકી ઊઠે. આવાં ખાબડાં શોધવા ક્યાં દૂર જવાની જરૂર છે!
ભાદ્રપદ અને આસોમાં ખરી શોભા તો અલબત્ત ખેતરોમાં હોય છે. નગરમાં સ્વેચ્છાએ નિર્વાસિત થયેલા મારા જેવા ખેડુપુત્રને તો આ ઋતુમાં ખેતરોનું બેહદ આકર્ષણ રહે છે. નગરમાં બેઠાં બેઠાંય એ ખેતરોની ગંધ નાકે લઉં છું. કદીક નક્કી કરું છું કે ગામ પહોંચી જાઉં. ગામને ખેતરે જવાય નહિ અને જીવ હિજરાય.
આ દિવસોમાં મારે ઘેર ગામડે તો ન જવાયું, પણ એક મિટિંગ નિમિત્તે અંબાજી જવાનું થયું. એટલે દૂર મિટિંગ! પણ પછી તો આ દિવસોમાં ઘરની બહાર જવાના વિચારમાત્રથી ઉત્સાહનો સંચાર થયો. અંબાજી જવાનો પ્રાંતિજ-ઈડર-ખેડબ્રહ્માવાળો રસ્તો આમેય મને ગમે છે. માત્ર એસ.ટી. થાનકેથી છેક નરોડાના ઔદ્યોગિક વિસ્તાર સુધીનો માર્ગ – શું જતાં કે શું આવતાં – ભારે નિર્વેદ ઉપજાવનારો બની રહે છે. આલાપચારી ડૉ. ધનાનંદ શર્મા સાથે વાતચીતમાં જ એ રસ્તો પસાર કર્યો.
પણ પછી ખેતરો વચ્ચે વહી જતો હાઈ-વે. ઘણા સમય સુધી ઘર ને યુનિવર્સિટી સુધી આબદ્ધ રહ્યા પછી વનવગડાની કેવી તો મોકળાશ. ખેતરો મોલથી ભર્યાં ભર્યાં. રસ્તાની ધારે પાણી પીતી તૃપ્ત વૃક્ષોની હારની હાર. મન બસની બારીમાંથી ક્યારેક ખેતર વચ્ચે જઈને ઊભું રહી જાય, જ્યાં બાજરિયાં ડોલી રહ્યાં હોય. ઘઉં કરતાં બાજરી સાથે અમારે વધારે ઘરોબો.
તેમાંય વળી બસ લગભગ ખાલી હતી. શ્રાદ્ધના દિવસોમાં લોકો બહુ બહાર નહિ જતા હોય. હિંમતનગર આવ્યું અને એની પાદરે વહેતી હાથમતીમાં પણ આ વખતે તો પાણી વહેતું જોયું. અને નદીમાં પાણી વહેતું હોય એટલે આપોઆપ એને કાંઠે પ્રવૃત્તિ વધી ગયેલી હોય.
ક્યાંક ખરાબા આવે અને ઢોર ચરતાં હોય. રવિવાર હતો એટલે નિશાળિયાઓ ગોવાળિયાઓ બની ગયા હતા આજે. ઢોર ચરતાં હોય અને નિશાળિયા રમતા હોય. એમની વચ્ચે જઈ ભમરડા કે લખોટીઓ રમવાની રમતમાં જોડાઈ જવાય જો! થોડી વાર તો હું મારા સોજા ગામના આંબા તળાવની ઝાંઝરીમાં બાવળની છાંયે જાણે રમી રહ્યો છું. બસમાં જ હતો. મન સ્વેચ્છાચારી બની ગયું હતું માત્ર.
ઈડર પછી તો જે મઝા છે – માર્ગની બન્ને બાજુની વગડાઉ શોભાને જોવાની. ઇડરિયા પથ્થરોનું પ્રતિબિંબ ઝીલતું રાણી તળાવ છલોછલ ભરાઈ ગયેલું હતું. આ વખતે આ પંથકમાં વરસાદ પ્રમાણમાં સારો છે. બનાસકાંઠામાં તો નદીઓમાં પૂર આવી ગયાં. બનાસે તો રૌદ્રરૂપ બતાવેલું. ઈડર પછી ખેડબ્રહ્મામાં પેસતાં જાણે ઋગ્વેદકાલીન આબોહવા. એ નદીઓના સંગમનું દૃશ્ય ખેડબ્રહ્મામાં ઊતરીને જોયું છે? અથવા ખેડબ્રહ્મા ગામમાં આંટો લગાવ્યો છે? બસવાળા પંદર મિનિટનો હોલ્ટ આપે છે, એટલે પ્રવાસીઓ દોડતા દોડતા નાના અંબાજીનાં દર્શન કરીને હાંફતા અને નાળિયેર અને સાકરિયાનો પ્રસાદ સહપ્રવાસીઓને વહેંચતા બસમાં આવી જાય. ખેડબ્રહ્માને સૂંઘવાથી જ એની પ્રાચીનતા પમાય એવું છે. ખેડબ્રહ્મામાં જે નવી કૉલેજ થઈ છે, તે પહાડીના ઢોળાવ પર અદ્ભુત લાગે તેવી જગ્યાએ છે. ત્યાંથી નીચે સંગમનું સ્થળ વિશાળતાનો અનુભવ કરાવે.
પણ આ વખતે તો હું માત્ર બસમાં હતો. ઈડરથી ડૉ. બિન્દુ ભટ્ટ એ જ મિટિંગમાં જવા સાથે જોડાયેલાં. એ પણ પ્રકૃતિપ્રેમી જીવ. ખેડબ્રહ્મા પછી પહાડીઓ અને પહાડી માર્ગ લગભગ શરૂ થઈ જાય છે. એની તો ખરી શોભા છે. હમણાં હજારો અંબાભક્તો પગપાળા અંબાજી ગયા હતા. એ આખે રસ્તે ‘જય અંબે જય અંબે’ બોલતા જતા હશે. પણ અંબાનું આ જે પ્રકૃતિરૂપ તે તરફ કેટલાએ જોયું હશે?
શો માર્ગ અને શી માર્ગની નજીક દૂર દેખાતી પહાડીઓની શોભા!
મારું ચાલે તો શાળાના તમામ વિદ્યાર્થીઓને ખેડબ્રહ્માથી અંબાજીના માર્ગે ટ્રૅકિંગનો ફરજિયાત આદેશ બહાર પાડું. કેટલેક સ્થળે તો સ્કૉટલૅન્ડની શોભા, રમ્ય ઢોળાવવાળી લીલીછમ પહાડીઓ, ક્યાંક ઢોળાવ શરૂ થાય છે પ્રકર્ષક લૅન્ડસ્કેપ. વચ્ચે જેટલી નાનીમોટી નદીઓ આવે, તે બધી સ્વચ્છતોયા અને કલકલ કરતી વહેતી જતી હોય. પાણી પર નજર પડે તો નીચેની વેકુળ દેખાય.
પાણીમાં રમતાં હોય છોકરાં. નિરાંતજીવે બેઠાં હોય ઢોર. નહાતી હોય ગ્રામનારીઓ. આ બધી નદીઓ પછી વાંકીચૂકી વહી જતી હોય. આ દિવસોમાં કદાચ આ વરસે જ આટલું પાણી આ નદીઓમાં છે. બિન્દુએ કહ્યું કે જો આપણું વાહન હોત તો અહીં થોભાવી દેત. પછી બીજી નદીએ પણ એવી જ વાત, અહી તો થોભાવી જ દેત. મને પણ એમ જ થતું હતું – પણ એસ.ટી. તો દોડ્યે જ જતી હતી, એય તે ઠીક હતું. નહીંતર મિટિંગ મિટિંગને સ્થળે રહી જાય. ડૉ. ધનાનંદ શર્મા, દૂરની બહુ યાત્રાઓ નથી કરતા, પણ આ યાત્રાનો માર્ગ એમનેય પ્રસન્ન કરી રહ્યો હતો.
ત્યાં તો પહાડીઓ વચ્ચે એકલ એકાંતમાં વહી જતી એક વિશાળ પટવાળી નદી આવી. આ વળી કઈ નદી? અત્યાર સુધી અમારી ઘેલછાનો સાક્ષી આ રસ્તેથી રોજ જનાર કંડક્ટર પણ રહી રહીને બારી બહાર જોતો હતો. એકદમ કહે – આ આપણી સાબરમતી.
સાબરમતી. સ્વતંત્ર સ્વચ્છંદ નવયૌવના કન્યા સમી સાબરમતી. આ એનો નિસર્ગમાર્ગ અને એની નૈસર્ગિક ગતિ – હજી ધરોઈનો બંધ તો દૂર છે. સવારે જ એલિસબ્રિજ પરથી આ સાબરમતીને જોઈ હતી. બન્ને કાંઠે કેટલાક દિવસથી વહે છે. પણ એ તો ધરોઈ ડેમ સત્તાવાળાઓની કૃપાથી – એવું મનમાં થાય. એક વખત નદીનાં જળ બંધાય, પછી એ ગમે તેટલાં છૂટાં થઈને વહેતાં કેમ ન હોય, એ જળનું કૌમાર્ય જાણે નષ્ટ પામ્યું છે એવું લાગે. જ્યારે આ આરાસુરની પહાડીઓ વચ્ચે વહી જતી સાબરનાં જળ તો કુંવારાં જ!
અહીં તો ખરેખર ઊતરી જ જાત, જો અમારું વાહન હોત. અહીં ટ્રૅકિંગ કરતા, પગપાળા ચાલતા જવાનો આનંદ પણ અનન્ય હોત. ગામ/ નગરનાં બાળકો જો સાબરમતીનું આ રૂપ જુએ તો પ્રકૃત નદી શું તે એનાં જળમાં રમીને પ્રમાણી શકે. સાબરમતી તો નજર આગળથી ક્યારનીય અદૃશ્ય થઈ ગઈ હતી, પણ એની વળાંકગતિ મનમાં રહી ગઈ. શ્વભ્રવતી – કોતરોવાળી એવી એક વ્યુત્પત્તિ સાબરમતી નામની છે, પણ એવું નામ પાડનારો પોથીપંડિત કોણ હશે? સાભ્રમતી – એટલે કે વળાંકોમાં રમતી ભમતી તે સાબરમતી એવી લોકપ્રિય વ્યુત્પત્તિ શાસ્ત્રીય ન હોય તોય આ નદીના સ્વભાવની ઓળખાણ આપે છે.
પહાડી માર્ગે બસ વેગથી સરતી હતી, દૂરનાં બે ઊંચાં લીલાં શિખર નજરમાં આવ્યાં કરે. ત્યાં અરે! ધુમાડો બહાર કાઢતી ચીમનીઓ દેખાઈ. સિમેન્ટની ફૅક્ટરી. વારાફરતી બેત્રણ ફૅક્ટરીઓ આવી અને મન ખરાબ બની ગયું. નજીકના બાલારામમાં પણ જ્યારે સિમેન્ટ ફૅક્ટરીની શરૂઆત થઈ ત્યારે પર્યાવરણના બધા નિયમો નેવે મૂકીને એક સાંસદે કેન્દ્રમાંથી અનુમતિ મેળવેલી. શ્રી યશવંત શુક્લે ‘સંદેશ’માં સખત લેખ લખેલો –પણ આ બધા નિષાદ લોકો તો ઘોળીને બધું પી ગયા હોય છે. એમને શાપ પણ લાગતા નથી.
અંબાજીનો આરસપહાણ ભલે પોચો પણ એનીય બજારમાં માંગ હોવાથી પહાડીઓ તોડીને વેચનારી એની પણ કંપનીઓ શરૂ થઈ ગઈ છે. પણ અત્યારે અહીંની લીલોતરીમાં બહુ અળખામણી લાગતી નથી. વળી કેટલાં ઝરણાં સામે મળ્યાં? કેટલાંક ઢોળાવને માર્ગે સાથે સાથે વહેતાં રહ્યાં! જંગલખાતાએ વાવેલાં ઝાડથી પહાડ પણ ખાસ તો આ દિવસોમાં હર્યાભર્યા લાગે છે. અહીં વરસાદ પણ વધારે થયેલો છે. પ્રાકૃતિક શોભા એની ચરમસીમાએ છે. મારે મતે અંબામૈયાના પીઠસ્થાનની આ શોભાનાં દર્શન વિના એ મૈયાનાં દર્શન કદાચ અધૂરાં છે, જેમ હિમગિરિની શોભાનાં દર્શન વિના બદ્રીવિશાલ કે કેદાર પ્રભુનાં દર્શન.
૪-૧૦-૯૨