1979/જીવન વિશે હું કશું પામી ગયો નથી

1979
જીવન વિશે શું કશું પામી ગયો નથી

*

પ્ર. : સુરેશભાઈ, એબ્સર્ડની આપની વિભાવના શી છે?

ઉ. : આમાં એવું છે કે મારી એબ્સર્ડની વિભાવના જેવું કશું છે નહીં. આ જમાનામાં આજનાં બે વિશ્વયુદ્ધો, એનાથી બદલાયેલા સન્દર્ભો, અને એને કારણે જે જાગતિક પરિસ્થિતિ ઊભી થઈ એને સમજવાને માટે આપણી પાસે આલ્બેર કામ્યૂએ કહ્યું છે તેવી lucid awareness એટલે કે વિશદ નિર્ભ્રાન્તિ જોઈએ. એ નિર્ભ્રાન્તિની સ્થિતિએ બતાવ્યું કે જગતમાં ત્રણ પ્રકારની પરિસ્થિતિ એવી છે કે જેનાથી આપણને લાગે કે આ ત્રણ પાયાની અસંગતિ છે. એક એ કે આપણામાં અદમ્ય જિજ્ઞાસા છે પણ જ્ઞાન પામવાની શક્તિ એને સિદ્ધ કરવાનાં કારણોથી સીમિત છે. આ એક પાયાની અસંગતિ છે, બીજી અસંગતિ એ કે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે મારા મનમાં તમારી એક ઇમેજ છે, જે કેવી છે તે તમે જાણતા નથી. મારી સાથે વાત કરો ત્યારે તમારા મનમાં મારા વિશે એક છાપ છે, જેની ખબર નથી. આ ભૂમિકાએ રહીને આપણે ‘કોમ્યુનિકેશન’ કરવું પડે છે. એટલે ભાષા ઘણી વાર આને કારણે છળ બની જાય છે. હું તમારા સુધી પહોંચી શકતો નથી અને તમે મારા સુધી પહોંચી શકતા નથી.

પ્ર. : મતલબ કે કોમ્યુનિકેશનમાં ‘ગેપ’ રહે છે.

ઉ. : રહેવાનો જ. બીજું એ છે કે આપણે કોઈ પૂર્વનિમિર્ત વસ્તુ નથી. આપણે becomingની અવસ્થામાં છીએ અને beinglની અવસ્થા સુધી પહોંચ્યા નથી. આપણે becomingની પ્રક્રિયામાં છીએ. આપણે અમુક વસ્તુ છીએ કે થઈ ચૂક્યા છીએ એમ માનીને જો વહેવાર કરવા જઈએ તો એનો કોઈ પાયો મજબૂત નથી અને છતાં વહેવાર ચલાવવો પડે છે. અને ત્રીજી વસ્તુ એ છે કે અનિશ્ચિત રીતે પણ મરણ નિશ્ચિત છે. તમે બધું જ કરવા ઇચ્છો અને મરણ આવીને બધાંને રોકી દે. આ ત્રણ અસંગતિની પરિસ્થિતિ સ્વીકારીને આપણે જીવવાનું છે. આ કેમ્યૂએ ગણાવેલી અસંગતિઓ છે.

પ્ર. : એબ્સર્ડની કેમ્યૂની વાત આપે કહી, તો મને યાદ આવ્યું કે કામ્યૂએ જ એક સ્થળે કહ્યું છે કે આપણે એબ્સર્ડની સાથે ચાલવાનું છે, અને સામે ચાલવાનું છે. આ વાત મને બહુ સમજાઈ નહીં.

ઉ. : આના બે અર્થ થાય છે, એક તો એ કે આપણે માનીએ છીએ તેમ અસ્તિત્વવાદી ફિલસૂફી નિરાશાવાદી નથી. આપણે જ્યારે જાણીએ છીએ કે પરિસ્થિતિ આવી છે, ત્યારે જાણ્યા પછી એનો સામનો કરવાની સજ્જતા આપણામાં વધારે આવે છે. હવે શાહમૃગની જેમ જે પરિસ્થિતિ છે છતાં એને નકારીને તમે ચાલ્યા કરો તો You are making yourself vulnerable એટલે હું કહું છું કે જાણીને જીવો અને જાણીને એનો મુકાબલો કરો.

પ્ર. : મેં થોડા અસ્તિત્વવાદીઓને વાંચ્યા છે. અસ્તિત્વવાદ નૈતિક મૂલ્યોનો સાવ છેદ ઉડાડતો નથી. એ નૈતિક મૂલ્યોની વાત માને છે. હવે આનાથી તો ફરી પાછી ધર્મ અને પરમ તત્ત્વની વાત તરફ ગતિ થતી હોય એમ નથી લાગતું?

ઉ. : પરમ તત્ત્વ, જેને અસ્તિત્વવાદીઓએ blackmailing of transcendents કહ્યું છે, transcendent એટલે આ બધાને ઉલ્લંઘીને એની પાર રહેલા કોઈ તત્ત્વને નામે લોકોની સાથે બહુ મોટી છેતરપિંડી ચાલી રહી છે. આ પરમ તત્ત્વ સુધી પહોંચવાનું મારે માટે જરૂરી છે? કે પછી મેં મારા સગવડિયા સાધન તરીકે એ જરૂર ઊભી કરી છે? આ મારી જાત સાથેની પ્રામાણિકતાનો પ્રશ્ન છે. અસ્તિત્વવાદ નૈતિક મૂલ્યો સ્વીકારે છે. એનો અર્થ એ નથી કે આ મૂલ્યો ધર્મપ્રાપ્ત કે પરમ્પરાપ્રાપ્ત છે. No value is an absolute value. એમનો મૂલ્યનો ખ્યાલ એવો છે કે મૂલ્યો તમને વારસામાં નથી મળતાં, ઉછીનાં નથી મળતાં, પણ તમારી જીવવાની પ્રક્રિયામાંથી એ ઉત્ક્રાન્ત થાય છે, અને મૂલ્યોની જે content છે એ તપાસી જીવવાની પ્રક્રિયા દ્વારા અનુભવાય છે. નહીંતર હેમિંગ્વેએ કહ્યું તેમ goodness, beauty, truth આ બધા શબ્દો હું સાંભળું છું, એમાં contents નથી. એના કરતાં streetnames have better contents. એટલે nothing is predetermined, આપણે જાતે જ જીવન જીવવાનું છે, proxyથી જિવાય નહીં. અને આ શરતો પૂરી કરીને નિષ્ઠાથી જીવો તો તમારો મૂલ્યબોધ વિકસતો આવે અને એ તમને કામ લાગે.

પ્ર. : કેમ્યૂની ‘ધ આઉટસાઇડર’ મેં વાંચી. એમાંનું મ્યૂરસોનું પાત્ર કેટલાકને બેજવાબદાર લાગે છે. આપનો શો ખ્યાલ છે?

ઉ. : હું એમ નથી માનતો. આપણી પેલી જૂની વાંચવાની ટેવ આમાં નડે છે. બીજું એ કે આપણા જૂના સંસ્કારોથી આપણે ચાલીએ છીએ. મ્યૂરસો કેમ આ રીતે વર્તે છે? એનામાં પાયાની જે પ્રામાણિકતા છે તેનાથી આપણે જીવન જીવવાની આપણી પદ્ધતિને લીધે ટેવાયા નથી. પેલી છોકરી એને પૂછે છે કે, આપણે પરણીશું? તો એ કહે છે કે હા, ઠીક છે, પરણીશું. છોકરી પૂછે છે કે તું મને ચાહે છે? તો કહે છે, ના, હું જાણતો નથી. હવે આ બેજવાબદારી નથી. એ પોતાના વતી સાચી વાત કહે છે. જો એને છોકરી પ્રત્યે પ્રેમની લાગણી ન થઈ હોય તો એને શી રીતે કહે? એની મા વૃદ્ધા હતી, અને અશક્તાશ્રમમાં એને એ મૂકી આવે છે. સાચી પરિસ્થિતિ આપણે સ્વીકારીએ તો આપણાં વૃદ્ધ માતા-પિતા પ્રત્યેની આપણી જે આસક્તિ છે, એની તીવ્રતા ધીમે ધીમે ઘટતી જાય છે. આને કોઈ પ્રામાણિકપણે સ્વીકારે તો આપણે એને બેજવાબદાર કહીશું કે પ્રામાણિક કહીશું? સાચું એ છે કે તમે જે મૂલ્યો ઘડેલાં છે એ ખોટાં છે. ન્યાયની વાત કરીએ. આમાં એક પાયાનો પ્રશ્ન ટોલ્સ્ટોયે પોતાના resurrection વિષે ઊભો કરેલો. એ પ્રશ્ન એ છે કે કાયદાકાનૂન કોણે ઘડ્યા? આપણી પાસે પ્રશ્ન એ ઉઠાવાય છે કે તમે કાયદાકાનૂનને આધીન રહીને વર્તો. એ કાનૂન પ્રમાણે તમને ન્યાય આપવામાં આવશે, પણ આ કાનૂન ઘડનારો જે વર્ગ છે, એને એ સત્તા કોણે આપી? આ પ્રશ્ન આપણે ઊભો કરતા નથી. મ્યૂરસોને પેલા આરબ જોડે કોઈ અદાવત નથી. દરિયાની રેતી ઉપર ત્યારે સૂર્ય પ્રખર રીતે પ્રકાશતો હતો. પરસેવાની ઝાંય એના ચહેરા પર છે. આમાં ઇરાદા વગર જ એનાથી રિવોલ્વર દબાઈ જાય છે. એનાથી બિલકુલ ઉદાસીન રહેલા વિશ્વ તરફના રોષમાંથી એ ગોળી દબાય છે. એને કાંઈ આરબ સામે નિશાન તાક્યું નહોતું. હવે આ વાત પેલા માનવા તૈયાર નથી. એ માણસ જીવે છે પણ બહુ સંવેદનશીલ રીતે જીવે છે. એ બેજવાબદાર નથી. જો એના બધા નાના નાના ફેરફારો એના ચહેરા પરના તેમ જ વાતાવરણના, તમે જોશો તો જણાશે કે એ ખૂબ સંવેદનશીલ છે, એટલે કે જેટલા આપણે નથી. એ બેજવાબદાર હોય તો પોતાની આસપાસ જે બને છે એનાથી એ ઉદાસીન હોય, એટલે આપણી આ છાપ ખોટી છે. આપણે એને બેજવાબદાર કહીએ છીએ, ત્યારે એને ન્યાય ચૂકવનાર પેલા ન્યાયાધીશના પક્ષમાં જઈને આપણે બેસીએ છીએ.

પ્ર. : અસ્તિત્વવાદનું એક મોજું ગુજરાતી સાહિત્ય ઉપર થોડા સમય પહેલાં આવી ગયું. આ તબક્કામાં બક્ષી જેવાએ થોડી સારી રચનાઓ પણ આપી. તમે પણ તમારી વાર્તાઓમાં આ પ્રવાહ ઝીલ્યો. હવે અત્યારના સન્દર્ભમાં આ અસ્તિત્વવાદને ક્યાં ગોઠવી શકાય એમ છે?

ઉ. : આમાં બે વસ્તુ છે. કેટલાક લોકો કહે છે કે અસ્તિત્વવાદ એ કોઈ ફિલસૂફી નથી, એ એક આન્દોલન છે. આન્દોલનનો અર્થ શું છે? આન્દોલનનો હેતુ કોઈ પરિવર્તન લાવવાનો છે. મતલબ કે જીવન સાથે એ પ્રત્યક્ષ સમ્બન્ધ ધરાવે છે. એ સમ્બન્ધ એટલા માટે ઊભો થયો કે બીજા વિશ્વયુદ્ધ પછી માણસથી યુદ્ધો ટળશે અને શાન્તિ આવશે એવી આશા પડી ભાંગી. માણસ વધારે હિંસક શસ્ત્રો બનાવતો થઈ ગયો. યુદ્ધની જામગરી ક્યાંક ને ક્યાંક ચંપાતી રહી, ને મોટી સત્તાઓનો આ જ ધંધો બની ગયો કે સામસામા દેશોને લડાવી મારવા. આ સમજ્યા પછી જો અસ્તિત્વવાદનું આંદોલન અસ્તિત્વમાં આવ્યું તો શાને કારણે આવ્યું? એને સમજવા માટે ને એનો મુકાબલો કરવા માટે હવે આ જ સ્થિતિ જો આજે પણ હોય તો આપણે અસ્તિત્વવાદને આજની સ્થિતિની કસોટીએ ચડાવીને જાણી લઈએ કે એમાં એ ઉપયુક્ત નીવડે છે કે કેમ? અસ્તિત્વવાદનું કહેવું એટલું જ છે કે જે બને છે તેમાંથી અનુપસ્થિત રહીને તમે એને સમજવાનો પ્રયત્ન ન કરો. આપણને આ બધું સમજાતું નથી, એનું કારણ એ છે કે ઘણી બધી પરિસ્થિતિમાંથી આપણે ક્યારના ગેરહાજર રહેવાનું શીખી ગયા છીએ. જ્યાં આપણે ગેરહાજર છીએ ત્યાં શું ખુલાસો કરી શકીએ? હું પ્રામાણિક હોઉં તો જ્યાં ગેરહાજર હોઉં એને વિષે કંઈ ટિપ્પણી કરી ન શકું. It is gradual withdrawal from the situation. આપણી જાત સાથેની આ અપ્રામાણિકતા છે અને એ ખોટી વસ્તુ છે.

અસ્તિત્વવાદના મોજાની તમે વાત કરી, તો મોજું શા માટે આવ્યું? આપણા લેખકમાં એવો શો ફેરફાર થયો, એવું એણે શું અનુભવ્યું? આપણે ત્યાં બન્યું છે એવું કે ત્યાં કોઈ એવી ચળવળ એટલે કે કશુંક નવું થાય એટલે આપણને એમ થાય છે કે ચાલો, આપણે પણ કંઈક કરીએ. તમે ‘આકાર’ નવલકથા વાંચો. જો બક્ષી એમ કહે કે એ અસ્તિત્વવાદી નવલ છે, તો એ ખોટું છે. એણે extreme પરિસ્થિતિઓ ઊભી કરી છે. બહેનનું ગાંડપણ, ભાઈનું મૃત્યુ અને પોતે કરેલી ચોરી આ ત્રણેના કોઈ ખુલાસા નથી. આ ત્રણે આકસ્મિક છે. ભાઈનું મૃત્યુ લેખકે અપાવ્યું છે અને રોગને કારણ બતાવ્યું છે. એનો પાછો બીજી વાર ઉપયોગ પણ કરે છે. જે પાત્ર ખાણમાં કામ કરે છે અને જેને એ મળવા જાય છે, તે પણ એવી રીતે મરી જાય છે. એ કેન્સરથી મરે છે. પોતાના એક્સરેની નેગેટીવ એણે ટીંગાડી રાખી છે કે આ મારો પરિચય છે. કોઈ અસ્તિત્વવાદી પાત્ર એવું ન કરે. બહેનનું ગાંડપણ છે તો એને માટે એણે શું કર્યું? પાછું ઇડિપસ કોમ્પ્લેક્સથી પીડાઈને બાપની રખાતથી થયેલી બહેનની શોધમાં એ નીકળે છે. એ વાત વધારે નાટકી છે. એની શું જરૂર હતી? આખી કથાના વાતાવરણમાં એ ભળતું જ નથી. પછી એને ગાળો દે છે. બુલબુલને ઉગારવા માટે એ પગે લંગડી થઈ ગઈ પછી નીકળ્યો. એવા પ્રેમને કોઈ સ્વમાની સ્ત્રી મંજૂર ન કરે. બુલબુલ અને એની ગાંડી બહેન વચ્ચે તો લેખક કશો સમ્બન્ધ બાંધી શક્યા નથી. ભાઈ મરી ગયા પછી એની ભાભી અને એનાં બાળકો માટે એ કશું કરી શકતો નથી. બીજા કોઈની જેમ એ પેઢીમાં નોકરી માટે જાય છે. ખાણમાં જઈને ખાણિયાઓની સ્થિતિ એણે જોઈ નથી. એની પ્રત્યે સહાનુભૂતિ બતાવવા એ તાકિર્ક તુક્કાઓ લડાવે છે. આવી જ પરિસ્થિતિમાંથી એ પાછો આવે છે છતાં એ અસ્તિત્વવાદનો ડોળ કરે છે અને ભોળું ગુજરાત એમ સમજી ગયું કે આ અસ્તિત્વવાદ જ છે. તમને વેશ્યાઓના લત્તામાં લઈ જાય, એની બધી આંકડાકીય માહિતી આપે, એ આપણા ગુજરાત માટે નવી હતી. આજે એ નવલ જૂની થઈ ગઈ છે. ક્યાંય એમાં અસ્તિત્વવાદ મળતો નથી. એટલે આપણે આવા જીનકજાઅનીગ અસ્તિત્વવાદીઓને ફરીથી તપાસવાના. where is the committment to humanity? આમાં દાર્શનિક ભૂમિકા ક્યાં છે? ઉપર ઉપરનાં થોડાંક અંગોનું અનુકરણ કરીને, અશિક્ષિત પ્રજાના અજ્ઞાનનો લાભ લઈને, જેવું બજાર તેજ હતું એવું ગબડાવ્યું. આનો શો અર્થ છે? જેલમાં એનું પાત્ર જાય છે ત્યારે બક્ષી બોલાવે છે તેમ એ બોલે છે કે મને બહાર કરતાં જેલમાં ફાવે છે, કારણ કે બહાર પણ કારાવાસ જ છે. આવાં વિધાનો અર્થહીન છે. એની બહેનને ગાંડપણ બાળપણના કોઈ આઘાતને કારણે છે, ને ક્યાંકથી વાંચીને trauma શબ્દ મૂકી દીધો છે. ગાંડપણવાળા પાત્રને નિભાવવાનું હોય છે. દા.ત. ‘સાઉન્ડ એન્ડ ફ્યુરી’માં માનસિક પછાત બાળક છે. એ કોઈ બનાવને આપણી જેમ કોઈ સુગ્રથિત પ્રક્રિયામાં જોતો નથી. આવા મનનું નિરૂપણ કરવું બહુ અઘરું છે. બક્ષી લીરાને ગાંડી બતાવી શકે છે, એનું ગાંડપણ, એના આઘાતો બતાવી શકે છે? એ કયા દીપથી જુદો પડે છે? દીપ વેશ્યાઘરમાં જાય છે તો એ પણ જાય છે. ખાણમાં એ સ્વેચ્છાએ કામ કરવા ગયો તો શાનું કામ કરવા ગયો? એ તો બહાર બેઠો હોય છે ને પરિસ્થિતિ જુએ છે. He is an easy-chair philosopher. એની ફિલસૂફી પણ તકલાદી છે, એનો કોઈ પાયો નથી.

પ્ર. : અત્યારનું સમગ્ર ગુજરાતી સાહિત્ય, નાટક, વાર્તા, નવલકથા વગેરે સ્વરૂપોને ધ્યાનમાં લઈએ તો સમગ્ર ચિત્ર તમને કેવું લાગે છે?

ઉ. : આપણે ત્યાં તમે કહ્યું તેમ મોજું આવે છે પણ એ મોજાને ટકાવે એવું કોઈ બળ એની પાછળ હોતું નથી, આ બધાં જ આન્દોલનો આકસ્મિકતાથી આગળ જતાં નથી. એટલે એની કોઈ ભૂમિકા રચાતી નથી. ગતાનુગતિક થોડુંક ચાલે છે ને મન્દ પડી જાય છે. ઘણી વાર એના શરૂઆતના તબક્કામાં જ એના પર ખૂબ પ્રહારો થાય છે, રૂઢિચુસ્તો તરફથી, જે આ પ્રયોગમાં ખેંચાવા નથી માંગતા અને જે જાણે છે કે આ આપણી શક્તિ નથી. આમાં થોડા લોકો ટકી રહે છે. પેલા સ્પાર્ટાની ટેકરી પરથી બાળકોને ગબડાવવામાં આવતાં, તેમ આમાં પ્રશ્ન survival of the fittestનો છે. એવો તો અફસોસ પછી કરવાનો ન હોય કે આ ભાઈએ એક જ નવલકથા લખી કે એક જ વાર્તા લખી. જેવી આપણી સજ્જતા. પણ એ નથી બનતું, એનું કારણ એ છે કે એની પાછળ પેલી આકસ્મિકતા છે. એની કોઈ સુદૃઢ રીતે તૈયાર થયેલી ભૂમિકા નથી. આપણા ઘણા લેખકો એક જાતનું મિથ્યા ગૌરવ અનુભવે છે, પેલી ચેતનાને કુંવારી રાખવાનું. આ ખોટા અભિમાનમાં, પશ્ચિમ પ્રત્યેના ખોટા દ્રોહમાં કે દ્વેષમાં એ લોકો આ જગતની શ્રેષ્ઠ ચેતનાના સમ્પર્કમાં આવતા નથી. એ લોકો બીજી ભાષાની નાખી દેવા જેવી કૃતિઓ પર વારી જાય છે, પણ પશ્ચિમમાં જે નીવડેલી પ્રશિષ્ટ કૃતિઓ છે, એનું કેટલાને જ્ઞાન છે? સીંગરને ઇનામ મળ્યું કે તરત એના ત્રણ-ચાર અનુવાદો ઘસડી નાખે. એણે હિબ્રુ સમાજનાં સુખદુ:ખને વાચા આપીને એ પ્રજાનું એક મહાકાવ્ય રચ્યું. એ શી રીતે બન્યું એનો અભ્યાસ કરવાની કોઈને વૃત્તિ નથી. આ સજ્જતા કે વલણ ન હોય તો પ્રયોગો પ્રયોગ નથી રહેતા, પ્રયોગખોરી બની જાય છે. આપણું વિવેચન પહેલેથી જ સજ્જતા વગરનું, શંકાશીલ અને શબ્દછળમાં રાચનારું રહ્યું છે.

પ્ર. : આપણે ત્યાં સમ્બન્ધો પર વિવેચન ચાલે છે એ સાચું?

ઉ. : એ તો એટલી નીચી કક્ષાની વાત છે કે એમાં હું ઊતરવા નથી માંગતો. સમ્બન્ધો પર વિવેચન ચાલતાં હોય તો આપણે એને વિવેચન ગણીએ જ શા માટે? આની બહુ વાત ચાલેલી અને criticism in friendship શબ્દપ્રયોગ થયેલો. પણ ગમે તેટલા શબ્દછળથી એ લોકો આપણને ભોળવવાનો પ્રયત્ન કરે પણ આવી કોઈ વસ્તુ વિવેચનમાં ટકી ન શકે. વિવેચનની એક આચારસંહિતા છે અને કોઈ મિત્ર હોય કે શત્રુ હોય એ વિગત આમાં અપ્રસ્તુત છે. હું આની ચર્ચામાં ઊતરતો જ નથી. જે લોકો આ કહે છે એ જ પછી બચાવ કરે છે કે મારો આશય આમ નહોતો ને તેમ નહોતો. પણ એમને બચાવ કરવો પડે છે એ જ બતાવે છે કે કંઈક આમાં ખોટું છે. પણ મને એક વાત લાગે છે કે આપણાથી જે નથી થઈ શકતું એ આપણી અશક્તિ છે એમ પ્રામાણિકપણે કહેવાને બદલે આપણે કર્યું છે એ જ સારું છે અને બીજાઓએ પ્રયોગો કર્યા એ ખોટી દિશાના છે અને એનાથી સાહિત્યનું નિકન્દન નીકળી જવાનું છે એવી વાતો કરીને લોકોને ખોટે માર્ગે દોરવામાં આવે છે. આ પેલી islam in danger જેવી પરિસ્થિતિ છે.

પ્ર. : આપણા જાણીતા નવલકથાકાર રઘુવીર ચૌધરીની મેં લીધેલ મુલાકાતમાં એમને ટૂંકી વાર્તા વિષે પ્રશ્ન પૂછ્યો તો એમણે કહ્યું કે એ મરવા પડી છે, ને એનું કારણ પૂછ્યું તો એની જવાબદારી તમારા ઉપર નાખી છે! સુરેશ જોષીની વાર્તાઓમાં ખાસ કંઈ હતું નહીં, પણ વિવેચકો એમનાથી અંજાઈ ગયા અને નવા વાર્તાકારો પણ એમની અસર હેઠળ લખવા માંડ્યા, જેને પરિણામે આપણી વાર્તાને સહન કરવું પડ્યું એવું એમનું કથન છે. આ અંગે આપની પ્રતિક્રિયા?

ઉ. : રઘુવીર મારા મિત્ર છે, એટલે અમે એકબીજાને કહેવાની વાત બહુ નિખાલસતાથી કહી શકીએ છીએ. રઘુવીરની બોલવાની એક ઢબ છે. જે થોડોક વિશ્વાસ હમણાં એ કેળવી શક્યા છે એનો અનુચિત અતિરેક થાય છે ત્યારે કેટલાંક વિધાનો ધૃષ્ટતાપૂર્વક કરવાની મજા એ માણતા લાગે છે. આ બહુ સાચું છે એમ કહેવા કરતાં શૈલીસુખને ખાતર કોઈ માણસ આવું કરે તો છો કરે એમ મને લાગે છે. મારું દૃષ્ટિબિન્દુ સહિષ્ણુતાનું અને ખોટી આક્રમકતાથી બચવાનું છે. કોઈ માણસ અભિપ્રાય ઉચ્ચારે પણ એની કોઈ તાકિર્ક ભૂમિકા રજૂ ન કરે ત્યાં સુધી હું શા માટે એને ગમ્ભીરતાથી લઉં? મિત્રો-મિત્રો વચ્ચે ગાળાગાળીનો સમ્બન્ધ નથી હોતો? એ જો આમ બોલે તો બોલે, વહાલથી બોલે છે. એ દ્વેષથી બોલે છે એમ હું નથી માનતો. અને એ નિમિત્તે પણ એને સાહિત્યની સાચી પ્રીતિ હશે અને એની બળતરાથી એ બોલતા હોય તો કોઈ વાર એ એમને સાચે રસ્તે લઈ જશે એવી મને આશા છે. પણ મૂળ મુદ્દો આ છે. અનુકરણની વાત એ કરે છે તો એ દાખલા આપીને બતાવે. જેને આધાર નથી એની ચર્ચા કે ઊહાપોહનો અર્થ નથી.

પ્ર. : એમનું કહેવું એમ છે કે ‘મરણોત્તર’ વગેરે રચનાઓ ગદ્યખંડોના સંગ્રહથી વિશેષ નથી. એ ખંડોનો ક્રમ બદલી નાખીએ તો પણ વાંધો ન આવે.

ઉ. : આવી ટીકા થાય છે એની મને ખબર છે ને મેં બીજેથી પણ આ સાંભળ્યું છે. આ ટીકા કરવા પાછળ એક જાતની સમજ છે અને તે એ કે દરેક કૃતિ એક genric sequenceમાં ચાલે છે. એની ગતિ એક રેખાયિત ગતિ છે. મેં જ્યારે ‘બે સૂરજમુખી અને’ વાર્તા લખી ત્યારે મારા મનમાં જે ભૂમિકા હતી તેમાં હું ક્રમેક્રમે આગળ વધ્યો. આ ભૂમિકા એ હતી કે સમયનો અનુભવ આપણને રેખાયિત રૂપે થતો નથી. There is a telescoping of time. સમય એવો છે કે એમાં વર્તમાનની અંદર ભૂતકાળ ગોઠવાયેલો છે અને ભવિષ્યની અંદર વર્તમાન ગોઠવાયેલો છે. પછી મારે જો એને સાચા પરિમાણમાં મૂકીને બતાવવું હોય તો આ મલ્ટી-ફોકલ સમયને મારે સ્વીકારવો જોઈએ. એનો અર્થ એ થયો કે ઉપર ઉપરથી સમયના સૂત્રમાં પરોવાવાને કારણે જે ક્રમ લાગે એ ક્રમને હું ટેકણલાકડી તરીકે લઈને નથી ચાલવા માંગતો. હવે જો ખંડોનો ક્રમ બદલવાથી ફેર નથી પડતો એમ કહેતા હો તો એ કરી બતાવો. એ કોઈ કરતું નથી અને એ ગદ્યખંડો છે તો એમાં શો વાંધો છે? મારી કૃતિના સમર્થન માટે હું પ્રસ્તાવના લખતો નથી. એક વાર ભૂલ કરેલી તે જાણે કે મારો મેનીફેસ્ટો હોય તેમ ઘટાવ્યું. અલબત્ત, એમાં એ વાત તો મારે કહેવાની હતી એ જ કહી છે, છતાં નિરંજને કહ્યું કે અરે, પોતાની વાર્તા વિષે આવું બધું કહેનાર એ છે કોણ? ‘સંસ્કૃતિ’ના વાચકોને ચેતવી દેવા માટે એમણે એક સાત્ત્વિક આક્રમણ કર્યું. એ બધું હું સમજું છું, પણ હું એની નોંધ નથી લેતો. આ બધા આવેશો તો શમી જશે. મને એક ઊંડી શ્રદ્ધા છે કે જે લોકો સાચી રીતે સાહિત્યને સેવે છે, જેણે કવિતાની એક પંક્તિ ખરા આનન્દથી વાંચી છે, એ એના આનન્દને સર્જવાની જગ્યા કરશે, દ્વેષ કે ક્રોધને સર્જવાની નહીં. એટલે આની હું ચિન્તા નથી કરતો. હવે હું મારી રચનાની ભૂમિકા સમજાવતો નથી. પણ ધારો કે ગુજરાત અમુક વાંચવાની ટેવને કારણે કૃતિને ન્યાય થાય તેવી રીતે વાંચતું નથી તો એને માટે હું પોતે નથી બોલતો, પણ જગતમાં આ ભૂમિકા સ્વીકારનારા લેખકો છે, એનાં સમર્થનો હું કૃતિની શરૂઆતમાં ટાંકું છું. જ્યોર્જ લુકાસનું આ જાતની કૃતિઓ વિષેનું મન્તવ્ય મેં ટાંકેલું છે. એના સન્દર્ભમાં જો કૃતિને કોઈ વાંચે તો આમ મેં શા માટે કર્યું છે સમજાશે. ‘મરણોત્તર’ની વાત નીકળી છે તો હું મારી ભૂમિકા સમજાવું. મારે અન્ય કોઈ ભૂમિકાની વાત નથી કરવી. મને એમ લાગ્યા કરે છે કે અત્યારે આપણે posthumous existence જીવી રહ્યા છીએ. આ કેમ બન્યું એને સમજવા માટે હું કોઈ તૈયાર ફિલસૂફી પાસે જતો નથી. આગળના લેખકોએ આમ કરેલું. ગોવર્ધનરામ વેદાન્ત પાસે ગયા. થિયોસોફી પાસે ગયા. જેનું જે મળ્યું તે લીધું. માધુકરી વૃત્તિ રાખી અને એમાંથી એક આખી પેટર્ન ઉપજાવી આપી. એમની આ પદ્ધતિ હતી. મારે એની સાથે ઝઘડો નથી, પણ કળામાં પદ્ધતિ જુદી છે અને આના ઉપર હું ખાસ ભાર મૂકું છું. આ વાત એ છે કે મારે મારી કૃતિ દ્વારા જીવનને શોધવાનું છે. જીવન વિષે હું કશું પામી ગયો નથી. કોઈ કહેશે કે પંચાવન ઉપરની વય તમારી થઈ, તો હવે ક્યારે પામશો? એ લોકો આટલી મારી ચિન્તા કરે છે એ માટે એમનો ઋણી છું. પણ હું નથી પામ્યો એ વાત પ્રામાણિકતાથી કરું છું. મારી શોધ ચાલુ છે. ત્યારે આ લોકો ઠેકડી ઉડાડે છે ને કહે છે કે તમારી શોધ ક્યાં સુધી ચાલ્યા કરશે? પણ હું જે લાગે છે તે કરું છું. આ કંઈ મારો ડોળ નથી. હું કોઈ સ્વાંગ કરતો નથી. હું પોતે કહું છું કે મારી બધી વાર્તાઓ ટકાવી રાખવા જેવી નથી. અમુક વાર્તા અમુક વાર્તા સુધી પહોંચવાની એક્સરસાઇઝ છે એને કાઢી નાખો. હું અમુક ગ્રુપમાં વાર્તા લખું છું અને અમુક વાર્તા સુધી પહોંચું ત્યાં અટકું છું. હું માંડ છ-સાત વાર્તા બચાવી શકું તો તો ઘણું બધું થયું. આ નમ્રતા નથી, પણ મારા મનની એક પ્રતીતિ છે.

‘મરણોત્તર’માં હું જીવનના પાછલા દિવસોની સ્મૃતિને લાવવા માગતો નથી. હું સ્મૃતિ ઉપર આધાર રાખતો નથી. એ એક તદબીર છે અને એને નામે બીજું ઘણું ઘુસાડી શકાય છે. આ વાર્તા તો કોઈ કાવ્યમય ઉદ્રેકને સંતોષવા માટે મેં લખી છે. મારે એ કહેવું છે કે આપણે જગતને સીધેસીધું કે અપરોક્ષ રીતે જોતા નથી. એમાં વચ્ચે અન્તરાયરૂપે વિભાવનાઓ આવે છે. વિભાવનાઓના કાચમાંથી આપણે એને જોઈએ છીએ. મને એ મંજૂર નથી. મને ઇન્દ્રિયપ્રત્યક્ષ જોડે લેવાદેવા છે અને મારો અભિગમ phenomenological છે. આજુબાજુનું વાતાવરણ, માણસો, એમાં એક જ રાત અને એ પણ ઘરમાં નહીં, બહાર. ધીમે ધીમે રાત પૂરી થતાં જાગતો સંસાર. એમાં છૂટાં છૂટાં વિખેરાયેલાં પાત્રો. આ બધામાં રહી એક મરણોત્તર જીવનની છાપ ઊપસે છે. તે આ માણસ પોતે નથી કહી શકતો. એનામાં મરણ ઊછળી રહ્યું છે. આ હકીકત છે. એનો કોણ ઇન્કાર કરશે? રિલ્કેએ કહેલું કે u We are the husk, and grain is death. આપણે તો ફોતરાં છીએ અને આપણી અંદર મરણનો દાણો પોષાઈ રહ્યો છે. આ કોઈ મજાક નથી, અનુભૂતિ છે. મારી નવલકથા રિલ્કેની આ પંક્તિ ઉપરનું મારું એક સર્જનાત્મક ભાષ્ય છે. એમાં કોઈ વિભાવનાનો આધાર નથી. કોઈકે કહ્યું કે ‘જનાન્તિકે’ના ગદ્યથી આ ગદ્ય કઈ રીતે જુદું પડે છે? આ પ્રશ્નનો ઉત્તર પરીક્ષાર્થી તરીકે કંઈ મારે આપવાનો નથી. સાબિત કરવાનું તો એ લોકોને છે, હું શા માટે કરું?

પ્ર. : ખુશવંતસિંઘે એક વાર કહેલું કે આપણે ત્યાં સાહિત્યની આબોહવા જ નથી. ગુજરાતમાં આ વાત ખાસ લાગુ પડે છે. શિષ્ટ સામયિકો પણ હમણાં બંધ થવા માંડ્યા. ચાલે છે તે મરવાને વાંકે ચાલે છે. શું ગુજરાતની પ્રજામાં કોઈ મૂળભૂત ખામી છે?

ઉ. : ના, એવી પરિસ્થિતિ નથી. એ તો એક બિન્દુએ ઊભા રહીને જોઈએ તો તાત્કાલિકતા તરફ નજર જાય. આપણે આપણો સાચો પરિપ્રેક્ષ્ય ન જાળવીએ તો આવી નિરાશા થાય. ઘણી વાર આપણે ત્યાં સાહિત્યની છાલક વાગે છે. ભરતી આવે ત્યારે ફીણની સાથે થોડો કચરો પણ ઢસડાઈ આવે. પછી બધું ઠરે છે. અમુક કામ કોલાહલ કર્યા વગર થાય છે. પછી બધા ખરીતાઓ બંધ થઈ જાય છે. બધા પોતાની રીતે, પોતાની સૂઝ મુજબ કામ કર્યા કરે છે. ગુજરાત જેવા નાના પ્રદેશના પ્રમાણમાં જો ત્રણ-ચાર સર્જકો કશુંક કરતા હોય તો નિરાશ થવાનું શું કારણ છે? આપણે ત્યાં અછાંદસનું મોજું જ્યારે આવ્યું ત્યારે એની સાથે એકરાર કરતી એક કવિતા આવી. એમાં થોડું ત્રાગું, થોડી વિડમ્બના, થોડો રોષ હતો. આ અનિવાર્ય હતું. હુંની એ એકોક્તિ હતી, અછાંદસના પ્રયોગોની સાથે કાવ્યબાનીને મહત્ત્વ ન અપાયું, પરિણામે શબ્દ નહીં પણ શબ્દનાં ફીણ વળ્યાં! બહુ જ વાચાળતા દેખાવા લાગી. કલ્પનોના ગુબારા ઉડાવાને નામે, શબ્દને અર્થથી અનર્થ સુધી લઈ જવાના બુદ્ધિથી કરેલા સંકલ્પને નામે અળવીતરાં થયાં. પરિણામે આખી કવિતાનો દોર જુદા જ હાથમાં સરી પડ્યો. લોકોની વાંચવાની રીત જોડે એનો મેળ ન ખાધો. પ્રૌઢ વિવેચકો તો આ બધું ધતિંગ છે એવી આત્મતુષ્ટિથી મોઢું ફેરવીને બેસી ગયા. છોકરાઓને તોફાન કરી લેવા દો જેવી એ વૃત્તિ હતી. છોકરાઓએ તોફાન કર્યું. અંદરઅંદર પ્રશંસાની જરૂર પડી, ત્યારે લાભશંકરે ચિનુને કાગળ લખ્યો ને ચિનુએ લાભશંકરને લખ્યો. આમ એકબીજાની પીઠ થાબડતા રહ્યા. આ બધા વગર ચલાવી લે એટલી ખુમારીવાળા એ નહોતા. પરિણામે કેટલાક એબ્સર્ડ નાટક તરફ વળીને રંગભૂમિ દ્વારા પાછા લોકો સુધી પહોંચ્યા. કેટલાક ગીત-ગઝલ દ્વારા પહોંચ્યા. આમ પાછા બધા ટોળામાં જતા રહ્યા. આ આપણી અપરિપક્વતા દર્શાવે છે. આ પ્રયોગ કેમ લાંબો ન ચલાવ્યો? એક ઉછાળા સાથે કેમ અટકી ગયા? કામચલાઉ મૂલ્યાંકનોથી આટલા બધા પ્રભાવિત કેમ થઈ ગયા? આ આપણને નડે છે. આપણે ત્યાં શિક્ષિત અશિક્ષિતોની સંખ્યા વધતી જાય છે. અજ્ઞાન કરતાં એને જ્ઞાન તરીકે ખપાવવાનો દમ્ભ વધુ ખતરનાક છે.

આપણે ત્યાં સામયિકો ચાલતાં નથી, એનું કારણ એ છે કે આપણા લોકોની વાચનરુચિ હજી પચીસ વર્ષ પાછળ છે. ‘સંસ્કૃતિ’, ‘બુદ્ધિપ્રકાશ’ જેવાં અગાઉ સારાં ગણાતાં સામયિકો રાજકારણના વમળમાં ઘેરાઈ ગયાં. એના તન્ત્રીઓ ‘ગેરહાજર તન્ત્રી’ થઈ ગયા. આનાથી એની સામગ્રીનું કોઈ ધોરણ રહ્યું નથી. તન્ત્રીની અવેજીમાં કામ કરનારા માણસોની રુચિ જુદી હોય. સમસામયિકતા પર વધારે ધ્યાન અપાય. સાહિત્ય તો ખૂણામાં ક્યાંક દેખાય. આથી લોકોને વિશ્વાસ ઊઠી ગયો. અમારા જેવા માને છે કે કૃતિ અમુક ધોરણની ન હોય તો ન છાપવી અને એને બદલે સારી પરદેશની કૃતિ દ્વારા સાહિત્ય સમ્પર્ક કરવો, તો કહેશે કે અમે અનુવાદિયા છીએ. લાભશંકરે એક વાર લખ્યું કે, ‘આ તમારા અનુવાદથી કંટાળ્યો છું.’

પ્ર. : તમારાં પ્રિય સામયિકો?

ઉ. : ગુજરાતમાં હવે પ્રિય સામયિકો રહ્યાં નથી. કોઈ સામયિકની પાછળ પંદરવીસ મિનિટથી વધારે સમય ખર્ચવા જેવું હોતું નથી છતાં બધાં જોઈ લઉં છું.

પ્ર. : ‘આસપાસ’ કે ‘ફલેશ’ કે ‘ઇમેજ’ જુઓ ખરા?

ઉ. : મને એવી સૂગ નથી, પણ ખોટો સિક્કો સાચા સિક્કાને ચલણમાંથી કાઢી મૂકે એવો નિયમ છે. હવે વાચકો ઓછામાં ઓછો શ્રમ લેવા માગે છે. માનસિક અશાન્તિ એમને વહોરી લેવી નથી. સનસનાટીના શોખીનો માટે આવી સામગ્રી આવ્યા કરશે. કોઈ નટી કોને પરણશે એ જાણીને હું શું કરું? પણ લોકોને કોઈના ખાનગી જીવનમાં ડોકિયું કરવામાં મઝા આવે છે. આ સામયિકો એને સંતોષે છે. એને સંતોષવા માટે સાહિત્યનો ઉપયોગ થાય એ સ્થિતિ પ્રજાના માનસિક આરોગ્ય માટે ચોક્કસ ખરાબ ગણાય. એમ થવું ન જોઈએ.

પ્ર. : સમ્પાદકો તથા પ્રકાશકો સાથેના આપના અનુભવો સરવાળે કેવા?

ઉ. : સમ્પાદકોની બાબતમાં એવું છે કે ઘણા પ્રતિષ્ઠિત સામયિકોના સમ્પાદકો એમ માને છે કે હું સામા પક્ષનો છું અને સાહિત્યનું નિકન્દન કાઢવાનો પ્રયત્ન કરું છું. જો એમને ખાતરી હોય કે એમને ન રુચે એવું નહીં લખું ત્યારે વિષય આપીને મને લખવાનું કહે છે, નહીં તો મારી સાથે સમ્બન્ધ રાખતા નથી. મને એનો રંજ નથી. હું સામે પડીને કશું કરવા માગતો નથી. પ્રકાશકોનો અનુભવ મને સારો નથી. આજે પણ મારે નવો પ્રકાશક શોધવાનો પ્રસંગ આવ્યો છે. મારા પ્રકાશકે મારી રોયલ્ટીની બહુ મોટી રકમ પાછી આપી નથી. ચોપડીઓમાં ગોલમાલ કરી છે. મારી રુચિ પ્રમાણે પુસ્તકો છાપ્યાં નથી. મુદ્રણદોષો અનેક રાખ્યા છે. મારી આબરૂ બગાડી છે. એની ફરિયાદ કરું તો ઢગલો થાય. મને કોઈ વાર આ બધા પર વિચાર થાય છે, મેં એક વાર લખેલું પણ ખરું કે હવે પાકા પૂંઠાની ચોપડીઓ બંધ કરો, ને ફરફરિયાંઓ જ છાપો ને એને મરી જવા દો. આ બધો અમરતાનો નાદ છોડો. આ સાચી લાગણી છે, કોઈ ક્ષણિક વૈરાગ્ય નથી. આપણું કોઈ લખાણ પંદર-વીસ વર્ષ પહેલાં વિચાર્યું હોય અને એને પ્રગટ કરવાની તક આજે મળે ત્યારે હું પોતે અગાઉથી ખૂબ આગળ નીકળી ગયો હોઉં છું. એનો અર્થ જ રહે નહીં. પછી લોકો કહે કે આ સુરેશ જોષીએ ક્યાં નવું કહ્યું છે! આ તો થઈ ચૂક્યું છે, પણ ક્યાંથી થઈ ચૂક્યું, કેવી રીતે થઈ ચૂક્યું એ તો વિચાર કરો. હું પ્રકાશકની બાબતમાં બહુ ભાગ્યશાળી નથી એમ મને લાગે છે.

પ્ર. : સિનેમા જુઓ ખરા?

ઉ. : જોઉં છું. દર્શન ફિલ્મ સોસાયટીમાં ફ્રેન્ચ, હંગેરિયન, મેક્સિકોની સારી ફિલ્મો આવે તે જોઉં. હિંદી ફિલ્મોનાં કેટલાક લેખકો વખાણ કરે કે એમાં નિર્દોષ મનોરંજન છે, પણ નિર્દોષ મનોરંજન હું મારા ઘરમાં બેસીને માણી શકું છું. એને માટે લોકોના ઊંડાયેલા શ્વાસની વચ્ચે જઈને બેસવાની જરૂર નથી. અઢી કલાકનો સમય બગાડીને આ ફિલ્મો ન જોવાય.

પ્ર. : લખવાનું ક્યારે રાખો છો? કોઈ ચોક્કસ સમય કે મૂડની જરૂર પડે ખરી?

ઉ. : ના. એવી કોઈ લક્ઝરી મને પરવડતી નથી. હું તો મજૂર જેવો માણસ છું. મારે કેટલાક સંજોગોને કારણે છાપામાં પણ લખવું પડે છે, પણ તે પણ હું મારા ધોરણથી નીચે ઊતરીને નથી કરતો. વચમાં એક વાર ‘આ બધાંને લોકોના જીવન સાથે શું લેવાદેવા?’ એમ કહીને મારી કોલમ બંધ કરી દેવામાં આવેલી. ફરી વાર એ કોલમ ચાલુ થઈ છે. હું ‘એતદ્’ પ્રસિદ્ધ કરું છું, એમાં મારો પોતાનો લિટરરી જર્નાલિઝમનો એક ખ્યાલ છે. સાહિત્યનાં કેટલાંક પાસાંઓ વિષે તન્ત્રીનોંધ લખવી, એ હું જરા ચીવટપૂર્વક એમાં કરું છું. પણ સાચું પૂછો તો મને વિવેચનની પ્રવૃત્તિ બહુ ગમતી નથી. છેલ્લા કેટલાક વખતથી અમુક નવલકથા, અમુક વાર્તા લખવાનું મારા મનમાં ઘોળાયા કરે છે. તેને મારા રોજબરોજના કામને લીધે હું હાથ પર લઈ શકતો નથી, ને મારું મન અંદરથી કચવાય છે. હું નિવૃત્ત થવા આવ્યો છું ત્યારે પણ આજીવિકાનો સંઘર્ષ તો મારે માટે એટલો જ દારુણ છે, ને એને લીધે આ બધું કરવું પડે છે. પરિણામે શાન્તિ, સ્વસ્થતા કે અનુકૂળ મૂડનો મારે માટે અવકાશ જ રહેતો નથી. મને તો શરૂથી જ મૂડની એવી કોઈ ટેવ નથી. મૂડ મારે કોઈ છે જ નહીં. હંમેશાં જ લખવાનો-વાંચવાનો મૂડ હોય છે. જો મૂડ રાખવા જાઉં તો કદાચ મારા હાથમાંથી કલમ સરી પડે. છેલ્લા શ્વાસ સુધી મને એ ન પરવડે.

પ્ર. : એક શિક્ષક તરીકે શિક્ષણ અંગે આપનો શું ખ્યાલ છે? આજની સ્થિતિથી આપને વ્યથા થાય છે?

ઉ. : ગઈ કાલે જ મેં કહેલું કે યુનિવર્સિટીમાં 30થી વધુ વર્ષ મેં કામ કર્યું છે. એમાંથી મોટા ભાગનાં વર્ષો તો એક સામાન્ય લેકચરર તરીકેનાં હતા, જેમાં મારા હાથમાં કોઈ initiatitve નહોતો. છતાં મેં મારી સાથે વિદ્યાર્થીઓના એક નાના જૂથને લેવાનો પ્રયત્ન સતત કર્યો છે. પણ એ લોકો પણ અમુક ભય નીચે, પરીક્ષાના કે આગળ જઈને મારી સાથે સ્પર્ધામાં ઊતરવાના સાહસને કારણે એમને હું વિશ્વાસમાં લઈ શક્યો નથી કે આપણે બંને સાહિત્યને માટે કામ કરીએ. મતલબ, મારા વિદ્યાર્થીઓમાં હું વિવેક નથી લાવી શક્યો. આજની પદ્ધતિથી હું નિરાશ છું જ, કારણ કે આજે સૌથી વધુ હોશિયાર વિદ્યાર્થી સૌથી વધુ ઉપેક્ષિત છે. મારો ને એનો સમ્પર્ક થતો નથી. આજની પદ્ધતિના ક્રમમાં ચડ્યા પછી એમાંથી બહાર નીકળવું વિદ્યાર્થીને માટે અઘરું છે. કાગળ પર અભ્યાસક્રમો બહુ સારા લાગે છે, પણ દિલચોરીને કારણે એનો અમલ થતો નથી. આ પાયાની અપ્રામાણિકતાઓ છે. એમાં કોઈ પણ નાના સુધારા પણ તન્ત્ર ચલાવનારાને બહુ ઉદ્દામવાદી લાગે છે. આ સ્થિતિનો મેં આખી જિંદગી સામનો કર્યો છે. છતાં અત્યાર સુધીમાં ત્રણ-ચાર વિદ્યાર્થી પણ સાહિત્યમાં કંઈક કામ કરતા થયા હશે તો એથી મને સન્તોષ નથી, ઉગ્ર અસન્તોષ છે. પણ એ અસન્તોષને પંપાળ્યા કરવો, ફરિયાદ કરવી, કટુતાનો સ્વાદ ચાખ્યા કરવો એ પણ કોઈ સારું કામ નથી. પણ આ બધાના લાચાર સાક્ષી બનવાને બદલે આપણે આપણાથી બને તેટલું કરી છૂટવું જોઈએ. એટલા માટે મેં ઓપન યુનિવર્સિટીનો સંકલ્પ કર્યો છે. એમાં સહકાર માટે શાન્તિનિકેતનના શિશિરકુમાર બોઝ જેવા મારા મિત્રો પણ મારો કાગળ મળતાં તરત દોડી આવે છે. જ્યાં આવી સગવડો વિસ્તરેલી નથી, ત્યાં જઈને અમે આવી શ્રેણીઓ રાખીએ છીએ. સરકાર કે શેઠિયાઓનો આશ્રય લીધા વિના એ ગોઠવાય છે, તેથી કોઈની અનુચિત શેહમાં દબાવું ન પડે. આ કામ શરીરમાં શક્તિ રહેશે ત્યાં સુધી હું ચાલુ રાખીશ.

(યાસીન દલાલે 1979માં સુરેશ જોષીની મુલાકાત લીધી હતી અને તે ‘રૂબરૂ’ શીર્ષકથી પ્રગટ થયેલા પુસ્તકમાં ગ્રન્થસ્થ થઈ હતી.)

License

આત્મનેપદી Copyright © by સમ્પાદક : સુમન શાહ. All Rights Reserved.