ઝવેરચંદ મેઘાણી (1897-1947)
મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર ગણાયા એ તો ખરું જ, પણ એમની મહત્ત્વની ઔળખ તો તળ સૌરાષ્ટ્રી ભાષાના ખમીરને તથા લોકસાહિત્યની મૂલ્યવાન પરંપરાને ઊંચકીને સૌની સામે મૂકનાર શોધક-સર્જક તરીકેની છે. 50 જ વર્ષનું આયુષ્ય ને એમાં લેખનકાર્ય તો પચીસ જેટલાં વરસનું – પણ એમાં કવિતા-વાર્તા-નવલકથા-રેખાચિત્ર-નાટક-વિવેચન તેમજ અનુવાદ અને પત્રકારી લખાણોનાં 88 ઉપરાંત પુસ્તકો એમણે આપ્યાં તથા લોકસાહિત્યનું સંપાદન-સંશોધન કર્યું.
ભાષાપ્રેમ અને પ્રદેશપ્રેમને કારણે, કલકત્તામાંની મેનેજરની નોકરી છોડીદઈને વતન પાછા ફર્યા અને પત્રકાર, લોકસાહિત્ય-સંપાદક અને સાહિત્યસર્જક તરીકે સતત કાર્યશીલ રહ્યા. સૌથી નાની (30ની) વયે રણજિતરામ સુવર્ણચંદ્રક એમને એનાયત થયેલો. ઉચ્ચશિક્ષણની સજ્જતાને એમણે તળ સાહિત્યના ઉત્થાન માટે યોજી એ મેઘાણીનુ અગત્યનું અર્પણ ગણાશે.
વેવિશાળ
વેવિશાળની એક સામાજિક સમસ્યાને લઈને લખાયેલી આ નવલકથા તે સમયે બહુ લોકપ્રિય નીવડેલી. વેવિશાળ તોડી નાખવાના પેંતરા, એ પેંતરા કરનાર પરિવાર માટેનો સુશીલાનો કડવાશ છોડી દેતો સમભાવ, અને અન્ય પાત્રોનું – સૌરાષ્ટ્રી ખાસિયતો સાથેનું વૌવિધ્ય આ નવલકથાની વાર્તાનું ચાલકબળ છે.
પ્રસંગોના નિરૂપણમાં કેટલુંક પ્રતીતિકર ન લાગે, છતાં માનવસ્વભાવનું આલેખન મેઘાણીની આ નવલકથાને સુવાચ્ય બનાવે છે.
તળપદ ભાષાનું ખમીર અને કથાવેગ આ નવલકથાના વાચનને જરૂર રસપ્રદ બનાવશે.
(પરિચય: રમણ સોની)