જેબીના અહીં બની ગઈ તેના વાયરા સૅન્ડહર્સ્ટ રોડ બાજુના સુખી લત્તામાં રહેનાર આ શેઠ ભાઈઓના ઘરની એકલી પડેલી સ્ત્રીને તત્કાલ તો પહોંચ્યા નહોતા, એટલે નાના શેઠની નીંદર કરતી છાતી પર પત્નીની કશી ધડાપીટ એ રાત્રીએ વરસી નહીં. છતાં ફડક ફડક થાતે હૈયે એણે રાત વીતાવી. બોણી વિનાના ધણીનો એકડો કાઢી નાખનાર એ પત્નીની નજર સીધી ને સટ, સુશીલાને વારસાના શિખર પર બેસાડનાર જવાંમર્દ જેઠજી તરફ જ હતી.
જેઠજી ગામતરે ગયા હતા ત્યારથી આ સ્ત્રીનો રસોઈ કરવામાંથી રસ ઊડી ગયો હતો. ‘આ રસોઈ કરું કે તે કરું?’ એવા બેચાર અટપટા પ્રશ્નો પૂછીને પછી પોતે જ ‘શાક ને રોટલી કરું છું’ અથવા ‘ખાટાં ઢોકળાં કરું છું’ એવો માર્ગ કાઢી લેતી. પતિને દસ વાગ્યામાં પતાવી લેતી, એટલે, ‘તમારી મરજી પડે તે કરો—હા, તે કરો—ના, તે ન કરવું હોય તો ન કરો’—એવા જવાબ વાળીને ખાઈ લેનારા પતિને બપોરે રેસ્ટોરાંનું શરણ લેવું પડતું તેમાં નવાઈ નહોતી.
દસ વાગ્યે હજુ પોતે ઢોકળાં ને તેલ ખાઈને ઊઠ્યો છે, વરિયાળી ખાતો બેઠેલ છે, ત્યાં જ એણે મુસાફરીથી ઓચિંતા પાછા ફરેલ મોટાભાઈને પ્રવેશ કરતા જોયા. જોતાં જ એના પેટમાં પડેલાં થોડાંઘણાં ઢોકળાંનાં બટકાં કોણ જાણે ક્યાંયે ઓગળી ગયાં!
મોટાભાઈ પોતાના ખંડમાં ગયા કે તરત જ સુશીલાની બાએ એક સામટી ત્રણ સગડીઓ પેટાવવા ને દાળભાત ભીંજાવવા, તેમ જ બે શાક સમારવા માંડ્યાં.
“કેવી કરી, જોઈ ને!” એણે ઘાટીને કહેવા માંડ્યું: “તારા નાના શેઠને કાંઈ ખાવાબાવાની ભાનસાન નહીં! એટલે જ હું આજ ઓચિંતાની ફસાઈ પડી ને!”
થોડી વારે નાના શેઠને મોટાભાઈના ખંડમાં જવાનું તેડું આવ્યું.
“તું શું ઓલ્યા ભિખારીની માનું સનાન કરવા ગયો’તો?” ચંપક શેઠે પહેલો જ પ્રશ્ન એવો કર્યો કે એની બુદ્ધિશક્તિનો છાકો જ નાના ભાઈ પર બેસી જાય. સ્ટેશનેથી પોતે પરબારા પેઢી પર જઈ પ્રાણિયા પાસેથી બધી વાત જાણી લીધી હતી.
“હા, જઈ આવ્યો! શું પછે—” વાતને રોળીટોળી નાખતો ટૂંકો જવાબ દેતા નાના શેઠ વરિયાળી ચાવતા રહ્યા.
“તને કોણે ડા’પણ કરવા કહ્યું’તું?”
“કાંઈ નહીં—ચાલ્યા કરે ઈ તો.”
“ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રે’વું છે કે નથી રે’વું?”
“પણ એવડું બધું શું થઈ ગયું છે?” નાના ભાઈનું મોં ગરીબડું બન્યું; ઘરમાંથી દૂર થવાના ખ્યાલમાત્રે પણ એને ચોંકાવી મૂક્યો.
“મારું મોત કરાવવા કેમ ઊભો થયો છો? તું ભાઈ થઈને દુશ્મનનું કામ કાં કરી રહ્યો છો?” બોલતે બોલતે ચંપક શેઠના દેહનો ચરુ ઊકળતો ગયો.
“પણ મેં શું કર્યું છે?”
“તેં શું કર્યું છે તેની તને શી સાન હોય? એ છોકરાના આખા ઘરના નામ ઉપર, એની સાથેના આખા સંબંધના નામ ઉપર સ્નાન કરી નાખ્યા પછી તું હજીય એ સંબંધ કાયદાની કોરટમાં પુરવાર થાય એવું તો કરી રહ્યો છો.”
“કાયદાની કોરટ શું? શું વાત કરો છો તમે, મોટાભાઈ?”
“તને તો ખાવાપીવા ને ઘોંટવા સિવાય બીજું ભાન શેનું છે? કાયદાની કોરટે ઓલ્યો સુખલાલ ચડવાનો છે!”
“ચડે નહીં; એવો નાલાયક એ છોકરો નો’ય.”
“ને તને ખબર છે ને, કે આપણે સુશીલાને માટે બીજે તજવીજ કરીએ છીએ. ત્યાં શી અસર થાય?”
“કાંઈ યે ન થાય. પણ બીજે તજવીજ શીદ કરવી પડે છે? આમાં શું ખોટું છે? છોકરો કમાતો થયો છે.”
“અરે, તારી જાતનો! ભાઈનેય ફસાવ્યો લાગે છે—” મોટા શેઠના દાંતમાં રેતીનો કચકચાટ થયો.
“ને મારાં ભાભી અને સુશીલા તો વેવાઈને ઘેર પણ જઈ આવ્યાં એવા ખબર છે. એમને ગમ્યું તો આપણને શું?”
“ઓહો! એટલી બધી વાત પણ થઈ ચૂકી!”
વધુ બોલ્યા વગર મોટા શેઠ નાહવા ગયા. ત્યાંથી પાછા આવીને કહ્યું: “આજની ગાડીમાં તું દેશમાં ઊપડ—તારી ભાભીને ને છોકરીને વળતા જ દીએ આંહીં તેડીને હાલ્યો આવ! આમાં જો કાંઈ ફેરફાર થયો છે ને, તો… બસ, વધુ કહેવાની જરૂર નથી.”
મોટાભાઈની સાથે વાતચીતનો ઓછામાં ઓછો પ્રસંગ લઈને દૂર નાસનાર આ નાના ભાઈએ આજે પોતાનો નવા પ્રકારનો તેજોવધ અનુભવ્યો. ‘જો નહીં લાવ ને… તો… જોઈ લઈશ…’ ‘ઘરમાં રે’વું છે કે નથી રે’વું, હેં!’ વગેરે પહેલી જ વાર સંભળાયેલા શબ્દો એને ટાઢા થતા જખમની માફક વધુ ખટકતા હતા. એણે પોતાના ઓરડામાં જઈને કોટ બદલાવવા માંડ્યો.
ત્યાં તો દુકાનનો દાદો ગુમાસ્તો પ્રાણિયો ઉર્ફે પ્રાણજીવન, “લ્યો કાકી, આ ઘી,” એમ કહેતો રસોડામાં આવ્યો. “ઠેઠ પારલા ગયો ત્યારે પત્તો લાગ્યો,” એમ કહીને આવું સારું ઘી મેળવવાનાં કષ્ટોનું વર્ણન લહેકાદાર વાણીમાં કરીને પછી સુશીલાની બાને હળવેથી પૂછવા લાગ્યો: “કાં, કાકી, મોટાભાઈ આવ્યા પછી ઘરમાં કાંઈક ગાજવીજ કે કડાકા-ભડાકા નથી થયા ને?”
“શેના કડાકા-ભડાકા?”
“હવે અજાણ્યાં શીદ થાવ છો? તમે ચતુર થઈને મારું પારખું કાં કરો?”
“તારા સમ, મને ખબર નથી!”
“તમારાં વા’લાં સગાં ગુજરી ગયાં, ત્યાં નાના શેઠ સનાન કરી આવ્યા—ખબર નથી?”
“ના! કોણ સગાં?”
“તમને કહ્યું ય નથી?”
“ના, મને મારા જીવના સમ!”
“ખરા ત્યારે તો! ત્યારે તો હવે તમારા માથાના થઈ ગયા નાના શેઠ! હવે ફકર નહીં? તમે ઘણા દી એમને માથે જમાદારી કરી; હવે એમનો વારો.”
“પણ પીટયા, સીધો ભસી મર ને—શું થયું? કોણ ગુજરી ગયું ને કોનું સનાન?”
“તમારાં વેવાણ રૂપાવટીવાળાં.”
“વેવાણ જેની હોય એની—મારે તો સનાને નહીં ને સૂતકે નહીં.”
“ત્યારે નાના શેઠ તો સનાનમાં ગયા’તા!”
“એમ! ઠીક, એનો તો હું બરાબર હિસાબ લઈશ.”
“પણ તમારું બીજું કોઈ ઠેઠ રૂપાવટી જઈને અવસર ઉકેલી આવ્યું હોય તો તેનું કેમ?”
“બીજું કોણ વળી?”
“ભાભુ અને સુશીલાબેન.”
“હવે ઉડાડ મા ને મને ઠાલો!”
“મારી આંખ્યુંના સમ.”
“તારે ઘેર તાર આવ્યો હશે, કાં ને રોયા?”
“મારે એકલાને ઘેરે નહીં, ને ટૂંકો ટચ તારેય નહીં.”
“ત્યારે?”
“વિગતવાર ચાર પાનાં ભરીને કાગળ. તમારી દીકરીએ એની સાસુનું મોત સુધાર્યું ને જીવતર ઉજાળ્યું તેનાં મોંફાટ વખાણ સો સનાનિયાંની વચ્ચે વંચાણા; ને સુશીલાબેનની તો વાહ વાહ બોલી ગઈ. વળી એ બધા સુશીલપણાનો જશ કોને ચડ્યો ખબર છે? નવ મહિના જેણે પેટમાં વેઠીને આટલાં મોટાં કર્યાં તેને નહીં!”
“આ બધું તું શું બકબક કરી રીયો છો, મૂવા? મને ઠેકડીએ કાં ઉડાડ્ય?”
“ઠેકડીએ નથી ઉડાડતો. બન્યું ઈ તલેતલ કહું છું. આ જશ ચડ્યો તમારાં જેઠાણીને. જેઠાણીએ વેવાણની છેલ્લી ઘડીએ ધરમનાં વેણ સંભળાવ્યા, તે ઉપરાંત મા વગરનાં ત્રણ છોકરાંને લઈને જેઠાણી થોરવાડ ગ્યાં. લ્યો, આમાં એક પણ વિગત ખોટી હોય તો તમારું ખાસડું ને મારું મોઢું.”
પ્રાણિયાની વાતે સુશીલાની બાને તો ચિત્રમાં આલેખ્યાં હોય તેવાં કરી મૂક્યાં. રોજ ઘરની જરૂરિયાતની વસ્તુઓ લાવી આપનાર અને વ્યવહારિક કાર્યોમાં દોડાદોડ-ટાંગાતોડ કરી પોતાનું એકલાનું જ વ્યક્તિત્વ સૌની આંખોમાં પાથરી દેનાર આ પ્રાણિયાનો પરિચય વાર્તાના પ્રારંભના ભાગમાં આપણને થઈ ચૂકેલ છે.
આવા પ્રાણિયાનો પગ પ્રત્યેક શેઠ-કુટુંબમાં જડબેસલાખ હોય છે, તે વિશે તમને કોઈને શંકા નહીં હોય. આવા પ્રાણજીવનોને શેઠિયાનાં ઘરોનાં બૈરાઓ સાથે ભારી મેળ હોય છે, કેમ કે શેઠાણીઓ સ્વામીઓ પાસે જે ચીજો નથી મગાવી શકતી તે પ્રાણિયાઓ દોડીને લાવી આપે છે. શેઠિયાઓ ઘરકામની જે ભલામણો પેઢી પર પહોંચતાં જ ભૂલી જાય છે, તે પ્રાણિયાઓ જ યાદ કરી આપે છે. ઘેરથી પાંચ-દસ વાર આવતો જે ટેલિફોન લેવા શેઠિયાઓને ફુરસદ નથી હોતી, તેનો અમલ પ્રાણિયાઓ જ કરતા હોય છે. નાટકો અને સિનેમાની ટિકિટો પ્રાણિયાઓ જ લાગવગથી મેળવી આપે છે. ગામમાં સાડીની કે પોલકાની છેલ્લામાં છેલ્લી ડિઝાઈન કઈ આવી છે તેના ખબર પ્રાણિયાઓ જ પૂરા પાડે છે, ઘરમાં માંદગી વેળા પ્રાણિયાઓ જ ઉજાગરા કરતા હોય છે, અને શેઠિયાઓ ઘર છોડ્યા પછી શું શું વાતો કરે છે, ક્યાં ક્યાં આવે-જાય છે, અને કેટલું રળે છે—ગુમાવે છે તેની બાતમી પ્રાણિયાઓ પાસેથી જ મળે છે. ઉનાળાની કેરીથી લઈ શિયાળાની ગરમ બનાત કાશ્મીરીની પરખ પ્રાણિયાઓને જ હોય છે. આવા પ્રાણિયાઓમાં રસોડા સુધી જવાની, કડકમાં કડક શબ્દે બોલવાની, મશ્કરી કરવાની તેમ જ વિનયવંતા આજ્ઞાંકિત દેખાવાની ચાતુરી હોય છે. પ્રાણિયાઓ શેઠાણીઓ ઉપર રાજ કરી શકે છે, કેમ કે શેઠાણીઓનો ‘પીટ્યા’, ‘રોયા’, ‘મૂવા’ ઈત્યાદિ લાડશબ્દોનાં સંબોધનો કરવાનો શોખ આવા પ્રાણિયાઓ પર જ સંતોષાઈ શકે છે.
એટલી વાત કરીને પ્રાણિયો “લાવો, કઈ ચૂડીને ચીપ નાખવી છે? ને કઈ બંગડીઓ ભંગાવી નાખવી છે?” એ પૂછતો ઊભો રહ્યો.
“સાંજે આવજે,” કહીને સુશીલાની બાએ એને જલદી વિદાય દીધી, ને પોતે જેઠજી માળા ફેરવી લ્યે તેટલો સમય હોવાથી પોતાના ઓરડામાં ગઈ. પતિ હજુ કોટનાં બટન પૂરાં નાખી નહોતા રહ્યા. “લાવો, બટન નાખી દઉં!” એ કામને બહાને પોતે ત્યાં ઊભી અને બટન નાખતી નાખતી ટાઢીબોળ સત્તાધીશીના સ્વરો કાઢી બોલવા લાગી:
“મારાથી ચોરી રાખી એટલે હું શું તમને ખાઈ જવાની હતી? ને ચોરી ભગવાનને ઘેર કેટલોક વખત છૂપી રહી શકે છે? મારું સનાન તો હજી બાકી છે, ત્યાં કોનું સનાન કરવા પધાર્યા’તા? ને મારી છોકરીનો ભવાડો કરવાનો ભાભીને શો હક્ક છે?”
“તું મને કહેવું હોય તે કહી લે, પણ ભલી થઈને ભાભીને માટે ગેરશબ્દ ન કહેતી હો!” આટલું બોલતાં બોલતાં પતિની આંખોમાં પાણી તબકી ઊઠ્યાં.
“ભાભીનું દાઝે છે—બાયડીનું દાઝતું નથી! આદમી છો? એક વાર મોટાભાઈનાં જૂતાં ઉપાડવા લાયક થાવ, પછી મારા ઉપર રુઆબ કરવા આવજો.”
“પણ તું શા સારુ મારી પાસે મોટાભાઈનાં જૂતાં ઉપડાવ છ? ને ભાભીએ શું કરી નાખ્યું છે એવડું બધું?”
“છોકરીને ટાળી દીધી, બીજું તો શું?”
“છોકરીએ કાળુંધોળું કાંઈ કર્યું છે?”
“મોટાભાઈએ જે સંબંધમાં લાલબાઈ મૂકી દીધી છે, તે સગપણ સાચવવા શીદ લઈ ગયાં મારી છોકરી ને?”
“ગામ રસ્તામાં હતું તે ગયાં હશે. છોકરી તારી જ છે, ને ભાભીની નહીં?”
“છોકરી તો મોટાભાઈની—બીજા કોઈની નહીં. બીજા કોઈને કશું કરવાનો અધિકાર નથી. મારી દીકરીના કાનમાં ઝેર ઝેર ને ઝેર રેડવા સિવાય, મારી સામે તો ઠીક પણ પોતાના સગા ધણીની વિરુદ્ધ—દેવ સરખા ધણીની વિરુદ્ધ—છોકરીના કાનમાં સીસું ઉકાળી ઉકાળીને સીંચવા સિવાય, બીજું કામ શું કર્યું છે ભાભીએ? જેના પગ ધોઈને નત્ય પ્રભાતે પીવા લાયક, એવા મોટાભાઈથી છાનાં છાનાં પેંતરા ભરવા ને કાવતરાં કરવાં, એ કાંઈ ખાનદાનનું કામ નથી.”
કોટ પતિના હાથમાં આપતી આપતી એ બોલ્યે જતી હતી. પતિની ટોપીને બ્રશ મારતી મારતી, પતિને નવો હાથરૂમાલ કાઢી દેતી, અને આ ‘ચંપલ નૈં, ઓલ્યા બૂટ પે’રતા જાવ’ એવું કહી, બૂટ કાઢી દઈ પહેરાવતી પહેરાવતી આ પત્ની પતિને જેટલી વધુ વાર રોકી શકાય તેટલું રોકીને પોતાની જેઠાણીની નિંદા ને જેઠની દેવગાથાઓ ગાતી ગઈ. જેઠને સંભળાવવાનો હેતુ સ્પષ્ટ હતો.
“ભગવાન! ભગવાન!” પતિને ધીરે પગલે ચાલ્યો જતો જોઈ એણે આસ્તેથી ઉદ્ગાર કાઢયો: “કોને ખબર—મને પરણ્યા છે…કે…એને!”
પોતાની પાછળ બોલાયેલા શબ્દો નાના શેઠે કાનોકાન સાંભળ્યા. એ થંભ્યો. ફરી વાર એની આંખે અંધારાં આવ્યાં, એણે બારણું ઝાલી લીધું. એ તમ્મર એકાદ મિનિટ ટક્યાં. પછી મનની કળ વળી. એ આપઘાત કરવા કૂવામાં પડતો હોય તેવી રીતે ‘લિફ્ટ’માં પહોંચ્યો ને નીચે ઊતર્યો.
મોટરગાડી નીચે તૈયાર હતી. શોફરે નાના શેઠને લઈ જવા બારણું ઉઘાડ્યું.
“નહીં ભાઈ, પેદલ જાયગા.” એટલું જ બોલીને નાના શેઠ જલદી પોતાના ઘરની ગલી વટાવી ગયા.