“ઘરની રસોઈ ગમે તેવી મીઠી થાય, પણ ખરી ભૂખ તો રેસ્ટોરાંમાં જ છીપે છે, નહીં?” નાના શેઠ ખાતાં ખાતાં ભારી લિજ્જતથી પૂછવા લાગ્યા.
“મને બહુ અનુભવ નથી.”
સુખલાલનો જવાબ ઠંડોગાર હતો. એને આ માણસ વધુ ને વધુ બેવકૂફ લાગતો ગયો; પણ કોણ જાણે કેમ, એ માણસનો ચહેરો એ માણસની બધી બેવકૂફીને માફ કરવા લાયક બનાવી દેતો હતો. નાસ્તો ખાતો ખાતો સુખલાલ એ ચહેરામાં જ મશગૂલ હતો. આ ચહેરાની સાથે સુશીલાના ચહેરાને સરખાવીને એ સુશીલાના મોંની એક સો ને એક ખાંપણો એકઠી કરતો હતો, ને મનમાં મનમાં દાઝે બળી દાંત ભીંસતો હતો કે, સુશીલાને કોણ રૂપાળી કહી શકે? મારી તો ભૂખરાતેય એને રૂપાળી કહેવા તૈયાર નથી.
“તમે ઈસ્પિતાલે પડ્યા હતા ત્યારે મારે તબિયત જોવા આવવું હતું હો—સોગંદપૂર્વક કહું છું,” એમ કહેતા કહેતા નાના શેઠ જે મુખભાવે જોઈ રહ્યા તેમાં લુચ્ચાઈ કરતા બેવકૂફી જ વિશેષ હતી એવું સુખલાલને લાગ્યું.
સુખલાલે કશું પૂછ્યું નહીં—પૂછવાનો વિચાર કરવા પણ એનું મન નવરું નહોતું, કેમ કે એ તો લાગી પડેલો આ માણસના મોંને ખોતરી ખોતરીને ત્યાં દટાયેલા સુશીલાના મોંને બહાર કાઢવા! એણે ન પૂછ્યું તોપણ નાના શેઠે મોંમાં પાંઉરોટીનો ટુકડો મૂકતે મૂકતે કહ્યું: “તમે પૂછશો કે તો પછી કેમ ન આવ્યા? પણ શું કરું, ભાઈ! મોટાભાઈને લપછપ ઝાઝી ગમે નહીં ને! અરે, મારે ક્યાંઈક નાટક-સિનેમામાં જવું હોય તોય મોટાભાઈ રોકે કે, નાનુ, તારી આંખો બગડે, તારું પેટ બગડે, આ બગડે ને તે બગડે.”
પોતાની માંદગી અને નાટક-સિનેમા, બેઉને એક જ કક્ષામાં ખપાવનારો આ ભૂતકાલીન સસરો ગજબ બેવકૂફ, ભાઈ! આની સાથે આજ ક્યાંથી પનારું પડ્યું! આ તે વીશ વર્ષની છોકરીનો આડત્રીશેક વર્ષનો બાપ છે કે મોટાભાઈની આંગળીએ વળગીને સંસારમાં પા પા પગલી માંડતો કોઈ બચુડો છે! સુખલાલ કંટાળતો હતો—પણ વળી બીજી જ ક્ષણે એને દયા ખાવાનું દિલ થઈ આવતું.
ચા-નાસ્તો પતાવી લીધા પછી નાના શેઠે મોં પર બે આંગળીઓ મૂકવાની ઈશારત કરીને સુખલાલને પૂછયું: “તમને કાંઈ આનો વાંધો નથી ને?”
“હું નથી પીતો.” સુખલાલ સિગારેટની વાત સમજી જઈને બોલ્યો.
“એમ તો હુંય નથી પીતો. પણ આ તો હમણાં હમણાં જરા ચક્કર આવે છે ને એટલે આંહીં આવીને એકાદ પીઉં છું—એકાદ, વધુ કોઈ દા’ડો નહીં હો! મોટાભાઈને બહુ ચીડ છે. નાનપણમાં મને એક વાર મારેલો, હાડકાં ખોખરાં કરી નાખેલાં; એટલે એ તો આંહીં જરા દિલને ગોઠતું ન હોય તો વાત વિસારે પડે એટલા સારું—અને તમને પણ વાંધો ન હોય તો જ, હો!”
“મને કાંઈ વાંધો નથી.”
“તો બસ—તો પછી બસ,” એવું કહીને બેવકૂફ બાળકની અદાથી હસતે હસતે એણે વેઈટર પાસે એક સિગારેટ મંગાવી ને સળગાવી. દરમિયાન સુખલાલ “હું હાથ ધોઈને આવું છું,” એમ કહીને કૅબિનની બહાર ગયો. થોડી વારે પાછો આવીને બેઠો. પછી બન્ને જણ ઊઠી બહાર નીકળ્યા. કાઉન્ટર (થડા) પાસે આવતાં નાના શેઠે પૈસા ચૂકવવા ગજવામાં હાથ નાખ્યો એટલે સુખલાલે કહ્યું: “ચાલો, હવે ચાલો.”
“થોભો, હું બિલ ચૂકવી લઉં.”
“એ તો થઈ ગયું!”
કાઉન્ટર પર બેઠેલો ઈરાની હસતો હતો.
નાના શેઠ થોડી વાર તો હાથમાં ઉઘાડેલું ખીસાપાકીટ અને તેમાંથી કાઢેલી રૂપિયા પાંચની નોટ ઝાલી થંભી જ ગયા, કાંઈ બોલી ન શક્યા. શરમિંદા બનીને ધીરે ધીરે નીચે ઊતર્યા ને એટલું જ બોલતા રહ્યા: “આ તો બહુ અઘટિત કર્યું, ભારી કર્યું, તમે મને છેતર્યો. મને સુશીલાએ કહેલું તે સાચું પડ્યું કે, બાપુ તમે તો બહુ ભોળા છો; કોઈક તમને છેતરી જશે.”
આ શબ્દો બોલતાં તો બોલાઈ ગયા, પણ સુશીલાના નામનો ઉચ્ચાર પોતે એવે સ્થાને કરી નાખેલ છે કે જો મોટાભાઈને ખબર પડે તો માથે માછલાં ધોવાય એવી એને દહેશત લાગી. એણે પોતાને જુદા પડવાનો ખાંચો આવ્યો ત્યારે ‘જે જે’ કર્યા, ક્યાં રહો છો, વગેરે પૂછી લીધું, ને એમ પણ કહી લીધું કે “હું આ સિવાય બીજી કોઈ રેસ્ટોરાંમાં જતો નથી. રોજ આ જ વખતે જાઉં છું. મને ફેરફાર કર્યા કરવાનું ગમતું જ નથી. કૅબિન પણ બનતા સુધી આજે આપણે બેઠા હતા તેની તે જ. છેવાડાની કૅબિન જ મને ફાવે છે.”
સુખલાલે જવાબ ન દીધો, તોપણ નાના શેઠે કહી લીધું: “જો વાંધો ન હોય તો કોઈ કોઈ વાર આંહીં આવો! મને બીજા કોઈની જોડે જવું ગમતું નથી. બીજા કોઈ જો બહુ બોલ બોલ કરે તો મારું માથું પાકી જાય છે. તમારા જેવા શાંત માણસ હોય તો આપણે બેઉ શાંત સ્વભાવના ભેગા થઈને કાંઈ પણ વસ્તુનો લોહીઉકાળો કર્યા વગર નિરાંતે બેસીએ બે ઘડી—બીજું શું? કોઈને કહેવાની કાંઈ જરૂર નથી. મોટાભાઈ જરા આકરા છે ખરા ને!”
પોતાને મળતા નિમંત્રણનું ખરું રહસ્ય સુખલાલ પારખી ગયો હતો, એટલે ‘આપણે બેઉ શાંત માણસો’ એવો ઉચ્ચાર સાંભળીને એણે માંડ માંડ હસવું ખાળી રાખ્યું; સાચું રહસ્ય તો એક જ હતું—કે આ બેવકૂફ માણસને પોતાની કશા જ શકરવાર વગરની વાતો સાંભવા કોઈક સાથી જોઈએ છે. બાકી તો આવા જડ પ્રકૃતિના માણસને કોઈ સૂક્ષ્મ પ્રકારની મનોવેદના હોવાનો સંભવ નથી. મને આંહીં નોતરવામાં એનો પ્રેમભાવ તે શો હોય? છતાં એ સોબતનો સહેજ ભૂખ્યો છે. “જોઈશ” કહીને એ જુદો પડ્યો.
“વાત કહું,” એમ કહેતા નાના શેઠ ચારે બાજુ ચકળવકળ જોતા જોતા પાછા સુખલાલની નજીક ગયા; જઈને પૂછ્યું: “ધંધામાં કાંઈ સગવડની જરૂર છે? હોય તો કહેજો હો!”
“હો,” તિરસ્કારની એક લાગણી લઈને સુખલાલ ચાલી નીકળ્યો.
પણ એ તિરસ્કારની છાશ દયાના માખણની ચીકાશ વગરની નહોતી. સુખલાલને હૈયે આટલી જિંદગીમાં કોઈને માટે જે ‘બિચારો’ એવો ઉદ્ગાર નહોતો ઊઠ્યો (કારણ કે એની પોતાની જ જિંદગીમાં ભરપૂર બિચારાપણું પડેલું) તે ઉદ્ગાર પહેલવહેલો આ ભૂતકાળના ‘થયા હોત’ તે સસરાને માટે ઊઠ્યો. પછી બીજો વિચાર એને સારી પેઠે ચીડવનારો ખડો થયો: સુશીલાના બાપની બેવકૂફીની મેં અત્યારે જે બરદાસ કરી, તેની ખબર સુશીલાને ક્યાંથી પડવાની હતી? એણે મારા બાપા આંહીં આવ્યા ત્યારે તેમની પ્રત્યે કેવી વર્તણૂક બતાવી હશે! એના ઘરથી મારા બાપ તુચ્છકાર લઈને જ ભગ્નહૃદયે પાછા ગયા છે, એ વાત તો નક્કી ને? એ તુચ્છકારમાં સુશીલાએ કોણ જાણે કેવોય ભાગ ભજવ્યો હશે! ન ભજવ્યો હોય તો પણ મારા પિતાનું વેર આ આખા કુટુંબને માથે વાળવાની અત્યારે જ તક હતી. એ તક મેં નાહકની જતી કરી છે. મારે એની પટકી પાડવી જોઈતી હતી; એવું કંઈક કહેવું જોઈતું હતું, કે જેથી આ માણસ પેઢી પર જઈ પોતાના મોટાભાઈ પાસે રોયા વગર રહી ન શકે. એવી થોડીક ગાળો વીણી વીણીને ચોપડાવવાની જરૂર હતી. તે દિવસ રાતે અમને વચન આપનાર કે ‘કાલ આવજો, હું કાગળિયાં આપી દઈશ’—તે માણસ વળતા દિવસે તો કુટુંબને પણ દેશમાં વળાવી નાખે છે, ને પોતેય પગ વચ્ચે પૂંછડી નાખીને બહારગામ ભાગી જાય છે, ત્યાંથી હજુ પાછો પણ આવેલ નથી. તે માણસ પર વેર વાળવાની ખરી તક ખોઈને મેં બેવકૂફે ઊલટાના રેસ્ટોરાંના પૈસા ચૂકવ્યા!
બેવકૂફ તે હું કે આ સુશીલાનો બાપ?
ઠીક છે. હવે કાલ વાત છે. બનશે તો કાલે ખુશાલભાઈને સાથે લઈને આવીશ. એ બાજુમાં હશે તો મને કાંઈ ચાનક ચડશે.
પણ નવાઈ તો મને આ થાય છે કે આવા નાદાન અને બીકણ માણસની દીકરી એટલી બધી નીડર ક્યાંથી નીવડી! ને એ તો આવી ભોટ પણ નથી લાગતી. એ પણ પક્કી તો ખરી જ ને! રાતે મને કહે છે કે, કાલે તમે આવશો ત્યારે વધુ વાતો કરશું. ને રાતની રાતમાં કોણ જાણે શો ગોટો વળી ગયો કે સવાર પડતાં જ ભાભુની સોડમાં ગરીને ભાગી નીકળી! પક્કી લાગે છે, પક્કી. મારા પર ફક્ત ભાવ દેખાડતી હશે કે ખરેખર દિલમાં ભરેલ હશે? ગમે તેમ હોય, પણ પેલો મોટો શેઠ જ્યાં એને પોતાની ઇસ્કામતના વારસાના ડુંગરા દેખાડતો હશે તે ઘડીએ જ એના અંતરના ભાવ સાવ થીજીને હિમ થઈ જતા હશે. એનેય એક વાર જો આ વિજયચંદ્ર જેવો તાલીમબાજ ભેટી જાય ને, તો મારા હૃદયની પૂરેપૂરી દાઝ સંતોષાય. ભલે પછી ઈસ્કામતના ઢગલા ઉપર બેસીને માણ્યા કરે.
આમ કલ્પનાના જગતમાં સુશીલાને બાપુકી ઈસ્કામતના ઢગલા પર બેસારીને પછી સુખલાલ એની બાજુમાં વિજયચંદ્રને બેસારે છે, પણ પછી શું? પછી એ બેઉ વચ્ચે શા શા સંસ્કારો ગુજરે તો સુશીલા પર દાઝ વળી રહે, એવું કલ્પતાં એના હાથમાં કશું આવતું નથી. એ નિરાશ થાય છે, કેમ કે સુશીલાના બાપ ભલે બેવકૂફ હોય, એનો મોટો બાપુજી એવો નાદાન ક્યાં છે કે વિજયચંદ્ર જેવાના હાથમાં વારસો સોંપી કરીને સૂઈ જાય! બહુ બહુ તો વિજયચંદ્ર સાથે મેળ ન મળે, તો સુશીલા પાછી પિયરમાં આવીને જિંદગીભર લહેર શું કામ ન કરી શકે? એમાં મારું મોઢું મીઠું કરવા કયો ગળ્યો કોળિયો મને મળી જાય છે?
માટે આ સુશીલા-ફુશીલા પર વેર વાળવાની વાતો છોડીને, હાલ જીવ, કાલથી પાછો વાસણ વેચવા મંડી જા. એક મહિના પછી હું રૂપિયા 50નું બીજું રજિસ્ટર મોકલું તો જ ખરો મરદ. મા મારી હિંમતમાં આવીને ઊગરી જાય ને, તો હું આખી દુનિયાને પહોંચી વળીશ. ‘દીકરાની વહુ’-‘વહુ’ કરતી મા જો મરશે તો સુશીલા માથે દાઝ કાઢવી-ન-કાઢવી બધું સરખું જ થશે.