૧૨. ખુશાલભાઈની ખોપરી

હનુમાન ગલીના એક અંધારખૂણિયા મહોલ્લાની ચારેક સીડીનાં પગથિયાં તે વખતે હજુ પૂરાં જંપ્યાં નહોતાં. એ પગથિયાં પર સુખલાલને બબે કાઠિયાવાડી વણિક જુવાનોની જોડલી આંકડા ભીડેલ હાથ પર બેસારીને ઊંચકી ગઈ હતી. એ જુવાનોની અક્કેક જુદી ઓરડીઓ ચોથા માળ પર હતી; પણ તાબડતોબ એક ઓરડીમાંના એક જુવાને પોતાના કુટુંબને ફેરવી લઈ બીજા જુવાનની જોડે રહેવાનું રાખી દીધું. સુખલાલને માટે એક ઓરડી અલાયદી બની જતાં વાર ન લાગી. સામાન ફેરવતા ફેરવતા એ બે-ત્રણ જુવાનો સુખલાલના બાપા પર તરપીટ પાડી રહ્યા હતા:

“તમે તો ફુઆ, આદમી કે ચીભડું! છોકરો આંહીં આવેલ છે એ ખબર તો ન આપ્યા, પણ આંહીં ઘોડાગાડી લાવીને ઊભી રાખો છો ત્યાં સુધી કાંઈ ખબર જ પડવા દેતા નથી! તમે તો માણસ કે ચીભડું!”

“આ તે મુંબઈ છે કે મસાણ? હેં કાકા! સગાંવહાલાં શું બધાં મરી ગયાં’તાં એમ માન્યું?” બીજાએ ટ્રંક ઉપાડતે ઉપાડતે શ્વાસભેર ટોંણો માર્યો.

“હવે મામાની ટાલ કાં પાડો? એલા, પંખો લાવ, સુખાને પવન નાખ,” એક ત્રીજાએ પાસે બેસીને કહ્યું.

ઉપરાઉપરી બે ગાદલાં બિછાવીને કરેલી પથારીમાં સુખલાલને સુવાર્યો હતો. એ કહે કે “મને કાંઈ નથી. મારે બેસવું છે.”

“ના,” એના પિતાને ફુઆ કહેનારે કહ્યું, “નહીં બેસવા દેવાય. ડોકટરની રજા લઈ આવ્ય.” કહેનારનું નામ ખુશાલ.

“હા બેટા,” બાપે કહ્યું, “નરસે ના પાડી છે.”

“આંહીં પણ નર્સ-નર્સ!” સુખલાલે સ્મિત કરતે કરતે કહ્યું: “ત્યાં તો કડપ રાખતી, પણ આંહીંયે સુખે રહેવા નથી દેતી! બાપાને પાર વિનાની ભલામણો કરી દીધી છે, કોણ જાણે ક્યારે મારો છુટકારો થાશે!”

“પણ તારે હવે છુટકારો કરાવીને જવું છે ક્યાં? તારા સસરાને ત્યાં ને?” એમ બોલીને મામાના દીકરા ખુશાલે બીજા જુવાનો પ્રત્યે મિચકારો કર્યો.

સુખલાલના મોં પર એ મશ્કરીની ભાત ભડકામણી ઊઠી.

સાંજ પડતી ગઈ તેમ તેમ તો માળાના જુવાન નિવાસીઓ તેમ જ શહેરમાં જુદે જુદે ઠેકાણે વસતા થોરવાડ ગામની આસપાસનાં સગાંઓ ધબાધબ દાદર ચડતાં આવ્યાં. તેમના હાથમાં જાડા જાડા હાથાવાળી હરણછાપ છત્રીઓ હતી. છત્રીઓને પૂંછડે દેવરાવેલ નવાં થીગડાં આગલી સાલના મૂળ પરમેટા સાથે જુદી ભાત્યો પાડતાં હતાં. દાદરનાં પગથિયાં છેક છેલ્લી સીડીએથી ખબર દેતાં હતાં કે આ બધા બૂટ-જોડા મુંબઈની બનાવટના નથી, પણ અમરેલી, જેતપુર, જૂનાગઢ, રાજકોટ વગેરે સ્થળોનાં ખમીરધારીઓ છે. તેઓ આવતા ગયા, સાંકડી એવી ચાલીમાં ગોઠવીને હારબંધ પગરખાં ઉતારતા ગયાં. છત્રીઓ તેઓએ ધોતિયાં સૂકવવાને વાંસડે ટાંગી. તેમાંથી મુંબઈના ગાંડા વરસાદનાં પાણીની નળ જેવડી ધારો થતી હતી. અને ઓરડી તો ‘કાં દાદા!’ ‘કાં અદા!’ ‘ઓહો બાપા!’ વગેરે શબ્દોથી ફાટ ફાટ થઈ રહી. એક પછી એક તમામ આવી આવીને સુખલાલના પિતાને ભેટી ભેટી, અથવા ખોળે હાથ નાખી મળ્યા અને સુખલાલ તરફ જોઈ બૂમાબૂમ કરી ઊઠ્યા: “કાં ભાઈ, શાવકાર સસરાના નસીબદાર જમાઈરાજ, કેટલી કેટલી વાર તને પેઢી માથે ટેલિફોન કર્યો, કેટલી વાર ચાહીને મળવા તારા સસરાની પેઢી માથે નીકળ્યા, પણ તારો તો નસીબદારનો પતો જ નહીં! શું સાસુની પાસેથી છાનાંછાનાં બેંકનાં નાણાંની ચોપડિયું સંભાળવામાં પડી ગ્યો’ તો? કે…”

“કે પછી શું સસરાની સિંગાપુરની પેઢી માથે મૅનેજર બનીને ઊપડવા સામાન પૅક કરતો’તો?” બીજાએ કહ્યું.

સુખલાલ એ સૌ મહેણાં મારનારાઓને જવાબ આપવાની સ્થિતિમાં હતો. ઊભા થવા પ્રયત્ન કરતો હતો. ત્યાં તો બાપા બોલી ઊઠતા:

“બેટા, નરસે ના કહી છે; પછે તો જેવી તારી મરજી.”

ઓરડીના માલિક જુવાન ખુશાલભાઈએ આ શબ્દઝડી વરસાવનારા સંબંધીઓને બહાર છાનામાના બોલાવીને કહી દીધું: “એના સસરાવાળી વાતનો ઈશારોય કરતા નહીં. એને સૌ ભેગા મળી બીજી ગમ્મત કરાવો, ટુચકા કહી હસાવો, ગંજીપે રમાડો.”

“કાં?”

“પછી કહીશ.”

એટલી ટકોર સાથે જ વાતાવરણ બદલી ગયું. ગંજીપા નીકળી પડ્યા. હનુમાન ગલીના એ મહોલ્લાને ચોથે દાદરે મળેલા પંદર-વીસ જુવાનો ને આધેડો પૈકીના ઘણાખરા જ્યારે મુંબઈ આવવા માટે દેશમાંથી નીકળેલા હતા, ત્યારે રેલભાડાના પૈસા ઉછીના લેવા પડેલા. તેઓએ મુંબઈ ઉપર મીટ માંડી, કેમ કે ભણતર તેમનાં અટકી પડેલાં. ભણતર અટક્યાં તેનું કારણ બુદ્ધિનો અભાવ નહીં, પણ માસિક રૂપિયા-બે-રૂપિયા ફીનો અભાવ હતો. કોઈની મા વિધવા બની વરસ વરસના ખૂણામાં પુરાઈ હતી. કોઈના બાપને જુવાન દીકરી ઓચિંતી રાંડતાં કાં વિચારવાયુ થઈ ગયું હતું. કોઈના માવતરને બેઉને થોડે થોડે આંતરે કાં મરકી, કોલેરા ને કાં મૅનેન્જાઈટિસના સપાટા, સમળી જેમ ચાંચને ઝપાટે ચકલીના પોટાને ઉપાડે તેમ, આકાશે ઉપાડી ગયા હતા.

કોઈ પરણી ચૂક્યો હતો; કોઈ પાંચેક વર્ષની નોકરીમાંથી ટીપું ટીપું બચાવી પરણવાની વાટાઘાટ ચલાવી રહ્યો હતો; કોઈ હજુ પરણાવવા બાબતની મશ્કરીનું જ પાત્ર બનીને મીઠાશ માણી રહ્યો હતો; કોઈ પરણેલી સ્ત્રીને તેડાવવા માટે માળે માળે ઓરડી શોધતો આથડતો આથડતો નાકે દમ આવી ગયાનું કહેતો હતો.

આવેલાઓમાંના એક દાકતર હતા, ને એમના આગમન વખતે બધાએ એકસામટા તાજુબીનો ‘ઓહોહો આપ!’ એવો ઉદ્ગાર કાઢ્યો હતો. એ દાકતર જુવાન બેઠો ત્યાં સુધી હાસ્યવિનોદ અટકી રહ્યાં હતાં. ફક્ત એ ઓરડીના માલેક ખુશાલચંદે સુખલાલના પિતાને ફોડ પાડ્યો કે “કાં ફુઆ, આ ભાઈને ઓળખ્યા, આ દાકતર સાહેબને?”

“કોણ?”

“આંબલા ગામવાળા નેણશી દોશીના ચિરંજીવી ગુલાબચંદ.”

“હા, ઓહો! ભાઈ ગુલાબ! ઓળખાણો જ નહીં. દાકતર ક્યારે થઈ ગયા, ભાઈ? હજી હમણાં લગી તો કટલેરીની દુકાને હતા ને?”

“સ્પેશિયાલિસ્ટ છે.”

“શેના?”

“બાઈયુંના.”

“બાઈયુંના? એમ!”

“એટલે કે સુવાવડ કેમ વધારવી, કેમ ઘટાડવી, દીકરો કેમ મેળવી શકાય ને દીકરી કેમ જણી શકાય, તેના મોટા જાણકાર છે. ઠેઠ જર્મની-અમેરિકાથી કાગળિયાં મંગાવે છે. ખાનગી સલાહો બહુ આપે છે. પોતે ડોકટર છે.”

“પરીક્ષા આપી હશે.”

“ના જર્મનીથી ડિગ્રી ટપાલમાં આવી છે.”

“ઠીક ભાઈ! સારી વાત. સુખી થાવ!” સુખલાલના પિતાએ ભોળાભાવે સાંભળી લીધું. એને જાણ નહોતી કે એકઠા થયેલા વીશેય જણા ચુપચાપ થઈ જઈને આંખો આડી કાં ચોપડી, કાં છાપું, કાં પંખો ને કાં પોતાની ટોપી રાખીને બેઠેલ છે. ખુશાલભાઈ હવે આગળ કાંઈક વધુ ઓળખાણ આપવાનો જ છે, એ વાટ જોઈ સૌ તલપી રહ્યા હતા. ડોકટર તરીકે ઓળખાવેલા યુવાને ઊઠવા ઉતાવળ બતાવી, એટલે ખુશાલચંદે કહ્યું: “સુખાનું શરીર તો તપાસતા જાવ!” ને પછી સુખલાલના પિતા તરફ ફરીને કહ્યું:

“ફુઆ, કાંઈ સારું ઠેકાણું છે ધ્યાનમાં?”

“શેનું?”

“કોઈ રાજકોટ, જેતપુર કે જામનગરની કન્યા. છ-સાત ચોપડી અંગ્રેજી ભણેલી હોવી જોઈએ. રૂપાળી ગોરી મઢમ જેવી જોવે. સાડીને પિન ભરાવતી હોવી જોઈએ. પોલકાની બાંય ખંભાથી હેઠી હોય તો નહીં ચાલે. મહેમાનોની જોડે બેસીને આજે ક્યું સિનેમા-પિકચર સારું છે તે કહી શકે એવી.”

એ અવાજમાં વિનોદનો રણકાર હતો અને કરવતનો કરડાટ હતો. દાકતર જુવાન ‘હવે ભઈ, બસ!’ કહેતા કહેતા પોતાની તમામ છટા સાથે સુખલાલની આંખો ફરતાં કાળાં કૂંડાળાં, જીભ, નખની ઝાંખપ વગેરે ખુરશી પર બેઠા બેઠા જોતા હતા, કેમ કે તેણે પાટલૂન પહેર્યું હતું.

“કોના માટે કન્યાનું પૂછો છો, ભાઈ?” પરોણાએ પૂછ્યું.

“અમારે આ દાકતર માટે.”

“એમ કેમ? એનું લગન તો આપણા દલીચંદને ઘેર થયું છે ને?”

“થયું છે, પણ…”

“હવે ભઈ, રે’વા દો ને,” દાકતર જુવાન આટલું કહેવા કરતાં વધુ ગુસ્સો ન કરી શકે એવું આ ઓરડીના માલિક ખુશાલનું વ્યક્તિત્વ હતું.

વીશે જણાને વાતાવરણ ફાટફાટ થતું લાગ્યું. ફુઆના પ્રશ્નનો ભત્રીજાએ જવાબ દીધો:

“એ બાઈ તો ભણેલાં નથી તેમ રૂપાળાં કે ડાહ્યાં નથી, એવી આ અમારા દાકતરને હમણાં ઓચિંતી દસ વરસે ખબર પડી, એટલે એને આ નવો વિચાર કરવો પડ્યો છે. કટલેરીની દુકાને હતા ત્યાં સુધી તો કશી ખામી ન દેખાઈ. હોય! આપણી બુદ્ધિ જેમ જેમ આગળ વધે, ટાંટિયા ઢરડતાં ઢરડતાં ઘરની મોટર જેમ આપણે વસાવી શકીએ, તેમ તેમ જ ખામીઓ સૂઝે ને! જાગ્યા ત્યાંથી સવાર. કેમ, નહીં —ફુઆ?”

આ દાકતર જુવાને દસ વર્ષના પરણેતર પછી પત્નીને અભણ-અબુધ કહી પિયર વળાવી હતી.

સુખલાલના પિતા ચૂપ રહ્યા. વીશે જણા ઊંધું ઘાલીને હસવું દબાવવાનું સામટું જોર કરતા હતા. દાકતર જુવાન પોતાની આ માર્મિક પટકી પાડનાર પોતાના થોડા દૂરના વડીલ સંબંધી તરફ કાંઈક તોછડી, કાંઈક દયામણી ને કાંઈક હસતી દૃષ્ટિએ જોઈ રહ્યો. સામો શબ્દોચ્ચાર કરવાની એની હિંમત નહોતી, કેમ કે દિવસભર વાસણોનો સૂંડલો મજૂર માથે મુકાવીને મહોલ્લે મહોલ્લે ફેરી કરનાર આ ખુશાલભાઈ સાંજ પડ્યા પછી પોતાના પ્રદેશના તમામ કાઠિયાવાડી ભાઈઓની સંભાળે જનારો હતો; કલકત્તા, મદ્રાસ વગેરે બાજુ જનારા દેશી ભાઈઓનો એ મુંબઈ ખાતેનો વિસામો હતો. સામાન પેક કરાવીને નીચે ઉતારવાથી લઈ સ્ટેશને લગેજ કરાવવા સુધીનો એ સર્વ મહેમાનોનો માર્ગદર્શક હતો. ટ્રેનોની ચિકાર ગિરદી વચ્ચે બે હાથ પહોળા કરી, મારી તેમ જ માર ખાઈ, લોહીલોહાણ થવું પડે તોપણ થઈ, સ્નેહીઓ-સંબંધીઓને સૂવા જેટલી જગ્યા મેળવી દેનાર એ ‘ગુંડાકા બાપ’ તરીકે પ્રખ્યાત હતો. એની કેળવણી, એના સંસ્કાર, એની તોછડાઈ ને એની રખાવટ ન્યારાં જ હતાં.

દાકતર જુવાન જવા ઊભા થયા.

“જવાય છે, જવાય છે હવે, મારા ભાઈ!” કહી એણે દાકતરને પોતાની બાથમાં લઈ પાછો બેસાર્યો. તરત જ ચાના પ્યાલા, ખાજલી ને ભજિયાંની થાળીઓ બાજુની ઓરડીમાંથી ત્યાં હાજર થયાં. દાકતરને એણે સારામાં સારો કપ લઈને પીરસ્યો. તે પછી એકાદ કલાક ગુજર્યો, પણ દાકતરના ગૃહસંસારની કઠણાઈ પર ન એણે પોતે શબ્દ ઉચ્ચાર્યો કે ન વીશમાંથી એકેએ કોઈયે અદબ ઉથાપી.

રાતે સૌ વીખરાયા ત્યારે પ્રત્યેક જુવાનને રજા આપતાં આપતાં ખુશાલે જુદા જુદા પ્રશ્નો કર્યા:

“કાં ઓતાભાઈ, નોકરી ફાવે છે ને? શેઠને કાંઈ કહેવું હોય તો કહું.”

“કાં ટપુભાઈ, વહુને કેમ છે હવે? દાકતર દેશમુખની પાસે લઈ જવાં છે? હું તજવીજ કરું.”

“કાં ભના, ખબરદાર જો વહુની સુવાવડ આંહીં કરાવી છે તો. મોકલી દે ઝટ એને પિયર. આંહીંની ઈસ્પિતાલોમાં તારા-મારા જેવાનું કામ નહીં.”

“આવજે, ભાઈ લઘરા, માને ખરચી બરાબર મોકલછ ને ભાઈ? ડોશીને પારકી ઓશિયાળ ભોગવવા ન દેતો, હો બાપા!”

“કાં મોના, તારી બેનનું પછી શું ઠર્યું? બાલાપરવાળો તારાચંદ બહુ લાયક છોકરો છે, ભાઈ! પછી તો તારે એલએલ. બી. —છોલેલ બી ગોતવા હોય તો આ પડી મુંબઈ! માંડ્ય બોરડિંગુંમાં આંટા મારવા. ભલે ખાટે બાપડી ટ્રામ કંપની.”

“ઓધવજી, ઓલ્યા ઓટીવાળ ધીરુને કોક સમજાવો, નીકર હું એને જુગાર ખેલતો પકડાવીશ. આપણું કાઠિયાવાડીઓનું નામ ચોરી, જુગારી કે લબાડી એ ત્રણ વાતે જો કોઈ બગાડશે, તો હું એના હોશ ખાટા કરી નાખીશ. કહી દઉં છું ભાઈ, બીજું તમે પાલવે તે કરો.”

એક પછી એક સૌને વિદાય દીધી. પોતે સુખલાલને પંખો નાખવા બેઠો. સુખલાલ જંપ્યો, પછી એણે કહ્યું: “હાલો ફુઆ, દરિયે આંટો દઈ આવીએ. આંહીં બે જણાને બેસારું છું. ફિકર નથી.”

બહાર લઈ જઈ મરીનલાઈનના દરિયાકાંઠે સૌ પહેલું તો ચંપીવાળો બોલાવી ફુઆને શરીરે ચંપી કરાવી દીધી. પોતાની સગી પત્ની પાસે પણ કદી શરીર ન દબાવનાર આ ગ્રામ્ય આદમી શરૂમાં તો ખૂબ શરમાયો. પણ ખુશાલે કહ્યું: “ફુઆ, ચોપાટીની વેળુમાં હાલો દેખાડું. મુંબઈ કોઈની સગી નથી થાતી. આંહીંની હવા તો માણસને ચુડેલની જેમ માલીપાથી શોષે છે, તૂટતા સાંધાવાળો આદમી ચાર પૈસે પાછો ટટ્ટાર થઈને કામે લાગે છે. નીકર મરે ભૂખે, ફુઆ. હાડકચર તો આંહીં હાલતાં ને ચાલતાં થઈ આવે. ઓલ્યા બચારા વનેચંદ અદા, આંહીં હતા તે ઓરડી વાસીને પોતે પોતાના જ પગ કચરતા. આ મુંબઈ તો મસાણના મામલા છે, ફુઆ!”

પછી ફુઆને ‘બૅકબૅ’ની દીવાલ પર બેસારીને વાત સાંકળવી શરૂ કરી: “સુખલાલને એને સાસરે ઠીક ન પડતું હોય તો મારા કામમાં ભલે ને રે’તો.”

“દેશમાં જ લઈ જવો છે. પણ એણે જીદ લીધી છે કે, જીવીશ તો આંહીં, ને મરીશ તોય આંહીં. આંહીંનું એને પાણી લાગેલ છે.”

“પાણી લાગેલ છે! હેં-હેં-હેં!” ખુશાલચંદ હસી પડ્યો, “પાણી નથી લાગતું, ફુઆ, ચિંતાની ચુડેલ લાગેલ છે. અને ફુઆ, સાસરામાં માણસ પોતાની મૂંઝવણો કહી ન શકે—ભલે ને પછી સાસરિયાં ગમે તેટલી સાચવણ રાખતાં હોય.” ઠાવકા સ્વરે ખુશાલે કહ્યું.

“સાચવણ તો રાખે જ છે. ખાનદાન ખોરડું છે. પણ ભાઈ ખુશાલ, માળું મને કોણ જાણે કેમ આ બધું મેળ બહાર જાતું લાગે છે.”

“શેનો મેળ?”

“મેળ એટલે આપણો ને વેવાઈનો; એનો ચડતો દી, આપણો નમતો દી; એનું છોકરું ક્યાં! ક્યાં આપણું! હેં ખુશાલ, આ કમેળનો મોહ રાખવો ઠીક છે? તારું શું ધ્યાન પડે છે?”

સુખલાલનો પિતા શાંત રહ્યો. ખુશાલચંદે કહ્યું: “જુવો, દુનિયામાં કન્યાનો કાંઈ દુકાળ નથી. દીકરી જણવાનો ઈજારો એકલી એની બાયડીને જ ઈશ્વરે નથી દીધો. ઈ સંતોકડી જેવી જ સારી છોકરીયું આપણાં ગામડાંમાં પાકે છે. ને સંતોકડી તો હજી ગઈકાલ સુધી થોરવાડના ઉકરડા માથે જ રખડતી’તી ને? એનું કંઈ નથી. બાકી ધાક-ધમકીની બીકે કન્યા મેલી દેવી, એ આપણા મિજાજમાં તો નથી ઊતરતું, ફુઆ!”

“શું કરીએ, ભાઈ?”

“શું કરીએ? અરે ફુઆ, કહું છું કે એની સાત પેઢીના ધૂંવાડા કાઢી નાખીએ. એ દીકરો શું સગપણ તોડશે—ને તરકટ કરીને તોડશે? માણસ જેવા માણસને કાયમને માટે દુનિયાનો નપાવટ ઠરાવીને તોડશે? તો તો એની ખોપરી ન તોડી નાખીએ, ફુઆ!”

“આપણું શું ગજું?”

“જોવો છે ચમત્કાર, હેં ફુઆ?”

“ના રે બાપા! આપણે ગરીબ માણસ: ભૂંડા લાગીએ ને પાછા દુ:ખી થઈ જઈએ. વળી એ બાપડી પશુડીને બળજબરાઈએ ઘેર લાવીને પછી એના હૈયાના નિસાપા લેવા, એના મનનો મેળ ન મળે…”

“હા, એ વાત મુદ્દાની કરી. એ જૂના જમાનાનો તો હુંય નથી; ચોટલે ઝાલીને ઢસરડી લાવવામાં કુળલાજ કહેવાય એ તો મનેય કબૂલ નથી. માટે પહેલું તો આ કન્યાની, સંતોકડીની, શી મરજી છે તે જાણવું.”

સંતોક બદલીને સુશીલા નામ પડેલું તેની ખુશાલને ખબર છતાં, એ જાણીબૂઝીને જૂનું નામ વાપરતો હતો.

“એમાં જાણવા જેવું શું હોય? સાંભળ્યું છે કે બાળકી સારી છે; પણ આપણા ખોરડામાં આવીને રે’વાનું તો એને થોડું જ મન થાય?”

“તો મેલીએ તડકે. પણ વેવાઈ માફીપત્ર લખી આપે તો જ મેલીએ. વેવાઈ જો દબાવે તો તો ભાંગીએ માથું.”

License

વેવિશાળ Copyright © by ઝવેરચંદ મેઘાણી. All Rights Reserved.