એમ કહેવાય છે કે ઉચ્ચભ્રૂ વર્ગના રસિકો સાહિત્ય કે કળાની અમુક કૃતિઓનો અનુલ્લેખ કરીને ગૌરવ અનુભવે છે. એ કૃતિઓ એમની નોંધને પાત્ર નથી એટલું જ કહેવું એમને પૂરતું લાગે છે. કોઈક વાર એવી કૃતિઓ હલકી કોટિની, હલકી રુચિની, છાપાળવી કે ખરાબ – એવી સંજ્ઞાઓથી વર્ણવાતી જોઈએ છીએ. સાહિત્યના ક્ષેત્રમાં એવી કૃતિઓનું સ્થાન સ્વીકારવામાં આવતું નથી. એને ‘ખરાબ’ કે ‘નીચી કક્ષાની’ કહી દીધાથી આપણું વિવેચનકૃત્ય પૂરું થઈ જાય છે ખરું?
એક બીજી હકીકત તરફ પણ ધ્યાન ખેંચવું જરૂરી છે. આપણો કહેવાતો ઉચ્ચભૂ્ર વર્ગ પણ ઉત્તમ કૃતિઓ પરત્વે વિલક્ષણ રુચિનું પ્રદર્શન કરતો રહ્યો છે. ‘સારી કળાકૃતિને ઘણા ખોટી રીતે માણે છે અથવા વખોડે છે, તો જેને ભદ્ર વર્ગ નિષિદ્ધ ગણી કાઢે છે તેનો રસાસ્વાદ લેવાનું આવડતું નથી હોતું.’ આ બંનેને પરિણામે આપણી રસવૃત્તિ મન્દપ્રાણ બનતી જાય છે. આથી કેટલીક વાર આવી મન્દપ્રાણતા કે ફિક્કાપણું જ સંસ્કારિતાની નિશાની ગણાવા લાગે છે.
ઉચ્ચભ્રૂની વિલક્ષણ રુચિનો જાણીતો દાખલો બ. ક. ઠાકોરનો છે. અજંતાની કળાકૃતિઓ વિશે એમણે કહ્યું હતું: ‘અજંતામાં તો પથરા છે પથરા!’ આપણા એક કવિએ સેફેરિસની એક કવિતા સાંભળીને સોગિયા બનીને નાકનું ટેરવું ચઢાવેલું, તો બીજા કોઈ કવિ આગળ ઉત્સાહમાં રિલ્કેની ‘To a Friend’ કવિતા વાંચી તો એનો આખો સાર એમણે ગીતાના અમુક શ્લોકોમાં તારવી આપીને સન્તોષ માન્યો.
આપણી મોટા ભાગની વિવેચનપ્રવૃત્તિ પ્રશિષ્ટ ગણાતી, વિદ્યાપીઠોમાં દર વર્ષે ભણાવાતી, અમુક કૃતિઓની જ પ્રદક્ષિણા ફરવામાં સમાપ્ત થઈ જાય છે. કહેવાતી નીવડેલી કૃતિઓ વિશે ફરી ફરી ચવિર્તચર્વણ ચાલ્યા કરે છે. (જે ‘નબળી’ કૃતિ છે કે સાહિત્યમાંથી જેને બહિષ્કૃત લેખવામાં આવે છે તેને વિશે ચર્ચા ચાલતી નથી. આપણા સંસ્કારજીવનની દૃષ્ટિએ પણ એવી સર્જનઘટનાનું પૃથક્કરણ થતું નથી.) શરીરવિજ્ઞાની જો સ્વાસ્થ્યપૂર્ણ અને સૌષ્ઠવપૂર્ણ શરીરની જ વાત કર્યા કરે તો શું થાય? સન્ત પુરુષો પાપીના પાપને ઓળખે તો જ એને માટે અનુકમ્પા પ્રકટે. આથી અનુલ્લેખેન મારણમ્નો સિદ્ધાન્ત ચલાવી લેવો ન જોઈએ. એક બાજુ પ્લેટોનો આદર્શવાદ છે, તો આપણે સાથે પાર્મેનિડિસને ભૂલવો ન જોઈએ. એણે પ્લેટોના જમાનામાં એવી આશા પ્રકટ કરેલી કે એક વખત એવો આવશે જ્યારે ફિલસૂફ પોતે જેને ક્ષુદ્રતમ ગણે છે કે તેનો ઉલ્લેખ થતાં જ હસીને ઠેકડી ઉડાવે છે તેની પણ અવહેલના નહીં થાય.
કનુ દેસાઈનાં ચિત્રો; સારંગ બારોટ, સોપાન, જશવંત મહેતા કે વિઠ્ઠલ પંડ્યા જેવા લેખકોની નવલકથાઓ અને ઉમાશંકર સુન્દરમ્ અને આજના નવીન કવિઓની વચ્ચેની પેઢીના ઘણા બધા કવિઓની કવિતા – આની ચર્ચા થતી નથી. બોટાદકર, શામળ વિદ્યાપીઠમાં સ્થાન પામે માટે એ વિશે અનન્તરાય જેવા વિવેચક વિવેચનપ્રવૃત્તિ આદરે. જો ઉમાંશકર હરિશ્ચન્દ્ર ભટ્ટ કે શ્રીધરાણીને નહીં સંભારે તો શું થાય? બ.ક.ઠાકોર તથા ડોલરરાય માંકડનાં પ્રોત્સાહક પુરોવચનો છતાં પૂજાલાલ વિદ્યાપીઠમાં પ્રવેશ્યા નહીં અને વિવેચનપ્રવૃત્તિની પરિધિની બહાર ફેંકાઈ ગયા. ઉપેક્ષિતોના વતી ઝંડો ઉઠાવીને સરઘસ કાઢવાની વૃત્તિથી આ લખતો નથી, આપણી સર્જનપ્રવૃત્તિના સમગ્ર સન્દર્ભમાં આવી ઘટનાઓની તપાસ થવી ઘટે.
સૌ પ્રથમ એક હકીકતનો સ્વીકાર કરવો જોઈએ. ઉપર ઉલ્લેખેલા પૈકીના ઘણાંની કૃતિઓ સારા પ્રમાણમાં લોકપ્રિય નીવડી છે. કનુ દેસાઈના ચિત્રસંપુટો આજે પણ ઘણાં ઘરમાંથી નીકળશે, લગ્ન પ્રસંગે એ ઉત્તમ ભેટ લેખાતા. પ્રયોગશીલ નવલકથાકારો વિદ્યાસંસ્થાની લાયબ્રેરીમાં પણ ભાગ્યે જ સ્થાન પામે છે. લોકપ્રિય નવલકથાકારો જ વિશાળ ચાહક વર્ગને પામે છે. કોલેજનાં યુવકયુવતીઓને ‘હમણાં શું વાંચો છો?’ એમ પૂછ્યું ત્યારે કોઈએ મધુ રાય, રાવજી પટેલ, લાભશંકરનું નામ દીધું નહીં. હજી રમણલાલ, મુનશી, પન્નાલાલનાં જ નામ લેવાય છે(કેટલાક લોકપ્રિય લેખકો હલકી રુચિને સન્તોષે છે એવું કહી શકાશે નહીં. કળાગત અપેક્ષાઓને એઓ સન્તોષતા નથી, એમની સર્જન પ્રવૃત્તિ તે ‘એસ્થેટિક’ પ્રવૃત્તિ નથી એટલું જ).
તો આવી કૃતિઓનાં લક્ષણો શાં? કળાદૃષ્ટિએ એ કૃતિઓ શા માટે ઊણી ઊતરે છે? ‘ફોર્મ’ અથવા રૂપરચનાની દૃષ્ટિએ આ વર્ગની કૃતિઓને જોઈએ તો એ સરળ, અવિદગ્ધ અને એની કળાતત્ત્વની માવજત પરત્વેની ઉદાસીનતાની દૃષ્ટિએ, રસકીય દૃષ્ટિએ ઊણી લાગશે. એમાં બધું જ સાદુંસીધું, કશી પણ અટપટી સંકુલતા વગરનું હોય છે. કૃતિ કૃતિ વચ્ચે વિશિષ્ટતા કે વ્યાવર્તકતા ઝાઝી જણાતી નથી. જે ફેરફારો હોય છે તે સપાટી પરની વીગતોના જ. આથી એમાં જીવન્તતા અનુભવાતી નથી. એવી કૃતિના વાચકો વિશ્વસ્ત બનીને એ કૃતિને વાંચે છે. એને હચમચાવી મૂકીને, મૂઝવી નાંખીને એના પરિચિત પરિવેશમાંથી એકાએક ઊંચકી લેવાતો નથી. એની આત્મતૃષ્ટિને કશો આઘાત આપવામાં આવતો નથી. એની ભાગેડુવૃત્તિને થોડી પંપાળવામાં આવે છે. એની ઇચ્છાપૂતિર્ને અનુકૂળ સામગ્રી વિના પુરુષાર્થે એને સંપડાવી આપવામાં આવે છે.
કોઈ કહેશે: સરળતાને ને કળાને વિરોધ જ હોય એવું છે ખરું? એક રીતે કહીએ તો કળા જે બિનજરૂરી છે, નિવાર્ય છે તેને ઉતારી જ નાંખે છે. જે સરળ છે તે અવિદગ્ધ જ છે એમ પણ માની ન લેવાય. કળા બિનજરૂરી સંકુલતાને ટાળે છે. જો સંકુલતા કળાને ખપતી હોય તો તે કયા સ્વરૂપની?
આવી કૃતિઓ એક જ ધાટીની કે અમુક જ ધોરણને અનુસરનારી, ‘સ્ટેંડર્ડાઇઝ્ડ,’ હોય છે એવું કહેવાય છે. ચિત્રકળામાં અમુક ગાળાની કૃતિઓમાં એવું જોવામાં નથી આવતું? સંસ્કૃતિના અમુક તબક્કાની કૃતિઓમાં જે સમાન લક્ષણો કે અભિવ્યક્તિની ધાટી જોવામાં આવે છે, જેના પરથી આ કે તે વાદની ચર્ચા કરવામાં આવે છે તેનું શું?
અહીં બે સંજ્ઞાઓ અને તે સંજ્ઞાઓ દ્વારા પ્રગટ થતી વિભાવનાઓ વચ્ચે વિવેક કરવાનો રહેશે. જે ‘સ્ટાઇલાઇઝ્ડ’ હોય જે તે ‘સ્ટીરીઓટાઇપ્ડ’ ન હોય. અમુક કૃતિઓમાં અભિવ્યક્તિની રીતિ પરત્વે સમાન લક્ષણો હોય એ સાચું, પણ એ બધી બીબાંઢાળ ન લાગે, એનું વૈશિષ્ટ્ય પારખી શકાય. અમુક રૂપરચનાની પુનરાવૃત્તિને કારણે આ દોષ નથી આવતો, પ્રથમ રૂપરચના જ ઊણી હોય તે જ આમાં કારણભૂત હોય છે. ઘણી ખરી હિંદી ફિલ્મો, લોકપ્રિય સામયિકોમાં આવતી સચિત્ર વાર્તાઓમાંનાં ચિત્રો, કહેવાતા સુગમ સંગીતની રેડિયો પર રજૂ થતી રચનાઓ કે રેડિયો પર રજૂ થતાં ‘રૂપકો’ – આ વર્ગમાં આવે છે. આ વર્ગની કૃતિઓ એકબીજાને બહુ મળતી આવે છે એટલો જ એનો દોષ નથી, પણ આ વર્ગની કૃતિનો એ સિવાયના બીજા પ્રકાર સાથે કશો સમ્બન્ધ જ જાણે હોતો નથી.
જે બીબાંઢાળ રચના હોય છે તેમાં રૂપનું કામ બીબું જ આપી દે છે અને રૂપરચનાની પ્રક્રિયા જ ગેરહાજર હોય તો રસાસ્વાદની ભૂમિકા જ રચાતી નથી. આવું બીબું અમુક તૈયાર ‘ફોર્મ્યુલા’ બનીને કામ આપતું હોય છે. આવી ફોર્મ્યુલા રમણલાલમાં છે, મુનશીમાં છે અને આજના ઘણા લોકપ્રિય નવલકથાકારોમાં છે. ગોવર્ધનરામની કૃતિમાં ફોર્મ્યુલા નહોતી. પણ ‘દર્શક’ એનાં અમુક લક્ષણો સ્વીકારીને એની ફોર્મ્યુલા બનાવી દેતા લાગે છે.
સામાન્ય વાચકવર્ગની સમજ રુચિની મર્યાદામાં રહીને આવા સર્જકોને કામ કરવું પડતું હોય છે, આથી બે પરિમાણથી જ એમને સન્તોષ પામવો પડે છે. વાચકોમાં સંદેહ કે પ્રશ્ન ઊભા કરવાનું એને ન પરવડે, વાચકની માન્યતા જોડે તાળો મળે એવી વ્યવસ્થા એને કરવાની રહે છે. આવા લેખકો કળાદૃષ્ટિએ બિનજરૂરી શું તેનો વિચાર કરતા નથી. હાનોપાદાનનો વિવેક એઓ પણ કરે છે પણ તે એમણે સ્વીકારેલી ફોર્મ્યુલાના અનુલક્ષમાં, વાચક જ્યાં ઊભો છે ત્યાંથી એને તસુ ખસવું ન પડે એ એની સૌથી મોટી ચિન્તા હોય છે. આમ સામાન્ય વાચકવર્ગના જે પૂર્વગ્રહો પ્રતિગ્રહો તે જ ગંઠાઈને એમાં આકાર પામતા હોય છે. માનવવ્યવહારની સંકુલતા જોડે એને સમ્બન્ધ નથી, જેમ રાજાના દરબારીઓ રાજાની રહેણીકરણીનું અનુકરણ કરે તેમ આ વર્ગ જેને માન્યતા આપતો હોય તેનું જ એમાં અનુકરણ હોય.
આવી કળાના અનુભાવનમાં કશો પુરુષાર્થ પોતાના તરફથી વાચકને કરવો પડતો નથી. એ ચર્વ્ય નહીં પણ ચોષ્ય હોય છે. એમાં પરિણામ પરત્વેનું કુતૂહલ વાચકને આગળ ધકેલે છે, પણ ઘટનાઓ કેમ ઊઘડતી આવે છે તે જોવામાં એને રસ હોતો નથી. રૂપરચનાથી જ રસાનુભૂતિ આકાર પામે છે. આથી આવી કૃતિઓમાં રસાનુભવને ઝાઝો અવકાશ રહેતો જ નથી. જે સૃષ્ટિઓ એમાં રજૂ થાય છે એની સાથે કશો ઘનિષ્ઠ સમ્બન્ધ બાંધવાની ભૂમિકા જ હોતી નથી. પરોક્ષ અનુભવથી એમાં કામ ચાલી જાય છે.
આવી કળામાં અમુક લક્ષણોનું પુનરાવર્તન હોય છે તો સાથે સાથે એમાં પણ અમુક પ્રકારની, ખાસ કરીને વસ્તુગત, નવીનતાનો આગ્રહ રાખવામાં આવે છે. આવી નવીનતા મન્દ પડી ગયેલી વાચકની રસવૃત્તિને જગાડે છે. એમાં કુતૂહલ કે ઉત્તેજના હોય છે પણ તે મર્યાદામાં. એક વિવેચકે કહ્યું છે: ‘It tosses a baby in the air a very little way, and quickly catches him again.’ વાચક વધુ જાગૃત કે સભાન બને તે એને પરવડતું નથી.
કળાકૃતિમાં રૂપરચનાને કારણે ભાવકને અપરોક્ષાનુભૂતિ થાય છે, પણ આ પ્રકારની કૃતિઓમાં એની અવેજીમાં ઉપરછલ્લું ને ‘સેકંડહેંડ’ જ્ઞાન માત્ર થાય છે. આ પ્રકારની નરી જાણકારીને પ્રત્યક્ષ રસાનુભવને સ્થાને મૂકી શકાય નહીં. આપણા એક નવલકથાકારે એક વખત હર્ષપૂર્વક સમાચાર આપેલા: ‘આ વસ્તુ હું આપણી નવલકથામાં પહેલી જ વાર લઈને આવું છું.’ આમ દર વખતે ‘કશુંક નવું લઈને આવવાનો’ એમનો દાવો તો હોવાનો જ. નવીનતા માટેનો આ દાવો કયા પ્રકારનો હોય છે? કળાની અભિવ્યક્તિનું અદ્વિતીયતા તો એક અનિવાર્ય લક્ષણ હોય છે જ, એટલે એની નવીનતાને કહી બતાવવાની ભાગ્યે જ જરૂર હોય. આ નવીનતા વસ્તુગત હોય છે.
આવી કૃતિઓની બીજી વિલક્ષણતા એ છે કે એમાં આ પ્રકારની નવીનતા સાથે અમુક અંશે પુનરાવર્તન પણ ભળેલું દેખાય છે. મુનશીમાં મુંજાલ નવે રૂપે દેખાય, પણ મુંજાલનું પુનરાવર્તન થવું જ જોઈએ. એને માટેની અપેક્ષા વાચકોમાં જગાડી હોય એટલે એને તો તૃપ્ત કરવાની જ. આ રીતે રમણલાલની નવલકથામાં અમુક રહસ્યમય સમ્બન્ધ અને એની પાછળથી ખૂલતા ભેદની વાત આવે. નવીનતા મન્દ પડવા આવેલા રસને વેગ આપે અને વાચકો પાસેથી વધુ પડતા સક્રિય સહકારની અપેક્ષાના જોખમને (જે આવી કૃતિના લેખક માટે મોટું જોખમ લેખાય) પુનરાવર્તનની યુક્તિથી ઘટાડી શકાય. એમાં ‘હવે શું થશે?’ એ સ્વરૂપનું કુતૂહલ હોય, પણ એનો નિવેડો લાવવાનો ભાર વાચક પર નાંખવામાં ન આવ્યો હોય, વાચક પોતે પણ થોડી માત્રામાં કુતૂહલનો આનન્દ માણીને એનો છેડો ક્યાં આવે તે જાણી લઈ શકે એવી સગવડભરી વ્યવસ્થા એમાં કરવામાં આવી હોય છે. આમ વાચકને નિષ્ક્રિય રાખ્યા છતાં આનન્દ માણ્યાની ઉત્તેજનાનો આભાસ એ કરાવે છે. એમાં નવું વીક્ષણ કે સંવેદન હોતું નથી પણ વાચકની અમુક પ્રકારની ખુશામત હોય છે. એની પાસે જે છે જ તેની જોડે તાળો મળે એવી વ્યવસ્થા એ કરી આપે છે. જે સામગ્રીને આધારે જે ચિત્ર પ્રતિફલિત થવું જોઈએ તેને સ્થાને એના વાચકવર્ગની અપેક્ષાઓના લઘુતમ દૃઢભાજકને સન્તોષવાનો જ પ્રયત્ન એમાં જોવામાં આવે છે. આથી ઘણી વાર કળાની દૃષ્ટિએ અનેક શક્યતા ધરાવનારું વસ્તુ લીધું હોય ત્યારેય આવા લેખકોની દૃષ્ટિ એ શક્યતાઓ સિદ્ધ કરવા તરફ જતી નથી. પરિણામે આવા વસ્તુને એઓ વેડફી મારે છે. એમાં સર્જક કે વાચકને પક્ષે કશી શોધ કરવાની રહેતી નથી. એમાંથી કશાં મૂલ્યો નિષ્પન્ન થતાં નથી, એમાં મૂલ્યોનાં માત્ર ‘લેબલ’ લગાડવાથી કામ ચાલી જાય છે.
રસકીય પ્રતિભાવને બદલે આમાં માત્ર યાન્ત્રિક પ્રતિક્રિયા થતી જોવામાં આવે છે. આવી પ્રતિક્રિયાને નક્કી કરનારાં બળ કૃતિ અને એની સર્જનપ્રક્રિયાની બહાર રહ્યાં હોય છે. કૃતિની સંઘટનાને પારખવાથી અને એ રીતે એનું આપણા ચિત્તમાં પુન:નિર્માણ કરીને અનુભાવન કરવાથી જે પ્રતિભાવ ઘડાતો આવે તેનું રસાસ્વાદમાં મહત્ત્વ છે. એમાં કોઈ બહારના કે આગન્તુક બળનું નિયન્ત્રણ હોતું નથી. આવા પ્રતિભાવો સ્વયંસ્ફૂર્ત અને કલ્પનોત્થ હોય છે. તેમ છતાં એમાં ભાવકની નરી યદૃચ્છા પર કશું છોડવામાં આવતું નથી. ચિહ્નોના સંકેત નિયત અને સ્પષ્ટ હોય છે, પણ પ્રતીકમાં એવું હોતું નથી, એનો કોઈ નિશ્ચિત અર્થ આપણે પામી લેવાનો હોતો નથી. આપણા ચિત્તના વિહાર માટે એમાં અવકાશ હોય છે. કહેવાતી લોકપ્રિય કૃતિઓમાં તો વાચકના પ્રતિભાવનો કૃતિમાં જ જાણે સમાવેશ કરી લેવામાં આવ્યો હોય છે. આથી વાચકની નિષ્ક્રિયતા અંકબંધ રહે છે. આપણી ફિલ્મોના પાર્શ્વ સંગીતમાં પણ આવું બનતું હોય છે. કરુણ પ્રસંગે કેવા પ્રકારનું સંગીત હશે તે આપણે પહેલેથી જાણતા જ હોઈએ છીએ. આપણે ત્યાં તો આકાશવાણી દ્વારા થતો સારંગીનો ઉપયોગ જાણીતો છે. કોઈ અગ્રગણ્ય પુરુષનું મૃત્યુ થયું હોય અને આકાશવાણીને ઔપચારિક શોક પાળવાનો હોય ત્યારે સારંગીનો ઉપયોગ થાય છે.
આવા પ્રકારના સાહિત્યમાં કશી સન્દિગ્ધતાને સહી લેવામાં આવતી નથી, નવી કવિતા સામે સૌથી મોટી ફરિયાદ એની દુર્બોધતા અંગેની છે. લોકપ્રિય સાહિત્ય વાંચવાને જ ટેવાયેલો વાચક આથી સાચી કળાકૃતિમાં અનિવાર્યતયા રહેલી રસપોષક વ્યંજનાત્મક સન્દિગ્ધતાને ક્યાં તો હસી કાઢે છે, ક્યાં તો પુણ્યપ્રકોપથી ભભૂકી ઊઠે છે. પણ સાચી કળા તો હંમેશાં પડકાર રૂપ હોય છે. એ પ્રથમ દૃષ્ટિએ અરાજકતાભર્યા લાગતા વિશ્વમાં આપણને મૂકી દે છે, એ અરાજકતામાંથી સર્જન થતું આવે છે, આકૃતિ ઊપસતી આવે છે. એ આપોઆપ ઊપસી આવતી નથી, એમાં ભાવકના પણ સક્રિય સહકારની અપેક્ષા રહે છે. ફ્રાન્સમાં નવલકથાના નવતર પ્રયોગો કરનારા રોબ્બ-ગ્રિયે વગેરે નવલકથાકારો વાચકને સરખે અંશે સર્જનવ્યાપારમાં સંડોવવામાં માને છે. આપણે ત્યાં નવલકથાકારો આવું જોખમ ખેડતા નથી. અરાજકતાથી આપણે ગભરાઈએ છીએ, આથી ઉછીની લીધેલી કે કૃતક વ્યવસ્થાથી પણ આપણે આશ્વસ્ત થઈ જઈએ છીએ. કશું વિક્ષુબ્ધ થાય એવું આપણે ઇચ્છતા નથી. પણ આવો ક્ષોભ જેના આદિમાં નથી તે કળામાં કૌવત પણ ક્યાંથી આવે?
આવી સન્દિગ્ધતાને સ્થાને વસ્તુને થોડી અટપટી બનાવીને આવા લેખકો સન્તોષ માને છે. પણ એથી અનુભવના રહસ્યમાં કશું ઊંડાણ સિદ્ધ થતું નથી. એમાં માનવ-સ્વભાવનું જ આલેખન થાય છે. તેમાં માનવવ્યવહારની પાછળ રહેલા આશયોનું સૂક્ષ્મ આલેખન થતું નથી. આ લેખકો અન્તે તો માનવવ્યવહારને રૂઢ નૈતિક મૂલ્યો પ્રમાણે મૂલવી આપે છે, પણ તેથી થતા મૂલ્યબોધમાં આપણી નૈતિક સૂઝને વિકસાવવાની શક્તિ હોતી નથી. એમાં રૂઢ નીતિ જોડે તાળો મેળવવાની તત્સમવૃત્તિ જ વિશેષત: દેખાય છે.
આમ આવા સાહિત્યમાં સરળતા છે, આથી એ સુબોધ બની રહે છે. રૂઢિના ચીલેથી ઊતરીને અક્ષુણ્ણ માર્ગે ચાલવાનું સાહસ એને પરવડતું નથી. આથી રેઢિયાળ ઇબારતથી એનું કામ ચાલી જાય છે, ભાષા જોડે નવી રીતે કામ પાડવાની અનિવાર્યતા એને માટે ઊભી થતી નથી. કાંઈક નવાને માટેની શોધ ચાલતી હોય તો જ ભાષાને નવી રીતે પ્રયોજવાનું આવશ્યક બને. આ સર્જનવ્યાપાર આવી કૃતિઓમાં દેખાતો નથી.
રૂપરચનાની વાત જવા દઈએ અને અનુભૂતિની સામગ્રીની દૃષ્ટિએ જો આવી કૃતિને તપાસીએ તો આવી કૃતિઓમાં અમુક જ પ્રકારની લાગણીઓ અને એને અભિવ્યક્ત કરવાની અમુક પ્રકારની રીતિઓ જ દેખાશે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે આવું સાહિત્ય મનોરંજન માટે લખાતું હોય છે. એમાંથી કશું શીખવાનું મળતું નથી, એમાં જે રસ પડે છે તે તત્કાલ પૂરતો જ હોય છે. એનો કશો સૂક્ષ્મ પ્રભાવ પડતો નથી. એથી વિનોદ થાય છે, આપણો ઠાલો સમય ઠીક પસાર થાય છે. કશું કરવું સૂઝતું નથી ને બધાથી વાજ આવી ગયા હોઈએ છીએ ત્યારે મરણિયા બનીને કશીક રાહત માટે આપણે આવા સાહિત્ય તરફ વળીએ છીએ. ઔદ્યોગિક ક્રાન્તિના આ યુગે આપણને થોડી વધુ નવરાશ સંપડાવી છે એ સાચું, પણ એ નવરાશનું શું કરવું તે એણે બતાવ્યું નથી. સમાજશાસ્ત્રીને મન આ મન્તવ્યનું ગમે તે મહત્ત્વ હોય. રસકીય દૃષ્ટિએ એને તપાસતાં એમાં ઝાઝી વજૂદ લાગતી નથી. આવી કૃતિનો રસ એ કૃતિ પૂરતો જ હોય એમ જો કહીએ તો એ તો કળામાત્રનું લક્ષણ થયું, એ કાંઈ આવી કૃતિઓની જ વિલક્ષણતા છે એમ નહીં કહેવાય, રસથી ઇતર બાબતમાં એથી શો લાભ થાય છે તે આ ચર્ચામાં ઝાઝા મહત્ત્વનું નથી. કળા નર્યો આનન્દ આપે છે, એથી બીજાં ‘ગમ્ભીર’ પ્રયોજનો સિદ્ધ થતાં નથી એમ કહીને કળાને ઊતારી પાડવાનું વલણ તો જાણીતું છે. એવી શેખી કે એવા સોગિયાવેડાને ઝાઝું મહત્ત્વ આપવાનું ન હોય. ઊંચા પ્રકારની કળા તો કંટાળાભરી જ હોવી જોઈએ એમ ઉચ્ચભ્રૂ વર્ગના લોકો માને છે. આથી એની સામે મનોરંજન કરનારી કૃતિઓને બીજે અન્તિમે મૂકવામાં આવે છે.
આવી કૃતિઓ મનોરંજન શી રીતે કરે છે? એ કંટાળો નથી આપતી એટલું જ કહેવાથી કશું નહિ વળે. એથી કશો ખુલાસો થતો નથી. એથી કંટાળો દૂર થાય છે એમ કહેવાને બદલે એ કંટાળાને વધુ સ્થાયી અને ઉગ્ર બનાવે છે એમ જ કહેવું ઘટે. એ આપણા ચિત્તને વધુ રસપ્રદ અને સન્તોષકારક વસ્તુની દિશામાં વાળે છે એમ કહેવું ખોટું છે. એ કશામાં નવો રસ જગાડતી નથી. ભૂતકાળમાં થયેલા સન્તોષની સ્મૃતિને જ એ જગાડે છે. એના રૂપની અદ્વિતીયતા નહીં, પણ એના વસ્તુની પરિચિતતા એમાં નોંધપાત્ર હોય છે. આવી કૃતિમાં આપણે એની કળામાં નહીં, પણ એથી જાગેલી સ્મૃતિમાં ખોવાઈ જઈએ છીએ. ફિલ્મી ગીતોમાં આવું જ બનતું હોય છે. નાટકમાં પણ નાટ્યક્ષમ સામગ્રી દેખાય છે ખરી, પણ એનું નાટ્યરૂપ સિદ્ધ થતું નથી હોતું. ચિત્ર પણ આ કે તે દૃષ્ટિબિન્દુના નિદર્શનરૂપ બની રહે છે, અથવા તો એવા દૃષ્ટિબિન્દુની વિડમ્બનાના સ્વરૂપનાં ઠઠ્ઠાચિત્રો બની રહે છે.
શૈલી અને રૂઢિ વચ્ચે વિવેક થવો ઘટે. શૈલી અન્તર્ગત તત્ત્વ છે, રૂઢિ બાહ્ય તત્ત્વ છે. રૂઢિને આપણે ચીલા જોડે સરખાવીએ છીએ, પણ પંખીનું ઉડ્ડયન એ પંખીની બહારની વસ્તુ નથી, એનો ચીલો ન હોઈ શકે. રૂઢિ પહેલેથી સ્થપાયેલી હોય, એના નિયત માર્ગે પ્રતિક્રિયાઓને વાળવામાં આવે, શૈલી સર્જનવ્યાપારની પહેલાં અસ્તિત્વમાં આવતી નથી. રૂઢિને અનુસરનારી કૃતિઓ વહેલી વાસી થઈ જાય છે, કારણ કે સમાજ એવા રૂઢ અધ્યાસોને બદલતો રહે છે, મૂળ અનુભવની અવેજીમાં આવી કળા કશુંક કૃતક રજૂ કરીને સન્તોષ આપે છે એમ કહેવું પણ યોગ્ય નથી. શામળની સૂડાબહોતેરીની વાર્તામાં જેમ વેપાર કરવા નીકળેલા વણિક યુવાનની નવોઢા જારકર્મ કરવા જતાં ઉંબરો ઓળંગતાં પહેલાં જ બહોત્તેર પ્રકારના જારકર્મ અને વિજારકર્મની વાતો એવા તો રસથી સાંભળે છે કે ખરેખરું જારકર્મ કરવાને માટે એને ઉંબર ઓળંગવાની જરૂર રહેતી નથી! એવું જ કશુંક આવી કૃતિઓમાં બનતું હશે? એ રીતે સામાજિક નીતિ જળવાઈ રહે છે એમ કહી શકાશે? ખરી વાત તો એ છે કે વાચકના ચિત્તમાં આવી વૃત્તિઓનું આ પ્રકારની કૃતિઓથી વિરેચન થાય છે એમ માનવું તે આવી કૃતિઓને ખોટું મહત્ત્વ આપવા બરાબર છે. એથી સારાં કે ખરાબ કર્મોમાં કોઈ પ્રવૃત્ત થતું નથી. આવી કૃતિઓ કશું પરિવર્તન નથી લાવતી કે કશી ઇચ્છાતૃપ્તિ પણ કરી આપતી નથી. આથી જ તો એક વિવેચકે આવી કૃતિઓથી થતા ‘સન્તોષ’ વિશે કહ્યું છે: ‘Its gratifications are those of touching an aching tooth.’
આવી લોકપ્રિય ગણાતી કૃતિઓ એમાં આલેખાયેલી લાગણીઓને અતિક્રમી જવા જેટલી કળા દાખવતી નથી, એને બદલે એ લાગણીઓમાં જ રાચે છે. આથી આપણી લાગણી પર આપણે પ્રભુત્વ મેળવી શકતા નથી. વસ્તુલક્ષી રૂપ પામીને પ્રકટ થયેલા અનુભવના ગુણ લેખે એ પ્રકટ થતી નથી. એથી ઊલટું, એ કૃતિમાંની સામગ્રીનો કેવળ એવી લાગણીને ઉત્તેજિત કરવા માટે જ ઉપયોગ થયો હોય છે. વેશ્યા અને કથા કરનાર વ્યાસને આખાબોલા અખાએ જોડાજોડ ગોઠવેલાં. આમાં જે સામ્ય છે તે વેપારીવૃત્તિ પૂરતું જ નથી. કળાને માટે પણ આપણે મૂલ્ય ચૂકવી આપવું પડે છે, અને ઘણી વાર એ મૂલ્ય ઘણું મોટું હોય છે; પણ અહીં તો કેવળ પ્રેમની ચેષ્ટા કરવાની અને તે એ શરતે કે એનો કશો અર્થ ન હોય. આથી આપણે આપણા કારાગારમાંથી મુક્ત થઈએ એ તો બાજુએ રહ્યું, ઊલટાના આપણે વધુ એકાકી બની રહીએ. એ બધું ખેતરમાંના ચાડિયા જેટલી જ વાસ્તવિકતા ધરાવે છે. આવી કૃતિઓ આપણી સંવેદનાને ઉત્તેજિત કરે એમ કહેવું વધારે પડતું છે, એથી ઊલટું એ આપણી રસચર્વણાને જૂઠી કરી નાંખે છે.
આપણી લોકપ્રિય નીવડતી કૃતિઓ આપણા જીવનમાં કોઈ ખૂટતા ઘટકને પૂરું પાડતી નથી; એ તો જે કાંઈ છે તેમાંથી જ કશુંક ચટાકેદાર બનાવીને આપણી આગળ ધરી દે છે. સાચી કળા આપણામાં કશી લાગણીનો બહારથી પ્રવેશ કરાવતી નથી. આપણી રસમીમાંસામાં તો કહ્યું જ છે કે એ તો ‘વાસના’ કે ‘સ્થાયી ભાવ’ને રૂપે આપણામાં રહી જ છે. એનું સાધારણીકૃત રૂપ આપણે આસ્વાદીએ છીએ. રોજ-બ-રોજના જીવનમાં લાગણીની ખોટ કોને પડે છે? પણ એ લાગણી તો જીવવાની પ્રક્રિયામાં જ ખરચાઈ જાય છે. એનું રૂપ કે એનો મર્મ આપણે પામી શકતા નથી. એ તો પમાય છે કળા દ્વારા. લોકપ્રિય કૃતિઓમાં લાગણીની ઉત્તેજના હોય, પણ એનું રૂપ ન ઊઘડી આવ્યું હોય, આ રીતે લાગણી એનું રૂપ પામે ત્યારે જ એની ઉપલબ્ધિ તે સાચી ઉપલબ્ધિ બની રહે છે. જેમ આપણે દર્પણની આરપાર જોઈ શકતા નથી તેમ આવી કૃતિની સપાટી આગળ માત્ર પ્રતિકૃતિ જોઈને આપણે અટકી જઈએ છીએ. નર્યા લાગણીવેડામાં નાટકીપણું, ઉપરછલાપણું ને નકલીપણું હોય છે, કેળવાયેલી રસવૃત્તિને તેની જુગુપ્સા જ થાય છે. બધી જ સંવેદનાની શરૂઆત આવી લાગણીથી થાય છે, પણ સર્જનની પ્રક્રિયા દરમિયાન એના પર સંસ્કાર થાય છે, એને એનું રૂપ અને મર્મ પ્રાપ્ત થાય છે. પણ લોકપ્રિય ગણાતી કૃતિનો લેખક લાગણી આગળ જ અટકી જાય છે, એટલાથી જ એ એનો વેપલો ખેડે છે. રસાનુભવને માટે આવશ્યક ‘psychic distance’ એમાં જળવાતું નથી. વિલિયમ જેમ્સે રશિયાના ઉમરાવની સ્ત્રીનો દાખલો ટાંક્યો છે. એ કરુણાન્ત નાટક જોતી આંસુ સારે છે ને બહાર એનો કોચમેન બરફમાં ઠરી ગયો છે. એ સ્ત્રીનાં આંસુમાં લાગણીવેડા છે, કારણ કે જે સાચી કરુણ પરિસ્થિતિ છે તેની એ અવગણના કરે છે. એની લાગણીનું વિરેચન થયું છે એમ શી રીતે કહી શકાય? એનામાં લાગણીવેડા છે, પણ લાગણી નથી. ડ્યૂઇએ લાગણીવેડાની સાચી વ્યાખ્યા આપી છે: ‘Excess of receptivity without perception of meaning’. લાગણીવેડામાં લાગણીની ઉત્કટતા પર ભાર મૂકવામાં આવે છે. એના મર્મની વાત મહત્ત્વ પામતી નથી.
નવેમ્બર, 1969