હતાશા, અસ્તિત્વવાદ અને નવલિકા

પહેલો પ્રશ્ન તો એ થાય કે સર્જનાત્મક સાહિત્ય કોઈ વાદને વર્તીને રચાય ખરું? હા, એવું બને છે ખરું કે કેટલાક લેખકો પોતે અમુક વાદના પુરસ્કર્તા હોવાનો દાવો કરે છે. એ સ્વીકારીએ તોય, અમુક વાદને માટેની એમની બૌદ્ધિક કે ભાવાત્મક સંમતિ એમની રચનાનું વિધાયક બળ બને છે એવું કહી શકાશે ખરું? આથી ઊલટું, જેમણે અસ્તિત્વવાદ જેવી સંજ્ઞાનું નામ સુધ્ધાં સાંભળ્યું ન્હોતું એવા લેખકોની કૃતિઓમાંથી પણ અસ્તિત્વવાદ ક્યાં નથી ઘટાવવામાં આવ્યો? દોસ્તોએવ્સ્કી એનું બહુ જાણીતું ઉદાહરણ છે. ‘બ્રધર્સ કારામાઝોવ’ નામની એની નવલકથામાં એક પાત્ર કહે છે – જો ઈશ્વર જ મરી પરવાર્યો હોય તો પછી બધું જ શક્ય છે. વળી એ જ દોસ્તોએવ્સ્કીની રચનામાં આવું વિધાન પણ આવે છે. ‘આપણે સૌ આ જે કાંઈ બને છે તે માટે જવાબદાર છીએ.’ ભગવદ્ગીતાનો અર્જુન પણ કોઈ અસ્તિત્વવાદી કથાના નાયક જેવો લાગે છે. એની સમસ્યાનું સ્વરૂપ એ જ પ્રકારનું છે.

આપણે એ સ્વીકારીએ કે અસમ્પ્રજ્ઞાતપણે આપણી અમુક માન્યતાઓ આપણા સર્જન પર પ્રભાવ પાડતી હોય છે. પણ એ બીજાં અનેક પ્રભાવ પાડનારાં બળો પૈકીનું એક બળ છે. વાદ જોડે વિવેચકને લેવાદેવા છે. અર્થઘટન કરનારા કૃતિની સમગ્રતામાંથી અર્થોને તથા વાદોને જુદા પાડીને તારવે છે. જો કૃતિ કોઈ વાદની ચાડી ખાતી હોય તો એમ જ કહેવું પડે કે એ શુદ્ધ સર્જન નથી, એમાં સામગ્રીનું પૂરેપૂરું રસાયણ થયું નથી. એમાં પ્રચારના અંશો રહી ગયા છે. કળામાં શુદ્ધતા એ તો એક આદર્શ છે એ કબૂલ, છતાં જો સર્જકે સ્વીકારેલો વાદ જ કોઈ કૃતિનું પ્રેરક બનતો હોય તો દરેક સર્જકને અભિમત એવી સર્જન કરનારની સ્વતન્ત્રતાને એ બાધક નીવડ્યો છે એમ જ કહેવું પડે. મિલ્ટનનું ‘પેરેડાઇઝ લોસ્ટ’ એની ધામિર્ક માન્યતાઓને જેટલે અંશે એમાં રહેલી કળાને કારણે ઉલ્લંઘી જઈ શક્યું છે તેટલે અંશે આસ્વાદ્ય બની રહે છે. ત્યારે ભાવકને પણ લેખકની અંગત માન્યતાઓ કે પોતાની અંગત માન્યતાઓ રસાસ્વાદમાં વિઘ્નરૂપ બની રહેતી નથી.

એક બીજી વાત પણ નોંધવા જેવી છે, કોઈએ અસ્તિત્વવાદી કવિતાનો ઝાઝો ઉલ્લેખ કર્યાનું જાણ્યામાં નથી. અસ્તિત્વવાદીઓમાંથી ઘણા ખરા લેખકો નવલકથાકાર છે કે નાટ્યકાર છે. કૅમ્યૂ અને સાર્ત્રનો વાર્તાસંગ્રહ એક એક જ છે. એ બંનેએ કવિતા લખી નથી. આમેય તે નાટક અને નવલકથાને ઘણા વિવેચકો શુદ્ધ સાહિત્યપ્રકાર ગણતા નથી, ને એ બહુ સૂચક છે કે વાદ વિશેની ચર્ચા મોટે ભાગે આ બે સાહિત્ય સ્વરૂપોના અનુલક્ષમાં જ થતી જોવામાં આવે છે. અસ્તિત્વવાદે કરેલાં મૂળભૂત વિધાનો કે તેનાં ભાષાન્તરો અસ્તિત્વવાદનું નામ પણ સાંભળ્યું નહીં હોય એવા કવિની કવિતામાંથી શોધી આપી શકાય પણ સાચા અર્થમાં એવી છૂટીછવાઈ થોડી પંક્તિઓમાંથી તાણીતૂસીને ખેંચી કાઢેલા અસ્તિત્વવાદને સમર્થક વિધાનોને આધારે આપણે કોઈ કવિને અસ્તિત્વવાદી નહીં કહીએ કારણ કે અસ્તિત્વવાદ એની રચનાનું વિધાયક બળ નથી.

અસ્તિત્વવાદની સાથે જોડવામાં આવી છે હતાશા. વાસ્તવવાદીઓએ પણ હતાશાને પંપાળી છે. રોમેન્ટિક કવિઓ તો લિજ્જતથી હતાશાનો સ્વાદ લેતા હોય છે. જેમ આશા તેમ હતાશા સર્વકાળના સાહિત્યમાં જોવામાં આવે છે. પણ પીઠિકા જુદી હોય છે, આથી આજની કવિતામાં, નવલિકામાં જ્યાં જ્યાં હતાશા દેખાય ત્યાં ત્યાં અસ્તિત્વવાદનો અણસાર જોવો તે યોગ્ય નથી. વિષમ સામાજિક પરિસ્થિતિનો ભોગ બનેલાઓની હતાશા, શોષક વર્ગનો ભોગ બનેલાઓની હતાશા કે સ્વપ્નસૃષ્ટિની મરીચિકા પાછળ દોડતા રોમેન્ટિકોની હતાશા તે જુદી વસ્તુ છે. અસ્તિત્વવાદીની હતાશા તે આથી જુદી વસ્તુ છે. એ માનવીય સન્દર્ભની પાયાની અસંગતિમાંથી જન્મે છે, આજુબાજુનું વિશ્વ કે પ્રકૃતિ આપણી આજુબાજુનો પરિવેશ આપણી પરત્વે સાવ ઉદાસીન છે. મારા સુખદુ:ખ સાથે સૂરજ ચન્દ્રને, પવનપાણીને કશી લેવાદેવા નથી. દુ:ખમાં હોઉં તો મારા પ્રશ્નોનો જવાબ મારે મારામાં જ શોધવો રહ્યો. લાખ્ખોનાં ભીષણ મૃત્યુ પછી હિરોશિમાના આકાશમાં ચન્દ્રની ચાંદની તો રોમેન્ટિકોને ગમે એવી જ રહી, એ ધરતી પર વળી તૃણાંકર ફૂટ્યાં. હું એને રોષથી મૂરખ તણખલું કહું તેથી શું? માનવી મરણશીલ છે, એની શક્તિઓ મર્યાદિત છે, એ અનેક પ્રતિકૂળતા વચ્ચે જીવે છે, એ અનેક પ્રતિકૂળતા વચ્ચે હૃદય અને બુદ્ધિની સંઘર્ષભૂમિ પર જીવે છે છતાં એની આશા, આકાંક્ષાને સીમા નથી. એના જ્ઞાનની આડે એ કોઈ મર્યાદા મૂકવા માગતો નથી. એ મરણને ઉલ્લંઘીને અમરતા પામવા ઇચ્છે છે. કશીક અદીઠ અણજાણ વસ્તુ માટે એ જીવનનો બલિ આપી દે છે. આ માનવીય પરિસ્થિતિ, એના મૂળમાં રહેલી આ અનિવાર્ય અસંગતિ એ વિષાદનું કારણ છે. હતાશા એ યોગ્ય શબ્દ નથી. એનો અનુવાદ તો frustration થશે. અસ્તિત્વવાદીઓના metaphysical anguishનું સ્વરૂપ જુદું છે. માણસ વૈશ્વિક અસ્તિત્વની સમગ્રતાને આંબી શકતો નથી માટે આધારરૂપ બની રહે એ જ હેતુથી એને વ્યાપી લઈને રહેનારા કોઈક પરમ તત્ત્વની કલ્પના કરવા એ પ્રેરાય છે, પણ અસંગતિ એ છે કે જ્યારે જ્યારે એનો એ આધાર લેવા જાય છે ત્યારે એ ઠગાય છે, આમ માનવી મિસીંગ ગોડ અને indifferent universe વચ્ચે જીવે છે. કશાક દૈવી કે ઈશ્વરી આધાર વિના કે બહારથી કોઈની બાંહેધરી પામ્યા વિના જીવન જીવવું એટલું જ નહીં પણ એને અર્થપૂર્ણ બનાવવું – આ માનવીની પરિસ્થિતિ છે, ને એમાં જ અસંગતિ રહેલી છે. આ અસંગતિની વિશદ સંવિત્તિને ભ્રાન્તિથી ઢાંકવી તે માનવીનું પાપ. પણ એની નિર્ભ્રાન્ત સંવિત્તિને પરિણામે જે વિષાદ ભોગવવાનો આવે તેને ભોગવવો તે માનવીનો માનવ તરીકેનો સાચો વારસો. હતાશા અને અસ્તિત્વવાદીને અભિપ્રેત એવા અસંગતિજન્ય વિષાદ વચ્ચે વિવેક કરવો ઘટે. માનવી જ્યારે જ્યારે કોઈ પરમ તત્ત્વમાંથી સાધિત એવું વ્યક્તિત્વ લઈને જીવવા જાય છે ત્યારે એના નસીબમાં આવી નિર્ભ્રાન્તિ જ રહી હોય છે.

તો અસ્તિત્વવાદી નવલિકા કેવી હોઈ શકે? આપણે અહીં એનો એક મુસદ્દો ઘડી જોઈએ, નવલિકા એક સન્દર્ભ રચી આપે છે. એ સન્દર્ભ એવી રીતે રચાયો હોય છે કે નવલિકા લઘુ સાહિત્યસ્વરૂપ હોવા છતાં એનાં પરિમાણો આપણા ચિત્તમાં વિસ્તરીને સમસ્ત માનવીય સન્દર્ભને વ્યંજિત કરે છે. એ માનવીઓનો સન્દર્ભ છે માટે એમાં માનવી તો હોવાનો જ. તો અસ્તિત્વવાદની પીઠિકાવાળી નવલિકામાં માનવી કેવો હશે?

ધારો કે નવલિકામાં પ્રારમ્ભમાં જ લેખક આપણને એક પાત્ર બતાવે છે. એ યુવાન છે, પુરુષ છે. આપણો લેખક તો એને સરસ મજાનું નામ આપશે, કેમ જાણે એ નામથી જ એ પાત્રમાં કશું ઉમેરાતું ન હોય? આપણે એ પાત્રને કહીશું ‘અ’. આ આપણને ભૂમિતિમાંથી ભૂલો પડેલો લાગે છે. પણ ભૂમિતિના સંસ્કાર પણ મનમાંથી ભૂંસી નાંખો. માનવીનું માનવ્ય જેવું કશુંક તત્ત્વ અસ્તિત્વવાદીઓ સ્વીકારે ખરા? સૌ માનવીને એક તન્તુએ બાંધનારું માનવ્ય જેવું તત્ત્વ કૅમ્યૂ સ્વીકારે છે. પણ એ તત્ત્વ કોઈ નિરપેક્ષ આત્યન્તિક સત્યના સ્વરૂપનું નથી, જેને આધારે માનવીઓનું વર્તન પૂર્વનિર્ણીત બની ચૂકીને નિયન્ત્રિત થતું હોય, એ અર્થમાં એ ‘ઇસેન્સ’ નથી. સાર્ત્ર એને માનવ્ય નહીં કહેતાં માનવીય પરિસ્થિતિ કહે છે. આ human situation એ નક્કી થઈ ચૂકેલી કે નિશ્ચિત આકાર પામી ચૂકેલી હોતી નથી. આવી બધી જ સમ્ભવિતતા અને શક્યતાના દ્વાર ખુલ્લાં છે. આથી અસ્તિત્વવાદીઓ સાહિત્યને literature of possibility કહે છે. અમુક નિયત લક્ષણોવાળા માનવીને અસ્તિત્વવાદીઓ સ્વીકારતા નથી, કારણ કે આ પૂર્વનિર્ણીત લક્ષણો એના ભવિષ્યના વર્તનની દિશાને નિયન્ત્રિત કરે છે, ને એવું પાત્ર વિશેનું દૃષ્ટિબિન્દુ સર્જનાત્મક નહીં, અનેક શક્ય સમ્ભવિતતાઓને સ્વીકારનારું નહીં પણ mechanistic બની જાય છે.

એટલે વાર્તામાં ‘અ’ આપણી આગળ ખડો થાય છે ત્યારે એ આગળ પાછળથી કશું લાવ્યો નથી. એ આપણી સમક્ષ આવીને જ જીવવું શરૂ કરે છે. આ એની તેમ જ આપણી સૌ કોઈની સ્વતન્ત્રતા છે. પરિસ્થિતિઓ પરિવર્તન પામતી રહે છે. આ રીતે shifting situation એ આવી નવલિકાની લાક્ષણિકતા છે. ‘અ’ને તમે જુઓ છો, લેખક એને બતાવવામાં જો ‘અ’ના મનના ભાવો બતાવવા જાય તો એને અસ્તિત્વવાદીઓ પસંદ નહીં કરે. ધારો કે આપણો લેખક આવું વર્ણન કરે છે: ‘અ’ દર્પણ પાસે જઈને ઊભો રહ્યો. એને પોતાના ચહેરા પર વિષાદ જોયો. એના હૃદયમાં વિષાદનો સાગર ઘૂઘવતો સાંભળ્યો. એમાં જાણે એ ક્ષણભંગુર બુદ્બુદ્ની જેમ ખોવાઈ જતો હતો.

આટલું સાંભળીને અસ્તિત્વવાદી તરત માથું ધૂણાવીને કહેશે. ના, આ ન ચાલે. તમે સર્વજ્ઞ હશો. અન્તર્યામી હશો. પણ અમને જાતે જ બધું જોવા દો. તમારી પાસે કશું ઉછીનું લઈને વાર્તામાં આગળ ચાલવા માગતા નથી. જે જીવાતાં જીવાતાં પ્રકટ થતું આવે તે સાચું. જેનો અધ્યારોપ થાય તે આકસ્મિક. લેખક જે મનોગતનો અધ્યારોપ કરે છે તેથી બીજા પ્રકારની પરિસ્થિતિની પણ સમ્ભવિતતા રહેલી છે. લેખકે તો સમ્ભવિતતાની દિશામાં દ્વાર ખોલી આપવાનું, પછી ટીકાટિપ્પણ કરવા ઊભા રહેવાનું નહીં.

વારુ, ‘અ’ છે તો ‘બ’ પણ છે. એ હાજર નથી. એની અનુપસ્થિતિ વિશે ‘અ’ વિચાર કરે છે. અહીં પણ અસ્તિત્વવાદીઓ એમ જ કહેવાના કે ઉપસ્થિત ‘અ’ અને અનુપસ્થિત ‘બ’ એ બે જુદી પરિસ્થિતિઓ છે. ‘બ’ હાજર હોય ત્યારે અનેક પ્રકારની સમ્ભવિતતાઓ પ્રકટ થતી આવે, એ પરત્વેનો ‘અ’ નો પ્રતિભાવ એ રીતે અનેક સમ્ભવિતતાઓને પ્રકટ કરે. પણ ‘બ’ ગેરહાજર હોય છે ત્યારે ‘અ’ની એને વિશેની સ્મૃતિ, એમાંથી ઘડાતો ખ્યાલ એની સીમામાં એ જકડાઈ જાય છે. વળી વર્તમાનમાં એ છે નહીં માટે એને વિશે કશું બનતું નથી. આ મર્યાદા અનિવાર્યતયા આવી જાય છે. આને પરિણામે વળી લેખક ‘બ’ વિશેનું ‘અ’નું મનોગત અન્તર્યામીની અદાથી વર્ણવવા બેસી જાય છે.

અસ્તિત્વવાદી માને છે કે પરિસ્થિતિ સાથેનો પાત્રનો સમ્બન્ધ અપરોક્ષ હોવો જોઈએ. અસ્તિત્વવાદીઓની દૃષ્ટિએ જેને આપણે ચેતના કહીએ છીએ તે શૂન્ય છે. જેમ શેતરંજમાં બધાં જ ખાનાં ભરેલાં હોય તો કોઈ પ્યાદું ગતિ કરી જ ન શકે. એ માટે ખાનું ખાલી હોવું જ જોઈએ. આ રીતે ચેતના શૂન્ય છે ને દરેક પ્રસંગે એ જ્યારે વ્યક્તિ કે પરિસ્થિતિના સમ્પર્કમાં આવે છે ત્યારે એને સામગ્રી પ્રાપ્ત થાય છે.

‘અ’ છે ને ‘બ’ આવે છે. ત્યાં બીજી મુશ્કેલી ઊભી થાય છે. ‘અ’ પોતે પોતાને મન જે છે તે એક સમ્ભવિતતા, પણ ‘અ’ ‘બ’ને મન પણ કંઈક છે તે ‘અ’ની બીજી સમ્ભવિતતા. આ જ પ્રમાણે ‘બ’ જે પોતાને મન છે તે એક સમ્ભવિતતા, અને એ જે ‘અ’ને મન છે તે બીજી સમ્ભવિતતા. આ આપણે પૂરેપૂરી રીતે જાણી શકીએ નહીં કારણ કે માનવી હોવું એની સાથે જ સંકળાયેલી આ મર્યાદા છે. વળી એક બીજા સાથેના વર્તનમાં આપણને સામેની વ્યક્તિ વિશે નિર્ણયો તો કરવા જ પડે, એને આધારે આપણે ક્રિયાશીલ બનીએ, કોઈના વર્તન વિશે ચુકાદો આપી બેસવાનું તો માનવ સ્વભાવમાં જ છે. પણ આમ કરવા જતાં આપણે આપણો એવો આશય હોય નહીં તોય ભૂલ કરી બેસીએ, અન્યાય કરી બેસીએ. અસ્તિત્વવાદીની દૃષ્ટિએ જો પાપ જેવું કશું હોય તો તે આ. હું મારી સ્વતન્ત્રતા અબાધિત રાખું, પણ એ સ્વતન્ત્રતાને કારણે બીજાની સ્વતન્ત્રતા પર આક્રમણ કરું તો તે ‘bad faith’. તેવી જ રીતે પસંદગી કર્યા પછીથી એ કાર્યમાંથી નીપજી આવતી બધી પરિસ્થિતિઓને સ્વીકારું નહીં ને એમ કરવા માટે બુદ્ધિથી ખોટાં કારણો ઊભાં કરી બીજાને છેતરું તો તે પણ ‘bad faith’, આમ અસ્તિત્વવાદી પરપ્રત્યયનેય હોતો નથી. એણે જીવીને જાણેલા સત્યમાં જ authenticity હોય. એ ત્રિકાલાબાધિત ન હોઈ શકે, પણ એના વ્યક્તિત્વને જે ગરિમા પ્રાપ્ત થાય તે આવા જીવાતા જીવન દ્વારા સિદ્ધ થતા આવતા સત્યથી, એ સિવાયનું તે કૃતક સત્ય. આથી જીવનમાં કશું જ તુચ્છ કે શ્રેય લેખી શકાય નહીં, કારણ કે ‘Nothing is settled and everything matters’.

આ રીતે અસ્તિત્વવાદી નવલિકામાં અસ્તિત્વના પાયામાં રહેલી અસંગતિનો સ્વીકાર હોય છે. ઈશ્વર વિનાના તે માનવીનાં સુખદુ:ખ પરત્વે ઉદાસીન એવા વિશ્વ વચ્ચે જીવન જીવી જવાનો પુરુષાર્થ હોય છે, ને તેય અર્થપૂર્ણ રીતે. માનવ એકાકી દ્વીપ નથી પણ માનવ્યના સૂરે એ સૌ સાથે બંધાયેલો છે, માટે એની જવાબદારી પણ એટલી જ મોટી છે. He is commited to humanity. એને માટે મોટી પ્રાપ્તિ તે પોતાની authenticity, મોટું પાપ તે ‘bad faith’, આત્યન્તિક ને અફર મૂલ્યો પર સ્થપાયેલા સમાજનો વિદ્રોહ તે એની ફરજ. એમાં બલિ થનારા માટે એને સહાનુભૂતિ. આ બધું આપણી નવલિકાઓમાં છે ખરું?

જાન્યુઆરી, 1969

License

શૃણ્વન્તુ Copyright © by સુરેશ હ. જોષી. All Rights Reserved.